આજે પહેલી મે ગુજરાત સ્થાપના દિવસે સૌને શુભેચ્છા સહ પ્રયાસનો અંક સાદર કરી રહ્યા છીએ.
આજનો માનવી સમયના એક એવા બિંદુ પર ઊભો છે જ્યાંથી તે સમયના ભૂત-ભવિષ્ય વિશે ઊંડાણપૂર્વક વિચારી શકે છે. વર્તમાન સમયમાં માનવીય સંબંધોની જટિલતા , ટેક્નોલોજીનો વધતો જતો વ્યાપ અને સ્થળકાળના બંધનોથી પર રહી દૂર છતાં નજીક હોવાનો થતો આભાસ આજના માનવને અંદરથી ખોખલો બનાવી રહ્યો છે. યંત્રવિજ્ઞાનની મદદથી એક- બીજાનું સામિપ્ય અનુભવતો માનવી છેવટે તો વધુને વધુ એકલતા જ અનુભવી રહ્યો છે. સમયના આ કપરા કાળે સંવેદનરહીત થતાં જતાં માનવીને કોઈ સહારો આપી શકે એમ હોય તો તે છે સાહિત્ય. પોતાના હૈયાના ઉંડાણમાં ઢબૂરાયેલ સંવેદનાને સંકોરવાનું કામ ‘શબદ’ જ કરી શકશે. જીવન જીવવાની નવી દિશા, નવો રાહ આપણને સાહિત્ય જ ચીંધે છે એ વાતની શાખ સમય પણ પૂરે જ છે!
આપણે સૌ આશાવાદી છીએ અને તેથી જ કાળની કેટલીય થપાટો ખાઈને પણ ફરી બેઠાં થઈએ છીએ. સાહિત્ય પર, સર્જાતા શબ્દ પર આપણને સૌને ભરોસો છે તેથી જ તો ખરા સમયે એ જ મદદે આવે છે. સાહિત્ય તરફ વધુને વધુ અભિમુખ થઈને સમાજને નવો રાહ ચીંધીએ એ માટેના આપણા બુદ્ધિજીવી વર્ગના નમ્ર પ્રયાસ થતા જ રહે છે. સાહિત્યપ્રીતિ વધે એ માટે વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવે છે. માતૃભાષા દિવસ, કવિતા દિવસ, પુસ્તક દિવસ વગેરે ની ઉજવણી દ્વારા આપણા સૌનો આશય તો શુભ જ છે. આ દિવસોની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી ન બની રહેતા કોઈ નક્કર પરિણામ લાવે એ આપણા સૌની જવાબદારી બને છે.
સતત પરિવર્તનશીલ એવી આપણી ભાષા અને ભાષાના સહારે પ્રગટતું સાહિત્ય કેવા અવનવા રંગરૂપ ધારણ કરીને કેવા ભાવ સંવેદના પ્રગટાવે છે એનો ક્યાસ કાઢવા માટે સાંપ્રત સમયમાં પ્રગટતા સામયિકો જ ખપ લાગવાના. ‘પ્રયાસ’ દ્વારા પણ આવો જ એક નાનકડો પણ નક્કર ‘પ્રયાસ’ થઈ રહ્યો છે. નાનાવિધ કૃતિઓ અને સર્જકો વિશે આસ્વાદલક્ષી ચર્ચાથી માંડીને તટસ્થ સમીક્ષા કરવા માટેનો યોગ્ય મંચ ‘પ્રયાસ’પૂરો પાડે છે. સાથો સાથ સર્જનાત્મક સાહિત્યને રજૂ કરવા માટેનું પણ અહીં તારસ્થ્યપૂર્વક તક આપવામાં આવે છે. સાહિત્યની સમાજ પરત્વેની નિસ્બત અહીં પ્રગટે છે. વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સાહિત્યસર્જકોથી માંડીને સામાન્ય વાચકોને પણ આત્મસંતોષ આપવાનું કાર્ય આ સામયિક દ્વારા સુપેરે થઈ રહ્યું છે.
આપ સૌનો સહકાર વધુને વધુ મળતો રહે એ જ અભ્યર્થના સહ.
પ્રયાસ
ડો. વિપુલ કાળિયાણીયા, મદદનીશ પ્રાધ્યાપક , ગુજરાતી , શ્રી વી. એમ. સાકરીયા મહિલા આર્ટ્સ કોલેજ- બોટાદ.