– ડૉ. ભરત મકવાણા
ધોરણ-7ના કુમારો અને કન્યાઓમાં ગુજરાતી ભાષાક્ષમતા કસોટીમાં જાતિભેદ જોવા મળ્યો હતો. અહીં કુમારો કરતાં કન્યાઓ ગુજરાતી ભાષાક્ષમતા કસોટીમાં ચઢિયાતી માલૂમ પડે છે.
આપણા સામાજિક વ્યવહારો, સંદેશાવ્યવહારો, સંચાલનો, ઉદ્યોગ-ધંધા આદિ સમગ્ર તંત્ર ભાષાના લોપ સાથે લુપ્ત થઈ જાય છે. માનવજીવનમાં ભાષાનું એક અનિવાર્ય સ્થાન રહેલું છે. ભાષામાં વ્યાકરણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો વિદ્યાર્થીઓ વ્યાકરણમાં કચાસ ધરાવતા હશે તો તેઓ ભાષા ઉપર પકડ નહીં મેળવી શકે. વ્યાકરણ એ ભાષાનો પાયો છે. વ્યાકરણરૂપી પાયો જો મજબૂત હશે તો તેના પર ચણાતી ગુજરાતી ભાષાની ઈમારત વર્ષો સુધી ટકી શકશે. ભુકંપરૂપી અન્ય વિદેશી ભાષાઓ ડગાવી નહીં શકે.
ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં ત્રણ વર્ષના શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલા ભાષા વ્યાકરણનું જ્ઞાન કૌશલ્યો અને સમજની સિદ્ધિને તપાસવામાં માટે ગુજરાતી ભાષાની કસોટી આપવી જોઈએ. જેના પરિણામે શિક્ષણના સ્તરને ઊંચે લઈ જવાનો હેતુ બર આવે. તેમજ પ્રાથમિક શિક્ષણના અંતે વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાના વ્યાકરણમાં કેટલા તૈયાર છે, તેમનામાં કઈ કઈ ભાષાક્ષમતાઓની કચાશ રહી ગઈ છે તેનો વિકાસ થાય તે માટે ગુજરાતી ભાષાક્ષમતા કસોટીનો ઉપયોગ મહત્ત્વનો બને છે. આ કસોટીના પરિણામ પરથી અને ભેદપરખ મૂલ્યનું પૃથક્કરણ કરવાથી ક્ષતિપૂર્તિ કરવામાં કઈ ક્ષમતામાં કેવા પ્રકારની કચાશ રહી ગઈ છે તેનો અંદાજ મળશે. આમ, ભાષાક્ષમતા અંગેની વર્તમાન જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.
સમસ્યા ઉદભવ અને મહત્ત્વ :
અધિનિયમ- 2009 ના અધિનિયમ મુજબ 6 થી 14 વર્ષના બધા બાળકોને મફત અને ફરજિયાત તરીકે સ્વીકારાયું છે. આ અધિનિયમને એપ્રિલ-2010 થી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો. વર્ષો સુધી તે પર સતત કામ થયું છે, પ્રયત્નો થયા છે. પંચવર્ષીય યોજનામાં પણ તે અંગે વિચાર-યોજનાઓનો અને ખર્ચનો પ્રવાહ વહેતો થયો છે. છતાં આજ સુધી બધા જ બાળકો માટે સાક્ષરતા સુધીના ધ્યેયને પહોંચાયું નથી. સરકારે અનેક કાર્યક્રમો દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારે સાક્ષરતા દ્વારા માતૃભાષાની કેળવણી અને ક્ષમતા વિકાસના પ્રયત્નો કર્યા છે.
સંશોધક પ્રાથમિક શાળામાં ધોરણ-7માં ગુજરાતી વિષય સાથે 2011 થી બાળકોને ગુજરાતી ભાષાનું, વિષયવસ્તુનું તેમજ વ્યાકરણિક મુદ્દાના જ્ઞાનનું આદાન-પ્રદાન કરતા-કરતા બાળકોમાં વ્યાકરણની કચાસ જણાય તેમજ વિદ્યાર્થીઓની ગુજરાતી વિષયમાં ભાષાક્ષમતા જાણવા માટેની ઉત્સુકતા થઈ જેના લીધે આ સમસ્યાનો ઉદભવ થયો હતો. આમ, આ સંશોધન દ્વારા ધોરણ-7ના વિદ્યાર્થીઓની ગુજરાતી વિષયમાં ભાષાક્ષમતા શોધવાનો ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.
સંશોધન હેતુઓ :
- ધોરણ-7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ગુજરાતી ભાષાક્ષમતાનું માપન કરવું.
- ધોરણ-7માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષાક્ષમતા માપન કસોટીના પ્રાપ્તાંકો પરથી જાતિભેદ ચકાસવો.
સંશોધનમાં સામેલ ચલ અને વિવિધ ચલ વચ્ચેનો આંતરસંબંધ
ચલ એ એક એવું લક્ષણ છે કે જેને વિવિધ મૂલ્યો છે. બીજા શબ્દોમાં ચલ એટલે જે ચલે છે તે. ચલ એક એવી સંજ્ઞા છે કે જેમાં સંખ્યા કે મૂલ્ય (સંખ્યાત્મક કે ગુણાત્મક) લાગુ પાડી શકાય.
(1) સ્વતંત્ર ચલ
જાતિ
કક્ષાઓ – કુમાર કન્યા
(2) પરતંત્ર ચલ
– વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષાક્ષમતા કસોટીમાં મેળવેલાં પ્રાપ્તાંકો.
સંશોધનની ઉત્કલ્પનાઓ
H01 : ધોરણ-7ના કુમારો અને કન્યાઓએ ભાષાક્ષમતા કસોટીમાં મેળવેલ પ્રાપ્તાંકોની સરાસરીઓ વચ્ચે સાર્થક તફાવત નહીં હોય.
સંશોધનનું વ્યાપવિશ્વ, નિદર્શ અને મર્યાદા :
સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રામ્ય અને શહેરી વિસ્તારની કુલ 894 શાળામાં વર્ષ 2020-21માં અભ્યાસ કરતા 23199 વિદ્યાર્થીઓનો વ્યાપવિશ્વમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમજ પ્રાથમિક શાળાના ધોરણ-7ના વિદ્યાર્થીઓ પ્રસ્તુત સંશોધનના વ્યાપવિશ્વનો એકમ બન્યા હતા.
પ્રસ્તુત સંશોધનમાં માહિતી એકત્રીકરણ કરવા માટે નમૂનાની પસંદગી કરવાની હોવાથી સંશોધકે સંશોધન માટે સ્તરીકૃત યાદૃચ્છિક ઝૂમખા પ્રયુક્તિથી નમૂનો પસંદ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રામ્ય અને શહેરી વિસ્તારની 894 શાળામાંથી 150 શાળાઓ પસંદ કરવામાં આવી હતી અને તેમાં અભ્યાસ કરતા હાજર 3480 વિદ્યાર્થીઓ પ્રસ્તુત સંશોધનમાં નમૂના તરીકે પસંદ પામ્યા હતા.
