“સરસ્વતીચંદ્ર” નવલકથામાં રાષ્ટ્રભાવના

-પારાસ ઓગણીયા

          ગુજરાતી સાહિત્યમાં કવિતા, નાટક આદિ પ્રાચીન સ્વરૂપોની તુલનામાં નવલકથાના નવ્યસ્વરૂપમાં સામાજિક વાસ્તવની, અભિવ્યક્તિની વધારે જરૂર જણાય છે. સ્વતંત્ર ભારતમાં પણ ભારત કે રાષ્ટ્રની વ્યાખ્યાઓ હજી જુદી જુદી રીતે થઈ રહી છે. રાજકારણીઓ અલગ, પણ રાજશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ આ વિશે ચિંતન કરતા રહ્યા છે. સાહિત્યકારો પણ દેશને ઓળખાવા મથામણ કરી રહ્યા છે. રાષ્ટ્રવાદ શું છે ? રાષ્ટ્રભાવ, રાષ્ટ્રત્વ શું છે ? – આ પ્રશ્નો એક યા અન્ય રીતે પ્રત્યક્ષ–પરોક્ષ રીતે ચર્ચિત થતા રહ્યા છે. અને આપણા દેશમાં નવલકથાના આવિર્ભાવની સાથે સાથે રાષ્ટ્વાદનો પણ ઉદય સંસ્થાનવાદી પરિવેશમાં થયો છે.

          “સરસ્વતીચંદ્ર” મહાનવલનાં સ્વરૂપમાં ગોવર્ધનરામ ત્રિપાઠી પાસેથી પ્રાપ્ત થઈ છે.  તેમણે નવલકથામાં દેશી રાજ્યોના પ્રશ્નને મહત્વ આપ્યું છે. પહેલા ભાગના આરંભમાં રજૂ થયેલી બુદ્ધિધનની ઘડતરકથા સુવર્ણપુરના રાજ્યતંત્ર સાથે સીધો સંબંધ ધરાવે છે. કિશોર બુદ્ધિધનના અંતરમાં રોપેલાં મહત્વાકાંક્ષાનાં બીજ, પિતાના ઓચિંતા અવસાનને કારણે આવી પડેલી આર્થિક વિટંબણા, માતા અને પત્નીને કારભારી તરફથી વેઠવા પડેલા હડહડતા અપમાનને ઉદ્દીપ્ત કરેલી વૈરભાવના. આ ત્રણ ઘટનાઓ બુદ્ધિધનને સુવર્ણપુરની રાજખટપટમાં પ્રવૃત થવા પ્રબળ બનાવે છે. કારભારીઓ વચ્ચે સત્તાની સાઠમારી, ખોટા વારસ ઊભા કરવાના પ્રપંચ, અંતઃપુતનાં ષડયંત્રો, અંગત સ્વાર્થ સાધવાની વૃતિ, અન્યાયનો અમલ, કામવાસનાનો કીચડ, દેશી રાજયોમાં સુલભ આ અનાચારો સુવર્ણપુરમાં પણ જોવા મળે છે.

          રાજદરબાર જેવા પ્રસંગે અનુભવાર્થી એવા કથાનાયક “સરસ્વતીચંદ્ર”નું ચિત્ત પણ એમાં રસ લેતું સક્રિય રહ્યું છે. તેમ છતાં એ ધ્યાનપાત્ર છે કે પ્રતિશોધના અંગત સ્વાર્થથી રાજકારભારમાં પ્રવુત બુદ્ધિધનને આખરે પ્રજાકલ્યાણ માટે કૃતનિશ્ચથી અને પરિત્યાગી બનતો બતાવ્યો છે. તે કહે છે “દુષ્ટરાય! શઠરાય! તમારા કારભારરૂપ કારણના કાર્યરૂપ બંધાયેલા દેહવાળો મારો કારભાર-તમારા જેવો કારભાર–કાલ પ્રાત્ત: કાળે પૂરો થશે; તમારા જેવો હું છું તે કાલથી મરીશ–કાલથી મારા કારભારનું કારણ એક જ રહેશે–એ કારણ ઈશ્વરની સેવા, લોકની સેવા, મહારાણો શુદ્ધ હશે તેટલી તેની સેવા–આ કારણથી મારા પ્રધાનપદનો દેહ કાલથી બંધાશે; બાકી હું તો હતો તેવો જ રંક–તસુ પૃથ્વી સૂવા જોઈએ ને કોળિયો અન્ન ખાવા જોઈએ–તેનો અધિકારી…”

