ડૉ. જિતુભાઇ વાઢેર(નજાકત)
સાંજના ઝાલર વખતનો ઢોલ તું, ધ્રિબાંગ તું,
કાં પછી મારાપણાનું અંગ તું, ઉપાંગ તું.
તું સુદ્રઢ છો, ધર્મ તારો કેટલો સંગીન છે,
એક દિ’માં પાંચ વેળા સાદ દેતી બાંગ તું.
બે જીવોની જેમ જીવે છે તું મારી ભીતરે,
એક મારો આત્મા; ને બીજી સાંગોપાંગ તું.
વૃક્ષ તું લગરીક પણ ચાલી શક્યું ના એટલે,
વેરવાનું, ને પછી ગાડું થવાનું માંગ તું.
જિંદગીમાં કંઈક યુદ્ધો ને નિહાળ્યા તે પછી,
ચોતરફ જર્જર થઇ, ને તોય ગઢની રાંગ તું.
લાગણી બંને તરફથી તીવ્ર થાતી જાય છે,
રણ અને જંગલ ઉભયમાં કચ્છ છો કે ડાંગ તું?
તું જ છે ઈશ્વર અગર તો તું જ મારો પ્રેમ છે,
એ ‘નજાકત’ના મગજનો ભ્રમ છે જે ભાંગ તું. ડૉ.જીતુભાઈ વાઢેર – ‘નજાકત’