‘આજે અમર અને અવનીના છૂટાછેડા થઇ ગયા.’ ઘરમાં પ્રવેશતાં જ સુમનરાયે સમાચાર આપ્યા. એ સાંભળીને સંતાનો દેવેન્દ્ર અને રેણુને આશ્ચર્ય અને દુઃખ થયું. પત્ની રમીલાબહેન બોલ્યા, ‘જુઓને, બંનેના લવમેરેજ હતા તો પણ છેવટે આવી નોબત આવી.’ ‘એને તો બિચારાને ખાતર પર દિવેલ જેવું થયું. એક તો લગ્નનો ખર્ચ માથે પડ્યો,અને ઉપરથી પાંચ લાખ રૂપિયા અવનીને આપવા પડ્યા.’ ‘મૂઆ પાંચ લાખ રૂપિયા ! અવનીની અવળચન્ડાઈમાંથી અમરની સાથેસાથે ભાઈભાભી અને ઇશા બધા છૂટ્યા.’ ‘તારી વાત સાચી છે, ચાલો જે થયું તે સારું થયું.’
આ સાંભળીને દેવેન્દ્રના મનમાં અનેક સવાલો ઉઠ્યા, ‘જે થયું તે સારું કેવી રીતે થયું ? લગ્ન પહેલાંનો બંને વચ્ચેનો પ્રેમ લગ્ન પછી ક્યાં અને કેમ ગાયબ થયો ? લવમેરેજ હતાં છતાં લગ્ન કેમ ન ટક્યા ?’ અમર એટલે દેવેન્દ્રના મોટાકાકાનો દીકરો, એના લગ્ન હજી બે વર્ષ પહેલાં જ અવની સાથે થયા હતા. ’લગ્ન એટલે લાકડાના લાડુ, જે ખાય તે પણ પસ્તાય અને જે ન ખાય તે પણ પસ્તાય’ દેવેન્દ્રએ અમરના મોઢેથી આ વાત ઘણીવાર સાંભળી હતી. અત્યાર સુધી તો એ એને મજાક જ સમજતો હતો, પણ વાત જ્યારે છૂટાછેડા સુધી પહોંચી ગઈ, ત્યારે દેવેન્દ્રને એની ગંભીરતા સમજાઈ.
દેવેન્દ્રને લગભગ સાતઆઠ મહિના પહેલાની વાત યાદ આવી. ‘દેવુ, આજે પાર્ટીમાં આવી હતી એમાંથી કોઈ છોકરી તને પસંદ છે કે ? ‘ દેવેન્દ્ર કમ્પ્યુટર એન્જીનિયર થઇને એક સારી કંપનીમાં વર્ષે ૨૨ લાખના પેકેજ વાળી જોબ પર લાગી ગયો. એના સેલિબ્રેશન માટે બેન્કવેટહોલમાં પાર્ટી રાખી હતી. દેવેન્દ્રના મિત્રોને અને થોડા નજીકના સગાઓને બોલાવ્યા હતા. પાર્ટી પતાવીને ઘરે આવ્યા પછી દેવેન્દ્રના પપ્પાએ એને સવાલ કર્યો.
‘પપ્પા, મારે હજી કરિયર બનાવવાની બાકી છે, લગ્નનો વિચાર એ પછી’ દેવુ બોલ્યો.
‘જો દીકરા, હું માનું છું કે કરિયર અગત્યની છે, પણ પરિવાર પણ એટલો જ અગત્યનો છે. જો તને કોઈ છોકરી પસંદ હોય તો બોલ, નહીતર આપણી જ્ઞાતિમાંથી બે સારી છોકરીઓના માંગા આવ્યા છે, ઢીલ કરવામાં એ હાથથી નીકળી ન જવા જોઈએ.’ પપ્પા બોલ્યા.
‘હા, બેટા. તારા પપ્પાની વાત સાચી છે. અત્યારે સારી છોકરી જોઇને સગાઇ કરી રાખીશું. લગ્ન તો એકાદ વર્ષ પછી પણ થઇ શકે.’ મમ્મીએ કહ્યું.
‘મમ્મી, છોકરીને ફક્ત જોવાથી એ સારી છે કે ખરાબ એની ખબર કઈ રીતે પડે ?’
‘બેટા, એ વાતની ખબર તો ક્યારેય પડશે જ નહીં. પપ્પા હસીને બોલ્યા.
