`સો વાતની એક વાત હવે તું પપ્પા કે’વાનું ચાલુ કરી દે. આ બાપુ બાપુ જૂના જમાનાનું થયું.’ ઓસરીએથી ટોપલામાં પપૈયાં ભરતી કંકુની મા બોલી.એપ્રોનના આગળના બે ખીસ્સામાં હાથ રાખીને કાચ સામે મલકાતા કંકુ બોલી. ‘લાગુ છું ને ડોક્ટર જેવી.’ પાછળથી મા એ છણકો કર્યો. ‘ડોકટર શું નર્સનો છાંટો ય નથી લાગતો.’
‘એ બાપુ તું કે તો જોઈ લાગુ છું ને ડોક્ટર જેવી. ‘કંકુ તું ડોક્ટર જેવી નૈ ડોકટર જ લાગે છે.’ચોકીદારી કરીને આવેલો બાપ ખાટલામાં આડો પડ્યો ને બીડી સળગાવી. ‘દસ ભણેલા ડોક્ટર કે’વાય હાલ જટ હવે પોટલો મને માથે મુકાવ. પપૈયાં વાળા મારી રાહે ઊભા છે.તું જટ દવાખાના ભેગી થા તારે મોડુ થાતું હશે.’ હસતાં મોઢે ટોપલો લઈને મા બહાર ઉપડી.
‘બાપુ મન થાય છે કે તમારી બધી બીડી સળગાવી દવ. પણ તમે પાછા દુકાને પગ માંડશો.’ કંકુ દાંત દબાવીને બાપુ ને કહી રહી હતી.
‘ઈ બંધ થઇ જશે ટાણું આવે એટલે.’ બાપુ બીડીને પગમાં દબાવીને હસતા મોઢે કહી રહ્યા હતા.
નામ કંક, જુવાનીનું પગથિયું ચડીને એકવીસે પોહચેલી.કંકુ દવાખાને ચાર પાંચ વર્ષથી કામ કરવા જતી.સાથે સાથે બે ચાર ઘરના કામ પણ કરતી. કામનો હુજકો એવો કે ચાર-પાંચ વર્ષમાં ડોક્ટર જ જોઈ લ્યો. નર્સના કામ પણ કરવા લાગી.કોઈને બાટલો ચડાવાનો હોય તો સોયમાં દોરો પોરવી લ્યો જાણે. એટલો હળવો હાથ. કંકુને ડોક્ટર મેડમ કહેતા ‘તારામાં ડોકટરનું કૉ એલિમેટ છે.’ ‘ઇ વળી શું મેડમ.’ ‘એટલે કે ડોક્ટર હોવાનું સત્વ છે.’ ને એની મા નીતિમાં માનનારી. ખોટ ખવાય પણ ખોટું ન કરાય.આ રોગચાળામાં ફળના ભાવ બધાયે બે ગણા વધાર્યા.બાજુની લારી વાળા કે ‘અમે દાડમના એશીમાથી એક્સોવીસે પોહચ્યા પણ તમે પચાસના પચાસ જ વેચો છો.’મારે તો જે ભાવ આવે એ જ ભાવે વેચાયને.આ ટોપલાનો ભાર ઉપડે પણ આ વધારાના પૈસાનો ભાર નથી ઉપડતો. પૈસા જે મળે છે એમાં સંતોષ છે ખૂટવા નથી દે’તો ઉપર વાળો.ઇ થી વધુ શું જોઈએ.બાપનું નામ નરસિંહ.ચોકીદારનું કામ કરે.દાણો ચોરી ધારે તો થઈ શકે પણ ક્યારેય એ વાતમાં જીવ મોળો નથી થયો.એને એક જ ચિંતા કે કંકુનું ક્યાઈક સારું ઠેકાણું મળી જાય. પણ સામેવાળા ઊંચું ઘર માગે.આ આટલી હોશિયાર છોકરીને સારું ઘર મળે ક્યાંથી? એ ચિંતા બીડીમાં વધારો દેખાડતી હતી.
