મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યના આવિર્ભાવોથી સમૃદ્ધ રહ્યું છે. જ્ઞાનમૂલક ભાવોને વિશેષ રીતે અનુભવી કવિ અખા ભગતે વિવિધ કૃતિઓ દ્વારા વર્ણવ્યો છે. તેમની ખ્યાતિ જ્ઞાનીકવિ તરીકે રહી છે. શુદ્ધાદ્વેતના રંગે રંગાયેલા હોવા છતાં કોઈ એક દર્શનમાં એ પુરાયેલા રહ્યા નથી. ‘પંચીકરણ’, ‘ચિત્તસંવાદ’, ‘કૈવલ્યગીતા’, ‘અનુભવબિન્દુ’, ‘છપ્પા’, ‘બારમાસી’, ‘અખેગીતા’ આદિ કૃતિઓમાં તેમણે ભક્તિમીમાંસાના દર્શનરૂપો મૂકી આપ્યા છે. અહીં ‘અખેગીતા’ કૃતિમાં ભક્તિ-જ્ઞાનની સમન્વયધારાને જોવાનો ઉપક્રમ છે.
‘અખેગીતા’ અખાની અંતિમ રચના રહેલી છે. ૪૦ કડવાં અને ૧૦ પદોમાં રહેલી છે. તે સમયના પ્રસિદ્ધ સ્વરૂપો આખ્યાન અને પદનો જાણે કવિએ સમન્વય કર્યો હોય !! કવિનાં સમયમાં ગીતા મહાત્મ્ય વિશેષ પ્રચાર-પ્રસારમાં રહેલો ગ્રંથ હશે તેથી જ આ જ્ઞાની કવિ અદ્વેતવિચારમાંથી દ્વેતવિચારમાં આવેલા આ કૃતિમાં નજરે પડે છે. આ ‘અક્ષયગીતા’ તે જમાનાનું લોકપ્રિય સાહિત્યસ્વરૂપ આખ્યાનની જેમ કડવાબદ્ધ કલેવર ધરાવે છે. દર્શનશાસ્ત્રની રીતે તેમાં ૧૦ ભાવવાહી પદો સમન્વયરૂપે મુકાયેલાં છે. કૃતિમાં જ્ઞાનભક્તિનો સમન્વયમાર્ગ કવિએ દર્શાવ્યો છે. જ્ઞાનગંગાને-વેદાંતસિદ્ધાંતોને સમુચિત સરળ દ્રષ્ટાંતોથી કૃતિમાં મૂકી જીવનસિદ્ધાંતોનું સ્પષ્ટીકરણ કરાવ્યું છે.
‘અખેગીતા’ મોક્ષદાયિની મહાવિદ્યાનું જ્ઞાન આપતી કૃતિ છે. કૃતિનો પ્રારંભ ગુરુગોવિંદની સ્તુતિથી થાય છે.
જ્યમ રવિ દેખાડે રવિધામને, ત્યમ ગુરુ દેખાડે રામ,
તે માટે ગુરુ તે હરિ, ભાઈ ! ગુરુ-ગોવિંદ એહેવું નામ – ૭
જેવી રીતે સૂર્ય પોતાની અંદરના ‘હિરણ્યમય પુરુષ’ને –સૂર્યમંડળના સાચા તેજને દેખાડે છે તેમ રામને-સર્વવ્યાયી પરમાત્માને દેખાડે છે. આ રીતે કવિ દરેક કડવાંને અંતે હરિ-ગુરુ-સંતને સેવવાનો આદેશ આપે છે. કડવાં-૨માં પૂર્વ કવિઓના મહાન પ્રદાન અંગે વિસ્તારથી વર્ણવે છે. પ્રણવ મંત્રના સાડા ચાર માત્રામાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અંગે વિસ્તારથી વર્ણવી, કડવાં-૩માં આત્માના સત્યસ્વરૂપને પામવા માટે જીવમાંથી શિવ બનવાની યાત્રા નિરૂપે છે. ‘માયાથી બ્રહ્માંડની ઉત્પત્તિ’ ‘જીવ સાથે માયાની ઠગાઈ’માં ઈશ્વરની માયા તે ઈશ્વરી જ છે. તેનો મર્મ સમજે તો મુક્તિ માટે રહેલું તત્વ છે. તેના વેદાન્તી દ્રષ્ટાંતોથી ગુઢ ચર્ચા કરેલી જોવા મળે છે. કડવું-૮માં જોગ અષ્ટાંગ અંગ વિશે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ અંગે વર્ણવી સિદ્ધિઓના આવરણની મર્મગાહી વિચારણા કરી છે. પદ-૧૩માં બ્રહ્મજ્ઞાનનું રહસ્ય, કડવું-૧૩માં બ્રહ્મજ્ઞાની જીવન્મુક્ત આત્માના લક્ષણો બ્રૃહદારણ્ય ઉપનિષદ્ સાથે સંલગ્ન વર્ણવ્યા છે. કડવું-૧૪ તત્વદર્શન પુરુષમાં ચૈતન્યતત્વ વિલસી રહ્યું હોય તેના દ્રષ્ટાંતો આપી, મહત્વ સ્પષ્ટ કર્યું છે.
