બીજા ધોરણમાં આવી ત્યારે નિરાલી મારી ખાસ બહેનપણી બની ગઈ હતી.એ મારું દફતર લઈ મને એની જ બાજુમાં શિક્ષકના ટેબલની બરાબર સામે જ બેસવા આગ્રહ કરતી.હું બીજા દિવસે વળી પાછી સૌથી છેલ્લે જ મારું દફતર મૂકીને પ્રાર્થનામાં જતી. (છેલ્લે બેસનાર છોકરું કાંકરા ખાય ત્યારે તેનો અવાજ શિક્ષક સુધી ન પહોંચતો) નિરાલી રોજ મારા દફતર સહિત મને ખેંચી જતી. દફતર એટલે મારી ગુલાબી રંગ અને ચોરસ આકારમાં સફેદ દોરા વડે સીવાયેલી ખાસ્સી મોટી અને ટકાઉ એક સ્વજન સમ ‘થે…..લી.’ નિશાળમાં રજા પડે એટલે મોટા સાહેબ (આચાર્ય) હાથમાં મોટી ફૂટપટ્ટી લઈ દરવાજામાં ઉભા રહી અમને બધાને સીધી લાઈનમાં ચાલવા ફરજ પાડતા.હું જ્યારે મારી થેલી એટલે કે દફતર લઈને નીકળું ત્યારે એમની આંખો થોડીવાર મારી થેલીનો પીછો કરતી.મને મોટા સાહેબના હાથમાં રહેલી મોટી ફૂટપટ્ટી અને મારી થેલી ભાઈ બહેન હોય તેવું લાગતું.હું જ્યારે એ લાઈનમાં જોતી ત્યારે કેટલાંકના હાથમાં પેટડી લટકતી હોય. એકવાર મને પણ મારી થેલી પેટડી જેમ હાથમાં લટકાવવાનું મન થયું અને મેં એમ કર્યું; ત્યારે મારી થેલી જમીન પર ઘૂંટણ ભેર થઈ અને પછી તો આળોટવાની જિદ્દ લઈ બેઠી!!! દાદાએ જ્યારે મને પહેલીવાર થેલી બનાવીને આપી હતી ત્યારે મારાં જમણાં હાથના ખભે લટકાવી હતી. એ યાદ આવતાંજ મેં તેને ઊંચકી ઉપર લઈ લીધી. કેટલાંકના બંન્ને ખભાને આવરી લેતું દફતર લટકતું અને જેમની પાસે આ બેમાંથી એકેય ન હોય તેઓ મારી જેમ થેલી લઈને આવતાં. એ બધાંની થેલીઓ નાની હોય મોટાભાગે એક જ રંગ કે ભાતની હોય. ગોળાકારે સિવાયેલી એ થેલીઓની કોરે ઝુલ ઝૂલતી હોય. મારી થેલી એ બધી થેલીઓ કરતાં એના રંગ આકાર અને વારંવાર નવાં નવાં મરાતા થીંગડાને કારણે જુદી પડી જતી.વળી,મારી થેલી તો મને મૂકીને પ્રવાસે પણ ઉપડી જતી.
હું બહાર નીકળતી ત્યારે ઘણી વાર રમુકાકી(રમીલા કાકી) રીસામણે જવા એમના પિયરની વાટે જતી બસમાં ચડવા નિશાળના ઓટલે બેઠાં મારી રાહ જોતાં.મારી નિશાળની બરાબર બાજુમાં જ બસ સ્ટેન્ડ હતું.મને જોતાંવેંત ઉભા થઈ મારા ખભેથી થેલી લઈ એમાંના કાંકરા (સ્લેટ પેન), પાટી, ફૂલપાંદડી અને એક નોટ બુક મારા હાથમાં મૂકી પોતાની પોટલી તેમાં ઠલવતાં. મારા ખભે હાથ મૂકી કહેતા; ‘કાલ્ય આવીને આપી દશ્ય હો ઢબલી. ઝટ ઘરે જા, દાદા પાલ્યતાણા જાય સે.’ ઘરે આવું ત્યારે દાદા વણવાનું કામ કરતા હોય..રમુકાકીનો કીમિયો મને ત્યારે સમજાતો નહી.
એક દિવસનું કહીને ગયેલા રમુકાકીના રિસામણા ઓછામાં ઓછાં ૧૦-૧૫ દિવસે જ પૂરાં થતાં. નિશાળેથી પાછી ફરું અને દાદા થેલી ન જોતાં એટલે મનોમન કંઇક સમજી જતાં. રમુકાકી અને અમારા ઘરની ઓસરીને જોડતાં બારી વગરના જાળીયામાં માથું નમાવી દાદા હીરાકાકાના નામની બૂમ પાડતાં.હીરાકાકા ખાટલામાંથી કૂદકો મારી ઉભાં થઈ જતા.દાદા પૂછતાં ; ‘આ રમુ પાસા રિહામણે ગ્યા?’ હીરાકાકા ચૂપ રહેતાં. દાદા પણ ચૂપ થઈને પાછા વળી વણવા લાગતાં.મન સાથે વાતો કરતા હોય એમ એમના હોંઠ અને માથું થોડી થોડી વારે હલતાં.મને કંઈ સમજાતું નહીં.
