મૂળ ખેડા જીલ્લાના ખડલા ગામના વતની પરંતુ ખડલાના દરબાર સાથે કોઈ બાબતે નારાજ થઈને તોરણા ગામમાં સ્થાયી વસવાટ કરેલ રણછોડ એક વૈષ્ણવ ભક્ત કવિ તરીકે પ્રસિદ્ધ છે. કૃષ્ણાનુરાગી આ કવિએ પ્રેમલક્ષણાભક્તિ અને જ્ઞાન-વૈરાગ્યના પુષ્કળ પદો ઉપરાંત નાસકેતજીનું આખ્યાન, બ્રહ્મ-સ્તુતિ, સ્નેહલીલા, કર્મવિપાક, હરિરસ વગેરે આખ્યાનકલ્પ કૃતિઓની પણ રચના કરી છે. વૈષ્ણવ સંપ્રદાયમાં કૃષ્ણ મુખ્ય આરાધ્ય દેવ હોવાથી તેમના જીવન પ્રસંગોનું ભક્તિભાવપૂર્વક ગાન કરવાની સહજવૃત્તિ આ સંપ્રદાયના કવિઓમાં હોય તે સ્વાભાવિક છે. ભક્ત રણછોડ પણ કૃષ્ણની બાળલીલાથી માંડીને દ્વારિકાગમન સુધીના જીવન પ્રસંગોને પોતાના પદોમાં નિરુપિત કરે છે. જે રીતે મધ્યકાળમાં અનેક કવિઓએ રાધા-કૃષ્ણના પ્રેમને કાવ્યાભિવ્યક્તિનો વિષય બનાવ્યો છે તેમ આ કવિએ પણ રાધા-કૃષ્ણના પ્રેમને વિભિન્ન પ્રસંગો દ્વારા કાવ્યબદ્ધ કર્યો છે. રાધા-કૃષ્ણના અન્યોન્ય પ્રેમને નિરૂપતી એકરચના એટલે ‘રાધિકાના રૂષણાની ચાતુરી’.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે કેટલાક ઓછા જાણીતા કાવ્યપ્રકારો ગુણવત્તાની દ્રષ્ટીએ માતબર રીતે ખેડાયા છે તેમનો એક પ્રકાર એટલે ચાતુરીઓ. આપણે જેને આદિ કવિ તરીકે પ્રસ્થાપિત કાર્ય છે તે નરસિંહ મહેતા પાસેથી આપણને ગુજરાતી ભાષાની પહેલી ચાતુરી મળે છે. ચાતુરીના કાવ્યપ્રકારમાં શૃંગાર રસના બંને પ્રકારો, વિપ્રલંભ શૃંગાર અને સંયોગ શૃંગારનું નિરૂપણ મુખ્ય હોય છે. મધ્યકાળના બારમાસી અને સાત વારના કાવ્યપ્રકાર સાથે ચાતુરીઓ ઘણું સામ્ય ધરાવે છે. આ બંને પ્રકારમાં વિરહનું નિરૂપણ કરી કાવ્યાંતે નાયક-નાયિકાનુંમિલનથતું હોય છે, જયારે ચાતુરીઓમાં વિરહ અને મિલનના એક કરતા વધારે પ્રસંગોનું આવર્તન થતું હોય છે. આવું આવર્તન શૃંગાર રસને વધારે ઘેરો બનાવવા ઉપરાંત બંને પ્રણયી પાત્રો વચ્ચેના પ્રેમના ઊંડાણને પણ અભિવ્યક્ત કરે છે. રણછોડ ભક્તની આ રચના રાધા-કૃષ્ણના પ્રેમની વિરહ-મિલનયુક્ત ફૂલગૂંથણી છે. ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧ આ રચનામાં ૧૭ પદ હોવાનું કહે છે, પરંતુ બૃહદ કાવ્યદોહન ભાગ-૩ માં આ રચના ૧૮ પદ સાથે પ્રકાશિત થયેલ છે. કવિએ ૧૮માં પદના અંતે કહ્યું છે : ‘દશ આઠ પદ પૂરણ થયા, એક પદની આઠ જ પાંખડી;. આથી અહીં ૧૮ પદ સાથે બૃહદ કાવ્યદોહનમાં પ્રગટ થયેલ પાઠ ધ્યાને લીધો છે.
