પન્નાલાલ પટેલનો જન્મ સાબરકાંઠાની સરહદે આવેલા માંડલી નામનાં એક નાનકડાં ગામમાં. ખેડુત પિતા નાનાશા પટેલને ઘેર ઈ.સ. ૧૯૯૨માં થયો. માંડલી રાજસ્થાનનાં ડુંગરપુર જીલ્લામાં આવેલું ગામ.
પન્નાલાલ પટેલ એ સાહિત્ય જગતનું એક આશ્ચર્ય છે, એક ચમત્કાર છે. સર્જક પ્રતિભા તેમનામાં ભીત ફોડીને ઉગતા પીપળાની જેમ પ્રગટ થાય છે. તેઓ ખાસ ભણેલા નહીં. પણ લેખન માટે તેમનામાં જે નૈસર્ગીક સર્ગ શક્તિ હતી. તે અદભુત હતી. આ કાર્ય માટે તેમને ઉમાશંકર, સુન્દરમ, રા.વી. પાઠક, મેઘાણીના માવજત અને પ્રોત્સાહન મળ્યું. તેથી પન્નાલાલ ગુજરાતી ઉપરાંત ભારતીય સાહિત્યના એક ઉત્તમ નવલકથાકાર તરીકે જ્ઞાનપીઠ એવોર્ડની સિધ્ધિનાં શિખર સર કરી ગયા.
પન્નાલાલ પટેલે લગભગ દરેક ક્ષેત્રમાં કામ હાથ ધાર્યું છે. નાટક, ટૂંકીવાર્તા, નવલકથા, આત્મકથા, વગેરે… તો તેમની આ પ્રતિભા લગભગ બધાં ક્ષેત્રમાં એટલી જ સફળ નીવડી છે. `મળેલા જીવ’, કે `માનવીની ભવાઈ’, `વળામણાં’, `ભાંગ્યાનાં ભેરું’, `ઘમ્મર વલોણું’ વગેરે…અને ટૂંકીવાર્તામાં `વાત્રક ને કાંઠે’, `પીઠી નું પડીકું’, `રેશમડી’, `પાનેતર ના રંગ’, વગેરે… લગભગ તેઓ આ બધાંજ ક્ષેત્રે પોતાના નામનો એક અલગજ સિક્કો પાડી જાય છે.
આ લઘુનવલની ભાષા એ ઇશાનિયાં ખુણાની તળ પ્રદેશની છે. પન્નાલાલ એમની વિશિષ્ટ બોલીના ઢાળ, રાગ અને વર્ણનથી તેઓ આપણી સમક્ષ કોઈ વાત મૂકી આપે છે. તેમની વાર્તાઓમાં જે વાત આપણને રોચક લાગે છે તે તેમની વિશિષ્ટ ભાષાશૈલી. તેમની શબ્દોની પ્રયુક્તિઓ. કોઈ વાતને છેક સુધી જકડી રાખવાની તેમની એક આગવી પ્રતિભા આપણને જોવા મળે છે.
વિશિષ્ટ ભાષાશૈલીનાં પ્રયોગો :
આ લઘુનવલમાં આવતા પાત્રોની પોતાની એક આગવી શૈલી છે. જેમકે મથુર, શેઠ, મણિ, ગામના લોકો, ભજન ગાતો શકરો, ટૂંપીયો વગેરે.
તે પ્રકારે તેના વર્ણનો પણ એમાં જોવા મળે દા.ત; લઘુનવલના પ્રારંભે જ કહ્યું છે કે; `પારણે ઝૂલતી વસંતની આ સવાર હતી. ઊગતા સૂર્યના બાલકિરણો પોતાનો મૂળગત સ્વભાવ ભૂલી ગુલાબી ઠંડી ભરી પવન લહરીઓ સાથે જાણે રમતે વળી ગયાં હતા.’ પૃ.1
જેમ જેમ કથા આગળ ચાલે છે તેમ તેમ વાત એક પછી એક ઉઘડતી જાય છે અને એક પ્રકારનું વાતાવરણ અને એક માનસપટ પર એક ચિત્ર ખડું થતું જાય છે. પન્નલાલે આ કથામાં સ્વપ્નોની સાથે એક વાસ્તવમાં થવા જઈ રહેલી બાબતને એક દોરીમાં પરોવી છે. અને આપણને તેમાં પ્રવેશ કરાવે છે. દા.ત. સ્ત્રીઓના વર્ણનો તેમણે ખૂબ સરસ આલેખ્યા છે. જેમાં રતન, મણિ,ઠકરાણી વગેરે.
