સંપાદકીય

गुरु पारस को अंतरो, जानत हैं सब संत।

वह लोहा कंचन करे, ये करि लेय महंत..।

  •  કબીરજી

ગુરુ શબ્દ બોલતા જ મનમાં એક અહોભાવ પ્રગટે છે. અને આખો સામે એક છબી ઉભરી આવે છે. આપણા જીવનમાં કોઈને કોઈ એક ગુરૂતત્વ હશે જેનો પ્રભાવ કે અભાવ આપણા જીવનને અસર કરે છે. આપણા સંત સાહિત્યમાં સદગુરૂના લક્ષણો અને તેની સંગતીના લાભ અનુભવ વાણી દ્વારા પ્રગટ થયા છે.

`રતન સાગરમાં રતન નિપજે‚ મહાસાગરમાં મોતી‚

ગુરુ ! મહાસાગરમાં મોતી‚’

`ગુરુગમ વિના બાત કેસી ? સતગુરુજી વિના બાત કેસી ?’

આમ ગુરુને મહાસાગરના મોતી તો પારસમણિથી ચડિયાતી ઉપમા આપવામાં આવી છે. સંત સાહિત્યમાં ગુરુ અગમ નિગમની સમજ આપનાર ભાવ બંધનથી પાર લઇ જનાર તરીકે પ્રસ્થાપિત કર્યા છે, સનાતન પરંપરામાં ગુરુ એટલે વિદ્યા, જ્ઞાન, યમ, નિયમનું આચરણ કરાવી શ્રેષ્ઠ મનુષ્ય તરીકેના પથદર્શક તરીકે વર્ણવવામાં આવ્યા છે. મધ્યકાળમાં આવતા ખો પાખંડી ગુરુઓથી ચેતવે છે.

આમ સમય અને કાળ બદલાતા ગુરુ શબ્દની અર્થ છાયાઓ બદલાતી રહી છે અને સાહિત્યમાં સ્થાન પામતી રહી છે. આ તમામ અર્થ છયાઓ અને તેનું સાહિત્ય સંશોધન માટે એક રસપ્રદ વિષય બની શકે છે.

જેમ દરેકને સદગુરુની અપેક્ષા હોય એમ દરેક સદગુરુને સાચા શિષ્યની અપેક્ષા પણ હશે જ. સાચા ગુરુ કેવા હોવા જોઈએ એની ચર્ચા સાથે સાચો શિષ્ય કેવો હોવો જોઈએ એ વિશે પણ વિચાર મંથન કરવું જોઈએ.

હમણાં જ એક વાવાઝોડું ગુજરાત અને ખાસ કરીને ભૂજને ધમરોળીને ગયું છે. છેક સુધી દિશાવિહીન વાયુ ગમે તેટલો સક્ષમ હોય તે વિનાશ જ નોતરે. એમ જ બુદ્ધિ અને જ્ઞાની વ્યક્તિ યોગ્ય ગુરુના માર્ગદર્શન વિના સમાજ માટે વિનાશનું નિમિત્ત બને છે. આપણી સમક્ષ આવા અનેક ઉદાહરણો રાવણથી લઈને દાઉદ સુધીના લોકોના છે જ.  ગુરુ પૂર્ણિમાએ આપણામાં રહેલ શકિત વિનાશ નહિ પરંતુ વિકાસમાં પ્રયોજાય એજ સાચી ગુરુ દક્ષિણા અને ગુરુ પૂજા.

આજે ગુરૂ પૂર્ણિમા એ  પ્રયાસનો વધુ એક અંક એ તમામ ગુરુઓના ચરણે સાદર કરીએ છીએ જેમણે પરોક્ષ કે પ્રત્યક્ષ ગુરુ તરીકેના દાયિત્વને ચરિતાર્થ કર્યું છે. વિદ્યાર્થી માટે સમાજ માટે ચિંતિત એવા એક જીવંત ઈશ્વરની છબી જેવા ગુરુ હૃદયમાં બુદ્ધ સમાન કરુણા, માતા સમાન મમતા, શિવ સમાન કલ્યાણની ભાવના છે. એવા ગુરુના ચરણોમાં સત સત્ નમન.

ડૉ. જિજ્ઞાબા રાણા, મદદનીશ પ્રાધ્યાપક(ગુજરાતી), સરકારી વિનયન કોલેજ, ભાણવડ.(દેવભૂમિ દ્વારકા)

અષાઢ સુદ પૂનમ (ગુરુ પુર્ણીમા) વિક્રમ સંવત ૨૦૮૦