વાર્તા: 1 એક સફર : પ્રિયંકા જોશી

“ તું હવે જા. ટ્રેન આવશે એટલે હું આરામથી બેસી જઈશ.”

ભીડ વચ્ચે અટવાયેલી તેની નજર મારી તરફ પાછી ફરી.   

“ ઘરે જઈને શું કરીશ? ઘર તો ખાલી જ હશે!” 

“ ટ્રાન્સફર માટે ફરી વિચારજે.”

“ હમ્મ.” 

નવું ફ્લોરિંગ, નવો પેઈન્ટ.. છતાં રેલવે સ્ટેશન પર કંઈ નવું લાગતું ન હતું. કલાકથી અમે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. ગાડી જે ટ્રેક પર આવવાની હતી એ હજુ ખાલી હતો. આગળના પ્લેટફોર્મ પર એક લોકલ હતી. મુસાફરોમાં કંઈ ખાસ હલચલ ન હતી. ટ્રેન પણ સ્થિર હતી અને બારીમાંથી દેખાતા ચહેરા પણ.   

આમ તો એવું બને કે ક્યાંક પહોંચ્યા પછી ત્યાંથી પાછા ફરવાનું દુ:ખ થતું હોય છે, પણ ક્યારેક એવું પણ થાય કે આપણે અહીં આવ્યા’તા જ કેમ ? 

ક્રિસમસની રજાઓ અને કેટલીક પેન્ડિંગ લિવ્સ. બસ, આજે રજાનો છેલ્લો દિવસ અને આ વરસનો પણ છેલ્લો દિવસ. કેટલાં ઉત્સાહથી હું શિશિરને મળવા આવ્યા કરતી!જો કે આ વખતે અહીં આવતા પહેલા વિચાર્યું હતું કે આ રજાઓમાં મમ્મી પાસે ઘરે જઈ આવું તો! પણ ડર હતો કે વાત કર્યા વિના જઈશ તો તેને ખોટું લાગી જશે. વળી એ તો એવું જ કહેવાનો કે મમ્મી પાસે તો તું પછી ગમે ત્યારે જઈ આવજે ને!  

ટ્રેન મુકાઇ. શિશિરે મારો હાથ પકડ્યો હતો. હું એને ગળે મળી. 

“ વરસ ભલે નવું હોય, પણ મેં કહ્યું એમ જુના ચપ્પલ પહેર્યા એ સારું કર્યું.” 

“ મતલબ?”

“ જુના જ સારા. નવા ડંખે તો! નવા ખબર નહીં કેવા નીકળે!”

“ હંમેશા ભરોસેમંદ ચીજોને સાથે રાખવી અને રહેવું.”, તેણે હળવેથી મારો ખભો દબાવ્યો. 

“ હમ્મ્”, હું અળગી થઈ. 

કોચ સામે આવીને જ અટક્યો. કોઈ ઉતાર્યું નહીં. રાહમાં હતા એ બધા હવે ટ્રેનમાં ચડી ગયા હતા. પાછળ ફરીને તેણે એકવાર હાથ હલાવ્યો. ટ્રેન પ્લેટફોર્મ છોડે ત્યાં સુધી હું દરવાજે જ ઊભી રહી.

એક શોલ્ડર બેગ અને એક નાની હૅન્ડબેગ, વધારે સામાન ન હતો. સીટ પાસેઆવીને જોયું તો અગાઉથી બેઠેલો એક્ માણસ લેપટોપ પર કામ કરી રહ્યો હતો. એક ક્ષણ હું અટકી. 

“સીટ નંબર ?”, મને ઊભેલી જોઈને તેણે પૂછ્યું. 

“૨૫”

“ સામેની લોઅર.”

તેણે પગ સંકોરી લીધા અને લેપટોપ સીટ પર મૂકીને એ કોરિડોર તરફ જોવા લાગ્યો. હું એકલી જ હતી. મેં ચાદર પાથરી અને બારી પાસે પલાંઠી વાળીને બેસી ગઈ. એ ફરી કામ કરવા લાગ્યો.    

કોઈના પ્રવેશતાં જ કેટકેટલું બદલાઈ જાય છે. ટ્રેનના એક ખાલી કોચના ખૂણામાં બેઠેલો તે આવું જ કંઈ અનુભવતો હશે કે તેના અધિકારમાં ભાગ પડ્યો છે. હમણાં સુધી ખાલી કોચની આ બધી ખાલી સીટો તેની જ હતી. હવે એક છોકરી સામેથી બર્થ પર આવી ગઈ. 