રમુકાકી પાછા આવતાં જ મારી થેલી પાછી આવતી.એમના પિયરની ધૂળ અને મેલની નિશાનીઓ સાથે લાવતી.દાદી હળવેકથી બોલતાં; ‘ આ બાઈમા અટલુય મીઠું બળ્યું નથ કે થેલી ધોઈને અપાય.’ તે દિવસે મારી થેલી તગારામાં પાઉડરના પાણીમાં ગુંગળાતી બીજા દિવસની રાહ જોતી. બીજા દિવસે એ દોરીએ લટકતી હોય ત્યારે હું નિશાળે જતી જતી તેના નીતરતાં પાણીના ટીપાં જોતી. હું શાળાએ હોઉં ને મારી થેલી દોરીએ લટકતી હોય ત્યારે અમે બંન્ને ઘડીભર જગ્યાની અદલા-બદલી કરી લેતાં. હું નિશાળેથી આવું ત્યારે સુકાઈ ગયેલા કપડાં ઓસરીની દોરીએ આવી ગયા હોય.જેમાંથી દાદા કોઈ ફાટેલ કપડાં સાંધતા હોય….
એ રીતે મારી થેલીનો પણ વારો આવતો. દાદા મારી થેલીનું રીપેરીંગનું કામ કરતા ત્યારે હું બાજુમાં ઉભડક બેસી જોયા કરતી.સફેદ દોરાથી સિવાયેલી થેલી જ્યાં જ્યાં ફાટી હોય ત્યાં દાદા સફેદ સિવાયના કોઈપણ દોરે સાંધા મારતા.કોઈક જગ્યાએ જગતું ઉમાડીયું અડ્યાના કે બસના પતરાંમાં ઘસાવાના નિશાન બનતા. ત્યાં દાદા અંદરની બાજુએ એક હાથ મૂકી કોઈપણ રંગનું થીંગડું લગાવી દેતાં.ઉપરની બાજુ ચોરસ આકારમાં નાના નાના ટેભા ચિતરાઈ જતા.બરાબર વચ્ચે દાદા એક ગોળાકાર રચી દેતાં અને ફરતે દોરાના નાનાં મોટા ટેભાંની હાર કરી સૂર્યનું જ ચિત્ર ખડું કરતા.રમુકાકીના દરેક રીસામણે મારી થેલીમાં બે નવાં રંગના સૂર્ય અને કિરણો ઉમેરાતાં. રંગબેરંગી સુરજોની એકમાત્ર માલિક થેલી મારી સાથે પહેલાં ધોરણથી ખાસ્સા ચાર ધોરણ સુધી રહી. બીજા ધોરણમાં આવી ત્યારે દાદાએ અંદરની બાજુ એક કપડું મૂકી ખાનું કરી દીધું હતું. તેમાં હું કાંકરા,એક રૂમાલ અને દાદાની આંખના ટીપાંની ખાલી થયેલી બાટલી ( પાણી ભરી પાટી સાફ કરવા) રાખતી. ત્રીજા ધોરણમાં આવી ત્યારે દાદાએ સુરતથી આવેલા એક મોટ્ટા થેલામાંથી કાઢેલી કાળી ચેન મારી થેલીને લગાવી દીધી હતી. ચોથા ધોરણમાં આવતાં સુધીમાં મારી થેલી આ સૃષ્ટિની એક અદ્ભુત રમણીય ચીજ બની ગઈ હતી.
ચોથા ધોરણમાં હતી ત્યારે એકવાર રમુકાકી એમની નિયત જગ્યાએ બેઠાં હતાં. એ વખતે એમનો મારી કરતાંય નાનો છોકરો મયલો(મયુર) હાથમાં કુલ્ફી લઈ ખાતો બેઠો હતો. મને જોતાંવેંત એણે આખી કુલ્ફી પર જીભ ફેરવી.જેવી હું બહાર નીકળી કે તુરંત રમુકાકીએ એમના નિત્ય ક્રમ મુજબ જ મારા ખભેથી થેલી લઈને તેમાં એની પોટલી ઠાલવી દીધી. ત્યાંજ બસ સ્ટેન્ડમાં એમના પિયરની વાટે જતી બસ આવી.એક ઝપાટે એ ઊભા થઈ ભરથાને કેડમાં ખોસી મારી થેલી (જે હવે એમના કબ્જામાં હતી) માથે મૂકી બસમાં ચઢવા ચાલવા લાગ્યાં. હું એમને પાછળથી એકધારી જોઇ રહી હતી. તેમણે બસના પગથિયે પગ મૂકતા મૂકતા કહ્યું હતું. `તારા કાકાને કય દેજે ક હવ હું પાશી નય આવું. ખોટો ધોડે નય મારી વાંહે.’ મને ફડકો પેસ્યો; રમુકાકી નહીં આવે એટલે કે મારી થેલી પણ નહીં જ આવે ને!!! બસ ઉપડી ત્યારે મયલાએ બસની બારીમાંથી મારી સામું મોટ્ટો જીભડો કાઢી જમણાં હાથનો અંગૂઠો ઊંચો નીચો કર્યો હતો.
