લ્યો. જોત જોતામાં બે મહિના વહી ગયા. કોરોનાની આવન-જાવન વચ્ચે હવે ત્રીજો અંક પ્રગટ કરવાનો સમય આવીને ઊભો રહ્યો. આઠ માર્ચ વિશ્વ મહિલા દિવસને ધ્યાનમાં લઇ આ અંક મહિલા શક્તિના સંવેદનને અર્પણ કરવાનું વિચાર્યુ હતું. આ અંકની સર્જનાત્મક કૃતિઓ, સંશોધન કે વિવેચન લેખમાં નારી જીવનની છબીને ઝીલી આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ આ અંકમાં કર્યો છે.
પશ્ચિમમાં પ્રગટેલ નારીવાદ તેના મૂળ સ્વરૂપે ભારતમાં હજુ આવ્યો નથી. પશ્ચિમની જેમ ભારતની નારી બહુ ઓછી રચનામાં તેનો વિદ્રોહ તાર સ્વરે રજૂ કરે છે. પરંતુ દુનિયાની અડધી વસ્તી સ્ત્રીઓની છે ત્યારે એ સ્ત્રીનું જીવન સાહિત્ય દ્વારા પ્રગટ થયા વિના કેમ રહે? આ નારી છબી માત્ર સ્ત્રી દ્વારા જ પ્રગટ થાય એવો દુરાગ્રહ અહીં સેવ્યો નથી. આ કૃતિઓમાં ક્યાંક મમતા છે તો ક્યાંક સ્નેહ છે, ક્યાંક પ્રતીક્ષા છે તો ક્યાંક વિરહ છે, ક્યાંક જીવનના તાણાવાળા ગુથવાની મથામણ છે તો વળી ક્યાંક જવાબદારીને આગળની પેઢી સુધી પહોંચાડવાનું ઉત્તરદાયિત્વ છે. પહેલાંના જીવનને મુકાબલે આજના સમયમાં સ્ત્રીની જીવનશૈલી બદલાઇ છે અને એ બદલાયેલ જીવનશૈલી નવા સંઘર્ષો અને પડકારો લઈને આવી છે. જેમાંથી પાર ઉતરતી તો ક્યાંક અટવાતી નારી કળાના વિવિધ આયામો દ્વારા પ્રગટ થાય છે.
આપણી આસપાસ અનેક રૂપે વિહરતી એવી હતી આ નારી શક્તિને કલમ, કેનવાસ અને કેમેરાના ફલક પર સ્થિર કરી સહૃદય ભાવક સુધી લાવવાનો પ્રયાસ કર્યો છે.
આવા ભાતીગળ ત્રીજા અંક્ને આપ સમક્ષ મૂકીએ છીએ. હવે આ જણસ આપની થઈ. આપના પ્રતિભાવની આતુરતાથી રાહ જોઈશું.
ડૉ. શક્તિસિંહ પરમાર અને ડૉ. જિજ્ઞાબા રાણા
સ્થળ: ભાવનગર
તારીખ : 30 એપ્રિલ 2021