સંશોધનની મર્યાદા એ હતી કે વ્યાકરણ સિદ્ધિ માપન કસોટીની વિષયવસ્તુમાં ધોરણ-7ના ગુજરાતી વિષયના સંપૂર્ણ વ્યાકરણના બદલે વિશેષણ, સમાસ, જોડણી, છંદ, અલંકાર, વાક્યના પ્રકારો, વિભક્તિ, નિપાત, વિરામચિહ્ન જેવા વ્યાકરણિક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
સંશોધન ઉપકરણ :
સંશોધન ઉપકરણ તરીકે સંશોધકે ધોરણ-7 ના ગુજરાતી વિષયના ભાષા કૌશલ્યો જેવા કે (અ) શબ્દભંડોળ માટે (1) સમાનાર્થી (2) વિરુદ્ધાર્થી (3) શબ્દસમૂહ માટે એક શબ્દ (4) રૂઢિપ્રયોગ (5) કહેવત (6) સંધિ છોડો (7) સંધિ જોડો (8) સંજ્ઞા (બ) શાંતવાંચન અર્થગ્રહન માટે (1) પદ્ય-1 (2) ગદ્ય-1 (ક) લેખિત અભિવ્યક્તિ માટે (1) નમુના મુજબ બીજા શબ્દો (2) કૌંસમાં આપેલા શબ્દનું યોગ્ય રૂપ (3) આપેલ વાક્યોના કાળ ઓળખાવો (4) આડા-અવળા શબ્દોને સાચા શબ્દો બનાવો (5) અનુનાસિક શબ્દો લખો (6) અસંગત શબ્દ શોધીને લખો (7) ધ્વનિ જોડીને શબ્દ બનાવો (8) શબ્દોને ધ્વનિરૂપે લખોના આધારે જ ગુજરાતી ભાષાક્ષમતા કસોટીની રચના કરવામાં આવી હતી. જેમાં વિભાગ-1 અને વિભાગ-2 બહુવિકલ્પ પ્રકારના 50 પ્રશ્નો હતા અને 35 પ્રશ્નો લેખિત અભિવ્યક્તિ માટેના હતા જેમાં ચોક્કસ જવાબો આપવાના હતા. એમ કુલ 85 પ્રશ્નો હતા. સમગ્ર ભાષાક્ષમતા કસોટી 85 ગુણની હતી. કસોટીનો સમયગાળો 90 મિનિટનો રાખવામાં આવ્યો હતો.
પ્રસ્તુત કસોટીની વિશ્વસનીયતા કસોટી-પુનઃકસોટી પદ્ધતિમાં પંદર દિવસની અવધિ, એકવીસ દિવસની અવધિ, અર્ધ વિચ્છેદન પદ્ધતિમાં સ્પીયરમેન-બ્રાઉન સૂત્ર, રૂલોન સૂત્ર, ફલેનગન સૂત્ર દ્વારા તેમજ તાર્કિક સમાનતા પદ્ધતિ (KR21), તાર્કિક સમાનતા પદ્ધતિ (KR20) દ્વારા વિશ્વસનીયતા શોધવામાં આવી હતી. જેનો વિશ્વસનીયતા અંક 0.82 થી 0.99 વચ્ચે મળ્યો હતો. કસોટીની વિષયવસ્તુ યથાર્થતા શોધવામાં આવી હતી. જેમાં શૈક્ષણિક સિદ્ધિ સાથેની યથાર્થતા 0.81 જોવા મળી હતી.
સંશોધન પદ્ધતિ :
પ્રસ્તુત સંશોધન માટે સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
માહિતી એકત્રીકરણ અને પૃથક્કરણ :
કસોટીના સંચાલન દ્વારા ઉત્તરપત્રો સ્વરૂપે મળેલ માહિતીના આધારે વિદ્યાર્થીઓની ગુજરાતીમાં ભાષાક્ષમતાનું માપન કરવામાં આવ્યું.
ધોરણ-7ના કુમારો અને કન્યાઓએ ભાષાક્ષમતા કસોટીમાં મેળવેલ પ્રાપ્તાંકોનું આવૃત્તિ વિતરણ, સાંખ્યિકી અને આલેખ
પ્રસ્તુત સંશોધનમાં કુમારો અને કન્યાઓએ ભાષાક્ષમતા કસોટીમાં મેળવેલ પ્રાપ્તાંકોનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવ્યું હતું. આવૃત્તિ વિતરણના આધારે સરાસરી, પ્રમાણ વિચલન, વિરૂપતા અને કકુદતાની ગણતરી કરવામાં આવી હતી. જે સારણી-1.1 માં દર્શાવેલ છે.
