વાર્તા : ચચરાટ

પૂર્વી સોલંકી

વાસીદું માથે ઉપાડીને જીવી ગામની સાંકડી શેરીમાંથી એક પછી બીજું ઘર વટાવતી ગામની બહાર ખડકેલા ઉકરડા તરફ ચાલી જતી હતી. કાળારંગનું પોલકું, આછા મહેંદી રંગનો ઘેરવાળો ઘાઘરો જેમાં બે-ત્રણ જગ્યાએ થીગડાં મારેલા, મરૂન રંગની ઓઢણી જેનો એક છેડો કમરમાં ખોસેલો. ઝાંઝર વિનાના સૂના પગ, જ્યારે એ ચાલતી ત્યારે તેમાંથી ડોકિયું કરી જતા.કંદોરા વિનાની કમરને એ એની ઓઢણીથી થોડી થોડી વારે એક હાથે ઢાંકતી. એક હાથે માથે તબકડું પકડેલું, હાથમાં સફેદ અને લાલ રંગની બે બંગળીઓ પહેરેલી, એ હાથ પર કાંડા થી કોણી સુધી છુંદણાં કોતરાવેલાં હતા. ગળામાં કાળા દોરાનું માદળિયું બાંધેલું. પગમાં ચામડાની ચપાટો પહેરેલી અને ચાલે ત્યારે આવતો ટપાક, ટપાક અવાજ આવતા – જતાને સાવધ કરતો હોય એમ એ ચાલતી. મોઢા પર ખેંચાયેલાં ઘૂંઘટમાંથી તેની આંખો આસપાસ આવતાં – જતાંની આંખોને વાંચી લેતી. ઉકરડા પાસે પહોંચી તબકડું બે હાથે સહેજ ઊંચું કરીને વાસીદું જ્યાં નાખ્યું ત્યાં જ પસાએ જોરથી બૂમ પાડી.

‘એ જીવલી જરા જોઈને વાસીદું નાખતી હોય તો ? મારા ધોતિયાં પર છાંટા ઊડાડ્યાં !રસ્તા બાજુ કોઈ આવતું જતું જોતીય નથી.આ તું ધોઈ દઈશ.’ પસાનો અવાજ ઊંચો થતો જતો હતો.જીવી ચૂપ જ રહીતેણે ઓઢણીનો છેડો તેના મોઢા પર વધારે આગળ ખેંચ્યો. ઊકરડા પર ઊંધું નાખેલું તબકડું તેણે હાથમાં લીધું. જાણે એણે કાંઈ સાંભળ્યું જ ન હોય એમ પસાને લાગ્યુ.

‘હાંભળતી નહીં ? હવાર હવારમાં દા’ડો બગાડ્યો મુઈએ.’…….કહીને પસો રસ્તાની ધારે ઊભો રહ્યો. જીવીને હવે ગુસ્સો આવ્યો.તેણે તબકડું એ જ રસ્તાની ધારે જોરથી પછાડ્યું. બે ડગલાં આગળ ભર્યા ત્યાં તો પસો પાછળ ખસી ગયો.કોઈ સિંહણ તાડૂકીને જાણે હમણાં ફાડી ખાશે એવો ડર ક્ષણભર માટે પસાને લાગ્યો.

‘દા’ડો બગડે સે તો હુકોમ મારી હોમુ આઈને ઊભો રહુ છુ મૂઆ.દા’ડા બીજાનાએ બગડતા હોય છેતને જોઈને…….હવાર હવારમાં આ ઊકરડે હું વાસીંદું નાખવા આયો સ?’

પસાએ જવાબ સાંભળ્યો ત્યાં તો જાણે તેના પુરુષત્વઉપર પ્રહાર થયો હોય તેમ એ ભડક્યો. પસાએ ફરી હિંમત ભેગી કરી.‘આ ધોતિયું ધોઈ આલવાની સો તું.’ ? ‘હું કામ હું ધોઈ આલુ.તારી બાયડી ને કેજે જા.’ જીવીએ ખુન્નસભરી નજરે જોઈ કહ્યું.પસાની નજર જીવીના આખા શરીરે ફરી વળી. જીવી પસાની દાનત જાણતી હતી.‘પસા આઘો જા. મારગ દે નહીં તો?’ જીવીએ જાણે હુંકાર કર્યો. ‘નહી તો હું કરી લઈશ?’ પસાએ થૂંક ગળા નીચે ઉતારીને કહ્યું. ‘જો પસલા મારગ દે તારી હામુ મારે બાઝવું યે નથી હમજ્યો. આ ગામના પાંચ-છો સાટકા તારી આગળ-પાછળ ફરતાં હોય એટલે તુ તારી જાતને હું હમજી બેઠો સઅ.’

‘હાલ મારગ દે મને.’જીવીએ તબકડું હાથમાં લઈ સહેજ હાથ ઊંચો કર્યો ત્યાં પસો ફરી પાછો ખસી ગયો.‘મારા પર છાંટાં ઊડાડ્યા ઈનું હું?’ પસાએ થોડીક હિંમત ભેગી કરીને કહ્યું.

‘ઈ  છાંટા તો  નેહરી જાહે.તારા ખોરડે છાંટા ઊડ્યાં સે ને ઈને ધોવા મહેનત કર.જા હવે હાલતીનો થા આંયથી.’કહી જીવીએ તબકડું વીંઝ્યું. લગભગ પસાના હાથે અડી જાય એટલી નજીકથી એણે તબકડું પાછું ખેંચી લીધું.ઓઢણીમાંથી દેખાતી ઝાંખી આંખોમાં સળગાવી મુકે એવી આગ વરસતી હતી.

‘જીવલી તને ભારે પડહે? તારો ધણી નહી આલે સાથ……ખબર સે…..ને……..પસાએ જીવીની દુ:ખતી નસ દબાવી પણ જીવી એમ પાછી પડે એમ નહોતી.

          જીવી બે ડગલાં આગળ ચાલી ખેંચેલા ઘૂંઘટે પાછું વળીને જોયું.‘મારા ધણીની ચિંતાયું તારે કરવાની જરૂર નહીહમજ્યો. તારા જેવા હાળુ તો હું એકલી જ પાધરી સુ. તુ તારી બાયડી હાચવ જા.’ કહીને જીવી ઝપાટા ભેર ત્યાંથી ઘર તરફ ચાલવા માંડી.

