વેનિસનો વેપારી આસ્વાદ અને અધ્યયન

જગવિખ્યાત નટસમ્રાટ શેક્સપીઅરની કૃતિઓને વિશ્વમાં સમયે-સમયે અલગ-અલગ ભાષામાં ઉતારવા સાહિત્યકારોએ અથાગ પ્રયત્નો કરેલ છે.  આપણી ગુજરાતી ભાષા પણ તેમાંથી બાકાત નથી. ઓગણીસમી સદીના અંતભાગમાં અને વિસમી સદીના પૂર્વાર્ધમાં અનુવાદ/ભાષાંતરની પ્રક્રિયાને ભારે વેગ મળ્યો, જે દરમિયાન શેક્સપીયરના ઘણાં નાટકો ભાષાંતર, અનુવાદ, ભાવાનુવાદ, ગદ્યાનુવાદ, પદ્યાનુવાદ,  ગદ્ય-પદ્યાનુવાદ, વાર્તાંતર સ્વરૂપે છપાયા. આ લેખમાં આપણે નાટ્યકાર રચિત  ‘વેનિશના વેપારી’ – સુખાંત નાટક (કોમેડી)  પર ચર્ચા કરીશું.

નાટક ‘વેનિશના વેપારી’ ની મૂળ કથા-વસ્તુ પર પ્રકાશ પાડીએ એ પહેલા આ નાટકના અનુવાદો વિશે થોડી વાત કરીએ.  નરભેશંકર પ્રાણશંકર દવેએ ભાવનગરના રાજા દ્વારા મળેલ આર્થિક સહાયથી ૧૯૧૧માં શેક્સપિયર માળાના ભાગ રૂપે ‘વેનીશનો વેપારી’ શીર્ષક હેઠળ સૌ પ્રથમ સંપૂર્ણ ગદ્યાનુવાદ આપ્યો. વર્ષ ૧૯૨૦માં કેકોબાદ મચં રેશાહ પાલનજીએ વાર્તા સ્વરૂપે આ નાટક આપ્યું જેમાં મોટા ભાગના દ્રશ્યોના સંવાદોના અનુવાદો પણ વાંચવા મળે છે. મંચેરશાહએ કરેલ  અનુવાદમાં નાટક માત્ર વાંચી જ નહી પરંતુભજવી શકાય અને નાના બાળક પણ તેને સમજી શકે અને આનદં લઈ શકેએવી શૈલીમાંકરેલ છે. વર્ષ ૧૯૬૪માં શેકસપીયરની ૪૦૦મી જન્મજયંતિં શતાબ્દી નિમિતે ‘‘કુમાર’ સામાયિકમાં ફેબ્રુઆરી અંકમાં મધુસૂદન પારેખે વાર્તંતર સ્વરૂપે આ નાટક આપ્યું. હંસા મહેતાએ ઈ.સ. ૧૯૪૪માં પ્રથમ વખત આ નાટકનો પધ્યમાં અનુવાદ  નિર્બંધ અનુષ્ટુપ છંદમાં આપ્યો. 

નાટકની કથા-વસ્તુ

નાટકની શરૂઆતમાં વેનિસ નામના શહેરમાં રહેતા બે ગાઢ મિત્રો બસાનિયો, અમીર ઉમરાવ  અને શ્રીમંત વેપારી એન્ટોનિયોથી થાય છે. બસાનિયો એન્ટીનોયો પાસેથી પૈસા ઉછીના લેવાનું કહે છે, જેથી તે તેની પ્રેમિકા પોર્શિયાને પરણી શકે. સમસ્યા એવી ઊભી થાઈ છે કે એન્ટોનિયો પાસે કોઈ પણ રોકડ હાથવગી નથી, કારણ કે તેના તમામ જહાજો સમુદ્રમાં છે. એક ધનવાન શ્રીમંત તરીકે એન્ટોનીયો બસાનિયોને પોતાની શાખ(ક્રેડિટ) પર જરૂર હોય તેટલા પૈસા વેનિસની બજારમાંથી કોઈપણ પાસેથી  ઉછીના લેવાની પરવાનગી આપે છે.

એ જ દરમિયાન, પડદાની બીજી બાજુ,  વેનિસની બાજુમાં આવેલ બેલમોન્ટમાં, પોર્શિયા અને તેની પરિચારિકા નેરિસાને તેના મૃત પિતાની ઇચ્છા વિશે શોક વ્યક્ત કરે છે, જે નિયત કરે છે કે પોર્શિયા સાથે લગ્ન કરવા ઇચ્છુક કોઈપણ પુરુષે પરીક્ષાના ભાગ રૂપે  તેણે આપેલ સોના, ચાંદી અને સીસાની એમ  ત્રણ કાસ્કેટ (પેટીઓ)માંથી એક  પેટી (કાસ્કેટ) પસંદ કરીને કોયડાનો જવાબ આપવાના રહેશે. પુરુષ યોગ્ય પેટી પસંદ કરશે તે જ પોર્શિયાના  પતિ બનવા માટે લાયક ઠરશે. પોર્શિયા અત્યાર સુધી જોવા આવેલ એક પણ  પુરુષ તેને ગમ્યો નથી. તેનું મન તેણે જોયેલ વેનિસના એક પુરુષમાં છે જે આપણો નાટકનો બસાનિયો જ છે.

