લેખક યોગેશ જોશી કૃત ‘મોટી બા’ એક ચરિત્ર કથા છે. જે ૧૯૯૮માં લખાઈ છે.નર્મદ સુવર્ણચંદ્રક,ધનજી કાનજી સુવર્ણ ચંદ્રક તથા સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા આ કૃતિ લેખકની એક યશોદાયી કૃતિ બનવા પામી છે.આ પૂર્વે લેખક યોગેશ જોશીએ ‘મોટી બા’નામે એક દિર્ઘ ચરિત્ર નિબંધ લખ્યો હતો.પરંતુ,મોટી બાનું ચરિત્ર એટલામાં જ સીમિત ન રહી શકતું હોઈ એ ચરિત્ર કથાનું સ્વરૂપ ધારણ કરે છે.કવિતા,વાર્તા, નિબંધ, લઘુ નવલ, નવલ,ચરિત્ર, સ્મરણ,સંપાદન,અનુવાદ તેમજ બાળસાહિત્ય ક્ષેત્રે પણ કલમ ચલાવનાર યોગેશ જોશી મુખ્યત્વે ખીલે છે તો ચરિત્રકાર તરીકે. ‘મોટી બા’પૂર્વે લખાયેલ ‘સમુડી’ તેનું જીવંત ઉદાહરણ છે.
લેખક યોગેશ જોશી જ્યારે ચરિત્ર લખે છે ત્યારે માત્ર અહોભાવ કે પૂર્વગ્રહને આધારે નથી લખતાં.પરંતુ,સંવેદનોને હૃદય રૂપ તાવણીમાં તાવે છે. શુદ્ધ કરે છે અને અવગુણોને પણ ગુણોની અંદર ઢાંકી દે છે. વળી, સ્મરણોને ક્યારેય લખી રાખતાં નથી કે જ્યારે લખવા બેસે ત્યારે એ કામ લાગે.સ્મરણો અને સંવેદનોને તેના સહજ રૂપે વહેવા દે છે.તેથી કાંટ છાંટ ખૂબ ઓછી અને વાસ્તવિકતા વધુ નીરૂપાય છે.એમ કરવા જતાં ઘણીવાર સ્વજનોના રોષ કે આક્રોષનો ભોગ બનવું પડે તો તેની પણ તૈયારી રાખે છે.મોટી બાના ચરિત્રમાં એવું ઘણું નીરૂપાયું છે કે જે મોટી બા પોતે વાંચે તો ગુસ્સે થયા વિના ન જ રહે.પણ લેખકને અભિપ્રેત છે શુદ્ધ વાસ્તવ.તેથી જેવું હોય તેનાથી વિશેષ નહિ પણ જેવું છે તેવું જ મોટી બાનું ચરિત્ર લેખક નિરૂપે છે. તેમછતાં એક કલાકારને પોતાની કૃતિ કલાકૃતિ બનવા પામે તેની દરકાર હોય તેમ લેખક યોગેશ જોશી એવું પણ ઘણું વાસ્તવ નિરૂપે છે જે વાંચકને મોટી બા વિશે એકધ્યાને વિચારવા મજબૂર કરી દે છે.
સત્તર વર્ષની ઉંમરની એક કોડભરી કન્યા તારા ના પચાસેક વર્ષના વૃદ્ધ ગંગાશંકર સાથે લગ્ન કરી દેવાયાં અને આ કોડભરી કન્યા ૨૫ વર્ષે વિધવા થઈ ગઇ.લગ્ન લખાયા હશે ત્યારે જ ખૂબ ટૂંકા ગાળામાં વિધવા થવાનું પણ લખાયું જ હશે ને.તેમછતાં લગ્ન થયા.આ તારા એ બીજું કોઈ નહિ પણ મોટીબા પોતે.મોટી બા ના પિતાએ પોતાના મોટી ઉંમરના એક ભાઈનું લગ્ન ગોઠવવા સાટા પેટામાં તારા ની જિંદગીનું સત્યાનાશ બોલાવી દીધું. તારાએ એ વખતે વિરોધ નહોતો કર્યો પણ જીવનભર પિતાના નામનું નાહી જ નાખ્યું હતું. એ ત્યાં સુધી કે પિતાના મૃત્યુ વખતે એક આંસુ પણ પાડ્યું ન્હોતું.જીવનભર ‘કિકા મહેતાનું નખ્ખોદ જાય’ એવા વચનો ઉચ્ચાર્યા હતાં.તારા ઉર્ફે મોટી બા ને કશાય વાંક ગુના વગર સહન કરવાનું આવ્યું હતું.તેના તમામ સપનાંઓ પૂરાં થતાં પહેલાં જ વેર વિખેર થઈ ગયા હતા.પોતે એ વખતે જો વિરોધ કર્યો હોત તો પણ તેને ન્યાય અપાવે એવું કોણ હતું? કોઈ જ નહીં.
