લેખ: ૧ અભિજ્ઞાનશાકુંતલ પરિચય – પ્રા. સુરેશ બારૈયા

                                         

             ઈ.સ.પૂર્વે પહેલી સદી આસપાસ જન્મેલા મહાકવિ કાલિદાસ રચિત સાત કૃતિઓ છે. જેમાંથી બે મહાકાવ્યો છે. એક રઘુવંશ અને બીજું કુમારસંભવ. જ્યારે બે ખંડકાવ્યો છે, એક મેઘદૂત અને બીજું ઋતુસંહાર. જ્યારે ત્રણ નાટકો છે, એક વિક્રમોર્વશી બીજું માલવિકાગ્નિમિત્રમ્ અને ત્રીજું અભિજ્ઞાનશાકુંતલ. સંસ્કૃત સાહિત્યના પાંચ મહાકાવ્યોમાં કવિ કુલગુરુ કાલિદાસના બંને મહાકાવ્યોનો સમાવેશ થયો છે. તથા સંસ્કૃત સાહિત્યમાં જેની શ્રેષ્ઠ નાટકની તરીકે ગણના થાય છે તે અભિજ્ઞાનશાકુંતલ.  અભિજ્ઞાનશાકુંતલ નાટકને જર્મન કવિ  ‘ગેટે’  માથે લઈને નાચ્યો હતો. આ નાટકનો મુખ્ય રસ શૃંગારરસ છે. આ નાટકનો પ્રેરણાસ્રોત મહાભારતનું આદિપર્વ છે. આ નાટકનો નાયક હસ્તિનાપુર નરેશ દુષ્યંત ધીરોદાત પ્રકારની વૃત્તિવાળો છે, જ્યારે નાયકા વિશ્વામિત્ર અને મેનકાથી જન્મેલી કાણ્વ તપોવનમાં રહેતી તેમની પાલક પુત્રી શકુંતલા મુગ્ધા પ્રકારની વૃત્તિવાળી છે. નાટકમાં વિદૂષકનું નામ માઢવ્ય છે. નાટકના નિયમ પ્રમાણે આ નાટકમાં સાત અંકો છે. પ્રારંભમાં કવિ કાલિદાસે ઇષ્ટદેવ અષ્ટ મૂર્તિ ભગવાન શિવને નમસ્કાર કરીને નાટકનો પ્રારંભ કર્યો છે.

  • પ્રથમ અંકની કથાવસ્તુ :- 

                 પ્રથમ અંકની કથાવસ્તુ સામાન્ય રીતે નાટકનાં પાત્રો રંગભૂમિ ઉપર ઉપસ્થિત થઈને નાટ્યકાર્યનો વિકાસ કરાવે પરંતુ કાશ્યપ અથવા કાણ્વ પહેલા ત્રણ અંક સુધી અનુપસ્થિત હોવાને કારણે જ નાટકમાં કેટલીક ક્રિયાઓ જન્મી છે. માલિની કિનારે કાણ્વ આશ્રમની પાસે રાજાનો રથ આવતા જ રાજાને આશ્રયમૃગને હણતો રોકીને સમિધ લેવા ઉપડેલા વૈખાનસો સમાચાર આપે છે કે ‘હમણાં જ પોતાની પુત્રી શકુંતલાને અતિથિ સત્કારનું કામ સોંપીને એના પ્રતિકૂળ દેવનું શમન કરવા કુલપતિ કાણ્વ સોમતીર્થ ગયા છે. 

            તેમણે પોતાનું અતિથિસત્કારનું કાર્ય પોતાની પુત્રી શકુંતલાને સોંપ્યું છે. કાણ્વ ગેરહાજરીને લીધે જ તપોવનમાં ઈષ્ટ કાર્યોમાં વિઘ્નો પેદા થાય છે અને રાજાને કેટલોક સમય આશ્રમમાં રહેવા આવવું પડે છે અને શકુંતલા દુષ્યંતના પ્રણય સંબંધો આગળ વધે છે. આ સમય દરમિયાન દુષ્યંત શકુંતલાના ગાંધર્વ લગ્ન થવા પામે છે. 

