-અલ્પા વિરાશ
આજે મિત્ર ઝરણાંએ તેના જન્મદિવસ નિમિત્તે ‘z'(હોટેલ)માં જમવાનું ગોઠવ્યું હતું.ચાઈનીઝ તંદુરી, નાન, હોટ એન્ડ સોર સૂપ, હકકા નૂડલ્સ,વેજ સ્પ્રિંગ રોલ,ફ્રેન્ચ ફ્રાઈસ જેવી અનેક વાનગીઓ પીરસાઇ હતી..જમીને ફિંગર બાઉલમાં લીંબુની ફાડ ઘસી હાથ ધોયા.એક કાળી ડાયરીમાં પૈસા મુકાયા. હોટેલ બહાર નીકળવાના દરવાજે એક ઘંટડી ટીંગાડી હતી.એની બરાબર સામે કાળા અક્ષરે સૂચના લખી હતી. ‘જો આપને અમારી હોટેલની સેવા ગમી હોય તો આ ઘંટડી એકવાર ધીમેથી વગાડવી…’ ઘંટડીની દોરી હાથમાં લઈ ઘંટડી વાગતાં જ મારી અંદર અમારી શાળાના ડંકાનો એકધારો પાંચ મિનિટ ચાલતો અવાજ પડઘાવા લાગ્યો ….લલિતાબેન શાળા છુટવાના સમયે મને શાળાનો ડંકો વગાડવા ઉપરના માળે મોકલતાં ….
લલીતાબેનનું ઘર અમારી શાળાના મેદાનમાં એક ખૂણે રહેલા દોઢ ઓરડામાં સમાઈ ગયું હતું.બપોરે સાડા બાર વાગ્યે અમારું ભણવાનું શરૂ થતું.અમે બાર વાગ્યે પહોંચી જતાં.લલીતાબેનના ઓરડાની એક બારીમાંથી આખી નિશાળ દેખાતી.સવારની પાળીવાળા ભણતાં હોય એટલે અમે લલીતાબેનની બારી પર ટિંગાઇ એમને જોતા રહેતા.લલીતાબેન ઉતાવળે ઉતાવળે ઘરકામ કરતા હોય. પલંગ પર રહેલાં પીળાં રંગના કૃષ્ણ ભગવાનના હાથનું ધનશ્ય આડું ઉભું થતું અંતે અભેરાઈ પર સીધું ઉભું રહી જતું.એ અભેરાઈને ટકાવી રહેલાં એક લોખંડના સળીયે નાનાં નાનાં રુદ્રાક્ષની બનેલી લાંબી માળા લટકી જતી.લાકડાંના એક ટેબલ પરથી ચમકતી પાણીની પિત્તળની લોટી માટલા બાજૂની દીવાલમાં જડેલા પાટિયા પર ઉંધી વળી જતી.પલંગ પરની સફેદ ચાદર ઝટકાઇ રહેતાં જ સાવરણી હાથમાં આવી જતી.એક કાળું ભીનું પોતું એ નાનકડા ઓરડામાં વધી વધીને ૨-૪ મિનિટમાં જ લલીતાબેનના ડાબા હાથમાં ફરતું ફરતું દોરીએ લટકી જતું.જે બારીએથી અમે ડોકાં કાઢતાં તેની સામેની દીવાલે એક હથેળી જેવડું દુધિયા રંગનું ઘડિયાળ ટિંગાતું. બરાબર ૧૨:૨૫ થતાં જ લલીતાબેન અમે જે બારીએ ટિંગાતા ત્યાં રખાયેલા અરીસામાં જોઈ માથું ઓળવવા આવતા.