ઊજમશી પરમારની વાર્તાઓમાં ટૂંકા, માર્મિક, ધારદાર, સ્પષ્ટ અને પાત્રોચિત સંવાદો પ્રયોજાયા છે. અહીં આપણે ઊજમશી પરમારની વાર્તાઓમાં પ્રયોજાયેલ સંવાદનિરૂપણ શક્તિનો ઉદાહરણસહ પરિચય મેળવીશું.
ઊજમશી પરમારની મોટાભાગની વાર્તાઓ ગ્રામજીવન અને જનપદને તાકે છે. જાનપદી સૃષ્ટિના આ પાત્રોનાં મુખમાં મૂકાયેલ સંવાદ પાત્ર-ચરિત્રને હૂબહૂ પ્રગટ કરે છે. ‘પગીનું ટીલવું’ , ‘રખેવાળ’, ‘છેલ્લા પગથિયે’, ‘પાંચની નોટના કટકા’, ‘હઠ’ (ઊંચી જાર નીચાં માનવી), ‘તળાવ’ (ટેટ્રાપૉડ), ‘લોહીઝાણ’ (પટારો), ‘ઠાકર પૂછે’ (લાખમાંથી એક ચહેરો) જેવી વાર્તાઓમાં પ્રયોજાયેલ સંવાદ વસ્તુ-ચરિત્રને પ્રગટ કરે છે. આ વાર્તાઓમાં પ્રયોજાયેલ તળપદ સંવાદો વાર્તાકારના સંવાદકળાના નમૂનારૂપ છે. તો ‘લાખી તારી ઝાંઝરી’, ‘વેવલી’, ‘ધરતી’ (ઊંચી જાર નીચાં માનવી), ‘આવનારા કાજે’ (ટેટ્રાપૉડ), ‘હાકાબાકા’ (પટારો), ‘ચાંગળું સુખ’ (લાખમાંથી એક ચહેરો) જેવી વાર્તાઓનાં વસ્તુમાં ખાસ વાર્તાતત્ત્વ જેવું નથી, પરંતુ આ વાર્તાઓ તેની સવાઈ નિરૂપણ શૈલીને કારણે કલાત્મકતાના ધોરણે પાર ઊતરી છે. ‘ભેલાણ’, ‘લોકમાતા’ (પટારો), ‘બીજો સંબંધ’ (હારોહાર) જેવી વાર્તાઓ તેની વિશિષ્ટ સંવાદકળાને કારણે ઊજમશી પરમારની વાર્તાઓમાં જુદી તરી આવે છે.
‘પગીનું ટીલવું’ વાર્તામાં પોતાના પ્રિય ટીલવા પર તરાપ મારનાર બિલાડા પર રોષે ભરાયેલો પગી માસ્તરને કહે છે : “માસ્તર, ભલભલાં ઝેરી જીવ મારી ગંધથી ઊભી પૂંછડીએ ભાગે ને આ ઢીંચણ જેવડું બિલાડું બે દિ’થી ખેધે પડ્યું છે. હવે ઘાએ ચડે એટલી વાર છે.” (પગીનું ટીલવું.પૃ.૧૮)
‘રખેવાળ’ વાર્તામાં કથાનાયકની બહેન પાલી જીનિંગ પ્રેસમાં કામે જતી હોય ત્યાં વચેટ બાપુ આબરૂ પર હાથ નાખવા જાય છે ત્યારે પ્રેસ પર રખેવાળી કરતો બંધાણી બાપુને કહે છે : “ ‘બાપુ, હું તમને કહું છું, માનમાં રહીને પાછા વળી જાવ.’
‘મારું બેટું આ બંધાણું વળી ક્યાં વચમાં કુટાણું ? એલા છાનું માનું રખેવાળું કરી ખાને ?’
‘મારું રખેવાળું કામનું જ શું બાપુ ? તમે માલિક ઊઠીને આમ છતરાઈ લૂટ ચલાવો.’ ” (રખેવાળ.પૃ.૩૮)
‘વેવલી’ વાર્તામાં કથાનાયકને લોકગીતોનું સંપાદન કરવાનું હોય આથી પ્રૌઢા સ્ત્રીને મળે છે અને પૂછે છે : “ ‘માજી, તમને ગાણાં આવડે ખરાં કે ?’
