લેખ ૧.સંસ્કૃતિ નીચે દબાયેલી પ્રકૃતિની કથા : ‘સંસ્કાર’ – વિરેન પંડ્યા

          કર્ણાટકનાં શિમોગા જિલ્લાનાં નાનકડાં ગામ મિલિગેમાં જન્મેલાં યુ. આર. અનંતમૂર્તિ હવે માત્ર કન્નડ ભાષાનાં સર્જક  નથી રહ્યા. એમનાં અંગ્રેજી સાહિત્યનાં વિષદ અધ્યયનથી ભારત અને વિદેશની અનેક યુનિવર્સિટીનાં અનેક વિદ્યાર્થીઓ રળિયાત થયાં છે. એટલે શિક્ષક તરીકે પણ તેઓ માત્ર કર્ણાટક પૂરતાં સીમિત નથી. સાહિત્ય સર્જન માટે તેમને મળેલ જ્ઞાનપીઠ પુરસ્કાર અને પદ્મભૂષણ પુરસ્કાર તેમના સાહિત્યની ગુણવત્તાનો નિર્દેશ કરે છે. વિશ્વની અને ભારતની અનેક પ્રાદેશિક ભાષાઓમાં તેની કૃતિઓ અનુવાદિત થઈને પહોંચી છે. કવિતા અને ટૂંકીવાર્તામાં પણ પોતાની કલમ ચલાવનાર યુ. આર. અનંતમૂર્તિ નવલકથાકાર તરીકે વિશેષ જાણીતા છે. અહીં તેમની બહું જાણીતી લઘુનવલ ‘સંસ્કાર’ને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવાનાં છીએ. મૂળ કન્નડ ભાષામાં ઈ.સ. ૧૯૬૫માં લખાયેલી આ લઘુનવલ શ્રી હસમુખ દવે ઈ.સ. ૧૯૯૦માં ગુજરાતી ભાષામાં લઈ આવ્યા છે. એ ગુજરાતી અનુવાદના આધારે આપણે કૃતિને પામવા પ્રયાસ કરીશું.

          દુર્વાસાપુર નામનું એક ગામ છે. ગામ ત્રણ કારણોસર જાણીતું છે. ગામની બહાર આવેલી તુંગા નદીની વચ્ચે આવેલી  ટેકરી કે જ્યાં દુર્વાસા મુનિ આજેય તપ કરે છે અને એની સાથે જોડાયેલી પાંડવોની વાયકાને લીધે ગામ બહું પ્રચલિત છે. બીજું ગામમાં એક અતિ-વિદ્વાન બ્રાહ્મણ પ્રાણેશાચાર્ય વસે છે. તેમની વિદ્વતાથી તેમણે આજુબાજુના મોટા-મોટા પંડિતોને શાસ્ત્રાર્થમાં હરાવ્યા છે. આવા વિદ્વાન, સંસ્કારપુરૂષ પ્રાણેશાચાર્યનાં લીધે પણ આ ગામ ખ્યાતિ પામ્યું છે. અને ત્રીજું કારણ છે કુખ્યાત નારાણપ્પા. બ્રાહ્મણ હોવા છતાં મદ્યપાન, માંસાહાર, ગણિકાસંગ જેવા તમામ કુસંસ્કારોથી ભરેલો અને હંમેશાં યાદૃચ્છ જીવન જીવતો આ નારાણપ્પા પણ ગામની ત્રીજી લાંછનરૂપ ઓળખ છે.

          પ્રાણેશાચાર્યએ ભાગીરથી નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા છે. પત્નીની સેવા કરીને પુણ્ય કમાઈ શકાય એવાં શુભાશયથી પ્રાણેશાચાર્ય જાણી—જોઇને બિમાર સ્ત્રીને પરણ્યા છે. ભાગીરથી પ્રાણેશાચાર્ય માટે યજ્ઞવેદી છે. દરરોજ સવારે સંધ્યા-પૂજા કરી, પત્નીને ભાતનું ઓસામણ અને દવા આપવી. પછી પોતે રસોઈ બનાવી જમવું. હનમાનજીની પૂજા કરવા જવું. બપોરે વાસના બ્રાહ્મણોને પુરાણોની કથા સંભળાવવી અને રાત્રે ભજનો સંભળાવવા. છેલ્લાં વીસ વર્ષથી પ્રાણેશાચાર્યનો આ નિત્યક્રમ છે. પૂરી શ્રદ્ધા અને સહેજ પણ કંટાળો લાવ્યા વગર પત્નીની સેવાના અવિરત યજ્ઞના લીધે પ્રાણેશાચાર્ય વિશેષ આદરપાત્ર બન્યા છે.

