વાર્તા ૨. કાંચની બંગડી – ચૈતાલી ઠક્કર

દિવાળીની સફાઈએ એને ઘર અને ઘરની વસ્તુઓની નજીક લાવી મૂકી. કેટલાય દિવસો પછી લગ્નનો બેંગલ બોક્સ એના હાથમાં હતો. આમ તો સામાન્ય પરિણીત સ્ત્રીને બંગડીઓનો જેવો શોખ હોય તેવો એને ખરો, પણ નોકરી અને શહેરની આજની ફેશનને કારણે બંગડીઓ પહેરવાનો ક્યાં વારો જ આવતો? હાથને આ બંગડીઓનો સ્પર્શ થતો હતો. કેટલાય અંતરાલ પછી…. આજે ઘરમાં એકલી છે. બેડ પર સૌંદર્યના પ્રસાધનો બહુ નહીં થોડા ઘણા એવા પથરાયેલા પડ્યા છે. સગાઇ પછી હોંશમાં આવી પહેલવહેલી વાર લીધેલ મોતીના પાટલા, દરેક ડ્રેસને મેચિંગ ચાંદલાના હવે ન વપરાતાં પેકેટ્સ, કાંચની થોડી ન તૂટેલી અને બચી ગયેલી બંગડીઓ, ફરવા જતી વખતે લીધેલ નાનું એવું મંગળસૂત્ર પાઉચમાંથી ડોકિયા કરતું દેખાયું.આજે જાણે નાનીશી કોઈ છોડીપોતાના ઢીંગલીના વૈભવને નિહાળી રહી હોય તેમ તે પણ મુગ્ધાવસ્થાના તે દિવસોમાં ખોવાઈ ગઈ.

          કોઈના આવવાનો પદસંચાર થયો અને તેને થયું હમણાં તો બધા કોઈને કોઈ કામસર ઘરમાં હાજર નથી. કોઈના ન હોવાથી એ કેવું સુંદર ફીલકરી રહી છે!? જે પતિ બાળકો એના જ છે, ઘરના અન્ય સભ્યો પણ લગ્ન પછીના સંબંધથી જોડાયેલા પાત્રો –  આ બધા વિના પણ એનું એકાંત જાણે પોતીકું લાગી રહ્યું છે. એ આ ક્ષણને, આ સમયને પોતાની જાત સાથે માણવા લાગી. એને થયું એવુંય બને ને ક્યારેક કે માણસ એકલો હોય તો પણ એ અંદરથી રાજી હોય, ખુશ હોય. એકાંતપ્રિય વ્યક્તિ માટે તો આ ક્ષણો કેટલીય મૂલ્યવાન હોય છે! આમેય ભાગદોડભરી જિંદગીમાં પોતા સાથે ક્યાં એ રહી શકતી  હતી? માંડ આજે પંડ સાથે રહેવાનો મોકો મળ્યો હતો. કદાચ આજથી અગાઉ મળ્યો હતો તો ય કામની હાયવોય જ એને જંપવા ન દેતી. સ્વભાવ જ એવો થઇ ગયો હતો ઉતાવળિયો અને બધું સમયસર પતાવવાની લાહ્યમાં જાત સાથેની મુલાકાતો દિવસાદિવસ ઓછી થતી ચાલી. આજે તો જાણે પોતાના ઘરમાં નવું નવું લાગી રહ્યું હતું. હાથમાં કાચની પોતાને ગમતી પ્લેન સિંગલ કલર બંગડીઓના બોક્સને તે  જોઈ રહી. પાતળી લાલચટક બંગડીઓ જાણે કહી રહી હતી મને પહેરીશ નહીં? ભલે કેટલાય વખતથી એમને પડી રહેલું બોક્સ અને તેમાંની બંગડીઓ આજે નિરાંતે જોઈ રહી.જવાબદારી અને કામની દોડાદોડીમાં બે ત્રણ વર્ષ પહેલાં નોકરીએ જતા કાળજીપૂર્વક ન પહેરી તૂટેલી બંગડીઓ સ્મરણમાં આવી. પ્રશ્ન તો કાચની બંગડીઓનો જ હતો ને? મેટલ કે સોનાની બંગડીઓને આ પ્રશ્ન નહોતો નડતો. એ વિચારોમાં ખોવાઈ….

“તું નોકરી ભલે કરે પણ રસોઈમાં ભૂલ થાય એ ના ચાલે…”

“તું ઘરમાં ધ્યાન જ નથી આપતી…”

“તું મને તો સમય જ નથી આપતી…”

“મમ્મી તમે કામ જ કરો છો. અમારી સાથે રમો ને…..” 