એમના માથાના ધોળાં વાળ કરતાંય લાલ રંગનું કપાળ વધુ ચમકતું.એક સીધી દિશામાં દાંતિયા વડે લીટો કરી બે જ વખત હાથ હલાવી એક પાતળો ચોટલો ગૂંથતા. ચોટલાને છેડે કાળી રીબીનનું ફૂલ બની જતું.એમની દાઢીએ પડતી ત્રણ ઉભી કરચલીઓ અને હોઠ પર પડતી નાની-નાની કરચલીઓ સિવાય આખું મોં ખાલી રહેતું..મેશની લીલા રંગની ડાબલી ઉઘાડી જમણાં હાથે આંખમાં આંજણ કરી આંગળી માથામાં ઘસી નાખતાં.એક નજર એમના ઘરની ચોકી કરતા ચોકીદારો (એટલે કે અમારી) પર ફેરવી લેતાં.કાચમાં જોઈ ચાંદલાના પાકીટમાંથી એક કાળો ચાંદલો ચોંટાડી બંન્ને હાથ મોં પર ફેરવી દાંતિયો વ્યવસ્થિત પણ ઉતાવળે મૂકી દેતાં.ઘડિયાળમાં જોતાં ત્યારે મોટો કાંટો ૬ની સાવ લગોલગ આવી ગયો હોય.એ સાથે જ લલીતાબેન અમારી સામે જોતાં જોતાં બારી વાળી જ દિવાલના એક ખૂણા તરફ વળતાં.અમે ધક્કામુક્કી કરતા બારીના સળીયાની ઊંચાઈ આંબી લેવા છતાં ક્યારેય ખૂણો જોઈ શકતા નહીં.બધી આંખો લલીતાબેનનો પીછો કરતી. અમારી એ ધક્કામુક્કી ચાલુ હોય ત્યાં જ લલીતાબેન મધના ટિકડાનો મૂઠ્ઠો ભરી પાછા બારીએ આવી ગયા હોય.એમને જોતાં જ અમારી હથેળીઓ એકબીજાની હથેળીઓ પર ગોઠવવા પડાપડી કરતા.લલીતાબેન ટીકડાવાળો હાથ સાડીની અંદર છૂપાવી રાખી બીજા હાથે એકે એક હથેળી ભરી દેતાં. બધાંને ટીકડા વહેંચાઇ જાય ત્યાં મોટ્ટો ડંકો પડે ને અમે બધાં મોંમાં ટીકડા નાંખી ભાગતા.પ્રાર્થના શરૂ થાય એ પહેલાં અમારા મોં મીઠા થઈ ગયા હોય એટલે જોર જોરથી રાગડાં નીકળતાં.પ્રાર્થના વખતે આંખો ઝીણી કરી લઈ માસ્તરો શું કરે છે એ જાણી લેવાનો અમારો જન્મસિધ્ધ અધિકાર હતો. લલિતાબેનની ઝીણી આંખો બંધ રહેતી એ સિવાય બધા માસ્તરો એકમેકને કાનમાં કંઈક કહેતાં કે ગણગણતા હોય. રીનાબેન નવું સ્કુટર શીખતા પડ્યા હોય એનો પાટો મધુબેનને બતાવતા.સવિતાબેન માથાની પીનો મંજુબેન પાસે ઠીક કરાવતાં હોય અને અશ્વિન સાહેબ કરડી નજરે અનુક્રમે અમારી બધાંની સામે જોઈ રહેતાં.
