વ્યવસાયિક નારી સંવેદનાનો સૂર પ્રગટાવતી સમકાલીન ટૂંકી વાર્તા:‘ત્રણ લાલ ગુલાબ’

 આધુનિક કળાસ્વરૂપ લેખે ટૂંકી વાર્તાનો ઉદ્ભવ, પશ્ચિમના સાહિત્યમાં ૧૯મી સદીમાં થયો, પણ તે પછી દોઢ-બે સૈકા જેટલા સમયગાળામાં વિશ્વભરના સાહિત્યમાં ઝડપથી એ સ્વરૂપનું ખેડાણ વિસ્તર્યું છે. આધુનિક વ્યક્તિના જીવનસંયોગોની વિષમતા અને જટિલતાનું તેમ તેના અંતરની ગહનગંભીર સંવેદનાઓ અને એકલ સ્વરોને સૂક્ષ્મ રૂપે અને ઉત્કટપણે વ્યક્ત કરવા કાજે આ સ્વરૂપ સમકાલીન સમયના લેખકોને ઘણું અનુકૂળ નીવડ્યું છે. રૂપરચનાની ર્દષ્ટિએ આ સ્વરૂપ અનુનેય અને રૂપાંતરશીલ નીવડ્યું છે. કેટલીક વાર વાર્તાલેખક કથાવૃત્તાંતમાં અંતર્હિત માનવીય સંઘર્ષ, કટોકટી, તણાવ, પરાકાષ્ઠા અને પ્રતિપરાકાષ્ઠા જેવાં નાટ્યતત્ત્વોને ઉપસાવીને એકાંકી જેવી નાટ્યાત્મક પ્રભાવકતા જન્માવે  છે. તો વળી ક્યારેક વાર્તાકાર મુખ્ય પાત્રના માનસિક જીવનનું ઝીણવટભર્યું આલેખન  કરીને તેને રેખાચિત્રની નિકટ લાવી દે છે.

આધુનિકતાવાદથી પ્રેરિત અનેક લેખકોએ  વર્ણ્ય પરિસ્થિતિ કે ભાવદશાનું પ્રતીકાત્મક રીતિએ નિરૂપણ કર્યું છે. કલ્પનોપ્રતીકોના પ્રચુર પ્રયોગોને કારણે એવી રચનાઓ સઘન ઉત્કટ ઊર્મિકાવ્યની કોટિએ પહોંચતી દેખાય છે. કેટલીક વાર કપોલકલ્પિત પુરાણતત્વ કે ચમત્કારનાં તત્વોને આશ્રયે એને આગવો પુરાકલ્પિત પરિવેશ પ્રાપ્ત થાય છે. ક્યારેક રાજકારણીઓના વિદૂષકવેશના આવરણમાં કે પ્રાણીકથાના નવતર ઢાંચામાં વ્યંગઉપહાસની કથા રચાય છે.

ટૂંકી વાર્તા મૂળભૂત રીતે એના સ્વરૂપ અને પ્રયોજનની બાબતમાં, પ્રાચીન સમયની ધર્મનીતિથી પ્રેરિત બોધકથાઓ, આખ્યાયિકાઓ, પ્રાણીકથાઓ, રૂપકગ્રંથિઓ (allegories) કે એ પ્રકારની બીજી દૃષ્ટાંતકથાઓથી જુદી પડે છે. પરંપરાપ્રાપ્ત કથાઓમાં એકાદ નાનકડું વૃત્તાંત કેન્દ્રમાં હોય, અને એની લાઘવભરી સીધી સુરેખ રજૂઆતને કારણે વાચકના ચિત્તમાં એકતા કે એકાત્મતાનો પ્રભાવ મૂકી જતી. ટૂંકી વાર્તાના સર્જકની રીતિ તેમજ કળાત્મક મૂલ્યોની માવજત કરવાની તેની દૃષ્ટિ નિરાળી હોય છે. માનવીના મનનાં જાગ્રત-અજાગ્રત સ્તરનાં સંચલનો અને સંવેદનાઓને ઝીલીને માનવીય વાસ્તવિકતાને તે  સ્વરૂપમાં રજૂ કરે છે. ટૂંકી વાર્તાના લેખકનું મુખ્ય વલણ કેન્દ્રવર્તી પાત્રોના સંકુલ આંતરસંબંધોથી રચાતી ભાવપરિસ્થિતિનું અને તેના આશ્રયે એ પાત્રોની સંવેદનાના અગોચર સ્તરોનો તાગ લેવાનું રહ્યું છે. ટૂંકી વાર્તામાં અલબત્ત, પ્રાણવાન કથાવૃત્તાંત(story)નો આધાર લગભગ અનિવાર્ય છે પણ નર્યું વાર્તાકથન આધુનિક લેખકને અભિપ્રેત નથી. બનાવો, પ્રસંગો વગેરે ઘટકો માનવીય સત્યના દ્યોતક અને સમર્પક અંશો જ રહે છે. વાર્તાને અંતે ઘટનાનો અંત ભલે પૂરેપૂરો રજૂ ન થાય, તેનું ચમત્કૃતિભર્યું સત્ય પૂર્ણપણે પ્રગટ થાય એ આવશ્યક હોય છે. સાચી વાર્તા એના અંતિમ ભાગમાં માનવજીવનની અકળ લીલામય ગતિવિધિનું સૂચન કરતી રહસ્યસભર ક્ષણનો સ્ફોટ કરે છે.