ઉધરસનો ઠો ..ઠો… આવતો અવાજ બીડીના ધુંવાડા અને ઘરની શાંતિને ફાડી નાખતો.
‘એ બાપુ બીડી મુકોને હવે. રોજની ચાર ઝુડી પીવો છો તો ચિંતા શેની છે?’
‘આ રવજીભાઇ ને ત્યાં માંગુ આવ્યું તે એને વળી આપણું ઘર નાનું પડ્યું.’ બીડીના ધૂવાડા કાઢતો બાપ એકી નજરે કંકુના કપાળને જોઈ રહ્યો.
‘એમાં શું વળી. નસીબ સારું જ લખ્યું હશે. તમે ટેંસ્ન ન લ્યો.આ મેડમ તો મારો પગાર હવે વધારી દેવાના છે.’ કંકુ ખાટલા સામે રહેલા હીચકા પર બેસીને બાપુને કહી રહી હતી.
‘એમ કાઇ દી’ થોડા ફરે’. કપાળ પર બાજી ગયેલા પરસેવાને બાપ લૂછી રહ્યો હતો.
‘બાપુ સમયને પડખું ફરતા વાર નથી લાગતી.’ એટલે સૌ સારાવાના થઈ જશે.’કંકુ બાપુના ખાટલા પાસે આવીને પગ વાળીને બેઠી.
‘હવે જા હટ તારે મોડુ થશે. તારા ફોનમાં લાઇટ થાઈ છે કોઈકનો ફોન આવતો હોય ઐઉ લાગે સ.’
‘હલ્લો હહા… બોલું છું. અરે ના ના ઘરે આવીશ.ના પાડીને. હમણાં આવું છું.’
‘કોણ હતું કંકુ.’
‘ઇ આ દર્દીને ઘરે બાટલો ચડાવવા જવાનું છે તે મને કે જે વધુ પૈસા થાય એ લઈ લેજો પણ ઘરે આવો.મે કીધું એમાં વધુ શું લેવાના. હોય એટલા જ લેવાય ને.હે બાપુ મારી મા પપૈયામાં ભાવ ન વધારતી હોય તો મારાથી કેમ વધુ લેવાય.’
દરવાજે ગાડીના હૉર્ન કોઈક મારતું હતું. ‘કંકુડી હાલ હવે તારી માટે હું નવરો નથી.’રાજ ગાડી લઈને બહાર ઊભો હતો. ‘લ્યો સરકાર આવી ગ્યાં.’ આ રાજ એમના સમાજનો માણસ. પાછળની શેરીમાં રહે. કંકુના બાળપણનો સાથી. પૈસે ટકે થોડોક નબળો પણ કામે કાજે નૈ.ઉધરસનો અવાજ અને બીડીની ગંધ એ બન્ને કંકુના ચંપલ સાથે ઢસડાતા હતા.
શેરીએથી મુખ્ય રસ્તે ગાડી અને આમની સુખ દુખની વાતો ઉપડી.જૂનું ખખડદ્જ બાઇક. પણ આમના ચહેરા તો ભવ્ય લાગતાં. ‘એ કંકુડી તારા બાપુની બીડી કે ચિંતા ઓછી થઈ.’ ‘ના રે મને એમની બીડીની ચિંતા છે ને એને મારી ચિંતા.’ ‘ઇ હવે તું સારા ઠેકાણે પડી જઈશને એટલે બધું બરોબર થઈ રે’શે. ‘ભાગ્યમાં હશે એની સાથે મંડાશું. પણ આ બાપુ બીડી મૂકી દે તો ને !’
તારા બાપુ બીડી મૂકે કે ન મૂકે પણ તને હું અત્યારે મૂકી દવ છું.તારું સ્ટેશન આવી ગયું છે.’