          ફળિયામાં સૌથી નાનું, જર્જરિત અને જૂનું દેખાતું ઘર જીવીનું હતું. ઘર જેવું કાંઈ કહેવાય નહીં. ઝુંપડું જ. ઘરની ચાર દીવાલો અડધે સુધી ઈંટોથી ચણેલી અને અડધી ઉપરની બાજુ લાકડાની કટલીઓ ગોઠવેલી. તેના પર જીવીએ માટી-છાણથી લીંપણ કરેલું. શેરી જ્યાં પૂરી થવા આવે ત્યારે છેલ્લું ઘર તેનું. અંદર વળતાં માથું નમાવીને જવું પડે એટલા નીચાં દેશી નળિયાં ગોઠવેલી નાનકડી ઓસરી આવે. ત્યાં એક તરફ નાની, પાણી ભરાય એટલી જગ્યાને આજુ બાજુ કાચી દીવાલચણેલી. એક તરફ જીવીએ ગાય બાંધેલી.તેણે તેનું નામ માલતી પાડેલું. જીવી કામ કરે એમ માલતીની નજર તેના પર ફર્યા કરતી. પગથિયું ઊતરીને અંદર પ્રવેશીશકાય એટલું નીચું ઘર અને જો નમવાનું ભૂલી જવાય તો દરવાજાનો ઉપરનો ભાગ માથામાં વાગે. ઘરનો દરવાજો અંદરની તરફ ખૂલતો. દરવાજાની પાછળ જમણી તરફ ચૂલો બનાવેલો તેની પાછળ બનાવેલી ઓટલી ઘરની દીવાલ સાથે જોડાયેલી અને તેના પર નાની ચીમની પડી રહેતી. ચીમનીમાં ક્યારેક કેરોસીન હોય ક્યારેક ન પણ હોય.એ આછા અજવાળામાં, ઘૂંઘવાતા ધુમાડામાં જીવી રાંધતી. ચૂલાની સામેની બાજુ દીવાલની લગોલગ પાણિયારું અને તેનાં પર ગોઠવેલાં બે માટલાં અને તેનાં પર મૂકેલાં પિત્તળનાં બૂઝારાંથી પાણિયારું શોભતું. પાણિયારાની નીચે લાકડાંનાં બે પાટિયાં ગોઠવેલાં જેના પર પિત્તળનાં ગ્લાસ, તાંસળીઓ જેવાં વાસણો ગોઠવેલાં. જીવીએ બરાબર ઘસીને ગોઠવેલાં એ વાસણો આછા પ્રકાશમાંય એ ખૂબ ચમકતા અને એજ માત્ર જીવીના ઘરની શોભા હતા. એકબાજુ લાકડાંનો ડામચિયો ખડકેલો જેમાં તેણે હાથે સીવીને બનાવેલી ગોદડીઓ થપ્પી મારી બાંધીને મૂકેલી. ઘરમાં જમીન પર છાણ-માટીનું લીંપણ કરી ઓકળીઓ પાડેલી અને એના પર દેશી નળિયાંમાંથી ક્યાંક ક્યાંક આવતા સૂર્યપ્રકાશને લીધે જાણે આકાશના ચાંદરડાં ઊતરી આવ્યાં હોય એવી ભાત તેના પર પડતી હોય તેવું લાગતું. ઓરડીની અંદરની તરફ લાકડાં ભરવાની નાનકડી જગ્યા હતી જ્યાં ચોમાસામાં બળતણ સાચવી રખાતું. ઘરમાં એકમાત્ર મોટી કોઠી હતી જેનો ઉપયોગ લગભગ ચોમાસામાં થતો. કોઠી ભરાય એટલું અનાજ તો ક્યારેય ઘરમાં હોય જ નહીં પણ ચોમાસામાં પાણી ચૂએ ત્યારે ઘરની વસ્તૂઓ તે કોઠીમાં ભરી દેતી. નાનકડી ઓરડીમાંખૂબ વ્યવસ્થિત રીતે બધું ગોઠવાયેલું હતું. અસ્તવ્યસ્ત હતું તો એકમાત્ર જીવીનું જીવન જેમાં કાંઈ જ ગોઠવાયેલું નહોતું. જીવીના પતિના વ્યસનને કારણે આજે એના સારા ઘરમાંથી આ ઝૂંપડામાં આવવાના દિવસો આવી ચૂક્યા હતા. હજારો દુ:ખ વચ્ચે એ ઘરમાં માત્રને-માત્ર બાળકો માટે સમાધાન કરીને તે પોતાનું જીવન ચલાવી રહી હતી.

ઘર સુધી આવતાં આવતાં જીવીના ગળામાં ડૂમો ભરાયો. શેરીથી ઘર સુધી પહોંચતાં વચ્ચે એક બંધ મકાન સામે એ ઊભી રહી. બંધ મકાનના દરવાજે તાળું મારેલું હતું. આવતાં-જતાં એ ઘર જોતી ત્યારે એનું લોહી બળતું હોય એવી પીડા એને થતી. પસાને સંભળાવી તો દીધું પણ ધણી સાથ નહીં આપે એ વાત એના મનમાં ખટકી ગઈ.ઘરે પહોંચી છાણનું તબકડું એક તરફ મૂકી નળ ચાલુ કરી હાથ ધોયાં. ભીના હાથે મોઢેથી ચૂંદડી માથે ખસેડીને મોઢાં પર પાણીની છાલક મારી.આંખો બંધ કરી ત્યાં એ જ ઘરની ઓસરી, દરવાજો તેની નજર સામે આવી ગયાં. ઓઢણીથી એના ચહેરા પર છાંટેલું પાણી લૂછતી એ દરવાજાના પાછળ ચૂલાની લગોલગ જાણે પછડાઈ હોય એમ બેસી ગઈ.હજુ એજ ઘર તેની નજર સામે તરવરતું હતું.

          કોતરણી કરેલા લાકડાંના સ્તંભ ઓસરીમાં ખોડેલા હતા. બે-ત્રણ કાથીથી ગૂંથેલાં ખાટલા ત્યાં મૂકેલાં હતા. વર્ષોથી એ ઘરની સામે કોઈએ જોયું ન હોય એટલાં જાળાં લટકતાં હતાં. આખા ઘરનીઉપરની બાજુ મેડો બનાવેલો, જેમાં સાગના લાકડાંના આડા પાટિયાં ગોઠવીને તેના પર આછો કોફી રંગ કરેલો હતો. ઓસરી થોડીક નીચી હતી અને દરવાજા પર જાડું લાકડું ફીટ કરી ઊમરો બનાવેલો. પગના ઘસારાથી સાવ લીસું થઈ ગયેલું એ લાકડું કોફી રંગના પથ્થર જેવું ચમકતું હતું. અત્યારે તેના પર પડેલી ધૂળને લીધે ઝાંખો દેખાતો હતો. ઊમરાની બંને બાજુની દીવાલો. પાકી ઈંટોથી બનાવેલી.દરવાજો સાગના લાકડામાંથી બનાવેલહોવાથી ખૂબ મજબૂત અને વજનદાર હતો. તેના પર સુંદર મજાની કોતરણી અને જાડી આડી પટ્ટીઓ થોડા થોડા ભાગે લગાવેલી જેને પકડીને દરવાજો ખોલી શકાતો. બંને દરવાજાની વચ્ચોવચ બંને બાજુ લોખંડના કડા લગાવેલાં હતા. તેની નીચેની તરફ વજનદાર આગડો ફીટ કરેલો. દરવાજાની ઉપરને છેડે જાડી સાંકળ લગાવેલી જેનોનકુચો દરવાજાના ઉપરના ભાગે ફીટ કરેલો. અત્યારે સાંકળને નકુચામાં ફીટ કરીને તેનાં પર મોટું તાળું લગાવેલું હતું. એ બંધ દરવાજાની પાછળ જીવીએ પોતાનાં ઘણાં વર્ષો વીતાવ્યાં હતાં. ઘણી યાદો અને ઘણા સપનાઓ બંધ દરવાજાની પાછળ જ મૂકીને એ ચાલી નીકળી હતી. એ પ્રસંગ જીવીને યાદ આવી ગયો. આંખોમાંથી વહેતાં આંસુને એ વારંવાર ઓઢણીથી લૂછતી પણ આજે તેનું માને એમ નહોતાં ને વહ્યાં જ કરતાં હતાં……..એનો ભૂતકાળ તેનાં આંસુ સાથે જાણે બહાર આવી રહ્યો હતો!

