લેખ: 3 પ્રતિસાદ: સ્વધ્યાય સંચય

– મીતેષ પરમાર

અનુઆધુનિકયુગમાં વિવેચનક્ષેત્રે કેટલાક અધ્યાપકો અને જીજ્ઞાસુ વિદ્યાર્થીઓ આ પંથે એમની લેખીની ચલાવી રહ્યાં છે. એવા જ એક જીજ્ઞાસુ અધ્યાપક એટલે ડૉ. પ્રવિણ વાઘેલા. વિવેચક પ્રવિણ વાઘેલા વિશે મણીલાલ હ. પટેલ નોંધે છે કે.., “હાલમાં હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે પર રાયગઢ પાસેના રાજેન્દ્રનગરની આટર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક છે. સાહિત્યપ્રીતિને લીધે તે સતત સ્વાધ્યાયરત રહે છે. પરિસંવાદોમાં ભાગ લે છે. લેખો કરે છે ને સારાં વ્યાખ્યાનો સાંભળવા તત્પર રહે છે.” (પૃ. 5 ‘પ્રતિસાદ’) તેમની પાસેથી પ્રથમ વિવેચન પુસ્તક ‘પ્રતિસાદ’ (2019) પ્રાપ્ત થાય છે.

          ‘પ્રતિસાદ’ 21 લેખોનો સંચય છે. જેના દરેક લેખ ગુજરાતી સાહિત્યના માતબર સામયિકમાં પ્રકાશિત થયેલ છે. ગદ્યસાહિત્યમાં મોટેભાગે નવલકથા-વાર્તા વિશેના અભ્યાસ લેખો સમાયેલા છે. જેમાં ‘લોકસાહિત્ય-સંશોધન’, ‘વિવેચન પ્રક્રિયા’ જેવા લેખો પણ જોવા મળે છે. અહીં વિવેચક પ્રવિણ વાઘેલાની જોવા મળતી તર્કબુદ્ધિ અને ભાષાશૈલીમાં સમાયેલ વર્ણશક્તિ સાથે ‘પ્રતિસાદ’નું અવલોકન કરવાનો મારો હેતુ છે.

          વિવેચક પ્રવિણ વાઘેલા સંચયના પ્રથમ લેખ “’લાગણી’ : સારા માણસ થવાની ખેવના” માં ગ્રામીણ પરિસરને અને પાત્રોને પ્રભાવક રીતે આલેખે છે જેમાં મુદ્દાની વાત સમજાવીને પ્રેરણા રજૂ કરે છે. આ વિશે વિવેચક કૃતિ માણીને અંતે બોધરૂપી જણાવે છે કે…., “આમ, ‘જનમભૂમિ’ માં હપ્તાવાર પ્રગટ થયેલી આ કૃતિ વસ્તુસંકલન, ચરિત્ર, ચિત્રણ, ભાષાની ઈબારત અને દર્શનના ઘટકોમાં તેના ગ્રામીણ પાત્રો તેમનાં ખરાં વ્યક્તિત્વો સમેત પ્રગટ થયાં છે. તેનો નાયક લાલજી તેની સારયની એક આગવી છાપ ભાવક પર છોડી જાય છે.” (પૃ. 15). ‘લાગણી’ ઉપરાંત રઘુવીર ચૌધરીની બીજી નવલકથા ‘એક રૂપકથા’ ના લેખ “સાચા સૌંદર્યનું મહિમાગાન : ‘એક રુપકથા’” માં વિવેચકની વર્ણનશક્તિ થકી ભાષાશૈલીનો ભ્રવાવ જોવા મળે છે કે.., “ભારતીય સમાજની વર્ષો જૂની કુરિવાજ ગણાતી બાળલગ્નની ઘટના. સર્જકે ગૌરી અને બળવંતસિંહના બાળલગ્નને ઊંડાણમાં લઈને સૌંદર્ય, સત્ય અને વ્યક્તિત્વના વિભિન્ન હકારાત્મક પાસાંઓનું ઝીણવટથી નકશીકામ કર્યું છે. બંને પાત્રો રૂપની બાબતમાં સામ-સામે છેડે છે. ગૌરી છે રૂપરૂપનો અંબાર. તેની બહેનપણી એલિટ તેને પ્રથમવાર એક સંગીત કાર્યક્રમમાં જોતાં બોલી ઊઠે છે, ‘અસલ ભારતીય ચહેરો !’ ગૌરીની બરાબર વિરોધમાં બાળ-બુદ્ધિ, વિદ્યા બધુંજ નોખું પણ મોં પર સુંવાળપનું નામ નહીં એવો બરછટ, પડછંદ સાચા આર્થમાં બળવંતસિંહ.” (પૃ. 17).