‘ગાણાં ?’
‘હા, ગાણાં.’
‘શીખવાં છે ?’
‘ના, છાપવાનાં છે.’
‘છાપવાનાં સે ? અમારા કોળી વરણનાં ગાણાં છાપશો ? ઈ ચોપડીયું લેશે કુણ ?’ ” (વેવલી.પૃ.૪૨)
‘છેલ્લા પગથિયે’ વાર્તામાં કથાનાયિકા કંકુ અને છૂબીના પતિ છેલજી વચ્ચેના લગ્નેતર સંબંધોના સંકેત આ સંવાદમાં મળે છે. જોઈએ : “ ‘કંકુબોન, તમારા વાડામાં મેં છાણાં થાપ્યાં છે તમારા ભરોંહે હોં, ઓછાં-વત્તાં થાય તોય મારે ક્યાં ગણવાપણું રયું હેં કંકુબોન ?’
છૂબી કિલકિલાટ હસી પડે છે પણ કંકુ ફક્ત ડોકું જ હલાવે છે.
‘કંકુબોન, તમારે જોતાં હોય તો લેવાનાં હોં, એમાં પૂછવાપણું નહીં રાખવાનું.’
‘સારું ભાભી.’ ” (છેલ્લા પગથિયે.પૃ.૧૦૧)
‘પાંચની નોટના કટકા’ વાર્તામાં પરિણીત રૂપાનો પૂર્વપ્રેમી સાયર રૂપાનાં લગ્નનાં આઠ-આઠ વર્ષ પછી તેની સાસરીમાં આવી તેની સાથે અનિચ્છનીય વર્તન કરે છે, ત્યારે રૂપા કહે છે : “ ‘સાયર, તું ક્યાં બેઠો છે, મારા ધણીના ઘરમાં. હું તો, એ નથી એટલે એની અવેજીમાં તારી મહેમાનદારી કરું છું, પણ મહેમાનથી કાંઈ જજમાનની આબરૂ હાર્યે ચાળા નો કરાય.’
‘હું કોઈ જેસલ નથી ને તું તોરલ નથી, તારો ઉપદેશ મારે નથી સાંભળવો.’
‘નો સાંભળવો હોય તો મેં ક્યાં તાર કરીને તેડાવ્યો’તો ?’
‘હું તો આ હાલ્યો, હવેથી આ દૃશ્યને રામરામ છે.’ ” (પાંચની નોટના કટકા.પૃ.૧૦૬)
‘હઠ’ વાર્તામાં કથાનાયિકા વાલી અને શેઠ વચ્ચેનો સંવાદ જોઈએ : “ ‘જુવો શેઠ, કામે આવ્યા વગર મારો છૂટકો નથી, ચોળીને ખાઉં શું ? પણ તોય વધુ રોજ તો હું નહીં લઉં. જે આલો ઈ હંધાયની હાર્યે આલજો તો આવીશ. તમારા મન ભલે નિરમળ નીર જેવાં હોય પણ મને માણાં ચૂંટી ખાય છે.’
‘સારું, જા વાલી. તને ઓછું આલવું ગમતું નથી તે હંધાયને આજથી રૂપિયો વધુ. તારી હઠને લઈને હંધાય ફાવી ગયાં.’ ” (હઠ.પૃ.૧૫)
‘ધરતી’ વાર્તામાં ગામડાગામની શાળાના બાળકો અને શિક્ષિકા સમતા વચ્ચેનાં સંવાદમાં હાસ્ય-કટાક્ષ જોવાં મળે છે. સમતા કહે છે : “ ‘જુઓ, મારી વાત બરાબર સાંભળો. કાલે બધાં જ બરાબર સાફ થઈને આવજો. સાબુથી મોં ચોળીને બરાબર સાફ કરવું. જેનું મોં વધુ ઊજળું હશે એને હું બિસ્કિટ આપીશ.’