          ‘જીવી બહાર નીકળ.હોંભળેસે કે નઈ.’કોઈએ બહારથી મોટેથી બૂમ પાડી.જીવી દોડતી ઘરમાંથી બહાર આવી.

          ‘હું થયું………કુણ રાડુ નાખે સે?’હાથમાં કાગળિયાં લઈને હામે પસાને ઊભેલો જોયો. માથે ઓઢેલી ઓઢણીને આગળ ખેંચીને બહાર ઓસરીમાં આવીને  ઊભી રહી.પસાએ કાગળિયા જીવીની સામે ધર્યા.

          ‘સેના કાગળિયા બતાવે સે……..મને.’જીવીએ ચિંતાતુર વદને પૂછ્યું. ‘તારા ઘરના કાગળિયા સે.પસાએ ઊંચા અવાજે કહ્યુ.’ જીવીને કાંઈ સમજાયુ નહી.

          ‘પસાભા હું બોલો સો.હમજાય એમ કો.’જીવીએ આજીજી કરતાં કહ્યું.

          ‘હોંભળ..તારા ધણીએ બે વરહ પહેલા બસો રૂપિયા મારી જોડેથી ઉછીના લીધા’તા. આજ આલુ કાલ આલુ કરતાં કરતાં આજે વ્યાજ ને વ્યાજનુંય વ્યાજ થયું પણ એ રૂપિયા પાછા આલતો નો’તો. એટલે તારું ઘર એણે મને લખી આલ્યુ સે.જો આ કાગળિયા ઉપર અંગૂઠો એણે જાતે કરી આલ્યો સે.’પસાએ ખુશ થતાં કહ્યું.

          ‘આ ઘર હવે મારું સે હમજી?’પસાએ તેના હાથમાંથી કાગળિયા લઈને કહ્યું. જીવી ત્યાં જ જાણે સડક થઈ ગઈ હોય એમ બધુ સાંભળી રહી. માથે આભ ફાટ્યું હોય ને પગમાંથી જમીન ખસી ગઈ હોય એટલો મોટો ધ્રાસ્કો એને હૈયે પડ્યો.

          ‘દેવું ન ભરાતું હોય તો શા હારુ માંગવા આવો સો.’પસાએ ગુસ્સાથી જીવીને કહ્યુ.પણ પસો શું બોલતો હતો તેના પર જીવીનું ધ્યાન જ નહોતું. આ ઘર સિવાય બીજુ કાંય સેય નહી. જો એ વેચાઈ જશે તો છોકરાં લઈને ક્યાં જઈશ?એ ચિંતા જીવીને થવા લાગી.

          જીવી પસાના પગમાં પડી ગઈ.હાથ જોડ્યાંને રડવા લાગી.‘પસાભા આવું ના કરો.મારું ખોરડું….. મારું ખોરડું……કહેતાં જીવીથી પોક મુકાઈ ગઈ.

          ‘પસાભા મારો ધણી રૂપિયા લઈ ગયો સે તમારી પાંહેથી એ હું જાણતીયે નહીં……..ઈ ને મને એકવારેય કીધું હોત તો હું મજુરી કરીને મારા દાગીના વેચીનેય તમારા પૈસા ચૂકતા કરી આલત.’‘ભા…..મારા પર રહેમ કરો…..મારો ધણી તો દારૂડીયો સે….મારી કે આ છોકરાંઓની ચિંતા ઈને લગીરે નહી. હું તમે આલ્યા સે ઈના કરતાં વધારે રૂપિયા તમને ચૂકવી દઈશ.’ જીવી પસાને બે હાથ જોડી કરગરતી હતી.

          ‘તું આટલા રૂપિયા ચેટલા વરહે ચૂકવી રહીશ?’પસાએ ખંધી નજરે નિહાળતા પૂછ્યું.

          ‘ત્યાં હુધી મારે મારા રૂપિયા રોકી રાખવાનાં?તારો ધણી દારૂડિયો હોય ને રૂપિયા લઈ જાય ઈમા હું શુ કરું? મારે મારા રૂપિયાથી મતલબ.રૂપિયા ચૂકવીદે તો તારું ઘર પાસુ આલું.’પસાને ખબર હતી જીવી પાસે એટલા રૂપિયા ક્યાંથી હોવાનાં?જીવી હજુ હાથ જોડી રહી’તી.‘ભા મારા નાના-નાના છોકરાં……. ભા મારા છોકરાંને હું ક્યાં…??’જીવીથી આગળ ન બોલાયું.

          ‘એહું ના જાણું.’પસાએ ઠાવકાઈથી જવાબ આપ્યો. ‘આવો જુલમ ન કરો બાપ……આવો જુલમ ન કરો…….હું ક્યાં જઈશ?’જીવીએ જોડેલાં હાથ એના કપાળે અડાડી પોતાના જ ઘરની ભીખ માંગી…….પણ પસાને સહેજેય દયા ન આવી.

          ‘હાલ…..હવે તારું સંધુય લઈને નેહરી જા હવે. આ ઘર મારું સે હવે.’‘મારું સંધુય આ એક ખોરડુ જ સે…….ઈ તો તમે લખી લીધું……. હવે હું લઈ જાઉં?’ જીવી ધીમેથી બોલી.

          જીવી ત્યાં જ ઢગલો થઈને બેસી ગઈ. એના છોકરાં એને વીંટળાઈ વળ્યાં. એની માના આંસુ લૂછતાં તે બોલતા’તા:‘માડી ના રડીશ……માડી ના રડીશ.’એ બાળકોને એમનાં માથે છત નથી રહી એવી કલ્પનાય નહોતી. શિવો બધા ભાઈ-બહેનોમાં સૌથી મોટો હતો. એ બધું સાંભળતો હતો. હવે આ ઘર અમારું રહ્યું નથી, એવી થોડી ખબર એને પડી ગઈ હતી.

          ‘નીકળ હવે, તારો વસ્તાર લઈને.’પસાએ તોછડાઈથી કહ્યુ. જીવી ત્યાં જ બેસીને રડતી રહી.

          થોડી વાર પસો ચૂપચાપ ઊભો રહ્યો. પછી જીવી સામે ઊભડક પગે બેઠો. જીવીના ખભે હાથ મૂક્યો ને બોલ્યો: ‘જીવી તારું ખોરડું તને પાછું લખી આલીશ. ને તને જે જોઈએ ઈ આલીશ. તારા છોકરાં નહી રઝડે કે ના તારે મજૂરી કરવાયે જવું પડહે.તારા છોકરાં ભૂખ્યાએ નહી રહેપણ….’જીવીએ છલકાતી આંખે પસા સામે જોયું. પસાએ જીવીનો ખભો દબાવ્યો. જીવી પસાની દાનત સમજી ગઈ. તેની આંખોમાં દેખાતી વાસના જીવી પારખી ગઈ.

          ‘મારા ખોરડાનો સોદો તું મારી આબરૂ હાથે કરવા બેઠો સ. મારુ ખોરડું ગરીબ સે પસા. મારુ ખાનદાન નહી હમજ્યો ને? હવે કદીયે મારી હામૂ આ દાનત લઈને આવ્યો તો તારા ગળા પર દાતેડું વીંઝી નાખતાં વાર નહી કરુંકઈ દઉં સું.’જીવીએ વીંધી નાખતી નજરે હુંકાર કર્યો.