          બીજા ભાગમાં વિદ્યાચતુરના ભૂતકાળના સંદર્ભમાં રત્નનગરીના રાજતંત્રનું વસ્તુ પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જેને વિસ્તારીને ત્રીજા ભાગમાં રત્નનગરીના રાજાઓના ચરિત્રલેખન દ્વારા પ્રજાકલ્યાણધર્મી રાજતંત્ર વિદ્યાપકોની પોતાની પરિકલ્પના ગોવર્ધનરામે મૂર્ત કરી છે જૂના જમાનાની આબોહવામાં ઊછરેલો નાગરાજનો પુત્ર મલ્લરાજ સમયને ઓળખી કુળાચારોમાં યોગ્ય ફેરફાર કરે છે. મણિરાજને વિદ્યાચતુરના સંસર્ગમાં રાખી અંગ્રેજી શિક્ષણ આપે છે અને ભાયાતોની સોબતમાં પણ તેને રાખે છે, તેની પાછળ મણિરાજ રજપૂતોમાં પ્રવેશતી ભ્રષ્ટતાથી દૂર રહે તેમ નરી વણિક બુદ્ધિથી પણ દૂર રહે એ દ્રષ્ટિ છે. એ પ્રજાવત્સલ રાજામાં અપેક્ષિત સર્વ ગુણો તેનામાં જોવા મળે છે. ભાયાતો સમક્ષ તે રાજપદ છોડવાની તૈયારી બતાવે છે ત્યારે તેની નિઃસ્પૃહ પ્રજાવત્સલતાનો પરિચય પણ મળે છે. આવા મલ્લરાજને પણ રાજવહીવટમાં ભાયાતો, પોલિટિકલ એજન્ટો–સંબંધિત કેટકેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે વર્ણવીને ગોવર્ધનરામે દેશી રાજ્યની પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો છે.

          રત્નનગરીનું રાજ્યતંત્ર ચોથા ભાગમાં પણ વિસ્તરે છે. મણિરાજ પણ રાજ્યના સ્વરૂપને સ્વચ્છ રાખવાના પ્રયત્નો ચાલુ રાખે છે. તેના અમલમાં પ્રજા નવા યુગની હવામાં શ્વાસ લે છે. મણિરાજ, કમળારાણી અને રાજ્યના કારભારીઓ નાતજાત કે ધર્મની સંકુચિતતાથી પર છે. શાળાઓ, પુસ્તકાલયો, વાચનાલયોની વ્યવસ્થા છે. એટલું જ નહિ પણ પુસ્તકો અને વર્તમાન–પત્રોની ખરીદીને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. એથી કેશવલાલ કામદાર નોંધે છે તેમ, એ કાળે દેશી રાજ્યોમાં કોઈ પણ ઠેકાણે આ પ્રકારની સ્થિતિ પ્રવર્તતી નહોતી. એટલે આ કથનને ગોવર્ધનરામે એક ઉત્તમ રાજ્યના નમૂનારૂપ આલેખ્યું હશે. એવું સ્વીકારવુ રહ્યું.

          રત્નનગરીમાં આવેલા મલ્લમહાભવનની રૂપક રચના પાછળ નવા રાજધર્મનો બોધ આપવાનું સ્થાન છે. એ ભવનમાં પ્રજાની વ્યક્તિગત મુલાકાતો લઈ તેમની મુશ્કેલીઓનો ખ્યાલ મેળવવામાં આવતો એમ કહેવાયું છે. અને એ વખતે તો કેટલાંક દેશી રાજ્યોમાં પ્રજાપ્રતિનિધિમંડળો પણ અસ્તિત્વમાં હતાં. પરંતુ રત્નનગરી જેવાં રાજ્યો કેટલાં ? ચોથા ભાગના ચોથા ભાગમાં “દેશી રાજ્યોનો શો ખપ છે ? અને તેમનું શું થવા બેઠું છે ? તેમનો કાંઈ ઉદ્ધાર છે ?” એ પ્રશ્નોપર રાજસેવકો ને મુંબઈગરાઓ વચ્ચે ઝપાઝપી થાય છે. રત્નનગરી જેવાં અતિઅલ્પસંખ્ય રાજ્યોથી કંઈ રજવાડાનો સડો દૂર થાય નહિ એવી વીરરાવની ફરિયાદ સાચી લાગે છે. તે જોઈએ તો “આખી રાત્રિના આખા આકાશમાં ચંદ્ર વૃદ્ધિક્ષય પામતો એકલો એક ફરે છે. તેથી જગત ઊંઘતું મટતું નથી. મલ્લમહારાજની પોતાની જ નિરાશાનું કારણ જુવો! તમારા દેશના હોલ્લા પેઠે છાપરા ઉપર બોલતા બોલતા તેઓ થાકી ગયા અને માત્ર એક જ બોલ બોલ્યા કે એકલો શું કરું ? એકલો શું કરું ?”