  • દુષ્યન્ત શકુન્તલાની પ્રણયની પૂર્વ તૈયારી :- 

            શકુંતલા દ્વારા કાણ્વને પોતાની ભક્તિનો અર્ધ્ય પહોંચાડવા જ્યારે દુષ્યંત તપોવનમાં પ્રવેશે છે ત્યારે તેને, તેના જાગ્રત મનને જરાય ખ્યાલ નથી કે એ જ શકુન્તલા તેની પ્રિયતમા બની જશે. પોતાના શરીરના પ્રમાણને અનુરૂપ નાના નાના વૃક્ષોને પાણી પાતી ત્રણ સખીઓનું દર્શન તેને મધુર લાગ્યું. તે તેનો અનુભવ એક જોતાં તો તેની કશી જ માનસિક તૈયારી વગરનો આકસ્મિક હતો. કર્મદુહિતાને તેણે પહેલીવાર જોઇ કે પહેલા તેના સૌંદર્યથી પોતે ઘાયલ થશે, તેની શંકાસરખીએ તેનામાં નહીં હોય. એમ લાગે છે કે તેનો ચક્ષુરાગ એક રીતે તો તદ્દન અકસ્માત સ્વયંભૂ હતો. આમ છતાં જરા સૂક્ષ્મતાથી જોઈશું તો લાગશે કે નાટ્યકારે તો રાજા દુષ્યંતમાં ઉત્પન્ન થયેલા ભાવ માટે કાળજીપૂર્વક યોજના કરી રાખી છે.  પ્રથમ તો આશ્રમના દ્વારે આવતા જ તેને  વૈખાનસો મળે છે.  રાજાએ આશ્રમમૃગ  ઉપર શર પ્રહાર કરવાનું બંધ રાખ્યું તેથી પ્રસન્ન થઈને તેઓ તેને આશીર્વાદ આપે છે. पुत्रमेवं गुणोपेतं चक्रवर्तिनमाप्नुहि । “તને આવા જ ગુણવાળો ચક્રવર્તી પુત્ર પ્રાપ્ત થજો”  આશ્રમના દ્વારે અથવા નાટકના દ્વારે આપવામાં આવેલો આ આશીર્વાદ નાટકમાં સાચો પડે છે અથવા નાટકના અંતનો નિર્દેશ કરે છે એ તો સ્પષ્ટ જ છે. પરંતુ આ આશીર્વાદ તે સમયે તો એક ચમકારાથી રાજાના જીવનના એક શૂન્ય રહી ગયેલા ખૂણાને પ્રગટ કરી નાખે છે. જીવનના સંપૂર્ણ રસથી ઉછળી રહેલા આ રાજાને પુત્ર નથી.  વૈખાનસોએ આપેલો આશીર્વાદ રાજાના મનમાં પુત્રપ્રાપ્તિની આશા રોપી દે તે તદ્દન સ્વાભાવિક છે.  આ આશાનું બીજ તેના મનને નવા પરિણય સંબંધ માટે અનુકૂળ બનાવી દઈ શકે. પોતાનું ભાગ્ય કોઈ નવી દિશામાં ઉડી રહ્યું છે એવી પ્રતીતિ પામેલો રાજા નવા સંબંધો માટે આંતરિક રીતે જ તૈયાર થવા લાગે છે. આ પછી આશ્રમભૂમિમાં પ્રવેશતા તેનો જમણો હાથ ફરકે છે. જમણા હાથનો સ્પંદન સુંદર સ્ત્રીના લાભનું સૂચક છે એમ મનાય છે. ઉલ્લાસથી ઉછળતા રાજાના મનમાં એક ક્ષણવાર પણ “આ શાંત આશ્રમમાં હાથ ફરકવાનું ફળ શી રીતે મળી શકશે”  એ વિચાર ટકતો નથી અને તે મનમાં બોલી ઊઠે છે. अथवा भवितव्यानां द्वाराणि भवन्ति सर्वत्र । અને બરાબર આ ઉદ્ગારની સાથે જ શકુંતલાનો અવાજ સંભળાય છે. इत इतः सख्यौ । જમણા હાથના ફરકવાથી રાજાના મનમાં સ્પષ્ટ રીતે જ સ્ત્રીની પ્રાપ્તિનું સૂચન ઊભું થાય છે અને તેની સાથે જ તેના કાન અને મનને શકુંતલાનું  વાક્ય પકડી લે છે અને કદાચ રાજાના ઉદ્ગાર અને શકુન્તલાના વાક્ય નો સબંધ જોડાઈ જાય છે. આ રાજા સૌંદર્યપ્રેમી હતો તે તો કાલિદાસે આપણને પ્રથમથી જ બતાવ્યું છે. છલાંગ મારતા મૃગની વળાંક લેતી ડોકનું  સૌંદર્ય મૂલવવાનું  જ તો તે વેગે દોડતા રથમાંથી પણ ચૂક્યો ન  હતો. વળી વેગે ચાલતા રથમાંથી ભૂમિના બદલાતા જતા આકારો તરફ પણ આ રાજાનું ધ્યાન ગયા વગર રહ્યું ન હતું. આમ સૌંદયપ્રેમી રાજાનું ધ્યાન સપ્રમાણ આકૃતિ સખી  ત્રિપુટી ઉપર જાય છે અને તે બોલી ઊઠે છે, अहो मधुरमासां दर्शनम्। અને ધીમે ધીમે સખીઓનું પણ કેન્દ્ર બની રહેલી શકુંતલા ઉપર તેની દૃષ્ટિ સવિશેષ નોંધાય છે.

  • ભ્રમરબાધા પ્રસંગ :- 

               ઉદ્યાનની બહાર ઊભેલા રાજાનું મન શકુંતલા માટે આસક્ત થયુ, પણ શકુન્તલાએ તો હજી દુષ્યન્તને જોયો જ નથી. વળી રાજાને પણ શકુન્તલાને મળીને પાછા ફરવાનું જ હતું. આમ છુપાઈને શકુન્તલાને જોઈ રહેલા રાજાને સખીઓ પાસે, શકુંતલા પાસે પ્રત્યક્ષ થવાનું જ હતું. રાજાને શકુન્તલા પાસે ઉપસ્થિત થવાનો મોકો ઉભો કરવા કાલિદાસે ભ્રમરબાધા પ્રસંગ સર્જ્યો છે.

              વસંત ઋતુએ હમણાં જ વિદાય લીધી હતી અને ગ્રીષ્મ ઋતુએ થોડા સમય પહેલાં જ પરગણ માંડ્યા હતા. આ સમયે ઉદ્યાનમાં ખેલેલાં પુષ્પો ઉપર ભમરા ઉડી રહ્યા હોય એ સ્વાભાવિક વાત છે.  શકુન્તલાના સલિલસિંચનથી ગભરાયેલો એક ભ્રમર એકાએક ઉડ્યો અને શકુન્તલાના મુખ ઉપર આવવા લાગ્યો. આથી શકુંતલા એકદમ ગભરાઈ જઈને આમતેમ જવા લાગી, પરંતુ ભ્રમરે શકુંતલાનો પીછો છોડ્યો નહિ. આથી તેણે સખીઓને મદદ માટે બૂમ પાડી. સખીઓને પોતાની સખીના ગભરાટથી મજા પડતી હતી. તેમણે જવાબ આપ્યો, ‘તપોવનનું રક્ષણ કરવાનું કામ તો રાજાઓનું છે. અમે કોણ રક્ષણ કરવાવાળા ? દુષ્યંતને જ બોલાવ.’ બરાબર અહીં જ દુષ્યંતને સખીઓ પાસે જવાનો મોકો મળી રહે છે. એકદમ તે મદદ આપવા અંદર ધસી જાય છે. સખીઓ આ ચતુરગંભીર આકૃતિવાળા પ્રભાવપૂર્ણ માણસના એકાએક પ્રવેશથી સ્તબ્ધ બની જાય છે. શકુંતલાને હેરાન કરતો ભ્રમર તો ક્યાંય જતો રહ્યો હોય છે॰

               આ ભ્રમર બાધા પ્રસંગનું એક મુખ્ય કાર્ય તો દુષ્યંત અને શકુંતલા પાસે પ્રવેશ આપવાનું હતું. એક કાર્ય ઘણું જ નાટ્યાત્મક રીતે થઈ ગયું છે

  • દુષ્યન્ત-શકુન્તલાનો પ્રણય :- 

              શકુંતલા માટે ઘણો જ સસ્પૃહ બની ગયેલો દુષ્યંત વૃક્ષવાટિકામાં પ્રવેશ કરે છે. તેની ચતુર ગંભીર આકૃતિ, તેનો પ્રભાવ અને તેનો મધુર વાર્તાલાપ સાંભળીને ત્રણેય સખીઓ અંજાઈ જાય છે. અનસૂયા- પ્રિયંવદા ક્રમશ ધીમે-ધીમે સ્વસ્થ થાય છે તથા તેની ઓળખાણ પૂછે છે. અનસૂયા અને પ્રિયંવદા શકુંતલા-દુષ્યંત પ્રણયને જાણી જાય છે.

