‘રાષ્ટ્રવાદ’ના પરિપ્રેક્ષ્યમાં ક.મા.મુનશી અને ‘જય સોમનાથ’ નવલકથા

પ્રા. વિજયસિંહ ઠાકોર

‘રાષ્ટ્રવાદ’ પરિભાષા ખૂબ જ છદ્મ છે, વિશ્વમાં આ પરિભાષાને ભિન્ન ભિન્ન અર્થમાં લેવામાં આવી છે. ‘રાષ્ટ્રવાદ’ના કોઈ એક અર્થ પર સંમત થવું પણ યોગ્ય લાગતું નથી. જે તે રાષ્ટ્રના રાષ્ટ્રનેતા, વિદ્વાનો, કલાકારો અને પ્રજામાં પણ ‘રાષ્ટ્રવાદ’ અંગે મત-મતાંતરો જોવા મળે છે. ‘રાષ્ટ્રવાદ’ પરિભાષાને સમજવા માટે આપણે સૌ પ્રથમ કેટલાંક શબ્દકોશને તપાસીએ, ત્યાર બાદ કેટલાંક વિદ્વાનોની ચર્ચાઓ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે, વાસ્તવમાં ‘રાષ્ટ્રવાદ’ છે શું અને આપણે તેને કયા અર્થમાં લેવો જોઈએ ?

સંસ્કૃતમાં ‘राज’ ધાતુને  ‘ष्ट्रन’   પ્રત્યય લગાડવાથી ‘રાષ્ટ્ર’ શબ્દ બન્યો છે. ત્યાં ‘पशुधान्यहिरण्यसम्पद राजते शोभते इति राष्ट्रम ।’  (અર્થાત, પશુ, ધન, ધાન્ય, વગેરે સંપત્તિઓથી સુશોભિત ભૂમિભાગને ‘રાષ્ટ્ર’ કહેવાય.) ‘स्थावरं जंगमस्यापि राष्ट्र शब्देन गीयते।’ (અર્થાત્ રાષ્ટ્ર શબ્દથી સ્થાવર અને જંગમ સૃષ્ટિનો બોધ થાય છે.)

કેટલાંક શબ્દકોશ પણ આ બાબતે જોવા જેવા છે.

રાષ્ટ્રવાદ : રાષ્ટ્ર એક સ્વતંત્ર ઘટક છે, માટે તેનું હિત સાધવું એવો વાદ.

         (૧. વિનીત જોડણીકોશ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ૨૦૧૨, પૃ. ૫૭૦)

રાષ્ટ્રવાદ : રાષ્ટ્ર જ એક સ્વતંત્ર ઘટક છે એ પ્રકારનો મત સિદ્ધાંત

(૨ .બૃહદ ગુજરાતીશબ્દકોશ, ખંડ૨, સં. કે. કા. શાસ્ત્રી, યુનિ. ગ્ર. નિ. બોર્ડ, ૨૦૧૬, પૃ. ૧૯૧૭)

રાષ્ટ્રવાદ : રાષ્ટ્ર એક સ્વતંત્ર ઘટક છે, માટે તેનું હિત સાધવું એવો વાદ; રાષ્ટ્રપૂજા;                      સ્વદેશવાદ; પ્રજાસ્મિતા; રાષ્ટ્રીયતા

        (૩. ભગવદ્ગૌમંડલ, ખંડ ૮, પ્રવીણ પ્રકાશન, રાજકોટ, ૨૦૦૭, પૃ. ૭૬૩૪)

‘રાષ્ટ્રવાદ’ માટે અંગ્રેજીમાં Nationalizam (નેશનાલિઝમ) શબ્દ વપરાય છે. કેટલાંક અંગ્રેજી શબ્દકોશ તપાસીએ.