રાધાને મળવા કૃષ્ણ તેના ઘરે પધારે છે ત્યાંથી આ ચાતુરીનો પ્રારંભ થાય છે. કૃષ્ણ આગમનથી હરખ-ઘેલી બનેલ રાધા કૃષ્ણને પોતાની સામે જ બેસવા માટે આસન આપે છે. કવિએ આ ક્ષણનું નિરૂપણ કરતા લખ્યું છે :
‘સામા સામી દ્રષ્ટી માંડી, છાંડી કોઈની નવ શકે;
છબીલાની છબી જોઈ જોઈ, છબીલી પ્રેમે છકે.’
કૃષ્ણની આંખમાં આંખ પરોવીને બેઠેલી રાધા સુધ-બુધ ખોઈ બેસે છે. કૃષ્ણનું અનુપમ રૂપ સોંદર્ય જોઇને રાધાના ચિત્તમાં પ્રેમનો સાગર ઉમટી રહ્યો છે. સામે કૃષ્ણની પણ એ જ સ્થિતિ છે. એકમેક સામે એક ચિત્તે જોતાં-જોતાં ત્રણ દિવસ પસાર થઇ ગયા, પરંતુ બંનેમાંથી કોઈનું મન હજુ તૃપ્ત થતું નથી. અંતે પ્રેમાસક્ત બનેલી રાધાથી ‘મંન વાળ્યું મોહનજીએ;’ અને ‘ભાવે ભાળ્યું ઘર ભણી.’ આ તરફ ત્રણ દિવસથી પુત્રની રાહ જોતી યશોદા કૃષ્ણને આવતાની સાથે જ જાત-જાતની પૃચ્છા કરવા લાગે છે. માતાને સાચું કારણ તો કેમ કહેવાય! કૃષ્ણ બહાનું કરતા કહે છે :
‘તારા વેણ મધુર ને મીઠડાં, હરિ બોલ્યા હેતે કરી;
હું ગયો તો ગૌ ચારવા, આવીયો તે વ્રજ ફરિ કરી.’
નરસિંહ, મોતીરામ, જીવણરામ, દયારામ પાસેથી પ્રાપ્ત થતી ચાતુરીઓ જોતા જણાય છે કે તેમાં નાયક-નાયિકા ઉપરાંત બંને વચ્ચે કડી રૂપ કોઈ એક સખીનું પાત્ર મહત્વના પાત્ર તરીકે વિકસિત થતું હોય છે. કાવ્યારંભે તેનું મુખ્ય કાર્ય નાયક-નાયિકાની દૂતિ તરીકેનું હોય છે. નાયક-નાયિકાના ચિત્તમાં તરંગીત થતી ભાવ-લહેરીઓની આપ-લે કરનાર આ પાત્ર પ્રથમ દ્રષ્ટીએ ગૌણ પાત્ર જેવું દેખાય, પરંતુ સમગ્ર કાવ્યની વ્યંજના પ્રગટાવવામાં તેનું મહત્વ નાયક-નાયિકા કરતા જરાય ઓછુ નથી.નરસિંહ મહેતાની ચાતુરીઓમાં લલિતાનું પાત્ર ખાસ ધ્યાન ખેંચે છે, એમ અહીં પણ રાધા અને કૃષ્ણના મનની અનુભૂતિની આપ-લે કરવાનું કામ તેની એક સખી દ્વારા થયું છે. જો કે અહીં તેના નામનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. માત્ર ‘સખી’ તરીકેનું જ સંબોધન સાદ્યંત વાપરવામાં આવ્યું છે.
પ્રસ્તુત ચાતુરીના ત્રીજા પદમાં ‘સખી’ના પાત્રનો પ્રવેશ થાય છે. પોતાને એકલી મુકીને ચાલ્યા ગયેલ કૃષ્ણ હવે ક્યાં મળશે તેની ભાળ લેવા ભાત-ભાતના આભ્રણ પહેરીને રાધા પોતાની સખી પાસે આવે છે. પણ તેની સખીને કૃષ્ણ ક્યાં હશે તેની જાણ ન હોવાથી અને રાધા પોતે કૃષ્ણને શોધવા જઈ શકે તેમ નથી, એટલે જ તે પોતાની સખીને કૃષ્ણના સમાચાર મેળવી લેવા તથા ગમે તે ઉપાયે કૃષ્ણને પોતાની પાસે લઇ આવવા વિનંતી કરતાં કહે છે :
‘રાધે કહે સખી સાંભળો, તમે પ્રભુજી પાસે પરવરો;
અર્જ અમારી આધીન થઈને, કર જોડીને કરગરો.