બે-ત્રણ બુક્સ, લેપટોપ બેગ, લેપટોપ, પાણીની બોટલ ચારેબાજુ તેનો સામાન ફેલાયેલો હતો. માણસ પણ અજબ પ્રાણી છે થોડીવાર માટે પણ જ્યાં રોકાય છે ત્યાં ઘર બનાવવા માંડે છે. ધીરે ધીરે તેને મૂળિયાં ઊગી નીકળે અને એ ત્યાં જ ખોડાઈ જાય.   

*

“ આ મેડમ પાછળના સ્ટેશનથી ચડયા છે?”

“ હા.”   

“ મેડમ.. હેલો.. “  

અવાજથી મારી આંખ ખૂલી. હૅન્ડબેગમાંથી આઈડી પ્રૂફ શોધીને સામે ધર્યું. 

“ જો તમારે ઊંઘવું હોય તો હું લાઇટ ઓફ કરી દઉં.” 

તેણે બારીના સરકી ગયેલા પડદાં ઠીક કર્યા. 

“ ના,ચાલશે. યુ કેરી ઓન.”

“ આ કંઈ એટલું જરૂરી કામ નથી.”, તેણે લેપટોપ બાજુ પર મૂક્યું. 

“ પીશો?”,  પાણીની બોટલ કાઢીને એણે વિવેક કર્યો.   

“ થેન્ક્સ્, છે મારી પાસે.”

 બે ઘૂંટ ભરીને તેણે બોટલ એ જ જગ્યાએ રાખી દીધી. 

“ તમે શું કરો છો?”

“ લખું છું.”

“ શું લખો છો?”

“ યુ નો, આ દુનિયામાં એવાં ઘણા લોકો છે જેમની પાસે કહેવા માટે ઘણું છે પણ એ કહી નથી શકતાં. ઘણાં પાસે સારી એવી જાણકારી છે પણ તેને દુનિયા સામે કેવી રીતે મૂકવી એ તેમને આવડતું નથી.“

“ લેટ મી ગેસ. પહેલાના જમાનામાં લોકો જેમની પાસે ટપાલ લખવતાં. એ જ ને!”, મેં મજાક કરી.  

તેણે સ્મિત કર્યું અને પીઠને ટેકો આપ્યો.   

“ તો એ લોકો બોલે અને તમે લખો, એમ?

“ હું ફક્ત સાંભળું છું. અને એ સિવાયનું પણ સાંભળવાની કોશિશ કરું છું જે બોલતા નથી. એવી વાતો જે તેમના મનમાં તો છે પણ કહેતા નથી.”

“સાયકોલોજી, રાઇટ?”

એ ફરી હસવા લાગ્યો. 

“ ના, બ્લોગર છું.”

“ વાહ! ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ.”

જ્યારે પણ હું શિશિર પાસેથી પરત ફરી રહી હોઉં ત્યારે ટ્રેન બહુ ધીમે સરકતી. શરીર ભારેખમ કોથળો થઈ જતું. મન મરી જતું. બસ, સીટ પર ચુપચાપ પડી રહેતી. ઉદાસીમાં ખોવાયેલી બેસી રહું; જરાય ખસું પણ નહીં અને એમાં જ સફર કપાયે જાય. નજર ઠરી ગઈ હોય પણ અંદર કશુંક લાવાની તપતું રહે. રંગ ફિક્કો પડી જાય. પોપડીદાર ચામડીને અડકતાં ડર લાગે કે તે ભરભર ભુક્કો થઈ રાખમાં ફેરવાઈ જશે.      

પણ આજે સફરમાં એક અજાણ્યો હતો સામેની સીટ પર. જેની સાથે વાતો કરવી સહજ લાગતું હતું.

મારું ધ્યાન તૂટયું ત્યારે એ ચાના બે કપ પકડીને ઊભો હતો. કોણ જાણે ક્યારે સ્ટેશન આવ્યું અને ક્યારે એ નીચે ગયો અને ચા લઈને પાછો પણ આવી ગયો. 

“ આ લો, ચા.”

હું જોતી રહી.  

“ કશું ભેળવી નથી દીધું, હોં!.”

“ શું ભરોસો? એમ કેવી રીતે માની લઉં?”

