લેખ: ૪. ‘લાઇટહાઉસ’ એક રહસ્યગાથા : માનસી જયસ્વાલ

          પત્રકાર અને લેખક એમ બંને પ્રકારની છબી ધરાવતા ધૈવત ત્રિવેદી તેમની લોકપ્રિય નવલકથાઓ દ્વારા લોકપ્રિય લેખક તરીકે જાણીતા છે. ૬૪ સમર હિલ, મેકિલન એસ્ટેટ, રમેશાયણ, લાઇટહાઉસ જેવી રસપ્રદ નવલકથાઓ તેમની પાસેથી પ્રાપ્ત થઈ છે. અત્યારે પણ તેઓ ધારાવાહિક નવલકથા તેમજ અન્ય પ્રકારના લોકપ્રિય લખાણોમાં કાર્યરત છે. એક પછી એક રહસ્ય ઊભા કરી, વાચકને જકડી રાખવામાં ધૈવત ત્રિવેદી પારંગત જણાય છે. તેમની આ ખૂબી ‘લાઇટ હાઉસ’ નવલકથામાં પણ જોવા મળે છે. ૩૭૫ પૃષ્ઠ ધરાવતી આ નવલકથાનું શીર્ષક જ કથાનું સૌથી મોટું અને મુખ્ય રહસ્ય છે. વિરમે રાવીને આપેલો શબ્દ ‘લાઇટહાઉસ’નો કોયડો ઉકેલવા રાવી સિવાય કથાના અન્ય ઘણાય પાત્રો અને તેમની સાથે વાચકો પણ મથી રહ્યા છે. પરંતુ લાઇટહાઉસ એટલે શું ? કઈ જગ્યા ? એ શોધવા જેમ કથાના પાત્રો આંધળી દોટ મૂકે છે અને એક પછી એક ઘટનાઓ બનતી જાય છે, તેમ વાચક પણ કેટલીય ધારણાઓ પછીય તેના સાચા અર્થની કોઈ કલ્પના કરી શકતા નથી. અંતે લાઇટહાઉસ એટલે દીવાદાંડી સમજી બેઠેલા કથામાં નિરૂપિત પાત્રો અને વાચકોને લેખક અલગ જ લાઇટહાઉસમાં પ્રવેશ કરાવે છે. અને આત્મજ્યોતિ આશ્રમમાં પહોંચીને આ ‘લાઇટહાઉસ’ શબ્દની મથામણ પૂરી થાય છે. આમ, કથાનું શીર્ષક આખીય નવલકથામાં યાત્રા કરે છે અને રસપ્રદ બની સાર્થક નીવડે છે. 

          રહસ્ય, ખૂન, બળાત્કાર, આત્મહત્યા, મારામારી, ચોરી, લૂંટફાટ, કાવતરા-ષડયંત્રો, પ્રણય-ત્રિકોણ, અપહરણ, ખુલ્લા જાતીય વર્ણનો, વગેરે જેવા તત્વો લોકપ્રિય નવલકથાઓમાં મોટેભાગે જોવા મળે છે. આવા તત્વોને આધારે મસાલેદાર ઘટનાઓ કથાને રસપ્રદ બનાવે છે. જેને કારણે વાચક કથા સાથે જકડાયેલો રહે છે. ખાસ કરીને રહસ્ય વાચકમાં કુતૂહલ જગાડે છે. આગળ શું થશે? તેની તાલાવેલી વાચકને જકડી રાખે છે. અંતમાં જ્યારે રહસ્ય પરથી પડદો ઊઠે ત્યારે જ વાચકને હાશકારો અનુભવાય છે. આ નવલકથામાં પણ અનેક નાની મોટી રહસ્યમય ઘટનાઓ જોવા મળે છે.

