‘વિહારયાત્રા’-૧ : ફાધર વાલેસની આનંદયાત્રાના અનુભવો

ફાધર વાલેસનું મૂળ નામ કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસ હતું. તેમનો જન્મ ૪ નવેમ્બર, ૧૯૨૫ ના રોજ સ્પેનના લોગ્રોનો શહેરમાં થયો હતો. તેઓ જન્મથી સ્પેનિશ, ધર્મથી ખ્રિસ્તી પરંતુ કર્મથી ગુજરાતી અને વિચારોથી ભારતીય હતા. ફાધર વાલેસે પોતાના સાહિત્યસર્જનથી ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતી સાહિત્યનું બહુમાન ‘રણજીતરામ સુવર્ણચંદ્ર’ મેળવનાર તેઓ એકમાત્ર વિદેશી સાહિત્યકાર હતા. આ ઉપરાંત તેમને કાલેલકર એવોર્ડ, કુમારચંદ્રક અને મરણોપરાંત ‘પદ્મશ્રી’થી  વિભૂષિત કરવામાં આવ્યા હતા. તેમણે ગુજરાતી ભાષા માત્ર શીખી નહતી, પણ તેને જીવી હતી, તેમાં એકરૂપ થયા હતાં અને ગુજરાતી ભાષા વિશેનું ‘શબ્દલોક’ નામનું સુંદર પુસ્તક પણ લખ્યું. આ સિવાય તેમણે ગુજરાતી ભાષામાં ૭૦ જેટલા પુસ્તકો લખ્યા. તેમના સુશ્ર્લિષ્ટ નિબંધો – લઘુલેખોએ ગુજરાતના યુવાનો, કિશોરો, માતા-પિતા અને સમગ્ર સમાજને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તેમના  દ્વારા નિબંધ સ્વરૂપ વધુ ખીલ્યું છે. ગુજરાતી ભાષાને પોતીકી ગણી ગુજરાતી સાહિત્યમાં મબલખ અને નોંધપાત્ર સર્જન કરનાર ફાધર વાલેસને વિદેશી નહી પરંતુ ‘સવાયા ગુજરાતી’ કહેવું જ ઉચિત ઠરે.

‘વિહારયાત્રા’ પુસ્તક તેમની આનંદયાત્રાના અનુભવોને રજૂ કરતું પુસ્તક છે. તેમણે ઈ.સ. ૧૯૭૩ થી અમદાવાદની પોળોમાં વિહારયાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ પહેલા તેઓ અધ્યાપકોની હોસ્ટેલમાં રહેતા, જ્યાં તેમને બધા પ્રકારની સુવિધાઓ હતી પરંતુ તેઓ ગુજરાતની ભાષા, રહેણીકરણી, ખાનપાન, કુટુંબજીવનને માણવા માંગતા હતાં, પોતીકા કરવા માંગતા હતા. આથી તેમણે મધ્યમવર્ગના પરિવારો પાસે આતિથ્યની યાચના માંગી, ‘રખડતા મહેમાન’ તરીકે લોકોની સાથે તેમના ઘરમાં, તેમના જ રંગમાં ઓતપ્રોત બનીને રહ્યા હતાં. તેમની વિહારયાત્રાના અનુભવો ત્રણ ભાગમાં પ્રકાશિત થયા છે. અહીં ‘વિહારયાત્રા’-૧ પોળેપોળે’માં રજૂ થયેલા ફાધર વાલેસના અનુભવો વિશે જોઈએ.

 વિહારયાત્રા-૧માં ફાધર વાલેસે માત્ર અનુભવો કે પ્રસંગોને નહી પરંતુ નાના-નાના પ્રસંગોમાંથી જીવનની જે અમૂલ્ય શીખ મળી છે તે આપણી સાથે વહેંચી છે. ‘ભાભી’ અને ‘ઠંડી રસોઈ’ નિબંધમાં તેમણે કુટુંબમાં સ્ત્રીની સ્થિતિ અને તેનું સ્થાન કેવું છે? તે વાત કરે છે. ‘ભાભી’માં લેખક જે ઘરમાં મહેમાન બની રહેતા તે ઘરની સ્ત્રી એટલે કે ભાભી. જેની તબિયત ખરાબ છે, તાવ છે, સર્ગભા છે છતાં તેને ઘરકામમાંથી મુક્તિ નથી. ‘ઠંડી રસોઈ’માં પતિ સામે પત્નીનું સ્થાન ક્યાં? જેવો પ્રશ્ન જોવા મળે છે. પત્ની પતિને પ્રેમથી જમવા માટે થાળી પીરસે છે, જમવા બોલાવે છે પરંતુ પતિ માત્ર પોતાની ધાક બેસાડવા, પ્રતિષ્ઠા જાળવવા જવાબ પણ ન આપે અને પોતાની મરજી મુજબ રૂઆબભેર આવે. આ તે કેવો પુરુષ હોવાનો અહમ? પત્ની રાહ જોતી બેસી રહે એમાં પતિનું ગૌરવ છે? પત્ની આગળ આવા બંધનો સ્વીકારાય? જેવા પ્રશ્નો લેખકને થાય છે.

