વાર્તા ૧. અપૈયો – મેહુલ પ્રજાપતિ

– “બાપા…” દાદાના મોટા ભાઈને જોઈને મારાથી બોલાઈ ગયું.

ત્રણ પગે ઢચુપચુ થતાં બાપા, અમથું પાછળ જોઈ, હોઠ ફફડાવતા, લગભગ ‘સિતારામ’ બોલી એની એ ચાલે ચાલવા લાગ્યાં. એમની ને મારી વચ્ચે રાશવા જેટલું પણ અંતર નહીં હોય. મને ન ઓળખ્યો હોય એવું તો ભાગ્યે જ બને. રુદ્રાક્ષની માળા જાણેકે શરીરનું અંગ ના હોય! એ રીતે હાથમાં લટકતી હતી. રાતુંચોળ ભરાવદાર શરીર ને ધોળો ઝભ્ભો ને ધોળી પાઘડી, જાણે પૂરે પૂરો હંસલો જ જોઈ લ્યો. 

– “ઓ… સીતારામ…” મેં થોડું બળ કરીને અવાજ કર્યો.

– “હેંડ હેંડ ઝટ, પસ ગાડું ઊભું ન‌ઈ રે. ઉતાવળો થા” જવાબ આપવા પુરતી ડોક વાળી બાપા ચાલતા રહ્યા.

બાપાને લગભગ આખું ગામ ‘સીતારામ’ કહીને જ બોલાવતું, જાણેકે એમનું નામ જ સીતારામ ન હોય! પણ હું તો જ્યારથી બોલતો થયો ત્યારનો બાપાને સીતારામ કહીને જ બોલાવતો, ને બાપુને ગમતું’ય ખરું. બાપુને મેં નાનપણથી જોયેલા. હોઠ અને આંખ પર નાનકડું હાસ્ય હંમેશા દીપકની જેમ પ્રગટતું. શાંત ને ગળ્યો ગળ્યો એમનો સ્વભાવ આજે પણ એવો ને એવો જ હતો. એ જ્યારે એમની બેઠક પર એટલે કે એમના ઘર આંગણે ખાટલા પર બેઠા હોય ત્યારે એમને સાંભળવાની મજા જ કંઈક અલગ હોય. આમ એમનું ઘર ખાસ્સું મોટું, પણ એ હંમેશા બહાર ઢાળિયામાં જ બેઠાં હોય. ખાટલામાં રૂની પૂણી જેવું ગોદડું ને ઓઢવા શાલ. ને ગમે ત્યારે એમની પાસે જાઓ ગાડવાનું ઠંડું પાણી અચૂક પાવે. વાતે વાતે માળા હાથમાં લઈને પાસે ભેગા થયેલા દરેકનું ભવિષ્ય જોવે ને બેઠેલા બધાને હકારાત્મક જવાબ આપે. “તા’ર હગુ થાસે, ચંતા ના કરવી, ત’ન નોકરી મળી જાસે, ચંતા ના કરવી” ચંદુકાકા ઢાળિયા બાજુ નજર કરતા તો ત્રાસી જતા. ને અમારા ગયા પછી બાપાને ધમકાવી પણ નાખતા. પણ બાપા તો એકસો આઠ વાર માળા જપવામાં જાણે કે બધું ભૂલી જ જતા.

ઉનાળાનો તડકો સવારથી જ પોતાનો પ્રભાવ બતાવી રહ્યો હતો. ઊભેઊભા પાકને ખાક કરી મૂકતો તડકો બાપાનાં ચહેરા પર થોડો વધારે વર્તાતો હતો. ગાયોનું ધણ સીમ વટાવી ચૂક્યું હશે એવું નેળિયાની ભાત પરથી કહી શકાતું હતું. ઉનાળું પાક લેવા લોકો પરોઢીયે જ ઉમટી પડ્યાં હતાં. આ વખતે બાજરી શેઢોશેઢ પડી હતી, જાણે કે શેઢાનું માપ જ ખોવાઈ ગયું હતું.

