લેખ : ૨. ઝવેરચંદ મેઘાણી જીવન ઝરમર : ડૉ. અભિષેક કુમાર દરજી

          મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યકાર, સ્વાતંત્ર સેનાની અને સંનિષ્ઠ પત્રકાર શ્રી ઝવેરચંદ મેઘાણીએ આજે સમગ્ર વિશ્વમાં સાહિત્યક્ષેત્રે પોતાના નામનો ડંકો વગાડ્યો છે. તેમનો જન્મ 28 ઓગસ્ટ ૧૮૯૭માં ગુજરાતનાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં થયો હતો. આ વિસ્તાર પહાડી હોવાથી તેઓ પોતાને ‘પહાડનું બાળક’ તરીકે ઓળખાવે છે. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાળીદાસ મેઘાણી હતું. ઝવેરચંદ મેઘાણીના સાતમી પેઢીના પૂર્વજ ‘મેઘા’ નામે થઇ ગયા. તેના વંશજો ‘મેઘાણી’ તરીકે ઓળખાયા. આમ મેઘાણી અટકનો ઉદય થયેલો. મેઘાણી બગસરાના જૈન વણિક હતા. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હોવાથી વારંવાર પોલીસની નોકરીમાં બદલીઓ થતી. તેથી મેઘાણીને પોતાના કુટુંબ સાથે ગુજરાતના અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. જીવનમાં જુદા જુદા નવતર અનુભવોનું ભાથું પ્રાપ્ત કર્યું. ઝવેરચંદ મેઘાણીનું ભણતર પણ રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયેલું. અમરેલીમાં વર્ષ ૧૯૧૦થી ૧૯૧૨ સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને તેઓ મેટ્રિક થયા. ૧૯૧૬માં તેમનો ભાવનગરની શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃત વિષય સાથે સ્નાતકીય ભણતર પુરુ કર્યું.

અભ્યાસ પૂર્ણ કરીને ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લિમિટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગેલા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનો લ્હાવો મળેલો. ત્રણ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. બાળપણથી જ ગુજરાતી સાહિત્ય પ્રત્યે તેમને ગાઢ લગાવ. કલકત્તા નિવાસ દરમિયાન તેમણે બંગાળી સાહિત્યનો પરિચય થયો. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશિત થતાં ‘સૌરાષ્ટ્ર’ નામના વર્તમાનપત્રમાં લખવાની શરૂઆત કરેલી. ઈસ. ૧૯૨૨થી ૧૯૩૫ દરમ્યાન ‘સૌરાષ્ટ્ર’ વર્તમાનપત્રમાં તંત્રીપદ એમણે સંભાળેલું. આ દરમિયાન તેમણે પોતાના સર્જક કર્મને ‘કુરબાનીની કથાઓ’ રૂપે આ કાર્ય કર્યું. જે તેમની પહેલું પ્રકાશીત પુસ્તક ગણાય છે. ત્યારબાદ તેમણે ‘સૌરાષ્ટ્રની રસધાર’નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્ય કૃતિઓનું ગુજરાતીમાં રૂપાંતર કરવાની શરૂઆત કરી.

          મેઘાણીની સર્જકતાને ઘડનારા પરિબળો બંગાળી ભાષાની ઘાટી અસર સર્જક મેઘાણીને ઘડનારા પરિબળમાં પ્રાંતીય-વિદેશી ભાષાના સંપર્કને ગણી શકાય. કલકત્તામાં જીવણલાલ એન્ડ કંપનીમાં નોકરી દરમ્યાન તેઓ બંગાળી ભાષાના પરિચયમાં આવ્યા અને તેમનું પ્રથમ પુસ્તક કુરબાનીની કથાઓ શ્રી રવિન્દ્રનાથ ટાગોરના ‘કથાઓ કહાની’ પરથી લખાયું છે. આ સિવાય ‘રાજા-રાણી’ નાટક પણ ટાગોરના આ નાટકનું રૂપાંતર છે. તો તેમની ‘સજા’ અને ‘રાણા-પ્રતાપ’ પણ અનુવાદિત નાટ્યકૃતિઓ છે. આમ બંગાળી ભાષાએ એમની સર્જકતાને ઘડી છે.