આકાર, રચનારીતિ અને શૈલીનિર્માણ પરત્વે આ સ્વરૂપ ખેડનારા લેખકોએ અપાર વૈવિધ્ય સિદ્ધ કર્યું હોવા છતાં એ દરેક રચના ભાવકના ચિત્તમાં મૂળની એકતા કે એકાત્મતાનો  પ્રભાવ મૂકી જાય છે. ઘટનાનું સંયોજન, વર્ણ્યવસ્તુની એકતા, શૈલીની એકરૂપતા કે ભાવપરિસ્થિતિને વ્યાપી લેતો જીવંત પરિવેશ એમાં સમર્પક બને છે. વાર્તાના કળાત્મક સંવિધાનનું એ ર્દષ્ટિએ ઘણું મહત્વ છે. વીસમી સદીના આધુનિકતાવાદી લેખકોએ રચનારીતિ(technique)ના વિનિયોગ પરત્વે અનેકવિધ પ્રયોગો કર્યા છે; પણ ટૂંકી વાર્તાની પ્રાણશક્તિ એની રચનારીતિ કરતાંય વધુ તો તેના લેખકની તીવ્રતમ સંવેદનાઓમાં રહી હોવાનું પ્રતીત થાય છે.

આધુનિક માનવીના સંયોગો અને તેની સંવેદનાઓ, રચનારીતિની પ્રયુક્તિઓ અને સર્જનાત્મક ભાષાનો વિનિયોગ એવા કોઈ પાસાનો સૂક્ષ્મ પ્રભાવ તેમણે ઝીલ્યો  છે. પણ તેમનો વિશેષ ઝોક તો પરિચિત વાસ્તવિકતાના આલેખન તરફનો રહ્યો છે. અનુઆધુનિક વલણો અને પ્રવાહો  આકાર લઈ રહ્યાં છે. એમાં એક નોંધપાત્ર વલણ તે તળપદા લોકજીવનની યથાર્થતાને મૂર્ત કરવાનું છે. એમાં તળપદી બોલીનો સર્જનાત્મક પ્રયોગ કરવાનું વ્યાપક વલણ દેખા દે છે. પ્રતીકવિધાન, દંતકથા, પુરાણકથાના અંશોનો વિનિયોગ, લોકસંસ્કૃતિનાં કર્મકાંડ જેવાં તત્વોને પણ તેમાં સ્થાન છે. પણ મુખ્ય વાત કથાકથનની પુન:પ્રતિષ્ઠા કરવાની છે. બીજી બાજુ દલિત ચેતનાના લેખકો સમાજના દલિતોશોષિતો અને ભદ્ર સમાજની ઘોર ઉપેક્ષા પામેલા નીચલા થરના લોકોની યાતના રજૂ કરી રહ્યા છે. પરસ્પર ભિન્ન એવા એ બે પ્રવાહો ક્યાંક પરસ્પરમાં  ભળે છે. અજિત ઠાકોર, મણિલાલ પટેલ, બિપિન પટેલ, કાનજી પટેલ, હર્ષદ ત્રિવેદી, કિરીટ દૂધાત, ઉજમશી પરમાર, મોહન પરમાર, હરીશ નાગ્રેચા, અજય સરવૈયા, બિંદુ ભટ્ટ, પાર્થ મહાબાહુ, કનૈયાલાલ પંડ્યા, ભૂપેન ખખ્ખર, બાબુ સુથાર, બાબુ  છાડવા, ઉત્તમ ગડા, પુરુરાજ જોષી, મંગળ રાઠોડ, હિમાંશી શેલત, અંજલિ ખાંડવાળા, પ્રાણજીવન મહેતા, રામચંદ્ર પટેલ વગેરે લેખકોની લેખનપ્રવૃત્તિ આ અનુઆધુનિક પ્રવાહમાં ધ્યાન ખેંચી રહી છે.