કડવાં-૧૯માં ‘જીવની બ્રહ્મ સાથેની એક્તા’ કડવાં-૨ સુધી બ્રહ્મને સમજવા માટે પાયાના સિદ્ધાંતો સમજાવ્યા છે. અપૂર્વ એવા બ્રહ્મનો મનને વાણીથી થતો વિસ્તાર મિથ્યા છે તેવું કડવા-૨૪માં જ્ઞાનચર્ચા વર્ણવી છે. જેમ લાકડામાં અને પથ્થરમાં અગ્નિ સમાયેલો જ છે તેમ દેહની સાથે પરબ્રહ્મ વીંટળાયેલો છે તેની તત્વમૂલક વિચારણા કડવા-૨૫માં વર્ણવી છે. કડવું-૨૮માં વિદેહી સ્વરૂપને વર્ણવી હરિ-ભક્તિની એક્તા દર્શાવી છે. જુઓ :
પાત્રમાંહે હેઠો દીઠો, પણ પાતાલ માંહે નથી પડ્યો
અણલિંગી પદ એમ જાણો…
કડવું-૩૦માં શ્રુતિ, સ્મૃતિ પુરાણ પરંપરા અને યોગ, ન્યાય, મીમાંસા આદિ શાસ્ત્રો અવિદ્યાદોષને કારણે દેહાભિમાન સેવતા જીવને માટે સત્ય બોધ થઈ શકે પણ મોક્ષ તો હરિ-ગુરુ-સંતને પ્રાપ્ત કરનારને મળે છે તેવું વર્ણવ્યું છે. કડવું-૩૧ થી કડવા-૩૫માં સાંખ્ય-વેદાંતની ગુણવત્તા, છ દર્શનશાસ્ત્રોનો મહિમા, સત્સંગ મેળવવા માટેની તત્પરતા, સત્સંગનું ફળ આદિ વિષયોનું સુચારું-દ્રષ્ટાંતબદ્ધ નિરૂપણ કરી, પદ-૮માં સગુણ-નિર્ગુણ ઉપાસનામાં શ્રદ્ધાબળ વધારવાનો માર્ગ બતાવે છે.
મન-વચન-કર્મથી જે કો ભજશે અખા
તેહનું દ્વેત દેખી મન નહિ જ હીસે – ૪
કડવું-૩૬માં અદ્વેતપદની સિદ્ધિનો ઉપદેશ વર્ણવે છે. અહીં પદ-૯ હિંદી ભાષામાં રહેલું છે. તેમાં બ્રહ્મચૈતન્ય તત્વ એકસરખું જ રહે છે તેમાં પોતે કે બીજો એવા ભેદ નથી. રાત્રી-દિવસ, હદ-બેહદ રહેલા નથી તેથી જ દ્વંદ્વાતીત છે. તે તે શાશ્વત સ્વતંત્ર સત્યસ્વરૂપ છે તેવો મહિમા વર્ણવ્યો છે.
લક્ષાલક્ષ અખા જાહાં નાહીં, તાંહાં સદા સદોહિત સાંઈ – ૪
કડવું-૩૭ થી ૪૦માં કવિએ બ્રહ્મનું વર્ણન અવણ્યનિય છે જેમ ઠંડીને કારણે બરફ જામી જાય છતાં સમુદ્ર જેવો ને તેવો જ રહે છે. તેવું મહાપદનું પણ રહેલું છે. અનંત પરમાત્મા ચક્રાતીત અવસ્થામાં એટલે સહસ્ત્રદલ બ્રહ્મરંધ્રમાં પ્રપંચાતીત રહેલા છે. આ પરમાત્માના દર્શન માટે સદ્દગુરુ કૃપા મળવી જરૂરી છે. સદ્દગુરુ મહાત્મ્ય-લક્ષણો સવિસ્તારથી આપેલા જોવા મળે છે. કૃતિના અંતમાં અખેગીતા મહિમાને વ્યક્ત કરતા કવિએ સંસારરૂપી મોહરાત્રીને દૂર કરવાને આ ગીતા સૂરજની ગરજ સારે છે. માનવી નિરંતર પ્રકાશમય એવા સ્વ-રાજ્યને પામે છે તેવું ફલશ્રુતિરૂપે વર્ણવ્યું છે. કવિએ પોતાને નિમિત્તમાત્ર ગણાવી, ગ્રંથકર્તા નિરંજન પરમાત્મા રહેલા છે. તેવો પરંપરાગત ભાવ વ્યક્ત કર્યો છે. ચરણ-કડીઓની સંખ્યા પરય તે બરાબર રહેલી જણાય છે. સૌથી વિશેષ લોકપ્રિય બનેલું અંતિમ પદ-૧૦માં અગોચરને ગોચર થવાનો અદ્દભુત આનંદ વર્ણવે છે. પરમાનંદને અનન્ય આનંદ ભાવ ચૈતન્યધન પરમાત્માની સત્તા રહેલી છે તેવું હેતુરૂપે વ્યક્ત થયેલું છે.