રતન : મથુર કરતા એ ઉંમરે જ નહીં બુદ્ધિમાં પણ મોટી. સાત વર્ષના સાહચર્યમાં એને કોઈ દિવસ મથુરને `તું’ નથી કહ્યું બલ્કે પતિ તરીકે નું પૂરેપૂરું મન સાચવ્યું છે લેવડદેવડ અને વહેવારવાટમાં પણ એ મથુરની મરજીને માન આપતી હોય એમ જ દેખાડતી. પૃ 5
મણિ : મથુરની નજર સામે અઢ્ઢાર વર્ષની અલબેલી મણિ દેખાય રહી. પીળા પોમચામાં એ ગોળમટોળ મોં એવું લાગતું જાણે તળાવના ભૂખરા નીરમા કોઈ કમળ જોઈ લ્યો! એમાં પણ તેની અણિયાળી આંખો. પૃ 8
ઠકરાણી : ઠકરાણીના એ મેવાડી રૂપ ની તો શી વાત કરવી રૂપે, રંગે ને જોવનાઈએ તો એવી, જાણે કેસૂડાની ઉઘડતી કળી જ જોઈ લ્યો! ને શાં ગજબ ના નેણ, મથુર ! આપણને તો એમજ લાગે જાણે એ સુરમો આંજેલ આખો માં મોરલીના કોઈ ગેબી તાનમાં મસ્ત બનીને ફણીધર નાગ-અહો દન-રાત ડોલી રહ્યા છે. પૃ. 27
આ તો માત્ર એમને કરેલ સ્ત્રી પાત્રોની વાત થઈ આવતા વાતાવરણ ની વાત થઈ. આ સાથેજ તેમણે કેટલાક વિશિષ્ટ શબ્દપ્રયોગો, રુઢિપ્રયોગો, કેહવતો, ગીતો, ભજનો, ગરબી આલેખ્યા છે.
વિશિષ્ટ શબ્દપ્રયોગો:
તોલાનો ટૂંપિયો પનારો, ગડાકું-તમાકું નો લાડવો, વિવા-વાજન,ત્રાજવાં, પાંચશેરી, સ્ત્રીવૃંદ, સુંવાળો,તખ્તા, છાંડ઼િયાનું પાણી, કલુખડે (બારસાખ), કોઢનો ખૂણો, જોવનાઈ (યુવાની), લૂગડાં, પાંચગાઉ-દસગાઉ, ઓઢાડવું, છોગુ,ધોતિયાનો તલો, જ્ઞાનનું ભોંયરું,ગવન (કપડાની થપ્પી), વાઢણુ, ઉદો પોમચો, ઊબળક, મોયણી (મોહિની), ગોઝારા, સનેપાત, મનવર, મોંઘામૂલો, લટ્ટુ, કુંભી, ભેખધારી ભરથરી, આકડીયે મધ, ખોયણા, વાસીદણ, સમસુતર, લવારો, સિકલ, કપુરકાંચલી.
વિશિષ રુઢિપ્રયોગો / કેહવતો :
`કોદરા જેવું ધાન! ન મળે ન ડરે ન કાળે- દુકાળે.’ – પૃ. ૫
`લાલચ ગળું કપાવે.’ -પૃ.૬
`મથુર દિવેલ પીધા જેવું મોં કરીને ઊભો રહ્યો!’ -પૃ.૨૧
`મોયણી ચીજ જ એવી છે.’ -પૃ.૨૧
`દાળમાં કાંક કાળું.’-પૃ.૨૧
`જોવનાઈ આંધળી છે ને રુપ એ અંધાપો આપનાર આંજણ છે’ -પૃ.૨૨
`પે’રનાર ઓઢનાર તો ધણા મળશે પણ ‘એની’ પેઠે જીવ બાળનાર તો નહીં મળે હોં!’-પૃ.૨૩
`બૈરું, ભર જોવનનો રંડાપો વેઠે પણ ઘડપણમાં શૌક્ય ન વેઠે!’-પૃ.૨૮
`ગાલ હોય તો ધણાંય ગપ્પાં.’-પૃ.૩૧
`રાત થોડી ને વેશ ઝાઝાં.’-પૃ.૩૯
`મોરા મંતર રામનું નામ.’-પૃ.૪૨
`ભાંગ્યાના ભેરું.’પૃ-૪૮
`સાસરીમાં છાશવારે ને છાશવારે ધોકણે ધોકણે મોર (બરડો) ધોવાય.’-પૃ.૫૫
`ધરકી મુરધી દાળ બરાબર.’-પૃ.૬૦
`માંથા વાઢનારનાંય આવાં સમણાં સાચાં કદી પડો નહીં-પડશો નહીં.’-પૃ.૬૦.
