સરનું ઘર – સંધ્યા ભટ્ટ

         આઠ ધોરણ સુધી તો હું ગામની સ્કૂલમાં ભણી.મોટું મેદાન અને નજીકમાં જ તળાવ.બહેનપણીઓ સાથે ઘુમવાની મઝા જ મઝા.નવરાત્રિમાં ગામનાં મંદિરમાં ગરબા શરૂ થતા પહેલા આરતી થતી જે હું માઇક પર ગવડાવતી.ગામમાં પંચાયતનું નવું મકાન થયું ત્યારે ઉદઘાટનમાં પણ મેં પ્રાર્થના ગાયેલી તેથી સુરતમાં પપ્પાની બદલી થઈ અને અમે આવ્યા ત્યારે પણ સ્કૂલમાં પહેલે દિવસે પ્રાર્થના માટે પુછાતાં હું તરત જ ઊભી થઈ ગઈ.પછી તો પ્રાર્થના ગાવા મારે જવું  એમ નક્કી થયું.

    અગિયારમાં ધોરણમાં અમારા વર્ગશિક્ષક નાયકસાહેબ.હું પ્રાર્થના ગાઈને વર્ગમાં દાખલ થઈ એટ્લે સર મને કહે, ‘સ્વાતિ,ખૂબ સુંદર ગવાયું’.તે પછી સરે હાજરી પૂરી.થોડા દિવસ પછી તો હાજરી પુરવાનું કામ સરે મને સોંપ્યું.અમારા વર્ગશિક્ષક હતા એટ્લે કે શું પણ અમને બધ્ધાને સર ખૂબ પ્રિય.કીર્તિ,સુષ્મા,માલા,ભાવના,વિશ્વા – અમારા ગ્રુપમાં તો સર શું પહેરીને આવ્યા છે તેની ચર્ચા પણ થાય.સર રોજ બાઇક પર આવે. તેઓ આવે અને બાઇક પાર્ક કરે એટ્લે અમારી સૌ બહેનપણીઓનું ધ્યાન જતું.સરે આજે સફારીસૂટ પહેર્યો છે કે ઇનશર્ટ કર્યું છે,શર્ટનો રંગ કયો છે અને સરને તે કેવો લાગે છે,ટી શર્ટમાં સર જામે છે ..એવી વાત થતી..કીર્તિ તો ભારે ‘બિન્દાસ’…બોલી ઊઠે , ‘ સર આજે ‘ઝક્કાસ’લાગે છે.સર આવે ત્યારે હું ખૂબ ખુશ થઈ જતી.અમારી સ્કૂલનો પહેલો બેલ દસ ને વીસે પડે અને સાડા દસના બેલ પછી પ્રાર્થના શરૂ થાય તે પહેલા હું પ્રાર્થના કરવા પહોંચી જાઉં.જો ત્યાં સુધી સર ન આવ્યા હોય તો મન ઉદાસ થઈ જતું.એ દિવસ જેમતેમ નીકળી જતો પણ બીજે દિવસે ફરી મન સરની રાહ જોવા લાગતું અને સરનું બાઇક દેખાય એટ્લે હાશ થતી.

    સર અમારું ગુજરાતી અને મનોવિજ્ઞાન લેતા.ગુજરાતીમાં પાઠ અને કવિતા સર એવા સરસ ભણાવે કે બધુ જ યાદ રહી જતું.આખો પીર્યડ કયાં પૂરો થઈ જાય તેની ખબર જ ન પડતી.શબ્દોના સમાનાર્થી તેઓ પૂછે કે હું તરત જ જવાબ આપતી.પછી તો એવું બનતું કે સર સવાલ પૂછે અને કહે, ‘સ્વાતિ સિવાય કોઈ જવાબ આપે.’ મારું નામ સરના મોઢેથી સાંભળીને હું ખૂબ ખુશ થઈ જતી.પણ એક દિવસ તો રિસેસમાં મારું આવી બન્યું॰કીર્તિ કહે, ‘ સ્વાતિ તો સરની ખાસ છે.’ વળી વિશ્વા કહે, ‘સ્વાતિને તો બધું આવડે જ ને કારણકે સર એની સામે જોઈને જ ભણાવે.’ હું શું બોલું? એ સાંભળીને મને કાંઈકનું કાંઈક થતું હતું.