          નવલકથાની શરૂઆતમાં જ કેટલાય રહસ્યમય પ્રશ્નો ઊભા થાય છે. વિરમ રાજદેવ એક I.P.S. ઓફિસર હોવા છતાં પોલીસ દ્વારા તેનું અપહરણ કરવામાં કેમ આવ્યું ? વિરમ જો કોઈ ગુના હેઠળ ફરાર હતો તો તેની ધરપકડને ખાનગી રખવામાં કેમ આવી ? પચાસ હજાર કરોડની વાતમાં કેટલું તથ્ય હતું ? સુમરા અને અભિના સંવાદ દ્વારા જાણ થાય છે કે પચાસ હજાર કરોડ મેળવી વિરમ, રાવી, સાહા, બિહોલા અને અન્ય કેટલાક લોકોએ દેશને પોતાની અપેક્ષા મુજબ ઘડવાનું સપનું સેવ્યું હતું. તો એવું તે શું બની ગયું કે સાહાનો ખાસ કહેવાતો વિરમ જ તેનો દુશ્મન બની બેઠો ? વિરમ, સાહા અને બિહોલાના કયા સત્ય સુધી પહોંચી ગયો હતો, જેના કારણે તે તરત જ લાપતા થઈ ગયો? દયાલ, સાહા અને વિરમે એવું શું કર્યું હતું જેના કારણે રાજાવત ગુસ્સે ભરાયો હતો ? વિરમની ધરપકડ અને તેની દેખરેખનું કામ સાહાએ રાજાવતને સોપ્યું હતું તો તે પાછળના ઉદ્દેશ્યથી રાજાવતને કેમ અજાણ રાખવામાં આવ્યો હતો ? અભિ અને સુમરો વિરમને શોધવા માટે માનસિંહ મહાલ મિશનમાં પ્રવેશે છે ત્યારે ત્યાં કોણ હતું ? અને અંધારામાં ધાબળામાં લપેટીને તે લોકો કોને ઊચકી લાવ્યા હતા ? એ વ્યક્તિ અચાનક ગાડીમાંથી ક્યાં ગાયબ થઈ ગયો ? આવા નાના રહસ્યો મર્યાદિત સમય પૂરતા આવે છે. તે પણ કથાને રસપ્રદ અને રોચક બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. બે ત્રણ પૃષ્ઠ પછી મોટેભાગે આ રહસ્યનો સ્ફોટ થાય છે. ધાબળામાં લપેટેલ તથા ગાડીની ડેક્કીમાંથી ગાયબ થયેલ વ્યક્તિ કર્નલ પ્રતાપસિંહની પુત્રી, વિરમની સાથી રાવી જામવાલ હોય છે. હવે આ રાવી કોણ છે ? તેના ભૂતકાળના આલેખનમાં તેના પિતા સાથે સંકળાયેલા પ્રશ્નો રાવી અને વાચક બંને માટે અંત સુધી અનુત્તર રહ્યા છે. શું કર્નલ પ્રતાપસિંહ ગદ્દાર હતો ? ખરેખર, તેમનો સંપર્ક આતંકવાદીઓ સાથે હતો ? કે પછી એ પણ મેજર બિહોલાના ષડ્યંત્રના શિકારી હતા ? અંતમાં