ગીત / ભજનો:
ટૂંપિયા દ્વારા ગવાતું ગીત:
`જોબનિયું આજ આવ્યું ને કાલ જશે
જોબનિયું કાલ જતું રે’શે…. ‘-પૃ.૨૯
શકરા દ્વારા ગવાતું ભજન:
`દીધું ધરતીનું મુજને પાથરણું પાથરી ને,
માથે ઓઢાડી રાખ્યું આ… ભલું હોજી’.પૃ.૪૧
`હરિ ભજતાં હજુ કોઈની
લાજ જતાં નથી જાણી રે…. ‘પૃ-૪૨
ભજન:
`નાથ, તારી નાવડીએ મા’લુ, હલેસાં રામ નામનાં
વાટ જોવામાં વાણલા વાયા વિઠ્ઠલવર વનમાળી.’-પૃ.૪૩
મણિને પાણી ભરતી જોઈને મથુર ને યાદ આવતું ગીત :
`અંગ મોડી ને ઘડો ની ભર્યો રે
તૂટી મારી કમખાકોર જીવરાજ જાવા દ્યો ને!’પૃ-૪૭
પ્રશ્નોત્તરીના સંદર્ભે ગીત
રતન પૂછે છે
`શાના વાકે રે બીજી પૈણશો રે?’
મથુર જાણે પત્નીને જવાબ આપી રહ્યો હોય
`તમારા વાળ છે ગોરી સુગરા રે
લાંબોરી વેણ્યોની છે ખોત , જીવરાજ.’ પૃ.
શકરા દ્વારા ગવાતી ગરબી:
`છઠ્ઠીના લખિયા લેખ તે કેમ ટળશે રે
મારી પહેલા જનમ ની પ્રીત આવી મળશે રે’-પૃ.૫૯
પન્નાલાલ પટેલે લઘુનવલમાં ઉતર ગુજરાતનાં ઇશાનિયા ખૂણામાં બોલાતી લોકબોલીને એના લોકલહેકાઓમાં અને આરોહ-અવરોહયુક્ત લઢણમાં રજૂ કરી છે. એમની નવલકથાઓમાં વપરાયેલા પ્રાદેશિક બોલીગત શબ્દો એ પ્રદેશનાં આખા જાનપદી વાતાવરણનો પ્રત્યક્ષ પરિચય કરાવે છે. કહેવતો, રૂઢિપ્રયોગો, અલંકારો, લોકોક્તિઓ, વાક્યરચનાઓ તેમજ દેશી પારંપરિત શબ્દો બળકટ અને અસરકારક રીતે વપરાયા છે. લેખકે એમની નવલકથાઓમાં જે તે પ્રદેશમાં ગવાતા લોકગીતોને અને સ્વરચિત ગીતોને પણ સ્થાન આપ્યું છે. જુદા-જુદા રાગમાં, જુદા જુદા લહેકામાં અને જુદી જુદી લઢણમાં ગવાયેલા ભાવવાહી ગીતો, દુહાઓ, સાખીઓ, મુક્તકો વાચકના મન અને હ્રદયને ભાવોર્મિથી ભરી દે છે. કથન, વર્ણન અને સંવાદ જે તે પાત્ર, પ્રંસગ અને પરિસ્થિતિને અનુરૂપ પ્રગટ થયા છે. આમ, ગ્રામીણ પરિવેશનું આલેખન અને પ્રાદેશિક લોકબોલીનો વિનિયોગ એ એમની જાનપદી નવલકથાઓની મુખ્ય વિશેષતા બની રહે છે.
શોધછાત્ર: રુચિ ભટ્ટ,
ગુજરાતી ભાષા સાહિત્ય ભવન,
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી.