સાહિત્યમાં પર્યાવરણીય સંવેદનો : કેટલાંક સંકેતો

-પ્રકાશ પરમાર

આરંભ ઉમાશંકર જોશીની આ કાવ્ય પંક્તિથી….

                             ‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી;

                              પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ ‘

       મનુષ્ય અને પર્યાવરણનાં સહ અસ્તિત્વની વાત છે. વિશાળ જગતમાં માનવ જીવનની સાથે કોનું  સહ અસ્તિત્વ જોડાયેલું છે; તે ઉમાશંકર જોશી બતાવે છે. પશુ, પંખી, પુષ્પો, વન-વૃક્ષ આદિ તત્વો મનુષ્ય જીવન સાથે જોડાયેલા છે. આદિકાળથી મનુષ્યનો પ્રકૃતિ સાથે અતુલ સંબંધ છે. મનુષ્ય જીવન જીવવાની કળા પણ પર્યાવરણ પાસેથી જ શીખ્યો હશે. તેનામાં વાસ્તવિકતા અને કલ્પનાનો ભેદ કરવાની શક્તિ ન હોવાથી તે પર્યાવરણના સજીવ અને નિર્જીવ પદાર્થોની ગુઢ શક્તિઓનો ઉપયોગ કરવા લાગ્યો. તે ખોરાક, રહેઠાણ અને પહેરવેશ જેવી પ્રાથમિક જરૂરિયાતો તેમજ સંરક્ષણ માટે હથિયારો પણ  પર્યાવરણ પાસેથી જ  મેળવતો થયો. આમ, મનુષ્ય પર્યાવરણમાંથી નવું નવું શીખવાની સાથે પોતાનું માણસ ઘડતર કરીને; તેના જ્ઞાનમાં સતત વધારો કરતો રહ્યો છે.

    પ્રાચીન સમયથી મનુષ્યમાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા જોવા મળે છે; તે ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. વેદ પુરાણાદિ આપણા ધર્મગ્રંથોમાં દેવી-દેવતાનાં વાહન તરીકે વિવિધ પ્રાણીઓને મહત્વ આપવામાં આવ્યું છે. તેમાં કદાચ ધાર્મિકતાને નામે પર્યાવરણની જાળવણીની નિસબત હશે; તેવું માની શકાય. આ ધાર્મિક ભાવનાને કારણે કેટલાંક જીવો(પ્રાણીઓ)નું પૂજન થાય છે. પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં બે બાબતો મહત્વની છે. ધાર્મિકતા અને શિકારવૃત્તિ. ભારતીય સંસ્કૃતિમાં શક્તિ પૂજાનો મહિમા વધવાને કારણે કેટલાંક નિર્દોષ જીવોને બલિના નામે ભોગ (મારવામાં) લેવામાં આવતો હતો. તો બીજી બાજુ મનુષ્યની શિકારવૃત્તિને કારણે કેટલાંય પર્યાવરણી જીવોનો નાશ થતો રહ્યો છે. આ પ્રકારના વિનાશને અટકાવવા માટે જે તે સમયે સાહિત્યકારોએ પોતાની વાત પ્રજા સમક્ષ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.

  પર્યાવરણના વિવિધ તત્વોને હાની-નુકસાન મોટાભાગે મનુષ્ય દ્વારા જ થતું હોય છે. એક નિર્દય દ્વારા હાની પહોંચતા બીજો સહ્રદય તેને જોઈને દુઃખી થતો હોય છે. ‘રામાયણ’ના ક્રોંચ યુગલનાં પ્રસંગમાં તે સિદ્ધ થાય છે. પ્રણય મગ્ન તે જોડામાંથી પારધી દ્વારા એકનો વધ થવાથી વિલાપ કરતી ક્રોંચીને જોઈને વાલ્મીકિનું હૃદય પણ દ્રવિ (હચમચી) ઊઠે છે. અને તરત જ પેલા શિકારી માટે તેના મુખમાંથી કરુણવાણી નીકળે છે.