          બીજી બાજુ નારાણપ્પા વધુને વધુ લોકોમાં તિરસ્કારપાત્ર બનતો જાય છે. વાસના બ્રાહ્મણોમાંથી ગરુડાચાર્યના દીકરાને ઘર છોડી ભાગી જવાની ને લશ્કરમાં ભરતી થવાની પ્રેરણા નારાણપ્પા પાસેથી મળી હતી. લક્ષ્મણાચાર્યના જમાઈને નાટક મંડળી સાથે ભટકતો કરવામાં નારાણપ્પાનો હાથ હતો. એ ઉપરાંત પૂજાના પવિત્ર પથ્થરને પાણીમાં ફેંકી દેવો, ગણપતિના તળાવમાંથી માછલીઓ પકડવી, યવનો સાથે પોતાના ફળિયામાં બેસીને નિષિદ્ધ ભોજન કરવું, ચંદ્રી જેવી વેશ્યાને પોતાના ઘરમાં રાખવી –જેવી અનેક પ્રવૃત્તિઓએ તેને વિશેષ અસામાજિક બનાવ્યો હતો. અધૂરામાં પૂરું નારાણપ્પાના લીધે દુર્વાસાપુરના બ્રાહ્મણોને બ્રહ્મભોજનના આમંત્રણ મળતા પણ બંધ થયા હતા. આમ વ્યક્તિગત કે સામૂહિક રીતે કોઈને કોઈ અગવડ નારાણપ્પા તરફથી બધાંને ભોગવવી પડતી હતી.

          નારાણપ્પાને તેના કુલક્ષણોને લીધે નાત બહાર મૂકવાનો પ્રસ્તાવ અનેક વખત આવ્યો હતો. પણ પ્રાણેશાચાર્યે નારાણપ્પાની મરતી માને વચન આપ્યું હતું કે, તે નારાણપ્પાને સીધા રસ્તે લઈ આવશે. એટલે એને નાત બહાર મૂકવા માટે તેઓ સંમત થતા ન હતા. એ ઉપરાંત નારાણપ્પાએ એવી ધમકી આપી હતી કે, જો મને નાત બહાર મૂકશો તો હું યવન બની જઈશ અને અહીં જ રહીશ. હવે જો એ યવન બની જાય  અને વાસમાં જ રહે, તો બ્રાહ્મણોએ વાસ છોડવાનો વારો આવે. આમ નારાણપ્પાને સાથે રાખવો કે દૂર કરવો બંને બ્રાહ્મણો માટે અસહ્ય હતું.