સારણી-1.1
કુમારો અને કન્યાઓએ ભાષાક્ષમતા કસોટીમાં મેળવેલ પ્રાપ્તાંકોનું આવૃત્તિ વિતરણ અને સાંખ્યિકી
પ્રાપ્તાંક વર્ગ | કુમારો | કન્યાઓ |
1 – 10 | 11 | 2 |
11 – 20 | 86 | 43 |
21 – 30 | 192 | 136 |
31 – 40 | 277 | 227 |
41 – 50 | 336 | 324 |
51 – 60 | 414 | 346 |
61 – 70 | 397 | 412 |
71 – 80 | 118 | 159 |
કુલ (N) | 1831 | 1649 |
સરાસરી (M) | 48.81 | 51.72 |
મધ્યસ્થ | 51 | 54 |
પ્રમાણ વિચલન (SD) | 15.92 | 15.40 |
વિરૂપતા (SK) | -0.081 | -0.101 |
કકુદતા (KU) | 0.290 | 0.286 |
સારણી-1.1 પરથી કહી શકાય કે કુમાર અને કન્યાઓના ભાષાક્ષમતા કસોટીમાં મેળવેલ પ્રાપ્તાંકોની સરાસરી અનુક્રમે 48.81 અને 51.72 હતી. જયારે પ્રમાણ વિચલન અનુક્રમે 15.92 અને 15.40 જોવા મળ્યું હતું. તેથી સમગ્ર કુમારો અને કન્યાઓની સરાસરી સરખાવતાં સ્પષ્ટ થાય છે કે સમગ્ર કુમારો કરતાં કન્યાઓએ ઊંચા પ્રાપ્તાંકો પ્રાપ્ત કર્યા હતા.
કુમારો અને કન્યાઓએ મેળવેલ પ્રાપ્તાંકોનું વિરૂપતા મૂલ્ય અનુક્રમે -0.081 અને -0.101 હતું, જે ઋણ બાજુ વિરૂપતા ધરાવે છે. તેથી કહી શકાય કે કુમારો અને કન્યાઓની સરાસરી કરતા ઊંચા પ્રાપ્તાંક લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે.
કુમારો અને કન્યાઓએ મેળવેલ પ્રાપ્તાંકોનું કકુદતા મૂલ્ય અનુક્રમે 0.290 અને 0.286 હતું, જે સમધારણ વિતરણની કકુદતાના મૂલ્ય 0.263 કરતાં વધુ છે, તેથી તે વિતરણ ચર્પટકકુદ, ચપટી વક્રરેખા કહેવાય. આથી કહી શકાય કે વધુ વિદ્યાર્થીઓ નીચા પ્રાપ્તાંકો ધરાવે છે. નીચા પ્રાપ્તાંકો મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે.
ધોરણ-7 ના કુમારો અને કન્યાઓએ ભાષાક્ષમતા કસોટીમાં મેળવેલ પ્રાપ્તાંકોની સાંખ્યિકી અને સાર્થકતા કક્ષા
નમૂનામાં સમાવિષ્ટ કુમારો અને કન્યાઓએ ભાષાક્ષમતા કસોટીમાં મેળવેલ પ્રાપ્તાંકોને આધારે તૈયાર કરેલ આવૃત્તિ વિતરણ પરથી તેની સરાસરી, પ્રમાણ વિચલન, પ્રમાણભૂલ અને સરાસરીઓના તફાવતની સાર્થકતા કક્ષા નક્કી કરતુ t-મૂલ્ય ગણવામાં આવ્યું હતું. જેને આધારે શૂન્ય ઉત્ક્લ્પનાઓની ચકાસણી કરવામાં આવી હતી. જેની વિગતો અહીં ક્રમશઃ આપવામાં આવી છે.
શૂન્ય ઉત્કલ્પના H01 : ધોરણ-7ના કુમારો અને કન્યાઓએ ભાષાક્ષમતા કસોટીમાં મેળવેલ પ્રાપ્તાંકોની સરાસરીઓ વચ્ચે સાર્થક તફાવત નહીં હોય. આ ઉત્કલ્પનાની ચકાસણી નીચે મુજબ છે.
ધોરણ-7ના કુમારો અને કન્યાઓના પ્રાપ્તાંકોની સરાસરી, પ્રમાણ વિચલન તેમજ t-મૂલ્ય અને સાર્થકતા કક્ષા સારણી-1.2 માં દર્શાવવામાં આવ્યા છે.
