લેખ: ૨ નિસર્ગલીલા અને ભવ્યસંસ્કૃતિના પરિક્રમણનો ઉન્નત સમન્વય : વિરાટ ગોમ્મટેશ્વર – ડૉ. અંકિત મહેતા

          પ્રવાસવર્ણનને ટૂંકીવાર્તા સમું રસાવહતાની કક્ષાએ મૂકનાર આઠમાં દાયકાના ઉત્તમ સર્જક એટલે ભોળાભાઈ પટેલ. એમના તુનીરમાંથી અવિરતપણે  સૌંદર્યાભિમુખ અને સંસ્કૃતિદર્શી નિબંધો ગુજરાતી પ્રવાસ નિબંધને સદાયને રળિયાત કરતા રહ્યા છે. ગુજરાતી પ્રવાસ – સાહિત્ય પર દ્રષ્ટિપાત  કરીએ ત્યારે અવશ્ય એમના નિબંધો નેત્રનીનિકા સમાં બની રહે છે. કાકાસાહેબ, સુંદરમ કે પછી સ્વામી આનંદના નિબંધોની જેમ ભોળાભાઈના નિબંધોની ભાષા અને નિરૂપણ સુકુમાર અને અભિરામ બની રહે છે. અતીતના અજવાળાને વર્તમાનમાં અવલોકતા તેમના નિબંધો રસ અને રહસ્યોને આસાનીથી ઉન્નત અધિત્યક્તાએ લઈ જાય છે. પ્રવાસનિબંધના લલિત નિરૂપણમાં પોતાની આગવી મુદ્રા ઉપસાવતા સર્જક્નો જન્મ 7 ઓગષ્ટ, 1934 ના દિવસે મહેસાણા જિલ્લાના સોજા ગામે થયો હતો. ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટીના હિન્દી વિભાગના અધ્યક્ષ પદેથી નિવૃત થયા પછી પણ આજીવન શિક્ષક અને જીવંતપર્યંત વાગીશ્વરીના ઉપાસક રહેનારા ભોળાભાઈ પટેલ મુખ્યત્વે નિબંધકાર, વિવેચક અને અનુવાદક તરીકે ગુજરાતી સાહિત્યમાં પોતિકી કેડી કંડારી શકયા છે. સંસ્કૃત સૂક્તિ ‘ચરાતી ચરતો ભગ:’ ને જાણે પોતાના  જીવનમંત્ર તરીકે આત્મસાત કર્યો હોય તેમ આ લેખક સતત પ્રવાસી રહ્યા છે. તેમના પ્રવાસોની ફળશ્રુતિ એટલે તેમના લલિતનિબંધો. ‘વિદિશા’ (૧૯૮૦), ‘પૂર્વોત્તર’ (૧૯૮૧), ‘રાધે તારા ડુંગરિયા પર’ (૧૯૮૭), ‘દેવોની ઘાટી’ (૧૯૮૯), ‘દેવતાત્મા હિમાલય’ (૧૯૯૦), ‘બોલે ઝીણા મોર’ (૧૯૯૨), ‘શાલભંજિકા’ (૧૯૯૨),  ‘દશ્યાવલી’ (૨૦૦૦), ‘ચિત્રકૂટના ઘાટ પર’ (૨૦૦૧),  ‘યુરોપ અનુભવ’ (૨૦૦૪), ‘ચૈતર ચમકે ચાંદની’ (૧૯૯૬) જેવાં લલિતનિબંધ સંગ્રહો થકી તેમની સર્જનાત્મકતા અને સૌદર્યરાગી દ્રષ્ટિકોણનો અવશ્ય પરિચય થવાનો જ. તેમના પ્રવાસ નિબંધોમાંથી પસાર થનાર દરેક ભાવકને તેમનું પરિભ્રમણ નહીં, પણ સૌંદર્યભ્રમણ પણ અવશ્ય આકર્ષવાનું જ. 

