વાર્તા : તું હી… તું હી… – રાજેશ્વરી પટેલ

દૂર દૂરથી આવતું કોઈ નાનકડું બાળકજાણે ભાખર-ભરિયા ભરતું પોતાના ખોળામાં આવી લપાઈ જવાનું હોય, એમ રાહ જોઈ જોઈને અંતિમ શ્વાસમાં મોડી રાતે એની આંખો બિડાવા લાગી. અડધી લાજ કાઢીને, ટાઢમાં ટૂંટિયું વળીને બેઠેલા પડછાયા ફાનસને અજવાળે ઊભા થયા અને ધીરેથી એની પથારી ખાટલામાંથી ગાર લીંપેલી જમીન પર લીધી. કોડિયામાં ઘીનો દીવો કરી બાજુમાં મુક્યો. ખાટલાના પાયા પાસે બેઠેલી બિલાડી ધીમા બવકારા કરી એની પાસે લપાઈ જવા જતી, પણ અડધી લાજ કાઢેલા પડછાયા એને સિસકારી ચૂપ કરાવી દેતા.

દીકરા-દીકરીની કે કોઈનીય રાહ ક્યાં જોવાની હતી? એક બિલાડી સિવાય કોઈની સાથે વાત કરવાનું એને ક્યારેય ગમ્યું જ નહોતું. સૂરજ નિકળ્યો ન નિકળ્યો ત્યાં ઘરમાંથી એની નનામી નિકળી. સફેદ ફાળિયા એક સાથે રામ નામ સત્ય છે… રામ નામ સત્ય છે… કરતા દક્ષિણ દિશાની જાત્રાએ ચાલતા થયા છે. વરસો પછી એ ગામતરે હાલી, પણ ગામતરું લાંબુ ખેડું. એના મોઢામાંથી ક્યારેક કોઈ શબ્દ સંભળાયો હોય તો એ એક જ હતો – ‘હે રામ… હે મારા રામ…’ બાકી એની મૌન આંખો કાં તો દૂર દૂર જોઈ રહેતી ને કાં બિલાડીને પંપાળતા પંપાળતા વહેવા લાગતી.

વરસો પહેલા એ પરણીને આ ગામમાં આવી હતી. રામજી મંદિરથી તળાવ જતા રસ્તે મેડીવાળા ઘરમાં એના ઓખણા-પોખણા થયેલા. ઢોલની દાંડી, નણદુંના ફટાણા, સાડલાના છેડાની ભાત કે એના મોઢામાં સાસુએ મુકેલી ગોળની કાંકરીનો સવાદ બધું પડતું મુકી, પોતાની સાથેઆવેલા એક બિલાડીના બચ્ચાને એ ઘડિયે ઘડિયે જોયા કરતી. એની નજરમાંથી એ બચ્ચું ઓજલ થાય તો એનો શ્વાસ ઊંચો થઈ જતો. એને આમ જોઈ જેઠાણી બોલીય ખરી કે,‘પટલાણી છો તે ગાયું-ભેંહુ ને વાછરડા રમાડ. આ બલાડાને શું પાળ્યું છે બઈ?’

એવું નહોતું કે એ ગભરું ગાય જેવી હતી તે સાસુ, જેઠાણી કે નણદુંને સામા જવાબ નો આપી હકે. પણ હવે ઈનો જીવ જાણે જગતમાંથી ઊઠી ગયો હતો. મૌનના ઘેરા વાદળ ઓઢીને એણે ઘરના કામમાં જાતને પરોવી દીધી. વર તો ભગત માણહ. રોજ રાતે ભજનની ધૂણી ધખાવતો ને કોઈ ઘેરો કેફ ચડે એવું ગાતો-

“હે રામ… રામ… તુંહી તુંહી…

મારા ભવસાગરનો નાવિક રામ તુંહી તું હી…

મારા બાળપણાનો હિંડોળો રામ તુંહી તુંહી…

હે રામ… રામ… તુંહી તુંહી…”