          લઘુનવલની શરૂઆતમાં ચંદ્રી પ્રાણેશાચાર્યને ત્યાં આવીને નારાણપ્પાના મૃત્યુનાં સમાચાર આપે છે. જમવા બેઠેલા પ્રાણેશાચાર્ય જમ્યા વગર ઉઠીને વાસના બ્રાહ્મણોને નારાણપ્પાના મૃત્યુનાં સમાચાર પહોચાડે છે, જેથી કોઈ ગામમાં શબ પડ્યું હોવા છતાં જમીને પાપમાં ન પડે. બધાં બ્રાહ્મણો પ્રાણેશાચાર્યના ફળિયામાં એકઠાં થાય છે. કોઈ બ્રાહ્મણ નારાણપ્પાના અગ્નિ-સંસ્કાર કરવા તૈયાર નથી થતો. શાસ્ત્રમાં તેનો ઉકેલ શોધતા-શોધતા પ્રાણેશાચાર્યને રાત પડી જાય છે. આખી રાત નારાણપ્પા જેવાં કુલક્ષણા બ્રાહ્મણનો સંસ્કાર કેમ કરવો એ શાસ્ત્રોમાં તપાસવા છતાં નથી મળતું. બીજે દિવસે સવારે હનુમાનજીના મંદિરે પ્રાણેશાચાર્ય સાક્ષાત ભગવાન પાસે જવાબ માંગવા જાય છે. એ દરમિયાન બાજુનાં ગામ પારિજાતપુરના બ્રાહ્મણો-કે જે નારાણપ્પાના મિત્રો હતા-ને વાસના બ્રાહ્મણો અગ્નિ-સંસ્કાર કરવા મનાવે છે, પણ તેઓ તૈયાર થતાં નથી. પોતાના પ્રેમી નારાણપ્પાના શબને આ હાલતમાં જોઈ ન શકતા, ચંદ્રી બાજુના ગામના પોતાના ઓળખીતા મુસલમાનો પાસે તેનો અગ્નિસંસ્કાર કરાવીને જંગલમાં ચાલી જાય છે. સાંજ સુધી હનુમાનજીની ઉપાસના છતાં પ્રાણેશાચાર્યને કોઈ જવાબ મળતો નથી. નિરાશ થઈને રાત્રે તે ઘર તરફ આવવા નીકળે છે. પોતાનું વર્ષોનું શાસ્ત્રોનું અધ્યયન અને ઈશ્વરભક્તિ તેને આ પરિસ્થિતિનો ઉકેલ આપી શક્યા નથી. મંદિર અને ઘર વચ્ચેના જંગલમાં ચંદ્રી મળે છે. વિદ્વાન, શાસ્ત્રજ્ઞ, સંસ્કારી પ્રાણેશાચાર્ય નારાણપ્પાની રખાત ચંદ્રી સાથે શરીરસુખ માણે છે. જીવનમાં ક્યારેય નહિ પામેલું અપાર સુખ પ્રાણેશાચાર્ય ચંદ્રીનાં સહવાસમાં પામે છે. પત્નીની દવા યાદ આવતા ત્યાંથી ઘરે આવીને જુએ છે તો પત્ની ભાગીરથી અંતિમ શ્વાસ લઈ રહી છે. પોતાની યજ્ઞવેદી જેને માનતા હતા એ પત્નીનો અગ્નિ-સંસ્કાર કરી પ્રાણેશાચાર્ય સીધા સ્મશાનેથી જ ગામ છોડી નીકળી પડે છે. ચંદ્રી સાથેની એ સુખદ ક્ષણો તેના ચિત્તમાંથી ખસતી નથી. આ બાજુ ગામમાં એક પછી એક લોકો ટપોટપ મરવા લાગે છે. બ્રાહ્મણો એમ માને છે કે નારાણપ્પા બ્રહ્મરાક્ષસ થઈને બધાંને મારી રહ્યો છે. પણ ખરેખર પ્લેગના રોગથી લોકો મરી રહ્યા છે, જે અંધશ્રદ્ધાથી પીડાતા બ્રાહ્મણો સમજી શકતા નથી.

          પ્રાણેશાચાર્ય દુર્વાસાપુરથી કોઈ લક્ષ્ય નક્કી કર્યા વગર નીકળી પડે છે. રસ્તામાં એને મલેરા જાતિનો બ્રાહ્મણ પુત્તો મળે છે. પુત્તો એને મેલીગે ગામ લઈ જાય છે. ત્યાં રથયાત્રાના ઉત્સવના મેળામાં પુત્તો પ્રાણેશાચાર્યને ફેરવે છે. સામાન્ય લોકો મેળામાં જીવનનો જે આનંદ લૂંટે છે, તે પ્રથમ વખત પ્રાણેશાચાર્ય જુએ છે. તેના સંસ્કારો તેને મેળામાં સામેલ તો થવા દેતા નથી, પણ પુત્તોના માધ્યમથી એ પુસ્તકો બહારનો દુન્યવી આનંદ આ મેળામાં અનુભવે છે. પુત્તો તેમની ઓળખીતી એક વેશ્યા પદ્માવતી પાસે પ્રાણેશાચાર્યને લઈ જાય છે ને રાત્રે તેને ત્યાં રોકાવાનું નક્કી કરી, પ્રાણેશાચાર્ય મંદિરમાં બ્રહ્મભોજન કરવા આવે છે. પીરસનાર ઓળખી જાય છે એટલે આચાર્ય ત્યાંથી ભાગે છે અને પુત્તો સાથે નક્કી કર્યા મુજબ ચંદ્રીના ગામ જવાને બદલે પહેલાં દુર્વાસાપુર જવાનું નક્કી કરે છે. કેમ કે હવે એનામાં અને નારાણપ્પામાં કોઈ ફેર નથી રહ્યો, તેથી તેઓ તેના રઝળતા શબને અગ્નિ-સંસ્કાર આપવા અને વાસના બ્રાહ્મણોને જણાવવા -કે હવે પોતે ચંદ્રી સાથે રહેવા માંગે છે- પોતાના ગામ જવા નીકળે છે. પોતાની જ્યાં પૂજા થતી હતી, પોતાના જે સંસ્કારો તેઓ નારાણપ્પામાં આરોપિત કરવા માંગતા હતા, એ સ્થાનથી, એ સંસ્કારોથી ભ્રષ્ટ થઈને પ્રાણેશાચાર્ય ગામ જવા નીકળ્યા છે. જાણે નારાણપ્પા હવે પ્રાણેશાચાર્યમાં પુનર્જીવિત થયો છે. ગામમાં જઈને એ ફરી પોતાની અંદર જાગેલી મૂળ પ્રકૃતિને દબાવી દેશે કે હિંમત કરીને લોકનિંદા સહીને પણ ચંદ્રી સાથે રહેવા જશે ? એ સ્પષ્ટ કહ્યા વગર પ્રાણેશાચાર્યની અવઢવ સાથે ભાવકને પણ અવઢવમાં રાખીને સર્જક લઘુનવલ પૂરી કરે છે.