જેથી રીઝે રંગ રસિયો, તેમ તેને મનાવજો;
પાય લાગી પ્રીછવીને, અહીં લાગી તેડી લાવજો.’
શિખામણ દઈને રાધાએ મોકલેલ સખીને કૃષ્ણ ગાયો ચારવા વનમાં ગયા છે તેવા સમાચાર યશોદા પાસેથી પ્રાપ્ત થાય છે, ત્યારે તે યશોદાને કૃષ્ણ પાસે આવા કામો કરાવવા બદલ ઠપકો આપવા લાગે છે. ત્રિભુવનના સ્વામીને સ્નેહથી પૂજવાના હોય તેને બદલે નિત-નિત વનમાં મોકલવા માટે તે યશોદાને સ્વાર્થી અને અવિવેકી કહે છે. કવિએ સખીના મુખે કૃષ્ણના ઈશ્વરીય સ્વરૂપનું આ રીતે વર્ણન કર્યું છે :
‘એ વિશ્વંભર છે વિશ્વકર્તા, વિશ્વ મહીં રહ્યા મળી;
ઇન્દ્ર બ્રહ્માદિક શિવમુનિ, સનકાદિક કોઈ ન શકે કળી.
જોગ જજ્ઞ ને જપ તપ સાધના, નિગમને ગમ નહિ પડે;
તે હરિ તમારે બારણે, મહા રાંક થઈને રડવડે.’
કૃષ્ણ વનમાં ગાયો ચરાવવા ગયા છે તેવી જાણ થતા કૃષ્ણને મળવા તત્પર બનેલ રાધાજી સોળે શણગાર સજી, માથે મહીની મટુકી મેલી વન તરફ ચાલી નીકળે છે ત્યારે કવિ કહે છે;
‘એક પંથ ને કાજ દૂજો, કોઈ ન જાણે ભેદમાં;
પ્રીતના પરપંચ એવા, નથી એ કઈ વેદમાં.’
ચુપચાપ કૃષ્ણને મળવા નીકળેલ રાધા વનની કુંજ-કુંજમાં ફરી વળે છે, વૃક્ષ-શાખા-પર્ણને કૃષ્ણ વિશે પૂછી વળે છે છતાં વ્હાલાજીના દર્શન થતા નથી. નિરાશ થઈને ‘ચતુરા તે ચાલ્યાં ઘર ભણી.’
કૃષ્ણના વિરહમાં રાધા જ વિયોગી બની વિરહ-અગ્નિમાં બળે છે એવું નથી. કૃષ્ણના ચિત્તમાં પણ વિરહ વ્યાપી રહ્યો છે. એટલે જે તો વ્યાકુળ મને ઘેર આવેલ કૃષ્ણ રાધાના સમાચાર જાણવા આતુરતા છે. રાધાની સખી આવ્યાની વાત જાણીને અધીર બનેલ કૃષ્ણ સખી સાથે રાધાને મળવા આવવાનો સંદેશ મોકલાવે છે. સખી રાધા પાસે આવી કૃષ્ણનો સંદેશો આપે છે. સંદેશો જાણીને રાધા પોતે તો સીધી મહી વહેંચવાના બહાને ઘરથી નીકળી શકે તેમ નથી. એટલે જ આ સખી રાધાની માતા પાસે રાધાના વખાણ કરીને તેને મહી વહેંચવા જવાની મંજુરી લઇ આપે છે. અહીં કવિ રાધાના સ્વરૂપનું નિરૂપણ કરતા લખે છે;
‘એ સૂરીનરનું સાર સરવે, રાજ કેરી રંગના;
કુંવારી કુળદીપ છે, અર્ધંગે હરિની અંગના.
એ ચંદ્રવદની ને મંનમદની, સુંદર એનું રૂપ છે;
એના ગુણને ધ્યાય નિર્ગુણ, ચૌદ લોકનો ભૂપ છે.’
