સમગ્ર જીવસૃષ્ટિમાં મનુષ્ય જ સામાજિક પ્રાણી છે. આથી તેને કંઈક નવું નવું શીખવાની શોધવાની સતત જિજ્ઞાસાવૃત્તિ રહે છે. વળી, તેના સ્વભાવનું એક આગવું લક્ષણ, પોતાના જીવનમાં આવતી મુશ્કેલીઓનો તોડ કાઢવાનું. આ સ્વભાવે તેને વિચારતો કર્યો, સંશોધન કરતો કર્યો અને પુરુષાર્થી બનાવ્યો. વળી તે પોતાના આસપાસના પ્રાકૃતિક તત્વોના રહસ્યોને પામવાની ગડમથલ કરતો પણ થયો. કહેવાય છે કે, ‘‘વિશ્વના જે પુરાણો છે, તે પુરાણોના જે કથાનકો છે અને તે કથાનકોના જે પાત્રો છે તે સર્વના મૂળમાં આપણા પૂર્વજ આદિમાનવની કલ્પનશક્તિ જેને અંગ્રેજીમાં mith-making કહે છે તે પડેલી છે.’’
આ શક્તિ દ્વારા માનવીએ ઝંઝાવાતો, સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિ વિશે આગવી કલ્પનાઓ કરી. તેણે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એટલે જન્મ-મરણ અંગે પણ વિચાર્યું. તેને આ સર્વબાબતો ચમત્કારિક ભાસી. આમ, આ અંગે વિચારતાં વિચારતાં તેની કલ્પના શક્તિનો વધુને વધુ વિકાસ સધાયો. અંતે હૃદયના ભાવ અને કલ્પનાનો મેળ મળતાં એમાંથી લોકસાહિત્યનો એટલે કે માનવ જાતિના ઉષઃકાળનો જન્મ થયો.
લોકસાહિત્યનો જન્મ :
ઈ. સ. 1946માં વિલિયમ જ્હૉન થોમસે, અને એનીયે પહેલાં પુરાતત્વવિદો અને ગ્રિમ-બંધુઓ જેવા લોકોએ આરંભેલા લોકજીવનના જુદાં-જુદાં પાસાંના અભ્યાસક્ષેત્રને ‘ફોકલોર’ (FolkLore – લોકવિદ્યા) એવું નામ આપ્યું. તેની શાખા તે ‘ફોકલિટેચર’ (Folk literature – લોકસાહિત્ય). તેને અનાદિકાળથી આજ દિન સુધી પોતાની ગોદમાં સાચવતી આ લોકસંસ્કૃતિ માત્ર અદીઠ કાળથી જીવી જ નથી ગઈ, પણ હજારો-લાખો વરસથી માનવસમાજનાં મોટા સમૂહને ઘડતી રહીને જીવન જીવવાનું વિધાયક બળ પૂરું પાડી રહી છે. આથી જ તો આવી આગવી લોકસંસ્કૃતિ વિશે ડૉ. વેરીઅર અલ્વીન કહે છે કે, ‘‘દીન, હીન, અભણ, પછાત તે પ્રાચીન જાતિઓની પણ જેની શબ્દ, સ્વર, લય અને તાલના સમન્વયની સાધના જોઈને આપોઆપ મસ્તક નમી પડે એવી તે મહત્તમ છે.’’
તો વળી બળવંતરાય ક. ઠાકોરે તો આ જ કારણોસર તેને ‘હીન – સંપન્ન છતાં મહાત્મ્ય-બીજ સંસ્કૃતિ’ તરીકે તેની સરાહના કરી છે.
લોકસાહિત્યની ઓળખ :
લોકસાહિત્યને આમ તો કોઈ વ્યાખ્યામાં બાંધી શકાય તેમ નથી છતાં તેનો ખ્યાલ આ રીતે આપી શકાય.
