– આનંદ પરમાર
ધીરુબહેન પટેલે મનોવૈજ્ઞાનિક અભિગમથી ‘વડવાનલ’ નવલકથાનું સર્જન કર્યું છે. આ નવલકથા ઈ.સ. 1963-માં પ્રગટ થાય છે. અને આધુનિકતાના મૂલ્યોને પોતાના સર્જનમાં લઈ આવે છે. ધીરુબહેન આ નવલકથાને ધારાવાહિકરૂપે લખી છે. લેખિકા આધુનિક યુગના મહત્વના સર્જક તરીકે નામના મેળવે છે. તેઓ અંગ્રેજીના અધ્યાપક તરીકે મુંબઈમાં સેવા આપે છે. અંગ્રેજીના અધ્યાપક હોય છે. તેઓ પાશ્રાત સાહિત્યના પરીચયમાં આવે છે. અને ત્યાંના સાહિત્યની અસરતળે પોતાના સાહિત્યનું સર્જન કરે છે. તેઓ આધુનિકતાના મૂલ્યોને પોતાના સાહિત્યમા સાંકળે છે. અસ્તિસ્તવાદ, મનોવૈજ્ઞાનિક અભિગમ, વૈશ્વીકીકરણ વગરે જેવા આધુનિક મૂલ્યો સાહિત્યમાં જોવા મળે છે. મનનો તાગ મેળવવો ખૂબ મુશ્કેલ હોય છે. મન સંકુલ હોય છે. મનોવિજ્ઞાન મનના ક્ષેત્રમાં લઈ જતું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન અને સાહિત્યનો પરસ્પર સંબંધ રહેલો છે.
ધીરુબહેનની ‘વડવાનલ’ નવલકથામાં મનોવૈજ્ઞાનિક અભિગમ જોવા મળે છે. માનવીય મનમાં ચાલતા સંઘર્ષને ‘વડવાનલ’માં નવીન તરેહથી પ્રયોજે છે.
મનોવૈજ્ઞાનિક અભિગમથી લખનારા સર્જક માનવીય મનને કેન્દ્રમાં રાખીને નવલકથા, વાર્તા, નાટક કે એકાંકી વગેરે જેવાં સ્વરૂપોમાં કાર્ય કરતા હોય છે. ગુજરાતી સાહિત્યમાં આધુનિક કાળમાં ઘણા સર્જકોએ મનોવૈજ્ઞાનિક અભિગમને કેન્દ્રમાં રાખીને સર્જન કર્યું છે. એ ગુજરાતી સાહિત્ય માટે હકારાત્મક વલણ છે. કેમ કે આ અભિગમથી લોકોમાં મનોવિજ્ઞાન વિશે જાગૃત્તિ આવશે. ધીરુબહેન પટેલ પોતાની પ્રથમ નવલકથા મનોવૈજ્ઞાનિક અભિગમથી લખે છે. જેમ રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા પણ આજ અભિગમથી સર્જન પામી છે. લેખકોની પ્રથમ નવલકથા અને એ પણ મનોવૈજ્ઞાનિક અભિગમથી- એક વિરલ બાબત કહી શકાય. આ એક પ્રયોગશીલતાની નિશાની છે. ધીરુબહેન પ્રયોગશીલ સર્જક છે એ સાબિતી એમની પ્રથમ નવલકથા છે. જે વિષય સાહિત્યમાં આવવો હજુ બાકી હતો એવા વિષયને આધુનિક સર્જકો સાહિત્યમાં સરળતાથી લાવી શકે છે. આધુનિક યુગમાં સર્જન પામેલી મનોવૈજ્ઞાનિક નવલકથાઓ એના ઉત્તમ ઉદાહરણ છે.
ધીરુબહેનની ‘વડવાનલ’ મનોવૈજ્ઞાનિક નવલકથા છે. “સમગ્ર કથા મનોવૈજ્ઞાનિક ભૂમિકા પર આલેખાયેલી હોઈ આસ્વાધ્ય છે.”(1) વિવેચક-ભાવકને વિચારતા કરી મૂકે એવી નવલકથા છે. એ સમયગાળામાં ‘વડવાનલ’ની ખૂબ ચર્ચા થવા પામી હતી. આજપર્યંત ચાલું છે. એના પાયામાં નિર્દોષ વ્યક્તિ ગુનેગાર બને એ છે. નિર્દોષ વ્યક્તિ કેવી રીતે ગુનો આચરી બેસે છે- કેન્દ્રમાં છે. સમગ્ર નવલકથા રેખા નામની નાયિકાની આસપાસ ફરે છે. તે મુખ્ય કેન્દ્રસ્થ પાત્ર છે.