બંનેમાં તો નહીં, કોઈ એક કપમાં કંઈ નાંખ્યું હોઈ શકે. કોઈ અજાણ્યો આપણને લૂંટવા આવે અને આપણાં હિસ્સે કિસ્મત જેવી ચીજ અજમાવવાનો અવસર હોય! કયા બાત!

જીવનમાં આવાં અવસરો ફરી ક્યારેય પાછા કેમ નથી મળતાં! જેમ કે નિર્ણય લેવાની ઘડી. જેને ફરી બદલી શકીએ. નવો નિર્ણય લઈ શકીએ. ખુદને હું વારંવાર પૂછતી કે કેવાં હતા એ દિવસો? અને છૂટી ગયેલો કોઈ ખુણો ખોદતાં ભૂતકાળ સપાટી પરઆવી જતો. નજર સામે આવી જતી ટીનએજથી બહાર આવેલી એક છોકરી. પગમાં ખૂલીને જીવવા તરફની ગતિ; આંખોમાં ચમકતી બેફિકરાઈ; હવે કંઈ પણ કરવા માટે તેને કોઇની પરમીશન નહીં લેવી પડે. આસપાસ ગમતા લોકો હશે. અને આ રીતે શિશિરને પસંદ કર્યો હતો. પણ પતંગિયું બનવાના સપનાંની હોડમાં જાણે તે એક તેલવાળી કઢાઈમાં પડેલી માંખી બની ગઈ હતી! 

મને લાગ્યું કે હું ટ્રેનમાં નહીં પણ જાતે જ પસંદ કરેલ રસ્તા પર કોઈ એવી જગ્યાએ આવી પડી છું જ્યાં નકરી ચીકાશ છે. માંડ માંડ પગ ઉપાડું છું ને લપસી પડું છું. ઠેરની ઠેર.  

સામે બે કપ છે, એક – પાછી ફરું, બે –  છોડી દઉં. 

“ લઈ લો. ફિકર ન કરો.” 

તેના અવાજે જાણે હું જાગી. 

“ એક કામ કરીએ. માની લો કે આ બંનેમાંથી એક કપમાં તમે કંઈ ભેળવી દીધું છે.કોઈ પણ એક કપ ધારી લો.”  

“ ઓકે, ધારી લીધું. ”, તેને હસવું આવ્યું.  

મેં એક કપ તરફ આંગળી લંબાવી પછી બીજા કપ તરફ. પછી લઈ લીધી. અચાનક એક કપને અડકી લીધો. તેનો ચહેરો સ્થિર રહ્યો.   

“ કયો કપ ધાર્યો હતો?”  

“ હું કહીશ એ સાચું માનશો?”, એ સીટ પર બેસી ગયો.    

“ એ વાત પણ ખરી. પણ સાચું માન્યે જ છૂટકો.”, મેં ચાનો ઘૂંટ ભર્યો.    

એ બારીની બહાર જોઈ રહ્યો. પછી મારી તરફ જોયું.  

“ એકચ્યુલી, કોઈ પણ બાબતે પાક્કા પાયે કંઈ કહી શકતું નથી.”

મારી પાસે પણ અઢળક વાતો હતી, દુનિયાની વાતો, શિશિરની વાતો. એવી વાતો જે મને પરેશાન કરતી. ઘણીવાર લાગતું કે શિશિર એકતરફી વિચારે છે. એથી વધુ કે તે જે વિચારે છે તેમાં કોઈ પણ ફેરફાર તેને ગમતો નથી. 

ઘણીવાર એકલી પડી જતી ત્યારે ફોન પર કહી બેસતી. 

“ હવે અહીં એકલાં નથી રહેવાતું.”  

“ આવતી રજાઓમાં હવે કેટલા દિવસ! એટલામાં શું થઈ જવાનું આપણને, હેં!” 

તેની પાસે આ એક જ જવાબ રહેતો. સાંભળીને લાગતું કે એ મારી ઉદાસી સમજતો જ નથી, કાં’તો સમજવા માંગતો નથી. 

એન્જિન અને પૈડાંનો શોર છેક કોચની અંદર સુધી આવતો હતો. બારીના કાચને પાર બહાર ક્યાંક-ક્યાંક વાદળાં અને પડછાયાના ટુકડા દેખાતા હતા. ઉજ્જડ સીમના ફેલાવ વચ્ચે ઉભેલા સુક્કા ઝાડ પાછળ છૂટતા જતા હતા. શું ‘એ’ પણ આવી જ રીતે ક્યાંક પાછળ છૂટી જશે? અને હું ક’દિ આ ટ્રેનની જેમ ‘ઉજ્જડ’ને વટાવી શકીશ?  

