સરપ્રાઈઝ

            અભિનવનો આનંદ આજે આકાશને આંબતો હતો. આજે તો સડસડાત ઘર તરફ જતી તેની મોંઘીદાટ કારના ટેપરૅકોર્ડરમાંથી જૂની ફિલ્મનું  રોમેન્ટિક ગીત વહી રહ્યું હતું. આશ્ચર્યની વાત તો એ હતી કે સાથે સાથે તેના હોઠ પણ એ ગીત ગણગણી રહ્યા હતા.

                 તેણે કાર ઊભી રાખી અને ગાઢ મિત્ર ગહનની મીઠાઈની દુકાનમાં પ્રવેશ્યો.તેને જોતાં જ ગહન આનંદિત સ્વરે બોલી ઊઠ્યો:’આવ, આવ. કેટલા દિવસે આવ્યો? કોઈ પ્રસંગ,પાર્ટી કે તહેવારમાં તારા પુત્ર મૃદુલ અને ભાભીને લ‌ઇને કેમ નથી આવતો? મૃદુલ તો હવે 11 માં ધોરણમાં આવી ગયો ને?’

                   અભિનવે જવાબ આપતા કહ્યું:’હા, હવે તું જો. હું બધે જ આવીશ.તું તો જાણે છે હું કૉલેજમાં અભ્યાસ કરતો ત્યારે મારા મોજશોખની થોડી જરૂરિયાતો પણ પુરી થતી નહીં.એટલે મેં મનમાં ગાંઠ વાળેલી. મારો દીકરો કહેશે કે મારે હૅલિકોપ્ટરમાં કૉલેજ જવું છે તો હું તેને તે સગવડ પણ આપીશ‌.

                તરત જ ગહને કહ્યું:’ એટલે  તેં શરીર તોડીને આર્થિક ઉપાર્જન કર્યું. આઠ કલાકની સરકારી નોકરી ઉપરાંત વ્યવસાય પણ કર્યો.’ 

                   અભિનવે સહમત થતાં કહ્યું: ‘હા, પણ હવે ચિંતા નથી.સો વીઘા જમીન, ત્રણ-ચાર જગ્યાએ બંગલા,સાત-આઠ કિલો સોનું અને પૂરતું બેંક બેલેન્સ થઈ ગયું છે.

                  અભિનવને અધવચ્ચે અટકાવતા ગહન બોલ્યો:’એ બધું તો સારું પણ મૃદુલ મારા પુત્રનો મિત્ર હોવાથી એક દિવસ તેને શાળામાં કહેતો હતો :”મમ્મી પપ્પા પાસે મારા માટે સમય નથી.ક્યારેય ક્યાંય ફરવા નહીં જવાનું, ફિલ્મ જોવા કે ફરવા નહીં જવાનું.મારી શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ છે છતાં મમ્મીપપ્પાને સંતોષ નથી. કંટાળી ગયો છું આ જિંદગીથી.” આ વાત મને મારા પુત્રે કહી છે.એટલે મૃદુલની સંભાળ લેજે.’

                  ‘હવે એ જ કરવાનો છું. આજે તો એને ભાવતાં ગુલાબજાંબુ લેવા આવ્યો છું.’એમ કહી ગુલાબજાંબુ લઈ અભિનવ ઘરે પહોંચ્યો.

               ઘરમાં પગ મુકતાં જ તેણે પત્નીને પ્રેમથી ઊચકી લીધી.મૂંઝાયેલી, આશ્ચર્યથી તેની સામે પ્રેમભરી નજરે જોઈ રહેલી પત્નીને જમીન પર મૂકી તે ભાવાવેશમાં બોલ્યો:’આમ જોઈ શું રહી છે?આજથી હું ફ્રી.આ જો,નવા  બંગલાનો દસ્તાવેજ આજે થઈ ગયો. હવે આજથી વ્યવસાય બંધ.આઠ કલાક જ કામ.બાકી તારી અને મૃદુલની નોકરી કરવાની.આજે રાત્રે ફિલ્મ જોવા જઈશું. અને જો આ પ્લેનની ટીકિટ. મૃદુલની બહુ સમયથી ઈચ્છા હતી ને? એટલે કાલે આપણે હિમાચલ ફરવા જઈ રહ્યા છીએ.મૃદુલ તો હજી સૂતો હશે ને?’

              ‘હા, એનો સુવાનો સમય હોવાથી હું પણ બહારથી તાળુ બંધ કરીને બજારમાં ગઈ હતી. હજુ આવી જ છું, પત્નીએ કહ્યું.’

               ‘તો હવે તું કંઈ બોલતી નહીં. આપણે ધીમેથી તેના બેડરૂમમાં જઈ તેને સરપ્રાઈઝ આપીએ.’એમ કહેતાં અભિનવે મૃદુલના બેડરૂમનું બારણું ખોલ્યું.ને તે સ્તબ્ધ થઈ અપલક નેત્રે જોઈ રહ્યો.પંખે બાંધેલાં દોરડાના આધારે વ્હાલા પુત્રની લાશ લટકી રહી હતી.

                               હિતા રાજ્યગુરુ 

                               કવિશ્રી બોટાદકર કૉલેજ,

                                બોટાદ

                               મો:૯૭૧૪૭૪૫૬૭૪