‘તે હેં બેન, સાબુ ચોળે ઈ બહુ ઊજળું થાય ?’ એક બાળકે બેઠાં બેઠાં જ પૂછ્યું.
‘હા ભાઈ’ સમતા જરા ગૂંચવાઈ. આ પ્રશ્નનો હેતુ એને ન સમજાયો.
‘તો પછી બેન તમેય સાબુ વાપરતા હો તો ? જુઓ ને તમે કેટલાં કાળાં છો !’ ” (ધરતી.પૃ.૧૬૧)
(ઊંચી જાર નીચાં માનવી)
‘તિખારા’ વાર્તામાં કથાનાયિકા શાંતુના પતિ સુંદરનો ઘણો ઈલાજ કરાવવા છતાં બીમારીમાંથી ઊભો થતો નથી. સુંદરના મૃત્યુ પછી શાંતુ કાભઈની બીમાર પત્નીની સેવા અને ઘરકામ માટે ત્યાં જ રોકાતી. શાંતુ ઘરે સૂવા જાય છે ત્યાં કાભઈ હાથ પકડતા કહે છે. “ ‘જવાય છે હવે…’
‘તેજુબોન જાગતી હશે…!’ શાંતુ સાડલો સમેટવા માંડતી.
‘ભલે હવે ઝાઝા દિ’નો હોય. સુંદરીયાનો ઈલાજ થઈ ગ્યો એમ એનો ય…!’ ” (પરમાર.પૃ.૨૯)
સમાજમાં નિમ્ન વર્ગ અને એમાંય નિરાધાર-વિધવા સ્ત્રીનું ધનિક વર્ગ કેવી રીતે જાતીય શોષણ કરે છે તેનો સંકેત ઉપર્યુક્ત સંવાદમાંથી સાંપડે છે.
‘તળાવ’ વાર્તામાં કથાનાયકે પૂર્વજીવનમાં જે તળાવ જોયું હતું, તે તળાવની કલ્પના લઈને આજે તે પત્ની સાથે ફરી એ તળાવના સૌંદર્યને માણવા જઈ રહ્યો છે ત્યારે કોઈકે કહ્યું : “ ‘એ ભાઈ, તમે કયા તળાવની વાત કરો છો ?’
‘છિપોલાનું તળાવ.’
‘અરે ભઈ, એ તળાવ તો અત્યારે કઈડવા દોડે એવું થૈ ગ્યું છે, બાપ.’
‘કેમ, કેમ પણ ?’
‘કેમ શું, એનો હંધોય કાંપ લોક ખોદી ખોદીને લઈ ગ્યા, કૈંક ખેતરમાં પાથરવા લૈ ગ્યા, કૈંક ચણતરમાં લૈ ગ્યા તે તળાવનું તો તળિયું ફૂટી ગ્યું, ને તળાવ થૈ ગ્યું કાણું, પાણી ટકે જ શાનું ? ચોમાહું ઊતરતાં ઊતરતાંમાં તો પાછું કોરું ધાકોડ !’ ” (તળાવ.પૃ.૩૮)
ઉપર્યુક્ત સંવાદ નિર્વિઘ્ન દાંપત્યસુખ ભોગવવાની લાલસામાં બબ્બે વાર ઍબૉર્શન કરાવ્યા પછી વંધ્ય બનેલ દંપતીની પ્રબળ સંતાનેચ્છાને પ્રતીકાત્મક રીતે પ્રગટ કરે છે. (ટેટ્રાપૉડ)
‘ભેલાણ’ વાર્તામાં કથાનાયિકા મેનાને નરપશુએ ભોગવી રઝળતી મૂકી દીધેલી. મજબૂરીથી તે દેહવ્યાપારના ધંધામાં ધકેલાઈ ગયેલી. બદલો લેવાની તક મળતા તે તેને ફસાવી એઈડ્સગ્રસ્ત સુમનને હવાલે સોંપે છે એ સંવાદ જોઈએ : “ ‘જુઓ, પૈસા તો ભગવાનની દયાથી મળી રહે છે. હું તો ફક્ત તમારા સાળા દ્વારા તમારા સુધી પહોંચવા માગતી હતી. આજે પણ ગેસ્ટહાઉસોની તે રાતો બહુ યાદ આવે છે. મારી ઈચ્છા એટલી જ છે કે તમે દસ-પંદર દિવસે અહીં પથારીમાં કરચલીઓ પાડવા આવતાં રહો.’