‘તમે પણ શું છોકરાને મદદ કરવાને બદલે ઉપરથી મૂંઝવો છો ?’ મમ્મીએ મીઠો છણકો કરતાં કહ્યું.
‘મેં કંઈ ખોટું કહ્યું ? અનુભવી જનો કહી ગયા છે કે સ્ત્રીને સમજવી અઘરી જ નહીં, અશક્ય છે.’પપ્પાએ હસીને કહ્યું.
‘તમે મજાક છોડો અને દેવુને પૂછો કે એને કોઈ છોકરી ગમે છે ખરી ?’
‘ભાઈને એમના ફ્રેન્ડ સર્કલમાંથી સોનલ ગમે છે.’ રેણુ બોલી.
‘કોણ સોનલ ?’
‘આજે પાર્ટીમાં ગોલ્ડન ડ્રેસમાં, એવું જ મેચિંગ પર્સ લઈને, હાઈહિલ ચપ્પલમાં, મોડર્ન હેરસ્ટાઈલ કરીને આવી હતી એ સોનલ.’ રેણુ બોલી.
‘એ છોકરી તો સરસ દેખાતી હતી. દેવુ, તને ગમતી હોય તો આપણે એ બાબતે આગળ વધીએ ?’ મમ્મી પપ્પા એકસાથે બોલી ઉઠ્યા.
‘તમે લોકો પણ શું, ભેંસ ભાગોળે છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ ?’ દેવેન્દ્ર બોલ્યો અને પછી ઉમેર્યું, મને હવે ઉંઘ આવે છે, આપણે એ વિશે ફરી ક્યારેક વાત કરીશું ?
‘સારું. તને ઠીક લાગે ત્યારે કહેજે, પણ જરા જલદી કહેજે.’ પપ્પાએ કહ્યું. દેવેન્દ્રને હાશ થઇ કે ચાલો આ ચર્ચા અહીં સમાપ્ત થઇ ગઈ. પણ બીજા દિવસે સવારે પપ્પાએ ‘આ આરતી છે, અને આ નમ્રતા, બેમાંથી તને કોણ વધારે ગમે છે તે વિચારીને અમને કહેજે.’ એમ કહેતા બે ફોટા દેવેન્દ્રને આપ્યા. દેવેન્દ્રએ ફોટા જોયા, તો ઘડીભર જોતો જ રહી ગયો. બંને છોકરીઓ ખૂબ સુંદર લાગતી હતી. એણે ફોટા પોતાના ટેબલના ડ્રોઅરમાં મૂક્યા. ‘હવે જીવનસાથીની પસંદગી વિશે સિરિયસલી વિચારવું પડશે.’ એવું દેવેન્દ્રને લાગ્યું. એને સોનલ યાદ આવી. સોનલ દેખાવમાં સરસ હતી, ટાપટીપથી એ હતી એના કરતાં પણ વધારે સુંદર લાગતી હતી.
‘સોનલને જીવનસાથી બનાવી શકાય કે કેમ, કોને પૂછવું ?’ દેવેન્દ્ર વિચારી રહ્યો. એને ‘લગ્ન એટેલે લાકડાના લાડુ, જે ખાય તે પણ પસ્તાય અને જે ન ખાય તે પણ પસ્તાય’ એમ બોલતો કઝીન અમર યાદ આવ્યો. એ સાથે જ દેવેન્દ્રને વિચાર આવ્યો, ‘ખરેખર આ વાત સાચી હશે ખરી ? જો સાચી હોય તો શું કરવું જોઈએ કે જેથી પરણ્યા પછી ઓછું પસ્તાવાનું આવે ? એણે અમરને ફોન કરીને પોતાની મૂંઝવણ જણાવી. અમરે કહ્યું, ‘આવી વાતોની ચર્ચા ફોન પર નહીં કરાય, એ માટે તો સમય કાઢીને નિરાંતે મળવું પડે.’