ગમે એટલો ઉમદા પ્રયત્ન તેમ છતાં આ ફરીયાદોથી મન ઘેરાઈ ગયું. જાત સામેના સવાલોનો મારો એને અવારનવાર સુન્ન કરી દેતો. આ એની એકની સમસ્યા ક્યાં હતી? ઓફિસની બીજી સહેલીઓ પણ…ખેર…એ ઈચ્છે તો ય આ વિચારો ક્યાં કેડો મુકતા હતા? 

એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ…. હમમ..દસ છે. બારની સંખ્યા સુધી ન પહોંચાયું. આ બંગડીઓ ક્યારે લીધેલી એ દિવસ અને સમય, બજારની બંગડીવાળાની લારી, હિન્દી ભાષામાં પોતે પસંદ કરેલી અને હજુ નહીં ખરીદેલી એવી બંગડીઓ ખરીદવા વિનવતો નાનો શો લારીવાળો બધું યાદ આવ્યું.

“તારે લેવી હોય તો લઈ લે ને પછી આ બધું પહેરજે.” 

એવું ભાગ્યે જ જેની સાથે બજારે જવાનું થતું એવા પતિનું વિધાન યાદ આવ્યું. બાર બંગડીઓમાંથી આજે દસ છે હાથમાં. કાચની બંગડીઓનો અવાજ મનમાં વાગી રહ્યો. એ ઊભી થઈ અને બાથરૂમમાં બેઝીન પાસે જઈ હળવેકથી સાબુવાળા હાથે ખાલી કરેલા કાંડા પર એક બંગડી ચડાવતી ગઈ. પાંચ અને પાંચ બરાબર. આઉટ ઓફ ફેશન પણ મનને તો ક્યાં ફેશન નડે છે? કેટલાય દિવસો પછી કાચની અને વળી પોતાને ગમતી બંગડીઓનો રણકાર! કેવી નાની બાળકીની જેમ આનંદિત થઈ એ માણી રહી આ ક્ષણો! એને થયું હાથ કંગન કો આરસી ક્યા એ બધું ખોટું. પ્રથમ પદ સાવ ખોટું. આકહેવતન ચાલે. હાથમાં પહેરેલી કાચની બંગડીઓને અરીસામાં જોઈ કેવી ગમે છે! ભલે ને સરળતાથી જોઈ શકાય, પણ અરીસામાં એના દેહસૌંદર્ય સાથે કેવી તો જામે છે આ બંગડીઓ! આ કહેવતકાર કોઈ અરસિક પુરુષ, કાં તો સૌન્દર્યદૃષ્ટિવિહીન નારી હોવી જોઈએ.

બીજા દિવસે પણ રજા છે, આ દિવાળીની સફાઈ પણ ચાલવાની અને બંગડીઓ પર હાથ પર રહી શકશે. સાસરામાં પોતાની વસ્તુઓને ચીવટથી સાચવીને વાપરવા માટેની પ્રસંશા એમને એમ નહોતી. એટલે કામની દોડધામમાં બંગડીઓ  સચવાશે એવી તો તેને ખબર હતી. રાત્રે બધા કામોથી પરવારીને પોતાના રૂમમાં આવી. પતિ અને બાળકો પણ બહારથી થાકેલા આવ્યા હતા તે સુઈ ગયા.અને તેની નજર તો વારેવારે હાથ પર, કાનમાં સતત કાંચની બંગડીઓનો રણકો.. રોજ રાત્રે સોનાની બંગડીઓના ભારને ન સહી શકનાર હાથ, આજે કાચની લાલચટક બંગડીઓથી કેવા હળવા થયા હતા!

બીજા દિવસે સવારમાં રોજ આવતી કામવાળી બાઈનું તેના હાથ પર જ ધ્યાન ગયું. પોતાની શેઠાણીના હાથની બંગડીઓ જોઈ તે બોલી ઊઠી,

“મેરે લિયે ભી બજાર સે એસી ચૂડિયા લાના જીજી.” તેને તરત ચાર બંગડી હળવે રહીને ઉતારી અને છાપામાં વીટી આપી. વધેલી કાંડા પર રણકી રહી.

 “હા, હું લાવીશ. અત્યારે આ ચાર તું રાખ.”એણે કહ્યું. 

“જી મેં સારે ઘર કે કામ ખતમ હોને કે બાદ જા કે નાહ ધોકે પહેનેગી.” 