વીતેલી સદીના છેલ્લા દાયકા દરમિયાન હિમાંશી શેલત ‘અંતરાલ’, ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’, ‘એ લોકો’, હરિકૃષ્ણ પાઠક ‘નટુભાઈને જલસા છે’, રવીન્દ્ર પારેખ ‘ કલંક’, ‘સ્વપ્નવટો’ની વાર્તાઓમાં આધુનિકતાની અનેક નવી કેડીઓ કંડારે છે. મોહન પરમાર ‘નકલંક’, ‘કુંભી’, દલિતચેતનાને અલગ રીતે અભિવ્યક્ત કરે છે. એમાં માનવીય સંદર્ભ મહત્વનું પાસું છે. મણિલાલ પટેલની વાર્તાઓમાં ગ્રામચેતના જુદે રૂપે વ્યક્ત થઈ છે. અજિત ઠાકોર, બિપિન પટેલ, જિતેન્દ્ર પટેલ વળી ગામડાની કથા નોખી રીતે આલેખે છે. આ સાથે જાતીયતાને આલેખતી વાર્તાઓનું જુદું વિશ્વ છે. રમેશ ર. દવેની ‘શબવત્’ પ્રકારની વાર્તાઓ દ્વારા સમાજની વરવી બાજુ છતી કરે છે. હરીશ નાગ્રેચાની ‘કુલડી’ અને ‘કૅટવોક’ વાર્તાઓમાં જાતીયતા કલાત્મક રૂપે રજૂ થઈ છે. પ્રવીણસિંહ ચાવડાની ‘નવું ઘર’ અને ‘વિઝિટ’ વાર્તા પણ એ બાજુને ઉજાગર કરે છે.રવીન્દ્ર પારેખની ‘કટકે-કટકે’ અને પરેશ નાયકની ‘આદિ રૉબોટ’ વાર્તામાં મનુષ્ય અને યંત્રો વચ્ચેની યાંત્રિકતા અને માનવતાની ગૂંથણી છે.

નવી સદી અર્થાત્ એકવીસમી સદીમાં વળી વાર્તા કરવટ બદલે છે. વીતેલી સદીના છેલ્લા દાયકાના વાર્તાકારો તો વાર્તાલેખનમાં પ્રવૃત્ત જ છે તો અન્ય નવા વાર્તાકારો પણ આવ્યા છે. કિરીટ દૂધાત, પરેશ નાયક, યોગેશ જોષી, ધરમાભાઈ શ્રીમાળી, રાજેન્દ્ર પટેલ, દીના પંડ્યા, પ્રફુલ્લ રાવલ, પૂજા તત્સત્, સંજય ચૌહાણ, અનિલ વાઘેલા, દક્ષા પટેલ, સતીશ વૈષ્ણવ ઇત્યાદિ દ્વારા ગુજરાતી વાર્તા જુદી જુદી રીતિએ લખાતી રહી છે.

આવા જ એક પ્રયોગશીલ લેખિકા એટલે શ્રીમતી તારિણીબેન દેસાઈ. તેમનો જન્મ ૨૨ ડિસેમ્બર ૧૯૩૫ ના દિવસે વડોદરામાં સુધાબેન અને રૂદ્રપ્રતાપ મુનશીને ઘેર થયો હતો. તેમનો પરિવાર પેટલાદનો વતની હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં પૂર્ણ કરી તેમણે ૧૯૫૭માં એમ. એસ. યુનિવર્સિટીમાંથી ફિલોસોફી અને મનોવિજ્ઞાન વિષયમાં બી.એ. અને વિલ્સન કૉલેજમાંથી સમગ્ર ફિલોસોફી વિષય સાથે એમ.એ. નો અભ્યાસ પૂર્ણ કર્યો.  તેમણે ૧૯૫૬માં ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ડિપ્લોમા પણ મેળવ્યો.તેમણે ‘ક્યારેક’ નામનું સાહિત્યિક સામાયિક સંપાદિત કર્યું.

