લેખ: ૨. `વૈકુંઠ નથી જાવું’નાં નિબંધોમાં હાસ્યરસ કે રમૂજવૃત્તિ….. : આરતી સરવૈયા

              ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસ પ્રમાણમાં ઘણું ઓછું સ્થાન પામ્યો છે. અન્ય સાહિત્યની સરખામણીએ તેનું ખેડાણ ઘણું પાતળું રહ્યું છે. અન્ય સ્વરૂપોની જેમ લાંબી સર્જક નામાવલી હાસ્યરસનાં સર્જનમાં બની શકે નહિ. બકુલ ત્રિપાઠી જ્યારે સર્જનના આ પ્રદેશમાં પ્રવેશે છે ત્યારે તે સમયના હસ્યસર્જકો, એમના સર્જનનો પ્રભાવ, એની અસરો અને એ બધા વચ્ચે તેનું ઠરીઠામ થવું.. એ તપાસ પણ એક અભ્યાસનો વિષય બની રહે છે.

               જ્યોતીન્દ્ર દવે ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસનાં પર્યાય બની ગયા છે. હાસ્ય સાહિત્યની વાત માંડતા પ્રથમ એનું નામ જ યાદ આવે તેવી તેમની પ્રસિદ્ધિ છે. જ્યોતીન્દ્ર દવે જેવા હાસ્યરસનાં ખૂબ મોટા ગજાના સર્જકનો જ્યારે મધ્યાહન તપતો હોય, ગુજરાતી હાસ્ય સર્જન અને જ્યોતીન્દ્ર દવે પર્યાય બની ચૂક્યા હોય તેવા સમયે ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસના સાહિત્યનું ખેડાણ કરી ધ્યાનપાત્ર બનવું એ પણ એક આગંતુક સર્જક માટે પડકારરૂપ ગણાય. પરંતુ સ્વભાવથી જ અવનવી ભૂમિ ખેડવા તત્પર રહેલા આ સર્જકે પડકારને ઉત્સાહભેર ઝીલી લીધો હતો. જ્યોતીન્દ્ર દવેના સર્જનથી અંજાઈ જવાને બદલે તેમણે આગવો ચીલો કંડાર્યો. કદાચ ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસનું સર્જન કરનારા સર્જકોમાં આવડું મોટું સાહસ અને વિપુલ સર્જનાત્મકતા દાખવનાર બકુલ ત્રિપાઠી પ્રથમ અને કદાચ એકમાત્ર જ હશે. આગવી સર્જનાત્મકતા જોરે ગુજરાતી સાહિત્યના હાસ્ય સર્જનમાં અધૂરા કામ ઉપાડી લેવાનો પડકાર બકુલ ત્રિપાઠી એ ઝીલ્યો છે.

               હાસ્ય નિબંધને સામાન્ય રીતે લલિત નિબંધમાં મૂકવામાં આવે છે. હાસ્ય નિબંધ એ નિબંધનું એક સ્વતંત્ર સ્વરૂપ છે એવું સ્વીકારવામાં આવતું નથી. હાસ્ય નિબંધ સર્જનાત્મક નિબંધ હોવાને લીધે લલિત નિબંધ સાથે એનો ગોત્ર સંબંધ અવશ્ય છે. લલિતનિબંધ અને હાસ્ય નિબંધ ગમે તે વિષય પર લખી શકાય છે. વિષયનું બંધન બેમાંથી એકે પ્રકારના નિબંધને નડતું નથી. લલિત નિબંધની જેમ હાસ્ય નિબંધમાં ‘હું’ નું કેન્દ્રસ્થાને હોવું અત્યંત સ્વાભાવિક છે પણ લલિત નિબંધના ‘હું’ કરતા આ ‘હું’ જુદો હોય છે. આ ‘હું’ એટલે સરેરાશ મનુષ્ય – પોતાનામાં અનેક મર્યાદાઓ સમાવતો હોવા છતાં ચાહવો ગમે તેવો સરેરાશ મનુષ્ય હાસ્યકાર મનુષ્યપાત્રની નબળાઈઓ પોતાના પર ઓઢી લે છે. પોતાની મજાક કરતો કરતો તે સમગ્ર મનુષ્યજાતિ ની મજાક ઉડાડે છે.

          હાસ્ય નિબંધોમાં એક સાદી ઘટનાને બહેલાવીને રજુ કરવામાં આવે છે. આ ઘટના ઘણી વાર ‘હું’ નાં જીવનમાં બનેલી જ બતાવાય છે. પણ એ ઘટના મારા કે તમારા કોઈના પણ જીવનમાં બની શકે તેવી હોય છે. હળવા રેખાચિત્રો પણ હાસ્ય નિબંધો બને છે. આવા રેખાચિત્રોનાં પાત્રો સાચા પણ હોયને કલ્પિત પણ હોય છે. કલ્પિત પાત્રો નીજી વ્યક્તિત્વ વાળા હોવા કરતાં વર્ગ પ્રતિનિધિ જેવા વિશેષ લાગે છે. સાચા પાત્રોવાળા રેખાચિત્રો જે – તે પાત્રના વ્યક્તિત્વને ઉપસાવનારા અવશ્ય હોય છે. આવા રેખાચિત્રો જીવનચરિત્ર આલેખવાની દ્રષ્ટીએ નથી લખાયા હોતા એટલે એમાં ક્યાંક કલ્પનાના અંશો પણ ભણેલા હોય છે. પણ આવા કલ્પનાના અંશો જે તે પાત્રના વ્યક્તિત્વ સાથે સંગત હોવા અનિવાર્ય છે.

                 બકુલભાઈ હાસ્યરસનાં અચ્છા સર્જક છે. હાસ્યના અનેકાનેક રૂપોને તેણે ખપમાં લીધા છે. તેથી તેમના હાસ્યમાં એકવિધતા કે નીરસતા આપણને કઠતી નથી. તેમની રચનાઓમાં હાસ્યરસનાં અનેક રૂપો, અનેક રંગ, અનેક છાયાઓ એકાધિક કક્ષાએ જોવા મળે છે. એ હાસ્ય ક્યારેક સ્થૂળ હોય છે તો વળી ક્યારેક સૂક્ષ્મ હોય છે, ક્યાંક મનોરંજક હોય છે તો વળી ક્યાંક મશકરીરૂપે, ક્યાંક રમુજરૂપે તો વળી ક્યાંક વ્યંગ રૂપે, ક્યાંક વિનોદ, ક્યાંક પરિહાસ, ક્યાંક ઉપહાસ, ક્યાંક વાક્ચાતુરી, ક્યાંક દલીલ, ક્યાંક અવળવાણી, ક્યાંક ટીખળ એમ વિવિધ રૂપનું હાસ્ય બકુલભાઇની રચનાઓમાં જોવા મળે છે. વિવિધ યુક્તિ – પ્રયુક્તિઓ દ્વારા બકુલભાઇ એ હાસ્ય નિષ્પત્તિનાં શિખરો સર કર્યા છે. એ વાત સાચી, પરંતુ નિષ્પન્ન થયેલું એ હાસ્ય એકવિધતામાં સરી નથી પડ્યું એ પણ ધ્યાને લેવા જેવી સિદ્ધિ છે. એક સારો કલાકાર કલાકૃતિને આમતેમ રમાડે તેમ અને રમાડતો – રમાડતો સર્જતો જાય તેમજ બકુલ ત્રિપાઠી પોતાની રચનાઓમાં હાસ્યના ઝૂઝવા રૂપો સાવ સહજ – સરળ રીતે આલેખતા જાય છે. આથી જ એમના હાસ્યમાં એકવિધ છટાઓ આપેલી જોવા મળે છે.

