લેખ ૨. સંસ્કૃતિ –સંઘર્ષની વ્યથાકથા : સમયદ્વીપ – ડૉ. વંદના રામી

          બહુમુખી પ્રતિભા ધરાવનાર ભગવતીકુમાર શર્માનો પાંચમા દાયકામાં સાહિત્યકાર તરીકે પ્રવેશ થયો. ગુજરાતી સાહિત્ય સ્વરૂપોમાં તેમની કલમે નવલકથા, નવલિકા, નિબંધ, વિવેચન, પ્રવાસકથા, આત્મકથા, જીવનચરિત્ર, અનુવાદ, અને સંપાદનના ક્ષેત્રોને ખેડ્યાં છે. તેમની પાસેથી ૧૩ નવલકથાઓ, ૧૧ કાવ્યસંગ્રહો, ૯ નિબંધસંગ્રહો, ૧૧ નવલિકાસંગ્રહો, ૩ વિવેચનના પુસ્તકો, હિંદી ભાષી સર્જકો સાથે કરેલ વાર્તા અને નાટકના અનુદિત પુસ્તકો વગેરે મળે છે. તેમણે ‘ગુજરાત મિત્ર’ માં ‘અનિમેષ’ના ઉપનામથી લઘુનિબંધો લખેલ છે. તેમની પાસેથી ‘સમયદ્વીપ’ જેવી ઉત્તમ નવલકથા મળે છે. 

આધુનિક સમયમાં મોટાભાગે પ્રેમ અથવા પ્રણયત્રિકોણની નવલકથાઓ વિશેષ મળે છે. પણ આ કૃતિ તો સાવ ભિન્ન જ છે. સમયના વહેણમાં અટવાતાં, અથડાતાં, કુટાતા, ક્યારેક પડતાં-આખડતાં અનેક પાત્રોની સંઘર્ષલીલા આ નવલકથાનામાં નવી જ ભાત પાડે છે. વાર્તાના કેન્દ્રમાં ઘટના કે પ્રસંગો નથી પણ બે વિરોધી જીવનરીતિઓ વચ્ચે ખેંચાતા,રહેંસાતા,એક સંવેદનશીલ માનવીની સંઘર્ષમય યાતના જ આ કથાના કેન્દ્રમાં છે. આમ હોવાથી ‘સમયદ્વીપ’ માં ઘટનાનું તત્વ ગૌણ અને સાધનરૂપ બની રહે છે. નવી પ્રયોગલક્ષી નવલકથાઓની જેમ આ કૃતિ પણ નાનકડા વિસ્તારમાં જ પોતાનો લીલાવિહાર સમેટી લે છે. 

કથાનાયક નીલકંઠ સુરા જેવા નાનકડા, પછાત ગામડાના વિરક્તેશ્વર મહાદેવના મંદિરના પેઢીદર પૂજારી બ્રાહ્મણ શિવશંકરનો સૌથી નાનો પુત્ર છે. તેનું બાળપણ કઠોર વિધિ-નિષેધોમાં, જુનવાણી આચાર-વિચારના વાતાવરણમાં વીત્યું છે. આ ખવાય, આ ના ખવાય, આને ન અડાય, આમ, કરીએ તો અભડાઈ જવાય અને પ્રાયશ્ચિત કરવું પડે-એવી અનેક પાબંદીઓની વચ્ચે નીલકંઠ ઉછર્યોં છે. કદાચ એ કારણે જ એક અબ્રાહ્મણ યુવતી નીરા સાથેના તેના સ્નેહલગ્ન લાંબો સમય ટકતા નથી. કોનવેંટ શાળા-માહાશાળાનું શિક્ષણ, બહોળો સ્ત્રી-પુરુષ મિત્રોનો સમુદાય, અર્વાચીન પશ્ચિમી સાહિત્યકારો અને તત્વદર્શીઓના પુસ્તકોનું બહોળું વાંચન, પરદેશી ફિલ્મો અને સંગીતનો શોખ, કળા અને સાહિત્યની રસિક સૂક્ષ્મ ચર્ચાઓ-આ બધાં વડે કથાનાયિકા નીરાનું વ્યક્તિત્વ ઘડાયું છે. તર્કથી પ્રમાણિત ન હોય, બુદ્ધિથી સમજી, પામી શકાય એવું ન હોય તેવું કશું નીરાને સ્વીકાર્ય નથી. જુનવાણી પરંપરાઓ અને અંધશ્રદ્ધાઓ સામે તેને સતત અણગમો છે. મહાશિવરાત્રીના ઉત્સવ નિમિત્તે આ દંપતી સુરા ગામમાં પ્રવેશે છે ત્યાં જ રૂઢિચુસ્ત કુટુંબની વ્યક્તિઓના તીખા બાણ અને મરજાદી જીવનવ્યવહાર તેને સહન કરવો પડે છે. ગૌરીબા નીરાને કહે છે. 