  • તપોવન ઉપર હાથીનું આક્રમણ :-   

                  રાજા દુષ્યંત અને શકુંતલા વચ્ચે પ્રણયનો ઉદય થઈ ગયો. આ રીતે આ નાટકના પહેલા અંકનું કાર્ય પૂરું થઈ ગયું.  હવે અંકને પૂરો કરવાનો હતો પરંતુ પ્રણયવિવશ થઈ ગયેલા શકુંતલા કે દુષ્યંત એકબીજાથી દૂર થવાનું નામ પણ લે તેવી સ્થિતિમાં ન હતા, આથી અંકને સમાપ્ત કરવાના ઉદ્દેશથી કાલિદાસે તપોવન ઉપર હાથીના આક્રમણનો પ્રસંગ સર્જ્યો છે.

                મૃગયા કરવા નીકળેલા દુષ્યંતની પાછળ આમ તો આખું સૈન્ય હતું જ. રાજા દુષ્યંત દોડતા મૃગની પાછળ રથને હંકારી જતાં સૈન્ય પાછળ રહી ગયું હતું. પરંતુ રાજા આટલો સમય તપોવનમાં રોકાયો ત્યાં તો સૈન્ય આવી પણ પહોંચ્યું અને તેના ઘોડાની ખરીની રજ તપોવન ઉપર ઊડવા લાગી. રથને જોઈને બાંધેલો એક હાથી તો માર્ગમાંના વૃક્ષોને ઉખેડી નાખીને હરણનાં ટોળાને વિખેરતો તપનાં મૂર્તિમાન વિઘ્નના જેવો ધર્મારણ્યમાં પ્રવેશવા લાગ્યો. આ વાત સાંભળીને રાજાને લાગ્યું કે તેના અનુયાયી સૈનિકો તપોવનને અવરોધ રૂપ બનતા હતા. આથી તેણે પાછા ફરવાની ઇચ્છા કરી.સખીસમુદાય પણ આ વાતથી આકુળ-વ્યાકુળ બની ગયો અને તેણે પણ અંદર ની ઉટજમાં જવાની ઈચ્છા બતાવી. આમ બધાને છૂટા પડવાનો પ્રસંગ ઉપસ્થિત થઈ શક્યો.

  • બીજા અંકની કથાવસ્તુ :-  

                  બીજા અંકના પ્રારંભમાં વિદૂષકની એકોક્તિ આવે છે. રાજાના મૃગયા શોખને લીધે તેની જે અવદશા થઈ છે તે અંગે થોડા ગુસ્સા સાથે તે બળાપા કાઢે છે. રાજાના શોખ ની પાછળ ઘૂમ્યા  કરતા આ વિદૂષકને પોતાની શૌખની વસ્તુઓ બરાબર મળતી નથી. તેના ખાવા-પીવાનું ઠેકાણું નથી, નથી તેને ઊંઘવા મળતું અને તેના સાંધા જકડાઇ ગયા છે. આમ રાજાનો આ પ્રિય મિત્ર રાજા જેટલો જ દુઃખી છે. પણ બંનેના દુઃખના પ્રકાર જુદા જુદા છે. રાજાનું શકુંતલા માટેની ઉત્સુકતાનું દુઃખ વધારે      સૂક્ષ્મ છે એટલે સમદુખિયા સમાનશીલ હોવા છતાં તેમની મૈત્રી એક બાજુથી હાસ્યપ્રેરક છે તો બીજી બાજુથી રાજાના દુઃખની સૂક્ષ્મતાને વેધકતાથી બહાર લાવે છે.

            બંને એકબીજાને સહાય કરે છે. રાજા મૃગયા બંધ રાખ આવે છે॰ આમેય શકુન્તલાના જેવાં  નેત્રોવાળા હરણાઓ ઉપર બાણ પ્રહાર કરવા હવે તે અશક્ત જ હતા. વિદૂષક પણ રાજાની શકુન્તલાકથા સાંભળવા ઈચ્છતો નથી, પણ છેલ્લે સાંભળે છે. રાજા પોતાના આશ્રમકન્યા સાથેના પ્રણયની વાત આ વિદૂષકને કહે છે. એમ લાગે છે કે રાજાનો શકુન્તલાના રૂપનો અનુભવ માત્ર ઉપર ઉપરનો ન હતો ખૂબ ઊંડો અને અલૌકિક હતો. કેમેય  કરીને શકુંતલાને તે વિસારે પાડી શકતો નથી. વિદૂષક સાથેની તેની વાતચીતમાંથી ખબર પડે છે કે શકુંતલા પોતાને ખપે તેવા રાજર્ષિના કુળની છે અને અપરિણીત છે॰ એટલું જ નહીં પરંતુ પોતાના પ્રત્યે પ્રેમભાવ પણ ધરાવે છે, એમ રાજાએ ખાતરી કરી લીધી છે અને તેથી જ તે તેને મેળવવા ઉત્સુક બન્યો છે. પરંતુ ફરીથી તપોવનમાં કયા બહાને જવું તેની વિસમાણમાં તે હતો. એટલામાં જ કાણ્વના તપોવનમાંથી બે શિષ્યો આવે છે અને કાણ્વની ગેરહાજરીમાં રાક્ષસો ઇષ્ટિમાં વિઘ્ન પહોંચાડતા હતા તેથી દુષ્યન્તને યજ્ઞાનું રક્ષણ કરવા બોલાવી જાય છે. રાજા હોંશે હોંશે જવા તૈયાર થાય છે. એવામાં જ હસ્તિનાપુરથી રાજમાતાનો સંદેશો લઈને કરભક આવી પહોંચ્યો છે અને દેવીએ કરેલા પુત્રપિંડપાલનવ્રતના ઉપવાસના દિવસે પોતાના પુત્રને હાજર રહેવાનો સંદેશો રાજાને પાઠવે છે॰

  • ત્રીજા અંકની કથાવસ્તુ :-

                 ત્રીજા અંકના પ્રારંભે નાનો સરખો છતાં અગત્યનો વિષ્કંભક આવે છે. જેમાં શિષ્યનું એક જ પાત્ર આવે છે. આથી કલાકાર કેટલો સંયમી અને કરકસર વાળો છે જણાઈ આવે છે. પ્રારંભમાં તેની એકોક્તિ આવે છે, પાછળથી તે ‘આકાશે’ પ્રિયંવદા સાથે સંવાદ કરે છે.