              બકુલ ત્રિપાઠી નો નિબંધસંગ્રહ `વૈકુંઠ નથી જાવું’ નાં નિબંધોમાં કયાં કયાં હાસ્યરસ ઉત્તપન્ન થાય છે તે આપણે જોઈએ…

 (૧) ” મારો આ ગુણ બહુ સારો છે, એકવાર થયેલી ભૂલ હું બીજીવાર કરતો નથી, બીજીવાર હું બીજી જ ભૂલ કરું છું. “(પૃષ્ટ-૧૩)

(૨) ” મારા એક મિત્રના પુત્રને લાગ્યું કે ફોન પર હેલ્લો હેલ્લો કહીએ તો ઘણું સારું કહેવાય. પણ એથીય વધુ વટ પાડવો હોય તો `રોંગ નંબર’ કહેવું જોઈએ. એટલે કોઈનોય ફોન આવે ને જો રીસીવર ઝડપી લેવાની દોડમાં એ જીતી ગયો હોય, તો હેલ્લો, હેલ્લો તમે કોણ છો? `રોંગ નંબર’  એમ જાહેર કરીને ભગવાન ભકતજનને તથાસ્તુ કહીને ભગવાન પ્રસન્નતા અનુભવતા હશે એટલી જ પ્રસન્નતા એ પણ અનુભવશે.”(પૃષ્ટ-૫૨)

(૩) “પણ નવાઈની વાત એ છે કે મારી નબળાઈને હું જેટલી ઉદારતાથી માફ કરી કરી શકું છું. એટલી ઉદારતાથી કોણ જાણે કેમ, બીજા માફ નથી કરી શકતા.”(પૃષ્ટ-૧૫૭)

                 અહીં ઉપર આપેલા ત્રણ ઉદાહરણોમાં પ્રથમ    ઉદાહરણોમાં પ્રથમ ઉદાહરણમાં લેખકની ભૂલ વિશેના લેખકના મંત્વ્યમાં હાસ્ય છે. બીજા ઉદાહરણમાં ફોનની બાબતમાં નાના છોકરાઓ કેવી ભૂલ કરે છે તે બાબતે હાસ્ય રસ પ્રગટાવ્યો છે. ત્રીજા ઉદાહરણમાં ‘નબળાઇ’ વિશેના લેખકના વિચારમાં અને તે વિચારના વિરોધમાં હાસ્ય છે. લેખક સ્થૂળ હાવભાવ, રોગચાળા કે બનાવો પર આધારિત હાસ્ય બહુ જ ઓછા પ્રમાણમાં નિરૂપે છે. આવી એકંદરે તેનું હાસ્ય સ્થુલપણથી બચી શક્યું છે. વાણી દ્વારા નિષ્પન્ન થતું હાસ્ય શબ્દનિષ્ઠ કે શબ્દમુલક હોય છે. એવું હાસ્ય તેમણે ભરપૂર નીરૂપ્યું છે. આ માટે તેઓ વિચિત્ર જાતની બોલીઓ, વાક્યરચનાઓ અને શબ્દરચનાનો આશરો લે છે. ઉપરાંત તેઓ અમુક પાત્રની મદદથી પણ ક્યારેક હાસ્ય ઉત્તપન્ન કરી શકે છે. વિવિધ બાબતો તેનું હાસ્ય પણ જુદા જુદા રૂપો લઈને આપણી સમક્ષ આવે છે.

(૧) “મુશાયરાની ગઝલમાં પહેલી પંક્તિને અંતે ‘જુદાઈ છે’ આવે એટલે શ્રોતાજનો સમજી જ લે છે કે બીજી પંક્તિને અંતે ‘ખુદાઈ છે’ શબ્દ આવવાનું , તેમ તમે પણ સમજી જ જશો કે મારો મિત્ર એ પેન પાછી માંગવાની ભૂલી ગયો, અને સ્વાભાવિક રીતે જ હું પાછી આપવાની ભૂલી ગયો.”(પૃષ્ટ-૧૨)

(૨) “પણ મને જે સમજાતું નથી તે તો આ – ‘ઠીક સજા થઈ ભાઈ સાહેબને! એમ કહીને સૌ આમાં આટલા બધા રાજી શું કામ થતા હશે!’ ઠીક પાઠ મળ્યો મહેરબાનને’ – એ લોકો પ્રસન્ન ચિત્ત માની લે છે.”(પૃષ્ટ-૨૩)

              ઉપર્યુક્ત બંને ઉદાહરણોમાં લેખકે પોતાની નબળાઈઓ દર્શાવીને હાસ્યરસ પ્રગટાવ્યો છે. પ્રથમ ઉદાહરણમાં લેખક પોતાની નબળાઇ દર્શાવે છે કે તે બીજા પાસેથી લીધેલી વસ્તુઓ ભાગ્યે જ પાછી આપે છે.  બીજા ઉદાહરણોમાં લેખકની કુટેવના લીધે ઘરના લોકો તેને વારંવાર મેણા – ટોણા મારે છે. એમાંથી જ્યારે લેખકને સજા થાય છે ત્યારે ઘરના બધા પ્રસન્ન થાય છે. એ બાબતે લેખકે રમૂજ કરી છે.