(1) ડૉ. બાર્કરના મતે, ‘‘લોકસાહિત્ય એટલે અસંસ્કૃત લોકોનું જ્ઞાન સંસ્કૃતિથી દૂર રહેવાવાળા જાતિ-સમૂહોનું જ્ઞાન.’’ (2) ‘‘લોકસાહિત્ય એ હકીકતે લોકવાણીનો એવો આગવો ને ખુલ્લો પ્રદેશ છે; જેમાં આ ત્રણેય પ્રકારની વાણીનો સમાવેશ થાય છે: (i) બોલાતી (Spoken) (ii) ગવાતી (Sung)અને (iii) કેવળ સઘોષ નાદ (Voiced).’’ ‘સાહિત્ય’ શબ્દ જોડીને જ ભલે આપણે ‘લોકસાહિત્ય’ બોલતા હોઈએ, પણ એ મૂળ પદાર્થ સાહિત્યનો નથી એ સ્પષ્ટતા અનિવાર્ય છે.
અને અંતે લોકસાહિત્યના અભ્યાસ પરથી વિશ્વનો લગભગ સર્વમાન્ય મત ઘડાયો, ‘‘લોકો થકી, લોકો માટે, લોકો વચ્ચે રહીને જે રચાયું તે લોકસાહિત્ય.’’ અંગ્રેજીમાં કહીએ તો, ‘‘Of the people, by the people and for the people.’’
દરેક પ્રજાને પોતાનું થોડું ઘણું પણ આગવું લોકસાહિત્ય હોય છે. એના અનામી સર્જકો વ્યક્તિઓ મટી લોકમુખ બન્યા હોય છે અને તેથી એમાં સંઘોર્મિઓનું (સાંધિક) ઊર્મિઓનું ગાન હોય છે, એ સાર્વજનિક બની જતાં લોકસમૂહ એમાં કંઈક ને કંઈક ઉમેરણ પણ કરતો હોય છે. એનું કર્તૃત્વ, ભલે અભણ પણ સંવેદનશીલ નરનારીઓ કરતાં હોય છે. હોઠે આવે તેવી તળપદી વાણીમાં મૂર્ત થતો કાલોઘેલો, નિર્વ્યાજ, ભાવસુંદર લલકાર, વગડાની સુંદરતાનો અનુભવ કરાવે છે. યથાપ્રસંગ મર્માળી, લાઘવભરી અને લોકકલ્પનાને સૂઝે એવી મૌલિક અલંકારોથી ઓપતી વાણી લોકસાહિત્યને સાહિત્યગુણે સમૃદ્ધ બનાવે છે. લોકસાહિત્યમાં થતી રસનિષ્પતિ બહુ હૃદયંગમ હોય છે. શ્રી રણજિતરામ વાવાભાઈએ (ઈ. સ. 1905) પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદમાં ‘લોકગીત’ નામાભિધાન આપ્યું. તેમણે ‘Folk-song’ ઉપરથી ‘લોકગીત’ એ શબ્દપ્રયોગ પ્રથમ વખત ગુજરાતી સાહિત્ય પરિષદમાં વાંચેલા નિબંધમાં કર્યો.
લોકગીત :
(1) ‘‘લોકગીત એ લોકસાહિત્યનું હૃદય છે.’’
(2) ‘‘લોકજીવનના અવ્યક્ત મનમાંથી અનાયાસે ઉદ્દભવતા મનોભાવોની લયાત્મક અભિવ્યક્તિ એ લોકગીત.’’
લોકગીતનું સ્વરૂપ :લોકગીતના સ્વરૂપને આ પ્રમાણે વર્ણવી શકાય : (1) હાલરડાં, બાળગીતો, બાલકૂદણા અને ઉખાણાં:
ઉદા.,
– ‘‘એક નાનું સરીખડું બાળ રે મા !
આવ્યું છે આપણે આંગણિયે…..’’
– ‘‘પા પા પગલી, ધૂળની ઢગલી,
ઢગલીમાં ઢેલડ, જીવે મારી બેનડ.’’
– ‘‘વારતા રે વારતા,
ભાભા ઢોર ચારતા,
એક છોકરુંરિસાણું………’’
– ‘‘દાદાનો ડંગારો લીધો
તેનો તો મેં ઘોડો કીધો….’’
- ઉખાણાં:
– ‘‘ધોળું ખેતર, કાળા ચણા,
હાથે વાવ્યા, મોંએ લણ્યા.’’ (જવાબ : અક્ષર)
– ‘‘કાળો છે પણ નાગ નહીં,
તેલ ચડે પણ હનુમાન નહીં.’’ (જવાબ : ચોટલો)
(2) ગોરમાનાં ગીતો/સ્ત્રીની અભિપ્સાના ગીતો :
– ‘‘ગોરમા, ગોરમા રે સસરો દેજો સવાદિયા… તમે…
ગોરમા, ગોરમા રે સાસુ દેજો ભુખાળવાં… તમે…
ગોરમા, ગોરમા રે કંથ દેજો કહ્યાગરો,….