                   ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા  ભોળભાઈના પ્રખ્યાત નિબંધ  ‘તેષાં દિક્ષુ’ નામથી જ આ લેખકના શ્રેષ્ઠ નિબંધોનું સંપાદન પ્રાપ્ત થાય છે. આ સંપાદનમાં સમાવિષ્ટ નિબંધ ‘વિરાટ ગોમ્મટેશ્વર’ નો આસ્વાદ કરવાનો અહીં ઉપક્રમ રહેશે. પત્રશૈલીથી કેઇ અંગત ડાયરીના સ્વરૂપે  લખાયેલા આ નિબંધમાં તેમના સૌંદર્યપ્રણિત, સંવેદનશીલ વ્યક્તિત્વની ઝાંખી થયા વિના ન રહે.  આ નિબંધમાં  સ્થળકાળનાં સંવેદનોની સાથેસાથે  અંગત સંવેદનાની અર્થછાયાઓ સુપેરે ઝીલાતી જોઈ શકાય છે. નિબંધના આરંભમાં જ સર્જક પોતાની મૂંઝવણ વ્યક્ત કરતા કહે છે કે- 

“પ્રિય,

ક્યાંથી શરૂ કરું? ગોમ્મટેશ્વરની અદ્ભુત પાવનકારી કથા પહેલાં કહું કે પછી એમની વિરાટ મૂર્તિના દર્શનથી હજુ ન શમેલા પાવનકારી રોમાંચ વિશે કહું? આમ તો તે એમની કથા પણ સાંભળી હશે અને એમની વિરાટ મૂર્તિની તસવીર તો ક્યાંક ને ક્યાંક જોઈ હશે. કાકાસાહેબે એ વિશે લખ્યું છે અને કવિ સુન્દરમે પણ લખ્યું છે. જૈન ધર્મની આખ્યાયિકાઓમાં પણ એ વિશે વાંચ્યું હોય. ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’ જેવી રચનાઓ પણ ગુજરાતી ભાષામાં છે.”

નિબંધના  આરંભમાં જ સર્જક ચિત્ત દ્વિધા અનુભવે છે. કારણ કે જ્યારે આપણી આસપાસનાં જગતમાં દૃશ્યમાન સુંદરતા આપણી આંખોએ જીલેલી હોય છે તેને શબ્દદેહ આપવો ખૂબ જ દુષ્કર છે. સૌદર્યને વર્ણવા માટે શબ્દ હમેશા વામણો જ પુરવાર થવાનો. લેખકે અનુભવેલા સૌંદર્યલબ્ધ વિશ્વને પોતે શબ્દના માધ્યમ થકી પ્રગટ કરવા મથે છે. પરંતુ આરંભમાં જ સ્પષ્ટ ખ્યાલ આવશે કે કોઈ રહસ્ય પ્રગટ કરતા બાળકની જેમ એકસાથે બધુ જ કહું કે શરૂઆત ક્યાથી કરું તેવો ભાવ અવશ્ય જોઇ શકાય છે. 

          લેખક પોતાની ભ્રમણ લીલાને અંતે આપણને જે સ્થળકાળનો પરીચય કેએઆરએવીઇ છે તે સ્થળ એટલે વિરાટ ગોમ્મટેશ્વર. બેંગ્લોરથી લગભગ 144 કિમી દૂર, શ્રવણબેલાગોલા એ કર્ણાટકના હાસન જિલ્લાના ચન્નારાયપટના નજીક આવેલું એક નગર છે. વિશ્વભરના લાખો જૈનો અને અન્ય લોકો માટે પણ એએ સ્થળ આસ્થાનું કેન્દ્ર છે.  ઐતિહાસિક દસ્તાવેજો અનુસાર  તે 2500 વર્ષથી વધુ સમયથી અસ્તિત્વમાં છે. આ સ્થળ  માત્ર જૈન ધર્મ માટે જ નહીં, પરંતુ કલા અને સંસ્કૃતિનું પણ કેન્દ્ર રહ્યું છે. આ સ્થળ વિષે ગૂગલની મદદ વડે થોડી માહિતી એકત્રિત થઈ છે. જેને આપ સમક્ષ વહેચું છુ. 

          મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય તેમની રાજધાની પાટલીપુત્ર (આજનું બિહારમાં પટના)થી આખા રસ્તે ચાલીને એક વર્ષ પછી શ્રવણબેલગોલા પહોંચ્યા. દંતકથા મુજબ, ચંદ્રગુપ્ત મૌર્ય જંગલની ટેકરીની ટોચ પર એક જૈન મઠમાં ભૂખે મરતા મૃત્યુ પામ્યા હતા. તે ટેકરીને પાછળથી તેમના માનમાં ચંદ્રગિરી નામ આપવામાં આવ્યું. વિશ્વભરના લાખો જૈનો અને અન્ય લોકો. ચંદ્રગુપ્ત મૌર્યના અવસાન પછી તેર સદીઓ પછી, ભગવાન બાહુબલીની એક ભવ્ય, ઉંચી, એકપાત્રી પ્રતિમા – જે સ્થાનિક રીતે ગોમ્મટેશ્વર તરીકે ઓળખાય છે તે ચંદ્રગિરીની સામે આવેલી વિંધ્યગિરી નામની ટેકરી પર 981 એડીમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમા 58.8 ફૂટ ઉંચી છે અને વિશ્વમાં આ પ્રકારનું એકમાત્ર કોતરકામ છે. બાહુબલી અયોધ્યાના રાજા વૃષભદેવ અથવા વૃષભનાથનો પુત્ર છે. તેઓ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર પણ છે. દંતકથા મુજબ, અયોધ્યાના રાજાએ તેના રાજ્યનો ત્યાગ કર્યો અને તેના 100 બાળકોમાં સમાન રીતે રાજ્યની વહેંચણી કર્યા પછી જંગલમાં ગયા. જો કે, તેનો મોટો પુત્ર ભરત, જેઓ વધુ મહત્વાકાંક્ષી હતો, તે એકમાત્ર સમ્રાટ બનવા માંગતો હતો. બાહુબલી સિવાય ભરતના તમામ ભાઈઓએ તેમની સમક્ષ આત્મસમર્પણ કર્યું. બાહુબલી અને ભરતને વડીલો દ્વારા રક્તસ્રાવથી બચવા માટે યુદ્ધને બદલે દ્વંદ્વયુદ્ધમાં જવા માટે સમજાવવામાં આવ્યા હતા. અને તેથી, વૃષભદેવના બે પુત્રો વચ્ચે દ્વંદ્વયુદ્ધ થયું. બાહુબલીએ ભરતને સરળતાથી હરાવ્યો પરંતુ તે તેને મારવા માંગતો ન હતો. બાહુબલી માટે આ ટર્નિંગ પોઈન્ટ હતો. તેનાથી તેને દુન્યવી વસ્તુઓની નિરર્થકતાનો અહેસાસ થયો – તેણે બધું જ છોડી દીધું, જંગલમાં ગયા, ત્યાં નગ્ન ઊભા રહ્યા અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે વર્ષો સુધી ધ્યાન કર્યું. તે તીર્થંકર ન હોવા છતાં, બાહુબલી જૈનો દ્વારા આદરણીય છે.

          એક દિવસ, એક ઉત્તર ભારતીય જૈન સાધુ ગંગાના રાજા રચમલ્લાના દરબારમાં આવ્યા અને બાહુબલીની વાર્તા સંભળાવી, બધાને પ્રભાવિત કરી દીધા. પાછળથી, જ્યારે રાજાના સેનાપતિ અને સેનાપતિ ચાવુંદરાય તેની માતા સાથે તીર્થયાત્રા પર જઈ રહ્યા હતા, ત્યારે તેમને એક સ્વપ્ન આવ્યું. કુષ્મંડિની યક્ષના નિર્દેશન મુજબ ચાવુંદરાયાએ પોતાને ચંદ્રગિરિના શિખરથી નજીકની ટેકરી પર તીર મારતા જોયું અને તીર વાગ્યું તે સ્થળેથી ગોમ્મટેશ્વરની આકૃતિ ચમકી. ત્યારબાદ તેણે બાહુબલીની પ્રતિમા સ્થાપિત કરી. ચંદ્રગિરી અને વિંધ્યગિરી બંને ટેકરીઓ મળીને 650 થી વધુ શિલાલેખો ધરાવે છે જે 1500-2500 વર્ષ જૂના છે. આ પરથી સ્પષ્ટ ખ્યાલ આવશે કે આ સ્થળ પ્રકૃતિ સૌંદર્ય, ઇતિહાસ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમું છે. ભોળાભાઈ પણ તેના ઈતિહાસને સરસ રીતે શબ્દોમાં કંડારે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ તેમજ ધાર્મિક દ્રષ્ટિએ આ જગ્યા ભારતની ખૂબ જ મહત્વની છે. લેખક પણ ગોમ્મટેશ્વરની કથામાં ખોવાય જતા જોઇ શકાય છે. તેમની સાથે આ પ્રવાસના સાક્ષી અનિલાબહેન પાસેથી તેઓ ગોમ્મટેશ્વરની કથારસનો આસ્વાદ માણે છે અને તેને સંક્ષિપ્તમાં પરંતુ રસવાહી રીતે આપણી સમક્ષ ચીતરે છે.  