मा निषाद प्रतिष्ठां त्वमगमः शाશ્વती: समाः।

यत्क्रोंच मिथुनादेकमवधीवधी: काममोहित।।

    વાલ્મીકિની  પક્ષી પ્રત્યેની આ કરુણા જ મનુષ્યમાત્રની સંવેદનશીલતા બતાવે છે. તેમના હૃદયમાંથી નીકળેલ આ કરુણા ચિત્કાર જ કાવ્ય(સાહિત્ય)નાં આરંભનું નિમિત્ત બને છે. આવી કરુણતામાંથી ઉદભવેલાં સાહિત્યમાં પર્યાવરણના વિવિધ તત્વોનું સંવેદન ન હોય તો જ આશ્ચર્ય? આ રીતે મનુષ્ય જીવનની અનેકવિધ ઘટનાઓની સાથે પર્યાવરણના તત્વો અને તેની ઘટનાને ગાઢ રીતે સંકળાયેલી હોય છે. આમ, સાહિત્યમાં મનુષ્ય જીવનનું સીધું પ્રતિબિંબ હોવાથી તેમાં પર્યાવરણનું આલેખન હોય તે સ્વાભાવિક છે.

    પર્યાવરણનાં વિવિધ તત્વોનો વિનિયોગ કરીને અનેક સર્જકો માનવ સમાજને તેના પ્રત્યે જાગૃત કરવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. ‘રામાયણ’, ‘મહાભારત’ જેવા મહાકાવ્યો પણ તેમાંથી બાકાત રહ્યા નથી. ‘રામાયણ’ તો મનુષ્ય અને પર્યાવરણનાં સંબંધના આલેખનનો પર્યાય છે; એવું કહેવામાં અતિશયોક્તિ નથી. પર્યાવરણને હાનિ પહોંચાડતા મનુષ્યને સતત ભોગવવાનું આવે છે. તે દશરથ, રામ અને રાવણના પાત્ર દ્વારા સિદ્ધ થાય છે. મૃગ વધનો પ્રયાસ કરતા દશરથ  દ્વારા મનુષ્ય મરાય છે; તેના પરિણામે પુત્ર વિયોગ સહન કરવો પડે છે. જ્યારે રામને મૃગયાને કારણે પોતાની પત્નીથી છૂટા પડીને વન-વન ભટકવું પડે છે અને તે પ્રકૃતિના જીવો વાનર, રીંછ અને જટાયુ આદિની મદદથી સીતાને પાછી મેળવી શકે છે. તો રાવણને કરેલા પક્ષીવધ (જટાયુ) ને કારણે તે પોતાના કુળનો વિનાશ નોતરે છે.’મહાભારત’માં ખાંડવવન દહન પ્રસંગે અર્જુન દ્વારા પર્યાવરણનો ભયંકર વિનાશ થાય છે. તેમાં અસંખ્ય જીવો (નાગજાતિ)નો નાશ થાય છે; તો બીજી બાજુ રાજસૂય યજ્ઞ પ્રસંગે તે જ અર્જુન નાગલોકમાં મૈત્રી સંબંધ બાંધવાનો પ્રયત્ન કરે છે. આ વિરોધાભાસ કઠે તેઓ છે; તેમ છતાં આ પ્રકારની કૃતિઓમાં પર્યાવરણની પરસ્પર ઉપકારકતાનું આલેખન ભિન્નતાથી થયું છે.

       ‘રઘુવંશમ’ મહાકાવ્યમાં કાલિદાસે શિવ અને પાર્વતીનાં પાત્રો દ્વારા પર્યાવરણ પ્રત્યેની પોતાની અને સમાજની નિસબતને જુદી રીતે મૂકી છે. વૃક્ષ ઉછેરવાની વાત જોઈએ.

                अमुपुरः पश्यसि देवदारुं पुत्रीकृतोड्सो वृषभध्वजेन।

यो हेमकुंभस्तनानिः सुतानां स्कंधस्यं मातृ: पयसां रसज्ञ:।।

 અહીં દેવદારુંના વૃક્ષને શિવ પુત્ર સમાન ગણે છે. પાર્વતીએ પોતાના પુત્રને સ્તનપાન કરાવ્યું; તેમ સોનાના ઘડા વડે આ વૃક્ષને પાણીનું સિંચન કર્યું છે. જંગલી હાથી દ્વારા તેની છાલ છોલાઈ જવાથી (ઘાયલ થયેલા કાર્તિકની જેમ) પાર્વતી દુઃખી થાય છે. તેથી તેની રક્ષા માટે સિંહની નિયુક્તિ કરે છે. પર્યાવરણના તત્વને તેના જ કોઈ એક તત્વ દ્વારા હાની અને મનુષ્ય (સજીવ) દ્વારા તેની રક્ષા ની વાત છે. બીજા એક પ્રસંગમાં તે સિંહ ભોજન માટે નંદિની ગાય પર આક્રમણ કરે છે; ત્યારે માનવી (દિલીપ)ગાયને બદલે પોતાની જાતનું ભોજન કરવા સિંહને નિવેદન કરે છે.

