‘વિસરતાં અસલ જીવનના ભાવોને નિર્દેશ કરતાં દેશી ‘લગ્નગીતો’ (પંચમહાલ જિલ્લાના ક્ષત્રિય સમાજ સંદર્ભે) – ડો. નીતિન રાઠોડ

               ‘Folklore’ -લોકવિદ્યા અને‘Folk literature’-લોકસાહિત્ય રૂપે વિકસેલ આ સંજ્ઞા આજે ગુજરાતી સાહિત્યમાં‘લોકસાહિત્ય’ રૂપે પ્રચલિત છે. લોકસાહિત્ય એ વહેતું ઝરણું છે. લોક કંઠમાં સમાયેલ છે. જૂના લોકો પાસે આ સાહિત્ય તેમના કંઠમાં સચવાયેલ છે. તેને ગ્રંથસ્થ કરી લેવું અતિ આવશ્યક છે. નહિતો સમય જતાં આ સાહિત્ય લોપ થઈ જશે. માટે સૌપ્રથમ મારી દાદી પાસે મેં લગ્નગીત ‘વાગે જેજીનો ઢોલ’ સાંભળ્યું. મને તેનો અર્થ પહેલા તો ખબર ન પડી. મને તેને આખા ગીતનો ભાવ સમજાવ્યો. હું સ્તબ્ધ થઈ ગયો. મને લાગ્યું કે આ ગીતો સાચવવા જોઈએ. આજની નવી પેઢીને આ ગીતો નથી આવડતા. દાદીના અવસાન બાદ આ ગીતો પણ તેની સાથે લોપ થઈ જશે. આ વિચારે મેં આ લગ્નગીતો રેકોડ કર્યા, ગીતોમાં રહેલા ભાવને સમજ્યો અને તેનો અભ્યાસ કરવા સુધી પહોંચ્યો.

લોકસાહિત્યના સ્વરૂપોમાં લોકગીત મહત્વનું અંગ છે. આ લોકગીતોના સંદર્ભે એક સંશોધક જણાવે છે કે ‘ગ્રામગીત પ્રકૃતિના ઉદ્દગાર છે, એમાં અલંકાર નથી, કેવળ રસ છે, છંદ નહીં કેવળ લય છે, લાલિત્ય નહીં કેવળ માધુર્ય છે, ગામડાંના સ્ત્રી-પુરુષોની વચ્ચે હૃદય નામના આસન પર બેસીને પ્રકૃતિ ગાન કરે છે. પ્રકૃતિનું એ ગાન તે લોકગીત છે.’(શ્રી રામનરેશ ત્રિપાઠી) જ્યારે ઝવેરચંદ મેઘાણી ‘લોકગીત’ કોને કહેવાય તેના જવાબમાં જણાવે છે કે ‘લોકોએ રચેલું, લોકો માટે જ રચાયેલું અને લોકોની મુખ પરંપરાએ ચાલ્યું આવતું ગીત’.(ધરતીનું ધાવણ ખંડ-૧, પૃષ્ઠ-૮૨) આ લોકગીતોમાં હાલરડાં, બાળગીતો, વ્રતગીતો, શ્રમગીતો, લગ્નગીતો, આપણાં, કથાગીતો, ભવાઈગીતો, મરશિયાં વગેરેનો સમાવેશ થાય છે. આ લોકગીતોમાં લગ્નગીતોનું મહત્વ અદકેરું છે. તો આ‘લગ્નગીત’ વિશે વાત કરવા માગું છું.