                શિષ્ય બે સમાચાર આપણને જણાવે છે. એક તો દુષ્યન્તના પ્રવેશ માત્રથી જ તપોવનનાં ઉપદ્રવ દૂર થઈ ગયા છે. આ બતાવે છે કે દુષ્યંતનું વ્યક્તિત્વ કેવું ઓજપૂર્ણ, કેટલું અસરકારક છે. બીજા સમાચાર એ મળે છે કે શકુંતલા ઘણી અસ્વસ્થ થયેલી છે. તેને માટે ઉશીરનો લેપ અને મૃણાલયુક્ત કમળપત્રો લઈ જવામાં આવે છે. શિષ્ય પણ ‘ગૌતમી સાથે યજ્ઞનું શાંતિજળ મોકલાવું છું’ કહીને જાય છે.

              રાજાની અસ્વસ્થતા વિશે બીજા અંકમાં જાણ્યું હતું. હવે આપણે જાણ્યું છે કે શકુન્તલાની સ્થિતિ પણ એવી જ છે. બંનેની અવસ્થાનું કારણ એક જ છે એમ આપણું મન કળી જઈ છે સંકલનની દૃષ્ટિએ ગૌતમી શકુંતલાની ખબર કાઢવા આવવાની છે એ સમાચાર ઘણાં જ અગત્યના છે અને અંકના અંતભાગમાં જ્યારે તે આવે છે ત્યારે તેનું આગમન એક તાલમેલિયો અકસ્માત બનતું નથી.

           મુખ્ય દૃશ્યમાં  જણાય છે કે રાજાનો વિરહાગ્નિ વધારે તીવ્ર અને ખૂબ અસહ્ય બન્યો છે.

  • ચોથા અંકની કથાવસ્તુ :-  

            ચોથા અંકની  શરૂઆતમાં એક વિષ્કમ્ભક આવે છે. તેમાં અનસુયા અને પ્રિયંવદા પુષ્પો વીણતાં વીણતાં વાતચીત કરે છે. તેમના સંવાદ ઉપરથી આપણને ખબર પડે છે કે શકુંતલા- દુષ્યંતના ગાંધર્વ વિવાહ થઈ ગયા છે॰ બીજી બાજુથી ઋષિઓની ઇષ્ટિ પૂરી થતાં હમણાં જ નગરમાં ગયો છે. નીકળતી વખતે તેણે શકુન્તલાને પોતાના નામવાળી વીંટી પહેરાવી છે. બંને સખીઓ થોડી ભયભીત છે. એક ને લાગે છે, ‘રાજા નગરમાં પહોંચીને અંતઃપુરના સમાગમથી શકુંતલાને ભૂલી તો નહી જાય ને ? તો બીજી ને લાગે છે, ‘ પણ તાત કશ્યપ આ સાંભળી ને શું કહેશે ? બંને સાખીઓ પરસ્પરનું સમાધાન યોગ્ય રીતે જ કરે છે, છતાં વાતાવરણમાંથી જાણે કશાક ભયનો ઓથાર ઘટતો નથી. શકુંતલા હમણાં જ ગયેલા દુષ્યન્તના ચિંતનમાં ખોવાઈ ઉટજના દ્વાર પાસે બેઠી છે. એવામાં વાતાવરણનો ભય જાણે વાણી પામતો હોય તેમ દુર્વાસા ના શબ્દો સંભળાય છે: ‘अयमहं भोः’ પરંતુ દ્વાર પાસે જ બેઠેલી અન્યમનસ્ક શકુંતલા આ સાંભળતી નથી. આથી ક્રોધિત થયેલા દુર્વાસા શાપ આપે છે : તું અન્ય મનથી જેનું ચિંતન કરતા, ઉપસ્થિત થયેલા એવા મને- તપોધનને પણ જોતી નથી, તે તને ભૂલી જશે અને યાદ કરાવવા છતાં યાદ નહીં કરે.’ આ શબ્દો ઉદ્યાનમાં પુષ્પોની વીણી રહેલી સખીઓ સાંભળે છે॰ એકના હાથમાંથી ભેગા કરેલા પુષ્પો નીચે પડી જાય છે, બીજી દોડી જઇને ગુસ્સામાં ચાલ્યા જતા દુર્વાસાને પગે પડીને શકુંતલાને માફ કરવા વીનંતી કરે છે અને તેમનો એટલો અનુગ્રહ મેળવે છે કે દુષ્યંતે આપેલી નિશાની-અભિજ્ઞાન-બતાવવાથી શાપ દૂર થશે અને પાછો દુષ્યંત શકુંતલાને યાદ કરી શકશે. જેમ પ્રત્યેક પ્રકાશને સિદ્ધ થવા માટે અંધકારનું અસ્તિત્વ અનિવાર્ય છે તેમ પ્રણય કાવ્યમાં પ્રણયના બળને પ્રત્યક્ષ કરાવવા પણ આવા પ્રસંગો જરૂરી છે. આખોય પ્રસગ ક્ષિતિજ ઉપર ગર્જી ગયેલા એક વાદળની જેમ અદ્રશ્ય રહીને પણ સહૃદયના મનને થોડું ભારેખમ બનાવી દે છે.

            મુખ્ય દૃશ્યના પ્રારંભમા પહો ફાટી રહ્યો છે. વેળા કેટલી છે, તે જાણવા નીકળેલો શિષ્ય પરોઢ સમયના પૂર્વ તેમજ પશ્ચિમના આકાશને જોઈને બે શ્લોકમાં જાણે કે કાળ ને જ ગાય છે. ઉદય, અસ્ત અને વળી ઉદય – આમ પરિવર્તન આ જગતનો મહાન નિયમ છે. પરિવર્તન સમયે પ્રકૃતિમાં અનુભવવાથી વેદના શિષ્યના अन्तर्हिते शशिनि सैव कुमुद्वती मे न नन्दयति संस्मरणियशोभा। એ શબ્દોમાં જાણે કે વાણી પામે છે. અહીં એક બાજુથી રોહિણી શકુંતલાનો જ જાણે ભાવ ગવાયો છે, બીજી બાજુથી શકુન્તલાના જીવનમાં આવી રહેલા પલટાનું સૂચન થયું છે.