રસ્તામાં સપાટ જોઈ બાપા થોભ્યાં. લાકડીનાં ટેકાથી નીચે બેસી પડ્યાં. આગળ પાછળ જોયું રસ્તો નિર્જન હતો. એટલે માળા કાઢીને રામ… રામ… રામ… જપવા લાગ્યાં. હું એમને જોતો ઊભો રહ્યો. એમને મૂકીને હાલતું થવું માન ખોવા જેવું હતું. છેવટે લમણો વાળી હું બાપાને જોતો રહ્યો. ને ક્યારે ગાડાખેડુ પાસે ઊભો થયો ખબર જ ના પડી.

– “ચમ સિતારામ, આજ આ વાટ… કો’ય સ?” ગાડાખેડુએ બાપાને જગ્યા આપતા ઓચિંતું પૂછી વાળ્યું. બાપાનો ચહેરો ભાળતા જ ન પૂછવાનું પૂછી નાખ્યું એવી ગમ પડતાં ગાડાખેડુએ બળદને ડચ… ડચ… ડચકારો કર્યો ને પૂંછડું દબાવ્યું તે એક પલકારો લેતા જ જાણે ત્રણેય જીવ વીસેક વર્ષ ભૂતકાળ ભમી આવ્યાં.

“એયયય સંદુડા, ઉઠ ઊભો થા. દહાડો માથે આવતા વાર ની લાગે. ને જો પે’લા આપડી મોર્ય પોચીજ્યા તો જોવા વાળી થાહે. શેઢાની મા-ફાડી નાખસે. ઉઠ ઊભો થા…” બાપાએ રાડારોળ મૂકી. પણ ચંદુ છેકથી ઢાઢો. બાપા વહેલાં ઊઠી, ગાય દોહીને ખેતરથી ઘેર આવે ત્યાં સુધી ચંદુ નસકોરાં જ બોલાવતો હોય. બાના પરલોક ગયા પછી બાપા રાત દહાડો ઓરડીવાળા ખેતરે જ ભરાયેલાં રહેતા. બસ, ખાવા-પીવા ઘેર આવાનું બાકીની બધી જરુરીયાતો તેમને ખેતરે મળી રહેતી. બસ, ક્યારેક ચંદુને બીજા ખેતરોમાં કામ કરતા કરતા મોડું થઈ જતું તો બાપા ઘેર જ રાત રોકાઈ જતાં. ને સવારે ખેતર ઉપડી જતાં.

મોચીલો વળી ચંદુ ખાટલામાં સૂતો હતો. નવી નવી પરણીને આવેલી ચંદુની બહુ મળસ્કે જ કામે વળગી પડેલી. ધીમા વાયરાની લહેરખી સાથે ઝીણો ઝીણો કલરવ ચંદુને ધૂંસો ઓઢવા મજબૂર કરતો હતો. તાજો વરસાદ ને માટીની ભીની સુગંધ પ્રસરતા ચંદુ વધારે ઘેનમાં ડૂબતો હતો.  વરસાદને બંધ પડ્યે આજ પાંચેક દિ થયા હશે ત્યાં લોકો જમીન ખેડવા ઉમટી પડ્યા હતા. બાપાએ પરોણો લ‌ઈ ચંદુના પછવાડે તાક્યો. ને ચંદુને જાણે વીજળીનો કરંટ ના લાગ્યો હોય! એમ સફાળો બેઠો થયો. 

“શું બાપા તમેય… થોડું ખાવું ને થોડું જીવવું. ના કોય ઝંઝટ કે ના કોય દખ… એવી રત રો ન બાપા” આંખો ચોળતા ચોળતા ચંદુએ નેહાકો નાખ્યો. બાપા અવાચકની જેમ તાક્તા રહ્યા. આખા શરીરે ઝણઝણાટી વ્યાપી ગ‌ઈ. જાણે આખુ આયખું પૂરું ના થ‌ઈ ગયું હોય! એમ સ્થિર મને બધું તાકતાં રહ્યા.