એક બાજુ બેલમોન્ટમાં, પોર્શિયા અને નેરીસાના સંવાદો ચાલી રહ્યા છે ત્યારે  બીજી બાજુ બાસાનિઓ નાણાં ધીરનાર, યહૂદી શાયલોક પાસેથી 3000 ડકેટ્સ એન્ટોનીઓના નામે ઉછીના માંગે છે. ઘણી ખચકાટ પછી, શાયલોક જો એન્ટોનિયો તેના નામનો તેની મિલકત સાથેની લોનની ખાતરીનો કરાર આપશે એ સાથે નાણા ધીરવા સંમત થાય છે -. જો કે, જ્યારે એન્ટોનિયો પોતે આવે છે અને વ્યાજખોરી (તેની લોન પર વ્યાજ વસૂલવા) માટે શાયલોકનું અપમાન કરવાનું શરૂ કરે છે, ત્યારે વાત થોડી બગડી જાય છે. શાયલોક આ સાથે એક વિચિત્ર  શરતનો પ્રસ્તાવ મૂકે છે. તે બેસાનીયો પાસેથી  ત્રણ મહિના સુધી કોઈ વ્યાજ વસૂલશે નહીં. જો કે, નાણા ધીરાર અંગેની એન્ટોનિયો ખાતરી લે છે અને તે અંગે એ સમયસર જો નાણા પરત કરવામાં નિષ્ફળ જાય, તો શાયલોક એન્ટોનિયોના શરીર પર ગમે ત્યાંથી એક પાઉન્ડ માંસ કાપવા માટે હકદાર રહેશે. શાયલોકે આપેલ સમયમર્યાદા પૂરી થાય એ પહેલા જ એન્ટોનિયોના જહાજો વેનિસ પરત ફરશે તેવા વિશ્વાસ સાથે એન્ટોનિયો શરત સ્વીકારે છે.

આ બાજુ, એક પછી એક રાજકુમારો પોર્શીયાના લગ્નના પ્રસ્તાવ અર્થે પરીક્ષા આપવા માટે બેલમોન્ટની મુલાકાત લે છે. સૌ પ્રથમ મોરોક્કોના રાજકુમાર પોર્શીયા સાથે લગ્નકરવાના કોડ પૂરા કરવા પોતાનું નસીબ અજમાવવા માટે આવે છે. તે સોનાની પેટી પસંદ કરે છે  અને પરીક્ષામાં નિષ્ફળ જાય છે. ત્યારબાદ એરાગોનના રાજકુમાર પણ પરીક્ષા આપવા બેલમોન્ટ આવે છે. ખૂબ વિચાર-વિમર્શ કર્યા પછી તે ચાંદીની પેટી  પસંદગી કરે છે અને પરિક્ષામાં નિષ્ફળ નીવડે છે. બીજી બાજુ, વેનિસમાં, લોરેન્ઝો, બસાનિયોનો મિત્ર, તેની પ્રેમિકા જેસિકા (જે શાયલોકની પુત્રી છે)  તેની સાથે લગ્ન કરવા તેને ભગાડી જાઈ છે. શાયલોક આ સમયે બહાર હોવાથી એ વાતથી તદ્દન અજાણ છે કે તેની પુત્રી ઘરેથી મોટી રકમની ચોરી કરી તેના પિતા પ્રેમી લોરેન્ઝો સાથે ભાગી ગઈ છે.

થોડા અઠવાડિયા પસાર થાય છે, અને સમાચાર આવે છે કે એન્ટોનિયોના જહાજો દરિયામાં ખોવાઈ ગયા છે. શાયલોક પોતાના કાવતરામાં સફળ નીવડે છે અને એન્ટોનિયો સાથેના કરાર દ્વારા તેને આપેલા વચન દ્વારા એન્ટોનિયોના શરીરમાંથી એક પાઉન્ડ માંસ લઈને પોતાની સાથે થયેલ હડધૂત અન્યાયનો બદલો લેવાની રાહ જોઈ રહ્યો છે.

બેલમોન્ટમાં જ્યારે બસાનિયો પોતાની પરીક્ષામાં ખરો ઉતરવા તૈયાર થાઈ છે ત્યારે પોર્શીયા તેને ચેતવે છે કે જો એ પરીક્ષામાં ખરો ના ઉતર્યો તો તે તેને હમેશા માટે ખોઈ બેસસે. તે સિસાની પેટી પસંદ કરે છે અને યોગ્ય પસંદગી બદલ પોર્શીયા તેને બંનેની સગાઈના નિશાનીરૂપે  વીટી આપે છે અને આ બસાનિયો પાસેથી આ વીંટીને પોતાના જીવની જેમ સંભાળવાનું વચન લે છે.    