લગ્ન બાદ ૨૫ વર્ષે વિધવા અને ૮૮ વર્ષે મૃત્યુ. માત્ર ૮ વર્ષનું લગ્ન જીવન તેમાં એક દીકરો અને એક દીકરીના જન્મ.૨૫ વર્ષ બાદ એકલાં હાથે બંને બાળકોના ઉછેર.કમાણીનું ક્યું માધ્યમ પોતે શોધ્યું હશે એ જ પ્રશ્ન છે.એટલે કે પિતાના કારણે પુરાં ૬૩ વર્ષ વિધવા અને એકલા બનેલાં મોટી બા ને જીવતર સમગ્રને પોતાની આગવી વિચાર મૂડીથી જીવવાની ને જોવાની ફરજ પડી હતી. બંને બાળકોને મોટા કર્યા એટલું જ માત્ર નહિ પણ એમને સારું શિક્ષણ પણ આપ્યું.નોકરીએ ચડાવ્યા. એ મોટીબા સમગ્ર જીવન દરમિયાન સ્વમાની બની રહ્યા.કોઈની પણ સત્તામાં માને તો મોટી બા શેં કહેવા?ભરપૂર જીવનરસ દાખવતાં મોટી બા પિતા કે ભાઈના મૃત્યુ વખતે ત્યાં જાય પણ નહિ.સ્વમાન અને સ્વાભિમાન બંને જેમનામાં એક થઈ ગયા હતાં. એ મોટી બા એ જીવનને પોતાની દૃષ્ટિએ આગળ ધપાવ્યે રાખ્યું હતું.
જૂનાં અને ફાટી ગયેલાં ગોદડાંઓમાંથી સારો ભાગ કાપી,જૂની સાડીનું કવર બનાવી ફરતે સરસ ઝુલ મૂકી બાળકો માટે ગોદડીઓ તૈયાર કરી દેતાં.ઘરની દરેક વસ્તુઓને એ રીતે બીજાં ઉપયોગમાં લઈ શકાય તેવું કરી દેતાં.પાણી ગાળવાની ગળણીનો સરસ હાથ પંખો બનાવી દેતાં. એ જ મોટી બા હિસાબ અને તોલ માપમાં ઝબરાં હોંશિયાર.૨૫૦ગ્રામ બટાકામાં જો ૧૦ ગ્રામ પણ ઓછું હોય તો તેને હાથમાં ઉંચકતાવેંત જ ખ્યાલ આવી જતો.હાથ જ જાણે તોલમાપનું હથિયાર. શાકવાળો જો એ ૧૦ગ્રામની ભરપાઈ ન કરે તો એની દુકાને જઈને હોબાળો મચાવ્યો જ હોય…એટલે મોટી બા ને આવતાં જુવે કે તરત એક બે બટેટાં બીજા આપી દે એટલું જ નહિ મસાલો પણ મફતમાં આપે.લેખક નોંધે છે કે મોટી બા પોતે કાને સાંભળે નહિ એટલે સામેનો વ્યક્તિ કંઈ કહે તોપણ કંઈ ફેર ન પડે.મોટી બા જોર જોરથી બોલે અને આજુબાજુ લોકોનું ટોળું ભેગું કરી એ દુકાનદાર પાસેથી કોઈ એ કંઈ ન લેવું એમ પણ બેધડક પણે કહે.. એટલાં બિન્દાસ્ત મોટી બા થી બધાં બીવે.