               ‘લગ્નગીતો : જીવનસંદર્ભ’ નામના લેખમાં વિનાયક રાવલ નોંધે છે કે ‘મનુષ્યજીવનના ત્રણ મહત્વના પ્રસંગો છે-જન્મ, લગ્ન અને મૃત્યુ. જન્મ એ મનુષ્યજીવનનો આરંભ છે. લગ્ન મનુષ્યજીવનનો મધ્ય ભાગ છે જ્યારે મૃત્યુ એ મનુષ્યજીવનનો અંત છે. જન્મ અને મૃત્યુ એ બે ઘટનાઓ મનુષ્યસિવાયના અન્ય પશુ-પંખી માટેની પણ ઘટના છે જ્યારે લગ્ન એ મનુષ્યજીવનમાં જ શક્ય છે અને એથી જ લગ્નના પ્રસંગમાં સમગ્ર સમાજ સંકળાય છે. જન્મ અને મૃત્યુ લેનાર અને પામનાર  માણી શકતો નથી. લગ્ન જ મનુષ્યજીવનનો એક એવો પ્રસંગ છે કે જેને લગ્ન કરનાર ખુદ માણી શકે છે. એ પ્રસંગમાં રહેલા સંવેદનાની ધડકન લગ્ન કરનાર વ્યક્તિ માણી શકે છે.’(લેખ -‘લગ્નગીતો : જીવનસંદર્ભ’ -વિનાયક રાવલ, પુસ્તક-ગુજરાતનાં લગ્નગીતો, સં. વિનાયક રાવલ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્ર.આ.૨૦૦૪, પૃષ્ઠ-૧૭) આમ લગ્ન એ મનુષ્ય જીવનમાં મહત્વની ઘટના તરીકે વિનાયક રાવલ જોવે છે.‘લગ્ન’ ભારતીય સંસ્કૃતિમાં એક સંસ્કારરૂપે જોવાય છે. હિંદુ સમાજમાં લગ્નનું એક અલગ મહત્વ છે. હિંદુ સમાજ લગ્ન વિશે નરોત્તમ પલાણે જે ઈતિહાસ આપ્યો છે તે જુઓ- ‘આજના હિંદુ બંધારણ ઘડનાર શૈાનક ઋષિના શિષ્ય આશ્વલાયન છે. આશ્વલાયનને જ્યારે બંધારણ ઘડ્યું ત્યારે સંભવતઃ વર્ણવ્યવસ્થા પ્રચારમાં આવી ન હતી. કહે છે કે આશ્વાલયનના સમયમાં દક્ષે પોતાની સત્તાવીશ કન્યાઓ એક માત્ર ચંદ્રને જ પરણાવી દીધી. તેથી વિરોધ થયેલો: આમ બધી જ સ્ત્રીઓ એક પુરુષને જાય તો બાકીના પુરુષોની જાતીયતાનું, વંશનુંવેલાનુંઅને ઘરસંભાળ-રસોઈ આદિનું શું? આ વંટોળને સમાવવા અને સામાજિક વ્યવસ્થાને સુયોગ્ય બનાવવા માટે આશ્વલાયને એક પુરુષને એક જ સ્ત્રી અને એક સ્ત્રીને એક જ પુરુષની વાત મૂકેલી, પરંતુ વર્ણવ્યવસ્થા આવતાં ક્ષત્રિયોને પ્રશ્ન ઊભો થયો:ક્ષત્રિયોને વારે વારે યુદ્ધમાં જવાનું છે, જાનનું જોખમ સતત. એટલે એમના વંશવેલાનું શું? આ નવી પરિસ્થિતિમાં આશ્વાલાયન સૂત્રોનો પુનર્વિચાર કરી નવી વ્યવસ્થા રચવાનું કામ ઋષિ પારસ્કરને સોંપવામાં આવ્યું. પારસ્કારે ક્ષત્રિયોને એકથી વધારે પત્નીની છૂટ આપી, તેમજ વર્ણવ્યવસ્થા મુજબ જુદા જુદા વગો નિશ્ચિત કર્યા.’(લેખ-લગ્ન અને લગ્નગીતો- નરોત્તમ પલાણ, પુસ્તક-ગુજરાતનાં લગ્નગીતો, સં. વિનાયક રાવલ,ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્ર.આ.૨૦૦૪, પૃષ્ઠ-૩)અહીં લગ્નવ્યવસ્થા અને ક્ષત્રિય લગ્ન વ્યવસ્થા વિશેનો ઈતિહાસ નરોત્તમ પલાણે આપ્યો છે. આમ લગ્ન માનવીયજીવનનો મહત્વનો પડાવ માનવામાં આવે છે. મનુષ્યના જીવનમાં જન્મ, લગ્ન, અને મૃત્યુ આ ત્રણ મહત્વના તબક્કા છે. આ ત્રણમાં ‘લગ્ન’  મહત્વની ઘટનારૂપે જોવાય છે. ‘લગ્ન’ સંસ્કાર માનવજાતમાં સંભવિત છે. લગ્નનો સંસ્કાર પરણનાર વ્યક્તિનાં સંબંધિઓ અને સમાજની સાક્ષીએ થતો હોવાથી તેનું મહત્વ વધુ છે. આર્યસંસ્કૃતિમાં અને  ગ્રહસ્થાશ્રમમાં લગ્ન એ મુખ્ય અને પ્રથમ સંસ્કાર માનવામાં આવે છે. બંનેય પક્ષે ઉત્સવ જોવા મળે છે. સાથે સાથે નવા જીવનની શરૂઆત થતી હોવાથી તેમાં ઘણી નવી બાબતો ઉમેરાય છે. આ પ્રસંગને જીવંત તથા આનંદમય બનાવવા ઉલ્લાસ અને ઉમંગથી સ્ત્રીઓ લગ્નની વિવિધ વિધિ-પ્રસંગ મુજબ ગીત ગાય છે. લગ્નગીત વગર લગ્ન અધૂરું ગણાય છે. કેટલાક વિધિમાં-પ્રસંગોમાં ઈશ્વરની આરાધના તથા પ્રસંગ નિર્વિઘ્ને પાર પાડે તે સંદર્ભો પણ જોડાયેલ છે. પરંતુ લગ્નગીતોમાં ભાવ, લય અને ભાષા ધ્યાન ખેંચે છે. આ ગીતોમાં આપના રિવાજ, પરંપરા રજૂ થતા હોય છે. તે સમય દરમ્યાન સ્ત્રી-પુરુષના ભાવોને લઈને વિવિધ એવા ગીતો રચાયેલ જોવા મળે છે. આમ, ‘લગ્નસંસ્કાર’ સાથે વિવિધ બાબતો જોડાયેલ છે. લગ્નગીતોને નીચે મુજબના પ્રકારોમાં વહેંચી શકાય.૧-વેવાઈ પસંદગીનાં ગીતો, ૨-ગોળ ખાવાનાં ગીતો, ૩-ચૂંદડી ઓઢાડવાનાં ગીતો, ૪-કન્યા અને વર પસંદગીનાં ગીતો, ૫-ગણેશ સ્થાપનાનાં ગીતો, ૬-ચોખા-દાળ સાફ કરતાં ગવાતાં ગીતો, ૭- લગ્નની ખરીદી કરવાં જતાં ગવાતાં ગીતો, ૮-લગ્ન વધારવવાનાં ગીતો, ૯- કંકોત્રી અને તેડાનાં ગીતો, ૧૦-મંડપ મૂહર્તનાં ગીતો. ૧૧- લગ્ન દીવડાંનાં ગીતો, ૧૨-શુભ શુકનનાં ગીતો, ૧૩- સાંજીનાં ગીતો, ૧૪-વરઘોડાનાં ગીતો ૧૫-જાન પ્રસ્થાનનાં ગીતો, ૧૬-જાન ઉતારાનાં ગીતો, ૧૭-સામૈયાનાં ગીતો ૧૮- ભોજન સમારંભનાં ગીતો ૧૯- ચૂંદડીદાગીનાનાં ગીતો, ૨૦-પોખણાનાં ગીતો, ૨૧-કન્યા મંડપ પ્રસંગ૨૧-કન્યા મંડપ પ્રસંગે ગવાતાં ગીતો ૨૨-મંગળાષ્ટક વિધિ વખતે ગવાતાં ગીતો, ૨૩-હસ્તમેળાપ વખતે ગવાતાં ગીતો ૨૪-વરમાળા પહેરાવતી વખતે ગવાતાં ગીતો ૨૫- કન્યાદાન કરતી વખતે ગવાતાં ગીતો ૨૬- સપ્તપદીનાં ગીતો ૨૭- સૌભાગ્ય અને આશીર્વચનાં ગીતો ૨૮-કન્યાવિદાયનાં ગીતો ૨૯-વર કન્યા વધાવવાનાં ગીતો ૩૦-વર કન્યા મંદિરેથી પાછા ફરતાં ગવાતાં ગીતો ૩૧-ઉકરડીનાં ગીતો ૩૨-આણાંનાં ગીતો ૩૩-મામેરાનાં ગીતો ૩૪-વર કે કન્યાની મનોસ્થિતિ દર્શાવતાં.