                કાશ્યપ પ્રવાસેથી પાછા ફર્યા છે. બીજી બાજુથી ત્રણેય સખીઓ  બહુ જ વ્યગ્ર  છે, કારણ કે દુષ્યંત ગયાને કેટકેટલા દિવસો વીતી ગયા, પણ હજી ન તે આવ્યો, ન તેના તરફથી કોઈ સમાચાર આવ્યા. શકુંતલા તો સગર્ભા છે. અહીં બની ગયેલું કોઈ કશું જાણતું નથી. આ બધાની અકળામણ અનસૂયાની પ્રસિદ્ધ નાટ્યપૂર્ણ સ્વગતોક્તિમાં ઠલવાઈ છે. સ્વસ્થ અનસૂયાની પણ આ દશા હતી ! ત્યાં તો પ્રિયંવદા આવીને તેને શકુંતલા વિદાયની તૈયારી માટે કશ્યપે કરેલા આદેશની જાણ કરે છે. અકળામણનો બધો જ ભાર વેગથી આનંદમાં પલટાઈ જાય છે.

               કશ્યપ આ અંકની ઊર્મિમય એકતાના પ્રતીકરૂપ છે. તેમના આગમનના સમાચાર સાંભળતા જ જાણે ઉજ્જવળતાએ વાતાવરણમાં અંધકારને ભેદી નાખ્યો. તેઓ માત્ર શકુન્તલાના જ નહિ, પણ તપોવનનાં બધાં જ નિવાસીઓનાં- તપોવનનાં વૃક્ષો, લતાઓ, મૃગો અને પક્ષીઓના ઊર્મિમય જીવનના જનક, પાલક તેમજ વ્યવસ્થાપક છે. તેઓ આવતાં જ આ તપોવન ભૂમિમાં બધાં જ સુસંકલિત થઇ જઇને એકતા પામ્યા. શકુન્તલાની પ્રણયપ્રકૃતિ, તાપસોની તપશ્ચર્યા અને શિષ્યનો વિદ્યાભ્યાસ જે અત્યાર સુધી અસંકલિત, વિરોધી લાગતાં હતાં, તે હવે કોઈ વિશાળ પ્રવૃત્તિના સુસંકલિત ભાગો બની ગયા. કશ્યપની વિદ્વતા, તપશ્ચર્યા, સંયમ વગેરે તપસ્વીયોગ્ય ગુણો વિશાળ પ્રેમના રસાયણમાં એક રસ બની ગયા હતા. તેથી તેમનું વ્યક્તિત્વ તપોવન વિશાળ પ્રકૃતિ અને સંયમશીલ, પ્રેમાળ માણસો- એટલે કે આખા તપોવન જેટલું મહાન ઉદાત્ત અને પ્રેરક બની ગયું હતું. ચોથા અંકમાં કન્યાવિદાયનું મંગલ કારુણ્ય  આ વિશાળ સુગ્રથિત વ્યક્તિત્વના પાત્રમાંથી વહે છે.

              આ અંકનું મુખ્ય વસ્તુ શકુંતલા વિદાયનું છે. આખા તપોવનના ચેતન -અચેતન તત્ત્વોના અને અણુએ અણુ સાથે ભળી ગયેલી, તપોવન પાસેથી જ રૂપ અને રસ પામેલી શકુંતલા જાણે કે તપોવનમાંથી ઉતરડાય છે. પરિવર્તનના સાર્વત્રિક નિયમને માન આપીને પણ તપોવનનું સમસ્ત આ પ્રસંગે જે વેદના અનુભવે છે તેને અહીં સરસ આકૃતિ આપવામાં આવી છે. तत्रापि च चतुर्थोऽङ्कः।  માં દેખાય છે તેમ ઘણા પ્રાચીનકાળથી આ અંક સર્વસામાન્ય ગણાયો છે. 

               આ અંકમાં સાર્વજનિક અનુભૂતિનું વસ્તુ રજૂ થયું છે. વિદાયના વસમાપણાનો અનુભવ સર્વકાલીન અને સર્વત્ર છે. તેમાંય જાણે કે હૃદય નીચોવીને પોતાના સમગ્ર અસ્તિત્વનો રસ સમાજને ચરણે ધરાતો હોય તેવો કન્યા વિદાયનો પ્રસંગ ભારતીયોમાં તો વિશેષ કરીને વેદનાકારક છતાં ગૌરવપૂર્વક છે. આમ હોવાથી જ આ નાટકના ચતુર્થ અંકમાં રહેલા કશ્યપના ભાવો પિતાઓના સનાતન ભાવો છે. સખીઓના ભાવો જગતની બધી જ સહૃદયી સખીઓના ભાવ છે. તાપસીઓના આશીર્વાદો બધા જ આપ્તજનોના ભારતીય કન્યાઓને મળતા આશીર્વાદો જ છે.  અહીં ઊર્મિઓના ચિત્રો છે. બુદ્ધિના કરતા ઊર્મિમાં સ્પર્સક્ષમતા વિશેષ હોય છે, તેથી ચોથો અંક પ્રત્યેક ભાવને આકર્ષે છે.

               આ અંકમાં પ્રકૃતિ એક પાત્ર જ બની ગઈ છે, એટલું જ નહીં પણ શકુન્તલાની તો તે જ એક માત્ર માતા છે. વિશાળ પ્રકૃતિએ शान्तानुकूलपवनश्च शिवाश्च पन्थाः|  કહીને શકુંતલાને ભાવભીની વિદાય આપી, વન દેવતાએ તેને વસ્ત્રો ભૂષણોની ભેટ આપી, વનજ્યોત્સના વિદાય લેતી શકુન્તલાને છેલ્લું આલિંગન આપવા તલસી રહી, મૃગ બાળ પોતાને છોડી જતાં શકુન્તલાના વસ્ત્રને ખેંચી રહ્યું અને સગર્ભા મૃગી પણ ઓશિયાળી બની ગઈ. કોકિલરવ દ્વારા આખા તપોવનને શુભેચ્છા આપી॰ સમગ્ર પ્રકૃતિ એક વ્યક્તિ બનીને અનુભવેલી શકુંતલાવિદાય ભારે રોમાંચક લાગે છે.

             આ અંકનું સંવિધાન વાસ્તવિક છતાં કાવ્યમય છે. અહીં દરેક પ્રસંગ ધ્વનિયુક્ત અને સપ્રમાણ છે. અરણ્યવાસી શાશ્વત બ્રહ્મચારી કશ્યપનો નિર્વ્યાજ સ્નેહ પ્રિયંવદા-અનસૂયાની ચિંતાનું એકાએક આનંદમાં થતું પરિવર્તન, આશ્રમ વૃક્ષોની વિદાયઆશિષ લેતાં ઉત્પન્ન થયેલું હૃદયવિદારક કારુણ્ય, કશ્યપનો રાજા પ્રત્યેનો સંદેશો તથા તેમણે શકુંતલાને યોગ્ય ગૃહિણી બનવા માટે આપેલી શીખ, સખીઓએ ભયના ઈશારા સાથે આપેલી વિદાય અને શકુંતલા અદૃશ્ય થતાં તપોવનમાં ઊભી થયેલી ભરખી જાય તેવી શૂન્યતા- આ બધા ચિત્રોમાં માનવ હૃદયની ઊંડી સમજ અને લાગણીનું સૌકુમાર્ય વ્યક્ત થાય છે.