          પુરાણોના અનેક સંદર્ભોથી લઘુનવલને સર્જકે સમૃદ્ધ બનાવી છે. ‘મહાભારત’, ‘અભિજ્ઞાન શાકુન્તલ’ જેવા ગ્રંથો અને જુદાં જુદાં પુરાણોના પ્રસંગો બહારથી લાદેલા ન લાગે એવી કલામય રીતે લઘુનવલમાં આવે છે અને કથાને વધુ અર્થક્ષમ બનાવે છે. પ્રાણેશાચાર્ય, નારાણપ્પા, ચંદ્રી, ગરુડાચાર્ય, લક્ષ્મણાચાર્ય, પુત્તો જેવા મહત્વનાં પાત્રો ઉપરાંત વાસમાં રહેતાં બ્રાહ્મણો, બ્રાહ્મણોની પત્નીઓ, પારિજાતપુરના બ્રાહ્મણો, વાસમાં વસતા અન્ય લોકોને લેખક તાદૃશ કરી આપે છે. પ્રાણેશાચાર્ય પત્નીનાં અગ્નિસંસ્કાર કરીને ચંદ્રી પાસે જવા નીકળી પડે છે ત્યારે રસ્તામાં મળતો પુત્તો વિલક્ષણ પાત્ર છે. પુત્તો એ પ્રાણેશાચાર્યની વૃત્તિઓનું પ્રતીક છે. પ્રાણેશાચાર્ય જે દુન્યવી સુખથી વંચિત રહ્યા છે, તે તમામ લૌકિક સુખ પુત્તો મેળામાં માણે છે. પ્રાણેશાચાર્યને પદ્માવતી નામની વેશ્યા પાસે પણ લઈ જાય છે. અને છેલ્લે જયારે પ્રાણેશાચાર્ય ફરી  દુર્વાસાપુર જવા નીકળે છે, ત્યારે સિગરામમાં એક જ જગ્યા છે એટલે આ પુત્તો સાથે જઈ શકતો  નથી. જાણે સભ્યતાના પ્રતીકરૂપ સિગરામમાં પ્રાકૃતિક વૃત્તિઓનાં પ્રતીકરૂપ પુત્તો માટે જગ્યા નથી. પુત્તોનો કથામાં પ્રવેશ અને કથામાંથી બહાર થવું –બંને સાભિપ્રાય છે. આમ તો આખી કથાની ગોઠવણ આયાસપૂર્વકની છે, પણ એ આયાસ સાહજિક લાગે તેવો છે અને એ સાહજિકતા સિદ્ધ કરવી એ જ કોઈ પણ સર્જકની કસોટી હોય છે. પાત્રોની સાથે સાથે કથાના સ્થળો પણ જીવંત લાગે એવી રીતે લેખકે ચાક્ષુષ કર્યા છે. બ્રાહ્મણોના વાસનું વર્ણન જુઓ :

          “વાસમાં આવેલા બ્રાહ્મણોનાં ઘરોનું વર્ણન જો કરવું હોય તો આમ થઈ શકે. ઉંદરોની દોડાદોડીથી અને વાંદાથી ઊભરાતી દૂધ-છાસનાં ઠામ મૂકવાની અભરાઈઓ, વચ્ચેના ખંડમાં એક છેડેથી બીજે છેડે બાંધેલી દોરી પર સુકાતાં અને લટકતાં લૂગડાંઓ, વરંડામાં પાથરણાં પર સૂકવેલાં પાપડ, મરી, મરચાં તથા બીજી સુકવણી અને આંગણામાં તુલસીક્યારો. કોઈ પણ જાતના અપવાદ સિવાય લગભગ બધાં જ ઘરોનો આ સામાન્ય દેખાવ હતો.” 