નેરિસા પણ બસાનિયોના મિત્ર ગ્રેશીઆનોના પ્રેમમાં હોવાની વાત  જાહેર કરે છે  અને તેઓ બંને પણ લગ્ન કરવા માગે છે. જો કે, તે જ સમયે, એન્ટોનિયો તરફથી એક પત્ર આવે છે, જેમાં તેના ખોવાયેલા જહાજોના સમાચાર અને શાયલોકના તેના પાઉન્ડનું માંસ એકઠું કરવાના ઇરાદાની  વાત કરે છે. ગભરાઈ ગયેલ બેસાનીઓને પોર્શીઆ લોન ચૂકવવા માટે પૂરતા પૈસા આપે છે. બસાનિયો વેનિસ જવા ઉતાવળ કરે છે, પોર્શીઆ એન્ટોનિયોને બચાવવા માટે પોતાની એક યોજના બનાવે છે.

વેનિસની અદાલતમાં, શાયલોક કોઈપણ વાત કે અરજી માનવા માટે તૈયાર નથી અને એન્ટોનિયોના દેહમાંથી એક રતલ (પાઉન્ડ) માસ જ લઈને જપશે. કાયદો એના પક્ષમાં છે. બસાનિયોએ તેને તેના બદલે 9000 (ત્રણ ગણા) ડ્કેટ્સ આપવા તૈયાર છે પણ તે એક નો બે થતો નથી. એ સમયે નેરિસા કારકુનના વેશમાં અને પોર્શીઆ  વકીલ (બાલ્થાઝાર)ના વેશમાં અદાલતમાં પહોંચે છે. બંને પક્ષની વાત જાણ્યા બાદ તે નિર્દેશ કરે છે કે શાયલોક જે કરાર ધરાવે છે તે તેને એન્ટોનિયો પાસેથી લોહી લેવાનો અધિકાર આપતો નથી, અને જો શાયલોક એન્ટોનિયોનું માંસ કાપતી વખતે લોહીનું એક ટીપું પણ વહાવે તો શાયલોકની તમામ સંપત્તિ રાજ્ય દ્વારા જપ્ત કરવામાં આવશે. તેણીએ શાયલોકને વેનીસના નાગરિકને મારવાનું કાવતરું રચવા માટે દોષિત સાબિત કરે છે અને તેથી તેણે તેની અડધી સંપત્તિ એન્ટોનિયોને અને બાકીની અડધી રાજ્યને સોંપવાની માંગણી કરે છે. એન્ટોનિયો અને ડ્યુક દયા દાખવે છે, જો કે શાયલોકે તેની અડધી સંપત્તિ એન્ટોનિયોને જ આપવી જોઈએ અને તેના મૃત્યુ પછી તેની બાકીની અડધી સંપત્તિ જેસિકા અને લોરેન્ઝોને આપવાનું વચન આપે છે. વધુમાં, શાયલોકનું યહૂદીમાંથી ખ્રિસ્તી ધર્માંતરણ કરવાનો આદેશ આપવામાં આવે  છે. શાયલોક પાસે ધર્માંતરણ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.

પોર્શીઆ અને નેરીસા જ્યારે અદાલત છોડીને જઈ રહ્યા હોય છે ત્યારે  બસાનિયો (જે એ વાતથી તદ્દન અજાણ છે કે આ વકીલના વેશમાં તેની પત્ની પોર્શીઆ જ છે) તેણે કરેલ મદદના બદલે આભાર માનીને તેણીને ફી રૂપે પૈસા આપવાનું કહે છે. તેણી પૈસાનો ઇનકાર કરે છે અને પૈસાના બદલે તેણે પહેરેલી વીંટી માંગે છે.બસાનિયો પોતે આપેલ વચનને યાદ કરી વીંટી આપતા અચકાય છે. પરંતુ એન્ટોનિયોના કહેવાથી તે વીંટી આપી દે છે. ગ્રેશીયાનો પણ નેરિસાને તેની વીંટી આપે છે.

દ્રશ્ય ફરી બેલમોન્ટ પર પાછું ફરે છે, લોરેન્ઝો અને જેસિકા એક સુંદર રોમેન્ટિક સાંજ માણી રહ્યાં હોય છે. પરોઢના થોડા સમય પહેલા, પોર્શીઆ અને નેરિસા આવે છે. થોડા સમય બાદ બસાનિયો, ગ્રેશીયાનો અને એન્ટોનિયો પણ આવી પહોંચે છે. બંને સ્ત્રીઓ તેમના પતિઓની વીંટી ગુમાવી હોવાની ખબર પડતાં ગુસ્સે થાઈ છે. એન્ટોનીઓ વિગતે સમજાવે છે. ટૂંક સમયમાં રમતની બાજી ખુલ્લી થાઈ છે અને કોર્ટ સમયે તેમની ભૂમિકાની કબૂલાત કરે છે. યુગલોનું સમાધાન થાય છે, અને સમાચાર આવે છે કે એન્ટોનિયોના ખોવાયેલા જહાજો બધી જ સંપત્તિ સાથે બંદર પર સુરક્ષિત રીતે પાછા ફર્યા છે અને વાર્તાનો સુખદ અંત આવે છે અને પડદો પડે છે. 

જય જીવાણી, આસીસ્ટંટ પ્રોફેસર, અગ્રેજી વિભાગ, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી

Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 5 issue 1 January- February 2024