સખીએ ચાતુરી કરી રાધા-કૃષ્ણના મિલનનો માર્ગ મોકળો કરી આપ્યો. રાધાને ઘરેથી બહાર મોકલીને સખીએ શ્યામને ‘પ્યારી પાસે પરહરો’નો સંકેત કરી રાધાની આતુરતાની અભિવ્યક્તિ કરતા કૃષ્ણને સંબોધીને કહે છે;
‘જેમ રીઝે રાધિકાજી, તેમ તેને મનાવજો;
અતી આતુર અબળા તેની, આશા પૂરી આવજો.’
રાધાનું મન હરવા શામળિયો શણગાર સજે છે. પીતાંબર, મોતીનો મુગટ, સોના અને હીરાથી યુક્ત વિવિધ આભૂષણો પહેરી અને ઓછુ હોય તેમ મુખે સુહાગી મોરલી ધારણ કરીને કૃષ્ણ રાધા પાસે જવા નીકળે છે. જેષ્ટિકા કારમાં ધરી ઉભેલા માધવે સાન કરી રાધાને કુંજસદનમાં બોલાવ્યા છે.
ચાતુરી સાદ્યંત શૃંગારરસ સભર કાવ્યપ્રકાર હોવાથી તેમાં મિલન કે સંયોગ શૃંગારનું પણ ઘણું મહત્વ છે. પ્રસ્તુત ચાતુરીનું નવમું પદ રાધા-કૃષ્ણના મિલન શૃંગારને આલેખતું મહત્વનું પદ છે. આ પદમાં રાધા-કૃષ્ણના મનોભાવોનું વિવિધ ક્રિયા-પ્રતિક્રિયા દ્વારા આલેખન થયું છે. હેતે મળી નાના વિધનો આનંદ-વિનોદ કરતાં પ્રેમી યુગલનું શૃંગારિક શૈલીમાં કવિએ આ રીતે વર્ણન કર્યું છે:
‘એકએકને આલિંગન ચુંબન, અધિક અધિકે આદર્યું;
જે વેળાએ જોઈએ જુગતું, તે વેળા તેવું કર્યું.
રંગ રાતો ને વેણ વાતો, માતો ખેલ મચાવ્યો;
રસિક શ્યામને સુંદરીએ, થનીક થનીક નચાવ્યો.’
કૃષ્ણની ચોપાસ નૃત્ય કરતી, કોઈ વાર હૈયા સાથે ચાપતી, તો કોઈ વાર સામું જોઈને મંદમંદ મુસ્કાતી રાધાને નિહાળીને કૃષ્ણ પણ અનંગવશ થાય છે. કૃષ્ણ પ્રેમમાં તરબતર બનેલી અને શૃંગારનો ઉત્કટ ભાવ અનુભવતી રાધાની દ્રષ્ટી એકાએક કૃષ્ણના મુકુટ ઉપર પડે છે. જેમાં તેને પોતાનું જ પ્રતિબિંબ દેખાય છે, પરંતુ કામાશક્ત બનેલ રાધાને તે પ્રતિબિંબ અન્ય સ્ત્રીનું હોવાનો ભાસ થાય છે. પોતાનો પ્રિયતમ બીજી કોઈ સ્ત્રી સાથે મ્હાલે તેવું તો કોઈ પ્રેયસી કઈ રીતે સ્વીકારી શકે! આથી રાધાના મનમાં રીસ ચડેતા તે કૃષ્ણને નફ્ફટ અને કપટી કહીને ત્યાંથી ચાલી જાય છે.
પ્રેમલક્ષણા ભક્તિને વેગ આપવામાં ભાગવત મોટું પ્રેરકબળ રહ્યું છે. ભગવત પછીના સમયમાં જયદેવ વગેરે કવિઓએ રાધા-કૃષ્ણના પ્રેમમાં શૃંગારને અતિ મહત્વ આપતા આ પ્રકારના આલેખનની એક આગવી પરંપરા સંસ્કૃત ઉપરાંત અન્ય પ્રાદેશિક ભાષાઓના સાહિત્યમાં પણ જોવા મળે છે. આપણે ત્યાં જયદેવની અસર નીચે નરસિંહ મહેતા વગેરેની આ પ્રકારની રચનાઓમાં શૃંગારિક વર્ણનો જોવા મળે છે. પ્રસ્તુત પદ પણ આ પરંપરાની અસર નીચે જ રચાયું હશે તેમ કહેવામાં અતિશયોક્તિ જાણતી નથી.