દવાખાનામાં જતા વેંત જ કામ હાથમાં લઇ લીધા. સૌની દેખરેખ રાખે.જમાડતી જાયને વાતો કરતી જાય ‘એ માસી કોઈ છોકરો ધ્યાનમાં હોય તો કેજો.’ આપણે તૈયાર જ છીએ.ગમતીલો ચહેરો ને આંખો માયાળુ.
દવાખાનાની આસપાસ ક્યાંય બીડીનો ધુવાડો મહેસુસ થાય એટલે બાપુ ધુવાડામાં દેખાય. દવાખાનાની બહાર રહેલા બાકડા પર કોઈ ગામડેથી આવેલો માણસ બીડી પીતો દેખાણો. કંકુ એની પાસે જઈ બોલી ‘તમારે કાકા કોઈ દીકરી છે?’
પેલો માણસ ‘હા છે ને ‘ કેમ ?’
કંકુ બીડીની સામે જોતા બોલી ‘ઇ તમને બીડી પીવાની ના નથી પાડતી?’
પેલો વૃદ્ધ માણસ નીચું જોઈ ગયો ને આંગળીમાંથી બીડી પડી ગઈ.કંકુ પાછી ફરી બીજા કામ તરફ વળી.જતા જતા મનમાં વિચાર આવતો કે એની દીકરી પરણી ગઇ હશે કે કેમ નું હશે? બે ચાર વાર પાછળ ફરી વૃદ્ધ માણસ તરફ જોયું.પણ પેલો માણસ નીચું જોઈને જ હજી બેઠો હતો.
ચિંતા ને કામ એ કંકુના આભૂષણ હતા.
ટોપલો ઘરના ફળિયે ઉતર્યો.
`કંકુની મા કેમ બે -ચાર વધ્યાં?’
`બગડેલા હતા.તે ન વેચ્યા ?’
`ઈ સારૂ કર્યું.’
`અને તમે શું આ બીડી સળગાવી છે? ઓલી છોડીને તમારી ચિંતા નથી જાતી.’ટોપલો સરખો કરતી કંકુની મા બોલી.
બાપને ચિંતા તો થવાની’ને મારે એને સારામાં સારા ઘરે વળાવી છે.’બીડીના ધુવાડા ને ચિંતા આખી ઓસરીમાં પથરાઈ ચુક્યા હતા.
`તે આપણે એક દીકરો હોત’તો તમારે ટેકો રે’ત ને ?’
વળતો કોઈ જવાબ ન આવ્યો.ફક્ત ધુવાડામાં હળવું હાસ્ય ફરકતું હતું. સંતાન માટે માતાજી પાસે દીકરી માંગી હતી.એ વાતનો દીવો એક સાક્ષી રહ્યો છે.એને એક દીકરીની જ આશા હતી. એ માએ પુરી કરી.તે નામ કંકુ રાખ્યું.કંકુ જ એને મન દુનિયા.કંકુમાં સમજણ વહેલા આવી ગઈ. જેવું ઘર એવી સમજણ. નાની હતી તે આજ સુધી કોઈ વાતની ઝીદ કરી હોય એવું બન્યું નથી. એને તો બસ મલકાતું મોઢું જ. બાપુ સાયકલની પાછળ આખું શહેર ફેરવે.બાપ અમીર હોય કે ગરીબ દીકરીનો હાથ ખાલી ન રહેવા દે. ઘરની વસ્તુ બે પાંચ દિવસ મોડી આવે પણ કંકુ ઘરે ખાલી હાથ ન આવે.નાની હતી ત્યારે બાપુ બીડી સળગાવે એટલે મોઢું બગાડે. તે બાપુ દૂર જઇને પીય લે.નાનપણથી જ કંકુને બીડી પ્રત્યે અણગમો.બીડીના ઠુઠા પગમાં આવે તો એને પગથી જોર કરીને દબાવે. આ રાજને બાળપણમાં કાયમ પૂછતી ‘હે તારા બાપુ બીડી પીવે તે તને કાય થાય નૈ.?’રાજ કેતો કે ‘મને તો એને જોઇ બીડી પીવાનું મન થાય. કેવો સ્વાદ આવતો હશે.’ કંકુ કે ‘મને તો ચીથરી ચડે.’ ‘તું મોટી થા ને ત્યારે બીડી મુકાવજે.’ ‘ઈ તો હું આમ ચપટીમાં મોટી થવાની.તું હારે રે’જે તો બધું મૂકાવીશું.’