રેખાનું વર્તન unexpress behavior હોય છે. તેનામાં બધું સહન કરી લેવાનું મનોવલણ હોય છે. અને તે અંતર્મુખ પણ હોય છે- જે કોઈને કશું કહી ન શકતી- પોતાના પર અન્યાય કે અત્યાચાર થયો હોવા છતાં પોતાના બચાવમાં કશું બોલતી હોતી નથી. રેખા નિખાલસ, ભોળી અને અજાતશત્રુ હોય છે. રેખાને ખબર હોય છે કે અંજના એનું ખોટું કરી રહી છે છતાં પણ એ વારંવાર છેતરાતી આવી છે. તે પોતાના પર થયેલા અન્યાયને પણ કોઈને કહી શકતી ન હતી. એની ખૂબ ચિંતા કરનારા પિતાને પણ નહી. એની મા તો સારું રાખતી નહોતી. રેખાની સગી મા હોવા જતાં અંજનાને જ સારું રાખતી, રેખાને પોતાનાથી દૂર જ રાખતી. રેખાની સગી મા ઓરમાન મા જેવું વર્તન કરતી હોય છે. રેખાની ઓરમાન મા જ લાગે છે. રેખા માનાં પ્રેમ માટે આખી જિંદગી તડપી પણ એને માતૃપ્રેમ ના મળ્યો. તેના પિતા ખૂબ પ્રેમ કરતા હોય છે. માના પ્રેમથી તે વંચિત રહે છે. તેની અસર રેખાનાં મન પર પડે છે. કેમ કે એને માનો પ્રેમ મળતો નથી. અંજના દ્વારા રેખાને ખૂબ અન્યાય થાય છે. અંજના દ્વારા રેખાને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે. રેખાને એકલી પાડવાના એક પણ મોકાને અંજના છોડતી નથી હોતી. રેખાને જે વ્યક્તિ સારું રાખે એની સાથેના સંબંધો પૂર્ણ કરવાનું કામ અંજના કરતી. રૂખીને રુખસદ અપાવી દે છે. જેની સાથે રેખાનું વેવિશાળ થવાનું હતું તેની સાથે અંજના સંબંધો વિકસાવે છે. રેખાનું વેવિશાળ તોડાવે છે. રેખાના પતિ પર પત્રો લખે છે. જેમાં રેખાના અંગે ખોટી ઉપજાવેલી વાતો હોય છે. રેખાના ચારિત્ર્યની અંગે પત્રો હોય છે. અંજના રેખાના અભ્યાસ બગાડવાના કારસા રચે છે. રેખાને ઘોડેસવારીમાં જાણીજોઈને ઈજા પહોંચાડે છે. રેખા પર આવા ઘણા અત્યાચાર અંજના દ્વારા થાય છે.
કોઈ ગુનો વાસ્તવિક બને એ પહેલાં મનમાં રચાતો હોય છે. અમુક જન્મજાત ગુનેગાર હોય છે. અલબત્ત, ગુના થવા પાછળ વ્યક્તિ પર વાતાવરણ મહત્વનો ભાગ ભજવતું હોય છે. અમુક પરિસ્થિતિવશ ગુનેગાર બનતું હોય છે. સમાજમાં ગુના ના બને એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. ગુનેગારોને સુધારવા માટે કેદખાનાં છે જ. પણ જાગ્રત લોકોએ ગુના બને જ નહીં એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ અથવા વ્યક્તિ નાના કે મોટા ગુનાથી દૂર રહે એવા શિક્ષણ કે અન્ય રીતે વ્યક્તિને કેળવવો જોઈએ. જેથી ગુનામાં ઘટાડો આવે અથવા ગુના બને જ નહીં. ‘વડવાનલ’માં રેખા કેવી રીતે ગુનેગાર બને છે? એનું માનસ કેમ ગુનો કરવા પ્રેરાય છે – એની પાછળ એક વ્યકિત જવાબદાર હોય છે. એ જ વ્યકિતને રેખા મરણતોલ ફટકો મારે છે. એ અંજના હોય છે. રેખા દ્વારા ગુનો કરવા પાછળ અન્યાય-અપમાન-ધિક્કાર-દગાની એક ધીમી પ્રક્રિયા જવાબદાર છે. સરળ અને નિર્દોષ રેખા પર વારંવાર માનસિક હેરાનગતિ- માણસની સહન કરવાની સીમા બહાર જઈને તેની પર અંજના દ્રારા અત્યાચાર કરવામાં આવે છે. અમુક કિસ્સામાં જેમ માણસને મારવા માટે સ્લો પોઈઝન આપવામાં આવે છે. એ વ્યક્તિનું મૃત્યું નિશ્ચિત છે. પરંતું એને ખૂબ કષ્ટ વેઠીને મૃત્યું આવે છે એમ જ રેખાનું ગુનેગાર બનવા પાછળ રોજબરોજનાં અત્યાચાર-અન્યાય જવાબદાર છે. નવલકથાના ઉત્તરાર્ધમાં રેખા બજારમાંથી શાકભાજી લઈને ઘરે આવતી હોય છે. પિયરનાં જૂના દાક્તર મળી જાય છે. એ દાક્તર રેખાની બોલાવીને કહે છે; તને ખબર છે, તારા બાપુ મરણપથારીએ છે.”