ઉપરના દરેક પ્રસંગ મુજબ ગીતો ગવાય છે. દરેક પ્રસંગનું મહત્વ છે. અહીં તેમાંથી કેટલાક મહત્વના પ્રસંગોને લઈને જે દેશી લગ્નગીતો મળ્યા છે. તેનો અભ્યાસ કરવાનો પ્રયાસ કર્યો છે. આ સિવાય નવા ગીતો પણ મળતા હતા પરંતુ આ ગીતો જે જૂના-દેશી ગીતો; જેમાં કંઈક ભાષા, ભાવ તથા પ્રસંગને અનુરૂપ જુદા છે. આ ગીતો આપની વિસરાઈ જતી સંસ્કૃતિ, પરંપરા તથા રિવાજને રજૂ કરે છે. જે આજે લુપ્ત થઈ રહ્યા છે. તેવા ગીતોનો અભ્યાસ કર્યો છે. લગ્નગીતો વિશે થોડી વાત કરું, તે પહેલા જે જિલ્લા-તાલુકા અને સમાજમાંથી લગ્નગીતો મળ્યા છે. તે વિશે થોડી વાત કરવા માગું છું.

               આ અભ્યાસ‘પંચમહાલ’ જિલ્લાના ‘કાલોલ’ તાલુકાના ક્ષત્રિય સમાજનો છે. ‘પંચમહાલ’ જિલ્લોભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ‘ગુજરાત’ રાજ્યનો મહત્વનો જિલ્લો છે. ‘પંચમહાલ’ નામ ‘પાંચ મહાલ (જિલ્લા)’ પરથી બન્યું છે. આ પાંચ જિલ્લા ગ્વાલિયરના રાજા ‘સિંધિયા’એ બ્રિટિશરોને સોંપ્યા હતા. આ આખા વિસ્તારને બ્રિટિશરો ‘પંચમહાલ’ તરીકે ઓળખતા હતા. ‘પંચમહાલ’ જિલ્લાનું મુખ્યમથક ગોધરા છે. સમયાનાસુર તેના તાલુકા બદલાતા રહ્યા છે. આ પંચમહાલ જિલ્લાનો એક તાલુકો ‘કાલોલ’ છે. પંચમહાલમાં પાંચ મહાલ છે. જે વાત થઈ તેમાંનો એક મહાલ ‘કાલોલ’ છે. કાલોલ તાલુકામાં ‘ક્ષત્રિય’ સમાજની વસ્તી સૌથી વધુ છે. તેમાં ચૌહાણ, પરમાર, રાઠોડ, સોલંકી, ઠાકોર વગેરે અટક ક્ષત્રિયો વધારે ધરાવે છે. ક્ષત્રિય સમાજમાં માન-મર્યાદા તથા વિવિધ એવા રીત-રિવાજ જોવા મળે છે. તેથી તેના ‘લગ્નગીતો’માં વૈવિધ્યતા જોવા મળે છે. હવે આ લગ્નગીતો વિશે વાત કરીએ.