          ‘તને કગરી ઈનો મતલબ તેં આવો કાઢ્યો?’ આટલુ બધું હલકું વિચાર્યું તેં.સાલા ભિખારી.કોઈની મજબૂરીનો લાભ લેવા વાળા તારી દાનત ખરાબ સે. કોઈનું લૂંટી લેવાથી પૈસાવાળા નઈ થઈ જવાતુંએવી ખબર ક્યારે પડશે? હવે કદી તારું આ ડાચું લઈને મારી હામ્મુ આયો તો જોઈ લેજે પછી તારી જાતને ઓળખી ના હકાય એવો ના કરી મેલું તો મારું નામ જીવલી નઇ.’

          પસાને હવે જીવીથી બીક લાગવા માંડી’તી. જીવીના માથે ક્રોધ સવાર હતો. ક્યાંક હાચે જ દાતેડું ગળા પર મેલી દે’હે તો? એ વિચારે પસાનો જીવ ગભરાયો. તેની આંખોમાં હેવાનિયતને બદલે હવે ડર હતો. ઘડી પહેલા બે હાથ જોડીને કરગરતી જીવી જાણે રણચંડી બની ગઈ હોય એમ પસાની સામે બોલી રહી હતી:‘મારા ઘરને તાળુ મારનારા તારા ઘરનેય તાળુ વાગશે! મારીને મારા છોકરાંઓની આંતેડી બાળી તુ કદી સુખી નહી થા એ યાદ રાખજે.’

          ‘તું મને મારા ઘરમાંથી બહાર કાઢી રહ્યો સ પણ યાદ રાખજે તારા ખોરડામાં રહેવાવાળું કોઈ નહીં હોય. મારો જીવ કકળે સે આજે.મારાં છોકરાં રઝળે સે આજે.પણ જો આ ખોરડાંને મારુ માની આ ઘર અને આ વરને વફાદારીથી રહી હોઉં તો તું આ ઘરમાં રહી જોજે! તારા ખોરડાં જ વધશે. તારા કુળનું સત્યાનાશ જહે . આ ખોરડાં તારાં કાંઈ કામના નહી રહે. તુ ભૂતની જેમ એકલો ભટકીશ તારાં ભેગા કરેલાં ખોરડાંઓમાં.આજે તું તાળું મારીશ મારા ખોરડે પણ તું યાદ રાખજે અહીં હમેશ તાળું જ વાગેલું રહેશે.જા આ એક મા નો શાપ છે તને.તુ કદીય સૂખ નહી ભાળું.’જીવીએ ગુસ્સામાં આવીને કહ્યું.

          શિવો ખૂણામાં ઊભો રહીને તેની મા સાથે શું થઈ રહ્યું છે એ બધું જ જોઈ રહ્યો હતો પણ વચ્ચે પડીને પસાનો સામનો કરે એટલી હિંમત નહોતી એનામાં. પણ એક નાનકડી આગ એની અંદર સળગી ચૂકી હતી. એ નાનકડાં છોકરાનાહ્યદયમાં પસાને ત્યાં જ જીવતા સળગાવી દેવાની દાઝ શિવાની અંદર સળગવા માંડી હતી.

          બારણાં પાછળ બેસીને જીવીએ ચૂલામાં લાકડાં ગોઠવીને દેગડીમાં મૂકેલું પાણી ગરમ કરવા મૂક્યું. સળગતી આગ સામે એ જોઈ રહી. ત્યાં તો શિવાએ બૂમ પાડી: ‘મા……ઓ મા……….જીવી સફાળી બહાર આવી.

          ‘હું થયું ? ચમ રાડ્યું નાખે સે?’ જીવીએ ગભરાયેલા અવાજે પૂછ્યુ: ‘આમ બૂમો પાડશ તારે મારો જીવ ગભરાય સે શિવા.’

          ‘મા…..હવે નહી પાડું બૂમો બસ?’કહી શિવાએ થીગડાંવાળી ઓઢણીમાં જીવીને બાથ ભીડીને વ્હાલ કરવા માંડ્યો.

          ‘મા….હું થયું?’શિવાએ પૂછ્યુ.‘કાંઈ નહી.’જીવીએ આંખો ફેરવીને જવાબ આપ્યો.

          હવે શિવાએ માની સામે જોયું.‘આંખો ચમ લાલ થઈ સે? હું થયું માડી…?મને કેને?’શિવાએ જીદ કરીને પૂછ્યું.

          ‘ઈ તો કાંય નઈ.’ જીવીએ ઓઢણીથી આંખો લૂછવા માંડી. આ વાસીદું નાખવા ગઈ’તી તાં કચરું પડ્યું.’ શિવો તેની માને જોઈ રહ્યો. ‘મા મને થોડો મોટો થઈ જવા દે. તારી આંખમાં પડતા આ બધાં કચરાને મસળી મેલીશ જોજે તું.’

          શિવાની વાતમાં વ્યંગ હતો. એ જીવી સમજી ગઈ.

          જીવીને જાણે જીવવાની હિંમત બંધાઈ. એ નાનકડાં છોકરાંની આંખોમાં પોતાની મા માટેની ચિંતા જોઈ જીવીથી રડી પડાયું.

          ‘ના શિવા તારે કાંઈ જ કરવાનું નહીં.’ જીવીએ વ્હાલથી શિવાના બંને ખભે હાથ મૂક્યાં. ‘તારે આંયા રહેવાનું જ નહીં. આ લોકોએ મને શાંતિથી જીવવા નહીં દીધી. કાલે તનેય નહી જ જીવવા દે.તારા બાપનો પડસાયો તને બધેય નડવાનો ઈ હું જોણુંસુ.’ જીવીએ વ્હાલથી શિવાનાં માથે હાથ ફેરવ્યો.

          ‘હું કોઈથી બીતો નથી મા.અને એ પસલાને તો…’શિવાની આંખોમાં આગ સળગતી જીવીએ જોઈ. ‘મને ખબર સે. પણ તારે બહાર ભણવા જતું રહેવાનું સે.આંય રહીને તારે તારી જિંદગી નહી બગાડવાની.’‘પણ મા……’ ‘તારે હું કહું એટલું જ કરવાનું સે શિવા હમજ્યો.’ જીવીએ આંખો સહેજ મોટી કરી……..ભવાં સંકોચીને શિવા સામે જોયુ. શિવાએ માથું હલાવી પરાણે હા…… પાડી.

          ‘બધું મેલ……તું બૂમો કેમ પાડતો’તો ઈ કે મને ?’જીવીએ પૂછ્યું.‘ઈ તો કાંઈ નહી.’ શિવાએ ડોક હલાવીને કહ્યું. ‘તો ખોટી રાડ્યું નાખે સે ને તું ! લે હાલ રોટલો બનાવું સું ઈ ખાઈ લે…….તારી નેહાળનો ટેમ થવા આવ્યો સે !’જીવીએ શિવાનો હાથ પકડીને કહ્યું. ‘જારનો રોટલો નહી ખાવો મારે.’શિવાએ રિસાઈને કહ્યુ. ‘તો…….હું બનાવી આલું.’ જીવીએ આકાશમાં તાકતા કહ્યું. ‘આજે ઘઉંનો રોટલો બનાઈ આલને !’શિવાએ આજીજી કરતાં કહ્યું. ‘ઘઉંનો રોટલો?’‘હા.’ ઘરમાં ઘઉં જ નહોતા તો ઘઉંનો રોટલો ક્યાંથી બને? જીવીને શું જવાબ આપવો એ સમજાયું નહી. ‘શિવા……..આજનો દા’ડો ખાઈ લે……આજ હું ખેતરમાંથી ઘઉં વીણી લાઉંપછી સાંજે તને ઘઉંનો રોટલો બનાઈ આલીશ.’‘હારુ’શિવાએ ધીમેથી કહ્યુ.