‘તો મળીએ. તું કહે તો હું તારા ઘરે આવી જાઉં ?’ દેવેન્દ્ર બોલ્યો. ’જોજે એવું કરતો’ ‘કેમ ?’ ‘શું કેમ, જોતો નથી ઘરમાં સાક્ષાત જોગમાયા બેઠી છે?’ અમર દબાયેલા અવાજે બોલ્યો. ‘તો પછી ક્યાં અને ક્યારે મળવું છે ?’ ‘કેમ લગ્ન કરવાની બહુ ઉતાવળ છે તને ?’ ‘સાચું કહું તો મને તો જરાય ઉતાવળ નથી, પણ મમ્મીપપ્પા આદુ ખાઈને મારી પાછળ પડી ગયા છે. એમની પસંદગીની કોઈ છોકરી સાથે મને પરણાવી દે તે પહેલાં મારે તને એક વાત પૂછવી છે. તું આ બાબતમાં અનુભવી છે, એટલે મેં તારી સલાહ લેવાનું નક્કી કર્યું છે.’ ‘ઓ.કે. હું તને ક્યાં અને ક્યારે મળવું તે વોટ્સએપથી જણાવી દઈશ.’
અમરના જણાવ્યા પ્રમાણે દેવેન્દ્ર એને કૉફીશોપમાં મળ્યો, એણે પૂછ્યું, ‘લગ્ન એટલે લાકડાના લાડુ, જે ખાય તે પણ પસ્તાય અને જે ન ખાય તે પણ પસ્તાય.’ મારે એ જાણવું છે કે તું આવું કેમ કહે છે ?’ ‘અરે, એ તો અમસ્તી મજાક.’અમરે કહ્યું. ‘સાચું કહેને યાર, મારે લગ્નની બાબતમાં તારા માર્ગદર્શનની ખાસ જરૂર છે, પ્લીઝ’ દેવુ બોલ્યો. દેવુના અતિ આગ્રહથી અમરે એની સમક્ષ પોતાનું હૈયું ખોલ્યું. ‘મને અને અવની ઓફિસમાં સાથે કામ કરતા કરતા પ્રેમ થઇ ગયો. એ દરમ્યાન મારા માટે જ્ઞાતિમાંથી છોકરીઓના માંગાઓ આવવા શરુ થઇ ગયા હતા. લગ્નની વાત નીકળી એટલે મેં મમ્મીપપ્પાને અવની વિશેની મારી ફીલિંગ્સ જણાવી તો એમણે કહ્યું, ‘લગ્નથી માત્ર બે વ્યક્તિઓ જ નહીં પણ બે કુટુંબ જોડાય છે. એટલે બરાબર જોઈ વિચારીને પછી જીવનસાથીની પસંદગી કરવી જોઈએ.’
‘એમની વાત બરાબર છે’ દેવુ બોલ્યો. ‘હા, પણ કહેવાય છે ને કે – ’Advice is seldom welcome, and one who needs it most, always likes it the least.’ મેં પણ એમની સલાહ અવગણી. અવનીના રૂપ અને સ્માર્ટનેસથી હું ખુબ જ અંજાઈ ગયો હતો. મમ્મીપપ્પાએ મને ઘણું સમજાવ્યો કે ‘અમે બતાવીએ એ છોકરીઓને પણ એકવાર મળી લે, એ પછી જ લગ્ન જેવો મહત્વનો નિર્ણય લે.’ પણ મેં એમની એકપણ વાત કાને ન ધરી. અમરે કહ્યું.
‘તો શું અવનીભાભીને કાકા-કાકી સાથે નથી બનતું ? ‘સાચું કહું તો અવનીને માત્ર મારા મમ્મીપપ્પા સાથે જ નહિ પણ મારા કોઈપણ સગાવહાલા સાથે નથી બનતું.’ ‘એનું શું કારણ ?’ ‘એનું કારણ છે અવનીનો એના પિયરિયા પ્રત્યેનો અતિશય પ્રેમ. દરેક છોકરીને પિયરની માયા વધુ હોય એ સ્વાભાવિક છે, પણ જયારે એ લગ્ન કરીને સાસરે આવે ત્યારે એણે પરિવર્તન માટે થોડી તૈયારી તો રાખવી જોઈએ ને?’ ‘પણ પરિવર્તન તો બંને પક્ષે હોવું જોઈએ, ખરું કે નહીં ? ’દેવુએ કહ્યું.
‘તું શું એમ માને છે કે અમે બધાએ એ માટે ટ્રાય નહિ કરી હોય ? સાંભળ, મને બહારનું મસાલેદાર ખાવાનું ઓછું અને ઘરનું સાદું ખાવાનું વધારે ભાવે છે, જયારે અવનીને બહારનું ચટપટું ફાસ્ટફૂડ જ વધારે ભાવે છે, એટલે મન થાય ત્યારે એ ઓર્ડર કરીને બહારથી ખાવાનું મંગાવી લે છે.’ ‘તો એમાં શું થયું ? કોઈવાર બહારનું ખાવાનું ય સારું લાગે.’ ‘હા, પણ કોઈવાર. વારંવાર આવું બંને ત્યારે એ આર્થિક અને આરોગ્ય બંને રીતે નુકસાન કરે છે.’