          અંગ્રેજો દરમિયાનગીરી કરી કરીને દેશી રાજ્યોની પ્રજાને રાહત આપવાના પ્રયત્ન કરતા. પહેલાં ભાગની કથામાં ઉલ્લેખાયું છે. તેમ, સુવર્ણપુરના તંત્રીની અરાજકતા દૂર કરવામાં બુદ્ધિધનને રસેલ અને રસ્કિન જેવા પોલિટિકલ એજન્ટની સારી એવી સહાય મળતી જોઈ શકાય છે. પરંતુ મોટા ભાગનાં દ્રષ્ટાંતોમાં દેશી રાજ્યોનો કારભાર પ્રજાહિત માટેના બ્રિટિશ હિંદના પ્રયત્નોની આડે આવતો. આથી, પ્રજા લોર્ડ ડેલહાઉસી જેવા અધિકારીની રાહ જોતી વીરરાવ ધમ્પાટે આ દ્રષ્ટિથી જ કહે છે કે દેશી રાજ્યોને અંગ્રેજી રાજ્યમાં ભેળવી દેવાથી જ લોકોનું ભલું થઈ શકે એમ છે. ચંદ્રકાન્તનો મત પણ એવો છે કે દેશી રાજ્યોમાં દેશી-પરદેશી જેવા પ્રકારો અસ્વાભાવિક છે. એ બેને ભિન્ન ગણવા એ મોટી ભૂલ છે. અને પ્રજાના હિતને માટે પણ હાનિકર્તા છે. તેથી રાજકીય સંયોગ દ્વારા સંસ્થાનો અને બ્રિટિશ હિંદનું સાયુજ્ય સધાવું જોઈએ એવો તેનો મત છે. બ્રિટિશ હિંદુસ્તાન એ ઈંગલેન્ડનું સંસ્થાન અને દેશી રાજ્યો તે એ હિંદુસ્તાનનાં સંસ્થાન એવો સંબંધ સ્થપાઈ ચૂકયો છે. તે ઉત્તરોત્તર ઘનિષ્ઠ થતો જશે એમ તેનું માનવું છે.

          અંગ્રેજ અધિકારીઓ ચક્રવર્તી તરીકે શ્રેષ્ઠ છે એમ વિધાચતુર માને છે. તેમના ગુણો ઘસાય નહિ તે દેશી રજયોએ જોવાનું છે, અને તે પણ ભક્તિભાવે. અંગ્રેજી રાજની હિંદી પ્રજાએ પણ એ કાર્યમાં સાથ આપવાનો છે. વિદ્યાચતુર નોંધે છે કે, અનેક રાજ્યો અને પુજાઓની કુળદેવી જેવી પાળીપોષી મોટા કરતાં આવડે છે. “અર્જુનનો રથ” અને પાંચાલીનાં રૂપકો દ્વારા દેશની રાજકીયરિસ્થિતિની ચર્ચા થઈ છે.

