અભિરાજ રાજેન્દ્ર મિશ્ર રચિત `इन्द्रजालम्’ રૂપકમાં રૂપકકારે સમાજનું વાસ્તવિક ચિત્રદર્શન કરાવ્યું છે. રૂપકકારે `इन्द्रजालम्’ રૂપકનાં નામાભિધાનમાં પણ સર્જકતા દર્શાવી છે. `इन्द्रजालम्’નો શબ્દકોષીય અર્થ `જાદુ’ અથવા ‘જાદુનો ખેલ’ થાય છે. આ એકાંકી રૂપકમાં જાદુગરના જાદુના ખેલ દ્વારા જ ભારતના સમાજનું વાસ્તવિક દર્શન કરાવ્યું છે. અહીં રૂપકકારે જમુરાને માથે શાલ ઓઢાડીને પાત્રવિશેષનો પરિચય વિશિષ્ટ રૂપે કરાવ્યો છે.
`इन्द्रजालम्’ નાટકમાં જમુરો અને જાદુગર એ બન્ને મુખ્ય પાત્ર છે. જાદુગરે કોઈ એક ગામની ભીડવાળી વસ્તીમાં ખેલ શરુ કર્યો છે અને કાળા કપડાથી જમુરાને ઢાંકીને ભીડમાં ઉભેલા કેટલાક લોકોનાં સાચા સ્વરૂપનું વર્ણન કરતાં હાલ-ચાલ વિષે પૂછે છે. ત્યારે શેઠ, એમ.એલ.એ., કોલગર્લ, ચોર, વકીલ, પ્રોફેસર અને એન્જિનિયર વગેરેના જીવનનું નગ્નસત્ય જમુરો જનતા સમક્ષ પ્રસ્તુત કરે છે.1
આ રૂપક એકાંકી રૂપક હોવાને કારણે કોઈ ખાસ વિશેષ પ્રસ્તાવના જોવા મળતી નથી, પરંતુ રૂપકની શરૂઆતમાં રૂપકકારે જાદુગરને સંપૂર્ણ ભારતમાં સર્વત્ર પરિભ્રમણ કરેલ દર્શાવ્યો છે. કાશી, કલકત્તા, રાજધાની દિલ્લી, કાનપુર, પટના, મદ્રાસ, જૌનપુર, જબલપુર, અમૃતસર, મુંબઈ એમ બધે જ પરિભ્રમણ કરેલ છે.
શેઠ બ્રહ્મા દ્વારા નિર્મિત પુરુષ, પૌરુષ દૃષ્ટિથી નારી તથા નારીત્વ દૃષ્ટિથી વન્ધ્યા છે. આંખોમાં સોનું, મુખે અસત્ય, પેટમાં પંદર ગીધને પર્યાપ્ત એટલું ભોજન, વ્યક્તિ દૃષ્ટિથી શેઠ, શક્તિથી વિષ્ણુ અને જાતિથી દીનાનાથ છે. રૂપકકાર એમ દર્શાવી તેના ચરિત્રને જમુરાના માધ્યમથી લોકો સમક્ષ ખુલ્લું કરે છે.2
આગળ જતાં જમુરો બીજા પુરુષનું વર્ણન કરતાં કહે છે કે એમ.એલ.એ. (Member of Legislative Assembly) મહાપુરુષને બદલે મહાપરુષ (નિર્દય, નિષ્ઠુર) છે અને તેના વિષે જાદુગર જમુરાને પૂછે છે કે શું તે સમતાશિક્ષક (નિષ્પક્ષતાની શિક્ષા આપનારો) છે ? તેનો જવાબ આપતાં જમુરો કહે છે કે તે તો જનતાભક્ષક છે. બળદ સમાન, ઢોંગી, પોઠીયો અને તે પણ સફેદ આખલો વિશાલ સંસારમાં મગરની માફક બની ગયો છે અને સાથે સંસારનો ઉપહાસ પણ કરે છે.3 જુગારમાં નિપુણ છે અને રુદ્રાક્ષની માળા ધારણ કરી છે. પરોક્ષમાં કાર્યને હણે છે અને પ્રત્યક્ષમાં પ્રિયભાષણ કરે છે, ગુણોને છૂપાવે છે અને ગુપ્ત બાબતો પ્રગટ કરે છે, હિતકાર્યમાં રોકે છે અને પાપમાં પ્રેરે છે, આપત્તિમાં છોડી દે છે અને યોગ્ય સમયે આપતો નથી. લોકનેતા છે, પણ બાંધવોમાં ભેદ પડાવનાર છે. મતપત્રોને ખરીદનાર, માન-પદ-પ્રતિષ્ઠાનો વિક્રેતા, સમાચાર પત્રમાં સદા વિરાજમાન, રાષ્ટ્રગૌરવને હણનારો, તકીયાનો ચાહક, આનાથી જ દેશ દીન છે, નવા દુઃખોનો સર્જક, વેષ મલીન અને આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર છે. બહુરૂપી સમાન – વિજ્યાદશમીએ હિન્દુ, ઈદમાં મુસલમાન, વૈશાખી ઉત્સવમાં શીખ અને ક્રિસમસમાં અંગ્રેજ બની જાય છે. કોઈ પણ વિચાર તેના મન, વિચાર, કર્મમાં થોડો સમય પણ ટકતો નથી. પોતાનું પેટ, સ્વજન, ઘર અને સ્વાર્થને જ પૂર્ણ કરનારો, કોન્સ્ટીટ્યુટ તેની જન્મભૂમિ, મતદાનનો દિવસ તેનો જન્મદિવસ, મતદાન તેનો કુલમહોત્સવ, દર પાંચ વર્ષે દુર્ગ્રહોથી પીડાય છે.4 પ્રેક્ષક પણ તેને (એમ.એલ.એ.ને) અંતે ચોર ઠરાવે છે, દર્શકો પણ આવતા નિર્વાચન સમયે અમે ફરીથી તેને ઉંદરડો જ બનાવી દઈશું, તેવો નિશ્ચય કરે છે.
કોલગર્લનું વર્ણન કરતાં જમુરો કહે છે કે કોલગર્લની વેશભૂષા પુરુષ સમાન હોવાથી જાદુગર પણ છેતરાયો. સાડી નથી પહેરતી, બેલબોટમ પહેરે છે. લોકોને રસ્તા પરથી દૂર હટાવવામાં સાક્ષાત્ પુતળીબાઇ, શત્રુજનોને દૂર કરવામાં ઝાંસીની રાણી અને અભિમત લોકોને બોલાવવામાં તેણી સાક્ષાત્ શાકરની જલેબી જેવી મધુર ભાસે છે.5 લીપસ્ટીકના પ્રભાવથી લાલ હોઠવાળી, માથાનાં વાળનો ફૂલોથી ગૂંથેલો ચોટલો, કાજલની રેખાને કાન સુધી લંબાવેલી અને તેને લીધે લાંબી આંખોવાળી, મહેંદીને કારણે અનુરાગયુક્ત હાથોવાળી, ડાયેટિંગ માત્રથી જ પાતળી કમરવાળી (મુટ્ઠીમાં પકડી શકાય તેવી કમરવાળી) પાવડર લગાવવાથી રાત્રિની ચન્દ્રમા જેવી શોભાવાળી, વિઘ્નરહિત યૌવનના વ્યયથી સૌભાગ્યવતી, માયારૂપી નામવાળી, જાદુગરને પણ ખરીદવા સમર્થ. જાદુગર જેવા બીજા પણ કેટલાય તેના દુપટ્ટાના આંચળમાં બંધાઈ ગયા છે. તેના પાન માત્રથી જ શંકર પણ બની ગયા છે. હાલ તેણી કોઈ ધનિક યુવાનની સાથે એલ્ચિક રેસ્ટોરન્ટમાં ભોજન ખાવા ગઈ હશે. ટોમેટોશૂપ, મટરપનીર, રાજમા, તન્દુરીનું તેણીનું ભોજન છોલાભટુરા વગર પૂર્ણ થતું નથી.6
ચોરે કાબરચીતરા વસ્ત્રો, ધીરપ્રશાન્તવેશ, કર્જનકટ મૂંછ, બુલગાનીન દાઢી રાખેલ છે. ચશ્માથી આંખો ઢાંકેલી, મધ્યમ વૃદ્ધ, અવૈધ મદિરાને કારણે બહાર નીકળેલ છજાના બળથી પાંચમા માળે રાજમહેલની અગાસી પર ચડી જાય છે. ચોર ગાંજો અને ભાંગથી ભરેલી ટ્રક નેપાળ દેશની બોર્ડરને ઓળંગાવી જાય છે અને અન્ય ધાતુઓને લઈને પાછી આવે છે. જીવ બચાવી ભાગતો આ પુરુષ સંપૂર્ણ પ્રયાગનગરને આંખના પલકારામાં ખરીદવા સમર્થ છે. આમ કહી જમુરો ચોરનું વર્ણન કરે છે. જનતાના હાસ્યને કારણે ચોર ત્યાંથી નીકળી જાય છે.7