તેમણે તેમના કૉલેજ જીવન દરમિયાન લખવાનું શરૂ કર્યું. તેમની પહેલી રેડિયો પ્રસ્તુતિ ‘નવરાત્રી‘ ૧૯૫૧માં આકાશવાણી વડોદરા કેન્દ્રથી પ્રસારિત કરવામાં આવી હતી. આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી તેમની બીજી રેડિયો પ્રસ્તુતિ ૧૯૬૨માં રજૂ કરવામાં આવી હતી. તેમની પ્રથમ વાર્તા ‘મિટીંગ‘ ૧૯૬૬માં ‘ચાંદની ‘સામાયિકમાં પ્રકાશિત થઈ હતી. તેમની ટૂંકી વાર્તા ‘કાબરો પણ ચાલી શકે છે ‘ ને ૧૯૭૫માં રાધેશ્યામ શર્માએ પોતાના વાર્તાસંગ્રહના સંપાદનમાં સમાવી હતી.

‘પગ બોલતા લાગે છે‘ (૧૯૮૪) એ તેમનો પંદર લઘુકથાઓ ધરાવતો પ્રથમ વાર્તાસંગ્રહ હતો.‘રાજા મહારાજા જે ‘(૧૯૯૨)માં “ભ્રાંતિ” વિષયની આસપાસ વણાયેલી ચૌદ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. ‘મરૂન જાંબલી ગુલાબી‘ (૨૦૦૩) એ તેમનો પ્રાયોગિક વાર્તાઓનો ત્રીજો સંગ્રહ હતો. ‘કોમલ પંચમ જ…….‘(૨૦૦૮) એ તેમનો અલગ તાસીર રજૂ કરતો ચોથો વાર્તાસંગ્રહ છે. તેમણે બાળકોની વાર્તાઓ ‘ચિમ્પુદાદા‘ અને ‘ગાંજી કાંજી અને વાંજી‘ લખી છે. ‘તારિણીબહેન દેસાઈની શ્રેષ્ઠ વાર્તાઓ ‘એ તેમની પસંદ કરેલી વાર્તાઓનો સંગ્રહ છે.‘સાત તાળી રમાડતી ક્ષણો‘ એ પેન સ્કેચનો સંગ્રહ છે.તેમણે ટીવી શ્રેણી ‘પ્રેરણા‘માં નાનું પાત્ર ભજવ્યું હતું.

તેમના આ પહેલાંના વાર્તા સંગ્રહો ‘પગ બોલતા લાગે છે‘,‘રાજા મહારાજની જે‘,  ‘મરૂન જામલી ગુલાબી‘ ત્રણેય ગુજરાતી સાહિત્ય અકાદમી,ગુજરાતી સાહિત્ય પરિષદ- શ્રી ભગિની નિવેદિતા પારિતોષિક તેમજ શ્રી ધૂમકેતુ પારિતોષિક દ્વારા પુરસ્કૃત થયા છે. ‘કોમળ પંચમ જ‘ એ સંગ્રહનું શીર્ષક કોઈ સંગીતને લગતું હોય એવું સમજી શકાય તેમ છે. નારીની સ્થિતિ પણ કોમળ પંચમ અને તીવ્ર મધ્યમ-એમ ત્રિભેટા સમાન અસાધારણ શ્રુતિ સ્થાન જેવી કપરી છે એ વાત આ સંગ્રહ વાંચનાર તમામને ચોક્કસથી વિદિત થશે.

૧૫ વાર્તા સંગ્રહ ધરાવતા આ સંગ્રહમાંથી અહીં વ્યવસાયિક નારી સંવેદના નો સૂર પ્રગટાવતી વાર્તા ‘ત્રણ લાલ ગુલાબ’ અંગે વાત કરવાનો ઉપક્રમ સેવ્યો છે. આ રચના વાર્તાનાયિકા સપનાની મૂંગી વેદનાને બોલકી રીતે વાચા આપે છે. વાર્તા નાયિકા સપના સાધનસંપન્ન કુટુંબની જંજાળમાંથી છૂટવા નિજાનંદ માટે નોકરી કરે છે.વાર્તાની શરૂઆતમાં જ આવતું ત્રણ અંકનું સાયુજ્ય વાર્તા શીર્ષક ની યથાર્થતાનું ધ્યોતક બની રહે છે- ગુલાબી સવાર,ગુલાબના ફૂલ અને શરમના શેરડાથી ગુલાબી લાગતી નાયિકા.

