સંપાદકીય

શરદ પુર્ણીમાની શીતળ રજની સાથે સૌને વંદન.

સાહિત્ય એ સંસ્કૃતિનો ભાગ છે અને સંસ્કૃતિને ઉજાગર કરનાર મહત્વના ઘટક તરીકે સાહિત્યને ગણવામાં આવે છે. કોઇ પણ સમાજને જો ઓળખવો હોય તો તેના સાહિત્ય પાસે જવુ જોઇએ. સાહિત્ય તેના ભૂત અને વર્તમાનનો દસ્તાવેજ અને ભાવીના એંધાણ આપતો શીલાલેખ હોય છે. એક સામાયિક તરીકે પ્રયાસ An Extension… વર્તામાનનો આલેખ અને ભાવીની મથામણ કરતું સાહિત્ય અને સંશોધન પ્રગટ કરવાના વિનમ્ર પ્રયાસ કરી રહ્યું છે.

વિશ્વ જ્યારે ફરી એક નવા વિવાદનું સાક્ષી બન્યુ છે. આ સમય કટોકટી ભર્યો છે. ભાવીના પેટાળમાં શું છે તેનું અનુમાન ક્યાંક ખુણામાં બેઠેલ સાહિત્યકાર કરતો હશે. એ અનુમાન કોઇ સાહિત્ય કૃતિ મારફત મળે ત્યારે આપણે અફસોસથી વધુ કશુ કરી શકીશુ?  યુદ્ધનો પણ એક ઇતિહાસ હોય છે અને એ ઇતિહાસને પ્રગટ કરતું સાહિત્ય પણ હોય છે. યુદ્ધની કથા રોચક અને રોમાંચક હોય છે પરંતુ જે આ યુદ્ધને નહાળે છે કે જે આ યુદ્ધનો ભાગ હોય છે એના મુખે તો આ કથા પ્રગટે તો તેના ખરા નફા-નુકશાનનો ખ્યાલ આવે. આપણે ઇતિહાસને બદલી શકતા નથી પરંતુ ઇતિહાસ પરથી શીખી જરુર શકીએ છીએ. સાહિત્યનું એક ઉદ્દેશ્ય એટલે જ કાંતા સંમિત ઉપદેશ છે. જગત સાહિત્યમાં રહેલ શાંતિના સંદેશને સમજે એ જ અભ્યર્થના …

         નવરાત્રીનું પાવન પર્વ પુર્ણ થયુ છે અને દિવાળીના પડઘમ વાગી રહ્યાં છે. એવા સમયે પ્રયાસના આ નવા અંક સાથે UGC- NETમાં સમાવિષ્ટ સામગ્રી ક્રમે ક્રમે આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરવાનો નવો ઉપક્રમ આદર્યો છે. આ નવા ઉપક્રમને NET અધ્યયનના શિર્ષક હેઠળ આપ નિહાળી શકશો. જેમાં પ્રશિષ્ટ કૃતિઓના આસ્વાદ પ્રગટ કરવામાં આવશે. આ સાથે આપ પણ આ ઉપક્રમમાં જોડાવા ઇચ્છતા હો તો UGC- NETમાં સમાવિષ્ટ સામગ્રી પર આસ્વાદ/સંશોધન લેખ મોકલી શકો છો. અમો આપને સહર્ષ આવકારીએ છીએ.

ડૉ. જિજ્ઞાબા રાણા                                   આસો સુદ પુર્ણીમા( શરદ પૂનમ) વિ.સં. ૨૦૮૦

મદદનીશ પ્રાધ્યાપક(ગુજરાતી)

સરકારી વિનયન કૉલેજ, ભાણવડ.