એકવાર લેખકને નોકરી મળી એટલે એમની સાથે ભાડેના ઘરમાં રહેવા ગયાં.પણ મકાન માલિક બાઈ રોજ બપોરે લાઈટની મેઈન સ્વીચ બંધ કરી દે.મોટી બા થોડાં દિવસ તો કશું બોલ્યા નહિ.પણ પછી આસપાસના લોકોને પૂછી જોયું.બધાને ઘરે લાઈટો ચાલુ.મોટી બા પહોંચ્યા મકાન માલિક બાઈ પાસે.જુએ તો ઘરમાં પંખો ફરે.તરત એ બાઈની સામે જોઈ કહે.મેઈન સ્વીચ ચાલુ કર તો લાઈટ આવી જાય.ભૂલથી બંધ થઈ ગઈ હશે…પેલી બાઈ તો સબડક…પછીથી મકાન માલિક બાઈ ક્યારેય સ્વીચ બંધ ન કરતી.અને જો કરે તો પણ ઘર ખાલી કરતી વખતે એવો તાંડવ મચાવે કે નવું કોઈ ફરી એ ઘરમાં ભાડવાત તરીકે આવે નહિ.પણ પછી મોટી બા એ એ ઘરમાં રહેવાનું પણ મુનાસીબ ન માન્યું.ટુંક સમયમાં જ નવું ઘર શોધાવી સામાન ફેરવી નખાવ્યો.
મોટી બા જરા પણ કાને સાંભળે નહિ એટલે પાટીમાં લખી લખીને કહેવું પડે.વળી,દરેક વાત જાણે નહી તો મોટી બા શેં કહેવા.પાટીમાં લખેલું વાંચવા આંખો પણ એટલી સાબદી નહિ એટલે લખેલું વાંચવા માટે જાળી પાસે આવતા પ્રકાશ પાસે પગ ઢસડતાં ઢસડતાં જાય…બિલોરી કાચમાંથી એક એક અક્ષર ઉકેલે.થોડો વિચાર કરે પછી પાછું કંઈ પૂછે…લેખકની કવિતાઓ આવે તો હોંશે હોંશે આખી વાંચે. એટલું જ નહિ પણ સારી કવિતા માટે સૂચનો પણ કરે… છાપાં ની લીટીએ લીટી વાંચે. છાપામાં પણ જો કોઈ તિથિ કે વાર ખોટાં લખાયા હોય તો તરત જ પકડી પાડે.જીવનની દરેક પળે આટલાં સભાન અને ચોક્કસ રહેતાં છતાં મોટી બા પરંપરાગત વિચારોના હતાં.લેખકના મુસલમાન મિત્ર ઘરે મળવા આવે ત્યારે તેને ચા નાસ્તો કરાવે. એ જતો હોય ત્યારે ‘આવતો રેજે ભાઈ’ એમ પણ કહે. એ જાય પછી એને અપાયેલાં કપ રકાબી કોઈને અડવા ન દે.એક બાજુ મુકાવે.પોતે પિત્તળના પ્યાલામાં જ ચા પીવે.કારણ કે અન્ય વાસણોમાં આભડછેટ લાગે...મોટી બા ની આ પરંપરાગત વૈચારિકતાએ જ એમને એમની સાથે થતાં અન્યાયનો વિરોધ નહિ કરવા દીધો હોય….?એવો પ્રશ્ન પણ અનાયાસે ઊભો થાય.
મોટી બા ના વ્યક્તિત્વમાં વિરોધાભાસો ખૂબ જોવા મળે.એક ક્ષણે મોટી બા જેવું વર્તન કરે એની બીજી જ ક્ષણે મોટી બા સાવ જુદું જ વર્તન કરે…લેખક યોગેશ જોશીને શ્વાસની તકલીફ હતી.પણ નોકરી મળી એટલે બહાર ગામ જવું પડેલું.ત્યારે મોટી બા અધિકારપૂર્વક તેમની સાથે રહેવા ગયેલાં.લેખકને બહારનું ખાવું ન પડે એટલે રસોઈ બનાવી દેવા. એ જ મોટી બા અચાનક એક દિવસ હઠ લઇ બેસે કે મારે હવે અહીં એક પળ માટે પણ રહેવું નથી.જ્યાં સુધી મને અહીંથી જવા નહિ મળે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ.મોટી બા એવો ત્યાગ કરી પણ બતાવે…જે મોટી બા લેખક માટે પોતાની આંખે મોતિયો ઉતરાવ્યો હોય છતાં આંખે પાટો બાંધી સેવ બનાવીને મોકલે એ જ મોટી બા આમ હઠે ચડી મનનું ધાર્યું પણ કરાવી શકે…પણ મોટી બાના એ વર્તન પાછળનું કારણ પણ અહીં આવે છે કે લેખકને પરણાવવા મજબૂર કરવા માટે એ બધું માત્ર નાટક જ હતું.હાથે રસોઈ બનાવવી પડે તો ખબર પડે..એટલે લેખકના લગ્ન બાદ ઘરે આવતાં મહેમાનો અને પાડોશીઓને આખી કથા હોંશે હોંશે સંભળાવે પણ ખરાં..