……

દાતણ-પાણી કરી ચંદુ ને બાપા ખેતરે આવ્યાં. બાપાએ ધીરે ધીરે ધૂંસરી-જોતર-હળ તૈયાર કર્યું. ચંદુએ બળદ લાવી ધૂંસરી મૂકી. જોતર બાંધ્યાં. બાપાએ હળ જોડી આપ્યું. બે બળદોની વચ્ચે, બે હાથે રાશ પકડીને ઊભેલા ચંદુના સ્મૃતિપટ પર એક દ્રશ્ય તાદૃશ્ય થયું. ગયા વર્ષે પાકનો વરસાદ પડેલો. ને બાપાય માંદા પડેલા. તે આખો દહાડો ઘેર જ પડ્યા પાથર્યા રહે. શેઢા પાડોશીની જમીન ખેડાઈ ગ‌ઈ છે, એ જોઈ ચંદુ ઉતાવળો થયો ને નવો નવો હળ હાંકવા મંડી પડેલો, તે આખાય શેઢાની મા-ફાડી’ન મેલ દીધેલી. ને પછી જોવા જેવું થયેલું. શેઢા પાડોશી કનિયો ને ચંદુ, રસ્તા‌ પર બે આખલા બાઝી પડે એમ શેઢા પર બાઝી પડેલા. આડોશીપાડોશીએ માંડ માંડ છોડાવી શાંત કરેલાં. પણ પછી ચંદુને જ વસમું પડેલું. શેઢા પાડોશી  કનિયો ટુકડી લ‌ઈને જ ફરતો. ચંદુને ક્ષણેક્ષણ સાવધ રહેવું પડતું. એ સમયે બાપા ચંદુને સિખામણ આપતા રહેતા:

“કજિયા કરે કોય ના મળે. ને ઠીક સે સમોવડ આપડાથી કમજોર હોય. ન‌ઈતર ન‌ઈ ઘરના ન‌ઈ ઘાટના”

આ વખતે ચંદુને સૂઝ્યું “લાવ ન બાપાને જ આપું, તે સાહડો પાડી આપે. એટલે સાહડે સાહડે હેંડાય. કોઈ ચંત્યા જ ન‌ઈ” ડચ… ડચ… બાપાએ રાશ પકડી ડચકારો કર્યો. બળદ શેઢા તરફ ચાલવા લાગ્યાં. ચંદુ ઓરડીએ જ ઊભો ઊભો જોઈ રહ્યો. બાપા બળદ સાથે, નીચે હળને જોતા ચાલતા હતાં. નવી માટીની સુગંધ વછૂટતા બાપાના જોરમાં વધારો થયો. અચાનક બળદ થોભ્યાં. બાપાથી ઊંચું જોતાંવેંત હોંઠોથી બોલાઈ ગયું: “આટલો વે’ લો શેઢો આવી ગયો?” બાપાથી રાશ મૂકાઈ ગઈ. ચંદુના આવતાવેંત ડોળા નીકળી ગયા. બળદ જાણે ભોંઠા પડ્યાં. બાપાએ ચારેય બાજુ લમણો ભમાવ્યો. ખેતર અધુરું અધુરું લાગતું હતું. શેઢા પાડોશી કનિયાએ રાતોરાત શેઢાને મૂળસોત ઉખેડીને ચાર ડગ આ બાજુ હડકાયા બાવળનાં ‌‌ડાળાં ખોસી દીધેલા હતા.

“બાપા… હું એના પગ ના ભાગું તો’હુંધી મન કળ ની પડે” બોલી ચંદુ લાંબી ડગે ઉપડ્યો.