“ જ્યારે કોઈ એની દુ:ખભરી દાસ્તાન સંભળાવે ત્યારે તમને પોતાને પણ દુ:ખ થતું હશે ને!”

“ ના, એક રીતે જોઈએ તો એ એક અવસ્થા છે. તેમના એ સંકટસમયમાંથી હું પણ પસાર થઉં છું, પણ લખી દીધાં પછી એમાંથી બહાર આવી જઉં છું.”

“ શું કોઈ વ્યક્તિને સાંભળવું એણે કહેલી વાતને ફીલ કરવું નથી હોતું?”

“ હોય છે ને! પણ હું એ ભૂલતો નથી કે એ એની લાઈફ છે.”

“ મતલબ કે તમે જેની સાથે હો તેનાથી સહેજ પણ કનેક્ટ નથી થતાં?”

“ મને એ કહો કે તમે સિંગલ છો કે કોઈ રિલેશનમાં છો?”

આવો અણધાર્યો સવાલ!   

“ તેનાથી આપણી આ વાતચીતમાં કોઈ ફરક પડે?”

“ ના, ફરક તો ન પડે પણ જો તમે કોઈ રિલેશનમાં રહ્યા હો તો ઇસીલી સમજી શકત.”

“ ટેલ મી, હું સમજી જઈશ.”

“ સી, આપણે જેને પ્રેમ કરીએ છીએ તેના સુખદુ:ખથી જોડાઈ જઈએ છીએ. છતાં  ક્યારેક વિચારશો તો તમને ખ્યાલ આવશે કે તમે તેના માટે કંઈ પણ કરી શકો એમ નથી. તમે તેના દુ:ખમાં દુ:ખી થશો અને સુખમાં રાજી થશો. આવું એક સમાંતર જીવન જીવવા લાગશો. પણ તેના બદલે એ વ્યક્તિની ખુશી અને દુ:ખને સમજવું વધારે સારું. આ રીતે તમે તેનો સારી રીતે સાથ આપી શકશો. પણ આપણે કાં તો તેની સુખે સુખી કે દુ:ખે દુ:ખી થઈએ છીએ અથવા તો તેની પરવા જ નથી કરતાં.“ 

*

પહેલીવાર મને વિચિત્ર ત્યારે લાગ્યું હતું જ્યારે શિશિરે કહ્યું કે જીવનમાં આવતી નવીનતા, એક નવી તકલીફ લઈને આવે છે. 

“ એ કઈ રીતે?”  

“ મને નવી વસ્તુ નવી જગ્યાઓ પસંદ નથી, બસ.”

“ આવું તો કેમ કહી શકાય? અસલમાં તો દરેક શ્વાસ, દરેક ક્ષણ નવી હોય છે.”

પછી એ વધારે કંઈ ન બોલ્યો અને હું પણ ચૂપ થઈ ગયેલી.  

એ સાંજ યાદ આવતાં ઉદાસ થઈ જવાતું. લાગતું કે શિશિર સાચે જ અટકી ગયો છે. તેના જીવનમાં કોઈ ઉત્સાહ બચ્યો નથી. કદાચ એટલે જ આટલાં નજીક હોવા છતાં આ રિલેશન ઠંડો અને મરી પડેલો લાગે છે.

*

“ સારું, ટેલ મી અબાઉટ યોર રાઇટિંગ જે તમને સૌથી વધુ ગમ્યું હોય.” 

“ આમ તો ઘણું છે. પણ અત્યારે મને યાદ આવે છે કે એકવાર હું એક કપલને મળેલો. પતિની ઉમર ચાલીસની આસપાસ, પત્ની કદાચ ચાર-પાંચ વર્ષ નાના હશે. એમણે પોતાના જીવનની ઘણી વાતો શેર કરી. અમે ઘણીવાર મળ્યા. એમને પોતાના જીવન વિશે લખવાની ઈચ્છા થઈ. એમને લાગતું હતું કે જીવનમાં તેમની સાથે થયું એટલું ખરાબ કોઈની સાથે નહીં થયું હોય. લોકો તે વાંચે અને જાણે કે તેમણે કેવો કઠણ સમય વિતાવ્યો છે! તેમણે એ પણ નક્કી કર્યું હતું કે એ પછી જીવનનો મહત્વનો અને મે બી ફાઇનલ ડીસીશન લેશે.“

એની આંખો જ મારી તરફ હતી, નજર કંઈક બીજું જોઈ રહી હતી.   