રમુકાકીનું રિસામણું પૂરું થવાનું નામ ન’તું લેતું. હું દાદાને વાંરવાર પૂછ્યા કરતી;’ દાદા રમૂકાકી ક્યારે આવશે? દાદા જવાબ આપવાને બદલે હોંઠ ફફડાવતા વણતા રહેતાં.એક દિવસ સાંજે હીરાકાકા દાદા પાસે બેસી રમુકાકીને ફારગતી આપવાનું કહેતાં હતાં.મને થતું એ પહેલાં રમુકાકી એકવાર અહીં આવી જાય તો સારું. ત્યાંજ દાદા બોલ્યા હતાં:’ બેહ્ય બેહય સાનોમાનો ઇમ બાયું રિહામણ જાય ન આપડ ફારગત્યું આપી દેવાની? તું કામનો થા કાલ્ય હવાર્ આવી જાણ્યન’ હું બીજા દિવસની આતુરતાપૂર્વક રાહ જોયા કરતી.પણ કાકી તો ઠીક કાકીનો કાગળેય ન આવતો. મહિના પછી હીરાકાકા સુરત જતા રહ્યા હતાં.બીજે મહિને હીરાકાકાએ દાદાને કાગળ લખ્યો હતો.રમુકાકી ભરથાને લઈ હાથસણીથી બારોબાર જ સુરત ભેગાં થઈ ગયા હતાં….
મારી થેલીને હું દિવસો સુધી યાદ કરતી રહેતી…પણ ન તો રમુકાકી પાછા આવતા કે ન તો મારી થેલીની કોઈ ખબર …………….થેલીની સ્મૃતિ મને રહી રહીને તાજી થયા કરતી…..
વર્ષો પર વર્ષો વીત્યા.બરાબર દસ વર્ષે રમુકાકી એક મોટી ટ્રોલી બેગ લઈ સુરતથી સીધા જ અમારા ભાવનગર વાળા ઘરે ઉતર્યા હતાં. એમનો મયલો હવે જીભડા કાઢવાને બદલે મને દીદી કહી બોલાવતો હતો.રમુકાકી આવતાંવેંત મમ્મી સાથે વાતે વળગ્યા હતાં. એમની એકે એક વાતમાં સુખહાસ્ય ટપકતું હતું.દસ વરસ પહેલાના દિવસો સંભારી ઈશ્વરને હાથ જોડતા હતાં. સુખની વાતો કરવાનો જાણે થાક લાગ્યો હોય તેમ એમણે કમ્મર પર રહેલો રૂમાલ મોં ઉપર ફેરવ્યો. ગુલાબી રંગના એ રૂમાલમાં ભાત-ભાતના ફૂલોની રેખાઓ ઉપસેલી હતી. એ રૂમાલે મને તેના તરફ ખેંચી. હું રમુકાકીની બાજુમાં બેઠી.થોડીવાર પછી એમણે મારા વાંસામાં ધબ્બો મારી મમ્મીને સંબોધીને કહ્યું હતું; બેન! ઢબલીય મોટી થઈ ગઈ કાં? ઇની નિહાળ્યની ઠેલી લઈન જ હું માવતરે જાતી. પછી મારી સામે જોઈ કહ્યું;’પશી તો ઢબલી તારી ઇ ઠેલી લઈને જ મયલો નિહાળે જાતો. કાનાનો સોકરો મયલા પાહે ઠેલી હાટુ વેન કરતો.પશી મેં જ ડામશિયામાં મેલી દીધી’તી.’ રમુકાકી એટલું બોલીને અટકી ગયાં.મને થયું પૂછું; ‘પછી શું થયું કાકી?’ પણ આટલાં વર્ષે હવે એ થીંગડાવાળી થેલીની પૂછપરછ કરું તો રમુકાકીને કેવું લાગે.એ વિચારે અટકી ગઈ.જતાં જતાં રમુકાકી એક નવો નક્કોર માથે બાંધવાનો સુરતી ગુલાબી રંગનો પણ અનેક રંગોના ચોકઠાં ઉપસાવતો રૂમાલ મને આપતા આપતા કહેતાં હતા; `ઢબલી આ લે! તારી થેલી કરતાંય હારો સે. શ્યાળામાં માથે બાંધજે. જરીયેય ટાઢય નય લાગે.’ મારા બંન્ને હાથમાં રૂમાલ ફેલાઈ ગયો હતો. દસ વર્ષ વીત્યે સોય દોરાં વડે હાથથી મરાતાં થીંગડા હવે મશીનમાંથી જ છપાઈને આવતાં હતાં.