કહે અખો : આનંદ, અનુભવીને લહેવા તણો એ;
પૂર્ણ પરમાનંદ, નિત્ય સરાઉં, અતિ ઘણો એ – ૧૦/૮
‘રખે કવિ જાણો મુજને’ એવું કહેનાર કવિ ખરા અર્થમાં આ કૃતિમાં સાંગોપાંગ વેદાન્તના રહસ્યોને સરળ કાવ્યબાનીમાં સફળ રીતે મૂકી આપ્યા છે. આ ગ્રંથમાં જ્ઞાની કવિના ભાવ, ભાષા, અભિવ્યક્તિના રૂપોનું દર્શન થાય છે. અનલ, વસુધા, વારિ, પલાશ, અજ, મર્કટ, મીન, મકર, ષડાનન-સ્કંધ, અચ્યુન, સુત્રધાર આદિ શબ્દો સંસ્કૃત પ્રાસાદિકતાનો રણકો સંભળાય છે. તો કેટલીક જ્ઞાનમીમાંસાને વ્યક્ત કરતી સુભાષિતરૂપેની ઉક્તિઓ ગ્રંથનું જમા પાસું બને છે.
જુઓ :
(૧) અગ્નિને સંગે શીત વ્યાયે નહિ (૯.૩)
(૨) જેને પ્રગટે આતમા, તે માયા દોષ સર્વે દહે (૧૨.૩)
(૩) પિપાસા જાય પાન કીધે, શું હોય કીધે જલ લેય ? (૩૨.૪)
(૪) ગુરુ વિના હરિ નવ મળે (૧.૧૦)
(૫) હરિ હરિજનને જે ન સેવે, તે ન પામે નિશ્ર્વે હરિ (૩૪.૫)
કૃતિમાં રહેલા ૧૦ પદો વિવિધ દેશીના રાગોમાં રહેલા છે. તેથી સંગીત તત્વની દ્રષ્ટિ નોંધપાત્ર છે. અર્થાલંકારો અને પ્રાસાનુયુક્ત પદાવલીથી કૃતિ આકર્ષક-પ્રવાહી જોવા મળે છે. કૈવલ્ય-સૂર્ય(રૂપક, ૧૯.૯) હું દારુકની પૂતળી(ઉપમા, ૨.૦) ક્યાં તેલ ને ક્યાં તૂપ ? (વિષમ, ૧.૪) વગેરેમાં કવિની ભાષાસિદ્ધિના દ્રષ્ટાંતો મળે છે. આ કૃતિમાં કાવ્યસિદ્ધિના અનેક ચમકારા કવિને મધ્યકાળના અનોખા જ્ઞાની કવિ તરીકે સ્થાપે છે.
જુઓ :
ચિત્ર દીપ દીસવા લગે, પણ અજવાળુ નવ થાય (૨૫.૮)
નાટકમાં નર નાચ નાચે, ત્યમ ત્યમ સરાહે સંસાર (૨૦.૧૦)
ચંદનને ગંધે કરી, થાયે ચંદન આક પલાશ;
પણ ગાંઠ હોયે વાંસને, તેને ન લાગે વાસ (૩૩.૧૦)
‘માયા અને બ્રહ્મ, જીવ અને જગત વિષયક પોતાના સ્વાનુભવનું ગાન તત્વચિંતનના ઉચ્ચ રંગ પર ઉભા રહીને અખાએ ગાયેલું જણાય છે.’૧ ભક્તિરૂપે રહેલી પંખિણી તેને જ્ઞાન-વૈરાગ્ય બે પાંખ વ્યક્ત કરતાં કવિએ જાણે આ અંતિમ કૃતિમાં ‘સર્વમ્ ખિલ વિદમ્ બ્રહ્મઃ’ની એક્તાનો સમન્વય કરી, અધ્યાત્મ માર્ગમાં દર્શનના આગવા ભાવસ્ફુલ્લિંગોને વ્યક્ત કર્યા છે. સમગ્ર કૃતિ માત્ર મધ્યકાલીન જ નહિ પણ આપણા ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં તત્વદર્શી પીઠિકાને પ્રગટ કરતી અનન્ય અને અદ્વિતીય રહેલી જણાય છે.
પાદટીપ :
૧. મધ્યકાલીન જ્ઞાનમાર્ગીય કવિતા બ. જાની. પૃ.
સંદર્ભ :
અખેગીતા, સંપાદન : ભૂપેન્દ્ર ત્રિવેદી, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, બી. આ. ૨૦૦૨, અખો એક અધ્યયન, ઉ.જોશી, ગુ. વિદ્યાસભા, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ.
રાવલ રાજેશ. જી.
મુલાકાતી અધ્યાપક,
ગુજરાતી અનુસ્નાતક વિભાગ
કે. બી. કૉલેજ, બોટાદ.