ક્ષત્રિય સમાજમાં ‘લગ્ન’નો આરંભ ગણપતિની સ્થાપનાથી થાય છે. લગ્નમાં સૌપ્રથમ ગણપતિનું સ્મરણ થાય છે. હિંદુ ધર્મમાં ગણપતિને પ્રથમ યાદ કરાય છે.

જેમકે,

      ‘પે’લા ગણેશને પાસળ પરમેશ્વર… (૨)

ગણેશની જોડે રૂડા ઢોલૈયા શંગારો…(૨)’

‘લગ્ન’નો આરંભ ગણપતિની સ્થાપનાથી થાય છે. પરંતુ લગ્નગીતો એ પહેલાથી ગવાય છે. તેમાં સગાઈ સમયે, અનાજ સાફ કરતી વખતે, કંકોતરી આપવાના સમય પર વગેરે પ્રસંગે લગ્નગીતો ગવાય છે. જેમકે લગ્ન નક્કી કર્યા બાદ કંકોતરી સંબંધિઓને આપવામાં આવે છે. તે સમયનું લગ્નગીત મળે છે. જેમકે-

‘સાવ રે સોનાની ભમરી નુતરો દેવડાવો…(૨)

ગોમે ન જોનું ભમરી નોમે ન જોનું…(૨)

ગોમએ હડમતીયુ, નોમે મણી બેની નુતરો દેવડાવો(૨)

બે’ની આવે તો વીરનો માંડવો રે શોભે…(૨)

મોટાના રયજી, વીરાના માંડવે ન શોભે…(૨)’

પહેલાના સમયમાં કંકોતરી નજીકના સંબંધિઓને આપવા જવાનું તથા તેમાંથી કોને પહેલા આમંત્રણ આપવાનું તેનો ઉલ્લેખ પણ લગ્નગીતમાં થાય છે. ફોઈ, બેન, મામા તથા નજીકના સંબંધિઓનું મહત્વ તથા જાણ પહેલા કરવામાં આવે છે. લગ્નગીતોમાં લગ્ન બાદ વરમાં જે પરિવર્તન આવે છે. સંબંધોમાં જે બદલાવ જોવા મળે છે. તેનો ભય પણ કેટલાક લગ્નગીતોમાં રજૂ થયો છે. લગ્ન બાદ વર-પુરૂષ સાસરી પક્ષનો થઈ જાય છે તથા વઉનો થઈ જઈને મા-બાપ, કાકા-કાકીને ભૂલી જાય છે. આ પ્રકારના ભાવ દર્શાવતા લગ્નગીતોમળે છે. આ ઉપરાંત કન્યાને લગ્ન બાદ પોતાની સાસરીમાં કેવી રીતે રહેવાનું? તે વિશેનું સલાહ-સૂચન આપતું લગ્નગીત પણ મળે છે. દા.ત.,

‘સાસરીએ રે’જો બેની, સાસરીએ રે’જો… (૨)

                    સાસુને બા કહી બોલાવજો મોટાના બેની, સાસરીએ રે’જો…(૨)’

‘આંબલીનો પો’નો ગરેને દિવસ ઘણજો રે…(૨)

બેની તમાર માતા સાસરીએ સાંભળશે રે…(૨)

માતાનો મનડાં સાસુ જોડે વાર્જો રે…(૨)

આંબલીનો પો’નો ગરેને દિવસ ઘણજો રે…(૨)’

પોતાના ઘરના સંસ્કારો, વિચારોને ઉજાગર કરવા માટેની સલાહ પોતાની છોકરીને-કન્યાને લગ્નગીતમાં આપવામાં આવે છે. માટે તે પોતાનું ઘર કરી શકે છે. ક્ષત્રિય સમાજમાં લગ્ન બાદ દીકરીનું તેના પતિઘર જ સર્વસ્વ માનવામાં આવે છે. માટે તેને સાસરી પક્ષના દરેક લોકોને પોતાના બનાવીને તથા તેને જ પોતાના સ્વજન માનવાની સલાહ મોટેરા આપે છે. આ ઉપરાંત મોટેરાંનું માન રાખવું તથા કન્યાને વિવિધ ભેટ આપવામાં આવે તેવા લગ્નગીતો મળે છે. જેમકે-