          “સરસ્વતીચંદ્ર” નવલકથાના ત્રીજા ભાગના અંતમાં મલ્લરાજ પુત્ર મણિરાજને સ્વપ્નમાં એવી સૂચના આપે છે: “સામંતનું કહ્યું માનશો મા! પણ એના બાળકને તમારી આંગળીએ લઈ કપિધ્વજના સાથમાં દોડાવજો! તેમનામાં જીવ ન હોય તો તેમના શાલિવાહન થજો અને તેમનામાં જીવ મૂકી સાથે દોડાવજો! કપિધ્વજનો મહારથી જેના સામાં અસ્ત્ર ફેંકે તેના સામાં તમે પણ ફેંકજો-ને દોડજો. કપિલોક સાથે દોડશો તો ફાવશો. નહીં દોડો તો પાછળ રહી જશો, ને દોડતાં છતાં હારશો તો એ તમને ખભે લઈ દોડશે.” આવી જ રીતે પાંચાલી – (હિંદી પ્રજા)ને ધાવી જતા-(આર્થિક શોષણ કરતા) કપિ-(હિંદનો અંગ્રેજ અસરકારક અને વેપારી)નો પણ ગોવર્ધનરામ બચાવ કરે છે! ચોથા ભાગના ઉત્તરાર્ધમાં વર્ણવાયેલા સ્વપ્નલોકમાં તેનો વિરોધ કરતી કુમુદને ખુદ કપિ જ્ કહે છે કે હિંદનું રક્ષણ કરવા માટે તેમને એટલું પોષણ મળવું જરૂરી છે ચકોર પણ પોપટને ગરુડ જેવા સમર્થ બનવા માટે કપિને ખભે બેસી જવાની સલાહ આપે છે. પોપટ કપિને પૂછે છે. ત્યારે તે પણ એવી જ સલાહ આપે છે. મલ્લરાજ પણ મણિરાજને સ્વપનામાં કહે છે કે “જયાં જયાં કપિધ્વજ ઊડ્યો છે. ત્યાં ત્યાં ધર્મ અને વિજય પ્રવર્ત્યા.” છે.

          સ્વાતિ જોશી એ કહ્યુ છે. કે ગોવર્ધનરામ ત્રિપાઠીની “સરસ્વતીચંદ્ર” ૨૦મી સદીને આરંભે ગુજરાતમાં રાષ્ટ્રની પ્રથમ વ્યવસ્થિત અભિવ્યક્તિ છે. “સરસ્વતીચંદ્ર”માં ભારતના ભવિષ્ય વિશેનું લેખકનું એક સપનું છે. જે સિદ્ધ કરવાનું ભણેલા દેશીઓના હાથમાં છે. “સરસ્વતીચંદ્ર”માં લેખક બ્રિટિશરોની હાજરીના એક મહત્વના ઐતિહાસિક તબ્બકે એક નવા બૌદ્ધિકોનો પ્રતિનિધિ છે. જે આ સંક્રાતિકાળના સમયને વાગોળે છે. ત્રણ કુટુંબો અને બે-દેશી રાજ્યોની ભૂમિકામાં ગોવર્ધનરામે ઊભરાતી મધ્યવર્ગીય રાષ્ટ્રવાદી વિચારધારા રજૂ કરી છે તેમણે અવશ્ય એ કહ્યું કે રાષ્ટ્ર સંજ્ઞા રાજકીય કે સંસ્થાન વિરોધી સંઘર્ષમાં અસ્તિત્વમાં નહોતી પણ એક રાષ્ટ્રીયચેતના હતી.

સંદર્ભગ્રંથ:

૧. પટેલ, ભોળાભાઈ. (૧૯૯૯) “राष्ट्रनी शोधमा नवलकथा” પરબ, ૪ : પૃ.૩-૧૨

૨. ત્રિપાઠી, ગોવર્ધનરામ. (અઢારમી, ૧૯૭૭) સરસ્વતીચંદ્ર ભાગ ૧ લો બુદ્ધિધનનો કારભાર. મુંબઈ : એન. એમ. ત્રિપાઠી પ્રા.લિ.

૩. ત્રિપાઠી, ગોવર્ધનરામ. (ચૌદમી, ૧૯૭૪) સરસ્વતીચંદ્ર ભાગ ૨ જો ગુણસુંદરીનું કુટુંબજાળ. મુંબઈ : એન. એમ. ત્રિપાઠી પ્રા.લિ.

૪ ત્રિપાઠી, ગોવર્ધનરામ. (ત્રીજી, ૨૦૧૪) સરસ્વતીચંદ્ર ભાગ ૩ રત્નનગરીનું રાજ્યતંત્ર. અમદાવાદ : આદર્શ પ્રકાશન

૫ ત્રિપાઠી, ગોવર્ધનરામ. (દસમી, ૧૯૭૮) સરસ્વતીચંદ્ર ભાગ ૪ થો સરસ્વતીનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ. મુંબઈ : એન. એમ. ત્રિપાઠી પ્રા.લિ.

૬. મહેતા, ધીરેન્દ્ર. (૧૯૮૪) નંદશંકરથી ઉમાશંકર. મુંબઈ : આર. આર. શેઠની કંપની

પારસભાઈ જી. ઓગાણિયા

રિસર્ચ સ્કોલર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.

મો: 8866078143

ઈ-મેલ : pparas39@gmail.com