લલીતાબેન ધોરણ ૨(બ)ને ભણાવતા.એક વર્ગ આખો એક જ શિક્ષકના હાથમાં રહેતો.ત્રીજા ધોરણમાં જતાં છોકરાં રીસેસ વખતે પહેલા ધોરણવાળા ને ધોરણ ૨(અ) માં એમને જવાનું ન થાય એ માટે પ્રાર્થના વખતે આંખો બંધ રાખવાનું સૂચન કરતા.ધોરણ ૨(અ) હ.બેનનો વર્ગ હતો(આખું નામ નહિ કહી શકાય).આખી શાળાનો એકમાત્ર ભયાનક ઓરડો. હ.બેનના વર્ગમાં ભણતાં છોકરાની માએ એક વાર તો નિશાળે છોકરાની ભીની ક્યારેક ભરાઈ ગયેલી ચડ્ડી બદલવા આવવું જ પડતું. હ.બેન જ્યારે મારતાં ત્યારે માર ખાનારા છોકરા કે છોકરીએ અવાજ કર્યા વગર ચૂપચાપ અદબ વાળીને જે-જે જગ્યાએ સ્ટીલની ફૂટપટ્ટી પડતી એ સહન કરી લેવાની રહેતી.માર ખાનાર છોકરું જો વાલીને ફરિયાદ કરતું તો બીજા દિવસે હ.બેન એનો સરવાળો કરી બદલો લેતાં.ધોરણ ૨ (બ)ના છોકરાંઓ (લલીતાબેનના)વર્ગ બહાર નીકળતા ત્યારે એકબીજાની સાથે ખૂબ ધીંગામસ્તી કરતા હોય.ભૂંગળા,બટેટા,પપ્પુજી, તીખું ભૂંગળું, ગળી લાકડી, મોટું ટોસ,આંબલી,ગળ્યા મમરાં,કાચી પાકી બદામો,બરફનો ગોળો કે કુલ્ફીની ઉજાણી કરતા.જ્યારે હ.બેનના છોકરાઓ પાછળના મેદાનમાં ભેગા થયા હોય.એમના ગાલ પર આંસુના રેગાડા સુકાતા ને પાછા ભીના થતા હોય. વ્હેતું નાક શર્ટની બાંયે લૂછાતાં ગાલ પર સફેદ પાતળી પરત જામી હોય.
બપોરે ૪ વાગ્યે હ.બેન લલીતાબેનના ઘરે જઈ હાથ પગ ધોઈ ઘૂંટણ ભેર થઈ બે હાથ એમની બંધ આંખો સામે એક કલાક સુધી રાખતાં. ત્યારે એમના છોકરાંઓને લલીતાબેન પોતાના રૂમમાં લઈ આવતાં.પાંચ વાગ્યે બીજા ધોરણના બધાં(અ અને બ બંન્ને વર્ગના) છોકરાં રમતાં-રમતાં એકબીજાને દફતર મારતાં, વાળ ખેંચતા, લંગડી રમતાં એકબીજાના ઈનશર્ટ કરેલાં શર્ટ ખેંચી પાછળથી પકડી લાઈનમાં જોડાતા.દરવાજામાં અદબ વાળી ઉભા રહેલાં હ.બેનને જાણે ઓળખતાં જ ન હોય તેમ બહાર નીકળી જતાં.
એક દિવસ અમે રોજની જેમ જ લલિતાબેનના ઓરડાની બારીએ લટક્યા હતાં.લલીતાબેનના પીળાં રંગના કૃષ્ણ ભગવાન પલંગ પર ચત્તા પડ્યા હતા.એની ઉપર એમની રુદ્રાક્ષની માળા આડી થઈ પડી હતી.પલંગની નીચે સાવરણી ત્રાંસી પડી હતી.દોરી પર કોરે કોરું પોતું લટકતું હતું. બંન્ને દરવાજાની પેલી પાર ગુલાબના છોડ પર રહેલું એક ગુલાબ કરમાઈને નીચું નમી ગયું હતું.આખા ઓરડામાં અંધારુ હતું.બારીના સળિયા પરની અમારી પકડ પણ સ્થિર થઈ હતી. અમે એકબીજા પર ‘ધક્કામુક્કી કરતા હતા એટલે જ લલીતાબેન નથી દેખાતા’ એવા મૂક આરોપ લગાવતા હતાં.ઘરના દરવાજા ખુલ્લા હતા એટલે અમે અંદર પહોંચી ગયા.ખૂણેખૂણો ખાલી હતો.લલીતાબેન જે ખૂણામાંથી મધના ટીકડાનો મુઠ્ઠો ભરી આવતા એ ખૂણામાં પટારો પડ્યો હતો.લલીતાબેનનું આખ્ખું ઘર અમારા કબ્જામાં હતું. છતાં,પટારા સુધી પહોંચવા કે પટારો ખોલવા અમે ધક્કામુક્કી નહોતા કરતા.ઘડિયાળનો કાંટો ૧૨:૩૦ વટાવી ચૂક્યો હતો.મોટા સાહેબે અમારી સામે પહેલીવાર આંખો મોટી નહોતી કરી.એક પછી એક અમારા બધાના હાથ પકડી અમને બહાર કાઢી હળવા અવાજે કહેતાં હતાં આજ તમારે રજા છે.બીજા દિવસે લલીતાબેનની બારી બંધ હતી.મધના ટીકડા વગર જ અમે પહેલી વાર પ્રાર્થનામાં ગયા હતાં.પ્રાર્થનાસભામાં એક ખુરશી પર લલિતાબેનના ફોટા પર પીળો હાર ચડાવી મુકાયો હતો.અમારા રાગડા ધીમા પડી ગયા હતાં.