“ માનવામાં ન આવે તેટલી પીડા તેમના જીવનમાં આવેલી. મેં લખવાનું પૂરું કર્યું એ દિવસે તેમણે મને આ જ પૂછેલું – મારી લખેલી કોઈ વાત જે મને ખૂબ ગમી હોય. તમારે સાંભળવી છે એ વાત?”

“ હાસ્તો, સારું છે ને! લોકો વાંચતાં વાંચતાં મુસાફરી કરે છે મને તો સાંભળવા મળશે, તમે સાંભળવો, ગમશે.” 

એ કહેવા લાગ્યો- 

“ મારી ઓફિસમાં બે કબૂતરે રૂમના વેન્ટિલેશનમાં માળો બનાવ્યો હતો. તેમને ઉડાડી મૂકવાના ઘણા પ્રયાસો થતાં પણ ગમે તે કરીને તે પાછા આવી જ જતાં. એ દિવસે અચાનક મારુ ધ્યાન ગયું. એ જગ્યા ખાલી પડી હતી. બહાર કચરો છે કે નહીં એ જોવા ગયો તો ત્યાં એક તૂટેલું ઈંડું પડ્યું હતું. થોડી સળીઓ પડી હતી પણ કબૂતરની ગંદકી નહિવત્ હતી. કબૂતર દેખાયા નહીં તો નજર આમતેમ દોડવી. એવું તો શું થયું કે તે ઊડી ગયાં? મેં ઘણી બાબતો, કારણો વિચાર્યા. જો બે-ત્રણ દિવસ રોકાઈ ગયા હોત તો થોડા વખતમાં એ ફૂટેલાં ઈંડાના અવશેષો ઢંકાઈ જાત અને તે ગમતી જગ્યા પર રહી શક્યા હોત. સમજાયું નહીં. બસ, એટલું સમજાયું કે એ કબૂતર પોતાના દર્દને પાછળ છોડીને ઊડી ગયા હતા.” 

થોડીવાર મૌન રહ્યા પછી તેણે આગળ કહ્યું–

“ ખબર નહીં ક્યારે એમણે આ વાંચ્યું, ત્રણ મહિના પછી એમનો ફોન આવ્યો. એમણે કહ્યું કે એમના ઘરમાં નવું બાળક આવવાનું છે. હકીકતે એ જીવનમાં આવી પડેલા દુ:ખનો સ્વીકાર જ નહોતા કરી શક્યા. હવે તેમણે નવેસરથી જીવન વિશે વિચાર્યું. નક્કી કર્યું કે જૂનાં દર્દોને ગળે વળગાડીને જીવવાનો કોઈ અર્થ નથી.”

“ શું નવી વસ્તુઓ અને નવી જગ્યાઓ વિષાદમાંથી બહાર લાવી શકે?”

“ આઈ ડોન્ટ નો. ઘણીવાર ઉદાસીને હવાલે થઈ જવાય ત્યારે હું એ કબૂતરોને યાદ કરી લઉં છું. ખબર નહીં કે મેં જે વિચાર્યું માત્ર કલ્પના છે કે તેમાં કંઈ તથ્ય છે પણ મનને થોડું આશ્વાસન મળે છે. ખુદને સમજાવું છું કે તું તો માનવ છે. વિચારશીલ છે. નક્કી કેમ નથી કરી શકતો કે તું જેની સાથે છે એ પોતાના વિષાદને  છોડીને તારી પાસે બેસે છે કે પછી પોતાની ખારી ભીનાશ પર પડદો નાંખતો રહે છે.”

“ અચ્છા, એક સવાલ પૂછું?”

” હા, પૂછો.”

“ જો ગમે તેટલા પ્રયત્ન છતાં નષ્ટ થવું નક્કી જ છે તો આપણે પ્રયત્ન કરવાનીજરૂર ખરી? આ નિષ્ફળ પ્રયત્નોના બદલામાં તો ઉદાસી, નિરાશા અને હતાશા જ હાથ લાગે છે.” 

એ હસવા લાગ્યો. 