          મેઘાણીના જીવનની મુખ્ય ઘટનાઓ જોઈએ તો ઈ.સ. ૧૯૨૨માં જેતપુરમાં દમયંતીબેન સાથે લગ્ન. ઈ.સ. ૧૯૨૮માં લોકસાહિત્ય માટે ‘રણજીતરામ સુવર્ણચંદ્રક’ની પ્રાપ્તિ. ઈ.સ. ૧૯૩૩માં પત્ની દમયાતીબેનનું અગ્નિસ્નાન, ઈ.સ. ૧૯૩૪માં નેપાળના વિધવા ચિત્રદેવી સાથે બીજું લગ્ન. ઈ.સ. ૧૯૪૬માં ‘માણસાઈના દીવા’ માટે ‘મહીડા પારિતોષિક’ અને એ જ વર્ષે રાજકોટ સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખનું સ્થાન શોભાવ્યું. ૧૯૪૭માં બોટાદમાં ૯મી માર્ચની રાતે ઘરને આંગણે બાંધેલી કાળી ગાયને નીરણ કર્યા બાદ પચાસ વર્ષની વયે હૃદય બંધ પડવાથી મેઘાણી અવસાન પામ્યા. 

          ઝવેરચંદ મેઘાણીનું સર્જન કર્મ જેટલું ધારદાર છે તેટલું જ તેમનું વ્યક્તિત્વ પણ ધારદાર હતું. હીરાનો દરેક પાસો જે રીતે ચમકદાર હોય તે રીતે મેઘાણીના વ્યક્તિત્વનો દરેક પાસો ચમકદાર છે. મેઘાણીના જીવનમાં બનેલા અનેક પ્રસંગો તેની સાક્ષી પૂરે છે. મેઘાણીનો ઢેલીબેન મેરાણી સાથેનો આ પ્રસંગ અહીં પ્રસ્તુત છે. 

          સૌરાષ્ટ્રની ધીંગીધરાનાં ધૂળધોયા શાયરને ધખારો હતો કે ધૂળમાં ઢબૂરાઈ જતા, વિસરાઈ જતા લોકસાહિત્યને અમર બનાવી દેવાનો. કોઈ કામણગારા કંઠમાં કે હૈયામાં પડેલા આ અણમોલ સાહિત્યને શબ્દનો લીલો દેહ આપી પાને-પાને ઉતારી લેવાનો. મેઘાણીને સમાચાર મળતા પોરબંદર પાસે આવેલા નાનાશા ગામ બગવદરમાં બહેન ઢેલી પાસે પહોંચે છે. ફળિયામાં લીંબુની ફાડ જેવી આંખો, વાંકડિયા જુલ્ફો અને ધોળાબાસ્તા જેવા કપડા પહેરેલા મેઘાણીને જોઈને ઢેલીબેન સફાળા ઉભા થઈ જાય છે. ઓટે ગાદલું નાખીને મેઘાણીને બેસાડી પોતે નીચે જમીન પર બેસવા જાય છે, ત્યાં જ મેઘાણીના મુખમાંથી શબ્દો સરી પડે છે. “હાં……હાં…….હાં બેન આપનું સ્થાન ધરતી માથે નહીં પરંતુ ઉપર હોય. “મેઘાણી બાપુની વિનંતીથી ઢેલીબેન ગળું વહેતું મૂકે છે. ઝરણાની માફક વહેતા લોકગીતોને મેઘાણી કાગળ ઉપર ઉતારી રહ્યા હતા. ઢેલીબેન તો હલકમાં ગાતા હતા. પણ મેઘાણીને ગાન લખતા ઉતાવળ થતી હતી. મેઘાણી પેનને થોભાવી ઢેલીબેનની સામે મીઠું મલક્યા. ત્યારે અભણ છતાં આગવી કોઠાસૂઝ ધરાવતા ઢેલીબેન ધીરે ધીરે ગાવા લાગ્યા. ત્યાં તો આખી મેર જ્ઞાતિની સ્ત્રીઓ ટોળે વળી. ગીતોની રમઝટ જામી અને રાસ પણ લેવાયા. વાળુના ટાણે બાજોટ અને પાટલા નંખાયા. પણ આ અદકેરા માણસે નમ્રતા દાખવતા કહ્યું કે “રોટલા ઘડનારી જો લીંપણ પર બેઠી હોય તો આ ખાનારને પાટલે બેસવાનો કોઈ અધિકાર નથી. મેઘાણી બાપુ પાટલો ખસેડી લીંપણ ઉપર બેસીને ભોજન કર્યું. આખી રાત ઢેલીબેનના હૈયાના ખજાનામાંથી નીકળતા અનમોલ ગીત મોતીને મેઘાણી ઝીલતા રહ્યા. જ્યારે વહેલી સવારે બાજુના ગામમા જવા સાટુ ઝવેરચંદ મેઘાણી માટે ગાડું જોડાયું ત્યારે પોતાનો બોજ બળદને ન આપતા તેઓ ચાલીને બાજુના ગામમાં પહોંચ્યા. આ છે મેઘાણીની સાલસતા, વિનમ્રતા.