‘અયય બાપુ પગારમાં ચારસો નો વધારો આવ્યો છે.’કંકુ દરવાજામાં પગ મુકતાની સાથે બોલી.
‘જો કર્યોને કમાલ! દીકરી કોની.’
ધીમો ધીમો ઢોલનો અવાજ શેરીમાંથી આવતો હતો.અવાજ સાંભળી બંને મૌન થઇ ગયા.કંકુ બાપ સામું જોવા આંખ ફેરવે છે ત્યાં સામેથી જવાબ આવે છે ‘મનસુખની છોકરીનું નક્કી થઇ ગયું.’
`તે બાપુ આપણે રાજી’.
`રાજી જ ને આપણે ક્યાં કોઈની અદેખાઈ લીધી છે’. એને મોટું ઘર રયું ને તે સામે મોટું ઘરને સિટીમાં નોકરી વાળો છોકરો મળ્યો. `ગળગળા અવાજે બાપે ખીસામાંથી બીજી બીડી કાઢી.’
આટલું સાંભળતા કંકુ બાપને ભેટી પડી. ‘બાપુ તમારું દિલ તો એના ઘર કરતાંય મોટું છે.’
દીકરીના આંખના ખૂણા ભીના થાય એ પહેલા બાપની આંખોમાંથી આંસુઓ દીકરીના કપાળ પર પડતા હતા.ઓસરીના એક થાંભલીએ બાપ દીકરી ઉભા હતા.ધીમો ધીમો ઢોલનો અવાજ સંભળાઈ રહ્યો હતો. સાથે સાથે થોડાક ડૂસકાંઓ અને બાપના શ્વાસની ગતિનો અવાજ આવી રહ્યો હતો.જાણે દીકરીના વિદાયનો પ્રસંગ નરસિંહના ફળિયામાં ન થયો હોય.આખા ઘરમાં શાંતિ પ્રસરી ગઈ.કંકુની મા રસોડામાં સ્તબ્ધ બની ઢોલ અને ડુસકાઓનો અવાજ સાંભળી રહી હતી. બાપના એકબાજુંના હાથની આંગળીઓમાં હજી બીડી અટકેલી હતી.શરણાઇના સૂરમાં સાંજ ઓગળી ને પૂનમનું અજવાળું ઓસરીની કોરે બેઠું હતું.
આજે બાપને નોકરીમાં ઑફ હતી.ઓસરીએ બાપ ખાટલામાં સુતા સુતા પડખા ફરતો હતો.કંકુનો અવાજ ઓશીકામાંથી ખૂંચતો હતો.’બાપુ સમયને પડખું ફરતા વાર નથી લાગતી.’ ઉધરસ ધીમે ધીમે વધવા લાગી.બાજુમાં સુતેલી કંકુની મા જાગે એ પહેલા કંકુ ઓરડામાંથી પાણીનો ગ્લાસ લઇ ને ઉભી હતી.કંકુ પાછળ વાંસામાં હાથ ફેરવતી ‘બાપુ ડોક્ટર ને બોલાવી લાવું.’ ઉધરસ ખાતા હાથેથી ના પાડવા જતો હતો. કૈક કહેવા જાય એ પહેલા ઉધરસ વધવા લાગી.કંકુની મા કંકુ ને ડોક્ટરને બોલાવી લાવ કહેવા લાગી.કંકુ પગથિયું ઉતરે ત્યાં ઉધરસ શાંત પડી.કંકુ ને મા એ હાશકારો લીધો.’આ તો ક્યારેક વધુ આવે એમાં ડોક્ટરને શું બોલવાના હોય’ બાપ ટેકો દઈને સરખો બેઠો. ‘બાપુ બીડી ઓછી કરો ને તમને કઈ થઇ જશે તો.’