જીવનભર આવાં સભાન અને ચોક્કસ રહેતાં મોટી બા એકલાં જીવવા માંગતા હતાં.કોઈનાય ઉપર ભારરૂપ બનવા માંગતા નહોતાં.પુત્રવધૂ અનીલા સાથે હંમેશા સાસુ જેવો જ વ્યવહાર રાખનારા મોટી બાએ ક્યારેય એની પાસેથી પણ સેવા સુશ્રુષાની અપેક્ષા નહોતી રાખી…સાવ પથારીવશ હોવા છતાં સંડાસ બાથરૂમ સુધી પહોંચવા માટે કોઈનોય ટેકો ન લેતાં…જીવનના અંતકાળે તો આંખ અને કાન બંને ચાલ્યા ગયેલાં.એટલે માત્ર પોતે કશું પૂછે… પણ એનો જવાબ કઈ રીતે આપવો એ કોઈને ન સમજાય.. પણ હા અંત સુધી તેમણે કીકા મહેતાને શ્રાપો આપ્યાં હતાં.
આમ મોટી બા એક એવું ચરિત્ર કે જે જીવ્યું ઘણું પણ તેના જીવનમાં આનંદ નામે કે સુખ નામે કશું હતું નહિ.પિતાએ માત્ર તેનો સોદો કરી નાખ્યો હતો.તેથી જીવનમાં કડવાશ આવી જાય તો તેમાં કઈ નવી વાત થઈ. કિકામહેતાને શું હકક હતો આ રીતે પોતાની દીકરીની જિંદગીનો ભોગ લેવાનો.જીવન બરબાદ થવા છતાં મોટી બા પોતાની ફરજોમાંથી છુટી નથી ગયાં. તેમણે એ બધું પુરાં જતનથી જાળવ્યું છે.સૌને સૌની સ્વતંત્રતા પ્રમાણે જીવવા દીધાં છે. પોતાની સાથે થયેલ અન્યાયનો બદલો લીધો નથી.બાળકોના ઉછેરમાં અને એમના કિલ્લોલમાં ભરપૂર બનીને જીવ્યા છે.ક્યારેય કોઈને કશી ફરિયાદ નથી કરી.વતને મળવા આવતાં બાળકો જ્યારે પાછા ફરે ત્યારે ચાલી ન શકવા છતાં પગ ઢસડતાં અને જાળીનો ટેકો લેતાં લેતા મુખ્ય દરવાજે આવી હાથ હલાવતા વિદાય આપતાં.. એ રીતે જોતાં મોટી બાનું ચરિત્ર એક નારી ચેતનાનું પ્રેરક બળ બની રહ્યું છે.નારીવાદી નહિ પણ નારી સંવેદનને સાકાર કરતી આ કૃતિ બની છે.વગરવાંકે સહેવા પડતાં દુઃખોમાંથી માર્ગ શોધવાની દિશા મોટી બા જરૂર ચીંધે છે… મોટી બાનું ચરિત્ર લેખક તટસ્થતાપૂર્વક આલેખી શક્યા છે.ચરિત્ર સાહિત્યમાં પૂર્વગ્રહ તો અનાયાસે આવી જાય પણ લેખક તેનાથી પર થઈને લખે છે. મોટી બા ના ચરિત્રને જેવું છે તેવું જ વાસ્તવિક રૂપે આલેખે છે. તેમછતાં, મોટી બા ખરા અર્થમાં ચરિત્ર બનવા પામે છે.જીવનના ભરપૂર અભાવો અડચણો અને વિકટ પરિસ્થિતિ છતાં ફરજ બજાવતા રહ્યા છે. નાનકડું નજીવું છતાં મોટીબાનું ચરિત્ર નમણું બનવા પામ્યું છે.
સંદર્ભ :- એકત્ર ફાઉન્ડેશન e – book પ્રથમ આવૃત્તિઃ ૧૯૯૮ પૃષ્ઠસંખ્યાઃ ૧૬+૧૬૮ પ્રતઃ ૭૫૦ કિંમત રૂ. ૭૦.૦૦
પ્રકાશક:- અમરભાઈ ઠાકોરલાલ શાહ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
લે. ડૉ.અલ્પા વિરાશ.
સ્વામી વિવેકાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટ્સ પાલીતાણા.
alpavirash@gmail.com.