‘જોજે મને અડકતી નહિ, હું રહોળામાં છુ.’ (પૃ.૨૬)

તો સસરા શિવશંકર પણ આદેશ આપે છે કે: ‘એ અબ્રાહ્મણ છે ને? એની સાથે એ પ્રકારનો જ વ્યવહાર કરજો.’ (પૃ.૨૭)

શિવશંકરનું મરજાદી માનસ આ દંપતીને સ્નેહપૂર્વક આવકારતું નથી. નીલકંઠ જ્યારે માતાપિતાના સંતોષ ખાતર નીરાને કઈ કરવાનું કહે છે ત્યારે.

          ‘મનને ન ગમતું હોય છતાં કરવું એ તો ચોખ્ખો દંભ થયો. એ હિપ્રોક્સી છે. આઈ એમ નોટ ફોર હિપ્રોક્સી?…….મૂલ્યો વિષે સમાધાન સંભવે જ નહિ…..એક મ્યાનમા બે તલવાર ન રહી શકે, નીલ ! બે અંતિમોનો મેળ શી રીતે બેસવાનો હતો? આપણે આપના કન્વીક્શન્સ બદલવાની, સગવડપૂર્વક ગૌણ બનાવવાની શી જરૂર? વૈજ્ઞાનિક પૃથ્થકરણથી દ્રઢ બનેલી મારી બુદ્ધિના માર્ગદર્શનને જ હું સ્વીકારીશ. આ તુચ્છતાઓને તાબે હું નહી થાઉં?’ (પૃ.૭૦/૭૧ )

મંદિરમાં આશકા ન લઈને લોકોની વચ્ચે નીલકંઠને ભોંઠો પાડતા તે ખચકાતી નથી. રજસ્વલા નીરા માસિક ધર્મ પાળતી નથી. આવી અવસ્થામાં ઘર અને મંદિરમાં મુક્ત રીતે હરીફરી તેને પાતક કર્યું છે. એમ જાણતા જ શિવશંકર સહિત ઘરના સહુ કોઈ આઘાતથી, રોશથી હચમચી ઊઠે છે. ને ગૌરીબાનો પુણ્યપ્રકોપ માજા મૂકે છે…. ‘તું ભલે રહી મુંબઈની મડમડી…..અમને શા સારુ પાપમાં નાખવા અહી આવી છે?’ (પૃ.૭૫) વહુએ આ ઘરની સાત પેઢીની પવિત્રતાને ધૂળમાં રગદોળી નાખી એ સૌને અસહ્ય લાગ્યું. શિવશંકરે વીરક્તેશ્વરના મંદિરમાં આખી રાતનું અનુષ્ઠાન કર્યું. તેમણે ગંગાશંકર શાશ્ત્રીને બોલાવીને દેહસદન અને દેવસ્થાનની શુધ્ધિ કરાવવાનું નક્કી કર્યું. શિવશંકરના કુટુંબ માટે આ વિસ્ફોટજનક વાત, જ્યારે નીરાને મન આ એક પ્યોરલી હાઈજેનિક વાત. નીરા નીલકંઠને કહે છે…

          “આ એક પ્યોરલી હાઈજેનિક બાબત. તેને આ લોકો ધર્મની જડતામાં જકડી લે અને આપણે એનો સ્વીકાર કરી એમની માફી માગવાની? તારા ફાધરે તને અહીથી ચાલ્યા જવાનો હુકમ કર્યો છે – યૂ હેવ બીન થ્રોન આઉટ વિથ એ કીક ! એ પછી પણ તારે જો જુદો નિર્ણય કરવાનો હોય તો તું જાણે ! મે એટલિસ્ટ તારી પાસે સ્વમાનની આશા તો રાખી હતી.” (પૃ.૮૨) 