ત્યાર બાદ જાદુગર જમુરાને બીજા પુરુષ વિષે જણાવવાનું કહે છે. તેનું વર્ણન કરતા જમુરો કહે છે કે તમાકુ (પાન)ને કારણે તેનું મુખ લાલ છે, કાળા રંગનો કોટ પહેર્યો છે, કાંખમાં પંચાંગ રાખનાર વકીલ પશ્ચિમ દિશામાં દેખાય છે, તે બીજો પુરુષ. અસત્યને આધારે જીવી રહેલો આ માણસ છે. સૌ પ્રથમ ઝઘડો ઉત્પન્ન કરાવે છે અને પછી તેને શાંત કરવા પોતે આવી પહોચે છે. અસત્યનું જ ભાષણ કરીને અસત્યને જ ચિરંજીવી બનાવે છે. આ મનુષ્ય અસત્યનું ભોજન કરે છે, અસત્યનું પાન કરે છે, અસત્યને જ વિસ્તારે છે, અસત્યને જ ઢાંકે છે, અસત્ય જાગે છે, અસત્ય સુવે છે, અસત્યનું જ સ્વપ્ન જુવે છે. અસત્ય જ તેમની માતા-પિતા અને જીવનધર્મ છે. કચેરીનો જીવડો છે આ. ભિક્ષુકની માફક સતત હાથ ફેલાવતો રહે છે. ચોરની માફક બધું હરી લે છે. જોતાવેત જ લોકોને નિર્ધન કરે છે.8 આગળ જમુરો કહે છે કે હું તેનાથી નથી ડરતો, પરંતુ તેમના અસત્ય દાવથી જ ડરું છું.
ત્રીજા મહાપુરુષ તરીકે પ્રાધ્યાપકનું વર્ણન કરતાં જમુરો કહે છે કે વિશ્વવિદ્યાલયનો શિક્ષક વિદ્વાનોમાં અધ્યક્ષ પદને શોભાવે છે. પોતાના અભ્યાસ દરમ્યાન તૃતીય શ્રેણીમાં જ પાસ થયા છે. ઉમરડાના ફૂલ સમાન પ્રથમ શ્રેણી તેમના માટે દુર્લભ હતી, છતાં ગુરુચરણની ચારણની માફક સેવા અને માખણ લગાવવાની કલાને કારણે આ પદ મેળવ્યા પછી અનેક વાર મારવા છતાં કોઈ પણ ભોગે આ પદ છોડવા તેઓ તૈયાર નથી. હાલમાં સંપૂર્ણ મલ અગ્નિમાં બળીને ખલાસ થઈ ગયો છે અને સ્વર પણ નિર્મલ અને કોમળ છે. બધા જ ગુણોનાં નિધાનની માફક શોભે છે. ધનદાન, શૈયાદાન, પશુદાનની માફક પોતાના કલ્યાણ અર્થે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને અંકદાન કરે છે આ મહોદય. તેમના અંકદાનના પણ વિવિધ મૂલ્ય છે. પરીક્ષા રૂપી નદી પર કરવા માટે ૧૦૦ રૂપિયા, દ્વિતીય શ્રેણી માટે ૫૦૦ રૂપિયા, પ્રથમ શ્રેણી માટે ૧૦૦૦ રૂપિયા, શિક્ષકનું કે પ્રાધ્યાપકનું પદ પ્રાપ્ત કરવા માટે ૫૦૦૦ રૂપિયા આ વિદ્યામંદિરના દેવતા દ્વારા સ્વીકારવામાં આવે છે. કોઈ પ્રાણોને અર્પણ કરીને જમાઈ બને, કોઈ સુવર જેવા મુખવાળી પત્નીનું કચરા-પોતા જેવું સફાઈ કામ કરી આપે, કોઈ તેમના રસોડાની સામગ્રી ખરીદી લાવી આપે, પત્ની માટે તજ, સોપારી વગેરેનો પ્રબંધ કરી આપે તેને ઉત્તીર્ણ થવું એક પણ કોડી વિના પણ સુલભ છે. મુખથી સાક્ષાત્ બૃહસ્પતિ છે. વિદ્વત્તામાં સાક્ષાત્ સોમશર્મા છે અને પ્રત્યેક પ્રશ્નનો છ પ્રકારે જવાબ આપે છે. જમુરના મુખે આ પ્રકારે પોતાના વિષે સાંભળી અધ્યાપક મુખ નીચું કરીને ત્યાં જ ઉભા રહે છે.9
