સંપાદકીય

રક્ષાબંધનના પવિત્ર પર્વે આજે પ્રયાસનો આ અંક આપ સમક્ષ મૂકતા ધન્યતા અનુભવીએ છીએ. આ મહિનો ગૌરવનો છે. થોડા સમય પૂર્વે જ ભારત ચંદ્ર પર ઉતરાણ કરી વિશ્વ કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત કરે છે. નાનપણથી આપણે ચંદ્રને ચાંદામામા કહી જોડકણાં અને હાલરડાં સાંભળ્યા છે. પ્રિયતમાની ઉપમા ચંદ્ર સાથે કરી છે. વિરહણી નારીએ ચંદ્રના વિવિધ રૂપને પોતાના વિયોગ શૃંગારમાં પરોવ્યો છે. હવે કલ્પના સત્યના ગજ સુધી પહોંચી છે. ત્યારે એક ભારતીય તરીકે આપણે ગદગદિત છીએ. આ પ્રકલ્પ સાથે જોડાયેલ સર્વ મહાનુભાવોને અઢળક શુભેચ્છાઓ. 

આ મહિનો બહુ વિલક્ષણ છે. ભારતીય કેલેન્ડર મુજબ અધિકમાસ અને પવિત્ર શ્રાવણ માસ જેમાં આપણી ઉત્સવ પ્રિય માનવ મહેરામણ માટે અવનવા ઉત્સવો છે. મહાદેવની ભક્તિ અને કૃષ્ણની લીલાઓથી ભરપુર આ મહિનાના વરસાદી વાતાવરણ વચ્ચે આ અંક એવો જ વૈવિધ્ય સભર આપવાનો પ્રયાસ કર્યો છે. 

અંગ્રેજી કેલેન્ડર મુજબ જોઈએ તો ઉમાશંકર અને મેઘાણી જેવા મૂર્ધન્ય સર્જકો આ જ મહિનામાં અવતરિત થયા અને વિશ્વને વિશિષ્ટ સાહિત્યની ભેટ આપી. વિશ્વ કુટુમ્બકમની ભાવના પ્રગટ કરતા ઉમાશંકરને આ તકે ખાસ યાદ એટલે કરીએ કે આપણે G 20નું યજમાન પદ શોભાવી રહ્યાં છીએ. લોક સાહિત્યની જણસ આપનાર મેઘાણી તેમના શબ્દ થકી કાયમ હૃદયમાં બિરાજમાન રહેશે. 

આ અંક આવી તમામ મહાન વિભૂતિઓને સાદર કરી સૌને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. 

ડૉ. શક્તિસિંહ પરમાર  શ્રાવણ સુદ પૂનમ વિક્રમ સંવત ૨૦૮૦

પ્રયાસ.