Nationalizam : Patriotic feeling or effortson behalf of one’s country, Policy of national independence ( રાષ્ટ્રીય ભાવના, રાષ્ટ્રીય સ્વતંત્રતાની નીતિ, પોતાના દેશ માટે પ્રયાસ,  રાષ્ટ્રીયતા) (૪. ઈંગ્લીશ-હિન્દી ડીકશનરી, સંગીતા આર. ભોગલે…,શાંતિ પ્રકાશન, ૨૦૧૪, પૃ. ૬૦૧)

Nationalism : Feelings for one’s nation – સ્વદેશ પ્રેમ                            

(૫. શબ્દકોશ, અંગ્રેજી-ગુજરાતી, યુનિ. ગ્ર. નિ. બોર્ડ, સં. ઉપેન્દ્ર ર. ભટ્ટ, ૨૦૦૪, પૃ. ૩૪૬)

        આમ, ઉપરોક્ત ‘રાષ્ટ્રવાદ’ પરિભાષાના વિવિધ શબ્દકોશમાં આપેલ અર્થો પ્રમાણે નીચે મુજબની બાબતો નોંધી શકાય.

  • ‘રાષ્ટ્રવાદ’માં એક સ્વતંત્ર રાષ્ટ્રનો સમાવેશ થાય છે.
  • ‘રાષ્ટ્રવાદ’ એટલે સ્વદેશ પ્રેમ.
  • ‘રાષ્ટ્રવાદ’ એટલે પોતાના રાષ્ટ્રનું હિત સાધવું.
  • ‘રાષ્ટ્રવાદ’ એટલે રાષ્ટ્રને વફાદાર રહેવું.
  • ‘રાષ્ટ્રવાદ’ એટલે રાષ્ટ્ર પ્રત્યેની અસ્મિતા.
  • ‘રાષ્ટ્રવાદ’ એટલે સ્વદેશાભિમાન.

‘રાષ્ટ્રવાદ’ને આપણે બે વિભાગમાં વહેચી શકીએ – ૧. સમન્વયવાદી ‘રાષ્ટ્રવાદ’ ૨. અંતિમવાદી ‘રાષ્ટ્રવાદ’. વિશ્વમાં સ્થાન પામેલ દેશો અને ત્યાની પ્રજામાં પોતાના રાષ્ટ્ર પ્રત્યે રાષ્ટ્રવાદી વલણ હોય એ સ્વાભાવિક છે. કિન્તુ કેટલાંક દેશ અને ત્યાંના મૂળ નિવાસીઓ પોતાના રાષ્ટ્ર પ્રત્યે રાષ્ટ્રવાદી વલણ રાખે છે અને સાથોસાથ અન્ય દેશની પ્રજાના રાષ્ટ્રવાદી વલણનો પણ સહર્ષ સ્વીકાર અને સન્માન કરે છે, જ્યારે કેટલાંક દેશ અને ત્યાંની પ્રજાનું રાષ્ટ્રવાદી વલણ એટલું ઉગ્ર હોય છે કે, તે અન્ય રાષ્ટ્રની પ્રજાના રાષ્ટ્રવાદી વલણનો સ્વીકાર કરી શકતા નથી. આ રીતે જોતા સમન્વયવાદી રાષ્ટ્રવાદ વિશ્વશાંતિનું પ્રતીક બને છે, જ્યારે અંતિમવાદી રાષ્ટ્રવાદ યુદ્ધોને નિમંત્રણ આપે છે.

કોઇ પણ પ્રજામાં જીવિત રાષ્ટ્રવાદ અને તેને પોષણ આપનાર પરિબળો ભિન્ન ભિન્ન પ્રકારના હોઈ શકે, કિન્તુ વ્યાપક રીતે જોતા માલુમ પડે છે કે, જે તે રાષ્ટ્રનો ઈતિહાસ, સાહિત્ય (કળા) અને રાષ્ટ્રનેતા આ ત્રણ પરિબળો પ્રજામાં રાષ્ટ્રવાદને જન્માવી શકે છે, પોષણ આપી શકે છે, અને સ્થિર કરી શકે છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે, મોટાભાગે રાષ્ટ્રનેતા દ્વારા પ્રગટાવેલ રાષ્ટ્રવાદ એ ઉગ્રવાદ સાબિત થયું છે અને ક્ષણજીવી રહ્યું છે. જ્યારે સાહિત્ય(કળા) દ્વારા પોષાયેલ રાષ્ટ્રવાદ સૌમ્ય અને ચિરંજીવી બન્યું છે. વિશ્વસાહિત્ય પ્રતિ નજર કરીએ તો સાહિત્યિક રાષ્ટ્રવાદે હંમેશા પ્રજાકલ્યાણ અને વિશ્વકલ્યાણને જ કેન્દ્રમાં રાખ્યા છે. સાહિત્યિક રાષ્ટ્રવાદ હંમેશા સમન્વયવાદી રાષ્ટ્રવાદ રહ્યું છે.