સારણી-1.2
ધોરણ-7ના કુમારો અને કન્યાઓએ ભાષાક્ષમતા કસોટીમાં મેળવેલાં પ્રાપ્તાંકોનું
t-મૂલ્ય અને તેની સાર્થકતા
જાતિ | સંખ્યા (N) | સરાસરી (M) | પ્રમાણ વિચલન (SD) | પ્રમાણભૂલ (SED) | t-મૂલ્ય | સાર્થકતા કક્ષા |
કુમારો | 1831 | 48.81 | 15.92 | 0.53 | 5.46 | 0.01 |
કન્યાઓ | 1649 | 51.72 | 15.40 |
સારણી-1.2 નું અવલોકન કરતા જણાય છે કે ધોરણ-7 ના કુમારો અને કન્યાઓએ ગુજરાતી ભાષાક્ષમતા કસોટીમાં મેળવેલાં પ્રાપ્તાંકોની સરાસરી અનુક્રમે 48.81 અને 51.72 હતી. જયારે પ્રમાણ વિચલન અનુક્રમે 15.92 અને 15.40 હતું. સરાસરીઓના તફાવતનું t-મૂલ્ય 5.46 છે, જે 0.01 કક્ષાએ સાર્થક છે. એટલે કે કુમારો અને કન્યાઓના પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત છે.
તેથી શૂન્ય ઉત્ક્લ્પના H01 : ધોરણ-7ના કુમારો અને કન્યાઓએ ભાષાક્ષમતા કસોટીમાં મેળવેલ પ્રાપ્તાંકોની સરાસરીઓ વચ્ચે સાર્થક તફાવત નહીં હોય, નો અસ્વીકાર થાય છે. આથી કહી શકાય કે ધોરણ-7ના કુમારો કરતાં કન્યાઓના ભાષાક્ષમતા કસોટીના પ્રાપ્તાંકો ઊંચા છે.
સંશોધનની ઉપયોગિતા:
પ્રસ્તુત સંશોધન દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ગુજરાતી ભાષાક્ષમતાની જાણકારી મળી. રાજ્ય સરકાર દ્વારા વખતોવખતના નવા અભ્યાસક્રમના અનુસંધાનમાં ઉચ્ચતર પ્રાથમિક કક્ષાએ, માધ્યમિક કક્ષાએ તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ મુજબની ભાષાક્ષમતા કસોટી ઉપયોગી બનશે. શિક્ષકોને ભાવિ શિક્ષણકાર્યના આયોજનમાં મદદરૂપ બનશે. આથી આ સંશોધનના આધારે શિક્ષકો અને વિદ્યાર્થીઓને ગુજરાતી વ્યાકરણ જેવા વિષયોની બાબતમાં માર્ગદર્શન આપી શકાશે.
સંદર્ભ સૂચિ :
- અગ્રવાલ, આર. એન. અને અસ્થાના, વિપિન, મનોવિજ્ઞાન ઔર શિક્ષા મેં માપન એવં મૂલ્યાંકન, આગરા: વિનોદ પુસ્તક મંદિર, 1981
- ઉચાટ, ડી.એ. અને અન્યો, સંશોધનોનું સંદોહન, રાજકોટ: સ્વ. ડૉ. હરિભાઈ જી. દેસાઈ મેમોરિયલ એજ્યુકેશનલ ટ્રસ્ટ, 1988
- ઉચાટ, ડી. એ. (2009). શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર. રાજકોટ :પારસ પ્રકાશન.
- કેતન, બુંહા, સરળ વ્યાકરણ પરિચય, અમદાવાદ: ફલેમિંગો પબ્લિકેશન્સ, 2012, પૃ.21-83
- ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળ, ધોરણ 1 થી 8 ના પાઠ્યપુસ્તકો ગાંધીનગર: ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળ, સેકટર-10/સી.
- પટેલ, આર. એસ. (2008) શૈક્ષણિક સંશોધન માટે આકડાશાસ્ત્ર. અમદાવાદ : જય પબ્લિકેશન.
- મકવાણા, ભરત. ધોરણ-8 ગુજરાતી ભાષાક્ષમતા કસોટીની રચના અને પ્રમાણીકરણ, ગૂજરાત વિદ્યાપીઠ-2019
ડૉ. ભરત સીઘાભાઈ મકવાણા, મદદનીશ શિક્ષક
Email – bharatmakwana180@gmail.com