‘શુંદડી(ચુંદડી) પા’વાતેગઢથી વાપરવી…(૨)

શુંદડી(ચુંદડી) વ્હોરો રે..પીન્ટુ ભઈ વીરા પા’વાગઢની શુંદડી રે…(૨)

શુંદડી(ચુંદડી) વ્હોરૂ તો મૂલ ઘણાં થાય રે..પા’વાઘઢની શુંદડી રે…’(૨)

‘ચુંદડી’ પરનું આ લગ્નગીતમાં ચુંદડી બહેનને ભેટ આપવાની વાત થઇ છે. તો ‘લોકસંસ્કૃતિનો ઈતિહાસ: ચૂંદડી લગ્નગીત’ નામના લેખમાં બળવંત જાનીએ ‘ચૂંદડી’ કેવી લાવાની છે. તેના રંગો, ઘૂઘરી, ચિત્રો વગેરે કેવા હોવા જોઈએ? તે જણાવીને નાયિકા પોતાના ભાવો દાદા સામે રજૂ કરે છે. તેની ચર્ચા બળવંત જાનીએ કરી છે, તે રસપ્રદ છે.

આ ઉપરાંત કેટલાક લગ્નગીતોનો લય વિધિઓને અનુરૂપ હોય છે. જેમકે- ગરમોટી લેવા જાય તે સમયના પ્રસંગને અનુરૂપગીત ઉ.દા.,

‘શેરીયો મેં ઉડે રે ગલાલ…શેરીયો મેં ઉડે રે ગલાલ (૨)

માંડવે ઉડે જેના દલુંડો હો, રાજ…

બૈયરજબા કાકા બે-ચાર હો…બૈયરજબા કાકા બે-ચાર…

કાકા ડાયો ભઈ સાથે હો રાજ…

શેરીયો મેં ઉડે રે ગલાલ…શેરીયો મેં ઉડે રે ગલાલ (૨)

માંડવે ઉડે જેના દલુંડો હો, રાજ…’

લગ્નમાં જે પ્રકારનો પ્રસંગ હોય છે, તે મુજબ લય આલેખાયેલ હોય છે. ‘હો રાજ’ જેવો ટેક લયને સાચવવા માટે વપરાયો છે. લયની સાથે ભાષાનો વિનિયોગ પણ એ મુજબ થયો હોય છે. જેનો ઉદાહરણ ઉપરનું લગ્નગીત છે.તથા વરઘોડાનુંદ્રશ્ય રજૂ કરતા કેટલાક ગીતો-લગ્નગીતોપ્રાપ્ત થાય છે.

જેમકે,

‘વડલા રે તારાં સાકરિયાંળો પાંનો(પાન), પાંનોમાં સૂરજ ઉગીયો રે… (૨)

વીરાના બાપુ તમે પાઘડીયો બાંધો, પાઘડીએ સૂરજ ઉગીયો રે…(૨)’

‘સોમી શેરીઓ મેં રનચ્યો ઢોલ લીલી પોનડી રે… (૨)

કેડે બોધો રે રતન ભઈ પાતરા…(૨)’

તો વરઘોડા સમયે બહેનનો ઉમળકો તથા તેની તૈયારીનું ચિત્ર રજૂ કરતું લગ્નગીત મળેછે. જેમકે-

‘વાગે જેજીનો ઢોલ શેરંયો વાગે બેરંગી

ઓનીયાની બેટીને બેન કરું,

તારી સુંદડી મને ઉસીની આલ

આજ રે, વીરાનો વાંજો વાગ્યો રે…’

આ ઉપરાંત જાનના આગમન સમયના ગીતો,કન્યાની પધરામણી સમયના ગીતોમાં મામા-મામી ભેટ-સોગાદ આપે છે, તે વ્યવહારોનો ઉલ્લેખ જોવા મળે છે. તો વર-કન્યાની તુલના ચોરીમાં બેઠયા બાદ કેટલાક લગ્નગીતોમાં થયેલી જોવા મળે છે. તેમાં જે પક્ષની સ્ત્રીઓ ગીત ગાય છે, તે પક્ષને મહત્વ વધુ આપે છે. જેમકે કન્યા પક્ષની સ્ત્રીઓ ગીત ગાતી હોય તો તે વરને કન્યાની તુલનામાં ઉતરતો દર્શાવે છે. તેનું એક લગ્નગીત જોઈએ-

‘બેનના હાથમાં શેલડિયું રાડું રે,

મોટાના બેની ઘર રે ગુદીને બેની પરણે છે.(૨)

નવાસા હાથમાં બાજરીયું રાડું રે,

નેસોના નવસા ઘર રે ગુદીને નવસા પરણે છે. (૨)

               અહીં બેનની હાથમાં શેરડીનું રાડું અને નવસા(વરના) હાથમાં બાજરીનું રાડું એમ બેની વચ્ચે ભેદ બતાવામાં આવે છે.