   સર કવિતા સમજાવતી વખતે પર્વત,આકાશ અને નદીની વાત કરતાં ત્યારે હું નદીકીનારે પહોંચી જતી.એક વાર સરે પન્નાલાલ પટેલની વાર્તા ‘વાત્રકને કાંઠે’ અમને ભણાવી અને તે વાર્તાનું રસદર્શન અમને ઘરેથી લખવાનું સોંપ્યું.આખી વાર્તા મારાં મનમાં એવી તો બેસી ગયેલી કે મેં મારી રીતે એના વિષે લખ્યું.બીજે દિવસે સરે વર્ગમાં ઊભા થઈને વાંચવા કહ્યું.મારું લખાણ સાંભળીને  સર ખૂબ ખુશ થયા અને મારી પ્રશંસા કરતાં કહ્યું, ‘સ્વાતિ આગળ જતાં લખશે એવું મને દેખાય છે.’      એક દિવસ નિબંધની નોટોનું બંડલ હું સ્ટાફરૂમમાં મૂકવા ગયેલી ત્યારે સરે મને પૂછેલું,  ‘સ્વાતિ, ‘ જ્યોતિકલશ છલકે’ કઈ ફિલ્મનું ગીત છે?’ ને મેં તરત જ જવાબ આપેલો, ‘ સર,  ‘ભાભીકી ચૂડીયાં’ પિક્ચરનું’. અમારી સ્કૂલમાં જેંટ્સનો સ્ટાફરૂમ અલગ હતો.બે-ત્રણ સર બેસીને ફિલ્મી ગીતોની વાત કરતા હતા ને હું જઈ ચઢેલી.

     સરે પટેલસરને કહ્યું, ‘જોયું ? સ્વાતિ પ્રાર્થના,વગેરે ગાય છે ને એટ્લે મને હતું કે તેને ખબર હશે…’ આ સાંભળીને હું  ખૂબ રોમાંચિત થઈ ગયેલી.એ વાક્ય પછી તો મનોમન કેટલી યે વાર હું વાગોળતી.

        પણ વેકેશન પડ્યું ને એ બધા દિવસો ગયા.રોજ સ્કૂલે જવાનું,યુનિફોર્મ પહેરવાનો ને સહેજ તૈયાર થવાનું,ગ્રાઉન્ડમાં રમવાનું,ક્લાસમાં અંતાક્ષરી રમવાની,કચોરીની લારી પર કચોરી ખાવાની,ચટાકેદાર કોલેજીયન દાણા ખાવાના,સર પાસે ભણવાનું…

    અમે બાર સાયન્સમાં તો હતાં નહીં કે બારમાનું ભણવાનું શરૂ થઈ જાય.અમે બધી બહેનપણીઓએ સ્પોકન ઇંગ્લિશના ક્લાસ શરૂ કર્યા.બપોરે ચારથી છ નો સમય હતો.આમ છતાં સ્કૂલમાં એવું ગોઠી ગયેલું કે સ્કૂલ ખૂબ યાદ આવતી.પપ્પાને પણ જાણે આ વાતની ખબર પડી ગઈ હોય તેમ કહેતા, ‘સ્વાતિ હમણાની મુડલેસ લાગે છે.’ મમ્મી કહેતી , ‘ આ જમાનાની છોકરીઓને ઘરે રહેવાનુ આવે ત્યાં પેટમાં દુખે છે.’ પપ્પા કાયમ મારો પક્ષ લેતા.તેમને મારાં વાચનશોખની પણ બરાબર ખબર હતી.મને કહે, ‘ તમે બધી બહેનપણીઓ કોઈ સારી લાઈબ્રેરીના સભ્ય પણ બની શકો.’ મેં આ વાત મારાં ગ્રુપમાં બીજે દિવસે મૂકી તો કોઈને  બહુ ઇચ્છા હોય એવું લાગ્યું નહીં.