રાષ્ટ્રવાદ વિશે કેટલાંક પાશ્ચાત્ય અને પૂર્વેના વિદ્વાનોના મંતવ્યો જોવાથી ખ્યાલ આવશે કે, ‘રાષ્ટ્રવાદ’ પરિભાષામાં ખરેખર શું નિહિત છે અને ‘રાષ્ટ્રવાદ’નો જન્મ થવાના વિભાવો કયા કયા છે ? 

  ‘સૌ પ્રથમ કોઇ પણ પ્રજામાં એકતાની ભાવાના કે તે વિશેની સભાનતાનો જન્મ થાય  છે. આ એકતાની ભાવના જન્માવનારાં ઘણાં પરિબળો હોય છે. એક પ્રદેશમાં વસવાટ, એક જાતિ, એક જ ભાષા, એક જ ધર્મ, એક જ સંકૃતિ, એક જ ઈતિહાસ વગેરે તત્ત્વો છૂટાછવાયા કે સંયુક્ત રીતે કોઇપણ પ્રજાની એકતાની ભાવનાને જન્મ આપે છે. તેને કારણે લોકોને પોતાના સમાન હિતોનું ભાન થવા લાગે છે. અને તે પછી હિતો સિદ્ધ કરવા માટે તેમનામાં પોતાનું અલગ સ્વતંત્ર સાર્વભોમ રાષ્ટ્ર પ્રાપ્ત કરવાની ઝંખના જાગે છે. આ રીતે કોઇપણ પ્રજામાં એકતાની ભાવના તથા અલગ સ્વતંત્ર પ્રદેશ અને રાજ્ય પ્રાપ્ત કરવાની ઝંખના બંને સાથે મળીને જે ભાવનાનું નિર્માણ કરે છે, તે ભાવનાને રાષ્ટ્રવાદને નામે ઓળખાવી શકાય.

(૬. પાલમર અને પરકિન્સ, ઇન્ટર્નનેશનલ રિલેશન્સ ધી વર્લ્ડ કોમ્યુનીટી ઇન ટ્રાન્ઝીશન, પૃ. ૪૧)

‘રાષ્ટ્રવાદ એ પ્રજામાં એકતાની ભાવના સાથે અન્ય પ્રજાથી પોતે અમુક પ્રકારે અનોખી છે, પોતાના હિતો, પોતાની સંસ્કૃતિ અને જીવનપ્રણાલિ અલગ છે – તે રીતની અલગતાની ભાવના પણ સંકળાયેલી હોય છે. વાસ્તવમાં કોઇપણ પ્રજામાં પોતાની વિશિષ્ટતાઓ, અસ્મિતાઓનો ખ્યાલ જ રાષ્ટ્રવાદની ભાવનાને બળ આપતો હોય છે.

(૭. દેવેદ્ર, યુરોપનો ઈતિહાસ, ૨૦૧૨, પૃ. ૧૫૮)

        લોર્ડ બ્રાઇસનાં મત અનુસાર ‘રાષ્ટ્રવાદ એ એવો માનવસમૂહ છે કે જે સાહિત્ય, વિચારો, રીવાજો અને પ્રામાણિકતાના બંધનોથી જોડાયેલો છે અને આવા જ બંધનોથી જોડાયેલ બીજા માનવસમૂહોથી તે જુદો પડે છે – તેવું તે અનુભવે છે.’

(૮. પંડ્યા, હસમુખ, વિશ્વ રાજકારણ, ૨૦૧૨, પૃ, ૧૯૯)

        આમ રાષ્ટ્રવાદ એટલે આપણે એમ કહી શકીએ કે, એક ચોક્કસ ભૌગોલિક પ્રદેશની પ્રજા અથવા પ્રજાસમૂહ જેમની ભાષા, સાહિત્ય, સંસ્કાર, પરંપરા, ધર્મ, કળા-વારસો, વગેરે સહિયારો હોય, આ પ્રજાને પોતાના પ્રદેશ અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના હોય. આ સમૂહ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની સાથે સાથે પોતાના સાંસ્કૃતિક વારસાનું જતન કરે છે. પોતાના સાંસ્કૃતિક વારસા પ્રત્યે અસ્મિતાની લાગણી અનુભવે છે.