‘ઓહ ! તો તું ભાભીને સમજાવતો કેમ નથી ?’ ‘શું સમજાવું ? અહીં તો એક સાંધો ત્યાં તેર તૂટે, જેવી હાલત છે. મને સોફ્ટ મ્યુઝીકવાળા ઇન્ડિયન ગીતો ગમે છે, એને ઘોંઘાટવાળા વેસ્ટર્ન ગીતો ગમે છે. મને સારી સારી બુક્સ વાંચવી ગમે છે, એને બુક્સ વાંચવાને નામે જ માથું દુખે છે. મને ન્યુઝ, ક્રિકેટ, કે ક્વિઝ જેવા પ્રોગ્રામ જોવા ગમે છે, એને મેલોડ્રામાવાળી સિરિયલો અને ચીલાચાલુ હિન્દી મુવીઝ જોવા ગમે છે. મને રજાને દિવસે થોડો સમય ઘરમાં રહેવું ગમે છે, અને એને મારી એકપણ રજાના દિવસે ઘરમાં રહેવું પડે તો કીડીઓ ચટકે છે. એને શોપિંગનો ગાંડો શોખ છે, આડેધડ ખરીદીના કારણે પૈસા વેડફાય છે અને ઘરમાં નકામી ચીજોના ઢગલા થાય છે’
‘ઓહ …’ ‘દેવુ, અવની સંયુક્ત કુટુંબમાં રહેતી હતી, એટલે મને લાગ્યું હતું, કે મારા ઘરમાં એ સહેલાઈથી ભળી જશે, પણ એક તો એનું અકડું વર્તન અને ઉપરથી ખંજર જેવી ધારદાર વાણી. તો પણ ‘કજિયાનું મોં કાળુ’ એમ સમજીને એ ફાવેતેમ બોલે તો પણ અમે બધાં ચુપ જ રહીએ છીએ, દૂધમાં સાકરની જેમ ભળી જાય એવી પત્ની હોય તો જીવવાની મજા આવી જાય, એવી મારી કલ્પના હતી. પણ અવની તો મારી અને મારા પરિવાર વચ્ચે સેતુ બનવાને બદલે દિવાલ બનીને ઉભી રહી ગઈ છે. આ લગ્ન કરીને મેં ભયંકર ભૂલ કરી છે, મમ્મીપપ્પા અને ઇશાને દુઃખી કર્યા છે.’ આટલું બોલતાં અમર ગળગળો થઇ ગયો.
‘હું અવનીભાભીને સમજાવવાની ટ્રાય કરું ?’ ‘ના, એવું કરવાથી, એ તારું અપમાન તો કરશે જ, ઉપરથી ઘરની વાત બહાર કરવા બદલ મારી સામે પણ શીંગડા ઉગામશે. હું પણ જોઉં છું, થાય ત્યાં સુધી સહન કરીશ નહીતર પછી…. ચાલ જવા દે એ વાત. તું મારી સલાહ લેવા આવ્યો છે તો ફક્ત એક વાત જાણી લે કે પતિપત્ની બંનેની પસંદ- નાપસંદ મળતી આવતી હોય તો એકબીજા સાથે એડજસ્ટ થવામાં થોડી સરળતા રહે. નહીતર બંનેએ કોમ્પ્રોમાઈઝ કરવું પડે. શરૂઆતમાં આવી બધી બાબતો ભલે નાની લાગે, પણ એ જ બાબતો સમય જતાં મોટો ઇસ્યુ બની જાય.’