તો છોકરીના લગ્નમાં કન્યા પિતાનું ઘર છોડીને ગયા બાદ પિતાનું ઘર સૂનું થઈ જશે અથવા તેની યાદના ભાવને રજૂ કરતા કન્યાવિદાયના ગીતો ધ્યાનપાત્ર છે. ઉ.દા.,

 ‘બેનીનાં માતા તો રસોઈ જોઈ જોઈ રુએ મારાં રસોઈને રાંધનાર સાસરે રે…(૨)

         બેનીનાં ભાભી તો બેઢો જોઈ જોઈ રુએ મારાં પોણીલો  ભરનાર સાસરે રે…(૨)’

‘ખોરે ઘાલ્યાં ચીભડીનો બી’ઓ,  ખોં’તે ખોં’તે વાવીયો રે…(૨)

ઘણાં રમ્યાં બાપુને ખોળે, હવે સાસર નહીં રમવા દે…(૨)’

સાથે સાથે પોતાના પિતાને ઘેર અને સસરાના ઘર વચ્ચેનો તફાવત પણ સમજાવે છે.

કન્યાવિદાયના પ્રસંગને રજૂ કરતા લગ્નગીતો મહત્વના હોય છે. કન્યા પિતાનું ઘર છોડીને ગયા પછી પિતા, માતા તથા અન્ય સભ્યોની દુઃખની લાગણી અનુભવે છે. તેનો ભાવ એકથી વધુ લગ્નગીતોમાં રજૂ થયો છે.

ઉ.દા.— ‘માતા મારાં રહી..ને વિચારો, હું ચાલી સાસરે..(૨)

          માતા મારાં બેગોમાં કપડાં કે હું ચાલી સાસરે…’(૨)

તો કેટલાક લગ્નગીતો ભાષાની દૃષ્ટિએ જુદા તરી આવે છે. તેમાં રજૂ થયેલી ઉપમાઓ-દ્રષ્ટાંતો મહત્વના છે. તેના કેટલાક ઉદાહરણ નીચે મુજબ છે.

‘દાદાએ આંબો ઉછેરીયો સવા લાખનો રે…

એને ઉછેરતા બઉ પડયું દુ:ખ..(૨)

ફળની વેળાએ આંબો હુકય જ્યો..’

                  —                               —

‘સુકે વડલે કૂંપળો આવી યો રે…(૨)

ઘેર આવો કુંવર ભઈના પિતા.. ઉનાળો આવીયો રે…(૨)

કુંચી તાળો તમારી સાથે .. ઉનાળો રે આવી યો રે…(૨)

તમાર આવે ઉગાડશે દરવાજા… ઉનાળો આવી યો રે…(૨)

સુકે વડલે કુંપળો આવી યો રે…’(૨)

ઉપરના ઉદાહરણમાં ‘અંબો’, ‘સુકે વડલે કુંપળો આવી…’ વગેરે ઉપમાઓનો પ્રતીકાત્મક વિનિયોગ થયો છે. આ ઉપરાંત લગ્નગીતોનો પ્રભાવ ગુજરાતી કવિતા પર પડ્યો છે. ગુજરાતી ગીતોમાં જોવા મળતો લય, ઉપમા અને ભાવસંદર્ભ ગુજરાતી લગ્નગીતોમાંથી ઘણા કવિઓએ લીધો છે. જેનો અલગથી અભ્યાસ થઈ શકે છે. ઉત્પલ પટેલનો અભ્યાસલેખ ‘લગ્નગીતોમાં ભાવ અને વાતાવરણનું ચિત્ર’ નામના લેખમાં કવિવર ન્હાનાલાલ કવિતા ‘ચન્દનીથી ચીતર્યા સમીર’, ‘ઝીણા ઝરમર વરસે મેહ…’ વગેરે તેના ઉદાહરણ છે. આ સિવાય રાવજી પટેલની કવિતામાં તથા અન્ય ગુજરાતી ગીત કવિઓમાં જોઈ શકાય છે.

પંચમહાલના ક્ષત્રિયસમાજની બોલીગત લાક્ષણિકતાઓ     

-સાનુનાસિકને બદલે વિવૃત ઉચ્ચાર જોવા મળે છે.

વીંટી વૅટી

‘સ’ને બદલે ‘હ’નો પ્રયોગ થતો જોવા મળે છે.

સારુ

-સંબોધનમાં પણ લાક્ષણિકતા જોવા મળે છે.

ભાઈ

ભાભી

-પાંચમી વિભક્તિ’થી’ ને બદલે ‘હી’ વપરાય છે.

ક્યાંથી

-‘વ’ના સ્થાને ‘અ’નો પ્રયોગ થાય છે.

વાણિયો

વહોરવું

-આદિસ્થાને ‘હ’નો લોપ થતો જોવા મળે છે.

હસતો

હમણાં

-‘ળ’ નો ‘લ’ થવાનું વલણ પણ જોવા મળે છે.