અહી કેટલાક પ્રસંગોમાં આપણને ફાધર વાલેસનો  પિતૃવાત્સલ્ય ઉભરાતું જોવા મળે છે. ‘મારો દીકરો’માં એક નાનું બાળક જેને પગમાં વાગ્યું છે, જે ચાલીને શાળા જઈ શકે તેમ નથી. એ  જ્યારે લેખકને સાયકલ પર પોતાને શાળાએ મૂકી જવા પૂછે છે ત્યારે લેખકનો વહાલ તે નાના છોકરા પર ઉમટી પડે છે. સાયકલ પર તેની કાલીઘેલી વાતોમાં લેખકને નૈમિત્તિક પ્રસંગમાં પિતૃભાવ અનુભવવાની તક મળે છે. જ્યારે શાળાનો શિક્ષક તેમને તે છોકરા વિશે પ્રશ્ન કરે ત્યારે, ‘મારો દીકરો’ આ ઉત્તરમાં તેમનો પિતૃત્વનો ભાવ પ્રગટ થતો જોવા મળે છે.

‘ઘરનો ફોન’ અને ‘એકનો એક દીકરો’ જેવા નિબંધોમાં લેખક પિતાપુત્ર વચ્ચેના સંબંધોની વાત કરે છે. ‘ઘરનો ફોન’માં લેખક બંધ પડેલ ફોનના પ્રતીક દ્વારા પિતા પુત્રના સંબંધો કેવા છે અને કેવા હોવા જોઈએ, તે વિશે સહજતાથી પોતાના વિચારો રજૂ કર્યા છે. તેમજ ‘એકનો એક દીકરો’માં માતા-પિતા પોતાના એક માત્ર દીકરાને વધુ પડતા લાડપ્રેમ બતાવી તેના જીવન અને સ્વભાવને  ઉદ્ધત, ઉચ્છૃંખલ, અવિનયી બનાવે છે. મા-બાપનો આવો આંધળો પ્રેમ સંતાનના જીવન માટે કેટલું ઘાતક પુરવાર  થઈ શકે છે તેનુ લેખક જાત સાથે મનોમંથન કરે છે.

આવા કેટલાય પ્રસંગો અને ઘટનાઓ  આ વિહારયાત્રા દરમિયાન બને છે  જે લેખકને પોતાના આસપાસના સમાજ, કુટુંબ, ધર્મ વગેરે વિષયોની જાણકારી આપી જાય છે અને જીવન જીવવાની રીત તથા શીખ આપે છે. ‘ગુલાબજાંબુ’ નિબંધમાં આવો જ એક પ્રસંગ લેખક જણાવે છે, જ્યાં તેમની સમક્ષ સમાજમાં રહેતા લોકોની નવી પરણેતર વહુ માટેની માનસિકતા છતી થાય છે. નવી આવેલી વહુ પડોશીઓ સાથે સંબંધની પહેલી કડી બંધાય તે હેતુથી પોતે પહેલીવાર બનાવેલ ગુલાબજાંબુ મોકલે છે. પરંતુ તેની આ પ્રીતિને તેની હોશિયારી અને અમીરાઈ ગણવામાં આવે છે. સામે પડોસી સ્ત્રી નવી વહુનો લાગણીનો ભાવ સમજવામાં નિષ્ફળ જાય છે અને તેની નિંદા કરે છે. લેખક આવા લોકોને ‘દોષાગ્રાહી’ શ્રેણીમાં મૂકે છે.