“ હું લખવાનું કામ કરું છું. બધાં સવાલોના જવાબ આપી શકતો હોત ‘દરબાર’ ન ભરતો હોત! “

“ હા.. , તો તો આ જગતનું કલ્યાણ થઈ જાત, પ્રભુ. પણ પ્લીઝ, કહો ને! જો નષ્ટ થવું નક્કી જ છે તો આપણે કશું કરવાની જરૂર ખરી?” 

તેની આંખોમાં નર્યો સ્નેહ હતો. 

“  નષ્ટ થવું ચાહનાથી પર નિયતિ છે. જેમ કે ફળ. ફળ ખાવા માટે જ બન્યા છે. માણસ, પશુ -પંખી કોઈ પણ ખાશે. જો કોઈએ ન ખાધું તો જીવજંતુઓને મોકો મળશે. છેવટે એ સુકાઈ જશે. બધી બાબતોનું એવું જ છે. એ તેની ગતિ છે; નિયતિ છે; પ્રકૃતિ છે; તેમાં જ એની પૂર્ણતા છે. તો પછી આપણે શાને દુ:ખ લગાડવું? બદલાવ જ જીવન છે. તેને ઊગવા દો, વિકાસવા દો, ખરવા દો. તેનો મોહ ત્યાગી દો. એ તેની કુદરતી પ્રવૃતિનો વિરોધ છે.“

આટલું કહેતાં તેણે સીટ નીચેથી પોતાનો બેગપેક બહાર ખેંચ્યો. 

“ મારું સ્ટેશન આવવામાં છે. વાતોમાં સમયનું ધ્યાન જ ન રહ્યું.” 

મેં બહાર જોયું. ઓહ! મારે પણ અહીં જ તો પહોંચવાનું હતું!   

મેં સામાન ઉપાડ્યો. “થેન્ક યુ. તમે આ જ શહેરમાં રહો છો?”  

“ હજુ થોડા દિવસ પહેલા જ શિફ્ટ થયો છું. ઓકે, ટેક કેર ઓફ યોરસેલ્ફ, બાય. “ 

આગળ જતાં તેણે બે-ત્રણવાર પાછળ ફરીને જોયું. 

ભીડનો રેલો આગળ પસાર થઈ ગયો. હું પ્લેટફોર્મ પર ઊભી રહી.   

“ઓ મેડમ, એકબાજુ.”, કુલીના અવાજથી હું ચમકી. 

ઉતાવળે પગ ઉપાડ્યો ત્યાં ચપ્પલ તૂટી ગયું.   

શિશિર આમ જ બાધાઓ ઊભી કરતો. ભીતરે ભેજ જવતો રહેતો. બંધિયાર વાસથી ત્રાસ થતો. તેણે આગળ વધવા વિશે ક્યારેય વિચાર્યું જ નહીં. આ વખતે શિશિર પાસે જઈને ભૂલ કરી. આ સંબંધને માત્ર વેંઢારી શકાય એમ છે. 

અચાનક ફોરાં પડ્યા. વરસાદ વધતાં પ્લેટફોર્મ પર બેઠેલા લોકો શેડ નીચે સંકોરવા લાગ્યા. ધીમી ચાલે ભીંજાતી હું સ્ટેશનની બહાર આવી. રસ્તા પર પાણી વહી રહ્યું હતું. 

પાણીને અડકવા મેં ચપ્પલ ઊતર્યું. ડૂબતું,તરતું એ વહેતા પાણીમાં દૂર નીકળી ગયું. બીજું ચપ્પલ પણ ખોલી નાખ્યું. કેબ આવતાં ખુલ્લા પગે જ તેમાં બેસી ગઈ.બારીમાંથી બહાર જોતાં લાગ્યું કે જે શહેરમાં હું છેલ્લા પાંચ વર્ષથી રહું છું એને મેં સરખું જોયું જ નથી. વાત ખોટી પણ નથી. મોટાભાગે હું જીપીએસ પર રસ્તાને ટ્રેક કરતી,નહીં તો આંખો બંધ કરીને ફ્લેટ પર પહોંચવાની રાહ જોતી.   

કેબ સોસાયટીના ગેટ પર આવી. વિચાર્યું કે નવા ચપ્પલ ખરીદી લઉં પણ આમ જ સારું લાગ્યું. ખુલ્લા પગે હું ફ્લેટ તરફ જવા લાગી. જોયું કે રસ્તા પર સિમેન્ટ બ્લોક્સ વચ્ચે કૂણું ઘાસ ઊગી નીકળ્યું છે.