વહી આવે બહાર બધું અંદરનું પાણી, જો માટીનાં માટલાંઓ તૂટે,
એમ વહે આંખોનાં આસુંઓ ધસમસતા, ફૂટલું નસીબ વધુ ફૂટે!
માંડ માંડ મેળ કરી ફોરમ ભરવાનાં, ને હૈયાને દેવાની ધરપત :
‘થઇ જાશું પાસ. પછી દાળદર ફીટશે ને જીવતરમાં વર્તાશે બરકત !’
આવી સૌ આશાનાં વહેતાં ઝરણાંઓનાં પાણીડાં અણધાર્યા ખૂટે!
વહી આવે0
ક્યાં સુધી રાખવો ભરોસો એ કહી દો, તો સહેવાની કરીએ તૈયારી,
તમ્મારી પાસે છે દરવાજા મોકળાં, પણ અમ્મારે એક જ આ બારી;
આશ્વાસન આપીને, આસુંઓ લૂંછીને, ફરી ફરી ત્યાંનાં ત્યાં લૂંટે!
વહી આવે0
-‘વિરલ’ (૨૯/૦૧/૨૦૨૩, રાત્રે ૧૧:૨૬)
Prayas An Extension… A Peer reviewed literary e journal, ISSN – 2582-8681, vol. 4, Issue 1, Jan.-Feb:2023