તુંહી… તુંહી…ના ઘેરા કેફીરાગમાં રાત ઘૂંટાતી રહેતી. ને વહેલી પરોઢે ગિરધર રામાયણના પાઠ કરતો ને પછી ખેતરે હળ હાંકી મૂકતો. મેડીએ પટારા ઉપર મંજીરા ને તંબુરો અને બાજુમાં ભગવા કાપડમાં વીંટાળેલી ગિરધર રામાયણ એનો આતમ-ખજાનો હતો. એનેય ખબર નહોતી કે એ વાંચતા ક્યારથી ને કેવી રીતે શીખી ગયો, પણ ઈ નાનો હતો એ વખતે આઝાદીની લડત ચાલતી. ગામનો લાખો ભરવાડ એ વખતે અંગ્રેજી છાપા વાંચતો. ઈ આખા ગામમાં એક અજાયબી હતી. શહીદ ભગતસિંહને ફાંસી આપી એના સમાચાર પણ લાખાએ વાંચી સંભળાવેલા ને એ દિ આખું ગામ હબક ખાયને સન્નાટા વચ્ચે હિબકા ભરતું એણે જોયેલું. લાખાની હારે આઝાદીની લડતમાં ઉધામા કરતા કરતા એ વાંચતા શીખી ગયો હતો. દેશની લડતમાં જોડાય એ પેલા તો ઘરની લડત માથે આવી. બાપનો છાયો ઉઠી ગયો ને નાના ભાઈબેનની જવાબદારીની લડતમાં ઝૂઝવા લાગ્યો.

ઉમાની આંખોમાં ઘર કરી ગયેલી પીડા એને સમજાતી. ઘણીવાર કહેતો કે,‘હાલ એને આયા લઈ આવીએ. સાત ભાઈબેન મોટા કર્યા. માને સાચવી છે હવે એક છોકરું મને ભારે નૈ પડે. તારી પાસે રહેશે તો એનેય દુઃખ નૈ પડે. ન્યા હવે ઈનું કોણ છે?’ મોટી મોટી આંખોમાંથી વહેતા પાણી લૂંછતા એ નકારમાં માથું હલાવતી ને બિલાડીને પંપાળવા લાગતી.

કેશવને પરણી ઈ પેલા દસ-બાર વરસની પણ નહોતી થઈ ત્યારે એનું કન્યાદાન થઈ ગયેલું. લગન વખતે એની ઝાંઝરી ખખડે ને એનો વરરાજો એના પગની સામે જોઈ રહે. બધા હસે ને એની સાસુ ભોળુડા બાળારાજાના દુઃખણા લે. રતનપરવાળા ફઈબાએ જ સંબંધ કરાવેલો. ચૌદ-પંદર વરસે એને સાસરિયે મોકલી. લાલ ચૂંદડી ઓઢીને ગાડામાંથી ઉતરી ત્યારે પણ એના વરની નજર તો એના ખમ્મકતા ઝાંઝરમાં જ પરોવાયેલી રહેતી.

ઘરમાં એના ઝાંઝરનું આઠેય પોર સંગીત રેલાતું. સાસુ સસરાની હાજરીમાં ઝાંઝર ઝરણા બની ધીમો નિનાદ છેડતા, ઢળતી રાતોમાં મલ્હાર ઘેરાતો અને ખેતરમાં અલ્લડ મસ્તીએ ચડી જાય તો ભૈરવી સાથે એના હાસ્યની સંગત ભળી જતી. ઝાંઝરના હુકમને વશ પતિ એનો પડછાયો બનીને જીવતો. જેઠાણી એને વહુઘેલો કહીને ચીડવતી ને સાસુ છણકો કરીને મનની માલીપા હસતી. તોફાન મસ્તીમાં ઝણઝણતા ને રણઝણતા ઝાંઝરના સૂરમાં સમય જતા તો એક ઠેરાવ આવ્યો. ગામને પાદર વહી જતી ઘેલો નદીના કલકલ વહેણ એના ઝાંઝરમાં નીતરવા લાગ્યા.