તમે મારી ગોરમા છો !….’’
(3) લગ્નગીતો/ખાયણાં :
- વર–કન્યાવળાવેત્યારેકન્યા–પક્ષતરફથીગવાતાંગીત……
– ‘‘સવામણ સોનાની દીવી રે,
અધમણ રૂપાનું ચાડું રે,
દીવી મેલો માંડવા હેઠે રે,
જાય મારા સાજનને અજુવાળાં રે….’’
- કન્યાનીવિદાય વેળા
– ‘‘દાદાને આંગણ આંબલો
આંબલો ધીરગંભીર જો,
એક તે પાન મેં ચૂંટિયું,
દાદા ગાળ ન દઈશ જો.’’
– ‘‘અમે તે લીલા વનની ચરકલડી,
ઊડી જાશું પરદેશ જો
દાદાને આંગણ….’’
સાસુ વહુને હેરાન કરે છે તેના ચિત્રો લોકગીતોમાં મળે છે.
- લોટદળતાં-દળતાં તે ફાકે છે તેવું બતાવતા
– ‘‘તમારી ભૂખો એવી ભૂંડી રે
દળત ફાકશ લોટ…
દળત ફાકશ લોટ…’’
જોખત ન જોખત ઓછો પડ્યો રે,
નણદી બોલશ બોલ..
સાસુ બોલશ બોલ…
ભૂખ્યા પિયોરની ભૂખાવળી રે,
દળત ફાકશ લોટ..
દળત ફાકશ લોટ…’’
- સાસરિયામાંત્રાસવેઠતીસ્ત્રીનુંનિરૂપણ….
– ‘‘ગામમાં સાસરું રે
ગામમાં પિયરિયું રે બોલ,
દીકરી કે’ જો સખ-દઃખની વાતો,
કવળા સાસરિયામાં જીવવું રે લોલ….’’
- ધ્રુવપંક્તિ
– ‘‘વહુ એ વગોવ્યાં મોટાં ખોરડા.’’
વાત્સલ્યભાવ
– ‘‘તમે મારા દેવના દીધેલ છો,
તમે મારા માંગી લીધેલ છો.’’
- કુટુંબનીભવ્યતાનુંલાક્ષણિકદર્શનકરાવતું વર્ણન…
– ‘‘આજ રે સપનામાં મેં તો
ડોલતો ડુંગર દીઠો જો,
ખળખળતી નદી ઉંરે સાહેલી
મારા સપનામાં રે.’’
(4) રાંદલના ગીતો…
- વંધ્યાનીઆરતવ્યક્તકરતાંલોકગીત…
– ‘‘લીંપ્યું તે ગૂંપ્યું મારું આંગણું,
પગલીનો પાડનાર દ્યોને રન્નાદે,
વાંઝિયા મેણાં માતા દોહ્યલાં
વાળ્યું ને બોર્યું મારું આગણું,
કચરાનો પાળનાર દ્યો ને રન્નાદે.’’
(5) પ્રણયગીતો…..
– ‘‘ટકાની કોંસકી લેતો નથી,
લેવા દેતો નથી,
તું સરખો શેલિયો,
મને ગમતો નથી.
ટકાની કોંસકી લેતી નથી,
લેવા દેતી નથી,
તું સરખી શેલળી
મને ગમતી નથી.’’
- કામોત્તેજકવરસાદીમોસમનુંલાક્ષણિકચિત્ર…
– ‘‘કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે,
મેઘ ચડ્યો છે ઘનઘોર !
ડુંગરામાં બોલે છે મોર….
ઝરમર ઝરમર મેહુલો વરસે
ભીંજે મારા સાળુડાની કોર,
ડુંગરામાં બોલે છે મોર…’’
(6) પ્રકૃતિના ગીતો:
- પ્રકૃતિનીઅભિપ્સાનુંગીત…
– ‘‘આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે,
કે ઝીણા ઝરમર વરસે મેહ
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે ?