બિહોલાની રાવી સમક્ષ કરેલી કબૂલાત દ્વારા ખ્યાલ આવે છે કે બિહોલા અને કર્નલ પ્રતાપ હથિયારોની લેન-દેન દેશનું તંત્ર સુધારવા માટે કરી રહ્યા હતાં અને પોતાના પિતા તેમા શહીદ થયાં. જોકે આ બિહોલા દ્વારા ઉપજાવેલ રાવીના મનનો ભ્રમ હતો. હકીકતમાં વિરમની જેમ બિહોલાએ કર્નલ પ્રતાપસિંહને અંધારામાં રાખી ષડયંત્રમાં જોડ્યા હતા. અને સત્ય પકડાતાં કર્નલ પ્રતાપસિંહની હત્યા કરી નાખી હતી. આ ઉપરાંત જ્યારે અભિ, રાવી અને સુમરાની ત્રિપુટી વિરમને છોડાવવાના મિશનમાં સફળ થાય છે ત્યાં સુધી એટલે કે નવલકથાના મધ્યભાગ સુધી દરેક ષડયંત્ર પાછળ મુખ્ય માણસ દયાલ સાહા જ નજરે પડે છે. પરંતુ સાહા પણ કોઈનો ઓર્ડર ફોલો કરે છે. આ રહસ્યની જાણ થતાં એ માણસ કોણ હશે ? એ જાણવાની ઉત્સુકતા સાથે કથા આગળ વધે છે. લાઇટહાઉસ વિશે ફક્ત વિરમ જાણે છે. પણ તે બેભાન અવસ્થામાં છે. નવલકથાના મધ્યભાગમાં બાવાપીરની દરગાહે મળેલા મુંજાવર પાસેથી આ રહસ્ય ઉકેલવાની શરૂઆત થાય છે. ડગલે ને પગલે લાઇટહાઉસ એટલે શું ? એ જાણવાની આશા રાખતા વાચકને લાઇટહાઉસ હોટલ, દીવાદાંડી, રોશબુર્ઝ જેવી ઘણી જગ્યાની મુસાફરી લેખક કરાવે છે. અંતે એક અણધાર્યો અર્થ સામે આવે છે. મળેલા સંદેશા મુજબ ૩ કુંડાળાં અને લાઇટહાઉસ શબ્દ તે દીવાદાંડી નહીં, પરંતુ આત્મજ્યોતિ આશ્રમ હોય છે. જ્યાં અનાયાસે રાવી અને અભિ પહોંચી જાય છે. ત્રણ કુંડાળાં એટલે એક દીવડાનું વર્તુળ, તેની અંદર બીજા અને તેની અંદર ત્રીજા દીવડાનું વર્તુળ એમ ત્રણ કુંડાળાં વચ્ચે જ્યોત ઝબકતી હતી અને બાજુમાં લખ્યું હતું ‘આત્મજ્યોતિ આશ્રમ’. આ જ પાટિયું – જ્યાં ખજાનાનો રસ્તો છુપાયેલો છે. પરંતુ રાવીના મોબાઇલમાંથી લીક થયેલ આ નકશો તેમના મિશનનો દુશ્મન બની જાય છે. બિહોલા આ નકશાને આધારે તેમજ એક આર્મી ઓફિસર હોવાને કારણે આ એંક્રીપ્ટેડ મેપને ઓળખી રાવી, અભિની પાછળ પાછળ ખજાનાની જગ્યાએ પહોંચી જાય છે.