    એવામાં બીજે દિવસે માલા કહે, ‘ચાલ ને, આપણે નાયકસરના ઘરે જઈએ.’

     અમને ખબર હતી કે સર પલસાણાથી આવતા હતા.મેં માલાને કહ્યું, ‘સર તો રોજ બાઇક પર આવે છે પણ આપણે કેવી રીતે પલસાણા જઈશું? અત્યાર સુધી અમે સ્કૂલની પિકનિકમાં બહાર ગયેલાં પણ તે સિવાય મમ્મી-પપ્પા વગર એકલાં સુરતની બહાર જવાનું બનેલું નહોતું. ‘ સરને ઘેર?!’  મારું દિલ તો એ વિચારે જ ધડક ધડક થવા લાગ્યું. માલા મારાં કરતાં બિન્દાસ હતી.કહે , ‘એમાં શું? આપણે પહેલાં મહેશસરને ત્યાં ટ્યુશને જતાં જ હતાં ને !’ હા..મને પણ યાદ આવ્યું..ગામ હતી ત્યારે પણ ઉર્વીશસરને ત્યાં હું જતી..તો પછી આ વખતે કેમ હ્રદય જોરમાં ધબકે છે એ વાતની મને બહુ સમજ ન પડી॰

   પણ છેવટે માલા સાથે સરને ઘેર જવાનું નક્કી થયું.અમે બીજી કોઈ બહેનપણીને કીધું નહોતું.આખી પલટન સરને ઘરે જઈએ તો કેવું લાગે?? આમ જ મને મનમાં બહુ સંકોચ થતો હતો.પણ વળી પાછું જવું તો હતું જ.   

   પલસાણા તો સુરતથી પંદર-વીસ કિલોમીટર દૂર હતું.મેં અને માલાએ બસમાં જવાનું નક્કી કરી નાખ્યું.પપ્પાને મેં વાત કરી તો એમણે હા પાડી.કહે કે, ‘સાચવીને જજો.’બે ત્રણ દિવસ રહીને જવાના હતા પણ મારું મન તો બસ ઉડાઉડ કરવા લાગ્યું હતું.

 ‘સરના ઘરનું સરનામું ??’મને એકદમ વિચાર આવ્યો.દવે મેડમને સરનું સરનામું પૂછીએ તો ?? ના,પણ મેડમ કારણ પૂછશે તો શું જવાબ આપીશું??..ના..ના..જાતે જેમ થાય તેમ કરવું.માલાને વોટ્સ એપ પર લખ્યું તો કહે, ‘પલસાણા તો નાનું સરખું ગામ..કોઈને ય પૂછી લઈશું.’ એક વિચાર આવ્યો, ‘સરને પૂછી જોઉં..મારી પાસે સરનો મોબાઈલ નંબર તો હતો.’પણ એમ કરવાની હિંમત ચાલી નહીં.થયું કે એમ જ ઓચિંતા જઈએ.સરને કહ્યા વગર જઈએ તો એમના સહજ રૂપમાં જોવા મળે.માલાથી છૂપું મારા મનમાં તો એમ હતું કે સર ઘરે હોય કે ન હોય તો પણ સરનું ઘર તો જોઈ આવીએ!એ ઘર જ્યાં સર રહે છે..એ બારી જ્યાં સર ઊભા રહેતા હોય..સરને એમના ઘરમાં જોવા હતા મને..છેવટે એ દિવસ આવ્યો ખરો….