પોતે આજે રોજ કરતાં વધુ સુંદર લાગે છે એવી પ્રતીતિ થતા નાયિકાને આજની સવાર કંઈક વધુ સુંદર લાગે છે અને તે વાતની પુષ્ટિ કરતું ઑફિસની એક નટખટ છોકરી દ્વારા કરાયેલું સંબોધન ‘ગુલાબની રાણી’ નાયિકાને વધુ પોરસાવે છે.અન્ય સ્ત્રીઓની જેમ તેને પણ પોતાની સુંદરતાના વખાણ કરતા બોસના શબ્દો વધુ ખુશી આપે છે,

“ અરે આજે તો ગુલાબી-ગુલાબી લાલ-લાલ લાગો છો ને! જરા કેબિનમાં આવો”.(‘કોમળ પંચમ જ…..‘માંથી,પૃ.૪૪)

હકીકતે તો સર્જક અહીં નાયિકા પોતે જે કારણોસર વધુ પ્રફુલ્લિત દેખાય છે તેના તરફ આડકતરી રીતે ઈશારો કરી દે છે. સપનાની આ પ્રફુલ્લિતતા માત્ર વસ્ત્રો કે ગુલાબને પરિધાન કરવાથી નથી, પરંતુ આ તો સ્વના નિજાનંદમાંથી પ્રગટતી લાગણી છે.આ નિજાનંદ તેને આ નોકરી કરવાથી પ્રાપ્ત થાય છે.આમ,પોતાના બોસ જ્યારે કેબિનમાં બોલાવે છે ત્યારે સપના ખૂબ જ પ્રસન્ન ચિત્તે તેમની કેબિનમાં પ્રવેશે છે પરંતુ જ્યારે તેને ખબર પડે છે કે એક ગરીબ યુવકને નોકરી આપવા માટે બોસ તેને નોકરીમાંથી છૂટી કરવાના છે ત્યારે તેના પગ નીચેથી જાણે ધરતી સરખી જાય છે તેના બોસ તેને કેબિનમાં બોલાવીને કહે છે:

“ એટલે જ મેં તમને કેબિનમાં બોલાવ્યાં છે.મારી પાસે એક છોકરો આવ્યો હતો. ગ્રેજ્યુએટ છે.એના ઘરમાં છ માણસો છે અને કોઈ જ કમાતું નથી.બિચારાં લગભગ ભૂખે મરે છે.આમ તો મારી પાસે જગ્યા નથી પણ મને થયું કે તમને પૈસાની જરૂર નથી, તેથી તમારી જગ્યાએ હું એને રાખવા માંગું છું.એટલે તમારા મોજશોખમાં વપરાતા પૈસાનો સદ્ઉપયોગ થાય અને એના કુટુંબના માણસોનું પેટ ભરાય.એટલે આજથી તમે નોકરી ઉપરથી છૂટાં છો.”(એજન,પૃ.૪૫-૪૬)

આ સાંભળ્યા બાદ વીજળીનો આંચકો અનુભવતી વાર્તા નાયિકા રડતાં રડતાં બોસને કહે છે:

 “સાહેબ,તમે મોઢા પર જોયેલી પ્રફુલ્લતા હવે ક્યારેય નહીં જોઈ શકો. સાહેબ,તમે મારા મોઢા પરની લાલાશ છીનવી રહ્યા છો! ખુશી લૂંટી રહ્યા છો. તમને વધુ શું કહું?કાંઈ નહીં…… ઈશ્વરને ગમ્યું એ ખરું. એમાં તમારો વાંક નથી, ચાલો જાઉં…..”(એજન,પૃ.૪૬)

-અને પ્રત્યુતરમાં આમ થવાનું કારણ પૂછતાં તે સાહેબને સમજાવે છે કે સ્ત્રી માત્ર આર્થિક કારણને લીધે જ કાંઈ નોકરી નથી કરતી પરંતુ પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ સિદ્ધ કરવા માટે પણ નોકરી કરતી હોય છે.

સાસરિયાંના મને-કમને પણ નોકરી કરતી સપના માટે દરેક મહિનાની પહેલી તારીખે આવતો પગાર આખા મહિનાની તેની પ્રફુલ્લિતતાનું કારણ છે.તેના સાસરિયાં તેના પગારમાંથી તેના દ્વારા લવાતી જુદી જુદી ભેટ સોગાદોથી ખુશ છે અને આથી જ ઘરમાં તેને લાગણીશીલ, સંસ્કારી અને નિખાલસ છોકરી તરીકેનું સન્માન મળે છે.નોકરી કરવાનું મુખ્ય કારણ જણાવતાં તે સાહેબને કહે છે,