‘દીકરો આવે તો કેડમાં કંદોરો કરાવીશ ને એમાં ઘુઘરી ટંકાવશું ને દીકરી આવશે તો તો તારા જેવી જ નાનકડી ઝાંઝરી કરાવીશ, એટલે તારા ઝાંઝરના મંજીરાની પાછળ પાછળ બીજા નાના નાના કલબલિયા વાગતા હોય એવું લાગશે.’ -એમ કહી એનો વર એની આંખોમાં જોઈને હસતો.સાતમો મહિનો બેસતા પિયરિયા આવ્યાં, મીઠડા ગીતડા વચ્ચે ખોળો ભરાયો, લીલા પાથરણે પગલાં પડાવ્યાં, પૈસો ને સોપારી એને પગલે પગલે મૂક્યા ને તેડી ગયા. એના વરનું મન તો એના ઝાંઝર હારે જ વળગી રહેલું. આંખો તો જાણે વિનવણી જ કરતી કે ઉમા બાળકને લઈ ઝટ પાછી આવજે.પતિનું ઓસિયાળું મોં જોઈ ઉમાને મનમાં ને મનમાં હસવુંય આવતું. એના વરનું ચાલે તો એય સાથે આવી જાય એવો છે.બળદના ડોકે બાંધેલી ઘંટડીના રણકારે ગામ ને સીમ વટાવતા ગાડામાં બેસીને ઉમા પિયરિયે આવી. દિવસો જાતા બાળકી જન્મી. મનમાં ને મનમાં એના વરને કહેતી કે,‘લ્યો કરાવો હવે ઝાંઝરી.’

પણ હજી તો બાળકીની છઠ્ઠી મૂકે ઈ પહેલા તો સમાચાર આવ્યા કે,‘કાળોકેર થઈ ગ્યો. ઉમાના વરને ખેતરે એરુ આભડી ગ્યો છે. ન્યાં ને ન્યાં જ પ્રાણપંખેરું ઉડી ગ્યા. ઈની સાસુ તો જે રોવે છે કે કોઈની હાથ ઝાલી નથી રહેતી.’ ઉમાના કાનને તો વાતમાં વિશ્વાસ જ નો બેઠો. સૂવાવડા ખાટલે દિ-રાત દિકરીને ખોળામાં લઈ હિબકા ભરતી ઉમાને સમજાવતા સમજાવતા એની મા હજારવાર રડી પડી હશે.

બાળવિધવા ને ખોળામાં બાળકી, શું કરવું ને શું નહીં. કોઈને સૂઝ નહોતી પડતી. દિવસો જતા એની સાસુ જ હિંમત ભેગી કરીને આવી ને એટલું કહેતી ગઈ કે,‘જીવનમાં આગળ જોવાનું બાપ, દીકરીને હું મોટી કરી દઈશ.’ ઉમાના કાળજે ઈ દિ એવી ફાળ પડી કે એક ઘડી દિકરીને મૂકે નૈ.

ઉમા બધાને હાથ જોડી જોડીને રડતી જાય ને વિનવતી જાય પણ છેવટે એના સાસરિયા દીકરીને લેવા આવ્યા, આખું ફળિયું ચોધાર આંસુડે રોતું રોતું દિકરીને લઈને જતું રહ્યું. દીકરીને પાછી લેવા ઝઝૂમતી ઉમા બૈરાના હાથમાં ઝાલી ન રહી ને છેવટે એના કાકાએ એને પકડી રાખી. પેલા લોકોના જતા જ ડેલાની ખડકી બંધ કરી દીધી ને ડેલા પાસે જ પછડાય પડેલી ઉમા પાસે એના કાકા જ પોક મૂકી રડી પડ્યા. બધાએ એટલું જ સમજાવ્યું કે,‘રણ જેવી જીંદગી કાંઈ એમ નો નિકળે. ને તારી સાસુ બેઠી છે ને ઈ તારી દીકરીને મોટી કરશે. આજે વહમું લાગે પણ કાલ સૌ સારા વાના થશે.’દિવસ રાત એકધારા દિકરીને માટે વલખાં મારતા ઉમાના હાથ ક્યારે બિલાડીના બચ્ચાં પર વ્હાલ વરસાવવા લાગ્યા એની કોઈને ખબર જ ન રહી. 