          આ નિબંધમાં સર્જકની સૂક્ષ્મ નિરીક્ષણવૃત્તિ, સંવેદનશીલતા, નિસર્ગ રસિકતા, કલા રસિકતા, વિસ્મયભાવ, ચિંતન તેમજ કલ્પક્તા ઊડીને આંખે વળગે. વિરાટ ગોમ્મટેશ્વરને પ્રથમ નજરે જોતા જ તેઓ કહે છે કે – 

          “સપાટ ભૂમિ પર દૂર એક ઊંચી ટેકરી દેખાવા લાગી હતી. એ જ શ્રવણ બેળગોળ. આંખો ઉત્સુક બની ગઈ. દૂરથી ગોમ્મટેશ્વરની મૂર્તિ દેખાય છે, એવું સાંભળ્યું હતું. વિરાટ મૂર્તિ છે ગોમ્મટેશ્વરની. તને કહું? ઇલોરાના કૈલાસ મંદિરની કલ્પના કરનાર સ્થપતિ શિલ્પીનું અને આ ઇન્દ્રગિરિ પહાડી પર ગોમ્મટેશ્વરની પ્રતિમાની કલ્પના કરનાર સ્થપતિ શિલ્પીનું નામ આપણે જાણતા નથી; પણ દુનિયાના મહાન કલ્પનાશીલ કલાકારોમાં એ આગળની પંક્તિમાં હોઈ શકે. કૈલાસમંદિરના સ્થપતિએ પહાડીમાં મંદિર જોઈ લીધું અને પછી ઉપરથી કોરતાં કરતાં વધારાનો ભાગ હટાવી દીધો. ગોમ્મટેશ્વરના સ્થપતિએ પણ. પણ ગોમ્મટેશ્વરમાં મંદિરની દીવાલો નથી — અહીં દિશાઓ એ જ દીવાલો અને આકાશ એ જ છત. છે ને અદ્ભુત કલ્પના!”

          ભોળાભાઈ સ્થળ વર્ણનની સાથેસાથે પ્રકૃતિવર્ણનમાં રંગ-રેખાની દ્રશ્યત્મક પ્રભાવકતા કલ્પનાની ગતિલીલા તેમજ સંવેદનાની સચ્ચાઈને શબ્દોની  નજાકતતાથી  રમણીય રીતે પ્રગટાવે છે.  ગોમ્મટેશ્વરની વિરાટ શિલ્પ આકૃતિ, આસપાસના શિલ્પો, કોતરણીઓ, પહાડ, પ્રકૃતિ, આકાશ અને બધુ જ નિસર્ગ તેમની કલમ વડે દ્ર્શ્યમાન થયા વિના રહેતું નથી. 

          “નગ્નતાનું સૌંદર્ય જોયું છે. ડસી જતું સૌંદર્ય, કલાકૃતિઓનું પણ, જેનું રૂંવે રૂંવે ઝેર ચઢે. પણ બાહુબલિની નગ્નતા? આ વિરાટ નગ્નતા પાવનત્વનો જ બોધ કરાવી રહે છે પ્રતિપળે. એનાં ચરણ પાસે જઈ ઊભાં રહીએ, એમના નખ જેવડાં લાગીએ. બાહુબલિનાં ચરણની જ પૂજા થાય છે. બાર વર્ષે જ સર્વાગ અભિષેક તો થાય.”

          ભોળાભાઈનો અહી સૌંદર્ય  માણવાનો અભિગમ – દ્રષ્ટિકોણ કેવા પ્રકારનો છે તેનો સંકેત મળે છે. ધાર્મિકતા અને ભવ્યાતિભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિને સાચવતા મંદિરો, શિલ્પોને સર્વભૂતહિતની લોકગમ્ય ભાવનાની કસોટીએ કેવાં છે તે જોવાનું પસંદ કરે છે. તેમનમાં મુગ્ધ ભક્તિ નથી. પરંતુ વિલક્ષણ કલા દ્રષ્ટિ છે. કશાય આવરણ વિનાનાં નગ્ન શિલ્પોની સુંદરતાને કલાત્મકતાની સાથેસાથે ચિંતનનો સ્પર્શ આપીને અલગ પરિમાણો ખોલી આપે છે. આ પ્રવાસકથાને સર્જકે  ઈતિહાસકથા, દંતકથા, સંસ્કૃતિ,  કલા અને નિસર્ગલીલાની સાથેસાથે ચિંતન અને દર્શનને ખૂબ જ હળવાશથી મૂકી આપ્યું છે. જે જરાપણ બાધા નથી પહોચાડતું. એમના આ વિધાનમાં તે સ્પષ્ટ રીતે જોઇ શકાય. 

