જોત જોતામાં આ અડધું વર્ષ પૂર્ણ થયું. આ છઠ્ઠો અંક આપ સમક્ષ મુકતા આનંદ અને રોમાંચ બન્ને અનુભવાય છે. આપણે ત્યાં છઠ્ઠીના દિવસે વિધાતા ભવિષ્યના લેખા જોખા લખે છે એવી માન્યતા છે. આ અંકનું ભવિષ્ય તો આપ સૌ વાચકો, ભાવકો અને લેખકોના હાથમાં. તમારો ઉત્સાહ જ અમારામાં નવો સંચાર જન્માવે અને તમારો સ્નેહ આ પ્રવૃત્તિને વધુ વેગવાન બનાવે છે.
આ છઠ્ઠો અંક આપ સમક્ષ મૂકી થોડી વાતો આ સંપાદકીય માધ્યમથી કરવી છે. સાહિત્ય અને સંશોધન બન્ને એક બીજા સાથે જોડાઈને નવા પરિમાણો આપણી સમક્ષ મુકતા હોય છે. હાલ આંતરવિદ્યાકીય સાહિત્ય તરફ લોકોનું ધ્યાન થોડુંક ખેંચાયું છે, પણ જોઈએ એટલું સંશોધન એ દિશામાં થઈ રહ્યું નથી. જો સંશોધકો એ તરફ નાની કેડી પણ કંડારશે તો ભવિષ્યના સંશોધકો એ દિશામાં પહોંચી આવશે.
આ સિવાય લોકસાહિત્ય અને ભાષાવિજ્ઞાન ક્ષેત્રે પણ સંશોધનના અવકાશને જોઈ એ દિશામાં પણ વિચારવું જોઈએ. ભાષાના બદલાતા આયામોને મૂલવવાની તાતી જરૂરિયાત જણાઈ રહી છે. તો વિશ્વ અને ભારતના વિવિધ પ્રાંતના સાહિત્ય તરફ પણ થોડું ડોકિયું આપણે કરવું જોઈએ. સમય સાથે અન્ય ભાષા અને પ્રાંતના બદલાવોને જાણી આપણે આપણા સાહિત્યને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. આવા તો ઘણાં ખૂણાઓ છે જે આપ સૌ ભાવકો અને લેખકોના ધ્યાનમાં હશે જ … આ અંક આ થોડા સૂચનો સાથે આપ સૌ સાહિત્ય પ્રેમીઓને સમર્પિત કરીએ છીએ.
ભાવનગર
૩૧ ઓક્ટોબર ૨૦૨૧