એ દિવસોમાં દેશ આઝાદ થયાના સમાચાર બધે ફરી વળેલા. ઈની મા સમજાવતી કે,‘હવે પેલા જેવું કાંઈ નહીં રહે. સૌ સારા વાના થશે. પેલા તો વિધવાના જીવનમાં જીવવા જેવું જ નહોતું રહેતું, હવે તો લોક બદલાયું છે. ફરી લગનમાં કોઈ વાંધો ઉઠાવતું નથી ને તારી સાસુએ જ તારા બીજા લગનની વાત કરી છે ઈથી રૂડું બીજું શું હોય? તારી દિકરીનેય એ બધા ખૂબ સાચવશે. પેલાનો જમાનો તો બોવ ખરાબ હતો, બાપા.’

ઉમાનું બીજા ઘરે નક્કી થઈ ગયું. ત્યાં કેશવને આગલા ઘરની એક દીકરી હતી. બિમારીના કારણે બાઈમાણા મરી પરવારેલું, તો સમાજસુધારાના ઘોડે ચડેલા ઓધા દાદાએ જ આ ગોઠવી દીધું. ગાડામાં પાંચ માસણો આવ્યા ને તભા ગોરે બે-ચાર મંત્રો બોલી બધાના કપાળે કંકુ-ચોખા ચોડી દીધા. લાલ ચૂંદડીમાંથી સફેદ ને હવે ફરી લાલ ઓઢાડી પણ બિલાડીના બચ્ચા સિવાય ઉમાને હવે કોઈ રંગ દેખાતો નહોતો. બધાને થતું કે,‘ફરી ઘર-સંસારમાં પડશે એટલે બધું વિસરી જશે. કેશવની દીકરીમાં ઈને પોતાની દીકરી દેખાશે.’ વળાવતી વખતે ગાડામાં બેસતા પેલા ઉમાએ બચ્ચાને ભી દઈને બાથમાં ભરી લીધું.

આ બાજુ ભારત પાકિસ્તાન ભાગલા પડ્યા પણ ઉમાની નજર બિલ્લીથી ઉપર ઉઠીને આઝાદ દેશ સામે જોવા તૈયાર જ નહોતી. એનો વર બધા સમાચાર લાવતો. મૂંગે મૂંગી, બિલ્લીને પંપાળતી ઉમા સાંભળે કે ન સાંભળે પણ એની હારે વાતો કરતો રહેતો. કેશવની દીકરીને એ સાચવતી પણ એના હૃદયમાંથી વ્હાલનું વહેણ તો બિલાડીને પંપાળવામાં જ વહી જતું.

બિલાડીના બચ્ચાને લઈને ઉમા આવી હતી. બચ્ચું ક્યારે મોટું થયું, ક્યારે એનાય બચ્ચાં થયો ને આ એની કેટલામી પેઢી ઘરમાં ઉમાની પાછળ પાછળ ફરે છે? એની કોઈને ખબર જ ક્યાં છે? બિલાડીને લઈને ઘરમાં કજિયા કંકાસ કાંઈ ઓછા નહોતા થયા. પણ કોઈની વાત ઉમાના કાન સુધી જતી જ નહોતી. કેશવ બધાનું સાંભળી, સમજાવી મનાવીને વાત થાળે પાડતો.

બધાને થયું કે પોતાને પેટે ફરી સંતાન થશે એટલે પેલી દીકરીને વિસરી જશે. સમય જતા બે દીકરા થયા પણ એની આંખો તો હાથમાંથી છૂટી ગયેલા બાળોતિયાને એવી ઝંખતી કે એના વરના મનમાંય ક્યારેક દયા ફરી વળતી. એને મળવા લઈ જવાનું કહેતો, અહીંયા લઈ આવવાનું કહેતો, પણ એવું તો કેમ બને?

ઈ દિવસો જ એવા હતા. ગાડામાં બેસીને કે ચાલતા ચાલતા જ પરગામ જવાતું. ને ગામતરાય કાંઈ રોજ-રોજ થોડા થાય? વરહમાં એકાદ બે વાર સાવ સગામાં લગન-મરણ પરસંગે જ જવાનું હોય. બાકી તો પિયરમાં એકાદવાર મળવા જવાના કોડ, બીજું તો શું? પણ એને ક્યાંયજવાના અભરખા જાગતા જ નહોતા.કોઈ દિવસ એ પિયર પાછી ગઈ જ નહીં. કોઈ વાર તહેવાર, લગન, પ્રસંગ કે મરણ એ ઘરેથી ક્યાંય જાય નહીં. કેશવ એકલા હાથે સમાજના વહેવાર સંભાળે. સવારના છાણ-વાસિદા, દીવા-પૂજા, છાછના વલોણા, ટીપાતા રોટલા, ને સાંજના ફાનસના અજવાળામાં ઘરમાં ‘હે રામ… હે મારા રામ..’ને રાતે ને વહેલી પરોઢે ‘હે રામ તુંહી… તુંહી…’એટલું સંભળાયા કરે.