યાંત્રિક અર્થાત્ એન્જિનિયર. ચોથા પુરુષ તરીકે તેના વિશે વાત કરતા જમુરો કહે છે, “આ ચોથો શ્રેષ્ઠપુરુષ છે, શા માટે ? કારણ કે તેમનો બનાવેલો પુલ એક વર્ષ કે છ મહિના જ ટકે છે. તે સિમેન્ટ સાથે રેતી વધારે ભેળવે છે. લોખંડની જાડાઈમાં પણ આવશ્યકતા કરતા ૩/૪ જાડાઈના લોખંડનો જ ઉપયોગ કરે છે. (પૂર્ણ જાડાઈના લોખંડનો ઉપયોગ પણ કરતો નથી.) પ્રથમ શ્રેણીની ઈંટને બદલે ખાલી ઈંટના ઉપયોગથી જ ભવનોનું નિર્માણ કરે છે.” રાયનો પર્વત (તાલ જેવી બાબતને તાડ જેવી કરવી) જાદુગરને સંબોધીને કહે છે, “જુઓ ગુરુદેવ, ગઈ કાલે જ તે સૌથી દરિદ્ર હતો અને આજે તે ધનધાન્યથી સમૃદ્ધ છે.” વચ્ચે જાદુગર કહે છે કે તે ખરેખર ભાગ્યશાળી છે, તો જમુરો કહે છે, ” શા માટે ભાગ્યશાળી નથી ? રૂપના અભિમાનથી કોન્વેન્ટ સ્કૂલમાં ભણતી તેમની દીકરી પોતાની જાતને ભાગ્યશાળી સમજતાં કોઈ યુવાન સાથે ભાગી ગઈ. સારા-ખરાબ બંને પ્રકારના ગુણયુક્ત તેમનો પુત્ર ૧૦૦૦ રૂપિયા લઈને અભિનેતા બનવાની અભિલાષાથી મુંબઈ ચાલ્યો ગયો. હવે આ એકલા ભાઈ સાહેબ વિધુરની માફર ધૂમ્રપાન અને મદિરાપાન વગેરેથી પોતાનો સમય પસાર કરે છે. એન્જીનીયર ત્યાંથી ચાલી જાય છે, તેથી જમુરો કહે છે કે મરેલા બધા જ માટી બની જાય છે, પરંતુ આ ફરીથી (બાલુકા) રેતી જ બનશે.”10
જાદુગર આગળ જતાં જમુરાને ઠપકો આપતાં કહે છે કે તે આ બધાનો મૂલ્યવાન સમય બગાડ્યો. હવે વધારે વિલમ્બ યોગ્ય નથી. હવે ઝડપથી પાંચમા શ્રેષ્ઠપુરુષ વિષે કહે. જમુરો કહે છે, “શું તમે નથી જોતાં એ પાંચમા શ્રેષ્ઠપુરુષને ? ત્યારે એક દર્શક કહે છે, “તું જ કહે. અમે બધા ખૂબ જ આતુર છીએ.” ત્યારે જમુરો કહે છે, ” અરે મહાપુરુષો ! મહાનમાં મહાન વિદ્વાનો, રાજનેતાઓ, સમાજસેવકો, શેઠ, કલાકારો, આબાલવૃદ્ધ બધા જ પ્રકારનો જનસમૂહ, રૂપ અને સૌન્દર્યની ભંડાર બનેલી સુંદરીઓ પણ મારા જેવા કીડી સમાન છુદ્રજીવી પોતાની વાણીથી વિમોહિત કરનાર શું જાદુગરનો જમુરો શ્રેષ્ઠપુરુષ નથી ? હે પ્રિયબંધુઓ, મિત્રો, બહેનો, વડીલો ! હું બાર વર્ષનો અનાથ બાળક છું. માતાપિતાએ મને છોડી દીધો, કુળનો ખ્યાલ નથી. બધા લોકોએ તિરસ્કાર કર્યો. કોઈ રીતે આ પિતા સમાન જાદુગરના હાથમાં આવી ચડ્યો. હું નથી….”11