‘ઓહ ! એટલી જ વાત છે, બસ ! પણ પછી આલોકને અને તારે કાંઈ રહેવું ના જોઈએ.’
‘એ તે કાંઈ કહેવાનું હોય ? તો પછી ક્યારથી…’
‘લે કર વાત ! એમાં તે કંઈ મૂરત જોવાંનું હોય ? આજનો દિવસ ને આજની ઘડી.’
‘એક મિનિટ રમણ, બે દિવસથી મારે થાય એવું નથી. પણ કાંઈ વાંધો નહીં તમારે આંટો ના થવો જોઈએ. સામેવાળી સુમનને બોલાવી દઉં છું, પણ જોજો હોં, પછી મને મૂકીને દર વખતે સુમનને ત્યાં…’
‘અરે, તું એટલે તું, કોઈ સુમન-બુમન તારી તોલે થોડી આવે ?’ ” (ભેલાણ.પૃ.૨૨)
‘લોહીઝાણ’ વાર્તામાં મનજીભાઈ દીકરીનું આણું સીવવા જયંતી મેરાઈને ઘરે બેસાડવાની વાત કરે છે ત્યારે હરજીભાઈ કહે છે : “ ‘હા, ઈ વાત સાચી. દરજી સાત સારો હોય ને તમે સામે બેઠા હોય તોય ઈનું કાપલું તો કાઢે કાઢેને કાઢે. કટકો લૂગડું રાખી નો લ્યે તો ઈને મજા નો આવે.’
‘તમારું વળી શું રાખી લીધું છે તે આવી વાત કરો છો હરજીભાઈ ?’
‘લૂગડું સિવડાવીએ તો જ રાખી લ્યે એવું થોડું છે ? અસલ દરજી તો નજરથી જ તાકાના તાકા વેતરી લ્યે !’ ” (લોહીઝાણ.પૃ.૬૮)
હરજીભાઈની પત્ની ભાનુ અને જયંતી મેરાઈ વચ્ચે બંધાયેલા આડા સંબંધોને લઈને હરજીભાઈના મુખમાં મૂકાયેલો આ સંવાદ મહત્ત્વનો છે.
‘હાકાબાકા’ વાર્તામાં સામાન્ય વર્ગના પતિ-પત્ની વચ્ચેનો સંવાદ તેમની એકબીજા પ્રત્યેની સમજણભરી બૌદ્ધિક દૃષ્ટિનો ખ્યાલ આપે છે. પતિ ના પાડવા છતાં સગર્ભા પત્ની મજૂરીએ જાય છે ત્યારે હાથમાં ફરફોલો ઊઠે છે. સંવાદ જોઈએ : “ ‘એ તો વચ્ચે ચાર મહિના મજૂરી મૂકી દીધી એટલે ઈતો બેચાર દી ભંભોલા થાય ને ફૂટીને મટી જાય. મજૂરી તો આપડા કપાળે લખાયેલી છે, ઘેર બેઠાં કોણ રોટલો આલવા આવે, કામ તો નત્ય રહેવાનું.’
‘ઠીક છે, કામ તો નત્ય રહેવાનું, પણ હમણે થોડાક મહિના નહીં.’