        ભારતમાં સ્વાતંત્ર્યના આંદોલનથી રાષ્ટ્ર ભાવાનાનો ઉદય થયો. ગુલામીમાંથી મુક્ત થવું તથા પોતાના સંસ્કારોને જાળવી રાખવા – તે પ્રત્યે ગૌરવ લેવાની ભાવના સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી જન્મી. સ્વદેશાભિમાન, સ્વદેશી કેળવણી, સ્વદેશી ઉત્પાદન અને ઉપયોગ પ્રત્યેના ગાંધીજીના વિચારોએ પણ રાષ્ટ્રવાદને જન્મ આપ્યો. ગાંધી વિચારોથી પ્રભાવિત ભારતીય સાહિત્યમાં પણ રાષ્ટ્રવાદી વલણો એ સમયમાં જોવા મળે છે. ગુજરાતી ભાષાસાહિત્યમાં ઉમાશંકર જોશી, સુન્દરમ્, ઝવેરચંદ મેઘાણી જેવા સમર્થ કવિઓ તથા ક.મા.મુનશી, કાકાસાહેબ કાલેલકર, ર.વ.દેશાઈ, મનુભાઈ પંચોળી, ધૂમકેતુ, રા.વી.પાઠક જેવા સમર્થ ગદ્યકારોના સર્જનમાં રાષ્ટ્રવાદી સાહિત્યની ઝાંખી થાય છે. આ નામોની યાદી ઘણી લાંબી થાય એમ છે. આ ગદ્યકારોમાં ક.મા.મુનશીએ તો પોતાના સર્જનમાં ભારોભાર રાષ્ટ્રવાદના દર્શન કરાવ્યા છે. મુનશીનું મોટાભાગનું સાહિત્ય રાષ્ટ્રની અસ્મિતાને પોષક નીવડ્યું છે.

        ક.મા.મુનશી બહુમુખી પ્રતિભાના સ્વામી હતા. એમની કલમથી અસ્મિતાવાદી ગદ્ય પ્રગટેલું છે. તેમને નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, આત્મકથા, જીવનકથા, પત્રકારત્વ એમ અનેક આયામોમાં પોતાનું સત્ત્વવંતા સાહિત્યનું પ્રદાન કર્યું છે. એમાં પણ ખાસ કરી તેમની ઐતિહાસિક નવલકથાઓ પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, પૃથ્વીવલ્લભ, જય સોમનાથ વગેરેમાં ગુજરાતી પ્રજાને રાષ્ટ્રીય અસ્મિતાના દર્શન કરાવ્યા છે. મુનશીએ પૌરાણિક વિષયો પર પણ નવલકથાઓ આપી છે, સાથોસાથ પૌરાણિક – ઐતિહાસિક વિષયો પર નાટકો લખ્યા છે. આમ મુનશીના સાહિત્યમાંથી પસાર થતા જોઈ શકાય છે કે, તેમની દૃષ્ટિ ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસ પર રહેલી છે. ગુજરાતનો ભવ્ય ઈતિહાસ આપનાર મુનશી અને તેમની શૈલી એકમેવ છે. અત્યંત બારીકાઇથી તેમને પોતાની રોમાંચક અને ભવ્ય શૈલીમાં ગુજરાતી પ્રજાને ગુજરાતના ભવ્ય ઈતિહાસથી સન્મુખ કરાવ્યા. ધારદાર નવલકથાઓ આપનાર મુનશીનું વાંચન અને સંસ્કૃતિ ચિંતન કેટલું વ્યાપક હશે, તેનો ભાવકને સ્વાભાવિક અનુભવ થાય છે.