ક્રોધે ભરાયેલ રાધા વ્હાલાથી વિરાધ કરીને રુદન કરવા બેઠાં છે. કૃષ્ણના આભાસી એવા વ્યભિચારી આચરણથી રાધાના મનમાં ઉઠતી પ્રતિક્રિયા કવિએ આ રીતે પ્રગટ કરી છે;
‘દ્વેષ વાધ્યો ને ડંશ ઘણો, લવલેશ વળગ્યું નવ રહ્યું;
જીવતાં તે મળવું છે નહિ, એમ પોતાના મનમાં કહ્યું.’
x x x x
‘શોક લઇ બેઠી શ્યામા, દોષ દઈ દયાળને.
તજ્યાં આભ્રણ અંગથી, હવે સંગ નહિ ગોપાળનો.’
રાધાના આવા વર્તનથી કૃષ્ણ પણ સંતાપ પામે છે. રાધાના દર્શનનો તલસાટ કૃષ્ણના મોહમાં વૃદ્ધિ કરી રહ્યો છે. વિયોગના દુઃખે કૃષ્ણનું ચિત્ત શોકના ઘેરા અંધકારમાં ડૂબી જાય છે;
‘મુજને કળ પડે નહિ, દિવસ રજની ક્યમ જશે.’
x x x x
‘એનું મુખ જોયા વિના, મારે અન્ન જળની આખડી;
સખીને કહે શોધી લાવો, પ્રીતસું પાએ પડી.’
કૃષ્ણના કહેવાથી રીસે ભરી રાધાને માનવ માટે સખી રાધા પાસે પહોંચે છે. વાંક વિના વિરોધ કરી ઘેલી બનેલ રાધાને કૃષ્ણની વિરહ અવસ્થા જણાવતા સખી કહે છે;
‘એ ત્રિભુવનનું તત્વ તારુણી, તે તુજને ભાવે ભજે; ‘
રાધે રાધે રટે રસિયો, પલક મુખથી નવ તજે.’
રાધાની સખી તેને મનમાં પડેલ ગાંઠ ત્યજી કૃષ્ણ પાસે જવા સમજાવે છે. સર્વના બંધનથી મૂક્ત એવો નિરાકાર ઈશ્વર ક્યાં કોઈનાથી બંધાયો છે! તેમ છતાં તે રાધા પાસે કેવો પ્રેમવશ થયો છે તે વિશે રાધાની સખી કહે છે;
‘અબધ બાંધ્યો નાથ અબળા, તુજની નથે નાથીઓ;
પ્રેમ બંધનમાં પડ્યો, જેમ પડે મદગલ હાથીઓ.’
અકળ અને અજીત એવા કૃષ્ણને જીતવાનું કહીને રાધાને કૃષ્ણ પાસે લઇ જવા પ્રયાસ કરતી સખીની એકપણ વાત રાધા કાને ધરતી નથી. ઊલટાની વધારે રોષે ભરાયને કૃષ્ણને ઢોંગી, ધુતારો ગણી જીવ ત્યજી દેવાની વાત કરતાં કહે છે;
‘એ કાળો કપટી કામણગારો, લોભી લંપટ લાલચી;
પોતા કેરા સ્વારથ માટે, રમત સઘળી કુડી રચી.
નવલી સાથે નેહ એને, પલક પછી નવ કરે;
સુંદરીને સંગ લઈને, વન વને વ્યાકુળ ફરે.’
કૃષ્ણ ઉપર જાત ભાતના આરોપ લગાવતી રાધા કૃષ્ણ પાસે જવા કરતાં જીભ કરડીને પ્રાણ ત્યજી દેવા ઉત્તમ ગણે છે. લાખ સમજાવવા છતાં પણ રાધાની રીસ ઓછી થવાને બદલે વધતી જાય છે. આ જોઈ કૃષ્ણ રાધાના મનનો ગર્વ ભંગ કરીને તેને મનાવવાનો ‘પરપંચ’ રચે છે. સોળ વર્ષની અનુપમ સૌંદર્યવાન યુવતીનું રૂપ લઇ તે રાધા પાસે જાય છે. કૃષ્ણએ ધારણ કરેલ આ યુવતીના સ્વરૂપ સૌન્દર્યનું કવિએ ઉત્તમ વર્ણન કર્યું છે;
‘કોટિ શશિયર કોટી ભાનુ, જાણે કંદર્પની કળા;
રૂપનિધાન સુંદરી, એવી નહિ કોઈ અબળા.