(2) હૃદયદ્રાવક સમાચાર સાંભળીને રેખાને ચીસ પાડી. રેખાને પિતા પ્રત્યે ખૂબ પ્રેમ હતો. પિતા રેખાને ખૂબ વ્હાલ કરતા હતા. પરંતુ રેખા જ્યારથી ઘર છોડીને ભાગી આવી હોય છે ત્યારથી બન્ને વચ્ચે અબોલા હોય છે. પરંતુ પિતા-પુત્ર વચ્ચે પ્રેમ તો ઓછો થયો જ નહોતો. બન્ને એકબીજાને ખૂબ યાદ કરતા હતા. રેખા દાક્તરને કહે છે કે મારે પિતાને મળવું છે. પતિને પણ કહે છે કે મારે પિતાને મળવું છે. દાક્તરની વાત સાંભળી રેખાની ઇચ્છા છે કે પિતાને જલ્દીથી મળવું. “મનમાં બીજી કશી જ વૃત્તિ નહોતી, એક જ વાત, એક જ રટણ-બાપુ માંદા છે, મારે એમની પાસે જવું છે. કદાચ બહુ મોડું થઈ ગયું હશે… ભગવાન, આટલો વખત સાચવી લેજો. ફરી જીવનભર કંઈ જ નહીં માગું, એક વાર મોઢામોઢ થવા દેજો, એ મને ઓળખો, મારી જોડે વાત કરે.”(3) રેખાની ઇચ્છા પિતાને છેલ્લીવાર મળવાની છે. પિતા ગંભીર માંદગીમાં સપડાયા છે. તેઓ મૃત્યુની નજીક હોવાથી દીકરીને ઇચ્છા છે એમના દર્શન કરવાની. પોતાને ઘેર જાય છે ત્યારે અંજના સાથે ભેટો થાય છે. રેખાની અંદર બદલાની આગ સળગતી હોય છે. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. છેલ્લે, રેખા અંજનાનાં માથામાં ઘરમાં પડેલી મૂર્તિ મારે છે. આખી જિંદગી સહન કરનારી રેખા આ રીતે પોતાનો બદલો વાળે છે.
બે સાધ્વીઓ અંજનાને પૂછે છે;
“તમે કરેલ ગુનો એ તમારી ભૂલ છે?”
અંજના કહે છે : “ભૂલ નથી.”
સાધ્વી કહે છે : ” તમે કરેલો અપરાધ અનેકઘણો વધુ ભયંકર બની જાય છે. પસ્તાવો કરતા પાપીને માટે ઇશ્વરનાં દ્વાર સદાય ખુલ્લાં રહે છે.”(4)
રેખા કરેલ ગુનાને સાચો માને છે. તે કહે છે;
” પણ મને જરાય પસ્તાવો નથી થતો. હું માનું છું કે મેં જે કર્યું છે તે બરાબર જ કર્યું છે.” રેખા પોતાને નિર્દોષ માને છે. તેને એમ લાગે છે કે મેં મારો પ્રતિશોધ લીધો છે. તે કહે છે ; “મેં ક્ષણના ક્રોધમાં કરી નાખ્યું તે એણે જીવનભર જાણી જોઈને, પૂર્વનિર્મિત યોજના પ્રમાણે કર્યાં જ કર્યું છે.”(5) રેખા આખું જીવન અંજના દ્વારા અત્યાચાર સહન કરતી આવી છે. એ માતાનો પ્રેમ હોય, ગમતી ઢીંગલી, ગમતાં કપડાં, શિક્ષણ, જીવનસાથી કે લગ્ન વગેરે જેવી બાબતોમાં અંજનાએ અન્યાય કર્યો છે. રેખા આખી જિંદગી હસ્તે મોઢે અત્યાચાર સહન કરતી આવી હોય છે. પરંતુ તે અંજનાને બિલકુલ પસંદ કરતી હોતી નથી. તે પ્રતિકાર કરતી નથી પરંતુ એના મનમાં બધુ સંગ્રહિત થતું હોય છે. મનોવિજ્ઞાન અનુસાર મનુષ્ય મનમાં જે સંગૃહિત કરે છે એ કોઈ પણ રીતે બહાર આવતું હોય છે. એ જાગ્રત કે અજાગ્રત અવસ્થામાં પ્રગટ થતું હોય છે. રેખાને આવતું એક દિવાસ્વપ્ન તપાસવા જેવું છે.