‘હા, પણ એકબીજાની પસંદ- નાપસંદ તો સાથે રહીએ ત્યારે જ સમજાયને ?’ દેવેન્દ્રએ પોતાની મૂંઝવણ રજુ કરી. ‘હું પણ એવું જ માનતો હતો, પણ હવે મને ખ્યાલ આવ્યો કે પરણતા પહેલા સામેવાળા પાત્ર સાથે વાતચીત કરીને આ બધી બાબતો જાણી લેવી ખૂબ જરૂરી છે.’ અમર બોલ્યો. ‘યાર, લગ્ન પહેલા તો બંને એકબીજાને ઈમ્પ્રેસ કરવા પોતાની સારી સારી બાજુ જ બતાવે ને.’ દેવુએ પોતાની શંકા પ્રગટ કરી. ‘તારી એ વાત પણ સાચી છે. યાર, આ બાબતમાં શું કરવું જોઈએ અને શું નહીં તેનો ચોક્કસ ખ્યાલ આવતો નથી, હું ધારું છું કે લગ્નમાં જીવનસાથીની પસંદગીની બાબત મમ્મીપપ્પા પર છોડી દઈએ અને એ લોકો જે સૂચવે તે પાત્રને આપણે આપણી રીતે ચકાસી લઈએ તો કદાચ આપણા માટે અને એ લોકોના માટે પણ સારું રહે.’
મારા મમ્મીપપ્પાનું દામ્પત્યજીવન ‘રણમાં મીઠી વીરડી’ જેવું મધુરું અને આહલાદક કેમ લાગે છે તે ખબર છે ?’ અમરે દેવુને પૂછ્યું. ‘ના, પણ મને એનું કારણ જાણવાની ઉત્સુકતા છે.’ ‘મમ્મીએ ઘર અને બાળકોની સંભાળ માટે પોતાની ગાયિકાની કારકીર્દી અને પપ્પાએ કમાવા માટે પોતાનો ક્રિકેટ રમવાનો શોખ પડતો મૂક્યો હતો, એ બંને એકબીજાની લાગણીઓની ખૂબ કદર કરે છે.’ ‘હા, મારા મમ્મીપપ્પા પણ કહે છે કે લગ્નજીવનમાં પ્રેમ કરતાં પણ એકબીજા પ્રત્યે આદર હોય એ ખૂબ જરૂરી છે.’ દેવુ બોલ્યો. ‘યાર, મને તો લાગે છે કે પ્રેમ અને લગ્ન બંને ટકાવી રાખવા માટે જીવનમાં ઘણાબધા સમાધાન કરવા પડે છે.’ અમરે કહ્યું.
અમર સાથેની મુલાકાત પછી દેવેન્દ્રએ સોનલને વારંવાર મળવાનું અને એની પસંદ- નાપસંદ વિશે જાણવાનું નક્કી કર્યું. એક દિવસ મમ્મીએ એને મીઠાઈ લેવા માર્કેટમાં મોકલ્યો, મીઠાઈની દુકાનમાં એની નજર ગુલાબજાંબુ પર પડી, એને ખબર હતી, કે સોનલને ગુલાબજાંબુ બહુ ભાવે છે. ગુલાબજાંબુ લઈને એ સોનલના ઘરે પહોંચ્યો. ગાર્ડનમાં અને કૉફીશોપમાં બંને એકબે વાર મળ્યા હતા, પણ સોનલના ઘરે તો એ પહેલીવાર જ આવ્યો હતો. એની નજર સોનલના ફ્લેટની બહાર આડાઅવળા પડેલા બુટ-ચપ્પલોના ઢગલા પર ગઈ, આ દ્રશ્ય એને અરુચિકર લાગ્યું. એણે ડોરબેલ વગાડી, સોનલે દરવાજો ખોલ્યો. દેવેન્દ્રને અચાનક આવેલો જોઇને એને નવાઈ લાગી. ‘શું વાત છે જનાબ, આજે સવાર સવારમાં ઘરે ?’ એ બોલી. દેવેન્દ્રની નજર એના ચોળાયેલા ગાઉન અને વિખરાયેલા વાળ પર પડી. સોનલ બોલી, ‘આવને’ એટલે દેવેન્દ્ર સહેજ ક્ષોભ સાથે ઘરમાં આવ્યો.