‘શું ઘેલહાગરી વાત લઈને બેઠા છો ? આપડામાં ઠેઠ સુવાવડ આવવાની થાય, ઈની મોયલી ઘડી લગી દાડિયું કરે છે બાઈયું, હું કંઈ નવી નવાઈની છોકરું જણવાની થઈ છું ? ને મહેનત કરતાં કરતાં દિવસો નીકળી જાય તો કષ્ટીય ઓછી પડે, સમજતા કંઈ નથીને !’ ” (હાકાબાકા.પૃ.૧૪૩)
‘લોકમાતા’ વાર્તામાં જમુનામાઈના દર્શન કરવા નીકળેલો એક શ્રદ્ધાળુ ભોજન બાદ વધેલી બુંદી ફેંકવા જાય છે, ત્યાં પ્રૌઢ વયની વિધવા સ્ત્રી ચાર દિવસથી ભૂખી હોય ને બુંદી માટે હાથ લંબાવે છે. બંને વચ્ચેનો સંવાદ જોઈએ : “ ‘જમુનામાઈ તેરા ભલા કરે બેટા, લા, મુઝે દે કુછ !’
‘ આદમી કે ખાને લાયક નહીં હૈ માજી, ઈસે ગાયકો ખાને દિજિયે.’
‘હમ કહાઁ આદમી હૈ ! બેટે, હમ તો પશુસે ભી ગયે બીતે, ગાય તો કુછ ભી ખા લેગી, વો ભલા ક્યા ચાર દિન તક ભૂખી રહેગી ?’ ” (લોકમાતા.પૃ.૧૪૬)
(પટારો)
‘ચાંગળું સુખ’ વાર્તામાં પરિવારની આર્થિક કફોડી સ્થિતિને કારણે કથાનાયિકા સમતા જેના-તેના કામ કરીને નિર્વાહ ચલાવે છે. ઉપરાંત ક્ષયગ્રસ્ત પતિ વાતે-વાતે મેણાં-ટોણાં મારે છે. થાકી-પાકી ઘરે આવે ને રોજ પતિનો કાંઈક કંકાસ હોય જ. આથી પાડોશી ઉદયભાઈ પૂછે છે : “ ‘સમતા ગણપત તને આટલી બધી મારે છે, ગાળો દે છે, હેરાન કરે છે. ઈની સામે તું જરાક એના ખભે હાથનો ભાર દે તોય એ ખાટલામાં બેસી પડે એવો છે, જરાક તો ફૂંફાડો રાખતી હો ?’
‘ઉદયભાઈ, એવી દાઝ મને ચડતી નથી જ્યાં નસીબ જ આડું ફાટ્યું ત્યાં દાઝ કોની ઉપર ચડાવું ? ને ઈમની ઉપર દાઝ ચડાવવાનો તો સવાલ જ નથી, કેમકે ઈ મારે કેટલું ને વાગે કેટલું ? બીજું ઈમની જિંદગીમાં શું સુખ બળ્યું છે ?’ ” (ચાંગળું સુખ.પૃ.૭૮)
‘ઠાકર પૂછે’ વાર્તામાં મોટાભાઈએ પોતાનું કાંડું ઝાલ્યું એવી નાના ભાઈની પત્નીની ભંભેરણીથી નાનો ભાઈ જુદો રહેવા ગયો છે. પરંતુ નાનાભાઈના અકસ્માતના સમાચાર સાંભળી મોટાભાઈ જવા અધીરા બને છે ત્યારે ભાભી કહે છે : “ ‘ભૂલી ગ્યા તમે ? ઈની બાયડીએ તમને બજારમાં ઊંચા માથે નીકળવા જેવું નહોતું રહેવા દીધું, ને ઈવડો ઈ ય ઈનો દોરવાયો દોરાઈ ગ્યો’તો, કેમ બાયડીને મોઢા ઉપર બે અવળા હાથની થાપટ ફટકારીને કહેવાણું નહીં કે રાં… શંખણી ધરમરાજા જેવા મારા ભઈ કોઈ દિ’ કોઈની સામે ઊંચુ ઉપાડીને જોવે નહીં, ને તું કયે છે કે તારું કાંડું ઝાલ્યું, ભીંત ભૂલી કે શું ?’