          બ્રાહ્મણોનાં વાસનું વર્ણન વાંચતા આપણી ગુજરાતી કૃતિઓ ‘મિથ્યાભિમાન’ અને ‘ભદ્રંભદ્ર’નાં વર્ણનો પણ તરત યાદ આવે. દુર્વાસપુરનાં ભૂખાળવા બ્રાહ્મણો અને તેનાં પરિવારનાં વર્ણનોમાં લેખક બરાબર ખીલ્યા છે. પ્લેગ દુર્વાસપુરને ઘેરી વળે છે, એ પછીનાં ભયંકર દૃશ્યોમાંથી એક વર્ણન પણ નમૂનારૂપે જુઓ :

          “સીતાદેવી વખારમાં ગઈ તો ત્યાં ચોખા કાઢવાના માપમાં એક ઉંદરડો ગૂંચળું વળીને પડ્યો હતો, મરેલો. સાડીના એક છેડાથી નાક દબાવતી અને બીજા હાથની આંગળીએ ઉંદરડાને પૂંછડીથી પકડી ફેંકવા બહાર તે નીકળી ત્યાં તો એક ગીધ વિમાની ગતિથી નીચે આવ્યું અને સીતાદેવીએ ફેંકવા લંબાવેલા હાથમાંથી, હજુ તો તે ઉંદરને ફેંકે એ પહેલાં કોઈ અચૂક નિશાનબાજની અદાથી ઉંદરને ઝડપી લઈ એના ઘરના છાપરા પર જઈ બેઠું. ભયથી વિહ્વળ બની સીતાદેવીએ એક કારમી ચીસ પાડી અને ઉપર જોયું અને તેના જ છાપરા પર ગીધડાને બેસી ઉંદરને ફોલતો જોઈ બીજી ચીસ પાડવા ગઈ પણ તેનો અવાજ ગળામાં જ અટકી ગયો, પ્રાણ સુકાઈ ગયા, કંઈ આધાર માટે એના હાથ આજુબાજુ ફંફોસવા લાગ્યા.”

          અત્યારે કોરોનાની બિમારીમાં માણસો ટપોટપ જીવ ગુમાવી રહ્યાં છે. એ સ્થિતિમાં સો વર્ષ પહેલાં આવી પડેલ પ્લેગ મહામારીને માધ્યમ બનાવીને લખાયેલી આ કૃતિ વધુ પ્રસ્તુત જણાશે. જો કે, અહીં મહામારી માત્ર માધ્યમ છે. કથાનાં કેન્દ્રમાં સંસ્કાર છે. સ્થૂળ રીતે અગ્નિ-સંસ્કાર અને સૂક્ષ્મ રીતે સભ્યતાના સંસ્કાર. સંસ્કાર અહીં સમસ્યા બનીને આવે છે.