‘બેસ.’ કહેતા સોનલે સોફામાં અસ્તવ્યસ્ત પડેલા ન્યુઝપેપરના ઢગલાને એકબાજુ ખસેડીને એને બેસવાની જગ્યા કરી આપી. દેવેન્દ્ર સંકોચ સાથે બેસતાં બોલ્યો, ‘મમ્મીએ મીઠાઈ મંગાવી હતી તે લેવા નીકળ્યો હતો, ગુલાબજાંબુ જોઇને તારી યાદ આવી એટલે તારે માટે લઇ આવ્યો’ ‘સો નાઈસ ઓફ યુ.’ કહેતા સોનલે સ્માઈલ આપ્યું, સ્માઈલ આપતી વખતે એના ગાલમાં પડેલા ખંજનને દેવુ એકીટશે જોઈ રહ્યો. ‘શું જુએ છે ?’ સોનલે પૂછ્યું એટલે દેવેન્દ્ર નજર વાળી લેતા બોલ્યો, ‘કંઈ નહીં’ ‘મને આવા વેશમાં જોઇને ક્યાંક ગુલાબજાંબુ પાછા લઇ જવાનું તો વિચારતો નથી ને ?’ ચબરાક સોનલે મજાક કરતાં કહ્યું. ‘અરે, ના ના.’ કહીને દેવેન્દ્રએ એની સામે ગુલાબજાંબુનું ટીન લંબાવ્યું, એ લઈને સોનલે ટીપોઈ પર પડેલા ચાના ખાલી કપ-રકાબી અને નાસ્તાની પ્લેટો હટાવીને ત્યાં મૂક્યું. દેવેન્દ્રની નજર ટીપોઈ પર ચાના કપના પડેલા ડાઘ/ગોળ કુંડાળાઓ પર પડી.
ત્યાં જ એક કબૂતર ગેલેરીના દરવાજામાંથી ઉડીને અંદર આવ્યું અને ફોલસિલીંગ પર બાંધેલા માળામાં ઘૂસ્યું. સોનલે પસ્તીમાંથી એક પેપર લઈને એને ઉડાડ્યું. દેવેન્દ્રને ઘરમાં કબૂતરનો માળો જોઇને નવાઈ લાગી. ‘તારા માટે પાણી લઇ આવું’ કહેતા સોનલ કિચનમાં ગઈ. દેવેન્દ્ર બેઠો હતો ત્યાંથી બેડરૂમ દેખાઈ રહ્યો હતો, બેડ પરની ચાદર અસ્તવ્યસ્ત હતી, અને એના પર ઘડી કર્યા વિનાના કપડાંનો ઢગલો પડ્યો હતો. ‘ડ્રોઈંગરૂમ અને બેડરૂમની આ હાલત છે તો કિચન અને બાથરૂમ તો કેવા હશે ?’ દેવેન્દ્રને વિચાર આવ્યો..
દેવેન્દ્રને પોતાનું ચોખ્ખુંચણાક અને સુઘડ ઘર યાદ આવ્યું. એ સાથે જ ‘સવારે ઉઠે એટલે રજાઈની સરખી રીતે ઘડી કરીને મૂકવાની’ દેવેન્દ્રને મમ્મીના શબ્દો યાદ આવ્યા. ’બહારથી આવે ત્યારે બુટચપ્પલ શુરેકમાં ગોઠવીને મૂકવાના, કામ પતે એટલે વસ્તુ જ્યાંથી લીધી હોય ત્યાં પાછી સરખી મૂકી દેવાની, ઈસ્ત્રી થઈને આવેલા કપડા વોર્ડરોબમાં હેંગર પર લગાવીને મૂકવાના, ધોવાના કપડા ક્લોથબાસ્કેટમાં નાખવાના, રાઈટીંગ ટેબલ અને એના પરની તમામ ચીજો સાફસુથરી રાખવાની.’ ‘તું તો આદુ ખાઈને પાછળ પડી જાય છે, મારી મમ્મી છે કે મારી બોસ ?’ ક્યારેક મમ્મીના હુકમથી અકળાઈને દેવેન્દ્ર કહી બેસતો. મમ્મી કહેતી, ‘અમે બધા જ ઘરને ચોખ્ખું રાખવામાં મહેનત કરીએ છીએ, તો તું શાને કતરાય છે ? સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ હોય છે, સમજ્યો ?’ એનાથી અનાયાસ જ પોતાના અને સોનલના ઘરની સરખામણી થઇ ગઈ.