‘स त्वं मदीयेन ना शरीरवृत्तं देहेने निर्वतेयितुतेयितुं प्रसाद।‘ પોતાના પ્રાણના ભોગે રક્ષા કરવા તૈયાર થયેલા રાજા દિલીપને સિંહ પ્રલોભન આપે છે; છતાં તે વિચલિત થતો નથી. તો ‘અભિજ્ઞાન શાકુંતલમ’ નાટકના આરંભમાં કણ્વના બે શિષ્યો મૃગનો શિકાર કરતા દુષ્યંતને અટકાવે છે.

‘न खलु न खलु बाण: संनिपात्योड्यमसंनिपात्योडयमस्मित।‘

   મનુષ્ય અને પ્રાણી વચ્ચેની આત્મીયતા શકુંતલાના વિદાય પ્રસંગે તેના વસ્ત્રને પકડીને રોકતા મૃગમાં દેખાય છે. આમ, કાલિદાસ પોતાની કૃતિઓમાં મનુષ્યની પર્યાવરણ પ્રત્યેની નિસબતને બતાવવાનો પ્રયત્ન કરે છે. આવાં અનેક ઉદાહરણ સંસ્કૃત સાહિત્યમાં મળે છે.

     ગુજરાતી સાહિત્યમાં પણ તેનો વિનિયોગ થયો છે. પ્રકૃતિના સજીવ અને નિર્જીવ તત્વોનું આકર્ષણ દલપત- નર્મદના સમયથી રહ્યું છે. જેનો અહેસાસ ‘બાપાની પીપર’, ‘કબીરવડ’ જેવા કાવ્યો કરાવે છે. આપણે અહીં પર્યાવરણને હાની પહોંચતા મનુષ્યને થતી વેદના તરફ કેટલાંક કાવ્યસંકેતો જોઈએ. આ સંદર્ભે કવિ કલાપીનું નામ મોખરે આવે છે. તેમને ‘મને જોઈને ઉડી જતા પંખીઓ’, ‘ એક ઘા’, ‘ સારસી’ જેવાં કાવ્યોમાં કવિએ પક્ષીઓનું અલગ અલગ સંવેદન આલેખ્યું છે. તેમને મનુષ્ય અને પર્યાવરણના તત્વોને જુદાં જુદાં સંદર્ભે નિરૂપ્યાં છે. જેમકે માનવીના સનાતન ભયને કારણે ઉડી જતાં પક્ષીઓને જોઈને કવિને આશ્ચર્ય થાય છે. નિર્દોષ પક્ષીઓ તરફ જગતના લોકોની જોવાની દૃષ્ટિ, મનુષ્યની ક્રુરતા અને માનવ સહજવૃત્તિને સરસ રીતે અહીં બતાવી છે.

“ જો ઉડો તો જરૂર ડર છે, ક્રુર કો હસ્તનો, હા!

પાણો ફેકે તમ તરફ રે !  ખેલ એ તો જનોના !

દુખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી,

રે રે !  સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી. “

પંખીને પોતાના ભયથી ન ઊડવાનું કહેનાર કવિ તેના પર પથ્થરો ફેંકતા, તેને પર ઘા કરવાથી તરફડતું જોઈને દુઃખ અનુભવે છે. તેનો વસવસો પણ છે. તેથી જ કહે છે કે.

“તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો

છૂટ્યો તેને સરર! પડી ફાળ હૈયા મહીં તો”

   ‘સારસી’ જેવા કાવ્યમાં માનવીની શિકાર લાલસાને કારણે ભોગવવા પડતા દુઃખને કવિએ આલેખ્યું છે. આરંભે સારસીનાં દુખે માનવી પણ પીડા અનુભવે છે.

“ઓહોહો ! પાંખ પ્રીતિની તેની તૂટી ગઈ દિસે,

આવું આ પક્ષી, તેનેય આવી પીડા ખરી, અરે?”

   જગતમાં સારસીની જોડી એકબીજા પ્રત્યેના અપાર પ્રેમનું ઉદાહરણ પૂરું પાડે છે. આ યુગલમાંથી એકનો વધ થતા માદા આક્રમ કરે છે. તેની પીડા મનુષ્યને પણ હચમચાવી મૂકે છે. તેથી જ કવિ નિયતિને પ્રશ્ન કરી બેસે છે…

“દર્દીના દર્દની પીડા વિધિનેય દીસે ખરી,

અરે ! તો દર્દ કાં દે છે,  ને દે ઔષધ કા પછી?”

