– ડૉ.રમજાન હસણિયા
આપણે સૌ જાણીએ છીએ તેમ રામાયણ એ આપણું આદિકાવ્ય છે. આદિમતા તો સહજ મળેલું વરદાન હોઈ શકે તેમાં સર્જકની કોઈ વિશેષતા રહેતી નથી. વિશેષતા છે એની અનાદિતા. આ મહાકાવ્ય કાળની ગર્તામાં ખોવાઈ નથી ગયું એમાં કારણભૂત છે એનું કવિકર્મ અને એથીયે વિશેષ એમાં નિરુપિત જીવનમૂલ્યો. આદિકવિ વાલ્મિકીરચિત આ કાવ્ય માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વ-સમસ્તમાં પ્રસિદ્ધ છે એની શાશ્વતતાને લીધે, એમાં નિરૂપાયેલ શાશ્વત જીવનમૂલ્યોને લીધે. આપણા આ મહાન કવિઓ જીવનને એટલી સૂક્ષ્મતાથી જોઈ અને પ્રમાણી શક્યા ને સાથોસાથ એટલી જ બારીકાઈથી આલેખી પણ શક્યા કે એમનું દર્શન આજે પણ એટલું જ પ્રસ્તુત છે.
રામાયણ એ માત્ર હિંદુ ધર્મનો ગ્રંથ જ નથી પરંતુ એ તો છે જીવનગ્રંથ. જીવન છે ત્યાં બધા જ પ્રકારની શક્યતાઓ છે; ત્યાં દૈવી તત્વ છે તો દૂરિત પણ છે. અહીં રામ પણ છે અને રાવણ પણ છે. પોતાના અને પારકાનો ભેદ કરનાર કૈકૈયી છે તો સૌને પોતાનાં જ ગણતા વાલ્મિકી પણ છે. કૈકૈયીના કાન ભરતી મંથરા છે તો પોતાના સ્વાભિમાન માટે ભાઈને યુદ્ધ માટે પ્રેરતી અથવા તો કહો કે સીતાનું હરણ કરવા માટે પ્રેરતી સુપર્ણખા પણ છે. ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત હનુમાન છે તો સાથોસાથ જીવનની બાલ્યાવસ્થાથી સંધ્યાકાળ સુધી રામની રાહ જોતી શબરી પણ છે. ભાઈ માટે રાજગાદી ત્યાગ કરવાનું સહર્ષ સ્વીકારી લેતાં ને રામની સાથે સેવા માટે નીકળી પડતા લક્ષ્મણ છે તો જ્યાં સુધી રામ પરત ન ફરે ત્યાં સુધી એમની પાદુકાને રાજગાદીએ બેસાડી નંદીગ્રામથી શાસનનો વહીવટ માત્ર કરતાં ભરતપણ છે. સામેપક્ષે સત્યને ખાતર ભાઈને છોડનાર વિભીષણ પણ છે. આ બધાની આસપાસ ગૂંથાયેલી છે રામાયણની કથાસૃષ્ટિ. પત્નીને ખુબ જ ચાહતા રામ છે,તો પતિવ્રતા સ્ત્રી સીતા પણ છે.ત્યાગમાં સીતા કરતાં પણ આગળ વધે એવી ઉર્મિલા પણ છે. એક એકથી ચડે એવા છે આ બધા પાત્રો અને એની પાછળ છુપાયેલું છે કવિ વાલ્મીકિનું જીવનદર્શન. ભગવાન શ્રીરામને આપણે મર્યાદા-પુરુષોત્તમ કહીને પૂજીએ છીએ ત્યારે લક્ષ્મણને યતિ કહીને એના ચારિત્ર્યની આજે પણ શાખ અપાય છે. ઊર્મિલાના ત્યાગને આજે પણ સહુ વંદે છે. બધા માંગે છે શબરી જેવી ભક્તિ અને શબરી જેવી શ્રદ્ધા અને એના જેવો અતૂટ વિશ્વાસ. રામાયણના પાત્રોમાં ઝીલાયું છે માનવ સ્વભાવનું. મનુષ્ય આવું વૈવિધ્ય. માણસ તરીકેની બધી જ સંભવીતતાઓને સર્જક આલેખી દઈ ભાવકને કઈ દિશામાં જવું એની સ્વતંત્રતા આપે છે.