(૧) “મારી ફરિયાદ આ છે, ટેલીફોનમાં બીજાની લાઈનો આવી જાય છે એ નહિ બીજાની લાઈનો પૂરતા પ્રમાણમાં આવતી નથી. એ જ મારી ફરિયાદ છે, કોઈની સામે નહિ, ભાગ્યની સામે.” (પૃષ્ટ-૪૯)

(૨) “તમે કોન છો? છું નામ? અલાવ,  અલાવ, પપ્પાનું કામ છે?  પપ્પા મમ્મી જોડે લડે છે…  પપ્પા તમાલો ફોન છે.. તમાલું નામ છું ! શું કહ્યું? જીવણલાલ? પપ્પા જીવણલાલ નો ફોન છે. છું કહ્યું? ચીમનલાલ? જીવણલાલ નહિ? પપ્પા, ચીમનલાલનો ફોન છે….અને જઈને તમે રીસીવર એના હાથમાંથી ઝુંટવી લો અને ‘સોરી ,હલ્લો..’ કહીને વાત કરો, ત્યારે ખબર પડે કે ફોન તો પ્રિતમલાલનો છે! અને તમે મમ્મી જોડે લડવામાં રોકાયેલા હતા એ વાત પ્રિતમલાલે જાણવી કેટલી બિનજરૂરી હતી એનો વિચાર કરતા તમે ફોન પર વાત આગળ ચલાવો છે…..”(પૃષ્ટ-૫૧)

                ઉપરના બંને ઉદાહરણોમાં ટેલિફોન જેવા વિષયને લઈને લેખકે હાસ્ય ઉપજાવ્યું છે. પહેલા ઉદાહરણમાં લોકો અકારણ વાતો કરતા હોઈ અને તેને લીધે બીજાને જરૂરી કામ હોવા છતાં પણ લાઈનો મળતી નથી એ વાત લઈએ લેખક હાસ્ય ઉપજાવે છે જ્યારે બીજા ઉદાહરણમાં ઘરમાં નાનું બાળક ફોન ઉઠાવે એની કાલીઘેલી વાતોમાં ઘરનું રહસ્ય અન્ય સુધી પહોચાડી દે ત્યારે હાસ્ય ઉત્તપન્ન થાય છે.

(૧) “જ્યોતીન્દ્ર દવેએ એકવાર લખેલું કે એમના એક મિત્રને હંમેશા ભીંત પરની ઘડિયાળ જોઈને એમના – એટલે કે જ્યોતીન્દ્ર ભાઈના નહિ, એ મિત્રના પોતાના સાસુ યાદ આવતા! પણ બધી ઘડિયાળો સાસુ જેવી નથી હોતી અને બધાને પોતાની ઘડિયાળો સાસુ જેવી નથી લાગતી. “(પૃષ્ટ-૬૦)

               ઉપરના ઉદાહરણમાં લેખક ઘડિયાળની સરખામણી સાસુ સાથે કરે છે. એના દ્વારા હાસ્ય ઉપજાવે છે. કોઈપણ પ્રકારની સામગ્રીની ખીંટી પર તેઓ પોતાના હાસ્યને સહજતાથી લટકાવી શકે છે. અર્થાત્ તેમની રચનાઓમાં વિષય કે પદાર્થ સ્વયં હાસ્ય પ્રેરક નથી, પણ વિષય કે પદાર્થની હાસ્યપ્રેરક્તા જ અનુભવાય છે.

           વિટ બકુલ ત્રિપાઠી માટે હાસ્યનું હાથવગું સાધન બને છે. એક નીરાળુંરૂપ બને છે. તેઓ ‘વીટ’ ને તેની તમામ લાક્ષણિકતાઓ સાથે રજૂ કરે છે. તેમાં બુદ્ધિ હોય છે, તો સમજશક્તિ કે શોધબુદ્ધી પણ હોય છે, તેમાં હાજરજવાબીપણુ હોય છે તો મર્મગામીપણુ પણ હોય છે. વળી તેમની વીટમાં ચમત્કૃતિ પણ ભારોભાર અનુભવાય છે. કારણ કે એમા ખાસ પ્રકારની માનસિક ચપળતા હોય છે. આપણે જોઈએ,

(૧) “મને એકવાર કોકનું પાકીટ જડેલું તે મે પાછું આપેલું ત્યારે તમે બહુ ખુશ થયેલા.

એમ કે? ગુરુ પૂછે. ગુરુને સાચું પૂછવાનું મન પણ થાય, શિષ્ય જો સમૃદ્ધ નાગરિક બની ગયો હોત તો, `કે’ ભાઈ કોઈના પાકીટ પાછા આપવાની ટેવ તે પછી કંઈ સાલથી છોડી?”(પૃષ્ટ-૯૯)

                ઉપરના ઉદાહરણમાં પાકીટ પાછું આપવાની વાતમાં વીટ છે. લેખકની વીટમાં અર્થવિકાસની સાથોસાથ બુદ્ધિ સાથેનો ચુસ્ત સંબંધ પણ જોવા મળે છે. તેઓ કાલ્પનિક બાબતને પણ તર્કના સહારે બુદ્ધિગમ્ય બનાવે છે. વિચારને અભિવ્યક્ત કરવાની તેમની આ એક વિશિષ્ટ, કલાપૂર્ણ અને આકર્ષક રીત છે. તેમાં સુસંકૃત કલ્પનાશીલ અને કલા જ્ઞાનથી વિચારોનો તેમજ વાણીનો ચમત્કાર પૂર્ણ પ્રયોગ કરે છે. તેમાં તેઓ બુદ્ધિપૂર્વકનું ઉકતિચાતુર્ય દાખવે છે. વિચારોની રમત પણ કરે છે. બે સમાન દેખાતી બાબતોનો સંગોપીત સમાનતાને છતી કરીને અથવા વાસ્તવમાં અસમાન જ હોય એવી બાબતોની સમાનતા નિર્દેશીને જે વિસ્મયપૂર્વકનું હાસ્ય ઉત્પન્ન કરે એવી વીટ અનુભવાય છે.

                લેખકના મર્માંળા કથનો હાસ્યનું પોષક તત્વ બને છે. આવી નર્મવૃતિથી તેમની રચનાઓનું ક્લેવર વધુ હાસ્યજનક બને છે. ઘણીવાર તેઓ મજાક, મશ્કરીની સપાટી પર વિહરતું છૂટું મર્મપૂર્ણ રહસ્યમય કથન તરતું મૂકે છે. એનાથી ઊંડો હાસ્યનુભવ થાય છે. એવી વિલક્ષણ વાક્યરચનાથી હાસ્ય રસ જન્મે છે. તેઓ બે ઉકિત કે વાક્યોને એવી રીતે જોડે છે કે તેમની વચ્ચે રહેલો વિરોધ પ્રથમ દર્શને જ પ્રગટે અને બેમાંથી એકને નીચે ઉતારી પાડવામાં વિનોદમય વિચિત્રતા જણાય, અને ત્યાં જ મર્મયુક્ત વાક્ચાતુર્ય દ્વારા હાસ્ય પ્રગટે છે.

