ગુજરાતી ભાષાની આવતીકાલ
આજે ગુજરાતી સાહિત્યમાં સર્જનક્ષેત્રે ઘોડાપૂર છે પણ ભાવકગણ દિવસે – દિવસે વધુને વધુ વાંચનથી વિમુખ થઈ રહ્યો છે. ટેક્નોલોજીએ ઘણી સગવડ ઊભી કરી છે. એ સગવડ જ જાણે વાંચનસમયને કે ભાવકને અન્ય પ્રવૃત્તિઓ તરફ ધકેલી રહ્યો હોય એવું લાગે છે. વિદ્યાર્થીઓ પણ વાંચવા કે લખવાનું ટાળી રહ્યાં છે. કોરોના સમયમાં ટેક્નોલોજીના સહકારથી ઈ-સર્ટિફિકેટની લોભામણી વૃત્તિથી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ પણ તે ફક્ત સપાટ માહિતીલક્ષી બની રહી. હકીકતમાં આ પ્રવૃત્તિઓએ પ્રજાને વાંચનાભિમુખ બનાવવી જોઈતી હતી.
આજના સમયના ગુજરાતી ભાષાના સર્જકો, વિવેચકો અને ગુજરાતી ભાષાનું શિક્ષણ અપાતા શિક્ષકોની જવાબદારી એ આવતીકાલના ભાવકો તૈયાર કરવાની છે, વાંચનથી વિમુખ થઇ રહેલ પેઢીને પુનઃ વાંચન તરફ વાળવાની છે. એના માટે ઘણી મથામણો થઇ રહી છે અને ઘણી કરવાની છે. ગુજરાતી ભાષા – સાહિત્યના વિકાસ માટે ઘણી પ્રવૃત્તિઓ થઇ રહી છે : સાહિત્યિક વ્યાખ્યાનો, સાહિત્યિક શિબિરો, કાવ્યલેખન અને વાર્તાલેખનની શિબિરો, લિટરેચર ફેસ્ટીવલ, સાહિત્યકૃતિનું પઠન, અને પ્રશ્નોત્તરી, પાદપૂર્તિ, કાવ્યલેખન, વાર્તાલેખન, નાટ્યલેખન જેવી સ્પર્ધાઓ પણ થઇ રહી છે. સૌથી વધુ પ્રમાણમાં વિદ્વાનોના વ્યાખ્યાનો થઈ રહ્યાં છે.
આ જે પ્રવૃત્તિઓ થઇ રહી છે એ સંપૂર્ણ નથી અથવા ખામીયુક્ત છે. આવતીકાલના ભાવકોને સાથે જોડીને જ જુદીજુદી પ્રવૃત્તિઓ હાથ ધરવી જોઈએ. ઉ.ત. સાહિત્યિક વ્યાખ્યાનો યોજાય ત્યારે વિદ્વાન વક્તાની સાથેસાથે આવતીકાલના ભાવકને જોડી દેવો, બંનેના વ્યાખ્યાનો સાથે જ ગોઠવવા જોઈએ. સાહિત્યિક શિબિરોમાં પણ આ પ્રકારનું આયોજન થવું જોઈએ. વિદ્યાર્થીઓ માટે જુદાજુદા પ્રકારની કૃતિલક્ષી સમીક્ષાની સ્પર્ધાઓ યોજવી જોઈએ. સાહિત્યકૃતિનું પઠનની સ્પર્ધાઓ યોજવી જોઈએ, સાહિત્યિક પ્રશ્નોત્તરીનાં આયોજનો મોટાપાયે થવા જોઈએ. ગુજરાતી ભાષામાં પણ ‘સ્પેલિંગ-બી’ પ્રકારની સ્પર્ધાઓ યોજવી જોઈએ. લિટરેચર ફેસ્ટીવલનો વ્યાપ વધારવો જોઈએ. ઘણી સંસ્થાઓ ઉત્તમ પ્રવૃત્તિઓ કરી રહી છે પણ વિશાલ ફલક પર આ પ્રવૃત્તિઓ થવી જોઈએ. આવી પ્રવૃત્તિઓમાં ફક્ત ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ જ જોડાય એ પૂરતું નથી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના વિદ્યાથીઓને પણ જોડવા જોઈએ.
ભરત એમ. મકવાણા, મદદનીશ પ્રાધ્યાપક, સરકારી વિનયન કૉલેજ, જામ કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકા.
પ્રયાસ An Extension… (A Peer Review Literary E- Journal) (ISSN 2582-8681) Volume 3, Issue 6, November-December: 2022