આટલું બોલતા જ જાદુગર તેને અધવચ્ચે જ અટકાવે છે અને કહે છે, ” આ વાર્તાને બંધ કર. થોડીવાર ઉભો રહે. આમ કહેતા જમુરાને આશ્ચર્ય થાય છે કે મને શા માટે અટકવાનું કહ્યું ? જાદુગર કહે છે, ” મારે થોડા પ્રશ્નો પૂછવા છે.” ત્યારે જમુરો કહે છે કે આ માયાજાળ પૂર્ણ થઇ, હવે ચમકતી માછલીના મરી ગયા પછી પાણી વરસાવવાથી શો લાભ ? તેનો જવાબ આપતાં જાદુગર કહે છે, ” આ પ્રશ્નો અનિવાર્ય/આવશ્યક છે. જો તે ન પૂછવામાં આવે તો આ જાદુનો ખેલ અધૂરો રહ્યો ગણાય.” આમ કહેતાં જમુરો પ્રશ્નો પૂછવાનું કહે છે. ત્યારે જાદુગર કહે છે કે શું આપણે મોર સમાન ઠગ છીએ ? ત્યારે જમુરો કહે છે કે એમ કહેનારને ધિક્કાર છે. આપણે તો નીરક્ષીરનો વિવેક જાણનારા કલહંસો (ઉચ્ચ કુળના હંસો) છીએ. જાદુગર બીજો પ્રશ્ન પૂછે છે કે શું આ આપણું અર્થોપાર્જનનું સાધન છે ? ત્યારે ફરીથી જમુરો કહે છે કે એમ કહેનારને ધિક્કાર છે. આ તો આપણું બધા લોકોના હૃદયનું આરાધન છે. ત્યારે જાદુગર કહે છે, ” તો હવે તારા વચનોનો ચાંદનીથી દર્શક લોકોના હૃદયના અંધકારને દૂર કર.” ત્યારે જમુરો પોતાનું અધૂરું પૂર્ણ કરતાં કહે છે કે હું ભિક્ષુક નથી, ચોર કે લુટારો નથી, દસ્યુ નથી, આળસુ નથી, હીનપુરુષ પણ નથી, ભાઈઓ હું કલાજીવી છું. આપના મનોરંજન માટે મારું કૌશલ બતાવીને, આપનું આહ્લાદન કરીને, આપની અનુકુળતા કરીને મારા ઉદરનું ભરણ કરં છું. આ કલાથી જ સંપૂર્ણ પૃથ્વીમંડળ વિમોહિત છે. હું શમ્બર કે દેવરાજ ઇન્દ્ર નથી, માયાસુર કે ઘટોત્કચ નથી કે પી. સી. સરકાર નથી. હું તો માત્ર એક તમારાં હાથનું નાનું રમકડું છું. આટલું કહેતાં જ જમુરો પોતાની ચાદર ફેલાવે છે અને દર્શકો પૈસાનો વર્ષાવ કરે છે. જમુરો બધાને પ્રણામ કરે છે. જાદુગર વેણુ અને ડમરુંના અવાજ સાથે સુમનોહાર ગાન કરે છે અને નાચે છે.12
રૂપકકાર શેઠ, એમ.એલ.એ., કોલગર્લ, ચોર, વકીલ, પ્રોફેસર અને એન્જીનીયર આ તમામ પાત્રોનાં જીવનનું નગ્ન સત્ય જનતા સમક્ષ પ્રસ્તુત કરે છે. આ બધા પાત્રો એક તરફથી સામાજિક વ્યવસ્થાના અપરિહાર્ય અંગ છે, જ્યારે તે જ લોકો પોતાની બુદ્ધિમત્તા, દ્વિમુખી વ્યક્તિત્વ અને ‘वदतो मे जिह्वा नास्ति’ જેવાં આચરણથી સમાજ માટે એક જટિલ સમસ્યા કે માથાના દુઃખાવા સમાન છે. કાકીડાની માફક રંગ બદલતાં ચરિત્રનો જમુરો પર્દાફાશ કરે છે અને પોતાના જ લોકોની વચ્ચે તેઓને લાંછિત કરે છે. 13 અહીં રૂપકકારનો પ્રયત્ન તેમને આત્મશુદ્ધિ માટે પ્રયત્નશીલ કરવાનો હોય, તેવું જણાય છે.