          હરેશ ધોળકિયાની નવલકથા ‘અંગદનો પગ’ વિશેના લેખ “વૈચારિક સંઘર્ષની કથા : ‘અંગદનો પગ’” માં શિક્ષણ જગતની વાત કરતાં વિવેચક પ્રવિણ વાઘેલા નોંધે છે કે.., “નવલકથામાં સ્થળ સંઘર્ષ ઓછો છે પણ વૈચારિક સંઘર્ષ આહલાદક છે. રાજકારણની ગંદી રમતો દ્વારા શાહ સાહેબને પરેશાન કરતાં દવે લાયકાત ન હોવા છતાં શાળાના આચાર્ય બની જાય છે. વર્તમાનપત્રો દ્વારા પ્રકાશમાં રહી કિરણ દવે શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રપતિ એવોર્ડ પણ જીતી લાવે છે. આ બધી ઘટનાઓનું આકર્ષણ બયાન વર્તમાન શિક્ષણ પ્રણાલીને સુપેરે ચીંધી બતાવે છે.” (પૃ. 21, 22). ગુજરાતીમાં સુધામહેતા દ્વારા અનુવાદ થયેલી ‘એલ્કેમિસ્ટ’ નવલકથાના લેખ “સ્વપ્નસિદ્ધિની શોધ : એલ્કેમિસ્ટ”માં વિવેચકે નાયક સાન્ટિયાગોની યાત્રાને સ્વપ્નસિદ્ધિની શોધ માટે સાહસ, સંઘર્ષ અને પરિશ્રમને અનિવાર્ય ગણાવીને તેની હિંમતને આલેખી બતાવી છે. જેમાં લેખનાં અંતમાં જોવા મળતી વિવેચકની તર્કબુદ્ધિ થકી વર્ણનશક્તિ જોઈએ તો…, “આમ, સમગ્ર કથામાં સર્જકનું ઘીર ગંભીર છતાં સ્વસ્થ અને આસ્વાદ્ય સર્જકકર્મ અછતું રહેતું નથી. જીવન વિશેની તેમની વિશદ્ વિચારણા સાન્તિયેગો, કીમિયાગર, વૃદ્ધ, વૃદ્ધા, અંગ્રેજ જેવાં અનેક પાત્રોના માધ્યમથી સબળ રીતે મુકાઈ છે. જીવનના એકધાપણામાંથી છૂટવા આપણે શું કરવું જોઈએ તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહેલું કે જ્યારે એક ભાતમાં જીવન વહે ત્યારે તમે જીવતા નથી રહેતા. જીવતા મરવું એટલે જોખમો ઊઠાવવા. તમારી કિંમત તમારે ચૂકવવી એવું કરવું જે કોઈ વાર તમને ભય પમાડે છતાં તમારે કરવું જોઈએ કારણ કે તમને ગમે તે ન પણ ગમે.” (પૃ. 27).

          મણિલાલ હ. પટેલની ‘અંજળ’ નવલકથાના લેખ, “’અંજળ ’: આસ્વાદમૂલક અવલોકન” માં વાસ્તવાદી કૃતિ તરીકે ઘટાવીને એના વિશેષો તારવ્યાં છે. જેમાં વિવેચકની વિસેશ રીતે તારવવાની તર્કબુદ્ધિનો સુપેરે ખ્યાલ આવે છે, જેમ કે…, “મહેનતનું ખાવું અને પારકાંને મદદ કરતાં રહેવી” (પૃ. 29).

          “કરમ વનાનો ધરમ કથા કામનો નહીં, ભૈ” (પૃ. 29)

          “માસ્તર એટલે મનેખને ઘડનારો – જીવતરમાં ખરા-ખોટા પાઠ ભણાવનારો એ તો માસ્તર જ…… !” (પૃ. 29)