એકવાર ૧૯૪૦માં રાજકોટ ખાતે ‘અખિલ હિન્દ ચારણ સંમેલન’ ભરાયું હતું. જેમાં બે હાજર જેટલા ચારણો ભેગા થયેલાં. તેમની વચ્ચે મેઘાણી પણ હાજર હતા. કેટલાંક ચારણોના આગ્રહથી મેઘાણી બોલવા ઉભા થયા. ધાણી ફૂટ શબ્દોથી સભા ગજાવી દીધી. લગભગ પોણા બે કલાક સુધી ધારદાર વાણીનો ધોધ મેઘાણીના મુખેથી વહ્યો. બધાય ચારણો મુગ્ધભાવે સાંભળતા રહ્યાં. ત્યારે ત્યાં ઉપસ્થિત લીમડીના કવિરાજ શંકરદાનજી ઉભા થઈને મેઘાણીને ભેટી પડ્યા અને બોલ્યા: “મેઘાણી! કળજુગ આવ્યો લાગે છે ! એ સિવાય કોઈ વાણીયો બોલે અને બે હજાર ચરણો ઘેટાની જેમ બેઠાં બેઠાં સંભાળે એ બને ખરું” ત્યારે મેઘાણીએ વિનમ્રતા પૂર્ણ જવાબ વળ્યો “હું તો ચારણોનો ટપાલી છું, બાપ! એક ઠેકાણાની ટપાલ બીજે ઠેકાણે પહોંચાડું છું. મારું પોતાનું આમાં કાંઈ નથી.” આ છે આપણા મેઘાણી. 

આજ રીતે ઝવેરચંદ મેઘાણીની કાવ્યસર્જન શક્તિ વિષે કવિ કાગ બાપુનો પ્રસંગ પણ અહીં નોંધનીય છે. એકવાર કવિ કાગબાપુને કવિતા સૂઝી. જેમાં ચાર લીટીના છંદ પૈકી છેલી પંક્તિ કાગબાપુએ લખી. કે,

‘નમું હિંદના પાટવી સંત નેતા.’

પરંતુ આ પંક્તિથી આગળ કાંઈ લખી શક્યા નહિ. કવિ કાગને અનેકવાર મેઘાણીબાપુ સાથે મુલાકાત થતી. મેઘાણી સાથે મુલાકાત થતા જ કવિ કાગે પ્રસ્તુત પંક્તિ મેઘાણી સામે રજૂ કરી અને પોતાની મૂંઝવણ રજુ કરી. મેઘાણી આ પંક્તિ સાંભળતા જ કાગબાપુની સામે ટગર ટગર જોઈ રહ્યા અને માત્ર એક મિનીટમાં જ મેઘાણીના કંઠે કવિતા સ્ફૂરી. 

“મહાશક્તિનો બંધ તું બન જાડા,

તને રોકવા માટે બાંધીએ બંધ આડા,

ચીરી ત્યાંય પાષણ સરવાણ વહેતા

નામું હિંદના પાટવી સંત નેતા.”

આ હતી મેઘાણીની પ્રતિભા શક્તિ. 

મેઘાણીની ચારણી સાહિત્યની પરખ વિશે કવિ કાગબાપુએ એક ઉદાહરણ આપ્યું છે. 

          મેઘાણી ‘પોરહાવાળા’ની કથાનું સંપાદન કરી રહ્યા હતા. એ વખતે મેઘાણીએ કવિ કાગ પાસે પોરહાવાળા વિશેના પ્રાચીન દુહા માગ્યા. કાગે દુહા આપવાનો કોલ આપ્યો. થોડા સમય પછી મેઘાણીએ ફરી યાદ અપાવ્યું. કાગ બાપુ વ્યસ્તતાના કારણે એ શોધી ના શક્યા. મેઘાણીએ કાગને પત્ર લખ્યો. ત્યારે સમયના અભાવે કાગે જાતે જ દુહા લખીને મોકલ્યા. પણ મેઘાણી ચારણી સાહિત્યના પારખું હતા. મેઘાણીએ વળતો પત્ર લખ્યો. એમાં લખ્યું કે ‘ખુબ સરસ ! આવા બીજા દુહા બનાવીને મોકલો.’ આ હતી મેઘાણીની ચારણી સાહિત્યની પરખ.

મેઘાણીને ઉચિત શ્રદ્ધાંજલિ આપતા કવિ કાગ બાપુ લખે છે:

લેખક સઘળા લોકની, ટાંકું 

તોળાણી;

(એમાં) વધી તોલે વાણીયા, તારી 

લેખણ મેઘાણી!

તારી જો કવિતા તણા, જેણે પીધેલ 

પાણી;

એને લાખું સરોવર લાગિયા, 

મોળા મેઘાણી.

સંદર્ભગ્રંથ: 

  1. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૪ : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ 
  2. મેઘાવી મેઘાણી: ગાંધીનગર સમાચાર, વર્ષગાંઠ વિશેષાંક 
  3. કાગવાણી : દુલા ભાયા કાગ
  • ડૉ. અભિષેકકુમાર દરજી

આસિ. પ્રોફેસર

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલ.