વાર્તા 1

રાતડો                                                            – જયેશ સાચપરા

“ઊભો થા… હાલ્ય… નપાવટ… ખરે ટાણે દગો દિયે છ…” એમ બરાડતાં સવજીએ વાડી વચાળે બેસી પડેલા રાતડાના બરડા પર પરોણા જિંક્યાં. 

“હં… હં… ભાઈ… થાક્યો હશે બિચાડો” એવું કહેતો ડોસો સવજીની આડો પડે એ પહેલા હાંફતા બળદની પીઠ ઉપર સાત-આઠ સોળ ઉપસી આવ્યાં.

“ઇનેય જીવ હોય… એમ મારવા મંડાય? – કહેતાં વશરામ ડોસાએ દીકરાની સામે ઠપકા ભરી નજરે જોયું.

“હવે… આય માથે પડશે.” એમ બબડતો, નાખોરા ફુલાવતો, સવજી પરોણાનો ઘા કરી, સાંતીડું મેલીને ચાલતો થયો.      ડોસો પોતાના વહાલા બળદનો બરડો પસવારવા માંડ્યો પણ એનાં મગજમાં સવજીએ ભાર પૂર્વક ઉચ્ચારેલો ‘આય’ શબ્દ ફરી રહ્યો હતો. 

          કેટકેટલી બાધા- આખડીઓ રાખી ત્યારે વશરામ અને મંગુને ત્યાં પારણું બંધાયેલું. વશરામે આખા ગામમાં પેંડા વહેંચ્યા હતાં. બેઉ જણ એકના એક દીકરાના ઉછેરમાં કોઈ ખામી રાખવા માંગતા નહોતાં. સવજીના જન્મ પછી વશરામે બમણા જોશથી ખેતીનું કામ કરવા માંડેલું. આઠેક વીઘાની વાડીમાં બેય જણા રાતદિવસ જોયા વિના મહેનત કરે. દીકરાને ભણાવીને નોકરીએ ચડાવવાની બેયને હોંશ પણ સવજીને ભણતર ચડ્યું નહીં. દસમાં ધોરણની બોર્ડની પરીક્ષામાં નાપાસ થતા હીરાનાં કારખાને કામે લાગી ગયેલો. નાનપણથી મા-બાપે બહુ ટપારેલો નહી એટલે કારખાનામાં મોજમાં હોય એટલો સમય ભરે અને કોઈને કોઈ બહાનું કાઢી રજા પાડે. પોતાનો ખિસ્સા ખરચ કાઢે અને વધે તો ઘરમાં આપે! વશરામ અને મંગુને ઘણી વાર ઠપકો આપવાનું મન થાય ખરું. પણ કશું અમંગળ કરી બેસે તો?- એવી બીકે બહુ કહી ન શકે. વહુ આવે ત્યારે આપમેળે સુધરી જશે એમ ધારી મન વાળી લે. બન્યું પણ એમજ! 

          વશરામે સવજીને વીસ વરસે પરણાવી દીધો. મંગુના અવસાનનાં આઘાત અને વધતી વયે એનું જોમ હણી લીધું હતું. હવે વશરામ ખેતીનું ભારેકામ કરી નહોતો શકતો. સવજીએ હીરા ઘસવાની સાથે વાડીનું કામ પણ પોતાના હાથમાં લેવું પડેલું. વાડીનું રખોપુ કરવું, રાતડાના નીરણ-પાણીનું ધ્યાન રાખવું – એ જ હવે ડોસાની દિનચર્યા હતી. દિકરા-વહુને આડે પગે ન આવીએ એમ સમજીને ડોસો હવે વાડીએ જ નાનું ટાટું બનાવીને રહે. કોઈ સારો-નરસો પ્રસંગ હોય તો જ ગામમાં જાય. હવે રાતડો જ એનો સૌથી મોટો સાથી હતો.

            કળ વળતાં રાતડો સહેજ સળવળ્યો એટલે ડોસાની વિચારધારા તૂટી. એણે ડચકારો કરીને બળદને ઊભો કર્યો. સાંતીએથી છોડીને ખીલે બાંધ્યો. બળદનાં માથે, ગોદડીએ હાથ ફેરવ્યો. એની આંખમાંથી નીચે ઊતરતો આંસુનો વાંકોચૂકો લીટો જોઈ ડોસાનું હૃદય ચિરાઈ ગયું. મૂગું જનાવર પોક ન મૂકે, પણ માયાળુ માનવી એની પીડા વરતી જ જાય! 

          પંદરેક વરસ પહેલાં વશરામે ગાદલિયા પાસેથી ઊતરાવેલો દેશી વાછરડો લીધેલો. વાછરડાનું આખુ શરીર લાલ રંગનું, એટલે ‘રાતડા’ તરીકે જ ઓળખે. વશરામે એને એવો પલોટ્યો કે જોરથી ડચકારો થઇ ગયો હોય તો વીજળીવેગે સાંતીને ફંગોળતો જાય! શિંગડું લેતાં તો જાણે આવડ્યું જ નહોતું! રાતડાને પેટનો દીકરો હોય એમ બેય જણ સાચવે. બપોરવેળાએ પોરો હોય ત્યારે મંગુ પાણીનું ડબલું લઈને પહોંચી જાય. બળદના શરીરેથી ઇતરડી અને બગાયું વીણતાં વીણતાં ‘મરો રાંડુ’ એમ કહેતી પાણીમાં નાખતી જાય. વશરામ બળદનાં નીરણ-પૂળામાં કંઈ કચાશ ન રાખે. રાતડો પણ માલિકને સંતોષવામાં પાછો ન પડે. એકલિયા બળદથી એવી ખેતી કરે કે વઢિયારાની જોડ્યું વાળા પણ જોઈ રહે! રાતડાનાં આવ્યાં પછી વશરામને કુદરતનો પણ સાથ મળ્યો હોય એમ ઊપજમાં વધારો રહેવા માંડ્યો. વારસાગત મળેલા જુના મકાન પર વિલાયતી નળિયા ચડ્યા, સવજીના લગન કર્યાં; આ બધાં માટે વશરામ ઈશ્વરકૃપા અને રાતડાનો સાથ બન્નેને જવાબદાર સમજતો હતો. સવજીનાં પરોણાએ રાતડાની સાથે આજે એનાં મન પર ઘાવ કર્યો અને એણે ઉચ્ચારેલો ‘આય’ શબ્દ એ ઘાવને ખોતરી રહ્યો હતો!

“હશે… બાપલિયા.” એમ ઉચ્ચારતાં ડોસાની આંખો તગતગી.

“હે… ઈશ્વર…તું કર્ય ઈ ઠીક.” એમ બોલતાં આકાશ તરફ જોઈ એણે ઊંડો નિસાસો નાખ્યો.

આકાશમાં ધુમાડાનાં ગોટા દોડી રહ્યાં હતાં. વાતાવરણ ધૂંધળું થઈ ગયેલું.

“માવઠું થાવાનું!”- એમ સ્વગત બોલી ખાટલે લાંબો થયો. 

બીજા દિવસે ફરીથી આવું જ બન્યું. અડધોક વીઘો જેટલું સાંતિ ચાલ્યું હશે ત્યાં રાતડો ધમણની માફક હાંફવા લાગ્યો ને થોડી વારમાં ફસડાઈ પડ્યો. સવજીએ એણે માર્યો નહી પણ ડોસા સામે કરડી નજરે જોતાં જોતાં બોલ્યો- “ઉભો થાય એટલે બાંધી દેજો હરામીને… હું જાઉં સું કારખાને… ”

          વળતાં દિવસે સવજીએ ટ્રેક્ટરથી ખેડ કરાવી નાંખી. ખેડ પતાવી ધુમાડાનાં ગોટા ઉડાડતું ટ્રેક્ટર રવાના થયું. સવજી સાંજે વાળુ લઈને આવ્યો. ટિફિન મુકી, વશરામ પાસે આવીને આડું અવળું જોતાં જોતાં વાત માંડી.

“આજકાલ ટેકટરનો ઝમાનો સે. આ બળધિયાવ હાર્યે કોણ માથું કૂટે? ટેક્ટરથી ખેડ્ય ફટાફટ થાય ને રોજ નીણ્ય૧૦– બીણ્યની પળોઝણ્યેય નૈ. ભાડું સુકવી દઈ અટલે સુટ્ટા… જટલી આ ડોરો૧૧ નીણ્ય ખાય જાય એમાંતો ટેક્ટરનું ભાડું દેવાય જાય.”

ડોસો સવજીની વાતનો અર્થ પામી ગયો હતો તોય ખાતરી માટે એણે સવજીને પૂછ્યું.

“તે શું કરવું સે તારે? સીધે સીધું કઈ દેને ભાઈ”

“આ ડોરાને સુટ્ટો કરી મેલીએ એમ… બીજું હું…” સવજીએ ફોડ પાડ્યો.

“હું કે સ?… રાતડાને સુટ્ટો કરવો સે તારે?… જીના ગઢપણ પાળવાના હોય ઈને રઝળતો મેલવો સે?… આખું આયખું જીણ્યે આ વાડીમાં ઘહી નાંખ્યું ઈને કાઢી મુકવો સે તારે? ડોસાએ ઠપકા ભર્યા પ્રશ્નોનાં એકસામટા બાણ છોડ્યાં.

“હવે બધાં આવું જ કરે સે.”  સવજીએ જવાબ વાળ્યો.

“બીજા ભાડમાં પડે તો આપડે કાઈ થોડું પડાય?… ભોં હાર્યે બળ કરી કરીને પંડ્ય ખપી ગ્યું બચાડાનું…આતો ગઈઢું માવતર કેવાય… આવે ટાણે ઈ થોડો માથું મારીને જગ્યા કરી હકશે?… ખૂંટીયાવનાં શિંગડા ખાઈ ખાઈને મરી જ જાય… તંઈ તો આપણે ખાટકીથીય ઊતરેલ ગણાઈ…નરકેય જગ્યા ન મળે ભાઈ.”

“નરક કે સરગ, કોઈ ક્યાં ભાળ્યાં?” સવજી ઉપર ડોસાની એકેય દલીલની સહેજેય અસર ન થઇ.

“ભાઈ…થોડો વચાર તો કર્ય…આ તઈણ દી’થી તારા બેય કામ બગડે સે… અટલે આવું બધું હુઝે સે…જો અંધારું થાય ઈ પેલ્લા ઘેર પુગી જા…અતારે આ વાત જાવા દિયે.” ડોસાએ વાત પર પડદો નાખવાં પ્રયત્ન કર્યો. સાંજ થવા આવી હતી એટલે સવજી પણ વધારે રકઝક કર્યા વિના ઘર ભણી હાલી નીકળ્યો. 

          ડોસાને જેમ તેમ વાળુ પતાવ્યું. એનું મગજ ચકરાવે ચડી ગયેલું. આજ નહીં તો કાલ સવજી નક્કી રાતડાને કાઢી મુકશે એવી એણે ખાતરી હતી. જો સાચ્ચે જ આમ થાય તો શું શું થઇ શકે એનાં વિચારો ઘૂમરી મારી રહ્યાં હતાં.

          રાતડાએ પણ સાંજની નીરણ જેવી તેવી જ ખાધી હતી. બાપ-દિકરા વચ્ચેની ચડ-ભડ સમજી ગયો હોય એમ એય ગમાણને અડકીને આખી રાત બેસી રહ્યો. સવારે ડોસો ફરીથી નીરણ આપવા આવ્યો ત્યારે ઢળી પડેલાં કાન અને નિસ્તેજ નજરે ડોસા સામે જોઈ રહ્યો હતો. ગઈ સાંજે જે પ્રશ્નો ડોસાએ સવજીને કર્યાં હતાં એ જ પ્રશ્નો અત્યારે રાતડો જાણે વશરામ ડોસાને પૂછી રહ્યો હોય! એની આંખના ખૂણામાંથી નીકળેલો વાંકોચૂકો લીટો વધારે જાડો અને બે-ત્રણ ફાંટા વાળો બની ગયો હતો. એની મૂંગી પોક વશરામ સિવાય કોઈનેય નહોતી સંભળાતી!

          સવજીએ ન કરવાનું જ કર્યું. ડોસાની દલીલો, કકળાટ, કાલાવાલા, ધમકીઓની ઉપરવટ જઈ રાતડાનાં નાથ-મોરડો૧૨ ઉતારીને ઝાંપા બહાર કાઢી મુક્યો. લાચાર ડોસો ઢગલો થઈને બેસી પડ્યો. વાડની સામેની બાજુ હમણાં કોઈ ઝાંપો ઉઘાડશે એમ વાટ જોતો રાતડો વલખી રહ્યો હતો. બહારનાં જગતને એ વિસ્મય અને વિહ્વળતાથી જોઈ રહ્યો હતો. એને ગમે તેમ કરીને પોતીકી જગ્યાએ પાછું આવવું હતું. પણ વચ્ચેની વાડને રાતડો કે ડોસો એકેય ઓળંગી શકે એમ ન હતાં! 

          નધણિયાત બનેલો રાતડો હવે બીજા રેઢીયાળ ઢોરની સાથે ભટકતો. શિયાળો વીતી ચૂક્યો હતો એટલે ગૌચર અને સીમ કોરા-ધાકોર થઈ પડેલાં. આંતરડી ઠારવા  માટે ઉકરડાનાં છાણવાળા રાડાં૧૩ ખાઈને પડ્યો રહે. કોઈ દયાળુ ક્યારેક દાન પુણ્ય અર્થે ગૌચરમાં નીરણ નાખી જાય ત્યારે ઠીક રહેતું. ક્યારેક કોઈનાં મોલમાં પણ ઘુસી જાય. ખુંટીયાઓનાં મારની બીકે નાના વાછરડાંની ટોળી સાથે જ રહે. રાતડાને તો શિંગડું લેતાં આવડતું જ નહોતું!

          ડોસો પણ ગામનાં ભરવાડોને આવતાં જતાં રાતડાનાં સમાચાર પૂછ્યે રાખતો. રાતડાનાં બચાવમાં તે કંઈ ન કરી શક્યો એ વાતે અંદરથી જ વલોવાયા કરતો. તદ્દન એકલો પડી ગયેલો ડોસો હવે લાકડીનાં ટેકા સિવાય ચાલી નહોતો શકતો. આખો દિવસ ટાટામાં પડ્યો રહે. વેરાન વાડીમાંથી હવે રસ જ ઊડી ગયો હતો. લૌકિક વહેવાર પણ સવજીને સોંપી દીધેલો. કેડે નીકળતાં લોકોને રાતડા અંગે પૂછવું અને મળેલા જવાબ પ્રમાણે વિચારોને ચીતરવા આ જ હવે એનાં મુખ્ય કામ હતાં.

          એવામાં એક દિવસ કોઈકે વાવડ આપ્યાં કે, “રાતડો કોકના ખેતરમાં રાત્રે ઘૂસ્યો હશે અને રખેવાળે ખૂબ માર્યો છે. પગ ઉપર બહુ વાગી ગયું છે તે તળાવનાં કાંઠા સુધી માંડ પહોંચ્યો છે અને ત્યાં જ પડ્યો છે. ઉભો થાય એવું લાગતું નથી. અને લગભગ તો…”

“હેં…” ડોસાથી જીણા સાદે આટલું માંડ બોલાયું.

          ડોસાની આંખે અંધારા આવી ગયાં. મગજ ભમવા માંડ્યું. ફસડાઈ પડેત પણ લાકડીનાં આધારે ટકી રહ્યો. ખાટલે પહોંચતાં તો ઢળી જ પડ્યો. છાતી થડાકા લેવા માંડી. અધબીડેલી આંખે એની નજર સામે એક પછી એક ચિત્રો ફરવાં માંડ્યા- નાનકો એવો દેશી વાછરડો, પલોટતી વખતનો આજ્ઞાંકિત રાતડો, સાંતીએ જોડેલો રાતડો, મંગુ ઇતરડી વિણે ત્યારે પ્રેમથી ડોક ઢાળી દેતો રાતડો, મોજથી નીરણ ખાતો રાતડો, લાંબા ઘૂંટડે પાણી પીતો રાતડો, ઢળેલાં કાન અને આંખમાં આંસુવાળો રાતડો, નાથ-મોરડા વિનાનો અડવો૧૪ લાગતો રાતડો, વિહ્વળ બની આંટા મારતો રાતડો… રાતડો…રાતડો…રાતડો…!

          ડોસો પડ્યો પડ્યો પરસેવે રેબઝેબ થઈ ગયો. માટલું પાસે જ હતું પણ એનાંમાં હાથ હલાવવાનીય તાકાત નહોતી. બંધ આંખે તરસ્યો જ પડી રહ્યો. માથામાં સબાકા આવવા માંડ્યા. અંગે અંગ જાણે છુટા પડી રહ્યા હતાં. ચામડી ઉતરડાતી હોય એમ લાગતું હતું. જાણે કોઈ પેટમાંથી માંસના લોચા ખેંચી રહ્યું હતું. પીડા વધતી જતી હતી. હવે સહન થાય એવું નહોતું. 

          ડોસાએ પોતાની બધી તાકાત ભેગી કરી, છેવટનો પ્રયત્ન કરી આંખો ખોલી, જોરથી રાડ પાડી.

“રાતડા… રાતડા… બાપલિયા… માફ… ક…” અને ડોસાની વિસ્ફારિત આંખો આકાશ ભણી ખોડાઈ ગઈ! 

***

* લોકબોલીનાં શબ્દો તથા કહેવતોનો ભાવાર્થ:

૧. આય – આ પણ

૨. આડે પગે ન આવવું – નડવું નહી

૩. ટાટું – બાજરીના સાંઠા અને વાંસથી બનાવેલ નાની ઝુંપડી

૪. ગોદડી- ડોકથી આગળના પગ સુધી લટકતી જાડી ચામડી

૫. ગાદલિયા – પશુઓની લે-વેચ સાથે સંકળાયેલ એક વિચરતી કોમ 

૬. ઉતરાવેલ – (અહીં) જનનાંગો કાઢી નખાયેલો

૭. પલોટવું – બળદ બનવા માટેની તાલીમ

૮. શિંગડું લેવું – મારતા આવડવું

૯. બગાયું – એક પ્રકારની પરોપજીવી જીવાંત

૧૦. નીણ્ય – નીરણ

૧૧. ડોરો – ઘરડો બળદ

૧૨. નાથ-મોરડો: નાથ-બળદનું નાક વીંધીને પહેરાવેલ પાતળી દોરી

મોરડો (મોરડી)- નાથની સાથે જડબા પર અને શીંગડાનાં મૂળ ફરતે  વીંટાળેલી દોરી    

૧૩. રાડાં – નીરણનાં પાંદડા વિનાનાં સુકાયેલ દાંડલાઓ 

૧૪. અડવો – શણગાર વિનાનો

પ્રયાસ An Extension… (A Peer Review Literary E- Journal) Volume 3, Issue 6, November-December: 2022