‘હશે, ઈની બુદ્ધિ પરમાણે ઈણે કર્યું, મારી બુદ્ધિ પરમાણે મારે કરવું જોવે. મારો આતમો ઈમ કયે છે.’ ” (ઠાકર પૂછે.પૃ.૮૯)
(લાખમાંથી એક ચહેરો)
‘બીજો સંબંધ’ વાર્તામાં એકાંત, ખાલીપો અને જાતીય અતૃપ્તિથી વ્યગ્ર બનેલી નાયિકા પૈસા માટે દેહનો વ્યાપાર કરતા પરપુરુષને પોતાને ઘેર લઈ આવે છે. વાર્તાના અંતે મૂકાયેલ સંવાદ ધારદાર ચોટ સાધે છે. પુરુષ નાયિકાના વક્ષ પર હોઠ ચાંપે છે, ત્યાંજ નાયિકા સફાળી બેઠી થઈ જાય છે. પુરુષ પૂછે છે : “ ‘કેમ, શું થયું ?’
‘બસ, બહુ થયું, તારી સાથે એક સંબંધ જોડવાનો હતો, પણ કોણ જાણે કેમ, જોડાઈ ગયો બીજો. કોઈ ઈતર પુરુષની સાથે આમ સંકળાવાનો મારા માટે આ પહેલો પ્રસંગ છે, પણ તું કોઈ પુરુષ થોડો રહ્યો ? તું તો જાણે મારા બિટ્ટુની લગોલગ થઈ ગયો !!’
‘ઓહ !’ ” કહી, પુરુષે ખિસ્સામાંથી નોટની થપ્પી કાઢી ચાલતી પકડી.(બીજો સંબંધ.પૃ.૧૮૫)
‘હારોહાર’ વાર્તામાં જનપદને અનુરૂપ વાતાવરણ પ્રયોજાયું છે. હરિલાલે એક કૂતરાનો પગ અને બીજાની કેડ ભાંગી નાખેલી. પાડોશના બૈરાં અકળાઈ ઉઠ્યાં અને આધેડ હરિલાલ અપરિણીત હોવા પર મહેણાં-ટોણાં મારવા લાગ્યાં. “અમથો આટલો બધો દખી જાય છે ? પચ્ચા વરહનો થાવા આવ્યો, તોય બૈરા ભેળો નો થ્યો, કર્યાં કરમ તો આંઈ ને આંઈ જ ભોગવવાનાં છે, બઈ !” (હારોહાર.પૃ.૨)
(હારોહાર)
ઊજમશી પરમારના પાંચેય વાર્તાસંગ્રહોની કેટલીક વાર્તાઓમાંથી સંવાદકળાના નમૂના આપણે જોયા. પ્રયોજાયેલ એકેએક સંવાદ વાર્તાકારની સર્જકશક્તિનો પરિચય કરાવી રહે છે. વાર્તામાંના સંવાદો જોતા કહી શકાય કે સંવાદ નિરૂપણ કળા એ પણ વાર્તાકારનું જમાપાસું છે.
સંદર્ભગ્રંથ સૂચિ
- પરમાર, ઊજમશી. ૧૯૭૫. ઊંચી જાર નીચાં માનવી, અમદાવાદ : હર્ષ પ્રકાશન.
- પરમાર, ઊજમશી. નવેમ્બર ૧૯૮૪. ટેટ્રાપૉડ,સુરત : શ્રી ગાયત્રી પુસ્તક ભંડાર.
- પરમાર, ઊજમશી. ડિસેમ્બર ૧૯૯૮.પટારો,અમદાવાદ : અરુણોદય પ્રકાશન.
- પરમાર, ઊજમશી. મે ૨૦૦૯. લાખમાંથી એક ચહેરો, રાજકોટ : ભરાડ ફાઉન્ડેશન.
- પરમાર, ઊજમશી. ૨૦૧૫. હારોહાર,અમદાવાદ : હર્ષ પ્રકાશન.
__________________________________________________________________________________
શર્મિલાબેન કેહરભાઈ પરાલિયા. પ્રાધ્યાપક, બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ-બોટાદ
Prayas An Extension… A Peer reviewed literary e journal, ISSN – 2582-8681, vol. 4, Issue 1, Jan.-Feb:2023