        મુનશીએ વકીલાત તરીકેનો વ્યવસાય સ્વીકાર્યા બાદ પણ તેઓ અનેક દિશામાં કાર્યરત રહ્યાં. તેમને બારડોલી સત્યાગ્રહમાં સક્રિય ભૂમિકા નિભાવી હતી. નીતિ વિષયક મતભેદને કારણે તેઓ કોગ્રેસમાંથી છૂટા થયા અને ‘અખંડ હિન્દુસ્તાન’ કાર્યક્રમની રચના કરી હતી. સ્વરાજ પ્રાપ્ત થયા બાદ નિષ્ઠાવાન પીઢ નેતાની જરૂરીયાત ઊભી થતા ગાંધીજીએ મુનશીને યાદ કર્યા હતા. મુનશીએ સ્વરાજ મળ્યા બાદ હૈદરાબાદના એજન્ટ જનરલ તરીકે નિઝામ શાસનનો અંત લાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મુનશી ભારત સરકારના કૃષિ-અન્ન ખાતાના પ્રધાન, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પણ રહી ચૂક્યા હતા. બંધારણ સભાના પણ સભ્ય હતા. આટલી વ્યસ્તતાઓ વચ્ચે પણ મુનશી સતત લખતા રહ્યા. સ્વાતંત્ર્ય સંગ્રામ અને રાજ્ય વહીવટના બહુળા અનુભવો અને એ માટે કરેલા પ્રવાસો એ દરમિયાનનાં સંસ્મરણો મુનશીને સાહિત્યક્ષેત્રે ખપમાં આવ્યા.

        મુનશીનાં સમગ્ર સાહિત્યમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય વારસા પ્રતિ સજાગતા જોવા મળે છે. અહીં આપણે ‘જય સોમનાથ’ નવલકથામાં મુનશીના વિશેષ રાષ્ટ્રભાવને જોવાનો પ્રયત્ન કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે, ૮મી સદીમાં આરબ મુસલમાનોનાં આગમન બાદ એક પછી એક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. કેટલીક પ્રજા માત્ર વેપાર-વાણિજ્ય માટે આવી તો અંગ્રેજી પ્રજાએ પોતાના રાજકીય હિતો સ્થાપિત કર્યા. ભારત- ગુજરાત એક લાંબા સમય માટે મુસ્લિમ સલ્તનતની હકુમત નીચે રહ્યું છે. આ અરસામાં અકબર જેવા શાસકોએ સ્થિર શાસન આપવાનો પ્રયત્ન કર્યો તો બીજા પક્ષે મહંમદ ગજનવી જેવા લુટારાઓ ભારતને લૂંટવા આવ્યા હતા. મુનશીએ ૧૨મી શતાબ્દિના રાજા ભીમદેવ સોલંકી અને મહંમદ ગજનવી દ્વારા કરવામાં આવેલ સોમનાથ મંદિરની લૂંટને વિષય બનાવી ‘જય સોમનાથ’ નવલકથા આપી. નાના-મોટા રાજપૂત રાજાઓએ કેવી રીતે ગુજરાત અને ભારતવર્ષની કીર્તિ સમાન સોમનાથ મંદિરના રક્ષણ માટે હસતાં-હસતાં પોતાના પ્રાણોની આહૂતિ આપી દીધી, એ વિષય મુનશીએ પોતાની તેજસ્વી કલમથી ખેડ્યો છે.