‘આઈ ડોન્ટ કેર! લેટ ધેમ ગો ટૂ હેલ !’ (પૃ.૩૧) નીરાના આ ઉદગારમાં એના તીખા, વિદ્રોહી, અસહિષ્ણુ વ્યક્તિત્વનો સબળ પડઘો પડે છે. નિર્ણયાત્મક ભૂમિકાએ પહોંચતા પહેલા અનેક પછાડાટો ખાતાં નીલકંઠનો સૂક્ષ્મ સંઘર્ષ સહાનુભૂતિ જન્માવી જાય છે. તો અંતે ગામલોકોના વિસ્મય વચ્ચે અનિચ્છાએ પણ નીરાની પાછળ ઢસડાતા નીલકંઠનું મનોમંથન ઓછું નથી. જે માટીમાં પોતે જન્મ્યો, ઉછર્યો એ માટીની માયાથી આસક્ત નીલકંઠ હજુ પાછા વળી જવા વિચારે છે. એના મનમાથી અવાજ પણ ઊઠે છે…. ‘ભલે એ એકલી ચાલી જતી તું અહી રહી જા તારું તો આ વતન છે.’ (પૃ. ૨૪) પણ નીલકંઠ આ અવાજને આવકારી ન શકે અને ભારે હૈયે ગામ છોડે, સમયના વજનને સહેતો પ્રવાસ પૂરો કરે. મુંબઈ પહોંચ્યા પછી નીરા,નીલકંઠના જીવનમાથી હમેશ માટે ચાલી જાય છે. પોતાની અવઢવનું સમીર આગળ વિશ્લેષણ કરતાં નીલકંઠ કહે છે : 

          “ક્યારેક મને લાગે છે કે હું એક સાથે સમયના અનેક ખંડોમાં જીવું છુ……હું અંતિમોની વચ્ચે જીવું છુ. એક અંતિમ મને મારા ભૂતકાળમાં જકડેલો રાખવા માથે છે. બીજું અંતિમ મને બ્રાહય અવકાશ સુધી ઉડવા પ્રેરે છે! અ…ને હું કશું જ નક્કી નથી કરી શકતો. મારા અસ્તિત્વને જુદા-જુદા ખંડોમાં વિખેરી દઈ, Split personality (છિન્ન વ્યક્તિત્વ) નો ફરેબ રચવાનું મને ફાવતું નથી….મહોરાંઓ લગાડીને કેમ જીવાય? (પૃ.૫૦ ) 

નવલકથાને અંતે નીલકંઠ ત્રણ સ્વપ્નો જુએ છે: સુરા ગામની ચિરપરિચિત જીર્ણ વાવના કઠણ તળિયા સાથે તે ભટકાયો, ગેઈટ વે ઓફ ઈન્ડિયાની ઇમારતમાં વિનાયક દલાલ ટ્રાંજીસ્ટર ખભે ઝુલાવતા ઘોંઘાટિયા સૂરોના સાપોલિયાંની જેમ એને વીંટળાઇ વળ્યા. ગામડેથી પિતાજીના અવસાનનો તાર આવ્યો. મૃત્યુંજય મંત્રના આવર્તનોથી કથાનાયકનું બહિરંતર ઘેરાઈ જાય છે. 