          આ નવલકથામાં લેખકે દરેક પાત્રોને બરાબર રીતે ચમકાવ્યા છે. કોઈ પણ પાત્ર વધારાનું કે કામ વગરનું નથી. આઈ.પી.એસ. ઓફિસર વિરમ રાજદેવ આખીય કથામાં પ્રત્યક્ષ રીતે ખાસ જોવા મળતો નથી. છતાય તેને કથાનાયક ગણાવી શકાય તેવું ચિત્રણ કરવામાં આવ્યું છે. તેમજ પત્રકાર અભિમન્યુ રાવ, કર્નલ પ્રતાપસિંહની પુત્રી રાવી જામવાલ, શાર્પશૂટર અભરામ સુમરો, હોમમિનિસ્ટર દયાલ સાહા, રાજાવત, મેજર બિહોલા વગેરે કથાના મુખ્ય અને અવિરત પાત્રો છે. અહીં, વિરમ, અભિ, રાવી અને કર્નલ પ્રતાપસિંહ જેવા પાત્રો સત્ય, ત્યાગ, બલિદાન તેમજ દેશભક્તિ જેવા ગુણો ધરાવે છે. દયાલ સાહા અને મેજર બિહોલા જેવા લાલચી, દગાખોર પાત્રો પણ જોવા મળે છે. તો હમેશા ચમચાગીરી કરે અને દગાખોરી કરે તેવા રાજ્યો હારામી પણ જોવા મળે છે. પેશ્વાના સમયના વિરમ દ્વારા શોધાયેલ ખજાનાની આજુ બાજુ દરેક પાત્રએ પોતાનું વ્યક્તિત્વ, દરેક પરિસ્થિતિએ પોતાનું રૂપ અને દરેક ઘટનાએ પોતાનું પરિણામ આપ્યું છે. દોઢ સદી પહેલાના ખજાનાને ભેજાબાજ વિઠ્ઠલરાવે સાચવ્યો હતો. દોઢ સદી પછી તેને વિરમે શોધી કાઢીને પોતાની કાબેલિયત પૂરવાર કરી હતી. પરોક્ષ રીતે કથાનાયક વિરમને ગણાવીએ તો પ્રત્યક્ષ કથાનાયક અભિમન્યુનો અભિનય પણ પાછો પડે તેમ નથી. પત્રકાર અભિમન્યુએ સત્ય સુધી પહોંચવા ગદ્દારીનું કલંક પણ ભોગવ્યું. તેમજ ઘણે ઠેકાણે તેની બુદ્ધિ દાદ માંગી લે તેવી છે. રાવી જ્યારે વિરમના કોડવર્ડ ગેસનો બોટલ, પ્રિંટવાળો શર્ટ, બીયર વગેરેની ચર્ચા કરે છે. ત્યારે અભિ જ ધ્યાન ખેંચે છે, કે વિરમના દરેક કોડવર્ડ શબ્દ કરતાં કઈક અલગ જ અર્થ ધરાવતા હોય તો લાઇટહાઉસ એટલે દીવાદાંડી કેવી રીતે હોઇ શકે ? અને અંતમાં તેની આ વાત સાચી પુરવાર થાય છે. રાવી પણ ગોળી વાગ્યાનો જખમ અને અંતે બિહોલાને કારણે શરીરમાં થયેલા અઢળક જખમો ખૂબ બહાદુરીથી સહન કરે છે. અને દરેક પરિસ્થિતિ સામે લડી તે અને અભિ તેમના લક્ષ્ય સુધી પહોંચે છે. અલબત્ત, સુમરો, સિસ્કો ડેલગાડો, વગેરે જેવા સાથીને ગુમાવવા પડે છે. તથા વિરમ પણ મારને કારણે કોમામાં પહોંચી જાય છે. અભરામ સુમરો પણ ખૂબ હોશિંયાર, બહાદુર અને પહોંચેલ વ્યક્તિ છે, જેની મદદ વગર અભિ અને રાવીની બહાદુરી નકામી નીવડે તેમ હતી. તો રાજાવાત પણ હિંમતવાન અને બહાદુર ઓફિસર હતો. પરંતુ તેનો ગુસ્સો અને બળથી કામ લેવાની આદતે તેનો જીવ લીધો.