           ગોમ્મટેશ્વરની મૂર્તિને દર બાર વર્ષે અભિષેક કરવામાં આવે છે. લેખકે આ વાતને એક દંતકથાના માધ્યમ થકી  સ-રસ વર્ણવીને તે પ્રદેશના ભૌગલિક વાતાવરણનું મહિમાગાન કરેલું જોઇ શકાય છે.  

          “અભિષેક મહોત્સવ ઊજવાયો ત્યારે વિચિત્ર ઘટના બનેલી. કહે છે કે મધુપર્કના ઘડાઓ રેડવામાં આવે પણ ધારા મૂર્તિની નીચે સુધી પહોંચે જ નહીં. ચામુંડરાયને અભિમાન થયેલું. ત્યાં એક ભરવાડણ જતી હતી. ગોમ્મટ પ્રભુની ભક્ત. કોઈ કહે છે દેવીએ ભરવાડણનું રૂપ લીધેલું. એણે પૂછ્યું, દેવ! અભિષેક નથી સ્વીકારતા? ‘ઊભા રહો’ એમ કહી એણે નાળિયેરની એક કાચલી પોતાની છાતીમાંથી વહાવેલા દૂધથી ભરી આપી અને કહ્યું કે એ દૂધથી દેવનો સૌપ્રથમ અભિષેક કરો. દેવે એ અભિષેક સ્વીકાર્યો. ધારા શિરથી ચરણ સુધી પહોંચી. ચામુંડરાયનું અભિમાન ઊતરી ગયું. પછી એમના અભિષેકો દેવે સ્વીકાર્યા… કેવી રોમાંચક કથા છે!”

          ગોમ્મટેશ્વરની મૂર્તિના અભિષેકના સંદર્ભમાં પ્રચલિત આ રોમાંચક કથા  આસ્થા અને ભાવનાને ઊંચાઈ અર્પે છે. લેખક પણ તે ભાવનાના રસપ્રવાહમાં વહેતા વહેતા આપણને રસપાન કરાવતા ભાસે. ઇતિહાસકથા, દંતકથા, સંસ્કાર અને સંસ્કૃતિના  યથોચિત વિનિયોગ થી જીવંત અને રસપ્રદ વર્ણન કરવાની મથામણ જોઇ શકાય છે. 

ભોળાભાઈની ગદ્યલીલા તેમના નિબંધોનું સબળ પાસું છે. ચિત્રાત્મક વર્ણન, ભાવસભર શૈલી, વિલક્ષણ શબ્દ વિનિયોગ, વર્ણનલીલા, સંવાદાત્મકતા, સંવેદનાનિરૂપણ, ભાવનાત્મક્તા, સંવેદન ચિત્રો –ભાવચિત્રો આ નિબંધને હૃદયંગમ બનાવે છે. તેમની પ્રવાસકથાની સાર્થક્તાને કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારવું ઘટે.  

          “થોડી વાર મૂર્તિ સામે ચૂપ ઊભાં રહ્યાં. પછી થોડી તસવીરો લીધી છે, તે તને જોવી ગમશે. પણ મારા મનમાં જે તસવીર ઝિલાઈ છે, તેની વાત અહીં કરવા મથ્યો છું. આછીયે ઝાંખી કરાવી શક્યો હોઉં તોય સફળતા માનીશ.”

          નિબંધના અંતે આરંભની દ્વિધા પાછી વ્યક્ત કરીને સર્જકે આંખોએ અને મને માણેલા સૌંદર્યને વ્યક્ત કરવા શબ્દ સદાય વામણો જ રહે છે. તે રજૂ કરીને અંતરમનની અનુભૂતિને સર્વોપરી સાબિત કરીને જાણે આ નિબંધ થકી માત્ર તેનું આચમન જ થયાનો અહેસાસ આપણને અવશ્ય કરવવાની કોશિશ કરી છે. જે પ્રવાસકથા ભાવકને જે તે સ્થળે જવા માટે લલચાવે નહીં તો એ શાં કામની?! સર્જકે પોતાના શબ્દ વૈભવ વડે આપણી જિજ્ઞાશાવૃતિને પુનર્જીવિત કરવાની સર્જનાત્મક મથામણ કરી છે.  ખરેખર નિસર્ગલીલા અને ભવ્યસંસ્કૃતિના પરિક્રમણનો ઉન્નત સમન્વય : વિરાટ ગોમ્મટેશ્વર. 

ડૉ. અંકિત મહેતા 

F2 302  ઓપેરા પ્રિન્સ પાસોદરા ચોકડીથી ખોલવડ રોડ તા. કામરેજ જિ. સુરત. પીન. 394190

anksmaheta1120@gmail.com