માણસના આવેગો, વૃત્તિઓ, ઈચ્છાઓ એ બધું પ્રાકૃતિક છે. તેને સંસ્કારનો ઓપ ચડાવી શકાય, પણ એને કાયમી દાબી રાખવાનું સહેલું નથી. સંસ્કૃતિ નીચે દબાયેલી પ્રકૃતિ ક્યારેક તો બળપૂર્વક બહાર ધસી આવે અને પ્રાણેશાચાર્ય જેવી સ્થિતિમાં આપણને લાવી મૂકે. આ કથા માત્ર પ્રાણેશાચાર્યની નથી, સભ્ય સમાજમાં સભ્યતાનો ડગલો પહેરી ફરતાં આપણા સૌની કથા છે. એટલે જ એ કન્નડ ભાષા કે કથાના પ્રદેશને અતિક્રમીને પ્રશિષ્ટ કૃતિ બને છે. નારાણપ્પાના અગ્નિ-સંસ્કારની સમસ્યાથી આરંભાયેલી કથા પ્રાણેશાચાર્યના સંસ્કારો વાસ્તવિક જીવનરૂપી અગ્નિમાં હોમાયને ભસ્મીભૂત થાય છે –ત્યાં આવીને અટકે છે. આમ દેખીતી રીતે કથાનો અંત ભલે અધૂરો લાગે, પણ સર્જક સંસ્કારનું એક વર્તુળ કલાત્મક રીતે રચી શક્યા છે. ‘સંસ્કાર’ લઘુનવલની સાર્થકતા સંદર્ભે શ્રી ચંદ્રકાંત શેઠની આ નોંધ સાથે સહમત થઈ શકાય એવું છે. તેઓ ‘સંસ્કાર’ વિશેના પોતાના લેખ “‘સંસ્કાર’ : બ્રાહ્મણધર્મનાં સનાતન જીવનમૂલ્યોના સંદર્ભમાં”માં નોંધે છે :

“…આ લઘુનવલ વાંચતા જાગેલી ને વાંચ્યા પછી પણ જાગતી રહેલી આપણી જિજ્ઞાસા ને પૃચ્છા માટે આપણે પણ પ્રાણેશાચાર્યના પગલે પગલે ચાલતાં રહેવું પડશે. નારાણપ્પાના અગ્નિસંસ્કારના પ્રશ્ન કરતાંયે વધારે દઝાડનારો જટિલ પ્રશ્ન તો બ્રાહ્મણત્વના સંસ્કાર કે મૂલ્યોના હ્રાસનો છે, જે સમગ્ર લઘુનવલમાં પ્લેગની જેમ આતંક ફેલાવતો આપણને ને સાથે પ્રાણેશાચાર્યને ઉપરતળે કરીને રહે છે. આ ‘સંસ્કાર’ લઘુનવલના અનુરણને આપણને આપણી સંસ્કારિતાનોયે તાગ લેવાનું ગમશે. આ ‘સંસ્કાર’ની કૃતિ તરીકેની સાર્થકતા આપણે આપણા સંદર્ભમાં પણ પ્રમાણવી રહી!”

છેલ્લે, આપણી સંસ્કારિતા અને સંસ્કારોને પડકારતી આ પ્રશિષ્ટ કૃતિ ગુજરાતી ભાષામાં સુલભ છે, તેનો ગુજરાતી ભાષક તરીકે આનંદ અનુભવું છું. ભારતીય અને વિદેશી ભાષાઓમાંથી અનેક  કૃતિઓ અનુવાદના માધ્યમથી ગુજરાતીમાં આવતી રહે છે. ગુજરાતી વાચક પાસે તો મૂળ કૃતિ પામવાનું માધ્યમ અનુવાદ જ હોય છે. એ વખતે અનુવાદ માત્ર ભાષાંતર ન બને એ બહું જરૂરી હોય છે. શ્રી હસમુખ દવેનો આ અનુવાદ એક ઉત્તમ અનુવાદ છે –એવું ‘સંસ્કાર’માંથી પસાર થતાં દરેક ભાવકને જરૂર અનુભવાશે. સંસ્કારોથી લદાયેલા આપણે સૌ પ્રાણેશાચાર્યનાં જેવી જ અવઢવનાં લીધે જંગલોમાં ફરવાનું આકર્ષણ અનુભવીએ છીએ, પણ વસીએ છીએ તો શહેરમાં જ. સૌ સભ્ય સમાજનાં તકલાદી સંસ્કારો અને પ્રકૃતિનાં મનુષ્ય પરનાં આધિપત્યની આ કથા અવઢવ દૂર કરે કે ન કરે, પણ એ અંગે વિચારતાં તો કરી જ મૂકશે એ નક્કી…

સંદર્ભ :

‘સંસ્કાર’ –યૂ.આર.અનંતમૂર્તિ; અનુ. હસમુખ દવે; આદર્શ પ્રકાશન; બી. પુનઃમુદ્રણ ૨૦૦૯

ડૉ. વિરેનકુમાર ય. પંડ્યા

‘ગૌરી કૃપા’, મેઈનબજાર, મુ. ટાણા,

તા. સિહોર, જિ ભાવનગર – ૩૬૪ ૨૬૦.

veeren.pandya@gmail.com