હાથમાં બંગડીનું નાનું બંડલ જેવું કરી આપ્યું, ત્યારે હાથ પર લોહીના ટશિયાં જોયા. એ જોઈ રહી. આમ તો આ બાઈનેય ક્યાં રોજ મળતી હતી? સવારના નોકરીએ જાય ત્યારે ઝટપટ રૂટિન પતાવી, કંઈ ને કંઈ કામ ચીંધી નીકળી જતી અને આવતી છેક સાંજે કામનો થાક લઈને. નિરાંત જ ક્યાં હતી ક્યારેય? આજે જાણે અચાનક આ બધો નહી જીવાયેલો સમય ક્યાંથી આવી ચડેલો એને મળી ગયેલો લાગ્યો.આજે પણ રજા એટલે દિવાળીની સફાઈમાં આગળ વધવાનું હતું. એટલે મોટી અગાસી ધોવાની હતી અને થોડા કામ પતાવી, પોતે અને કામવાળીબાઈ બંને અગાસીમાં ગયા. પાણીનો સતત અવાજ, સાવરણાનું સંચલન. બે બોલ જેની સાથે વાત કરવાનો સમય ન મળતો. એવી આ બાઈ પ્રત્યે રહી રહીને સંવેદના પ્રગટતી, કારણ હતું પેલા હાથ પરના લોહીના ટશિયા. નળ બંધ કરી, બંને અગાશીની પાળીએ થાક ખાતી ઊભી. એણે પૂછ્યું,

“હાથમાં શું વાગ્યું?કેમ લોહી નીકળ્યાં?”

“અરે જાને દો ના જીજી. કુછ નહિ હૈ.”

“તારી કાચની બંગડીઓ ઓછી છે, આજે તૂટી ગઈ?” ટશિયાની સાથે રોજ દેખાતો બંગડીઓનો જુડો પણ નાનો લાગ્યો. અરે, એક બે જ તો હતી હાથ પર બંગડીઓ.

“હાં, મરદ કી સુનતે નહિ તો માર ખાની પડતી હૈ. વો જો કહેતે હૈ વો કરો, વરના અપની કહા ચલતી હૈ? દારુ પી કે આયા થા. રાત કો બોલા સાથ મેં સોને કો. દિન ભર કે કામ સે થકી હુઈ થી, મના કર દિયા. ફિર ક્યા થા..” વ્યથાની મારી તે કણસી. 

“કંઈ દવા લગાડી લે. આપું.” એમ કહી એ દવા લેવા નીચે ઊતરી. 

“હાં, દેના સાથ લે જાયેગી મેં.” પેલીએ પાછળથી કહ્યું.

દવા લેવા જતાં કબાટ ખોલ્યો અને વિચારે ચડી વહેલી સવારે એની ન તૂટેલી બંગડીઓ બચી ગઇ હતી અને અનિચ્છાએ બંધાયેલા સંબંધ પહેલાની બંગડીઓ કાઢી નાખવાની મીઠી આજ્ઞા…. કેટલાક દિવસો પહેલાની વાત એને યાદ આવી. ઈચ્છાપૂર્તિની ક્ષણો અને તે દિવસે કાચની બંગડીઓ નહોતી હાથ પર,  હાથ પર તો હતી સોનાની બંગડીઓ. અને શરીરસુખની ક્ષણો ના પાડવા છતાં થયેલો દુરાગ્રહ, ઝઘડો, એણે ઉપાડેલો હાથ…..બંનેની વચ્ચે એકમેકના ન હોવાની પાક્કી થતી જતી ખાતરી….. સોનાની બંગડી જાણે કેટલું સાચવતી હતી ? શું સાચવી રહી છે સોનાની બંગડીઓ? કાચની બંગડીઓ તો બટકબોલી.. સોનાની બંગડીઓ એ હાથ પર વાગ્યા છતાંયે ટશિયાં ના જન્માવ્યા. તેને થયું બાઈના હાથના લોહીના ટશિયાદેખાયા; પણ પોતાના હાથ પરના ન દેખાતા ઘાવ.. મનમાં ન ફૂટેલા લોહીના ટશિયાં… પોતાના સિવાય કોણ જાણતું હતું? એ દવા લઈ અગાશીના પગથિયાં ચડવા લાગી.

ડૉ. ચૈતાલી ઠક્કર, 

મદદનીશ પ્રાધ્યાપક (ગુજરાતી),

 આર. આર. લાલન સરકારી કૉલેજ, ભૂજ.