          ‘હું આજ નેહાળ નહી જવાનો.’શિવાએ અચાનક જાણે ધડાકો કર્યો હોય તેમ જીવી ચોંકી ગઈ. ‘ચમ હું થયું?’

          ‘તારી ભેળો આવીશ ખેતરે થોડાં ઘઉં હુંય વીણીશ તારી હારે.’‘અરે, ખેતરમાં બહુ તાપ પડે સે ! તું નહી રહી હકે ત્યાં.’જીવીએ ચિંતા પ્રગટ કરી.‘ના…….ના…….ના.’ શિવાએ પગ પછાડવા માંડ્યાં. શિવો હમણાં જ પેલા પસા પર ગૂસ્સો કરતો હતો ત્યારે જાણે યુવાન છોકરો હોય તેવું તેનું વર્તન હતું અને અત્યારે એ જીદ કરતો સાવ નાનું બાળક બની ગયો હતો.

          જીવી સમજાવીને થાકી પણ શિવાએ હાર ન માની.

          ‘હારુહાલ મારી હારેને આખો દા’ડો તાપમાં રહીશ તાણે ખબર પડશે હું ચમ ના પાડું શુ તે!’જીવીએ થોડાં ગુસ્સામાં કહ્યું. જીવીએ એક કાપડના ટુકડામાં રોટલો ને ડુંગળી બાંધ્યાં. એક પાણીનો બાટલો ભર્યોતે બાટલો શિવાને આપ્યો. માલતીને જાર નીરીને ઘરના દરવાજે સાંકળ મારી. બીજા ભાઈ-બહેન નિશાળે ગયાહતા. એ હવે સાંજે ઘરે આવે એ પહેલા પાછું વળી જવાય એટલે જીવીએ ઘરના દરવાજે સાંકળ મારીને બંને ખેતર તરફ ચાલ્યા.

          મનમાં જીતવાનો આનંદ મનાવતો હોય એમ શિવો તેની માની આગળ ઉત્સાહભેર ચાલ્યો. આગળ શિવો અને પાછળ જીવી ગામ વચ્ચેથી ખેતર તરફ જવા નીકળ્યાં. જીવીની ચપાટોનો ટપાક, ટપાક અવાજ અને શિવાના તૂટેલાં જોડાનો ટપ-ટપ અવાજ એકબીજા સાથે સૂર પૂરાવતાં હોય એમ લાગતું હતું. શેરી પૂરી થઈને ગામની મોટી પાણીની ટાંકી,  પછી અવાડોપછી કૂવો……ને પછી પાદર એમ કરતાં કરતાં બંને ખેતર તરફ આગળ વધ્યા.

          શિયાળાનાં દિવસો પૂરા થવા આવ્યા હતા. સવારમાં હળવી ઠંડી પડતી ને બપોરે ધોમ તડકો લાગતો. ખેતરમાં ઘઉંનો પાક વઢાઈ ગયા પછી વેરાયેલા ઘઉં વીણીને ભેગા કરવાના હતા. શિવો ઉત્સાહમાંને ઉત્સાહમાં જીવી સાથે ચાલ્યો જતો હતો. ખેતરે પહોંચતાં વચ્ચે એક નાળિયું આવતું. સાવ સાંકડું. બે જણાં સાથે ચાલે તો સામેવાળી વ્યક્તિ પસાર ન થઈ શકે એટલું સાંકડું. નાળિયાની બંને બાજુ ગીચ ઝાડી. અડધા એક કિલોમીટરનું નાળિયું ઝાડીને કારણે પસાર થઈ ગયુ. શિવાને બહુ તાપ ન લાગ્યો ને ખેતર આવી ગયું.

          ‘ખેમાભાઈમાં ખેતરમાં કાલે ઘઉં વાઢ્યાં સે…..મેં એમને કાલે પૂછ્યું તું હાલ.’જીવીએ શિવાનો હાથ પકડયોને શિવાને ખેમાભાઈના ખેતર તરફ લઈ ગઈ. હાથમાં લીધેલી ચાદરના બે છેડાની માંથે ગાંઠબાંધી અને બીજા બે છેડાની કમરમાં ગાંઠ વાળીને ફાટીયું બાંધ્યું, જેમાં વીણેલાં ઘઉં નાખી શકાય. શિવાને માથે રૂમાલ બાંધી આપ્યો ને બંને જણાં જ્યાં જ્યાં ઘઉં વેરાયેલાં દેખાય ત્યાં ત્યાંથી વીણીને ફાળિયામાં નાખવા લાગ્યા. શિવો એના નાનકડાં હાથમાં ભેગા કરેલા ઘઉં જીવીની નજીક આવીને હાથ જરા ખૂલ્લા કરીને બતાવતો. જીવી સહેજ મલકાતી તેની સામે શિવાને માનો મલકાતો ચહેરો જોઈ વધુ આનંદ આવતો. એ ઘઉં જીવીએ બાંધેલાં ફાળિયામાં નાખી ફરી ઘઉં વીણવા લાગતો.

          સૂરજ હવે માથે ચડ્યો હતો. ધોમ તડકો પડવા લાગ્યો. જીવીના શરીરે પરસેવાના રેલા ઊતરી રહ્યાં હતાં. તેનું આખુ પોલકું પલળી ગયું. શિવાને માથે બાંધેલો રૂમાલ પણ પલળી ગયો.શિવોધીમો ધીમો ચાલતો હતો. થોડાઘણાં ઘઉં ભેગા થયાં હશે પણ હવે ખેતરમાં કામ થઈ શકે એમ નહોતું. જીવીએ શિવાને બૂમ પાડી:

          ‘ઓ શિવા….હાલ બહુ તાપ થયો સે….’ હાલ શેઢા ભણી આવી જા……થોડું ખાઈ લે……’

          ‘હા……..માડી આવ્યો…..’શિવાએ બૂમપાડીને કહ્યું. તે ધીમા પગલે શેઢા સુધી પહોંચ્યો. હોઠ સૂકાયાં હતાં ને પગમાં જોર ન રહ્યુ હોય તેમ તે ડોલતો ડોલતો તેની મા સુધી આવ્યો. જીવીએ એના માથે બાંધેલો રૂમાલ ખોલ્યો. તેની ઓઢણીથી શિવાના મોઢે ને માથે થયેલો પરસેવો લૂછયો. ‘કિધું’તું ને તને ના આઈશ…..પણ માને ઈ બીજા.’

          ‘ચેટલો થાકી ગયો સ્’ જીવીએ શિવાને બે હાથે બાથભરી લીધી. ‘લે પાણી પીને આંય બેસ થોડી વાર.’ જીવીએ શેઢા પર ઘાસ હતું તેના પર બેસવા શિવાને ઈશારો કર્યો.