          આ અંકમાં અનસૂયાની એકોક્તિમાં અને અન્ય સંવાદોમાં અભિનયક્ષમતા છે, શકુન્તલાની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ગતિ છે. આમ છતાં આ અંક મુખ્યત્વે કાવ્ય છે. અહીં સમગ્ર તપોવનનો વિદાય સમયનો ભાવ કંડેરાઇ ગયો છે.

  • પાંચમાં અંકની કથાવસ્તુ

           પાંચમો અંક ‘શકુંતલાપ્રત્યાખ્યાન’ ના અંક તરીકે સુપ્રસિદ્ધ છે. અહીં પહેલી વાર જ નાટકની ભૂમિ બદલાય છે. તપોવનના નિતાંત સુંદર તથા સ્વાભાવિક વાતાવરણમાંથી નાટ્યક્રિયા હસ્તિનાપુરના અનંતપુરમાં આવે છે. પ્રારંભમાં જ રાજા દુષ્યંતને પોતાની એક રાણી હંસપદિકાનું ગીત સંભળાય છે. રાજાની એક રાણી હંસપદિકા સંગીતશાળામાં ગીત ગાય છે: “ હે મધુકર ! તું નવા નવા મધનો લોલુપ છે;  આંબાની મંજરીને તે રીતે ચૂમીને હવે કમળમાં જ રહેવામાં સંતોષ માની રહેલો તું એને કેવી રીતે ભૂલી ગયો?”  આ એક અન્યોક્તિ છે;  અહી ભ્રમર – મધુકર તરીકે રાજાને સંબોધીને આ રાણી તેને નિપુણતાથી ઉપાલંભ આપે છે. તેનું કહેવું એમ છે કે ‘હું તારા અનંતપુરમાં આવી ત્યારે પહેલાં તો તું તારી બીજી સ્ત્રીઓને છોડીને મારી તરફ જ તારો પ્રેમ પ્રગટ કરતો; જ્યારે હવે તારી બીજી જૂની રાણી વસુમતીની પાસે રહીને સંતોષ માનવા લાગેલો તું શું મને ભૂલી જ ગયો કે?’ દર્દીલા સ્વરમાં ગવાયેલા આ શ્લોકનો મર્મ રાજા પામી ગયો અને પોતે હંસપદિકાના કથનનો ભાવાર્થ સમજી ગયો છે. એ જણાવવા તેણે વિદૂષક ને હંસપદિકા પાસે મોકલ્યો. આ હંસપદિકાના ગીતનું  નાટ્યગત મહત્વ ઘણું  છે.

  • છઠ્ઠા અંકની કથાવસ્તુ :-

         પાંચમા અંકના અંતભાગમાં દુષ્યંતે ન સ્વીકારેલી શકુન્તલાને એક જ્યોતિ આવીને અપ્સરતીર્થ  તરફ લઈ ગયું. જ્યારે વિસ્મૃતિમૂઢ  રાજા આ બધુ આશ્ચર્ય વાગોળતો હસ્તિનાપુરમાં બેસી રહ્યો. દુર્વાસાના શાપની આ પ્રવૃત્તિને લીધે રાજાની સ્મૃતિ સતેજ થાય તેમ હતું જ નહીં અને તો, રાજા અને શકુન્તલાનું પણ મિલન થાય તેમ ન હતું. આશા હતી એકમાત્ર રાજાને શકુન્તલાને આપેલી વીંટી ઉપર. વીંટી રાજાને દેખાય તો દુર્વાસાનો શાપ વળે અને રાજાને શકુન્તલા સાથેની પ્રણયપ્રવૃત્તિની યાદ આવે. પરંતુ એ વીંટી તો શકરાવતારમાં શચીતીર્થના જળમાં પડી ગયેલી એક નિર્જીવ શી વીટી ઉપર કેવડો મોટો ભાર હતો !

            છઠ્ઠા અંકના પ્રવેશકમાં તદ્દન જુદી જ જાતનાં પાત્રો હસ્તિનાપુરના માર્ગ ઉપરના દૃશ્યમાં દેખાય છે. બે રક્ષકો, એક નગરનો કોટવાલ શ્યાલ અને એક બાંધેલો માછીમાર, પ્રેક્ષકો આ નીચલા થરનાં પાત્રોને જોઈને જરાય આશ્ચર્ય અનુભવે ત્યાં તો સંભળાય છે: कथय कुत्र त्वया……… राजकियमङ्गुलीयकं समासादितम् અને शक्रावताराभ्यन्तरवासी धीवरः ‘વીંટી’ અને ‘શક્રાવતર’ શબ્દો સાંભળીને તરત જ આપણા કાન ચમકે છે. આપણને ખબર પડે છે કે માછીમારે પકડેલી રોહિત માછલીના પેટમાંથી તેને રાજાના નામ વાળી વીંટી મળી છે. રક્ષકો તેને ગુન્હેગાર ઠરાવી રાજા પાસે લઈ જાય છે. રાજાને વીંટી મળતા જ રાજાને એકદમ બધો શકુંતલાપ્રસંગ સાંભરી આવે છે. માછીમારને શિક્ષા કરવાને બદલે ભેટ આપે છે.

          વીંટીના દર્શનથી રાજાનો વિસ્મૃતિનો પડદો હટી ગયો અને પોતાનો શકુંતલા સાથેનો વૃત્તાંત રાજાને યાદ આવ્યો. પોતાના મનની આરાધ્ય દેવીના અસહ્ય વિરહથી એકદમ તે ઝૂરવા લાગ્યો. પોતે કેમ કરતા શકુંતલાને ભૂલી જઈ શક્યો હશે, તેનું તો માત્ર આશ્ચર્ય  જ તેને સતાવવા લાગ્યું રાજા દુષ્યંત પણ અન્યાય કરી શકે છે. એક નિર્દોષ વ્યક્તિનો અનાદર કરીને તથા તેના પ્રમાળપણાની હાંસી કરીને તે ઘોર કર્મ કરી શકે છે તે યાદ કરતાં જ રાજાની પોતાના ઉપરની જ શ્રદ્ધા તૂટી ગઈ.પહેલા અંકમાં જે આત્મવિશ્વાસથી તે सतां हि संदेहपदेषु वस्तुषु प्रमाणमन्तःकरणप्रवृत्तयः। એ તેનો આત્મવિશ્વાસ ડગી જાય છે. પોતાની સામેથી પોતાનું સ્વરૂપ જ તૂટી પડતાં તે રાજા અસહાય બનીને ઢગલો થઈ જાય છે.  આમ એક બાજુથી પ્રિયતમાવિરહ અને બીજી બાજુથી આત્મા તિરસ્કાર આ અંકમાં રાજાની પરિસ્થિતિને કરુણ બનાવી દે છે. 