ગામમાં લાઇટું આવી, વાવે ઈ ખેતર પોતાના થયા, મકાનના ધણી પણ હવે તો પોતે જ કહેવાય. રામજી મંદિરે ગામની પેલી લાઇટ થઈ ને પછી તો ઘરે ઘર દીવા. પણ ઉમા સાંજ ટાણે ફાનસને અજવાળે જ રોટલા ટીપે ને બિલ્લી બાજુમાં બેઠી બવકારા કરે તો એને નાના છોકરાની જેમ વઢે ને પાછી પ્રેમથી દૂધમાં રોટલો ચોળીને ખાવાય આપે. બિલાડી એની સાથે રીસાય ને પાછી તોફેનેય ચડે.

વરસો જતા સમાચાર આવેલા કે એની દીકરીના લગન લેવાણા છે ને એને આવવું હોય તો આવે. કેશવ તો લઈ જવા તૈયાર પણ ઉમા એટલું જ બોલી કે,‘એનો બાપ તો મોટે ગામતરે ગ્યો, પણ મા જીવતી હતી તોય દીકરીને માથે કોઈ દિ હાથ નો મૂકી હકી. શું મોઢું બતાવું એને… ને એકવાર નજરું સામે એને જતી જોઈ હવે ફરી વળાવતા મારો જીવ કપાય મરશે. એનો સારો પરસંગ મારે રોય ને નથી બગાડવો.’ આગળ કશુંક બબડતા બબડતા એ બિલાડીને બાથમાં લઈ આંસુડે નવરાવતી પંપાળવા લાગતી. કેશવ એના માથે હાથ મૂકી, ખભે ફાળિયું નાખી, ખેતરે ઉપડી ગયો.કેશવને થતું કે ન્યાં દીકરી ને આયા મા બેય વલખા મારે છે પણ આ કેવો સમાજ ને કેવાં નિયમ…? માળો જ વીંખાય ગયો ને પંખી તડફડતા થઈ ગયા.

હે રામ… હે મારા રામ… નામમાં કાળ કંપતો કંપતો કપાતો ગયો. હજારવાર કીધું હશે કે એકવાર મળવા હાલ. પણ એકવાર મળવાથી શું? ને હજાર હજાર વાર મળવાથીયે શું? ગમે તે કરું તોય એને હું મારી પાસે કેમ લાવું? ઈય કેમ આવી હકે? બધું વીખાય ગયું… બધું જતું રહ્યું… ને પછી તો રહી જતો ધ્રુસકે ચડી જતો અવાજ, દૂર દૂર જોતી નજર ને બિલ્લીને પંપાળતો હાથ…

અગ્નિ સંસ્કાર આપીને પાછા આવેલા સફેદ ફાળિયા ને અડધી લાજ કાઢેલા સાડલા, રામ રામ કરતા ધીમે ધીમે વીખાયા. કેશવ ઓસરીની ધારે બેઠો. બિલાડી ને એના બચ્ચાં એની પાસે આવીને લપાવા લાગ્યા. કેશવ આંખમાં આવેલા ઝળઝળિયાં લૂંછીને એની રૂવાંટીમાં હાથ ફેરવવા લાગ્યો.તે દિ ગળતી રાતમાંબિલાડી ને એનાબચ્ચાં કેશવ ખાટલા નીચે સૂતા ને તંબુરના તારમાંથી, ભજન ધીમું ધીમું ગાતું રહ્યું – હે રામ તું હી… તું હી…

__________________

  • રાજેશ્વરી પટેલ

આસિસ્ટન્ટ પ્રોફેસર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ,

સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર – 388120

મો. 9924582851

Email: rvpatel1779@gmail.com