લલિતાબેનના મધના ટીકડા છૂટ્યાને આજ પૂરાં વિસ વર્ષો વિતી ગયાં હતાં.. હોટેલમાં પીરસાયેલી અનેક વાનગીઓ પણ મધના ટુકડાની બરાબરી ન્હોતી કરી શકતી..મધના ટીકડાની કિંમત કરતાં તો અનેકગણી વધારે એની કિંમત હતી.તોપણ જાણે એ બધું થઈનેય મધના ટીકડાના સ્વાદને ભુલાવી શકતું નહોતું…અચાનક મારું ધ્યાન મુખવાસની ચાર ખાના વાળી ડિશમાં રોકાઈ ગયું હતું.એકમાં લીલી વરીયાળી,બીજામાં સાકરના ચોરસ નાનાં નાનાં ટુકડાં, ત્રીજામાં લાલ રંગની ડુંટીફૂટી અને ચોથામાં ટચલી આંગળીનો ચાંદલો બની શકે એવડા મધના ટીકડા ચપટા લંબગોળ આકારમાંથી ગોળાકાર બની પડ્યા હતાં.એક ઝાટકે મૂઠ્ઠો ભરી લેવાનું મન થયું.મારી પાછળ મુખવાસ લેવાની રાહે ઉભેલા એક કાકા જાણે મારા કારણે એમનો વારો લંબાતો હોય તેમ મારી અને પછી એ ટીકડા સામે જોતા હતાં. મહાપ્રયત્ને મેં બંન્ને હાથમાં ત્રણ ત્રણ ટીકડા જ લીધાં. મૂઠ્ઠો ન ભર્યો. બધાં ટીકડા એકસાથે મોંમાં ઓરીને મેં એ ઘંટડી આખી હોટેલમાં જમનારા અને બહાર ઉભેલાંઓને પણ સંભળાય એટલા જોરથી (વગાડવાને બદલે) ડંકાની જેમ બે હાથે ધણધણાવી નાંખી.કાઉન્ટર પર સફેદશર્ટમાં કાળી ટાઈની ભાત પાડતા ચીનાની ઝીણી આંખો પહોળી થઇ ગઈ હતી.તે તેના ગોળમટોળ ગાલને ચમકાવતો બીજા ચીનાને પણ મારી સામું જોવડાવી હસાવતો હતો.મારા મોંમાં મધના ત્રણ ટીકડાનું ગળપણ ફરી વળ્યું હતું.આવી મોટી હોટલમાં આવું મોંઘુદાટ જમનારાઓને જમી રહ્યા પછી જાત ભાતના મુખવાસ છતાં ક્યાંક મધના ટિકડાની જરૂર રહેતી હોય તો જ એ અહી લવાયા હોયને!!!! મારાં પગમાં અણધાર્યું ચેતન અનુભવાતું હતું.લંગડી લેતાં લેતાં ચાલવાનું ઘણુંય મન થયું પણ એક મોટ્ટો ને લાંબો ઓડકાર ખાઇ હું બહાર નીકળી ગઈ….
– અલ્પા વિરાશ(જે.આર.એફ) alpavirash@gmail.com
ગુજરાતી ભાષા સાહિત્ય ભવન ભાવનગર
સંપર્ક: ૮૩૨૦૯૪૬૦૮૭