સંપાદકીય

કૅલેન્ડર સામે નજર કરીએ તો 2024નું આગમન નજીક છે. 2023ની વિદાય અને 2024ના પડઘમ સંભળાઈ રહ્યા છે. તેને વધાવવા સૌ આતુર છીએ. ગત વર્ષે અધૂરી મુકેલી ઇચ્છાઓને આ વર્ષે ફરી નવી પાંખો આપીએ અને મુક્ત આકાશ આપીએ.

આપણે સૌ સમયના એવા પડાવ પર આવી ઊભા છીએ કે જ્યાંથી નજર કરીએ તો આપણી આંખો ઘણું ઘણું ઝીલી શકે એમ છે. ભારતનો દુનિયાભરમાં વાગી રહેલો ડંકો, નાનાવિધ ટેક્નોલોજીથી ઉભરતું ભારત આપણી સમક્ષ ખડું થાય છે. તો સાથે સાથે માનવમનની સંકુલ પરિસ્થિતિઓ પણ આપણે પામી શકીએ છીએ. માનવ મનને ચિર કાળથી આનંદ આપી શકનાર જો કોઈ હોય તો તે છે દરેક સમયના સાહિત્યમાં સમયનું બિંબ પ્રગટતું હોય છે અને આ જોવા મળે છે સામયિકોમાં. ‘પ્રયાસ’ પણ સમય સાથે તાલ મિલાવી સમકાલીન સાહિત્યને પ્રગટ કરવાનો નમ્ર પ્રયાસ કરે છે.  મૌલિક રચનાઓની સાથે સમીક્ષા, આસ્વાદ, સંશોધનને પણ પૂરતી તક આપે છે. આપ સૌના સહકારથી `પ્રયાસ’ની પગદંડી કંડારાતી રહી છે.

આ અંકની સર્જનાત્મ્ક વિભાગમાં અનુવાદિત કૃતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનુવાદિત સાહિત્ય આપણી સમક્ષ વિશ્વને ખડુ કરે છે. એમ સાહિત્ય એકબીજામાંથી આપ-લે કરે છે આ આપ-લેની પરંપરા બહુ જુની છે એના વિશે તો વિસ્તાર પુર્વક સંશોધન થાય તો એક નવી વિશાળ દુનિયા આપણી સમક્ષ ખુલે એમ છે.

નવા વર્ષે આમ જ આપનો સહયોગ પ્રાપ્ત થતો રહેશે એવી અભ્યર્થના સહ…આવો, સાથે મળી માણીએ આ અંકને…

ડો. વિપુલ કાળિયાણીયા, મદદનીશ પ્રાધ્યાપક(ગુજરાતી), શ્રી વી.એમ. સાકરીયા મહિલા આર્ટ્સ કોલેજ, બોટાદ.

પ્રયાસ An Extension… A Peer Reviewed Literary e magazine, ISSN: 2582-8681 VOLUME 4 ISSUE 6 CONTINUE ISSUE 19 NOV- DEC : 2023