“ઊભો રે એએએ… તાર અમન હખથી જીવવા દેવા સ! સોકરા હજી નોના સ. શેર મ ભણ સ. કજિયા કરે વાત ના પતે!”

“તો શું આલી દેવાનું બધું? થોડે થોડે બધું લ‌ઈ લેશે એર્યા! કોય ના થાય તો છેવટ ફરિયાદ આલી દ‌ઈએ!”

“ઈ કાયદાની આંટીઘૂંટી આપડન ન ફાવે. આપડે મનના ભોળા ને હાથના સો…ખા! મારો ધણી કરે એ ઠીક. તું રેવાદે.” 

બાપા જાણે મનોમન જગતના ઘણીથી વાતો ના કરતાં હોય! એ રીતે બબડવા લાગ્યાં. ને પછી બોલ્યાં:

“હોભળ સંદુડા. આજની ઘડી ને કાલનો દિ’ હું સેરત’મ ત્યારે પગ મેલીશ જ્યાર મારો રામોબાપો એને ઉકલાવી ન દે!”

“પણ… બા…પા” ચંદુએ નિસાસો નાખ્યો.

શેઢો વટાવી ગામ તરફ જતા બાપા બોલ્યાં “મારે અપૈયો તોડવો પડ એવું કોય કરતો ના. જેટલું સ એટલામાં રળ. હવે તો રામોઘણી કરે એ સ‌ઈ!”

વીસેક વર્ષ વીતી ગયેલા. કપાસ, એરંડા, રાઈડો, અડદ, ઘ‌ઉં એવું એવું બીજું ઘણું વાવ્યું પણ બાપાયે અમથુંય આ બાજુ ડોકું ન કર્યું. ને આજ બાપા આ બાજુ! પાડોશીએ જમીન પાછી આપી દીધી? મારા ચિત્તમાં એક અઘરો પ્રશ્ન વ્યાપી રહ્યો. બાપાનાં ખેતરથી અમારું ખેતર સાવ નજીક. બેઠા બેઠા પણ જોઈ શકાય કે અંદર કોણ શું કરી રહ્યું છે. ગાડું કાચબાની ગતીએ ચાલતું ચાલતું ખેતર પહોંચવા આવ્યું. અમારી ઓરડી દેખાતા ગાડાખેડુએ ગાડું ઊભું રાખ્યું. હું નીચે ઉતરી ઓરડી તરફ ચાલતો થયો. પણ મારું મન-હ્દય ગાડાંમાં ચોંટેલું હતા. થોડો દૂર જ‌ઈ મેં પાછળ ડોકું ભમાવ્યુ તો બાપા ધીમી ગતિએ મારી પાછળ આવતા હતા. મેં એમનો સંગાથ કરી પૂછ્યું.

– “બાપા… સેતર નથ જવું?”

– “અહં”

– “પ…ણ આવી રત તો આખુ આયખુય જતુ રે શે” 

– “હવ આપડા હાથની વાત નથ. આ તો ઠીક સ મેં અપૈયો લીધો, નકર કરમ મથી થોડું કોઈ લ‌ઈ જવાનું?”

અમારું ખેતર આવ્યું. ઓરડી આવી. મેં ખાટલો ઢાળ્યો ને ઓરડીમાં પાણી લેવા ગયો. મેં છૂપાઈને બહાર જોયું તો બાપા ખાટલા ઉપર બેઠાં હતાં. એમણે એમના ખેતર તરફ નજર કરી. નજર જાણે ચોંટી ના ગઈ હોય! તેમ સમડીની જેમ જોઈ રહ્યાં. મેં એમની આંખોનાં પાંપણ તળે નજર કરી. જાણે કેટકેટલા વર્ષો જૂનો ખાર બાઝી ગયો હતો!

– મેહુલ પ્રજાપતિ

ગામ: ભલાણા, તા. હારીજ

જિ. પાટણ, પિન.૩૮૪૨૫૫

મો. ૯૫૩૭૮૯૭૭૯૫