          શિવાએ પાણી પીધુ ઘટ..ઘટ..ઘટ..‘હાશ ! માડી બહુ તરહ લાગી’તી. પણ એ બાજુ વધારે ઘઉં વેરાયાં તાં તો પાણી પીવા આવત તો પાછું ઈ ભેળા કરવામાં મોડું થાત.’‘કાંઈ વાંધો નહી.’ શિવાએ ફરી બાટલો ઊંચો કર્યો.‘ઓછુ પાણી પીજેપહેલાં ખાઈ લે.’જીવીએ કપડામાં બાંધેલો રોટલો ને ડુંગળી શિવાને ખાવા આપ્યાં. રોટલાની અડધી ફાટ ને ડુંગળી હાથમાં લઈને શિવાએ ખાવા માંડ્યૂ. ‘માડી તુંય ખાઈ લે ને…….’શિવાએ રોટલો તેની માને ધર્યો…‘હા’….કહીને જીવીએ બટકું રોટલો પોતાના મોંમા મુક્યો.

          ખેતરમાં ઘઉંની કાપણી થઈ ચૂકી હતી. ઉંબીઓમાંથી ઘઉં છૂટા પાડવા ખેતરમાં થ્રેસર ચાલી રહ્યું હતું તેનો ઘરર…..ઘરર……ઘરર…….અવાજ આવતો હતો. નીચે પડેલી ઘઉંની ભારીઓને થ્રેસરમાં એક જણ આપતો બીજો એને બરાબર વચ્ચે ભારી આવે એમ મૂકતો. પાછળની તરફ ઘઉંને ફોતરાં જુદા થઈને નીચે પડી રહ્યાં હતાં. બે જણાં કચરો દૂર કરી રહ્યાં’તાં બે ત્રણ જણ નીચે પડેલા ઘઉંને ભેગા કરી રહ્યાં હતાં. બધાં પુરુષો જ કામ કરી રહ્યાં હતાં. ખેતરમાં આવેલી સ્ત્રીઓ ઢોર-ઢાંખર માટે ઘાસ-ચારો લઈને ક્યારની ઘરે પહોંચી ગઈ હતી.

          ‘માડી……બાપુ કામ કરતાં હોત તો તારેય આમ તાપમાં કામના કરવું પડત ને……! તારા વિના બીજું કોઈ આંય નથી.’

          જીવી શિવાના એ પ્રશ્નનો જવાબ શોધતી રહીએ કાંઈ જ બોલી નહી. આ પ્રશ્નનો જવાબ જીવી પાસે નહોતો. તેણે માથુ હલાવ્યું ને મોઢામાં મૂકેલા રોટલાને તે ચાવવા લાગી.

          ‘માડી……મને મોટો થઈ જવા દે……હું તને આ બધું કામ નહીં કરવા દઉં. બધુંય હું કરી લઈશ. તું મારા હારુ રોટલા બનાવજે બસ.’ કહીને શિવો ઊભો થઈને પાછળથી જીવીને ભેટી પડ્યો.

          નાની ઉંમરમાં શિવાની સમજણ, તેની મા પ્રત્યેની લાગણીએ જીવીની આંખમાં આંસૂ લાવી દીધા.

          ‘લે…..હાલ બહુ તાપ થયો સે. ઘેર જઈશું?’ જીવીએ આંખો લુછતાં કહ્યુ.

          ‘ના…..મા…..થોડી વાર વાંધો નહી…..મને તાપ નહી લાગે.’શિવો દોડતો ખેતરમાં ગયો.

          ‘શિવા ધીમે દોડ. ખાંપો પેંહી જાહે.’

          ‘કાંઈ નહી થાય માડી.’કહી શિવાએ ખેતરમાંથી ઘઉં વીણવા માંડ્યા. જીવીએ બે ઘૂંટ પાણી પીધું. ને એ પણ ઘઉં વીણવા લાગી. સમય વીતતો ગયો ને સાંજ થવા આવી. જીવીને શિવો વીણેલા ઘઉંનું બચકું બાંધી હવે ઘર ભણી ચાલ્યાં. આખો દિવસ ધોમ તાપમાં કામ કરીને શિવો ખૂબ થાક્યો’તો. બોટલમાં હતું એટલું પાણી મા-દીકરાએ પી લીધું હતું. શિવાએ પાણીની બોટલ ખોલી તે મોઢા પર આખી ઊંધી કરી ત્યારે બે ટીપાં પાણી એની જીભ પર પડ્યા. માંડ માંડ જીભ પલળી. તેણે જીવી સામે જોયું પણ કાંઈ બોલ્યો નહી. જીવીએ શિવાની સામે જોઈને માથું હલાવ્યું.શિવાએ બોટલનું ઢાંકણું બંધ કર્યુ. દોરીથી બોટલને ગોળ ફેરવી દોરીને વળ ચડાવ્યો ને બોટલ ખભે નાખી ને મા-દીકરો સાથે ચાલવા માંડ્યાં. જીવીની ચપાટોનો ટપાક-ટપાક અવાજ ને શિવાનાં તૂટેલાં ચપ્પ્લનો ટપ-ટપ અવાજ ફરી એકબીજામાં સૂર પૂરાવવા લાગ્યા.

          ‘માડી આજે તું ઘઉંનો રોટલો બનાઈશ ને? કેટલાય દિ’થી નહી ખાધો.’શિવાએ ખુશ થતાં પુછ્યું.

          જીવીએ શિવાના માથે હાથ મૂક્યો. ‘હાઘરે પહોંચીને છનાભાઈની ઘંટીએ દળાઈ આવું એટલી વાર. પણ થોડીવાર થાહેમારે ઘઉં વીણવા પડહે ને તેં તો ભેળા કાંકરાએ વીણ્યા સે……’‘હા….ઈ તો ઉતાવળમાં’ શિવાએ મલકાતા મોઢે માથું ખંજવાળ્યુ.‘કાંઈ નહી ઈ તો હું સાફ કરી દઈશ.’જીવીએ શિવાના ખભે હાથ મૂક્યોને બંને ચાલવા લાગ્યા.

          ચાલતાં ચાલતાં અડધો રસ્તો કપાયોશિવાનાં હોઠ અને ગળું બંને સૂકાવા લાગ્યા હતા. થૂંકગળીનેય હવે શિવાથી રહેવાયું નહીં.‘માડી…..બહુ તરહ લાગી સે.’

          હા….પણ આંય તો ક્યાંય પાણી નો મળે ! ગામ ઢૂંકડુંજ સે…..થોડીવાર ચાલી નાખ ને……શિવાએ ફરી થૂંક ગળ્યું ને માથુ નીચું કરી ચાલવા લાગ્યો.

          થોડીવાર ચાલ્યા ત્યાં તો શિવાએ બૂમ પાડી.‘મા…..ઈ ખેતરમાં પાણી વાળ્યું સે…..જો ! હાલ ત્યાંથી બાટલો ભરતો આવું.’

          ‘ના…..ના…..ના……શિવા ઈ ખેતરમાં નહી.’જીવીએ ગભરાતાં અવાજે કહ્યું. ‘ઈ ખેતરમાં ના જવાય શિવા.’ ‘ચમ ના જવાય……મારે બાટલો પાણી જ ભરવું સે ને….. મારે ચ્યાં ઈનૂ ખેતર પડાવી લેવું સે માડી.’શિવો ગરીબડો થઈને એની મા હા પાડે એમ કહી રહ્યો હતો. ‘બાટલો પાણીએ ના લેવાય ત્યાંથી તુ હમજતો ચમ નહી શિવા……..હવે ગોમ ઢુંકડું જ સે……હાલને બેટા.’જીવીએ શિવાને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો.