          આ ઉપરાંત અભરામનો સાગિર્દ ઈન્તાઝ, કર્નલ પ્રતાપસિંહનો જમણો હાથ પ્યારેલાલ, રાજાવતનો બાતમીદાર મદદઅલી, હરભમ, ઝરીન, મુંજાવર, સેવંતીલાલ, સિસ્કો, સદાસિવહર્ણે, રાજ્યો ગદ્દાર વગેરે જેવા પાત્રોએ પણ નાની ઘટનાઓને મુખ્ય ઘટના સાથે જોડી કથાને ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

          અહીં ઘણા કાવતરા-ષડયંત્રો રચાયા છે. અપહરણ, ખૂન, એક્શન, ચોરી જેવા તત્વો જોવા મળે છે. બિહોલા કર્નલ પ્રતાપસિંહ અને વિરમ, રાવી જેવા ભોળા માણસોનો ફાયદો ઉઠાવે છે. અને દેશને વફાદાર હોવા છતાં અજાણપણે દેશની સાથે ગદ્દારી કરાવડાવે છે. ૫૦,૦૦૦ કરોડના ખજાનાની લાલચે કેટલાય કાવાદાવા રમી કેટલાય લોકોની બલી ચડાવે છે. વિરમનું અપહરણ તેમજ કથામાં જૂના કિસ્સાઓની ચર્ચા વખતે થયેલા મર્ડર અને એંકાઉંટર, જેમાં જૂસબનું એંકાઉંટર, કેરળના એક સાયંટિસ્ટનું ભેદી મર્ડર, ગુપ્તા બ્રધર્સની મદદથી કાશ્મીરમાં કરાવેલા હુમલા તેમજ કથામાં બિહોલાએ કરેલી કર્નલ પ્રતાપની હત્યા, માનસિંહ-મહાલ દૃશ્ય, માટીયાવાડમાં થયેલ ગોળીબાર, કોટાસની બંગલીમાં રહેલ ત્રિપુટી તથા સામે પક્ષે બિહોલા અને તેના માણસો વચ્ચે થયેલી જંગ, બોમ્બના ધડાકા, સતત ચાલતો ગોળીબાર… આવા દૃશ્યો એક્શન ફિલ્મોના દૃશ્યોની જેમ રચાયા છે. જેમાં અભરામ, સિસ્કો, રાજાવત, બિહોલા, દયાલસાહા વગેરે લોકો મોતને ભેટે છે.

          નવલકથામાં પ્રણય, આકર્ષણ અને રાજાવત જેવા પાત્ર દ્વારા હવસનું વર્ણન પણ આલેખિત છે.  અહી રાવીની વાતોમાં તેનો વિરમ માટેનો પ્રેમ અને તેના માટેની ચિંતા નજરે પડે છે. તથા મારામારી કરતી, કોઈને ગોળીથી ઉડાવી દેતી તો ક્યારેક પોતે ગોળીનો ઘા ઝીલતી બહાદુર રાવી પ્રત્યે અભિમન્યુનું આકર્ષણ અને પ્રેમ જોઈ શકાય છે. ખજાનાના આટલા મોટા મિશનની રઝળપાટ પછી રાવી અને અભિમન્યુ તન-મનથી એક થવા માંગે છે. ત્યારે લેખક બંને વચ્ચેની રોમેન્ટીક ક્ષણનું વર્ણન કરવાનું ચૂક્યા નથી. “…અને ફફડાટનો એ સૂર રાવીના ભરાવદાર સ્તનો વચ્ચે માથું ઘસી રહેલા અભિને તેની ધડકનના તાલમાં પડઘાતો હતો. રાવીની ગોરી ગરદન પર, ખભા પર, સ્તનોના માદક ઉભરમાં અભિના હોઠની તલ્લીનતા બેકાબૂપણે છપાતી રહી અને મહિનાઓના સંસર્ગ પછી જાગેલો ઉન્માદ તેના હાથની ભીંસ બનીને રાવીના એક-એક માંસલ, નરમ વળાંક પર ફરતો રહ્યો… એ ફફડાટમાં પલંગની હળવી કિચૂડાટી ભળી રહી હતી અને એ એકધારા મધ્ધમ અવાજના લયમાં રાવીના અસ્ફુટ ઊંહકારા ઓરડામાં પથરાઈ રહેલા આછા અંધારાને રોશન કરી રહ્યા હતા.” (પૃષ્ઠ. ૩૭૫). જોકે લેખક આ રોમેન્ટીક ક્ષણને અંતે રમૂજભરી બનાવી દે છે. “તેનું શરીર તીવ્ર પણે તંગ થયું. બંધ આંખોની ભીતર હજાર દીવડાનો ઉજાસ રેલાયો અને ગરદન ઝાટકીને તેના હોઠમાંથી અજાગૃત મન વડે દોરવાયેલા અસંબદ્ધ શબ્દો સરી પડ્યા, ‘વિરમ… વિરમ… અને ફરી એક વખત વધુ એક અભિમન્યુ સાતમા કોઠે ફસકાઈ પડ્યો.” (પૃષ્ઠ. ૩૭૫)