(૧) “પછી ભાઈ, તે ..લગ્ન ક્યારે કર્યા? શિષ્ય શરમાઈ જાય,  ‘બે બાબાઓ અને એક બેબી છે.’ શિષ્ય શરમાતા શરમાતા કહે અને ઉમેરે ‘આપના આશીર્વાદથી સાહેબ.’

                 ગુરુ વિચાર કરતા હોય,  મે? આશીર્વાદ આપેલા? બે બાબા… અને એક બેબી અંગેના?  ન બને, ગપ્પા મારે છે આ!”(પૃષ્ટ-૯૯)

               ઉપરના ઉદાહરણમાં લેખકે ગુરુ અને વર્ષો પછી મળતો ભૂતપૂર્વ વિદ્યાર્થી વચ્ચેના સંવાદો દ્વારા હાસ્ય રસ નિપજાવ્યો છે,  કોઈ ભૂતપૂર્વ વિદ્યાર્થી આવીને શિક્ષકને કહે કે સાહેબ આપણે ત્યારે આમ કરેલું, ને તેમ કરેલું પણ શિક્ષકને આ સમયે તેવું કંઈ યાદ ન આવે ત્યારે તે અંધારામાં જ તીર છોડે.

“અરે યાદ આવ્યું!..આપણી શાળામાં તે વખતે હડતાળ પાડેલી અને તમે લોકો… ‘ ના સાહેબ ‘ શિષ્ય વિવેકથી કહે: ‘અમારા વર્ષોમાં હડતાળ નહિ પડેલી…’

`કેમ વળી હડતાળ પડેલી અને તમે, અને પેલો હિંમત ભૂરિયો અને પેલો જગન્નાથ!’

`જગન્નાથ!’ એવા કોઈ વિદ્યાર્થી અમારી વખતે તો નહોતો સાહેબ.’ `હિંમત ભુરિયો પણ નહોતો..”(પૃષ્ટ-૯૯)

              બકુલ ત્રિપાઠીની રચનાઓમાં ઠઠ્ઠાચિત્રો પણ વિશિષ્ટ સ્થાન ભોગવે છે. વ્યંગમાં પ્રયોજન માટે વ્યક્તિ વ્યક્તિત્વની કઢંગી બાજુ અહી નીરુપાઈ છે. કેટલીકવાર એમના નિબંધોમાં જોવા મળતા ઠઠ્ઠાચિત્રો મર્મ વિનાના હોવા છતાં તેમાંથી હાસ્ય તો ભરપૂર મળી રહે છે. તેઓ જ્યારે દંભ અને મિથ્યાભિમાનમાં રાચતો માનવી રજૂ કરે છે ત્યારે આ પ્રકારનું હાસ્ય જન્મે છે. આપણે એક ઉદાહરણ જોઈએ..

(૧) “હું ઘણીવાર સારો માલ લઈ આવ્યો છું. ઘણીવાર વ્યાજબીભાવે પણ લઈ આવ્યો છું. પણ જ્યારે વ્યાજબી ભાવે લાવ્યો છું ત્યારે સારો માલ નથી લાવી શક્યો અને જ્યારે સારો માલ લાવી શક્યો છું ત્યારે વ્યાજબી ભાવે નથી લાવી શક્યો! આવો મારા પર આક્ષેપ છે.”(પૃષ્ટ-૧૩૨)

ઉપરના ઉદાહરણમાં લેખકે પોતાની જાતને જ નિશાન બનાવી છે. પુરુષોની ખરીદિશક્તિની કમજોરી અહી પોતાના નિમિતે જ રજૂ કરી છે. શરદીનો દર્દી હોય કે પ્રોફેસર હોય, પ્રિન્સિપાલ હોય કે રાજકીય નેતાઓ બધાના ઠઠ્ઠાચિત્રો લેખકે આલેખ્યા છે.

(૧) “કન્યાઓ તો શાળામાં (સહશિક્ષણની શાળામાં) કોઈ છોકરો પ્રેમપત્ર ન લખતો હોય એટલે પોતે જ પોતાને લખીને ટપાલમાં નાખે, પોતાને જ સરનામે, બધાને દેખાડી દેવા! શિક્ષકો એવા પણ કિસ્સાઓ યાદ કરે છે કે જેમાં છોકરીઓ પોતે જ પોતાના પર બનાવટી પત્રો લખ્યા હોય અને પછી ફરિયાદ કરે કે કોઈ ખરાબ છોકરો મારા પર ખરાબ ખરાબ કાગળો લખે છે.”(પૃષ્ટ-૧૦૮)

(૨) “કાગળો ફાડી નાખવામાં મજા તો આવે છે. જોકે કોઈ ચરડ ચરડ કાગળો ફાડતું હોય, ઝીણી ઝીણી કચરો કરીને કચરા ટોપલીમાં નાખતું હોય, વળી બીજો કાગળ લઈ નજર નાખી ન નાંખીને ચરરર કરતા ચીરા કરતું હોય તો જોનારનો જીવ અધ્ધર થાય છે. ખરો!”(પૃષ્ટ-૧૦૯)

(૩) “આમ તો પત્રો ફાડી નાખવા એ વિધ્વંસાત્મક પ્રવૃત્તિ છે, પણ ઘણા લોકો પત્ર વાંચી એના બે પછી ચાર, પછી આઠ, પછી સોળ, એમ સંભાળથી ટુકડાઓ કરી, નીચા વળી, વેસ્ટપેપર બાસ્કેટમાં એને નાખવાની કોઈ પૂજનવિધિ કરતા હોય ગાંભીર્યથી- અને તૃપ્તિ પણ મળતી જ હશે-‘  કરે છે.” (પૃષ્ટ-૧૧૦)

(૪)” …તો બસ, પત્રનો જવાબ તરત લખજે, અને મામાને, મામીને, હરગોવનભાઈને, વિશ્વનાથભાઈને, ચંદુને, વ્હાલી કીકીને, ટિકુને, નાના બાબાને અને પેલા જે આપણને સ્ટેશને મળેલા ને? ( એમનું નામ હું ભૂલી ગયો છું)  એમને મારાવતી બોલાવજે! આવું કોઈ મને પત્રમાં લખે ત્યારે હું મુંઝાઈ જાઉં છું. આ બધાને મારે બોલાવવાના? કેવી રીતે બોલાવશો ? કેટલાક લખે છે `બાબાને અમારા સહુની વતી રમાડજો’ એટલે નાના બાબાને રમાડવા જવુ અને કહેવું , `જો, હું આ પંકજભાઈ અને સુષ્માભાભી વતી રમાડું છું.. હં… જો પાંચ મિનિટ પૂરી થઈ. હવે આ સુરેશકાકા તરફથી રમાડું છું. એમ કરવાનું? “(પૃષ્ટ-૧૧૨/૧૧૩)