મળી

ઘડિયાળ

મળ મલ

-શબ્દોના વિશિષ્ટ ધ્વનિગત ઉચ્ચારણો પણ જોવા મળે છે.

ચાલવું

દોડવું

અંદર

-શબ્દ લોપનું વલણ પણ જોવા મળે છે.

પરણજો

બહેન

નાચવું

  • વ્યાકરણગત લાક્ષણિકતા

-સહાયકારક ક્રિયાપદ ‘છે’ ને સ્થાને ‘હે’ વપરાય છે.

આવી ગયા છે

ક્યાં છે

-‘આ’ કારાન્ત સંજ્ઞાના બહુવચન માટે ‘ઈ’ પ્રત્યય વપરાય છે.

બધા

-ક્રિયાપદમાં આધ ‘અ’ ને સ્થાને ‘એ’ પ્રયોજય છે.

ગયો

ગઇ

-ક્રિયાપદ ‘અ’ કારાન્તને સ્થાને ‘ઈ’ પ્રયોજાય છે.

લઈ

-સ્ત્રીલિંગ પ્રત્યય તરીકે ‘ઈ’ અને પુલ્લિંગ પ્રત્યય તરીકે ‘ઓ’ પ્રયોજાય છે.

કાકી

મામી

ફોઇ

ઉપરના અભ્યાસ સિવાય પણ દરેક લગ્નગીતનો બોલીગત શબ્દોનો અભ્યાસ થઈ શકે છે.

               આમ પંચમહાલના ક્ષત્રિય સમાજના લગ્નગીતોમાં અન્ય સમાજના લગ્નગીતો સામે રાખીને અભ્યાસ થઈ શકે છે. જેમકે- શકનજોઈનેસંચરજોરે… આલગ્નગીતજેવુંજલગ્નગીતવિકિપીડિયામાંમૂક્યુંછે. તેનાશબ્દોજુઓ-‘શુકનજોઈનેસંચરજોરે’માં બોલીગત ભેદની સાથે ગીતસાથેતુલનાકરતાજણાયઆવેછેકેમનેપ્રાપ્તથયેલગીતમાંમાહિતીદાતાએમોચીડા,વાણીયો,માલીડાનેઅનુક્રમેરજૂકર્યાછે. જયારેવિકિપીડિયામાંમૂકેલગીતમાંજોશીડો,માળીડોવગેરેરજૂકર્યાછે.આબંનેયમાંમારાગીતમાંજોશીડાનોઉલ્લેખનથી. જેપ્રથમહોવોજોઈએ. આપ્રકારનાક્રમફેરકેનહોવુંતેમાંમાહિતીદાતાનેએસમયેજેસંદર્ભયાદઆવ્યોતેમૂકીનેગાવાલાગેછે. તથાભાષાભેદ- બોલીભેદપ્રદેશનેકારણેજોવામળેછે. પરંતુઆવુંગીતઅન્યગુજરાતીસમાજમાંનેપ્રદેશમાંથીપ્રાપ્તથાયછે.

               આમ પંચમહાલના ક્ષત્રિય સમાજના લગ્નગીતોમાંથી તે સમાજના રીત-રિવાજ, વ્યવહારોબોલીગત ભેદ તથા તે પ્રદેશની અસર વિશેષ જોવા મળે છે. આ ગીતોમાં તે સમાજનો સાંસ્કૃતિક વારસો અને વ્યવસાયગત માહિતી પણ પ્રાપ્ત થાય છે.આમ,આ પ્રકારના અભ્યાસથી તે સમાજના લગ્નગીતો વિશે વિગતે અભ્યાસ થઈ શકે તેવું લાગે છે.

સંદર્ભ-

૧-કોયલ બેઠી આંબલીયાની ડાળ(લોકગીત આસ્વાદ લેખસંગ્રહ), બળવંત જાની,પાર્શ્વ પબ્લિકેશન,અમદાવાદ, પ્ર.આ.-૨૦૧૬

૨-લેખ-લોકવાડ્મયવિભાવના અને વર્ગીકરણ –કનુભાઈ જાની, પુસ્તક-વિદ્યાવિશેષ, સં.-જિગ્નેશ ઠક્કર અને અન્ય, પ્રણવ પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ-૨૦૧૪

૩-લેખ- ચરોતરનાં લગ્નગીતો- ભગીરથ બ્રહ્મભટ્ટ, પુસ્તક-વિદ્યાવિશેષ, સં.-જિગ્નેશ ઠક્કર અને અન્ય, પ્રણવ પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ-૨૦૧૪

૪-ગુજરાતી ગીત: સ્વરૂપવિચાર(સંશોધન-વિવેચન) ભગીરથ બ્રહ્મભટ્ટ

૫-લોકગીત: ‘તત્વ અને તંત્ર’- બળવંત જાની, પાર્શ્વ પબ્લિકેશન,અમદાવાદ, પ્ર.આ.-૨૦૦૨

૬-ગુજરાતી લોકગીત, હસુ યાજ્ઞિક, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ-૨૦૦૭