આ રીતે પક્ષીઓને હાની પહોંચતા માનવીને થતા દુઃખનું આલેખન ઘણા કવિઓ જુદી જુદી રીતે કરે છે.

     પર્યાવરણનો એક જીવ ‘મૃગ’ (પ્રાણી)નાં સંવેદનને જોઈએ. મનુષ્યની શિકારવૃત્તિને કારણે ઘણાં નિર્દોષ પ્રાણીઓ હણાય છે. તેમાં મૃગ પણ છે. મૃગએ શિકાર માટેનું પસંદગીનું પ્રાણી હોવાથી જ તો પ્રાચીન સમયમાં ‘મૃગીયા’ શબ્દ વપરાતો હતો. મનુષ્યની શિકાર વૃત્તિને પોષવા ‘મૃગ’ જેવા ભોળા નિર્દોષ પ્રાણીને હણવા તે કેટલું વ્યાજબી ગણાય. ‘રામાયણ’, ‘મહાભારત’થી માંડીને અનેક કૃતિઓમાં નિર્દોષ પ્રાણીને વધને કારણે હંમેશા મનુષ્યને ભોગવવાનું આવે છે, તે સાર્થક થાય છે. આ ‘મૃગ’ના સંવેદનને કેટલાંય ગુજરાતી કવિઓએ પોતાની રચનાઓમાં જુદી જુદી રીતે રજૂ કર્યું છે. તેમાં કાન્ત, કલાપી, નર્મદાશંકર ભટ્ટ અને રાજેશ પંડ્યા આદિના કાવ્ય સંકેતો જોઈએ.

    કાન્ત ‘મૃગતૃષ્ણા’ કાવ્યમાં ઉગ્ર સૂર્યપ્રકાશ અને પ્રચંડ વાયુમાં બુંદ પાણી માટે દોડતી તડપતી હરણીની વ્યથા બતાવે છે. સતત દોડવાને કારણે થાકેલી હરણી મૂર્છિત થતા સહજતાથી કવિ  નિયતિને પ્રશ્ન કરી બેસે છે.

“રે  શું   વિધિ કરહીન  હશે  બહુ  જ,

નિર્દોષતા તણી નહીં કંઈ હોય બૂજ?

આકાશમાં  ક્યમ  ચડી નહિ મેઘ આવે

આ નિષ્કલંક પશુને દુઃખથી મુકાવે ?.”

કુદરતની ક્રુરતા અને કોમલાંગની હરણી બુંદ પાણી માટે નિર્થક પ્રયત્ન કરીને પોતાનો પ્રાણ ગુમાવે છે. તેથી જ તો કવિને દુનિયામાં જીવવું અસહ્ય થઈ પડે છે.

“નથી  ઈશ્વર  દુઃખીનો : થયું  જે  જે  હતું  થવું,

દુનિયામાં હવે શાને,  અરે રે !  હાય !  જીવવું. ? “

     કલાપીએ ‘વીણાનોમૃગ’કાવ્યમાં મનુષ્ય અને પ્રાણી સાથેની તાદાત્મ્યતા જુદી રીતે આલેખી છે. એક સંગીત પ્રિય મૃગ મનુષ્ય સાથેની લાગણીને કારણે દરરોજ રમતો-ભમતો સંગીત સાંભળવા આવે છે. કન્યા  એ મૃગને જોઈને હર્ષોલ્લાસ અનુભવે છે. બંને એકબીજાના ભાવો કળી જતા હતાં. એકબીજાને ખુશ કરવા નવીન ચેષ્ટાઓ કરે છે. તેમાં એકબીજા પ્રત્યેનો અનુરાગ, એકમયતા દેખાય છે. પરંતુ મનુષ્યની શિકારવૃત્તિને કારણે મૃગ ગવાય છે. તે જોઈને કન્યા પણ મનથી ખવાય છે; ત્રાસ પામે છે. મૃગ પ્રત્યેની તેની લાગણી જોઈએ.

“મૃગ હૃદય મહીં છે તીર લાગ્યો, અરેરે !

ખળખળ ઢલતું  હાં ! રક્ત ભૂમિ પરે એ,

નયનજલ વતીએ કન્યકા ઘા ધુએ ને

મૃગ તરફડ  થાતો  હાફતો  શ્વાસ  લે  છે.”