‘પોળમાં ભાગવત’ પ્રસંગ લેખકને જીવનનો પાઠ શીખવે છે. જ્યાં દરેક માણસમાં ભગવાન અને દરેક પોળ વિષ્ણુલોક છે, વૈકુંઠનું પ્રતિબિંબ છે. શું આ ભાવના કાયમ માટે ન રહી શકે? જેવો વિચાર લેખક આપણી સમક્ષ મુકતા જાય છે. ‘ખ્યાલ ન આવ્યો’માં લેખકને કર્ફ્યુના સમયે બહાર નીકળવું પડે છે. કર્ફ્યુના માહોલમાં એક વ્યક્તિ ઘણાબધા સામાન સાથે રેલવે સ્ટેશન પહોંચવાની મથામણમાં હતો ત્યારે લેખકની સાથે રહેલ યુવાન તેને રેલ્વે સ્ટેશન સુધી મૂકી જવાની તૈયારી બતાવે છે. પરંતુ લેખકને આ ખ્યાલ પોતાને કેમ ન આવ્યો? પોતે કેમ પહેલા તે માણસની મદદ માટે ન વિચારી શક્યા? એ વાતનો વસવસો તેમને રહી જાય છે. આ નિબંધમાં લેખકને એક નાનકડા પ્રસંગ પરથી શિખામણ મળે છે કે, મન ખુલ્લું રાખીએ તો રોજબરોજના સંજોગો અને પ્રસંગો આપણને કોઈને કોઈ ઉપદેશ આપી જાય છે.

‘દિવાળીની બિલાડી’માં લેખક એક છોકરાએ દિવાળીને બિલાડી સમજી તેના પર નિબંધ લખી દીધો. વિચાર કર્યા વગર વર્તવાનું પરિણામ ક્યારેક કેવું નુકસાનકારક બની રહે તેવી શિખામણ આ રમુજી પ્રસંગમાંથી લેખકને મળે છે. ‘પ્રિય શાક’માં લેખક એક ઘરનો પ્રસંગ ટાંકે છે જ્યાં ઘરના ત્રણ છોકરાઓને જુદાંજુદાં શાક પસંદ છે. તેમાં લેખકને વ્યક્તિત્વ વિકાસનું કારણ દેખાય છે. એક જ રસોઈ, એક જેવું વાત્સલ્ય અને એક જેવા જ સંસ્કાર મળવા છતાં ભાઈબહેનમાં જુદાંજુદાં વ્યક્તિત્વ પાંગરે છે. તેમના મુજબ અહી સવાલ સ્વાદનો નહી પરંતુ ઘડતરનો છે.

આ યાત્રા-સંગ્રહમાં ફાધર વાલેસે પ્રસંગોમાં વેરાયેલો વિનોદ, મજેદાર અનુભવો અને ગુજરાતી સંસ્કૃતિને હળવા અંદાજમાં રજૂ કરી છે. જે ભાવકના હૃદયને સહેજે સ્પર્શી જાય છે. આ વિહારયાત્રા દરમિયાન ફાધર વાલેસ સંસ્મરણોનો એક મોટો ભંડાર ભેગો કરે છે. અનુભવોનો ખજાનો મેળવે છે. તેઓ દરેક માણસમાં ભગવાન, દરેક ઘરને મંદિર અને દરેક કુટુંબને પોતાનું કુળ સમજી લોકો વચ્ચે રહે છે. તેમણે માત્ર ગુજરાતી ભાષાને પોતીકી નથી બનાવી પરંતુ સમગ્ર ગુજરાત અને ગુજરાતની પ્રજાને પોતાની બનાવી લીધી હતી. ગુજરાતી સાહિત્યના આ મુઠ્ઠી ઊંચેરા સર્જકને શત્ શત્ નમન.

સંદર્ભ ગ્રંથ

૧. વિહારયાત્રા-૧- પોળેપોળે, ફાધર વાલેસ, પ્રથમ આવૃત્તિ-૧૯૭૬, પ્રકાશક: શિવજી આશર, વોરા એન્ડ કંપની

૨. ગુજરાતી સાહિત્ય પરિચય કોશ, સં.-ડૉ. કિરીટ એચ. શુક્લ, બીજી આવૃત્તિ-૨૦૦૮, પ્રકાશક: ગુજરાત સાહિત્ય અકાદમી.

શર્મા આરતી કિશોરભાઈ, પીએચ.ડી. શોધાર્થી, ગુજરાતી વિભાગ, ભાષા સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.

Prayas An Extension … a peer reviewed literary e-Magazine ISSN:2582-8681 Volume 6 issue 2 March – April 2025