                ઉપરના ચારેય ઉદાહરણો દ્વારા લેખકે પત્રો લખવાની, કાગળો ફાડવાની અને પત્રોમાં એકબીજાની ખબર અંતર પૂછવાથી જે હાસ્ય પ્રગટે છે તેની વાત કરી છે. પ્રથમ ઉદાહરણમાં પ્રેમપત્રો અને પ્રેમના પ્રકરણથી અજાણ એવી છોકરી પોતે જ પોતાના પર પ્રેમપત્ર લખી કોઈ અન્ય છોકરા પર તેનો આક્ષેપ મૂકે છે એ બાબતે લેખકે હાસ્ય પ્રગટાવ્યું છે. જ્યારે બીજા અને ત્રીજા ઉદાહરણમાં કાગળો ફાડવાની જે મજા છે તેના પર હાસ્ય ઉપજાવ્યુ છે. આપણે કેવા વ્યવસ્થિત એક પછી બે પછી ચાર પછી આઠ એમ સપ્રમાણ કાગળના ટુકડાઓ કરીએ છીએ. ચોથા ઉદાહરણ માં લેખકે પત્રો લખવાનું અને એ પત્રોમાં સાવ વાહિયાત બાબતો લખવા છતાં તેનું કેટલું મહત્વ છે તે બાબતે હાસ્ય પ્રગટ કર્યું છે. તમે કોઈને `કેમ છો?’ પૂછો ત્યારે સામે વાળો વ્યક્તિ ‘મજામાં છું’ એવો જ જવાબ આપવાનો આ વાતની જાણ હોવા છતાં આપણે `કેમ છો?’ ન પૂછીએ તો તે રિસાય જાય છે, આવી નાની- નાની બાબતો દ્વારા લેખક હાસ્ય નિપજાવી શકે છે.

               જેમ કોઈપણ હાસ્ય નિબંધમાં હોય તેમ બકુલ ત્રિપાઠીનાં હાસ્ય નિબંધોમાં પણ ‘કથનકેન્દ્ર’ ધ્યાનાકર્ષક રહ્યું છે. અહીં લેખક જે બિંદુએથી પોતાની વાત માંડે છે એ આભાસી હોય છે. પહેલી નજરે એમ જ લાગે કે પોતાના અંગત વિચારો અને સંવેદનો ખોલે છે, પરંતુ જેમ જેમ રચના આગળ વધતી જાય તેમ-તેમ એ સંવેદનો બિનઅંગત બનવા માંડે છે. મનુષ્યમાત્રની નબળાઈઓ દંભ, લોલુપતા લેખક પોતાના શિરે ઓઢી લઈને પોતાની જ મજાક કરતા કરતા તેઓ માનવ સમાજની મજાક કરવા લાગે છે. બીજા પર હસવું એના કરતા પોતાના પર જ હસી લેવું એ વધારે સલાહભર્યું છે. એવું હાસ્ય શ્રેષ્ઠ હોય છે. કારણ કે એ વાગતું નથી. અહી આપણને આવું હાસ્ય જ પાને-પાને અનુભવાય છે.

(૧) “નાટક પૂરું થયા પછી મોટાભાગના અમે સૌ ચા પીવા ગયા અને પછી બિલ આપતી વખતે શી મજા થઈ કે… લેખક, ઉમાશંકર ભાઈ તો ચાલ્યા ગયેલા નાટક રેકોર્ડ થઈ ગયા પછી.. પણ ચાનું બિલ આપવા વખતે શું થયું કે પાંડવો ઝઘડ્યા! અર્જુન અને યુધિષ્ઠિર વચ્ચે જામી હુંસાતુંસી! દ્રોપદી કહે એમ રાખો, સહદેવ બિલ આપે. મે  પહેલેથી જ આ જોખમ કલ્પેલું, પણ બોલતો નહોતો. પણ આખરે જે ભવિતવ્ય તે જ થયું. બિલ મારે આપવું પડ્યું.”(પૃષ્ટ-૧૧૯)

(૨) “ખરાબ અક્ષરનો હું એટલો બધો વિરોધી નથી કારણ, ખરાબ અક્ષરથી તો વાંચનારને ન વાંચવાનું વાજબી બહાનું જોતું હોય ત્યારે સરળતાથી મળી રહે છે.”(પૃષ્ટ૯૩)

(૩) “હું એમ નથી કહેતો કે રસ્તે જતા ગાંડાની જેમ આપણે બૂમો પાડ્યા કરવી. આપણે ભલે બૂમો પાડવા માટે સમય નક્કી કરીએ, ખાસ પ્રસંગો કરાવીએ, નિયમો કરીએ, એ બધું મંજૂર; પણ ક્યારેય બૂમો ન પાડવી, વર્ષોના વર્ષો વિતી જાય અને જિંદગીનો પહેલો કિનારોય વટાવી ચાલ્યા જઈએ પણ આનંદથી, ઉત્સાહથી, હોંશથી થોડી બૂમો પણ ન પાડતા જઈએ તો જીવ્યા શું?” (પૃષ્ટ-૮૬/૮૭)

               ઉપરના દરેક ઉદાહરણમાં લેખકે એક યા બીજી રીતે હાસ્ય પ્રગટાવ્યું છે. પહેલા ઉદાહરણમાં જોઈએ તો લગભગ એવી સ્થિતિ આપણામાંના ઘણાની પણ હશે. આપણે પણ ક્યાંક ને ક્યાંક તો એ પરિસ્થિતિનો ભોગ બન્યા જ હોઈશું. અહી લેખક કહે છે કે નાટક પૂરું કરીને જ્યારે અમે સૌ ચા પીવા ગયા ત્યારે ચાનું બિલ કોણ આપશે? એ બાબતે યુધિષ્ઠિર અને અર્જુન ઝગડે છે ત્યારે દ્રોપદી કહે છે કે આ ચાનું બિલ સહદેવ આપશે. નાટકમાં લેખકની ભૂમિકા પણ સહદેવની જ હતી. જે ભવિષ્યનો જાણકાર હતો. આ સહદેવને પણ પહેલેથી જ બનનારી ઘટનાની જાણ હતી અને બિલ ચૂકવવાનું લેખકના ભાગે આવે છે. બીજા ઉદાહરણમાં લેખક કહે છે કે ખરાબ અક્ષરમાં લખાયેલું લખાણ હોય તો આળસુ વાચક માટે તો એ વાચવાની સ્થિતિમાંથી છટકવા માટેનું હાથવગું સાધન બની રહે છે. જ્યારે ત્રીજા ઉદાહરણમાં તો લેખક જુદા જ વિષયને લાવી હાસ્યરસ નિષ્પન્ન કરે છે. બૂમો પાડવી અને એનો આનંદ જીવનમાં એકવાર તો લેવો જ જોઈએ. એવું લેખક સ્પષ્ટ કહે છે. ટુંકમાં, જીવનની દરેક નાની – નાની પરિસ્થિતિઓ પણ તમને આનંદ આપી શકે, તમારા ચહેરા પર હાસ્ય ફરકાવી શકે પરંતુ તમારે એ પહેલાં જીવનને માણતા શીખવાનું છે. જિંદગી જીવવાની ચાવી જો તમારા હાથમાં આવી જશે તો દરેક પરિસ્થિતિમાં તમે આનંદ લૂંટી શકશો એવું જીવનનું ગહન સત્ય લેખક અહી હસતા હસતા સમજાવે છે.