કર્મની જે વ્યવસ્થા છે એ પણ કેવી તો અહીં ચૂપચાપ ઈંગિત થઈ ગઈ છે; માતા-પિતા અને શ્રવણનો વિયોગ કરાવનાર રાજા દશરથ પોતે પણ પુત્ર વિયોગે મૃત્યુ પામે છે. કુદરત કેવી રીતે ન્યાય કરે છે એની પણ આપણને પ્રતીતિ થાય છે. બીજી વાત એ કે માણસ કુદરત પાસે અથવા કહો કે પોતાના કર્મની ગતિ પાસે જેને આપણે નિયતિ કહી બેસતા હોઈએ છીએ એની પાસે કેવો લાચાર બની જાય છે ! એનો પણ તાગ મળે છે. આ બધા જ પ્રસંગો માત્ર કથા તરીકે આપણું મનોરંજન કરવા માટે નથી, આ કથાઓ તો આપણા જીવનના ઊર્ધ્વીકરણનું કારણ બને છે. ભગવાન શ્રીરામની વાત વાંચતા વાંચતા કે સાંભળતા સાંભળતા એનો એક અંશ પણ જો આપણી ભીતર અમલના રૂપમાં આવી જાય છે તો જીવન ધન્ય બની જાય છે. ભાઈ કેવો હોય ?, પતિ કેવો હોય ?, પત્ની કેવી હોય ?, પુત્ર કેવા હોય ? એનાં જ્વલંત ઉદાહરણ છે રામાયણમાં. રામાયણ એ શાશ્વત ગ્રંથ એટલા માટે નથી કે એ ભગવાનની વાત છે પણ એટલા માટે છે કારણ કે એ જીવનની વાત છે, જીવનના ઊર્ધ્વીકરણની વાત છે અને કોઈને પણ પોતાના જીવનને ઊર્ધ્વીકરણની દિશામાં લઈ જવું હોય તો કઈ રીતે લઈ જઈ શકાય એની આ કથા છે અને એટલે જ એનું અદકેરું મૂલ્ય છે.
કેવો પરાક્રમી રાવણ ! ભગવાન શિવનો પરમ ભક્ત ! જે હિમાલયને પણ ધ્રુજાવી શકે એવી તાકાત ધરાવતો રાવણ ! અનન્ય ભક્તિની તાકાત છે એની પાસે પણ મતિ ભ્રમિત થાય તો શક્તિમાન વ્યક્તિ પણ કેવો પતનના રસ્તે ચડી જાય છે એની પણ આ કથા છે. મતિને કેટલી સાચવવાની છે એ રામાયણકાર આપણને રાવણના પાત્ર દ્વારા બતાવે છે. ગમે એટલી શક્તિ હોય તમારી પાસે, ગમે તેટલું સામર્થ્ય હોય તમારી પાસે, ભલે તમે કોઈ બહુ મોટા દેશના સર્વસત્તાધીશ રાજા હો પણ જો તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ, તમારી વૃત્તિઓ અવળા માર્ગે વળી, ધર્મનો તમે ત્યાગ કરી અધર્મનો રસ્તો અપનાવ્યો તો તરત જ કાંઈ બીજી જ મિનિટે તમારું નિકંદન નીકળી જશે એવું નહીં થાય; પણ તમારું પતન તો એ જ ક્ષણથી શરૂ થઈ જશે અને એક દિવસ થઈને જ રહેશે. જાગૃત થવાની ક્ષણ પણ જીવન આપણને આપે છે અને લપસવાની ક્ષણ પણ જીવન આપણને આપે છે. મહત્વ એ વાતનું છે કે આપણે કંઈ ક્ષણને પકડી શકીએ છીએ ! રામાયણકાર કવિ વાલ્મિકી હોય કે પછી તુલસી હોય એમને અભિપ્રેત છે તે આ જીવનદર્શન છે.
રામાયણકાર ઈંગિત કરે છે કે શક્તિ હોવી એ અગત્યની વાત નથી. શક્તિ તો રામ પાસે છે એમ રાવણ પાસે પણ છે. વાત અગત્યની એ છે કે તમે એ શક્તિને કઈ દિશામાં પ્રયોજો છો. સકારાત્મક દિશામાં કે નકારાત્મક દિશામાં. શક્તિ તમને બંને માર્ગે લઈ જઈ શકે સર્જનના માર્ગે અને વિસર્જનના માર્ગે પણ. શક્તિ આવે છે ત્યાં બંને શક્યતાઓ ભેગી ઊભી થઈ જાય છે. ત્યારે આપણે વિવેકને જાગતો રાખવાનો છે. શક્તિની અપેક્ષા સેવતી વ્યક્તિએ એક સાથે બે કામ કરવાના છે : શક્તિના ઉપાર્જનનું અને સાથોસાથ એના માટે આવશ્યક વિનયના અંગીકારનું પણ. ભગવાન શ્રીરામ પાસે શક્તિ પણ છે અને એ શક્તિને ક્યારે પ્રયોજવી એનો વિવેક પણ છે.
