દરેક કામ છેલ્લી ઘડી સુધી ઠેલવાની આદતે આજે ભારે અવઢવમાં મૂકી દીધા છે. એક તરફ ઓનલાઇન ઓફલાઈન શિક્ષણ વચ્ચે ઝૂલતા ઝુલતા ક્યારેય બીજો અંક પ્રગટ કરવાની તિથિ નજીક આવીને ઊભી રહી ગઈ એનો ખ્યાલ જ ન રહ્યો… એમાં વળી નાટક કરવાનો ભડભડિયો… વળી કોણ જાણે કેલેન્ડરમાં વીસ તારીખ દરેક કાર્યક્રમની કેન્દ્રબિંદુ બની બેઠી. દરેક કાર્ય પૂર્ણ કરવા માટેની છેલ્લી તારીખ કઈ ? તો જવાબ મળતો વીસ.
આમ આ છેલ્લું અઠવાડિયું અને એમાંય ખાસ તો છેલ્લા દિવસો મલ્ટીટાસ્કિંગ રહ્યાં. એક પણ કાર્યને સ્થગીત રાખવું કે છોડવું શક્ય નહોતું. દિવસના ચોવીસ કલાક ઓછા લાગવા લાગ્યા. છેલ્લે તો સમય મુઠ્ઠીમાં કચકચાવીને પકડેલ રેતીની જેમ સરવા લાગ્યો…. ગમે તેટલાં પાછળ દોડીએ એ થોડો ઉભો રહે ! એ તો જાણે મુઠ્ઠી વાળીને ઓલમ્પિકમાં મેડલ લેવા દોડતો હોય એમ દોડ્યે જ જાય… દોડ્યે જ જાય.
પણ ગમે તે હોય દરેક સ્થિતિમાં કાર્યને સ્વસ્થ રીતે પૂર્ણ કરવાનો સંતોષ જ મહામૂલી મૂડી છે. કોરોના જેવી મહામારીની સ્થિતિએ આપણને પરિસ્થિતિ સામે પ્રતિકાર કરવાનું નવજોમ આપ્યું છે. એ જોમ અને જુસ્સો આ વખતે વ્હારે આવ્યા.
એક તરફ કોરોનામાં મહામારીની અસરમાંથી હવે જનજીવન થાળે પડી રહ્યું છે ત્યારે અમો આપ સમક્ષ પ્રયાસ An Extension…નો આ બીજો મણકો લઇ ઉપસ્થિત થયા છીએ પ્રથમ અંકમાં સર્જનાત્મક સાહિત્ય અને સંશોધનાત્મક લેખની સાથે ચિત્રોને પણ સ્થાન આપ્યું હતું. આ અંકમાં ફોટોગ્રાફીને પણ વણી શક્યા છીએ. આગામી અંકોમાં પ્રયાસ An Extension…સાહિત્ય અને કલાવિષયક વધુ નવા આયામો સિદ્ધ કરવાની ખેવના સહ…. અત્યારે તો આટલું જ….
ડૉ. શક્તિસિંહ પરમાર અને ડૉ. જિજ્ઞાબા રાણા
સ્થળ : ભાવનગર
તા. 20 જાન્યુઆરી 2021