    કોણ જાણે કેમ મન આજે ખૂબ ખુશ હતું.ઈસ્ત્રી કરીને કબાટમાં છેક નીચે મૂકી રાખેલો,ખાસ પ્રસંગે જ પહેરતી એવો રાણી કલરનો કુર્તો અને ક્રીમ કલરનો ચૂડીદાર મેં પહેર્યાં.સવારે વાળને શેમ્પૂ કર્યા અને સરસ હાફપોની વાળી.સહેજ લટકતી નાની બુટ્ટી પહેરી.નાનકડી રાણી કલરની બિંદી કપાળે ચોંટાડી.અરીસામાં એટલી વારમાં તો કેટલી યે વાર જોયું તો મારો ચહેરો સુંદર લાગતો હતો.ફૂલફૂલવાળી પ્રિંટેડ ઓઢણી ખભા પર નાખી તો !!!

ઓહ ..સુપર્બ લાગતી હતી હું!!! 

    બસસ્ટેન્ડ પર દસ વાગે અમે બંને પોતપોતાના ઘરેથી પહોંચી ગયાં.ડાયરેક્ટ પલસાણાની બસ મળી.હું ને માલા એમાં બેસી ગયાં.આજુબાજુ નજર કરી.કોઈ ઓળખીતું હતું?ના..નહોતું..મનમાં થયું,હોય તો યે શું?હું ક્યાં કશેક ભાગી જતી હતી તે ! આવો વિચાર મનમાં આવ્યો એટ્લે થોડું હસવું પણ આવ્યું…માલા તો બિન્દાસ મોબાઇલમાં મશગુલ હતી.મારા જેવું એને થતું હશે!…થોડી વારે બસ ઉપડી.હું બારીમાંથી બહાર જોયા કરતી હતી.ઝડપથી પસાર થતાં દ્રશ્યોની સાથે મારું મન પણ દોડી રહ્યું હતું.ઘડીક તો એમ થયું,બસ..આમ જ આ બસ ચાલ્યા કરે,સરના ઘર તરફ..આ સમયનો છેડો જ ન આવે……

    વચ્ચે ત્રણેક સ્ટોપ આવ્યા.પલસાણા ઉતરવાના હોય એવા લોકો પણ ચઢ્યાં.આમાંથી કોઈ સરની સોસાયટીમાં કે શેરીમાં રહેતું હશે? 

   આ બધા વિચારોમાં જ છેલ્લું સ્ટોપ આવી ગયું.માલા અને હું ઊતરી ગયાં.બસસ્ટેન્ડથી ગામ તરફનો રસ્તો પૂછ્યો.અમને સરનામું તો ખબર નહોતું તેથી આમ જ કોઈને ઘર પૂછવાનું હતું.કોને પૂછીએ?એવામાં એક શિક્ષક જેવાં લાગતાં બહેન એકલાં ચાલતાં દેખાયાં.અમે એમને પૂછ્યું.એમણે ગામમાં નવી બનેલ સોસાયટીનું નામ કહ્યું.સાડાઅગિયાર જેવા થયા હતા.મેં માલાને કહ્યું, ‘ અત્યારે તો સરનો જમવાનો ટાઈમ હશે!આપણે બપોર પછી આવવાનું હતું… પણ હવે ?’

 માલા : આટલો બધો સમય આ ‘પારકા’ ગામમાં ક્યાં પસાર કરવો?

તરત મેં વાતને વાળી લેતાં કહ્યું, ‘ ગામ તો ‘આપણાં’ સરનું જ છે ને ..ચાલ..સીધા સરના ઘેરે જ જઈએ..જેવા પડશે એવા દેવાશે.(મનોમન આજે જાણે આ કહેવતનો અર્થ સમજાયો)

  છેવટે અમે એ સોસાયટીમાં પ્રવેશ્યાં.સરનું ઘર મળી ગયું.બહાર નેઇમપ્લેટ હતી જેના પર સરનું અને એમના પત્નીનું નામ અને હોદ્દો લખેલાં હતાં.એમના પત્ની અહીંની ડી.બી.હાઇસ્કૂલમાં શિક્ષક હતાં.