રામાયણની પાત્રસૃષ્ટિમાં વૈવિધ્ય પણ છે અને વૈશિષ્ટય પણ છે. સમર્પણના મૂર્તિમંત રૂપ તરીકે ઉપસી આવે છે હનુમાનનું પાત્ર. હનુમાન એટલે રામાયણનું એક એવું પાત્ર કે જે ભક્તિની પરાકાષ્ઠા સમાન છે. ભક્ત કેવો હોય એના બધાં જ લક્ષણો આપણને હનુમાન પાસેથી મળે છે. પરમ શક્તિમાન હોવા છતાં પોતાના સ્વામી પાસે એક તણખલું બનીને બેસી જવું એ હનુમાન આપણને શીખવે છે. હનુમાન આપણને શીખવે છે જાત ઓગળી દેવાની કલા. પોતાના સ્વામી રામને હૃદયસ્થ કરીને બેઠેલા હનુમાન આપણા હૃદયમાં પણ આવીને વસે છે અને આપણને સીધી રીતે નહીં તો આડકતરી રીતે શીખવી જાય છે કે સ્વામીભક્તિના પાઠ.
અરે ! એક નાનકડી ખિસકોલી જેવું પાત્ર જે રામસેતુમાં પોતાનું યોગદાન આપવા માટે મથે છે ત્યારે આપણને એમ થાય છે કે આપણે આ નાનકડી ખિસકોલી ન બની શકીએ ? રામસેતુને બંધાતો જોઈ પોતે પાણીમાં પોતાનું શરીર પલાળી, રેતીમાં આળોટી,સેતુ માટે ગોઠવાતા પથ્થરો પર એ રેતી ખંખેરતી ખિસકોલી એમ વિચાર નથી કરતી કે, ‘હું તો સાવ નાનકડું પ્રાણી છું, મારાથી કેટલું થઈ શકશે ? આ તો બહુ મોટું ભગીરથ કાર્ય છે.’ એ ભલે નાની હોય પણ એનો ભાવ જરાય નાનો નથી. એ પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરે છે અને એટલે જ રામના હ્રદયમાં વસી જાય છે. આપણે પણ જો રામના હ્રદયમાં વસવું હોય તો રામના જ રામસેતુરૂપ આ જગતમાં આપણાથી થઈ શકે એટલું ખિસકોલીકૃત્ય તો કરવા યત્ન કરીએ !
વિભીષણનું પાત્ર પણ જુદી રીતે વિશિષ્ટ પ્રકારનું પાત્ર છે. પોતાનું સ્વજન પરમ શક્તિશાળી હોય અધર્મના માર્ગે હોય તો તેને ધર્મના માર્ગે વાળવા પ્રયત્ન કરવો અને તેમછતાં ન વળે તો તેનો ત્યાગ પણ કરવો પડે તો પણ કરવો એ વિભીષણ આપણને શીખવે છે. કુંભકર્ણ જેને આપણે ઊંઘણશી સમજીને અવગણીએ છીએ તેને પણ નીરખીને જોતાં એક ઉત્તમ ભાઈના આપણને તેમાં દર્શન થાય છે; ક્યાંક વિભીષણ કરતાં પણ એ આપણી નજરમાં ત્યારે ચડી જાય છે જ્યારે એ ભગવાન શ્રીરામ સામેના યુદ્ધમાં તેની આવશ્યકતા જણાતા તેને જયારે ઉઠાડવામાં આવે છે ત્યારે સૌથી પહેલા પોતાના ભાઈ પર કોઈ સંકટ આવી પડયું છે તેની જાણ થતા ભાઈની સેવા માટે બધું કરી છૂટવા એકદમ તત્પર બને છે; પણ જયારે તેને ખબર પડે છે કે ભાઈએ અધર્મનું આચરણ કર્યું છે, કોઈની સ્ત્રીને ઉપાડીને લઈ આવવી એ તો અધર્મ છે ત્યારે એ જ એના ભાઈને કહે છે કે, ભાઈ ! સીતાનું હરણ કરવા જતી વખતે જો તમે મને ઉઠાડીને પૂછ્યું હોત તો હું તમને ન જવાની સલાહ આપત. હજી પણ તમે ભગવાન શ્રીરામને સીતાજી સન્માનભેર સુપ્રત કરો એવી તે સલાહ આપે છે. જ્યારે ભાઈ રાવણ વાત નથી માનતો ત્યારે ભ્રાતૃધર્મ ખાતર લડવા તો જાય છે પણ ભાઈને કહેતા જાય છે કે, ‘તમને મારા આ છેલ્લા પ્રણામ છે કેમકે હવે હું જીવતો પાછો નહીં ફરું. હું લડીશ, મારા છેલ્લા શ્વાસ સુધી લડીશ, પણ મને ખાતરી છે કે હું મ્રુત્યુને જ વરીશ કેમકે આપણે ધર્મના પક્ષે નથી અને અધર્મનો ક્યારેય વિજય થતો નથી.’ તમે આ વ્યક્તિને કઈ રીતે રાક્ષસ ગણાવી શકો ? રામાયણના ખલનાયક પાત્રો પણ જો આવા ઉત્તમ કોટિના હોય તો એના મહાનાયક કે તેના ઉપનાયકો તો ઉત્તમ હોય જ ને !