નહિ બ્રાહ્મણી નહિ ઇન્દ્રાણી, નહિ કોઈ ઉમિયા ઈશ્વરી;
ચૌદલોકનું ચિત્ર ચતુરા, એવી થઈને નીસરી.’
આવું અલૌકિક સૌંદર્ય જોઈને રાધાને પણ આ સ્ત્રી પ્રત્યે મોહ ઉપજ્યો. એટલું જ નહિ તેને વળી પ્રીતથી પોતાની પાસે બોલાવી પરિચય કેળવવા લાગી. વ્રજમાં કોની સંગાથે આવ્યાં છો, ક્યાં કુળના છો, ક્યાંથી આવ્યાં છો? વગેરે સવાલ કરીને રાધા તેને સાવચેત કરતાં કહે છે!;
‘મને ચિંતા ઉપજે, તમે છો અતિ આનંદમાં;
રણછોડનો સ્વામી મળશે તો, ફોકટ નાખશે ફંદમાં.’
x x x x
એ ધુતારામાં ધૂર્ત વિદ્યા, ભૂંડી તુજને ધૂતશે;
પછી મેલશે પરહરી તે, દરદ તુજને ખૂંચશે.’
x x x x
વશીકરણ છે વ્હાલાજીમાં, મુરલિમાં મનડું હરે;
દ્રષ્ટે દીઠે ધીરજ ન રહે, પછી કાંઈ કામણ કરે.’
કૃષ્ણના આવા અવગુણ ગણાવતી રાધા કૃષ્ણની માયાથી કેવી અજાણ છે! અને તેથી જ તે કૃષ્ણએ ધારણ કરેલ આ સૌંદર્યવાન યુવતીનામોહમાં આવી જઈ તેની સાથે સહિયરપણું બાંધે છે. વળી આવેશમાં આવી જઈને રાધા તેને મનગમતું માંગવા કહે છે. ત્યારે સખી વચન માંગતા કહે છે, ‘દે વચન મારા હાથમાં, જે હું કહું તે તું કરું.’ જેવું રાધાએ વચન આપ્યું કે તરત જ સખીએ કૃષ્ણ પ્રત્યેની રીસ ત્યજી દેવા કહ્યું. રાધાના મનને પહેલા તો ભારે આંચકો લાગ્યો હશે. જેણે પોતે પોતાની સખી ગણી તેણે જ ધુતારા કૃષ્ણ સાથે અબોલા તોડવાનું વચન માંગ્યું, આવું તો રાધાએ સ્વપ્નમાં પણ વિચાર્યું નહિ હોય. જો કે રાધા એમ કઈ રૂષણુ છોડી દે તેમ નહોતા. જેના કારણે રાધા રિસાય છે તે પૂર્ણ પુરુષોતમે પ્રેમભાવે પ્રગટ થઇ હાથમાં હાથ લીધો ત્યારે લજ્જાથી ક્ષોભ પામી નીચું નિહાળી રાધિકા પ્રભુને પ્રેમવશ થયા. પોતાના મનનો ગર્વ ઉતારી પ્રભુએ રૂષણુ ભાંગ્યું તેથી સંતાપ અનુભવી રહેલ રાધાના મનની સર્વ ભ્રમણાઓ ભાંગી માધવે આલિંગન આપી મનતણા સર્વ મેલ ટાળ્યા.
રાધા કૃષ્ણના મિલનથી શરુ થઈનેવિરહ ભાવનું આલેખન કરી અંતે પુનઃ બંનેના મિલન સાથે પૂર્ણ થતી આ રચના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની આ પ્રકારની પરંપરાનું આલેખન કરતી ચાતુરી રચનાઓમાં મહત્વની રચના છે. રણછોડ ભક્તની કવિ પ્રતિભાનો પણ અહીં સુપેરે પરિચય મળી રહે છે.
ડૉ. સુરેશ શિંગાળા
મદદનીશ પ્રધ્યાપક, ગુજરાતી
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, જામ ખંભાળિયા
sgshingala224@gmail.com