  કલાની સાચી કદર કરનાર ભોક્તા પ્રત્યે નો પ્રેમ છે; તેથી જ તે ઈશ્વર પાસે માંગે છે…

“જે  પ્યાલું  મૃગને  મળ્યું  મરણનું  તે  હુંય  માંગુ પ્રભુ. !“

      નર્મદાશંકર ભટ્ટ ‘શાપસંભ્રમ’ કાવ્યમાં રતિક્રીડામાં મગ્ન થવાની ચેષ્ઠા કરતા મૃગૃ-મૃગલીનાં જોડામાંથી મનુષ્ય દ્વારા એકનો વધ થતા ઉદભવતી કરુણતા બતાવે છે. કોઈપણ અપરાધ વગર માત્ર શિકારવૃત્તિને કારણે નિર્દોષ જીવનનો પ્રાણ લેવું કેટલું વ્યાજબી ગણાય?  તેવો પ્રશ્ન સર્જકની સાથે સાથે ભાવકને પણ થાય છે. મનુષ્ય (શિકારી)ને તેનો વસવસો પછીથી થાય છે પણ તેનો અર્થ શો?

“કલેજુ વીંધાયુ સરપતનથી કૃષ્ણ મૃગનું;

શકાયે ના જોઈ અહહ ! દ્વયની દૈન્ય  દ્વગનું.”

    રાજેશ પંડયા ‘સુવર્ણમૃગ’ કાવ્યમાં પ્રકૃતિના તત્વો (પર્યાવરણ)ને જ સાચા સુવર્ણ (મૂડી) તરીકે ઓળખાવે છે. મનુષ્ય દ્વારા જ પ્રકૃતિને હંમેશા નુકસાન થાય છે; તેમાં માનવીએ ભોગવવું પડે છે. તે પોતાનું સર્વસ્વ ગુમાવી બેઠે છે. અહીં મૃ વધની ઘટના પછી વનવન ભટકતી મૃગલીનું સંવેદન ભાવકને દુઃખી કરી નાખે છે.

‘……..અને વન વલવલે મૃગલી’

‘……પણ હજી ઓલી મૃગલી ભટકે છે રાનેરાન રે’

માનવીને પોતાનું પ્રિયજન પુનઃ મળી જાય છે. પરંતુ મૃગલ ને તો વનવન ભટકવું પડે છે; પોતાના કાળિયારથી છૂટા પડીને.

‘મૃગલી એ ખોયો  એનો  કાળિયાર’

        આમ, ગુજરાતી સાહિત્યમાં મૃગના સંવેદનને અલગ અલગ રીતે કવિઓ મૂકી આપ્યું છે. દરેક સમયમાં સર્જકો જુદી જુદી રીતે સાહિત્યના માધ્યમથી પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રયત્નશીલ રહ્યા છે. તેઓ જુદી જુદી રીતે તેના પ્રશ્નો સમાજ સામે રજૂ કરે છે.

      વર્તમાન સમયમાં વધતા જતો પર્યાવરણનો વિનાશ, એ ખરા અર્થમાં આપણે સાચા સુવર્ણનો અંત કરી રહ્યા છીએ. વર્ષોથી આ થોડા ઘણા અંશે  થતું આવ્યું છે. પરંતુ અત્યારે વકરેલી આ સ્થિતિ ભવિષ્યમાં કેવો વિનાસ કરશે;  તે કહેવું મુશ્કેલ છે.

સંદર્ભ ગ્રંથ

૧. અભિજ્ઞાનશાકુંતલમ, કાવિદાસ કૃત, અનુ. ઉમાશંકર જોષી

૨. આપણા ખંડકાવ્યો, સં. ધીરુભાઈ ઠાકર અને અન્ય

૩. કલાપીનો કેકારવ, પ્રકા. મણિશંકર રત્નજી ભટ્ટ

૪. કાવ્ય આચમન શ્રેણી : ઉમાશંકર જોષી સં. યોગેશ જોષી

૫. પૂર્વાલાપ, કાન્ત

૬. રઘુવંશમ, સર્ગ:૦૨, કલિદાસ કૃત, સં. સરસ્વતી પુસ્તક ભંડાર, અમદવાદ

૭. સુવર્ણમૃગ, રાજેશ પંડયા,

પ્રકાશ આર. પરમાર,  મદદનીશ પ્રાધ્યાપક, ગુજરાતી વિભાગ, સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ. જિ. ભરૂચ.