આભમાં…’’
(7) સામાજિક ગીતો:
- દીકરીછેકેદીકરો? (દીકરો ન હોવાનું મેણું ભાંગતું ગીત)
– ‘‘સાત સાત દીકરીએ દાદો વાંઝિયો કે’વાયો રે,
વાંઝિયો કે’વાયો રે, તેજીમલ ઠાકોરિયો,
તમારા વતીના દાદા ! અમે ચાકરી જઈશું રે,
અમે ચાકરી જઈશું રે, તેજીમલ ઠાકોરિયો.’’
- ભરવાડકોમનીએકમાનિનીનુંગૌરવપૂર્ણચિત્રઉપસાવતું ગીત….
– ‘‘હો રાજ રે, વાવડીમાં પાણી ભરવા જ્યાં‘તાં,
મને કેર કાંટો વાજ્યો
હાં હાં રે, મને કેર કાંટો વાજ્યો.’’
- ભાઈ–બહેનનાઅતૂટબંધનનુંવર્ણન…
– ‘‘આજ તો સોનાનો સૂરજ ઊગિયો,’’
માડીનો જાયો આવશે રે ?
અંતિમ પંક્તિ…
‘‘મારો વીરો તે ભવનો તારણહાર,
માડીનો જાયો આવશે રે !’’
(8) દુહા :
- ‘દુહા’ વિશેનોદુહો
– ‘‘નહિ રાગ નહિ રાગણી,
નહિ ગાણું નહિ ગીત
તો ય મરર વિંદો ચિત,
એવો દુહો અમારા દેશનો.’’
દુહામાં ઉખાણાં, ઉદાહરણ, કહેવતો પણ આવે અને લોકજીવનની સમસ્યા, પ્રશ્નો, હરખ, શોક, વિનોદ, દાતારી, ભક્તિ અને મર્દાનગી – એમ નવ રસ પણ આવે છે.
શ્રી મકરન્દ દવે દુહાને ‘દસમું દ્વાર ખોલવાના આધ્યાત્મિક અર્થ’માં ઘટાવે છે.
ઉદા.
(1) હેમચંદ્રાચાર્યના ‘સિદ્ધહેમ શબ્દાનુશાષન’માંથી (પરદેશ ગયેલો પિયુ (પ્રિયતમ) પાછો આવ્યા બાદ તેને જોવાથી પ્રિયતમાની થયેલી હાલતનું વર્ણન)
– ‘‘વાયસુ ઉડ્ડાવન્તિઅએ પીઉ દીઠ્ઠઉ સહસન્તિ,
અદ્વા વલય મહીહિ ગય, અધ્ધા ફુટ્ટ તડ્ડતિ.’’
‘‘આભ ઉકેલે ભો ભખે, વેધ ન કો હિય વેધ,
અગોચર ગોચર કરે, દુહા દસમો વેદ.’’
(2) કાઠિયાવાડના જગપ્રસિદ્ધ આદર આતિથ્યનો અમર દુહો….
– ‘‘કાઠિયાવાડમાં કો‘ક દી ભૂલો પડ ભગવાન,
થા જો મારો મે‘માન, તને સરગ ભૂલાવું શામળા.’’
તો જ્ઞાન-બોધ વ્યવહાર-દર્શન, ચાતુરી ચિંતન પણ કલ્પના લાગણીનો સંસ્પર્શ પામી, તેમજ (3) માર્મિક ચિત્રાત્મક બાનીમાં થયેલું નિરૂપણ :
– ‘‘મોતી ભાગ્યું વીંધતા, મન ભાંગ્યું કવેણ,
તુરી ભાંગ્યો ખેલતાં, એને નહિ સાંધો નહિ રેણ.’’
(4) દ્વિઅર્થી દુહો :
– ‘‘ગિરી ધી કંથા આભરણ, જાકે મુખ મેં હોય,
સો જાકે નૈના બસે, તાકો સંગ ન કરીએ કોય.’’
અર્થ : ગિરિ એટલે હિમાચલ, ઘી એટલે પુત્રી એટલે હિમાલયની પુત્રી એવી પાર્વતી. એના કંથ એટલે સ્વામી શિવજી અને શિવજીનું આભૂષણ સાપ અને સાપના મોઢામાં ઝેર હોય. આવું ઝેર જેની આંખમાં હોય તેનો ભૂલેચૂકે પણ સંગ કરવો નહીં.
(9) મરસિયાં:
ઓતરા અભિમાનનો મરસિયો એ ખૂબ પ્રચલિત છે. (જુવાન સ્ત્રી વિધવા બને એના ઘેરાં કરુણને નિરૂપતું ગીત….)
– ‘‘આયો આયો અષાઢો મેઘ રે,
વીજળી કરે ઝીણા કટકા,
ઊંચી મેડી રે આસમાન રે,
ત્યાં રે સૂતી રે ઓતરા એકલી.’’
છેલ્લી પંક્તિઓ…..
– ‘‘ભાઈ મણિયારા હાટ ઉઘાડ રે,
ચૂડીઓ કાઢ રે મોંઘા મૂલની,
ચૂડીઓ કાઢી મોંઘા મૂલની,
ભાંગેલી ચૂડી બાઈના કરમની,
ઓતરા બેનને સાસરિયે વળાવ રે,
રઈકો ને બેની બે ચાલિયાં.’’
લક્ષણો :
સામાન્ય રીતે લોકગીતના લક્ષણો આ મુજબ ગણાવી શકાય. :
(1) એના રચનાર અજ્ઞાત (સર્જક) છે. (2) એ સહજ સ્ફુરિત છે. (3) એમાં યત્ન વિનાનું કલાવિધાન છે. (4) એમાં પ્રકૃતિનો મહિમા છે. (5) એમાં માનવહૃદયની ઊર્મિઓ છે. (6) એમાં અનેકમાં એક પ્રાણે પરોવાયેલા હૃદયનો ધબકાર છે. (7) એમાં વ્યક્તિત્વનો સર્વથા અભાવ છે. (8) એમાં શબ્દ સ્વર અને ગતિ-તાનનો સમન્વય છે. (9) એમાં સમૂહને હૈયેને સમૂહને કંઠે ચડે તેવી રચના છે, જેના સંસ્કાર અને સંવેદન સાર્વજનિક છે. (10) એ રચનામુક્ત પણ આંતરિક લયવાળી હોય છે. (11) જે કંઠોપકંઠ વહેતાં આવ્યાં છે, વહે છે અને વહેતાં રહેશે. (12) તેમાં ઘોષ વ્યંજનોનો ઉપયોગ બહોળો પ્રમાણમાં થયેલો જોવા મળે છે. (13) શબ્દાળુતા કે અલંકારના અતિ ઉપયોગ વિનાની લોકભોગ્ય સરળ બાની એ તેનું આગવું લક્ષણ છે. (14) ‘સ્વભાવોક્તિ’ અલંકારનો પ્રયોગ તેમાં વિશેષ જોવા મળે છે. જેથી ગીતમાં ચિત્રાત્મકતાની પ્રત્યક્ષતાની ક્ષમતા વધે છે. ઉદા. ‘‘ડોશીમા ડોશીમા ક્યાં ચાલ્યા ? છાણા વીણવાં…’’(15)તેમાં ‘અતિશયોક્તિ’ અલંકાર એ માત્ર શોભા ન બની રહેતાં ગુણ બનીને આવે છે તો વળી સામા પક્ષે તેને આ રીતે પણ મૂલવી શકાય : (1) વધારે પડતો વિસ્તાર લોકગીતના ભાવ જગતને ક્યારેક પાતળું બનાવે છે. (2) તેમાં પ્રવેશતી એકવિધતા એ તેનું નબળું પાસું પુરવાર થાય છે. (3) તેમાં મહદ્અંશે ટેક જ લખાઈ છે, અંતરાનો લગભગ અભાવ વર્તાય છે.(4) ક્યારેક તેમાં કૃતકતા પ્રવેશતી પણ જણાય છે.
લોકગીતના આ તમામ સ્વરો કેટલાંય કાળ વીંધીને અવિતરપણે ચાલ્યા આવે છે, તેની કોઈ ભાળ મળતી નથી. આ કંઠસ્થ કૃતિઓ ઉપર કંઈ કેટલાય સર્જનહારોના હાથ ફર્યા હશે તેની પણ આપણને ખબર નથી. જેમ સાગર વલોવાયો અને અનેક રત્નો નીકળ્યાં તેવી જ રીતે લોકોના જીવનરસથી તરબતર હૈયાં વલોવાયા અને લોકગીતો નિપજ્યાં. બળૂકી અને સાચુકલી ઊર્મિઓ વલોણારૂપે ઘૂમવા માંડી અને એ હૈયાના વલોણામાંથી જે રત્નો નિપજ્યાં તેનો રસઝરતો થાળ તે આ લોકગીતો.
સાગરકાંઠે છીપલાં વીણતાં બાળકના કુતૂહલથી મેં થોડાંક વીણ્યાં ને ગુંજે ભર્યાં અને પછી ઠાલવ્યાં આપ સૌ રસિક જનોને ખોળે…..
સંદર્ભસૂચિ
1) સં. ડૉ. જાની બળવંત, દવે રાજુલ, ‘લોકગુર્જરી’, અંક-15થી 19, માર્ચ-2000.
2) સંગ્રાહક અને પ્રકાશક : સાઠોદરા નાગર સ્ત્રી સમાજ, અમદાવાદ, ‘ગીતો અને રીત-રિવાજો’ (સાઠોદરા નાગર જ્ઞાતિમાં વિવિધ પ્રસંગોએ ગવાતાં ગીતો અને કરવામાં આવતા રીત-રિવાજો), 1986.
3) સથવારા રતિલાલ, ‘લોકરસ’, ગૂર્જર પ્રકાશન, 2002.
4) સં. ડૉ. જાની બળવંત, ‘લોકગીત : તત્વ અને તંત્ર, ગુજરાતી સાહિત્ય અકાદમી, 2002.
5) પરમાર જયમલ્લ, ‘લોકસાહિત્ય-તત્વદર્શન અને મૂલ્યાંકન’, ગુજ. સાહિત્ય અકાદમી, 1991.
6) સં. તેરૈયા પ્રભાશંકર, પલાણ નરોત્તમ, ‘લોકસાહિત્ય’, ગુજરાતી સાહિત્ય પરિષદ, 1981.
7) મહેતા ર. વા., ‘લોકગીત’, ગુજરાતી સાહિત્ય પરિષદ, 1992.
8) શ્રી મેઘાણી ઝવેરચંદ વ્યાખ્યાન ત્રીજું, ‘લોકસાહિત્યનું સમાલોચન.’
9) ચંદરવાકર પુષ્કર, ‘ગુજરાત દર્શન’ (સાહિત્ય-2).
10) જાદવ જોરાવરસિંહ, ‘લોકજીવન : કલા અને કસબ’, ગૂર્જર પ્રકાશન, 2004.
11) સં. અજમેરી સુમન, ‘લોકજીભે રમતાં જોડકણાં’, ગૂર્જર સાહિત્ય ભવન, 2004.
12) મેઘાણી ઝવેરચંદ, ‘લોકસાહિત્ય-ધરતીનું ધાવણ’, મેઘાણી જન્મશતાબ્દી પ્રકાશન (ખંડ-1-1939) ખંડ-2 (1944) ખંડ-1,2 બંને સંકલિત-1997).
13) યાજ્ઞિક હસુ, ‘ગુજરાતી લોકગીત’, ગૂર્જર ગ્રંથરત્ન, કાર્યાલય, 2007.
14) ડૉ. ગોહિલ નાથાલાલ, ‘ગુજરાતી લોકસાહિત્યનો સાંસ્કૃતિક વૈભવ’, નવભારત સાહિત્ય મંદિર-2013.
15) ડૉ. ગોહિલ નાનાથાલ, ‘લોકસાહિત્ય મીમાંસા’, નવભારત સાહિત્ય મંદિર, 2021.
16) જાદવ જોરાવરસિંહ, ‘લોકસાહિત્યની વિરાસત’, મુખ્ય વિક્રેતા- ગૂર્જર એજન્સીઝ, 2009.
17) સં. પરમાર ખોડીદાસ, ‘ગુજરાતનાં લોકગીતો’, સાહિત્ય અકાદમી, નવી દિલ્હી,1984.
– જાગૃતિ મહેશકુમાર પટેલ
(પીએચ.ડી. વિદ્યાર્થિની)
ગુજરાતી વિભાગ, ભાષાસાહિત્ય ભવન,
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-9
ઇ-મેઇલ :jags86uk@gmail.com
(મો. 9275125313)