રામાયણમાં આવતી પ્રાણીસૃષ્ટિ પણ ગજબની છે. ભગવાન શ્રીરામની સેનામાં એમની પડખે રહેલા વાનરો આમ તો કેવાં ચંચળ પ્રાણી ગણાય છે,પણ ભગવાનના ધર્મયુદ્ધમાં આ વાનરોને ધર્મના સહાયક બતાવી તેમનું પણ મૂલ્ય રામાયણકાર કરે છે. રામાયણ એ વાતને સ્વીકારે છે કે આપણે બધાં કેવાં એકબીજા ઉપર અવલંબિત છીએ ! જટાયુનું પાત્ર પણ કેવું ઉત્તમ ચિત્રિત કરાયું છે! કોઈ સ્ત્રીનું અપહરણ થતું જોઈને એ અપહરણકર્તા સામે અવાજ ઉઠાવનાર છે આ જટાયુ. મુદ્દો એ પણ છે કે એને પોતાને ખબર જ છે કે આ વ્યક્તિ મારા કરતાં વધારે શક્તિમાન છે, એની સામે ટકી નહી શકું ને હું સીતાજીને બચાવી પણ નહિ શકું. એ જાણતો હોવા છતાં પણ અન્યાયની સામે આંખ બંધ કરીને બેસી રહેવાનું જટાયુને સ્વીકાર્ય નથી. સામર્થ્ય હોય કે ન હોય પણ અન્યાયની સામે અવાજ ઉઠાવવાની શીખ જટાયુ આપણને આપી જાય છે. આપણને પ્રશ્ન થાય કે આપણે આવા જટાયુ બની શકીએ ખરા ? આંખ સામે થતા અન્યાયને આંખ આડા કાન કરીને ઉવેખનારાના ગાલ પર જટાયુ જાણે એક તમાચો છો.
ત્યાગના પર્યાયરૂપ એવું ઉર્મિલાનું પાત્ર સમતાવાન ભારતીય નારીનું પ્રતિક બનીને આવે છે. ભગવાન શ્રીરામ સાથે વનવાસે ચાલી નીકળેલા સીતાજી તો તેમના પતિ સાથે જ રહ્યા પણ ભર જુવાનીમાં ચૌદ વર્ષ સુધી પોતાના પ્રિય પતિ વિના એકલા-અટૂલા રહેવું એ કેટલું કપરું હોઈ શકે એ તો કોઈ ઉર્મિલાને પૂછે તો સમજાય ! એને પણ ઇચ્છા છે કે હું પણ મારા પતિ સાથે વનમાં જાઉં. પરંતુ લક્ષ્મણ ભાઈ અને ભાભીની સેવા-ભક્તિમાં ક્યાંય ઓછપ ન આવે એટલે ઉર્મિલાને સાથે લઈ જવા તૈયાર નથી. પતિ ઈચ્છા માટે પોતાની ભાવાનોને હોમી દેતી ઊર્મિલાના ત્યાગની અવગણના ન થઈ શકે. લક્ષ્મણની જેમ ઉર્મિલા પણ એટલા જ પૂજનના અધિકારી બને છે.
આવાં તો કેટકેટલાં જીવનમૂલ્યો જેમાં અનાયાસ વણાયાં છે એવો ગ્રંથ રામાયણ એ કોઈ કહેવા- સાંભળવાની વાર્તા કે મનોરંજનનું સાધન નથી, માત્ર ધર્મગ્રંથ તરીકે પૂજનમાં રાખી દેવાનો ગ્રંથ પણ નથી, એ તો છે જીવનગ્રંથ. જીવનની દરેક ક્ષણે ઊર્ધ્વતાનો માર્ગ ચીંધતો આ ગ્રંથ જીવન ઉત્કર્ષનું શાસ્ત્ર બની રહે છે.
મદદનીશ પ્રાધ્યાપક-ગુજરાતી
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ-રાપર,કચ્છ.
મો.૭૫૬૭૦૬૪૯૯૩