સોનલ સાથેની મુલાકાતો અને વાતચીત દરમ્યાન દેવેન્દ્રને ખ્યાલ આવવા માંડ્યો હતો કે – ‘સોનલને ટાપટીપ પસંદ છે, અને પોતાને સાદાઈ પસંદ છે, સોનલને પાર્ટી- ફંક્શન પસંદ છે, અને પોતાને શાંતિ અને એકાંત પસંદ છે. સોનલ આળસુ છે, જ્યારે પોતે એક્ટિવ છે. જેમ જેમ સોનલ સાથે દેવેન્દ્રને પરિચય વધતો ગયો, તેમતેમ એને ખ્યાલ આવતો ગયો કે સોનલ ઉત્તરધ્રુવ છે તો પોતે દક્ષિણધ્રુવ છે. તેમ છતાં સોનલ જો એનામાં થોડું પરિવર્તન કરે તો પોતે પણ પોતાનામાં થોડું પરિવર્તન કરવા તૈયાર હતો, કેમ કે સોનલ એને બહુ ગમતી હતી. આ દરમ્યાન પપ્પાએ બેત્રણ વાર નમ્રતા અને આરતી બાબતે એની પસંદ પૂછી હતી. છેવટે દેવેન્દ્રએ લગ્ન બાબતે સોનલ સાથે ચર્ચા કરી જ લીધી. સોનલને દેવેન્દ્ર સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો નહોતો, પણ એને માટે થઈને એ ‘I am what I am’ ‘હું જેવી છું તેવી છું’ નો એટીટ્યુડ બદલવા તૈયાર નહોતી. દેવેન્દ્રને ખ્યાલ આવી ગયો હતો કે સોનલ સાથે રહેવું હશે તો એ તો જરાપણ બદલાશે નહીં, પણ પોતાને નહી ગમતા એવા ઘણાબધા એડજસ્ટમેન્ટ પોતે કરવા પડશે.
‘દેવુ, પછી તેં નમ્રતા કે આરતીની બાબતે, લગ્ન વિશે કંઈ વિચાર્યું ?’ દેવુના રૂમમાં પ્રવેશીને મમ્મીપપ્પાએ પૂછ્યું. વિચારોમાં ખોવાયેલા દેવેન્દ્રને નમ્રતા અને આરતી શબ્દો સાંભળીને પોતાના ટેબલના ડ્રોઅરમાં ફોટાસ્વરૂપે બિરાજમાન બે રૂપસુંદરીઓ નજર સામે આવી અને એ મલકાયો. પછી લગ્ન શબ્દ સાંભળતાં જ અમરના શબ્દો ‘લગ્ન એટલે લાકડાના લાડુ જે ખાય તે પણ પસ્તાય અને જે ન ખાય તે પણ પસ્તાય….’ યાદ આવ્યા તો એ ગભરાયો. પછી એની નજર મમ્મીપપ્પા તરફ ગઈ અને એને ‘કિસ્સો કેવો સરસ મઝાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે. પલ્લું તારી તરફ નમ્યાનો તને; મુજને આનંદ ઊંચે ગયાનો છે !’ શ્રી મુકુલ ચોકસીના આ મુક્તક જેવા મમ્મીપપ્પાના મજાના દામ્પત્ય જીવનથી એના મનમાં પ્રસન્નતા વ્યાપી. એને ગોલ્ડન ડ્રેસ અને સુંદર મેકઅપમાં સજ્જ થયેલી સોનલ પોતાના જીવનસાથીના રૂપમાં દેખાઈ, પણ પછી એની અસ્તવ્યસ્ત પર્સનાલીટી યાદ આવી અને એને વિમાસણ થઇ. ‘આજે અમર અને અવનીના છૂટાછેડા થઇ ગયા.’ પપ્પાના શબ્દો યાદ આવ્યા અને એની વિમાસણ વધી પડી.
અનાયાસ એની નજર ટેબલ પર મુકેલા કેલેન્ડરમાં લખેલા વાક્ય ‘The more you Leave, the more you Live.’ પર સ્થિર થઇ. ‘કોને છોડું અને કોને અપનાવું?’ એ મૂંઝાયો. ‘શું કરવું અને શું ના કરવું’ના વિચારોમાં દેવેન્દ્ર અટવાયેલો હતો, બરાબર ત્યારે જ એના રૂમની ભીંત પર ટાંગેલી ઘડિયાળમાં દસના ડંકા વાગ્યા. દેવેન્દ્રની નજર ઘડિયાળના ડાબે જમણે ઘૂમતા લોલક પર સ્થિર થઇ ગઈ. એને લાગ્યું કે અત્યારે એના મનની સ્થિતિ પણ ઘડીમાં ડાબે તો ઘડીમાં જમણે ઘૂમતા…. આ ઘડિયાળના લોલક જેવી જ થઇ રહી હતી.