નયન ચકચૂર છે બન્ને અને વરસાદ વરસે છે,
પ્રણયમાં ચૂર છે બન્ને અને વરસાદ વરસે છે.
ન હું આવી શક્યો, કે તું ન આવી શકી છત્રી લઈને,
હૃદય આતુર છે બન્ને અને વરસાદ વરસે છે.
છલોછલ છે હદય ઉત્સાહથી તારું અને મારું,
ભર્યા ભરપૂર છે બન્ને અને વરસાદ વરસે છે.
મોસમ આવી મજાની સાથે ભીંજજવા ગગન નીચે,
હજી પણ દૂર છે બન્ને અને વરસાદ વરસે છે.
કરે છે મોરલો સારંગનો આલાપ કોયલ સંગ,
પ્રકૃતિમાં સૂર છે બન્ને અને વરસાદ વરસે છે.
કોરા આવીને ભીંજાયેલા જશો તો ચાલશે “પારસ”
મને મંજૂર છે બન્ને અને વરસાદ વરસે છે.
ડૉ. મનોજકુમાર પરમાર “પારસ”