          આ ઉપરાંત જંગ દરમિયાન રાવી અભિ ઉપર પછડાય છે ત્યારે, બિહોલાને કારણે કાંટાળી જગ્યા પર પછડાય છે ત્યારે, કે રાવીના દેખાવનું વર્ણન થયું હોય ત્યારે, શરીરના અંગોનું તેમાંય ખાસ કરીને સ્તન વિશેનું આલેખન થયેલું છે, “તેના ભરાવદાર શરીર સાથે ચસોચસી વીંટડાઈ વળેલા લોંગ ટોપમાથી છલકાતા સ્તનોના તંગ ઊભાર, ભીંજાયેલા જિન્સ સાથે કસોકસ ચંપાઈ ગયેલાં માસલ નિતંબ, ચુસ્ત જાંઘો, લથબથ વાળમાંથી ટપકીને ગાલ પરથી વહી નકશીદાર ગરદનના વળાંકમાં અટવાઈ જતા પાણીના બુંદ…!” (પૃ. ૩૧૧)

          આ નવલકથામાં જગ્યા, વસ્તુ, વ્યક્તિ દરેકનું વર્ણન વિસ્તૃત રીતે બારીકિભર્યું કરવામાં આવ્યું છે. પાત્રના દેખાવ એ રીતે વર્ણવ્યા છે કે તેમનું ચિત્ર મન-મગજમાં સાક્ષાત ખડું થઈ જાય. એ જ રીતે સ્થળ અને ઘટનાનું આલેખન પણ એવું જ છે. કોણ કેટલા અંતરેથી બંદૂક ચલાવે છે, બરાબર કઈ જગ્યા ઉપર બોમ્બ ઝીંકાયો, ક્યાં હથિયારોનો કેવી રીતે ઉપયોગ થયો. એ સિવાય ખજાનાનો નકશો, ત્યાં સુધી પહોંચવાનો રસ્તો, સંભવિત મુશ્કેલીઓ, આ દરેકના વર્ણનમાં લેખકની પુરેપૂરી મહેનત અને મથામણ નજરે પડે છે. જેથી વાચક બે પૂંઠા વચ્ચેથી બહાર નીકળી કથાની દરેક જગ્યાએ યાત્રા કરી આવે છે.

          અહીં રોજ જીવાતા જીવનમાં વપરાતી એટલે કે સમજી શકાય તેવી ભાષાનું આલેખન થયું છે. જેમાં ‘હોલ્ડ યોરસેલ્ફ, કંટ્રોલ, બી કૂલ, નોટ ઇવન ટૂડે, સમથીંગ ઈઝ રોંગ, ઈટ મે કન્સર્ન વિથ નેશનલ સિક્યોરિટી, એન્ડ ફાઇનલી આ કોંક્રીટ મોટિવ શૂડ બી ધેર, સોરી માય ડિયર, પ્લીઝ હેવ સીટ, કોંપ્લિકેશન્સ, મેટ યૂ ચેક ઈટ સર, યાહ એમ હીયર ઓનલી, યુ આર અ સર્ટીફાઇડ ટેરરિસ્ટ નાવ, માઇન્ડ યોર જોબ ઓન્લી, વગેરે જેવા ઘણા બધા અંગ્રેજી શબ્દો તથા વાકયોનો ઉલ્લેખ જોવા મળે છે.

          આમ, જુદા જુદા ઈરાદા સાથે એક જ લક્ષ્યની શોધ એટલે લાઇટહાઉસ ની આ કથા રોચક અને એક જ બેઠકે વાંચી જવાનું મન થાય તેવી રસપ્રદ નવાકથા છે.

સંદર્ભપુસ્તક :

૧. ‘લાઈટહાઉસ’ – ધૈવત ત્રિવેદી, સાર્થ પ્રકાશન અમદાવાદ, પુન:મુદ્રણ ૨૦૧૯

જયસ્વાલ માનસી, પીએચ.ડી. વિદ્યાર્થી, ગુજરાતી વિભાગ, આર્ટ્સ ફેકલ્ટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા, વડોદરા – 390002, મો. નં. ૭૮૦૨૮૮૧૨૮૪