          વિવેચક પ્રવિણ વાઘેલાએ લેખ ક્રમ નંબર છઠ્ઠાથી પંદર સુધી વાર્તાસૃષ્ટિને જ માણી છે, જેમાં મણિલાલ હ. પટેલના વાર્તાસંગ્રહ ‘બાપાનો છેલ્લો કાગળ’ ના લેખ “સમાજ, વાસ્તવ તથા સંઘર્ષની સંતર્પક વાર્તાઓ” વિશે તેઓ નોંધે છે કે…, “વાર્તાસંગ્રહની મોટાભાગની વાર્તાઓમાં વતન વિચ્છેદની તીવ્ર વેદના અને સામાજિક વાસ્તવનું સૂક્ષ્મ આલેખન થવા પામ્યું છે. વતન, ગામ, સમાજ અને સ્વજનોના અનેકવિધ ભાવભર્યા નિજી અનુભવોનો રસથાળ આ વાર્તાઓ આપણને સંપડાવે છે. તળપદી બોલીનો સૂઝભર્યો ઉપયોગી અને ગામઠી કહેવતો દ્વારા ઉપસતું ગ્રામ્યભાષાનું બળકટ પોત પસપ્રદ છે. ટૂંકીવાર્તા જ નહિં સાહિત્ય માત્રનું કોઈપણ સ્વરૂપ બિનયાંત્રિક અને સાહજિક રીતે અભિવ્યક્તિ પામે તો તે ચોક્કસ ભાવકોનો આવકાર પામે છે.” (પૃ. 32). આમ, વિવેચક પ્રવિણ વાઘેલાએ વાર્તાઓનું કથાવસ્તુ ટૂંકમાં આલેખીને પાત્રાલેખન, વર્ણન, ભાષા, રસ અને સંઘર્ષનું સરસ રીતે તેઓએ આલેખન કર્યું છે. જેમાં તેમની વાર્તાકલા વિશેની સૂઝ સુપેરે વ્યક્ત થાય છે. આ ઉપરાંત એવી જ રીતે માય ડિયર જયુંના વાર્તા સંગ્રહ ‘સંજીવની’ ના લેખ “ટૂંકીવાર્તાઓમાં ‘સંજીવની’ છાંટતા માટ ડિયર જયું”માં પણ તેમની વર્ણકલાની સૂઝ જોવા મળે છે. તેઓ નોંધે છે કે…, “આમ, ‘સંજીવની’ ની વાર્તાઓમાંથી પસાર થતાં ભાવકને સભરતાનો અનુભવ સહજતયા થાય છે જ. માય ડિયર જયું ટુંકીવાર્તાનાં સાચા મર્મજ્ઞ જીવ છે. વાર્તાને ચલાવવાની કુશળતા, કથનની હળવાશભરી હથોટી અને સચોટ અંતથી તેમની વાર્તાઓ ભાવકપ્રિય બની રહે છે.” (પૃ. 52)

          વિવેચક પ્રવિણ વાઘેલા ભગીરથ બ્રહ્મભટ્ટના વાર્તાસંગ્રહ ‘મીઠા વગરનો રોટલો’ ના લેખ “સરેલા સમયનું સર્જનાત્મકરૂપ” માં વાર્તાસૃષ્ટિ માણીને નોંધે છે કે.., “આ વાર્તાઓની ધ્યાનપાત્ર વિશેષતા એ છે કે, ગામડું તેના વૈવિધ્યભર્યા મનહર રૂપોમાં તો અભિવ્યક્ત થયું જ છે સાથે સાથે તેની મર્યાદાઓથી પણ આપણું ધ્યાન ખેંચે છે. ગામડાની સારપ સાથે તેની ત્રુટિઓને સર્જકે લક્ષ્યમાં લીધી છે. ગામ અને શહેર બંનેનો નિજી અનુભવ સર્જકે યોગ્ય રીતે ખપમાં લીધો છે.” (પૃ. 55). દલપત ચૌહાણના વાર્તાસંગ્રહ ‘મૂંઝારો’ પરના લેખ “દલિત વ્યથા-કથાનું આકર્ષક નિરૂપણ”માં શોષિતોની વ્યથા ચીંધી બતાવતી વાર્તાઓનો સમીક્ષાત્મક ગરીતે આસ્વાદ વિવેચક પ્રવિણ વાઘેલા આપણી સમક્ષ મૂકે છે.