આમ આ કૃતિ વર્તમાનમાં નીલકંઠની મનોદશાને સંદર્ભે વિસ્તરે છે. કથાને આરંભે વર્તમાનનો સમય અને અંતે પણ નીલકંઠના વર્તમાનની જ યાતના-પીડા આલેખાઈ છે. આ નવલકથાનો નાયક નીલકંઠ જાણે અતીત અને વર્તમાનના સમયના દ્વીપ ઉપર ઊભો રહી તીવ્ર સંઘર્ષ અનુભવે છે. નીલકંઠ હાલ વર્તમાનમાં જીવે છે પણ તેના અસ્તિત્વનો એક અંશ આજે પણ બાળપણના ભૂતકાળમાં જીવી રહ્યો છે.એવી પ્રતીતિ એને ક્ષણે ક્ષણે થતી રહે છે. તેથી જ આ નથી પૂરેપૂરો આધુનિક બનીને નીરાની જેમ કેવળ વર્તમાનમાં જીવી શકતો કે નથી પોતાના પેલા જુનવાણી કુટુંબીજનોની જેમ જુનવાણી પરંપરાઓ અને શ્રધ્ધાઓના અવલંબનને સ્વીકારી શકતો. તેનો સંઘર્ષ જૂની-નવી પેઢીનો, પૂર્વ-પશ્ચિમની સંસ્કૃતિનો, ગ્રામ-મહાનગરની જીવનશૈલીનો અને સૌથી મોટો પેઢીદર પેઢી વારસામાં મળેલ બ્રાહ્મણ સંસ્કાર અને આધુનિક જીવનશૈલીનો છે. આમ કથાનાયક નીલકંઠ પિતા શિવશંકર અને પત્ની નીરા – બે દોન ધ્રુવ વચ્ચે પિસાતો, દબાતો, તેમજ વેદના અને વ્યથા અનુભવતો માત્ર સમયની કઠપૂતળી બની રહે છે. અહી સમયના બે પરિમાણનું પ્રતિનિધિત્વ કરતી બે પેઢીની વાત આલેખાઈ હોઈ પેઢીગત ભેદ પણ સહજ જોઈ શકાય છે. નીલકંઠના પિતા શિવશંકર, માતા ગૌરીબા અને જયાભાભી જૂનીપેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. આ એક એવી પેઢી છે જ્યાં અંધશ્રધ્ધાનો અતિરેક છે. જ્યાં પતિનું નામ લેવાથી પતિની આવરદા ઘટે છે, ને ઠાકોરજીનો દીવો ફૂંક મારીને ન ઓલવાય એવી બીજી પણ ઘણી બધી માન્યતાઓ ઘર કરી ગઈ છે. તો સામે નવી પેઢીનું નખશિખ પ્રતિનિધિત્વ કરતી નીરા. એક બાજુ છે દેહશુદ્ધિ કરવા ગૌમૂત્ર પિતા માણસો, મળ્યું એનાથી સંતોષનો શ્વાસ લેતા માણસો,અજાણ્યાને પણ ઉમળકાભેર આવકારતા માણસો,ને સમયના મૂલ્યથી સાવ અજાણ ને કલાકોના કલાકો સ્નાન-સંધ્યામાં ગાળતા માણસો, તો બીજી બાજુ ફ્રેશ થવા સારું શરાબના પ્યાલા ગટગટાવતા માણસો. આ ઉપરાત એડવર્ટાઇઝિંગ એજન્સીની ઓફીસના મેનેજર કૂલકર્ણી, કેબ્રેડાન્સર બનવાના સપના જોતી રિસેપ્શનિસ્ટ ગર્લ મિસ પિંટો કે નીલકંઠની મદદનીશ મિસીસ રોમા સંઘવી- આ બધા પાત્રો નવી પેઢીનું જ પ્રતિનિધિત્વ કરે છે. લેખક પોતે નવલકથાના પ્રારંભે એક અવતરણમાં લખે છે. 

“પસાર થતો સમય સ્પંદનો મૂકતો જાય છે,

એ હોય છે ઘણા હળવા પણ તમે સાંભળી શકો છો.

અની પાસે જ હોવાની કઈ જરૂર નથી હોતી;

જરૂર છે માત્ર સ્વલ્પ પ્રયત્નની.” (પૃ.૨૮ )

          આમ ‘સમયદ્વીપ’ નવલમાં સમયના સૂક્ષ્મ આંદોલનો છે,એનો લય છે. સમયના દ્વીપ -બેટ- ટાપુ પર પાત્રોના કાફલાનો મુકામ છે. સમયના એક બિંદુએ નીલકંઠનું થીજી ગયેલું અસ્તિત્વ છે તો સમયના બીજા બિંદુએ નીલકંઠનું કાર્યકારણ સભર દ્વંદ્વાત્મક વિશ્વ છે. પોતાના અસ્તિત્વના મૂળભૂત સવાલોમાથી, પોતાની સાચી આઈડેન્ટિટીની શોધમાંથી જ એ સંઘર્ષ ઉદભવ્યો છે. એક પ્રામાણિક, સંવેદનશીલ માનવીની એ મથામણ છે. જીવનની સાચી દિશા નક્કી કરવાની, પોતાના સાચા ભીતરી રૂપની ઓળખ પામીને તે અનુસાર જીવનમાર્ગ નક્કી કરવાની! નીલકંઠના મનમાં જાગેલી આ નિરુત્તર સમસ્યાઓ જ આ કથાનું હાર્દ છે.

પ્રા. ડૉ. વંદના રામી 

મદદનીશ પ્રાધ્યાપક 

શ્રી આર. આર. લાલન કૉલેજ, ભુજ,

મો ; 9924818600

Email: drvandanarami@gmail.com