૭- લેખ-લગ્નગીતો અને ફટાણાં, પુસ્તક- ભૂંસાતાંગ્રામચિત્રો, આર.આર. શેઠની કંપની, મુંબઈ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ-૨૦૦૦

૮- લેખ -‘લગ્નગીતો : જીવનસંદર્ભ’ -વિનાયક રાવલ, પુસ્તક-ગુજરાતનાં લગ્નગીતો, સં. વિનાયક રાવલ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્ર.આ.૨૦૦૪

૯- લેખ-લગ્ન અને લગ્નગીતો- નરોત્તમ પલાણ, પુસ્તક-ગુજરાતનાં લગ્નગીતો, સં. વિનાયક રાવલ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્ર.આ.૨૦૦૪

૧૦-કુંકુ છાંટી કંકોતરી…, સં. પ્રશાંત પટેલ, વિતરક-પાર્શ્વ પબ્લિકેશન,અમદાવાદ, પ્ર.આ.-૨૦૧૧

૧૧- લેખ-‘ચરોતરનાં લગ્નગીતો: અભ્યાસ’, પુસ્તક-ગુજરાતનાં લગ્નગીતો,સં. વિનાયક રાવલ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર,પ્ર.આ.-૨૦૦૪

૧૨-લેખ-લગ્ન ગીતોમાં ભાવ અને વાતાવરણનું ચિત્રણ,પુસ્તક-દૂધે ભરી તળાવડી(લોકગીત-આસ્વાદ-સંચય), ઉત્પલ પટેલ, પાર્શ્વ પબ્લિકેશન,અમદાવાદ, પ્ર.આ.-૨૦૧૫

૧૩-વગડાવો રૂડા ઢોલ(લગ્નગીતો-ગાણા-ફટાણાં), શ્રીમતી દુર્ગાબેન જાની, પાર્શ્વ પબ્લિકેશન,અમદાવાદ, પ્ર.આ.-૨૦૧૬

૧૪-લેખ-ગુજરાતનાં લગ્નગીતો: સ્વરૂપવિમર્શ અને પરભાતિયાં-કનુભાઈ જાની, પુસ્તક-ગુજરાતનાં લગ્નગીતો,સં. વિનાયક રાવલ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર,પ્ર.આ.-૨૦૦૪

માહિતીદાતાઓની યાદી:-

૧-માહિતીદાતા –દરીયાબા સોમાભાઈ રાઠોડ, ઉ.વર્ષ- ૯૪, ગામ-ખેડા(વ્યાસડા-કાલોલ)

૨-માહિતીદાતા –મણીબેન રયજીસિંહ પરમાર, ઉ.વર્ષ-૬૫, ગામ-હડમતીયા(વ્યાસડા-કાલોલ)

૩- માહિતીદાતા-ઇન્દુબેન ડાહ્યાભાઈ રાઠોડ, ઉ.વર્ષ- ૪૦, ગામ-ખેડા(વ્યાસડા-કાલોલ)

૪- માહિતીદાતા-ગીતાબેન નરવતસિંહ ચૌહાણ, ઉ.વર્ષ- ૪૮, ગામ-કાનોડ(કાલોલ)

૫- માહિતીદાતા-લક્ષ્મીબેન ગણપતસિંહ ચૌહાણ, ઉ.વર્ષ- ૫૦, ગામ-કાનોડ(કાલોલ)

૬- માહિતીદાતા-કમળાબેન છત્રસિંહ રાઠોડ, ઉ.વર્ષ- ૬૮, ગામ-ખેડા(વ્યાસડા-કાલોલ)

સમાજવિષયક માહિતી આપનાર

-સોમસિંહ દામસિંહ રાઠોડ,  ઉ.વર્ષ- ૯૭, ગામ-ખેડા(વ્યાસડા-કાલોલ)

-રતનસિંહ સોમસિંહ રાઠોડ, ઉ.વર્ષ- ૭૫, ગામ-ખેડા(વ્યાસડા-કાલોલ)

-ગોરધનસિંહ સોમસિંહ રાઠોડ, ઉ.વર્ષ- ૬૧, ગામ-ખેડા(વ્યાસડા-કાલોલ)

-ડાહ્યસિંહ રતનસિંહ રાઠોડ, ઉ.વર્ષ- ૪૮, ગામ-ખેડા(વ્યાસડા-કાલોલ)

– છત્રસિંહ કેશરીસિંહ ચૌહાણ,ઉ.વર્ષ- ૬૦, ગામ-કાનોડ(કાલોલ)

ડૉ.નીતિન રાઠોડ

આસીસ્ટન્ટ પ્રોફેસર,ગુજરાતી વિભાગ,

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સરકારી કોલેજ,

સિલવાસા- 396230,

યુ.ટી. ઓફ દાદરા એન્ડ નગર હવેલી.

મો. 9879779580

 Email: ngr12687@gmail.com