(૧) “હું જાહેર પુસ્તકાલયનો જ વાચક છું એટલે અમારી આખી જ્ઞાતિ સામેનો આક્ષેપ મારાથી કેમ સહન થાય? મે કહ્યુ : 

‘આવી જાડી નવલકથા સુતે સૂતે છાતી પર રાખીને વાંચતા આપણને તકલીફ પડેને? એટલે જ પરોપકારી વાચકમિત્રો એ એના પાના છૂટા પાડી નાખ્યા લાગે છે. નિરાંતે હવે સત્યનારાયણની કથાની પાનાની જેમ એક પછી એક ઉપાડીને વાંચો. છાતી પર ભાર જ નહિ!”(પૃષ્ટ-૮૦)

(૨) “મને તો લેખક પોતાના પુસ્તકોમાં પાત્રોના ચિત્રો મુકાવે છે એ જરાય નથી ગમતું. શા માટે ભાઈ! તમે એને નાક, કાન, મુખમુદ્રાનાં વર્ણન કરો ત્યાં સુધી ઠીક છે, પણ એથી આગળ વધીને એનું સારુય સ્વરૂપ બીજા પાસે ચિતરાવીને મૂકી દો છો પછી અમારે માટે કંઈ રાખવું છે કે નહિ? અમને વાચકોને તો સર્જકપણાંનો લહાવો લેવા જ નહિ દો, કેમ?”(પૃષ્ટ-૮૨)

(૩) “કવિઓ જો પોતાની કવિતાના બે મુખ્ય પાત્રો પોતે અને પ્રિયા એ બેના ચિત્રો ન મૂકીને આપણને સાચા રસાસ્વાદ ની તક આપે છે, અને આપણી હોય તે પ્રિયાને કાવ્યલક્ષ્ય પ્રિયાને સ્થાને કલ્પી લેવાની સગવડ કરી આપે છે, તો નવલકથાકારોએય આવું શા માટે ન કરવું જોઈએ.”(પૃષ્ટ-૮૩/૮૪)

               ઉપરના ત ત્રણેય ઉદાહરણોમાં ‘નવલકથાના પાત્રો’ એ એક જ નિબંધમાંથી લેવામાં આવ્યા છે. પહેલા ઉદાહરણમાં લેખક પોતે પણ જાહેર પુસ્તકાલયમાં જઈને વાંચે છે તે વાત કબૂલે છે. અને જ્યારે કોઈ આવા વાચકોની ઉપેક્ષા કરે છે ત્યારે લેખક એ જાહેર પુસ્તકાલયના વાચકોનો બચાવ કરે છે. બીજા અને ત્રીજા ઉદાહરણમાં કવિએ પોતાની કૃતિમાં અને નવલકથાકારે પોતાની કૃતિમાં ચીતરેલા પાત્રોની વાત છે. બીજા ઉદાહરણમાં લેખક સર્જકોને ઉદ્દેશીને કહે છે કે તમે પાત્રોના વર્ણન કરો ત્યાં સુધી બરાબર છે એ પાત્રનું ચિત્ર દોરી આપવાની તમારે જરૂર નથી. કેમકે કોઈ વાચક જ્યારે તે કૃતિના સંપર્કમાં આવે ત્યારે તેણે વાંચેલા પાત્રનું વર્ણન દ્વારા વાચક તે પાત્રને તેની કલ્પનામાં ઊભું કરે છે. આ પાત્ર વાચકનું પોતાનું છે. એટલે અહી સર્જક કહે છે કે તમે પાત્રોના ચિત્રો દોરવાનું રહેવા દો. જો ચિત્રો દોરેલા હશે તો વાચક માની લેશે કે આ જ ‘સરસ્વતીચંદ્ર’ છે. તેની કલ્પનામાં  ‘સરસ્વતીચંદ્ર’ નું બીજું ચિત્ર અંકિત થશે નહિ. જ્યારે ત્રીજા ઉદાહરણની અંદર લેખક કહે છે કે નવલકથાકારો કરતા કવિઓ આ બાબતે ચડિયાતા છે. તેઓ ક્યારેય પોતાની પ્રિયતમાનું ચિત્ર દોરીને આપતા નથી એટલે જ વાચક તેની જગ્યાએ પોતાની પ્રિયતમાને રાખી કાવ્યને માણી શકે છે. કવિના પાત્રની જગ્યાએ પોતાની પ્રિયતમાને રાખવાની બાબતે લેખકે હાસ્ય પ્રગટાવ્યું છે.

(૧) “સાચે જ જીવનમાં બોલવાં જેવું બીજું સુખ નથી. હા, ઊંઘવાનું સુખ એનાથી ઉત્તમ છે એ વાત ખરી; પણ ઊંઘતા ન હોઈએ ત્યારે કરાતી પ્રવૃત્તિઓમાં બોલવાની પ્રવુતિ સૌથી વધુ સંતર્પક છે. બોલીએ છીએ ત્યારે આપણે બાદશાહ હોઈએ એમ લાગે છે. સાંભળનારને કદાચ એવું નહિ લાગતું હોય! પણ બોલનારને તો આત્મસંતોષ નો અનુભવ થાય છે જ.”(પૃષ્ટ-૭૮)

                 ક્યારેક  લેખક રાડો પાડવાની કે ઘોંઘાટ કરવાની વાતનો મહિમા કરે છે તો વળી ક્યારેક બોલવાની વાતનો મહિમા કરે છે. ઉપરના ઉદાહરણમાં લેખક જણાવે છે કે બોલવાં જેવું બીજું કોઈ સુખ નથી. જ્યારે માણસ બોલતો હોય ત્યારે પોતાની જાતને તે બાદશાહ તરીકે અનુભવતો હોય. પણ જે વ્યક્તિ તમને સાંભળી રહી છે તેના માટે કદાચ એવું ન હોય. આપણામાંથી ઘણાનો આ બાબતે અનુભવ હશે. જાહેર કાર્યક્રમોમાં વક્તાને બોલવાનું કહેવામાં આવે ત્યારે તેઓ બીજાનો સમય પણ પડાવીને પોતાની વાતો રજૂ કર્યા જ કરતા હોય છે. આ સમયે સાંભળનારો જે શ્રોતાગણ છે તે કદાચ ઊંઘતો હોય તો પણ વક્તા તો બાદશાહની જેમ જ પોતાના પ્રવચનો સંભળાવ્યે જાય છે. અને પોતાને આટલી વાત કરીને આત્મસંતોષ થયો હોય તેવી લાગણી અનુભવે છે. અહી લેખકે આવા વ્યક્તિઓ પર કટાક્ષ કરીને હાસ્ય ઉપજાવ્યું છે.