  અમે ભારે સંકોચ સાથે બેલ દબાવ્યો.હું ને માલા એકબીજાના મોં સામે જોતાં સ્થિર જેવાં ઊભાં હતાં.હવે જે ક્ષણ સામે આવે તેનો સામનો જ કરવાનો હતો.સરે પોતે જ બારણું ખોલ્યું.અમને જોઈને તેઓ એકદમ નવાઈ પામ્યા.પણ તરત જ કહે, ‘ આવો…આવો..’

અમે એમના ઘરના આગલા રૂમમાં બેઠાં.સર પણ સામે આરામખુરશીમાં બેઠા.ઘરમાં બીજું કોઈ જણાતું નહોતું.મેં જ વાતની શરૂઆત કરતાં કહ્યું, 

‘ સર,વેકેશનમાં તમારી પાસેથી વાંચવા માટે પુસ્તકો મળે એમ વિચારી અમે આવ્યાં છીએ’

સર: સારું થયું…જુઓ..અહીં સામે જ પુસ્તકોનાં બે કબાટ છે.ખોલો અને જુઓ.તમને જે ગમે તે વાંચવા લઈ જાઓ.

આમ કહી તેમણે સામેનો ઓરડો બતાવ્યો.પછી કહે, ‘ આજે સવારે જ વર્ષા બે દિવસ માટે બહાર ગઈ છે નહીં તો તમારી ઓળખાણ કરાવત.ઘરમાં બીજું કોઈ નથી..તમને પાણી આપું? અંદર રસોડામાંથી જાતે પણ લઈ શકો છો.’

હવે તો અમે એકદમ હળવાં થઈ ગયાં હતાં…પોતીકાં ઘર જેવું જ લાગતું હતું.અમે રસોડામાં ગયાં અને ફ્રિજમાંથી ઠંડુ પાણી લઈને પીધું.સરના ઘરમાં આમ નિરાંતે ફરવાનો જલસો પડી રહ્યો હતો..

   સર મારા વાચનશોખને સારી પેઠે જાણતા હતા તેથી આખી યે વાત સ્વાભાવિક બની ગઈ.એક પછી એક પુસ્તકો કાઢી ઊથલાવતી ગઈ.નવલકથા,વાર્તા,ગાંધીસાહિત્ય,તત્વચિંતનના મારા ગમતા લેખકોના રસ પડે એવાં પુસ્તકો હતાં.આ પ્રકારનાં  વાચનને કારણે જ સર ભણાવે ત્યારે મઝા આવે છે…પહેલા તો થયેલું કે સરના પત્ની ઘરે  નથી તે જ સારું થયું નહીં તો ખૂબ સંકોચ થતે.પણ આ પુસ્તકો જોતી વખતે થયું કે એમને પણ વાંચવાનો રસ હશે જ…

  જાણે ટેલિપથી થઈ હોય એમ સર બોલ્યા, ‘ વર્ષાને પણ વાંચવાનો ખૂબ શોખ છે.આમાં ઘણાં પુસ્તકો તેની પસંદનાં છે.’ મારા મનનો વિચાર સાચો પડ્યો તેથી હરખ પામતી હું બોલી, ‘ હા,સર .. કદાચ હું જે પુસ્તક લઈ જઈશ તે એમની પસંદગીનાં જ હશે..’ આમ કહી મેં ‘વિદાયવેળાએ’- લે.કિશોરલાલ મશરૂવાળા, ‘ પ્રિયજન’ – લે. વીનેશ અંતાણી, ‘ ન હન્યતે’- લે.મૈત્રેયીદેવી, વગેરે બતાવ્યા.કાચ પરનું ધુમ્મસ ધીરે ધીરે ખસતાં કાચ જેમ સ્વચ્છ બને એમ મારો સંકોચ દૂર થઈ રહ્યો હતો..મને એમ પણ થતું હતું કે આ ક્ષણો જાણે કે આવવાની નક્કી જ હતી!