  • સાનુમતિ પ્રસંગ :- 

           રાજાની સ્મૃતિ તો તાજી થઈ, અને તે શકુંતલા માટે ઉત્સુક બન્યો, પરંતુ આ વાતની અપ્સરતીર્થમાં બેઠેલી શકુન્તલાને શી રીતે જાણ થાય?  વળી શકુંતલાના જે આર્યપુત્ર એકવાર તેને ‘આત્મકાર્યનિવર્તિની’ કહીને તરછોડવા જેટલા ‘અનાર્ય’ બની ગયા હતા, તેમનું મન ખરેખર તો ‘આર્ય’ હતું તેની પણ પ્રતીતિ શકુંતલાને આપવી જોઈએ ને?  તો જ પુનર્મિલન માત્ર ઉપર ઉપર નહિ, પણ પરિપૂર્ણ બને॰ શકુંતલા તરફથી પણ મેનકા વગેરેને પોતાની પુત્રીની ચિંતા થતી હોય. એટલે અપ્સરતીર્થમાંથી રાજાની સ્થિતિની તપાસ કરવા સાનુમતી નામની અપ્સરા આવી પહોંચે છે.

          આ અપ્સરા અદૃશ્યપણ રાજા વિશે જાણવા પ્રયત્ન કરે છે. ધ્યાનમાં આવતાં જ તેને ખબર પડે છે કે રાજાએ વસંતોત્સવ બંધ કરાવ્યો છે. શકુન્તલાના વિરહમાં વિવશ બનેલા તેને કંઈ પણ રમ્ય ગમતું નથી. આ સાંભળીને સાનુમતિને ઘણો જ આનંદ થાય છે. તે કહે છે કે ‘પ્રિય મે’ આવું ખરેખર હોય તો હવે તેની સખી શકુન્તલાના ભાવિમાં ઉજ્જવળ પલટો આવી શકશે.

       પશ્ચાત્તાપના વેશમાં રાજા ઉદ્યાનમાં આવે છે. શકુંતલાને યાદ કરી ને ઘણો જ વિલાપ કરે છે. વિદૂષક સાથેની રાજાની વાતચીત દરમિયાન તેને ખબર પડી કે વીંટી મળતાં રાજાને શકુન્તલાની યાદ તાજી થઇ છે. રાજા વિલાપ કરે છે. તેની નજર સમક્ષ તરછોડાતી દીન શકુન્તલાનું હૃદયભેદક ચિત્ર ઊભું થાય છે. આ સાંભળીને સાનુમતિને રાજા માટે માન થાય છે. તે કહે છે अहो ईदशी स्वकार्यपरता। अस्य संतापेनाहं रमे।

             રાજાએ શકુન્તલાનું આબેહૂબ ચિત્ર દોર્યું છે. ચિત્રને વાસ્તવ માનીને ઉન્માદી બનેલા રાજાએ શકુંતલા ઉપર આક્રમણ કરતાં પોતે જ દોરેલા ભ્રમરને દૂર કરવા પ્રયત્ન કર્યો. પણ તેને ખબર પડી કે એ તો ચિત્ર હતું. તેનું સ્વપ્ન સરી પડ્યું॰ તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. રાજાની આવી દશા જોતા સાનુમતીનું  હૃદય પણ દ્રવી ગયું. તે બોલે છે: सर्वथा प्रमार्जतमनेन प्रत्यादेशदुःखं शकुन्तलायाः। સ્વાભાવિક રીતે શકુંતલા પ્રત્યે પક્ષપાત ધરાવતી સાનુમતીના આવા શબ્દોમાં દુષ્યંતની સુજનતા માટેની ઊંડી પ્રતીતિ પડેલી છે.

             એવામાં જ પુત્ર મરણ પામેલા ધનમિત્રની મિલકતની વ્યવસ્થા આ બાબતની વાત રાજા પાસે આવે છે. રાજાને પોતાનું અપુત્રપણું યાદ આવે છે॰ શકુંતલાને તિરસ્કારને રાજાએ આ જગતમાં પોતાનું જ ખરાબ નથી કર્યું, પણ પિતૃઓનું પણ ખરાબ કર્યું છે, કારણ કે દુષ્યંત પછી તેમને કોઈ પિંડ આપનારો મળશે નહિ. આ વિચારથી તેને જબરો આઘાત લાગે છે અને તે મૂર્ચ્છા પામે છે. રાજાની સાથે ખૂબ સહાનુભૂતિ ધરાવતી સાનુમતીથી આ જોવાતું નથી. તે રાજાને શકુન્તલા અંગેની બધી હકીકત જણાવી દઈને તેને સાંત્વના આપવા પણ તૈયાર થઈ જાય છે-सति खलु दीपे व्यवधानविषषयेण एष अन्धकारदोषमुत्पादयति- પણ તે મનને કાબૂમાં રાખીને શકુંતલા પાસે ચાલી જાય છે.  

  • ધનમિત્ર પ્રસંગ :-

                રાજા પોતે શકુન્તલાને કરેલા અન્યાય બદલ પસ્તાવો અનુભવતો હોય છે, ત્યાં જ તેના રાજ્યમાં બનેલો એક પ્રસંગ તેને જણાવવામાં આવે છે. ધનમિત્ર નામનો એક સમુદ્રનો વેપારી વહાણ ભાગી જતા નાશ પામ્યો છે. તે સંતતિ વિનાનું હોવાથી તે સમયના કાયદા પ્રમાણે તેની સંપત્તિ રાજાને મળે. આ પ્રસંગે રાજા એકદમ સંપત્તિ લઇ લેવાનો નિર્ણય આપતો નથી, પણ તેની પત્નીઓમાની કોઈ સગર્ભા હોય તો તપાસ કરાવે છે અને તેની એક પત્ની સગર્ભા છે તેમ જાણીને ગર્ભને પિતાની મિલકતનો વારસદાર ઠરાવે છે.