           બે વ્યક્તિઓ વચ્ચે વાતચીત થાય છે અને તે વાતચીતના સુરમાંથી હાસ્ય કેવી રીતે પ્રગટે છે તેના ઉદાહરણો જોઈએ……

(૧) “કાણીઓ પત્રવાળો ખૂણામાં ઊંઘતો હોય તેની પાસે જઈને પેલો પુછે ,

   ‘નવું કુમાર કયાં છે?’

   ‘હે! શું છે?’ અર્ધી ઉઘાડેલી આંખે તિરસ્કારયુક્ત દૃષ્ટિએ તે પૂછે.

    ‘નવું કુમાર…. ‘

   ‘ત્યાં ટેબલ પર હશે.’

   ‘નથી.’

    ‘હવે શોધો તો ખરા !’

    ‘શોધ્યું, નથી જડતું ‘

    ‘તો નહિ આવ્યું હોય ‘. “(પૃષ્ટ-૧૨૭)

(૨) “જમો છો? – હા, જરા જમી લઈએ’, ‘ઠીક, ઠીક, જમો જમો’ અથવા તો ‘શાક લેવા ચાલ્યા કે?’ – ‘હા, જરા શાક લેવા જાઉં છું’- ‘ઠીક ઠીક ઉપડો!’ કે પછી 

‘કેમ?’ અહી બાગમાં ક્યાંથી? ફરવા નીકળ્યા છીએ.’ 

‘ઠીક ઠીક મઝા કરો.’ આ બધાનો શો અર્થ ?”(પૃષ્ટ-૧૧૩)

(૩) “પપ્પા ઘરમાં નથી… તમે કોણ છો? પપ્પા નથી. તમારું નામ શું? શું કહ્યું? તમારું નામ શું? હે? પપ્પા ઘેર નથી… તમારું નામ શું? મારું નામ અજ્ઞેસ.. પપ્પા નથી… તમારું નામ શું?”(પૃષ્ટ-૫૨)

ઉપરના દરેક ઉદાહરણોમાં વાતચીતનો સૂર છે. પ્રથમ ઉદાહરણમાં ગ્રંથાલયમાં ઊંઘતા પટ્ટાવાળાને કોઈ વાચક આવીને પૂછે છે આ સામયિક કે આ પુસ્તક કયાં છે ત્યારે પટ્ટાવાળો ઊંઘતા ઊંઘતા જ જવાબ આપે કે ત્યાં ટેબલ પર જ પડ્યું હશે. શોધો એટલે મળી રહેશે. જ્યારે વાચકને તે નથી મળતું ત્યારે પટાવાળો જવાબ આપે છે કે તો નહિ  આવ્યું હોય. અહી કામચોર પટ્ટાવાળો અને સામે જિજ્ઞાસુ વાચકના સંવાદથી હાસ્ય ઉત્તપન્ન થાય છે. જ્યારે બીજા ઉદાહરણમાં તમને ખબર હોય કે સામેવાળી વ્યક્તિ શું કરી રહી છે અને તેમ છતાં તમે અર્થ વગરનો પ્રશ્ન પૂછો અને સામેવાળી વ્યક્તિ તમને જવાબ પણ આપે. એ સંવાદો દ્વારા લેખકે હાસ્ય પ્રગટાવ્યું છે. ત્રીજા ઉદાહરણમાં આપણે જોઈએ તો અહી બે વ્યક્તિ વચ્ચેના પ્રત્યક્ષ સંવાદ નથી પરંતુ એક વ્યક્તિ છે અને બીજી વ્યક્તિ ફોન પર તેના જવાબો આપી રહી છે. પરંતુ અહી જોઈએ તો આપણને ફક્ત જે વ્યક્તિ ફોનમાં વાત કરી રહ્યો છે એના સંવાદો જ સંભળાય છે. સામેવાળી વ્યક્તિ કેવા પ્રશ્નો કરે છે કે કેવા જવાબો આપે છે તે આપણને ખબર પડતી નથી. એના દ્વારા હાસ્ય રસ નિષ્પન્ન થાય છે.

(૧) ” ‘કેમ કાલે કંઈ બહુ મોડે સુધી જાગેલા?’ એવો પ્રશ્ન તો બારીમાંથી કશું જોયા વિના માત્ર પ્રકાશ-વ્યવસ્થા પરથી જ જ્ઞાન મેળવીને પૂછી શકાય, પણ, ‘રમાબેન અને રમેશભાઈ વચ્ચે બહુ લડાઈ ચાલી કાલે તો કાંઈ’ એવા સમાચાર પ્રસરાવવા માટે સામસામી બારીઓની ઉત્તમ વ્યવસ્થા સહાયરૂપ બની રહે છે.”(પૃષ્ટ-૬૩)

(૨) “સામસામી બારીઓ એ યુવાન હૈયાઓ માટે આશીર્વાદરૂપ હતી. આજે તો જાણે મિલનની ઘણી તકો વધી ગઈ છે; પણ એક જમાનામાં તો સામસામી બારીઓની સગવડ એ જ સર્વસ્વ હતું. યુવાન હૈયાઓની જેમાંથી માત્ર દ્દષ્ટિઓ જ નહિ, ચિઠ્ઠીઓ પણ પસાર થઈ શકતી.”(પૃષ્ટ-૬૪)

               ઉપરના બંને ઉદાહરણોમાં એક જ નિબંધમાંથી લેવામાં આવ્યા છે. પહેલા ઉદાહરણમાં જોઈએ તો અહીં બારીઓ હોવાથી અને બારીઓ ન હોવાથી શું ફાયદા અને ગેરફાયદાઓ થાય છે તેની વાત લેખક કરે છે. સામેના ઘરમાં લડાઈ ચાલી રહી છે કે તેઓ ઉત્સાહમાં કોઈ ઉજવણી કરી રહ્યા છે તે જોવું હોય તો સામેના ઘરમાં નજર પહોંચે એવી રીતે બારીઓ હોવી જોઈએ. જ્યારે બીજા ઉદાહરણમાં લેખક બે પ્રેમીઓ માટે બારીઓ કેવી રીતે આશીર્વાદરૂપ બનતી હોઈ છે તેની વાત કરે છે. અત્યારના સમયમાં જોઈએ તો મિલન માટેની ઘણી બધી સગવડો છે પરંતુ એક સમય એવો હતો જ્યારે યુવાન હૈયાઓ બારીમાં ઊભા રહીને જ પોતાની પ્રિય વ્યક્તિને નીરખતા. એટલું જ નહીં પણ તેઓના પ્રેમપત્રો પણ આ બારીમાંથી જ પસાર થઈ શકતા હતા.

              બકુલ ત્રિપાઠી નાં હાસ્ય નિબંધોમાં જગતના ધર્મગ્રંથો, શાસ્ત્રો તેમ જ પ્રશિષ્ટ સાહિત્યસામગ્રીમાંથી ઉપાડેલા સંદર્ભોનો ભરપુર વિનિયોગ જોવા મળે છે. હાસ્ય નિબંધને સમૃદ્ધ બનાવવા માટે સંદર્ભ સામગ્રીની ઉપયોગિતાઓ ઘણી બધી હોય છે. તેમના નિબંધોમાં ક્યારેક શેરો – શાયરીઓ, ક્યારેક કોઈક કવિની પંક્તિઓ, ક્યારેક કહેવતો અને સુવાક્યો, ક્યારેક પૌરાણિક ઘટનાઓ તો ક્યારેક પંચતંત્રની વાર્તાઓના સંદર્ભો બકુલ ત્રિપાઠીનાં હાસ્ય નિબંધોમાં ભરપૂર માત્રામાં જોવા મળે છે. પૌરાણિક સંદર્ભ ટાંકીને લેખક `એક રસ્તે સાથે ચાલતા’  નિબંધમાં મહાભારતને  જુદી રીતે જોવાની વાત કરે છે. જોઈએ ..

(૧) “મારા મહાભારતની મુખ્યકથા હશે પાંડવોના અંદરોઅંદર સંબંધની. વ્યાસજીએ તેની વાત કરવી જોઈએ એટલી કરી નથી. હું વર્તમાનપત્રનો તંત્રી હોઉં તો મહાભારતને ધારાવાહિક ઉપન્યાસ તરીકે નાં સ્વીકારું ને આ કારણે જ, જો કે સ્વીકારું હોં. વાચકોને તો કૌરવ પાંડવોના સ્પષ્ટ સંઘર્ષ ગમે અને ટાઇટલ કેવા જોરદાર બંધાય! પણ મને રસ છે પાંડવ-પાંડવ વચ્ચેના સંઘર્ષમાં. “(પૃષ્ટ-૧૨૦)

                ઉપરના ઉદાહરણમાં આપણે જોઈએ તો લેખક પોતે મહાભારત લખે તો કેવી રીતે લખે તેની વાત કરી છે. તેમના મહાભારતની મુખ્ય કથામાં પાંડવો વચ્ચેના યુદ્ધની વાત હશે. લેખકની વાત પણ સાચી છે. પાંડવો-પાંડવો વચ્ચેના સંબંધો કેવા હતા તેની વાત તો વ્યાસજી આપણને કરતા જ નથી. તેમની વચ્ચે પણ ઘણા બધા સંઘર્ષો થયા હશે. અહી લેખક નવું મહાભારત રચવા બાબતે હાસ્ય ઉપજાવે છે.

                કોઈપણ હાસ્ય નિબંધમાં લેખકના `હું’ સાથે અન્ય એક `હું’ ભળે ત્યારે જ એની આકૃતિ સુપેરે બંધાય. અન્ય નિબંધરૂપોમાં સર્જક ભાવક સાથે ગોષ્ઠિ કરતા કરતા આગળ વધે છે. જ્યારે હાસ્ય નિબંધકાર `અમારા એક મિત્ર’, `એક ઓળખીતા’ વગેરેને નિમિત્ત બનાવીને પોતાની ગોષ્ઠી માંડે છે. બકુલ ત્રિપાઠીનાં હાસ્ય નિબંધોમાં પણ આવી બાબતોથી વેગળા નથી. તેથી આ નિબંધોમાં એક સમૃદ્ધ હાસ્યજનક પાત્રસૃષ્ટી ખડી થાય છે.

           બકુલ ત્રિપાઠી નાં નિબંધોમાં હાસ્યનો એકધારો ‘ફોર્સ’ છે. હાસ્યનો અસ્ખલિત `ફ્લો’ છે. લાંબા હાસ્ય નિબંધોમાં પણ આ `ફોર્સ’ જળવાય છે. હાસ્યનો આવો અસ્ખલિત અને વેગવંત પ્રવાહ જ તેમના હાસ્ય નિબંધોને અન્ય સમકાલીન હાસ્ય સર્જકોના નિબંધોથી અલગ અને આગવા સ્થાને મૂકી આપે છે. ગદ્યલેખન એ સર્જકની કસોટી ગણાય છે. એમાં પણ હાસ્યનું ગદ્ય એ કદાચ વિશેષ કસોટી રૂપ નીવડે છે. એમાં પણ જોઈએ તો લાંબા નિબંધો હાસ્યકારની ખરી કસોટી કરે છે. બકુલ ત્રિપાઠી હાસ્યના લાંબા અને ટૂંકા બંને પ્રકારના નિબંધો લખે છે. અનાયાસ બંને સહજતાથી જ લખે છે. લાંબા નિબંધોમાં છેક સુધી હાસ્યનું નિર્વહન થવું જોઈએ. બકુલ ત્રિપાઠી પુરી સફળતાથી તેમના લાંબા નિબંધોમાં હાસ્યનું નિર્વહન કરી શકે છે.

               બકુલ ત્રિપાઠી એ અહી હાસ્યને ‘હાસ્ય ખાતર હાસ્ય’ એ રૂપે રજૂ નથી કર્યું અને કદાચ આ વસ્તુ જ આ પુસ્તકને હાસ્યની સાચા હાસ્યની ઊંચાઈ પર લઈ જાય છે. અહી તમને હળવાશનો અનુભવ પૂરી ગંભીરતાથી અને ગાંભીર્યનો અહેસાસ પૂરી હળવાશથી થશે. અહીં લેખકે જુદા જુદા પ્રસંગોએ, જુદી જુદી રીતે હાસ્ય ઉપજાવ્યું છે.

 આરતી સરવૈયા

મદદનીશ અધ્યાપક, 

ગોપીનાથજી મહિલા કોલેજ, શિહોર

Solankiarati9@gmail.com 

9638180998