“કલ્પનાશક્તિને જોરે હું અનેક પ્રસંગો રચતી, કેટલાંયે પાત્રો સર્જતી, અને દરેકમાં મુખ્ય સ્થાને મને રાખતી, અંજનાને કોઈ વાર કૂબડી ભિખારણ બનાવતી તો કોઈ વાર ડાકણ. દરેક વખતે તેને મારી આગળ આંસુ સારીને માફી માગવી પડતી. અને રાજસિંહાસને બેઠેલી હું કોઈ વાર તેને સજા કરતી, તો કોઈ વાર માત્ર કદરૂપી બનાવી છોડી દેતી. મા અને બાપુ મારા ઉપર સ્નેહ દર્શાવવા તલસતાં પણ તેમની સાથે રિસાઈને હું મોં ફેરવી દેતી. કહેતી, ‘જાઓ, તમને તો અંજના જ વહાલી હતી ને ! હવે મારું શું કામ પડ્યું?”(6) દિવાસ્વપ્નમાં રેખાની અતૃપ્ત ઇચ્છાઓ સંતોષાતી જોવા મળે છે. રેખા વાસ્તવિક જીવનમાં જે નથી કરી શકતી, એ અધૂરી ઇચ્છા દિવાસ્વપ્નમાં પૂર્ણ કરે છે. એ અંજના સાથે પ્રતિશોધ હોય કે માતાનો પ્રેમ હોય. રેખા પોતાના બાપુને ખૂબ પ્રેમ કરતી હોય છે. અલબત્ત, પિતા પણ એકની એક દીકરી રેખાને ખૂબ પ્રેમ કરતા હોય છે. પોતાની પત્ની અને અંજનાની ઉપજાવેલી વાતો માનતા નથી. કોઈ ગુનેગાર બનતું હોય છે. કોઈને ગુનેગાર બનાવાતું હોય છે- માનસિક અને શારીરિક અત્યાચાર કરીને. રેખાના કિસ્સામાં એવું જ બને છે. તેના પર આખી જિંદગી માનસિક અને શારીરિક અત્યાચાર કરવામાં આવ્યો હોય છે. સ્પ્રિંગને જેટલી દબાવશો એટલાં બમણાં જોરથી ઉછળે છે. રેખાને વારંવાર માનસિક ત્રાસ આપવાથી એનાથી ગુનો થઈ જાય છે. અંજનાને મોત ભેગી કરે છે. અંજનાએ રેખા પર ન સહન થાય એવો અત્યાચાર કર્યો હોય છે. નવલકથાના અંત ભાગમાં, રેખા અંજનાના માથામાં ઘરમાં પડેલી મૂર્તિ મારે છે. આખી જિંદગી સહન કરનારી રેખા આ રીતે પોતાનું વેર વાળે છે. રેખા જેવી નિર્દોષ વ્યક્તિ ગુનો કરી બેસે છે.
– આનંદ પરમાર,
પીએચ.ડી. શોધછાત્ર, ભાષા-સાહિત્ય ભવન, ગુજરાતી વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-09
Email – Anandmparmar9@gmail.com
Mo. No. – 9724691445
સંદર્ભ:
(1) ચંદ્રકાન્ત શેઠ, વિશ્વકોશની વેબસાઈટ પરથી
(2) ધીરુબહેન પટેલ, ‘વડવાનલ’, પુનર્મુદ્રણ:૨૦૦૯, પૃષ્ઠ નં. 354
(3) એજન, પૃષ્ઠ નં. 254
(4) એજન, પૃષ્ઠ નં. ૦૨
(5) એજન, પૃષ્ઠ નં. ૦૨
(6) એજન, પૃષ્ઠ નં. ૧૫૬