સરે કહ્યું, ‘ રવીન્દ્રનાથ ટાગોરની કવિતાનું પુસ્તક પણ છે..એ લઈ જાઓ..સ્વાતિ, એ તને વાંચવાનું ખૂબ ગમશે.ટાગોરની કવિતામાં એ સૌંદર્યલોક છે જે અંદરથી સભર કરી દે..તમારી વયમાં આ પ્રકારનું વાચન તમારું નવા પ્રકારે ઘડતર કરે.તમારી વાંચવાની તત્પરતાએ તમે અહીં સુધી આવ્યા તેનો મને બહુ આનંદ થાય  છે.’

    સરનું સંબોધન અને મારી વાંચનરુચિ વિષેનાં તેમના શબ્દો અને તેમણે મારામાં દાખવેલી શ્રદ્ધાએ હું કોઈ અલૌકિક જગતમાં વિહરવા લાગી.વાંચવું,વિચારવું અને ઉદાત્ત બનવું- એ જ હવે તો જીવનધ્યેય!

  કોણ જાણે કેમ હું તો જાણે પવનપાવડી પર ઉડવા માંડી…પહોંચી ગઈ હતી હું તો પ્રાચીનકાળના કોઈ ગુરુની પીઠમાં! ચારે બાજુ નીરવ શાંતિ અને ઘટાદાર વૃક્ષની નીચે ઓટલી પર ગુરુજી બેઠા હતા…તેઓ જીવન અને જગત,સાહિત્ય અને કળા,ઇતિહાસ અને તત્વચિંતનની સરળ પણ ઊંડી વાતો કરી રહ્યા હતા…ત્યાં સમયને કોઈ સીમા નહોતી.જેમ જ્ઞાન સમય અને દેશથી પર હોય છે તેમ જ ગુરુકુલમાં અપાતી વિદ્યાને પણ સમય કે દેશના બંધન હોતા નથી.હા…મારે તો પામવું છે આવું જ્ઞાન!….અજબ શાંતિ લાગતી હતી આ જ્ઞાનના પ્રદેશમાં…

  ત્યાં જ….

    માલાનો ધીમો અવાજ મને ઝબકાવી ગયો…તે કહેતી હતી, ‘ ચાલ..સ્વાતિ..કયાં સુધી આમ એક પછી એક પુસ્તક ઊથલાવતી રહીશ??મને તો હવે કંટાળો આવે છે,બહેનબા…આપણે સુરત પાછા જવાનું છે.’

   મેં હસીને તેને કહ્યું, ‘ હા..હા..જઈશું જ ને! પણ મને જરા જોઈ તો લેવા દે..’

માલા : મને શું ખબર કે તને પુસ્તકો જોવામાં આટલો બધો રસ પડી જશે!તું તો કહેતી હતી કે સરનું ઘર જોવું છે! ચાલ,આપણે સરને અહીં ખાસ જોવા જેવી જગ્યા વિષે પૂછીએ.

મે કહ્યું, ‘ એવું કાંઈ સરને પૂછાય ?કેવું લાગે?આપણે માટે તો સરનું ઘર એ જ જોવા જેવી જગ્યા.’

 સરને ત્યાંથી નીકળતી વખતે સરે એક કોથળીમાં અમને પુસ્તકો મૂકી આપ્યા અને કહ્યું, ‘ સુરતની બસ કલાકે કલાકે મળ્યા જ કરશે’

    બસમાં બેસીને પાછા શું ફર્યા જાણે પંખીની જેમ ક્યાંક ઉડીને આવ્યાં હોઈએ એવું મને લાગ્યું.