          ‘પણ માડી મારું ગળું સૂકાઈ ગયું સે……મારાથી હેંડાતુય નહીં.’‘તો મેં કીધું તુ ને કે ના આઈશ ખેતરમાં…..તુ માન્યો નહી ને.’ જીવીએ ગુસ્સો કર્યો. પણ એનાથી શિવાની હાલત નહોતી જોવાતી. એના સૂકાયેલાંહોઠને થાકેલુ શરીર જોઈને જીવીને દયા આવી ગઈ. જીવીને એ ખેતરમાં જવા પગ નહોતા ઉપડતા પણ જે થાહે એ જોયું જશે એમ વિચારીને તેણે ઢાળિયામાં પાણી વાળ્યું’તુ એ તરફ ચાલવા માંડ્યુ. શિવો એની પાછળ પાછળ ચાલ્યો. ‘હાલ…..કોઈ દેખાય તો પૂછી લઉં સુ…….નહીં તો ઢાળિયામાંથી બાટલો ભરીને ઉતાવળે હેડવા માંડજે……હમજ્યો !’ જીવીએ આમતેમ નજર કરી પણ કોઈ દેખાયુ નહી.કોઈ હોય અને તેમને વળી દયા આવી જાય તો બાટલો પાણી ભરવા દે એવું વિચારી તે નિરાશ આંખોથી જોવા માંડી. પણ કોઈ હતુ જ નહી આસપાસ. જીવી પૂછેય કોને?

          જીવીના મનમાં એક તરફ બીક હતી અને બીજી તરફ શિવાની તરસ. બંનેમાં માનું હ્રદય જીતી ગયું. શિવો બાટલાનું ઢાંકણુ ખોલીને પાણી ભરવા તૈયાર હતો. ઢાળિયામાં કાચ જેવું પાણી ખેતરની ક્યારીઓમાં જતું હતું. તરસ તો જીવીનેય લાગી’તી. આખો દિવસ ધોમ તડકામાં ઘઉં વીણ્યાં પછી શરીરનું પાણીયે સૂકાઈ ગયું હોય એવું લાગતું હતું.

          શિવો, મા હા પાડે એટલે ઢાળિયામાં બોટલ ડબોળીને પાણી ભરવા ઘડી ઘડી વારે જીવી સામે જોઈ લેતો હતો. ‘માડી…….આટલામાં તો મે ક્યારનો બાટલો ભરી લીધો હોત.’ જીવીએ ઊંડો શ્વાસ લીધો. ‘લે હાલ ભરી લે બાટલો.’ એમ કહેતાં કહેતાં ફરીથી ચારેબાજુ નજર ફેરવી લીધી. ‘ઉતાવળ કરને બાટલો ભરી લે…કોઈ જોઈ જાહે તો…….’ શિવાએ બાટલો ઢાળિયામાં ડબોળ્યો ને પરપોટા બહાર આવ્યાં. બાટલામાં જતું પાણી શિવાના મોંમાં જતું હોય એટલી ટાઢક શિવાને થવા માંડી બીજા હાથે હથેળી ઊંચી કરીને તેણે પાણી પીવા માંડ્યું ને થોડું તેના ચહેરા પર છાંટ્યું. બોટલ અડધી જ ભરાઈ ત્યાં કોઈએ બૂમ પાડી. ‘કૂણ સે ત્યાં?’ જીવીએ હજુ નીચે નમીને ખોબામાં પાણી ભર્યૂં હતુ ત્યાં અવાજ સાંભળતાં જ એ સફાળી ઊભી થઈ ગઈ.

          ‘હવે હું થાહે?’…જીવીએ પોતાની જાતને જ સવાલ કર્યો. બૂમો પાડતો પેલો માણસ ધીમે ધીમે નજીક આવતો જતો હતો. સફેદ ધોતિયુંને શરીરે અડધી બાંયનું અંગરખુ. ઉપર કોટી પહેરેલી હતી. સાડા પાંચ ફૂટ ઊંચો ને શરીરે સશક્ત એ માણસનો અવાજ જાડો અને વજનદાર હતો. થોડાં સફેદ થયેલાં વાળમાં તેલ નાખીને ઓળેલાં ને આંખે મોટાં જાડા કાચવાળા ચશ્માં લગાવેલાં હતાં. પગમાં અણીદાર ચામડાંની મોજડી પહેરેલી. ઠાવકાઈથી સામે ચાલી આવતાં એ માણસની મોજડીનો અવાજ ધીમે ધીમે ઊંચો થતો જતો હતો. એ જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ જીવીના શ્વાસ વધતાં જતાં હતાં.

          એ કાંઈ પણ બોલે પહેલાં જ જીવીએ હાથ જોડ્યાં. મોઢાં પર ઘૂંઘટો આગળ ખેંચ્યો ને કહેવા લાગી. ‘માફ કરો માઈ બાપ આ છોકરાંને બહુ તરહ લાગી’તી એટલે આ ભણી આવી. મેં સંધેય જોયું પણ કોઈ દેખાયુ નહીં ને આ છોકરાનું ગળું સૂકાતું’તું એટલે પાણી ભર્યુ ઢાળિયામાંથી આ છોકરા હાળુ જ અહીં આવી નહીં તો કદીયે આંય પગ ના મુક્ત.’

          રવજી ગુસ્સામાં આંખો લાલ કરીને જીવી સામે ઊભો રહી ગયો. ‘કાં જીવલી આ તારા બાપનું ખેતર સે ને આ ઢાળિયાનું પાણી એ ય તારા ધણીની માલિકીનું સે તે આયાં પેહી સુ.’શિવો એની માની બાજુમાં ઊભો રહ્યો.

          ‘ના ના ઈ તો આ છોકરા હાળુ ભા આવાં છેતરુ રાખવાનું ઢાળિયામાં પાણી વાળવાનું અમારું ગજું નહી બાપલા.’ ‘એક તો પૂછ્યા વના ખેતરમાં ઘૂસી ને હામી જવાબ આલસ તારા જેવાઓની હુ ઓકાત. તું મારા ખેતરમાં પગ મેલે?’ ‘આ…….આ…… છોકરા હારુ જ ભા’……કહેતાં કહેતાં જીવીના ગળામાં ડૂમો ભરાઈ ગયો.

          શિવો એની માને રડતી ન જોઈ શક્યો. ‘માડી રોઈશ ના…….હેંડ નહીં પીવું મારે પાણી’…..શિવાને રવજીની વાતથી બહુ ગુસ્સો આવ્યો પણ એ કાંઈ બોલ્યો નહી.

          ‘હલકી જાતની………હવે કદી આયાં પગ ના મેલતી. હેંડતી થા તારા વસ્તારને લઈને અહીંથી.’આ વાક્યથી શિવાના મનમાં જાણે વર્ષોથી દટાયેલો દાવાનળ પર્વતની ટોચ પરથી આકાશ ફાટે તેમતેની અંદર વર્ષોથી દટાયેલો એ જ્વાળામુખી ફાટ્યું. પસાની સામે આમ જ કરગતી એની મા તેને યાદ આવી. હાથ જોડીને રોતી-કકળતી એની માને ત્યારે પસાએ ‘તારો વસ્તાર લઈને નેહળી જા’એમ કહેલું. એ વાક્ય આજે પણ શિવાને એવું જ યાદ હતુ. રવજીએ આ વાક્ય બોલીને શિવાની અંદર દટાયેલી એ આગને જાણે ચિનગારી આપી.’