         ‘જય સોમનાથ’ એ માત્ર વિધર્મીઓના આક્રમણની કથા નથી બનતી. સોમનાથ મંદિર પ્રત્યે પ્રજાની આસ્થા અને તે માટે મરી મીટવાની ભાવના કહો કે રાષ્ટ્રભાવના એ નવલકથાનો મુખ્ય સ્વર છે. ભીમદેવ, ચૌલાદેવી, ગંગસર્વજ્ઞ, ગંગા વગરેના જીવનમાં અને પ્રજા સમસ્તના જીવનમાં કોઈકને કોઈક રૂપે સોમનાથ પ્રત્યેની પ્રબળ આસ્થા આ નવલકથાનું ચાલકબળ છે. પ્રજાનું પોતાની આસ્થાને બચાવવા લડી લેવું – આ ખમીર મુનશીએ ભવ્ય શૈલીમાં કંડાર્યું છે. મુનશીએ સોમનાથને સમસ્ત ભારતના પાશુપત મતના કેન્દ્ર તરીકે કેવળ નથી સ્વીકાર્યું, કિન્તુ સોમનાથ ગુજરાત અને ભારતની અસ્મિતાને પોષતું એક જીવંત બળ હોવાનું મુનશીનું દર્શન છે. આ દર્શનને તેમણે નવલકથાના પાત્રો દ્વારા અભિવ્યક્ત કરવાની સફળ મથામણ કરી છે. તેમનો જ પક્ષ જોઈએ તો, ‘ સોમનાથ શિવાલય નહોતું આલય, નહોતું શહેર કે નહોતો સ્વસ્થ પ્રદેશ. સદીઓથી શ્રદ્ધાએ તેને દેવભૂમિ સમું સમૃદ્ધ અને મોક્ષદાયી બનાવી મૂક્યું હતું. સોમનાથ મંદિર એ માત્ર મંદિર નથી, સંસ્કૃતિ અને સંસ્કારધામ છે. ગંગસર્વજ્ઞ જેવો ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારને લઈને જીવતો ભક્ત છે, તો વિભિન્ન શાસ્ત્રોમાં પારંગત ગંગા છે. ગંગસર્વજ્ઞ અને ગંગાનું સંતાન ચૌલાદેવી છે. ચૌલાને સંસ્કૃતિ પ્રત્યે સન્માન છે. ભીમદેવ ભારતીય આસ્થા અને સંસ્કૃતિના રક્ષણ કાજે પરાક્રમી, તેજસ્વી યોદ્ધા છે. મહંમદ ગજનવી એ આસુરી બળ છે. તેની સામે સમગ્ર પ્રજા આધ્યાત્મિક બળનું પ્રતીક બને છે.  

               કુલ ૧૭ પ્રકરણોમાં લખાયેલ ‘જાય સોમનાથ’ નવલકથાના પ્રથમ પ્રકરણમાં જ મુનશી સોમનાથના પ્રાચીન મહત્ત્વનું વર્ણન કરી દે છે. લંકાપતિ રાવણ, કૃષ્ણ વગેરેની શિવભક્તિનું વર્ણન કરી તેની પ્રાચીનતા સિદ્ધ કરે છે. અહીં નૃત્ય પણ સંસ્કૃતિનું મહત્વનો હિસ્સો બને છે. ‘સોમનાથ’ સમક્ષ નૃત્ય કરવા માટેની લાયકીનું વર્ણન કરતા મુનશી લખે છે કે, ‘ દેવાલયની નૃત્યશાળાના નિયમ પ્રમાણે અઢાર નૃત્યશાસ્ત્ર, બાર અભિનયશાસ્ત્ર, સાત સંગીતશાસ્ત્રમાં નિષ્ણાંત એવી અઢાર વર્ષની બાળ નર્તકીને દેવ આગળ નૃત્ય કરવાનો અધિકાર મળતો.’ અને આવી બાળ નર્તકી ચૌલા છે. ત્રીજા પ્રકરણથી વિધર્મીના આક્રમણના સમાચાર મળી જાય છે. અહીં ઘોઘાબાપા જેવા તેજસ્વી પાત્રનો પરિચય થાય છે. જેને પોતાનું આખું જીવન સોમનાથના રક્ષણ કાજે ખર્ચી નાખ્યું અને વૃદ્ધત્વ આવ્યું હોવા છતાં સોમનાથની કીર્તિ માટે લડવા તત્પર છે. આ ઉપરાંત અનેક નાના-મોટા પાત્રો અને ભારત સહીત ગુજરાતના વિવિધ પ્રદેશના વર્ણનો મુનશીએ ઘણી બારીકાઇથી કર્યા છે.

        આમ, સમગ્ર રીતે જોતા ‘જય સોમનાથ’ નવલકથા માત્ર વિધર્મી આક્રમણની કથા ન બનતા સ્વદેશાભિમાન અને રાષ્ટ્રીય અસ્મિતાની કથા બને છે. મુનશી જ્યાં તક મળી ત્યાં ભારતીય સંસ્કાર અને શૌર્યને અભિવ્યક્ત કરવામાં ક્યાંય પાછા પડ્યા નથી. મ્લેચ્છોના આક્રમણ સામે ન ટકી શકાયું હોવા છતાં વિધર્મી બધું લૂંટી શકે છે કિન્તુ ‘સોમનાથ’ના ગૌરવને નથી લૂંટી શકાયું એવો ધ્વની પ્રગટ થાય છે.

પ્રા.વિજયસિંહ એમ. ઠાકોર

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નસવાડી

જિ. છોટાઉદેપુર