`અરે મને શું થવાનું ? હજુ તો મારે તને વળવાની છે.’ `જા કંકુ તું સુઈ જા કંકુની મા પાણીનો ગ્લાસ મૂકી બોલી.કકું ઓસરીની કોરે બેઠી’મને ઊંઘ નૈ આવે હું આયા બેઠી છું.વિચાર કરતી કરતી ક્યારે થાંભલીને ટેકે સુઈ ગઈ એ ખબર જ ન રહી.
સવારમાં છાપા સાથે પોસ્ટમાં આવેલો કાગળ પડ્યો હતો.
`આ પોસ્ટમેનકાકાનું કામ એવું છે પોસ્ટમાં આવેલો કાગળ છાપા સાથે મોકલે. `કંકુ કાગળ વાંચતા બોલી.’
`કાગળ કોનો છે કંકુ?’
`એ બાપૂ , પ્રવીણકાકાનો કાગળ છે તે આ સમયમાં કાગળ કોણ લખતું હશે.’
અરે કાગળ તો મિત્રતાનો દસ્તાવેજ કેવાય. પ્રવીણ મોટા શહેરમાં ગયો પણ મિત્રને કાગળ લખવાનું ન ભુલ્યો.’
કાગળમાં પ્રવીણે કંકુની વાત એના દીકરા સાથે નક્કી કરવાની ઈચ્છા દર્શાવી. દીકરો નોકરીયાત ને ઘર સુખી.તે આવીએ છીએ આવતા રવિવારે એકબીજાને જોઈ લે પછી હરિ ઈચ્છા.
કંકુની સાથે હવે આખું ઘર મલકાતું હતું.કાગળ હતો કે કંકોત્રી એ નક્કી કરી શકાય એમ ન હતું. ચાર પાંચ દીવસ જાણે ચાર પાંચ મિનિટમાં આવી ગયા.પ્રવીણને એનું ઘર આવ્યું.બંને એકબીજાને પસંદ પડ્યા. `મારે તો રૂપિયો નાળિયેર આપીને જ જાઉં છે.’ ‘તો કાલનું પાક્કું. તોરણ બંધાયા. થોડી ઘણી ઘરને સજાવટ કરી.વચ્ચે વચ્ચે ઉધરસના અવાજ અને ધુંવાડાઓ કંકુ મહેસુસ કરતી હતી. કંકુનો બાપ હીંચકે બેઠો હતો.સામે પ્રવીણના દીકરાએ એક પ્રસ્તાવ રાખ્યો.
`મારે કરિયાવરમાં એક વસ્તુ જોઈએ છે આપી શકશો.’
કંકું ને એની મા થોડાક મૂંજવણમાં મુકાયા.
`બોલો જે માંગો એ દેશું.’
`મારે કરિયાવરમાં બીજું કઈ નથી જોતું મને બસ આ બીડી આપી દ્યો. આ તમારી છેલ્લી પેલી બીડી.’
બાપ જાણે સાંભળતા જ આંખમાંથી એક પછી એક આંસુઓ ખરવા લાગ્યા. આ આંસુ હરખના હતા.
કંકુને નવાઈ લાગી આ બીડી વાળી વાત આના મોઢે ક્યાંથી આવી. થાંભલીના ટેકે ઉભેલો રાજ કંકુ સામે જોઈ હસી રહ્યો હતો.કંકુ પણ રાજને જોઈ ભીની આંખે હસી પડી.