નિષ્કર્ષ :
આ પ્રકારે ડૉ. અભિરાજ રાજેન્દ્રમિશ્ર દ્વારા હાસ્ય અને વ્યંગ્યનો સમન્વય કરીને સમાજ સમક્ષ એક અત્યન્ત કુશળ પ્રકારે વર્તમાન જીવનની વ્યાખ્યા અને આલોચના કરવામાં આવી છે. રૂપકકાર સંવાદ દરમ્યાન શબ્દ પ્રયોગમાં ખૂબ જ આવડત ધરાવે છે અને તે વાર્તાલાપ દ્વારા જ ચરિત્રનું રેખાંકન અત્યન્ત કુશળપૂર્વક કરે છે. તેમની લેખિનીએ સંસ્કૃત ભાષાને એટલી સહજ અને સરસ બનાવી છે કે પ્રત્યેક શ્રોતા કે દર્શકના ધ્યાનમાં સરળતાથી આવી જાય.14
સંદર્ભ :
1) चतुष्पथीयम् – ડૉ. અભિરાજ રાજેન્દ્રમિશ્ર કથાસારમાંથી
2) चतुष्पथीयम् – ડૉ. અભિરાજ રાજેન્દ્રમિશ્ર પૃષ્ઠ – ૬
3) चतुष्पथीयम् – ડૉ. અભિરાજ રાજેન્દ્રમિશ્ર પૃષ્ઠ – ૭
4) चतुष्पथीयम् – ડૉ. અભિરાજ રાજેન્દ્રમિશ્ર પૃષ્ઠ – ૮
5) चतुष्पथीयम् – ડૉ. અભિરાજ રાજેન્દ્રમિશ્ર પૃષ્ઠ – ૯
6) चतुष्पथीयम् – ડૉ. અભિરાજ રાજેન્દ્રમિશ્ર પૃષ્ઠ – ૧૦
7) चतुष्पथीयम् – ડૉ. અભિરાજ રાજેન્દ્રમિશ્ર પૃષ્ઠ – ૧૧
8) चतुष्पथीयम् – ડૉ. અભિરાજ રાજેન્દ્રમિશ્ર પૃષ્ઠ – ૧૧
9) चतुष्पथीयम् – ડૉ. અભિરાજ રાજેન્દ્રમિશ્ર પૃષ્ઠ – ૧૨
10) चतुष्पथीयम् – ડૉ. અભિરાજ રાજેન્દ્રમિશ્ર પૃષ્ઠ – ૧૩
11) चतुष्पथीयम् – ડૉ. અભિરાજ રાજેન્દ્રમિશ્ર પૃષ્ઠ – ૧૪
12) चतुष्पथीयम् – ડૉ. અભિરાજ રાજેન્દ્રમિશ્ર પૃષ્ઠ – ૧૫
13) चतुष्पथीयम् – ડૉ. અભિરાજ રાજેન્દ્રમિશ્ર કથાસારમાંથી
14) चतुष्पथीयम् – ડૉ. અભિરાજ રાજેન્દ્રમિશ્ર રામકુમાર વર્મા લિખિત શુભકામનાઓમાંથી
સંદર્ભગ્રંથસૂચિ :
૧) चतुष्पथीयम् : (નવ્યપ્રહસનચતુષ્ટયસંકલન) લેખક : અભિરાજ ડૉ. રાજેન્દ્રમિશ્ર, પ્રકાશક : વૈજયન્ત પ્રકાશન, અલ્હાબાદ, મુદ્રક : સત્ય મહેશ પ્રેસ, અલ્હાબાદ, પ્રથમ સંસ્કરણ ( ઈ. સ. ૧૯૮૧ આસપાસ)
લેખકનું નામ : હેમલ અશોકભાઈ કણસાગરા, મદદનીશ પ્રાધ્યાપક, અધ્યક્ષ સંસ્કૃત વિભાગ,
સરકારી વિનયન કોલેજ, જામકલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકા,
મો. : ૯૪૨૭૭૨૪૩૮૦, EMAIL : hakansagra11@gmail.com