          ‘રવજી કાકા મારી માને કાંઈ ન બોલતાં…….કહી દઉં સુ તમને. મારે પાણી પીવુંતુ. જીદ મેં કરી તી પાણી ભરવા, તમારા છેતરમાં આવવાની, જે કેવુ હોય ઈ મને કહેજો…..મારી માને નહી.’

          ‘એક બાટલા પાણીમાં હું લૂંટી લીધું તમારું….? તે આટલું જોર કરો સો’……રવજીએ આંખોનાં ભ્રમર ઊંચા ચડાવ્યાં. ને બોલ્યો……’બહુ ચડાવી રાખ્યો સે ને તેં તો જીવલી.’

          જીવીએ શિવાની સામે હાથ ઉગામ્યો. ‘મૂંગો મરને.’કહી જીવીએ શિવાને તેની પાછળ કરી લીધો. શિવો જીવીની પાછળથી માથુ નમાવીને દઝાડી મૂકે એવા અંગારા જેવી આગ સાથે રવજી સામુ જોઈ રહ્યો તો.

          ‘બીવડાવશ તું મને…હેં…હોમો આય.’ ‘ના….ના…..જીવી હાથ જોડીને કરગરવા લાગી. એ છોકરું સે…..એને કાંય ખબર નથી બાપ’….પણ શિવો હજુ એ જ ગુસ્સાથી જોઈ રહ્યો’તો. શિવાની આંખોનો ગુસ્સો જોઈને રવજીને પણ ગુસ્સો આવ્યો ને તેણે જીવીને ખેતરમાંથી ‘બહાર નેકર’ કહીને ધક્કો માર્યો. જીવીનો પગ ઢાળિયામાં ત્રાંસો થઈ ગયો ને તે પડી ગઈ. શિવાએ હાથમાં હતી એ બોટલ છૂટ્ટી રવજીનાં પગમાં મારી. રવજી પાછો ખસી ગયો. પસાએ ઘરમાંથી નીકળી જવા કહ્યુ ત્યારે શિવો નહોતો બોલી શક્યો. પણ આજે બધી દાઝ એકસામટી બહાર કાઢવી હતી.

          એ નાનકડા છોકરાની આંખોમાં આવેલાં ગુસ્સાનો સામનો રવજી ન કરી શક્યો. શિવાની આંખોમાં એની મા માટે મરી છૂટવા સુધીની તૈયારી તેને દેખાઈ. હવે વધારે બોલવામાં મજા નથી એમ એ સમજી ગયો. વળી લોકો છોકરા ને બૈરાં પર હાથ ઉપાડ્યાંની વાતો કરશે એ બીક પણ તેના મનમાં પેસી.

          શિવાની આંખમાંથી જાણે અંગાર વરસતો હતો. ‘હવે હાથ લગાડી જો મારી માને. આજ કાં તુ નહીં. કાં હું નહીં.’રવજી હવે ખરેખર ડરી રહ્યો હતો. ‘હાલતાં થાઓ આંયાંથી મારે છેતરમાં ગંગાજળ છાંટવું પડહે.’ કહીને એ પાછો ચાલ્યો.

          ‘થોડું તારી જાત પરેય છાંટજે………તારેય જરૂર સે !’ શિવાએ ગુસ્સામાં બૂમ પાડીને કીધું. શિવો, તું તારી પર ઊતરી આવ્યો હતો. એક બાટલા પાણી હાળુ આટલું બધું અપમાન સહન કરવું પડે એ એનાથી સહન થતું નહોતું.

          ‘શિવા……શિવા…….ન બોલ હવે.’જીવીએ બૂમ પાડી.જીવી ઢાળિયાની જોડે જ જમીન પર માથે હાથ દઈને બેસી ગઈ’તી. રવજી ત્યાંથી ચાલ્યો ગયો.

          ‘હું થયું માડી……તને વાગ્યું તો નહીં ને?’શિવાએ એની મા સામે બેસીને પૂછ્યુ.

          જીવીની આંખોમાં સતત આંસુ વહી રહ્યાં હતાં……‘છાની રહી જા માડી.’જીવીએ શિવા સામે જોઈને કહ્યુ:‘દુ:ખ મને ઈ બોલી ગયો એનું નહીં શિવા.’‘તો શા હારુ રડે સે.’જીવીએ રડતાં રડતાં ઢાળિયા હામુ જોઈને કહ્યું: ‘જો’……શિવાએ હવે એની મા પાસેથી ધ્યાન ઢાળિયા તરફ કર્યુ ત્યાં તો બધાં ઘઉં એ ઢાળિયામાં વહેતાં પાણી સાથે વહી રહ્યાં હતાં. અડધાં ખેડેલા ખેતરની માટીમાં ભળી ગયાં હતાં. શિવાએ એની માને બાથમાં ભરી લીધી. બંને એકબીજાને ભેટીને રડ્યાં. આખો દિવસ ધોમ તડકામાં ભેળા વીણેલાં ઘઉં અડધાં પાણીમાં અડધાં માટીમાં વેરાઈ ગયા હતા. જીવીએ વેરાયેલા ઘઉંને જોઈને ખૂબ રડી ને વધારે રડવું એને એનાં નસીબ પર આવ્યું. ઘઉંના રોટલાનું બટકુંયે મારા છોકરાંને હું ખવડાવી ન શકી એ વાત એને વારંવાર દુ:ખ આપી રહી હતી. સાંજ ઢળી ગઈ હતી. જીવી વેરાયેલાં ઘઉં એ માટીમાંથી શોધવા લાગી. શિવાએ એનો હાથ પકડી લીધો. ‘મારે કાંઈ ઘઉંનો રોટલો નથી ખાવો. નહી વીણવું હવે કાંઈ આયાંથી. લે…..હાલ કહીને શિવાએ એની માને ઊભી કરી બંને જણાં દુભાતા જીવે ખેતરમાંથી ઘર તરફ ચાલ્યાં. ખેતરમાં આવતાં તેમનાં હાથમાં જે ખાલી ચાદરુ હતુ એ જ ખાલી ચાદરુ જતી વખતે જીવીનાં હાથમાં હતું. આજે ભલે ઘઉં વેરાયા પણ તેનું ખોરડું નહી વેરાય એટલી ખાતરી આજે જીવીને થઈ ગઈ હતી. શિવાએ એની માનો હાથ ખેતરમાંથી પકડ્યો એ આખા રસ્તે મૂક્યો નહીં. ઘરવાળાએ કદીએ સાથ નો’તો આપ્યો. માથે રહેવા છત હતી એય કુટુંબના જ લોકોએ છીનવી લીધી. ના ઘર હતું ના પતિનો સાથે. પણ હવે જીવીને ના એ ઘર ચાલ્યા જવાનો રંજ હતો ના એનો પતિ દારૂ પી ને કદી જવાબદારી નહોતો લે’તો એનો. આજે જે હાથ એના હાથમાં હતો એ એની ઢાલ બનીને ઊભો રહેનાર એના દિકરાનો હતો.

          સૂરજ આથમી ગયો’તો લગભગ અંધારું થવા આવ્યું તુ….પણ જીવીના હ્યદયમાં શિવાએ આજે અજવાળું પાથરી દીધું હતું. બંને જણાંએ થોડાં ઉતાવળાં પગ માંડ્યા……જીવીની ચપાટોનો ટપાક-ટપાક અવાજને શિવાનાં તૂટેલાં ચપ્પલનાં ટપ-ટપ અવાજ કરી એકબીજામાં સૂર પૂરાવવા લાગ્યાં…….