  • સાતમાં અંકની કથાવસ્તુ :-

     આ નાટકના છેલ્લા સાતમા અંકમાં પહેલા ઇન્દ્રના રથમાં બેસીને આકાશમાર્ગે પૃથ્વી ઉપર પાછો ફરતો દુષ્યંત આવે છે. દુષ્યંત અને માતલિની વાતોમાંથી રાજાના દેવોના શત્રુ પરના વિજયના સમાચાર મળે છે તથા રાજાના વિનયના દર્શન થાય છે. માર્ગમાં મારીચ- અદિતિના તપોવનમાં રાજા રોકાય છે ત્યાં જ તે આ અવિનયની ભૂમિમાં સર્વદમન નામના બાળકને સિંહના બચ્ચાને રંજાડતો જુએ છે. આ બાળક પ્રત્યેની રાજાને નૈસર્ગિક રીતે પોતાનો ઔરસ પુત્ર જ હોય તેવો  સ્નેહ થાય છે. તેના હાથમાં ચક્રવર્તીનું લક્ષણ દેખાય છે. આ બધાની સાથે સાથે રાજાના મનમાં “આ પોતાનો જ બાળક હોય તો ! એવી સ્પૃહા રોપાય છે॰ પરંતુ હવે પોતાની અંતઃકરણ પ્રવૃત્તિ ઉપર વિશ્વાસ ન કરતો રાજા મનોરથભંગ થવાની બીકથી આ એક પણ વિચારને મનમાં ન ટકવા દેવાનો પ્રયત્ન કરે છે. આમ છતાંય રાજાને એ તોફાની છોકરો ખૂબ ગમી જાય છે જ.તે કહે છે – स्पृहयामि खलु दुर्ललितायास्मै અને अङ्काश्रयप्रणयिनस्तनयान्वहन्तो धन्यास्तदङ्गरजसा मलिनीभवन्ति । ત્યાં તો વળી પાછા રાજાની ચિત્તવૃત્તિને અનુકૂળ એવા પુરાવો મળતા જાય છે. રાજા તેને મહર્ષિપુત્ર કહીને સંબોધે છે ત્યાં જ તેની તાપસી પાસેથી ખબર પડે છે કે એ ‘ઋષિકુમાર’ નથી. તાપસીને રાજા અને બાળકની આકૃતિ મળતી આવતી લાગે છે. અપરિચિત હોવા છતાં રાજાની પાસે તે બાળક કહ્યાગરો બની જાય છે. વળી તેને તાપસી સાથેની વાતચીત દરમિયાન જાણ થાય છે કે તે પૂરુંવંશનો જ છે, અને તે અપ્સરાસંબંધને લીધે તેની માતાએ તેને દેવગુરુના તપોવનમાં જન્મ આપ્યો છે. રાજા ઉતાવળે પૂછવા લાગે છે : अथ सा तत्रभवती किमाख्यस्य राजर्षेः पत्नी।  પણ બાળકના પિતા રાજાનું નામ જાણવા મળતું નથી; પરંતુ બાળકની માતાનો પતિ धर्मदारपरित्यागी  હતો એ જાણવા મળે છે. આ ‘આર્ય’ રાજા કોઈકની સ્ત્રીનું નામ પૂછી શકતો નથી. ત્યાં તો મોર લઈને આવેલી તાપસીના शकुन्तलावण्यं प्रेक्षस्व શબ્દોમાં ‘शकुन्तला’ શબ્દથી છેતરાયેલો ‘માતૃવત્સલ’ બાળક બોલી ઊઠે છે : ‘कुत्र वा मम माता’? અને રાજાને આડકતરી રીતે બાળકની માતાના નામની ખબર પડી જાય છે. એવામાં તાપસીનું ધ્યાન બાળકના હાથમાં રક્ષાકરણ્ડક નહોતું તેના ઉપર જાય છે. રાજા એકદમ નીચે પડી ગયેલા રક્ષાકવચને ઉપાડીને બતાવે છે. આ રક્ષાકવચને માતા પિતા સિવાય કોઈ અડી શકે તેમ ન હતું એટલે રાજાને હવે પાકી ખાતરી થઈ જાય છે કે ‘આ મારો જ પુત્ર છે’ અને તે પોતાના સૌભાગ્યને અભિનંદે છે. તાપસીઓ દ્વારા ખબર પામેલી શકુંતલા રાજાને જોતા પહેલાં તો રાજાને ઓળખી શકતી નથી॰ પરંતુ રાજા તેને હવે તરત જ ઓળખી જાય છે. તે પોતાના અપરાધની ક્ષમા માંગે છે. પરંતુ શકુન્તલાને પોતાના ‘પરિત્યક્તમત્સર’ દૈવથી આનંદવા  સિવાય બીજું શું કરવાનું હતું ? પોતાની લાગણી ની સચ્ચાઈમાં અને રાજાના સ્નેહના ઊંડાણની તેણે કરેલી અનુભૂતિ તેના અંતરે ક્યારે અવિશ્વાસ કર્યો હતો ? તે પોતાના सुचरित्रप्रतिबन्धक पुराकृत ને જ દોષ આપે છે. દેવોના આદર્શ માતા-પિતા અદિતિ-મારીચ જ્યારે દાંપત્યની વાતો કરતા હોય છે ત્યારે આ સંધાયેલા દંપતિનું મિલન થાય છે. માત્ર પતિ-પત્નીનું જ નહીં પણ તેમની સાથે તેમના એક મજાના બાળકનું પણ.

                  અન્તમાં દુષ્યંત અને શકુંતલા તથા પુત્રનું મિલન થાય છે. મારિચ દ્વારા દુષ્યંતને જાણ થાય છે કે પુત્ર સર્વદમન ચક્રવર્તી બનશે તથા પ્રજાના ભરણપોષણને લીધે પુત્ર ‘ભરત’ નામથી પ્રસિદ્ધ થશે અને અન્તે દુષ્યંત ભરત વાક્યમાં કહે છે કે- 

 प्रवर्ततां प्रकृतिहिताय पार्थिवः सरस्वती श्रुतमहतां महीयताम्।

 ममापि च क्षपयतु नीललोहितः पुनर्भवं परिगतशक्तिरात्मभूः।।

                           અર્થાત્

                રાજા પ્રજાના હિત માટે પ્રવૃત્તિ કરો, વિદ્યામાં શ્રેષ્ઠ જનોની વાણી સત્કાર પામો ; અને સર્વવ્યાપી સ્વયંભૂ ભગવાન શંકર મારા પણ પુનર્જન્મનો અંત લાવો.

પ્રા. સુરેશભાઈ બારૈયા 

મદદનીશ અધ્યાપક (સંસ્કૃત) 

સરકારી વિનયન કૉલેજ વલભીપુર