          વિવેચક પ્રવિણ વાઘેલાએ વાર્તાઓની એમની વાર્તા માણવાની કલાસૂઝથી સરસ રીતે આસ્વાદ સમીક્ષાઓ કરી જેમાં રમેશ ર. દવેના ‘ખંડિયેર’ સંગ્રહના લેખ “માનવમનના સંકુલ પ્રવર્તનનું આલેખન : ખંડિયેર”, કિરીટ દુધાતના ‘આમ થાકી જવું’ સંગ્રહ પરના લેખ “સ્વાનુભવનું સાર્થક સ્વરૂપાંતર : આમ થાકી જવું” જેવા લેખોમાં વિવેચકની વર્ણનશક્તિનો ખ્યાલ આવે છે. તો વળી નારીવાદના લક્ષણ લક્ષણ ધરાવતી હરેશ નાગ્રીચાની ‘કૂબો’ વાર્તાની સમીક્ષા પણ અહીં ઉલ્લેખનીય છે. શોષિતોની વેદનાનું બયાન કરતી વાર્તા ‘માત્તનની વાર્તા’ મૂળ મલયાલમ ભાષાના સુપ્રસિદ્ધ વાર્તાકાર તકસી શિવશંકર પિલ્લૈ, જેનો અનુવાદ ગુજરાતીમાં વર્ષાદાસે કર્યા છે. જેમાં ધર્મની આડે થતાં અમાનવીય શોષણની ભુમિકા જોવા મળે છે. તેલગું વાર્તાકાર પાલગુમ્મિ પધ્મરાજની વાર્તા ‘તોફાન’ પરનો લેખ “બદલાતા વ્યક્તિત્વનું બળકટ આલેખન : તોફાન” માં વાર્તાનાયકના મનોસંચલનો અને વરસાદી તોફાન તથા મુસાફરીની ભયાવહતાને સામસામે મુકીને સર્જકે સિદ્ધ કરેલી વાર્તાકલાને વિવેચકે નિપુણતાપૂર્વક દર્શાવી છે. આ ઉપરાંત સંપાદિત પુસ્તક પરનો લેખ પણ ઉલ્લેખનીય છે.

          વિવેચક પ્રવિણ વાઘેલાએ નવલકથા-વાર્તાના લેખ ઉપરાંત બીજા પાંચ લેખ સમાવેલા છે જેમાં ભી. ન. વણકરના વિવેચન પુસ્તક ‘નવોન્મેષ’ નું અવલોકન “દલિત સાહિત્ય વિવેચનનો વિશિષ્ટ ગ્રંથ : નવોન્મેષ” હસુ યાજ્ઞિકના પુસ્તક, ‘લોકસાહિત્ય સંશોધન પદ્ધતિ’ નો લેખ “લોકસાહિત્યના સંશોધન માટે પાયારૂપ ગ્રંથ”, રમણલાલ જોષીનું પુસ્તક, ‘વિવેચન પ્રક્રિયા’ પરનો લેખ “વિવેચન પ્રક્રિયા : લેખકની સરાહનીય સજ્જતા”, ભરત ઠાકોરનું એમ. ફિલ. કક્ષાનું સંશોધન પુસ્તક ‘ગુજરાતી અને હિન્દી ભાષાના પ્રથમ માન્ય શબ્દકોષ-એક તુલનાત્મક અધ્યયન’ પરનો લેખ “ગુજરાતી-હિન્દી કોસનું તુલનાલક્ષી ધ્યાનાર્હ અધ્યયન” અને વિનોદ ભટ્ટની આત્મકથા ‘એવા રે અમે એવા….’ પરનો લેખ “હાસ્ય લેખકના વ્યક્તિત્વને નર્મ-મર્મથી ઊજાગર કરતી આત્મકથા : એવા રે અમે એવા….” જેવા લેખો પણ તેમની કલમથી આકર્ષક બન્યા છે.

          આમ, વિવેચક પ્રવિણ વાઘેલાએ 21 લેખોના આ સંચયમાં તેમની તર્કબુદ્ધિ, વર્ણનશૈલીમાં જોવા મળતી ભાષાશૈલી થકી એમની વિવેચન શક્તિની ખરી કસોટી સુપેરે વ્યક્ત કરી છે, જે ગુજરાતી સાહિત્ય માટે ગણનાપાત્ર બની રહે છે.

સંદર્ભગ્રંથ :

          ‘પ્રતિસાદ’ – પ્રવિણ વાઘેલા.

          વિક્રેતા : ફ્લેમિંગો પબ્લિકેશન્સ, અમદાવાદ.

          પ્રથમ આવૃત્તિ : 2019, મૂલ્ય – 175.

મિતેષકુમાર સી.પરમાર

ગુજરાતી ભાષા – સાહિત્ય કેન્દ્ર

ગુજરાત કેન્દ્રીય વિશ્ર્વવિધાલય

ગાંધીનગર