“બસ,તે દિવસથી મારું મોઢું પ્રફુલ્લિત છે અને હજી પણ રહ્યું છે. મેં હજી પણ એ ક્રમ ચાલુ જ રાખ્યો છે.દરેક મહિને કાંઈ ને કાંઈ બધા માટે લઈ આવું છું, અને નીચા વળી પગે લાગી આપું છું.બધા,એટલે મારા પર ખુશ રહે છે”.(એજન,પૃ.૪૮)

દર મહિને સાસરિયાંઓને મળતી આ ભેટ સોગાદો એ આ વ્યવસાયિક નાયિકાના લગ્ન જીવનની વિષમતા છે તો સાથે સાથે તેના આનંદનું કારણ પણ છે.

સાહેબ સપનાની આ વાત સમજે છે અને તેને નોકરીમાં ચાલુ રાખતા કહે છે:

“સપના તમારી વાત સાવ સાચી છે. પેલા છોકરાના કુટુંબને રોટલા આપવા જ હું તમારો આનંદ છીનવી રહ્યો છું. એક કુટુંબને ઉગારવા જતાં બીજા કુટુંબમાં કલેશ ઉત્પન્ન કરી રહ્યો છું.તમે નોકરી ઉપર ચાલુ જ છો. આવી મોટી ભૂલમાંથી તમે મને ચેતવ્યો તે સારું જ કર્યું”.(એજન,પૃ.૪૮-૪૯)

અને સાહેબના આ શબ્દો સાંભળીને નાયિકાના મનમાં લાગણીઓનું મહેરામણ ઉમટે છે:

“મનના તળાવમાં નોકરી શબ્દની કાંકરીએ વમળ તો સર્જ્યું,પણ……. વમળોની આતશબાજી થતાં અટકાવી એ પણ ‘નોકરી‘ શબ્દની કાંકરીએ જ.અને ફરી પાછું મનનું તળાવ-સ્થિર,શાંત અને તરબતર થઈ ગયું”.(એજન,પૃ. ૪૯)

હકીકતમાં તો વાર્તાન્તે નોકરી પર પાછા ચાલુ રહેતાં નાયિકાના મનમાં પેલાં ત્રણ ગુલાબનું ગુચ્છ તેના મનોભાવરૂપે ખીલ્યું છે,જે છે તેના આંતર મનની સ્થિરતા,શાંતિ અને તરબતરતા.

સવ્યસાચી સર્જક તારિણીબહેન દેસાઈ પ્રયોગશીલ અને પરંપરાગત સર્જક તરીકે ગુજરાતી સાહિત્યમાં જાણીતા બન્યા છે.તેઓ માનવમાત્રના હાર્ને સ્પર્શે છે અને તેથી જ તેમની વાર્તાઓ પરંપરાગત લાગે પરંતુ પરંપરાગ્રસ્ત લાગતી નથી. હવે આ પ્રયોગશીલ લેખિકા પાસેથી નજીકના સમયમાં નવ્ય વિષયવસ્તુ ધરાવતો નવો વાર્તા સંગ્રહ મળે એ જ અભ્યર્થના.

સંદર્ભ સૂચિ :

(૧) ‘કોમળ પંચમ જ…….’, તારિણીબહેન દેસાઈ,૨૦૦૮, પ્ર. આ., આર. આર. શેઠ પ્રકાશન.

(૨) ‘આધુનિક અને અનુઆધુનિક ગુજરાતી સાહિત્ય’, ડૉ. રચના આઈ. પટેલ, ૨૦૧૯, આદર્શ પ્રકાશન.

(૩) ‘આધુનિકોત્તર સાહિત્ય’, સંપા. સુધા નિરંજન પંડ્યા, ૨૦૦૬, પ્ર. આ., ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર.

(૪) ‘આધુનિકોત્તર ગુજરાતી વાર્તા’, સંપા. ડૉ. વિશ્વનાથ પટેલ, ૨૦૧૯, પ્ર. આ., બુક સ્ટાર પબ્લિકેશર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ.

(૫) ‘સામાયિક લેખસૂચિ’, સં. કિશોર વ્યાસ(૨૦૦૬-૨૦૧૦),૨૦૧૧,પ્ર.આ., ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશન.

જાગૃતિ મહેશકુમાર પટેલ

(પીએચ.ડી. વિદ્યાર્થિની)

ગુજરાતી વિભાગ, ભાષા સાહિત્ય ભવન, અમદાવાદ

ઇ-મેઇલ : jags86uk@gmail.com

Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 5 issue 5 September – October 2024