શ્રવણાં સાંભળ સાદ,આયલ જો આવત નહીં.
મો ‘પીથલ’ મરજાદ, રહતી કિણ વિધ રાજિયા.૧
શહેનશાહ અકબરથી સૌ કોઈ પરિચિત છે. હાલમાં ઑ.ટી.ટી. પ્લેટફોર્મ ઉપર રજૂ થયેલી ‘તાજ’ વેબ સીરિઝમાં પણ અકબરના અનેક રહસ્યોને ઉજાગર કરવામાં આવેલા છે. ઇતિહાસમાં ઘણી વખત અમુક બાબતોને છુપાવવામાં આવે છે.મહાન અકબર વિષે પણ આવું જ થયું છે. અકબરના જીવનના એક બીજા ભાગને ઓંકારસિંહ લખાવતે સાહસની સાથે પ્રગટ કર્યો છે. ઓંકારસિંહ લખાવત દ્વારા પ્રકાશિત ‘રાજલ- અકબર કા નવરોજ દિયો છુડાય’ કૃતિ ઇરાનમાં ઉજવવામાં આવતા તહેવાર ‘નવરોજ’ વિષે છે. પરંતુ કૃતિની નાયિકા તો કેવળ ‘આઈ રાજબાઈ’ છે જે સાક્ષાત માતાજીનું એક સ્વરૂપ છે.
લખાવતજીની અનુભવ સિદ્ધ રચનાત્મક પ્રતિભાના ત્રણ પ્રકાર છે જે તેઓએ સતત સાધના અને કઠોર પરિશ્રમથી પ્રાપ્ત કર્યા છે. પત્રકારિતા,વકીલાત અને સાંસદીકતા એક જ વ્યક્તિમાં જોવા મળે તે એક ચમત્કાર છે. તેમની પાસેથી આપણને ‘જય આવડ આશાપુરા’, ‘બારહઠ નરહરિદાસ’, ‘હિંગલાજ શક્તિપીઠ’, ‘બોલ સાંસદ બોલ: યુગ ચારણ બનકર બોલ’, ‘સંસાર કા સિરમોર સત્યાગ્રહ: આઉવા કા ધરણાં’, ‘મહારાજ દાહરસેન’, ‘સ્વાંતંત્ર્ય વીર ગોવિન્દ ગુરૂ’, ‘સ્વાંતંત્ર્ય રાજસૂય યજ્ઞ મે બારહઠ પરિવાર કી આહુતિ’ અને ‘રાજલ-અકબર કા નવરોજ દિયો છુડાય’ જેવા માહિતીસભર પુસ્તકો પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત કૃતિમાં તેમણે ઇતિહાસની ઘટનાને નિર્ભિકપણે દસ્તાવેજોના પ્રમાણો સાથે પ્રગટ કરી છે . નવરોજનો તહેવાર કેવી રીતે મીનાબાજારના માર્ગથી નીકળીને એક વિકૃત ઉજવણી બને છે અને નવરોજના બહાને કામુકતાનો મદનોત્સવ બની જાય છે. તે ઇતિહાસ તેમણે પૂરી નિષ્ઠાથી આપેલો છે. આમ જોઈએ તો ચારણોએ પ્રાચીનકાળથી સત્યને નિર્ભિકપણે જ રજૂ કર્યું છે.
આઈ રાજબાઈનો જન્મ ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં આવેલા ધ્રાંગધ્રા તાલુકાનાં ચરાડવા ગામમાં વાચા શાખાના ચારણ ઉદયરાજના ઘરે થયો હતો. તેમનો જન્મ લોકપૂજય દેવી કરણીમાતાના સ્વર્ગવાસ પછી લગભગ ૧૦ મહિના પછી થયો હતો. આથી તેમને કરણી માતાના અવતારી દેવી માનવામાં આવે છે. પૃથ્વીરાજ રાઠોડની પત્ની ચંપાદેની લાજ બચાવવા માટે ડોલીમાં બેસી દિલ્હી ગયેલા. પરનારીને પામવા લાલાયત બનેલા અકબરને સિંહણનું વિકરાળ રૂપ દેખાડી હરાવ્યો હતો. અને નવરોજ બંધ કરાવી હિન્દુ સ્ત્રીઓની આબરૂ સાથે થતો ખીલવાડ બંધ કરાવેલો.
આઈ રાજલબાના અકબરના નવરોજ બંધ કરાવ્યાના પ્રસંગ ઉપર જે ઐતિહાસક માહિતીઓ મળે છે. તે અને તેના ઉપર રચાયેલા સાહિત્યને આ પુસ્તક્મા પ્રગટ કરવામાં આવ્યું છે. હસ્તપ્રતોની નકલને તેમજ વિવિધ વિદ્વાનોના મતોને પણ રજૂ કરવામાં આવ્યા છે. પુસ્તકનાં આરંભમાં આપણને પદ્મશ્રી મુજફ્ફર હુસૈન અને પદ્મશ્રી ડો.ચંદ્રપ્રકાશ દેવળની પુસ્તક ઉપરની સમીક્ષા પ્રાપ્ત થાય છે.
ઇરાનમાં ઉજવાતા નવરોજ વિષેની માહિતી વિવિધ તથ્યો સાથે પ્રગટ કરવામાં આવી છે.જલાલૂદીન મૂહમ્મદ અકબરના જીવન વિષે વિવિધ વિદ્વાનો પાસેથી મળતી માહિતી પણ આપવામાં આવી છે. નવરોજની ઉજવણીમાં જે રીતે મીનાબજારમાં સ્ત્રીઓની પેશગી થતી તેની માહિતી પણ આ પુસ્તકમાથી પ્રાપ્ત થાય છે. આઈ રાજબાઈ માતાજીના જીવન સાથે જે ચમત્કારના પ્રસંગો જોડાયેલા છે તેનું વિવરણ પણ અહીં આપવામાં આવેલું છે. જેમાં અકબરના નવરોજ છોડાવવાનો પ્રસંગ આ પ્રમાણે છે.
એક વખત આઈ રાજલમાં દુષ્કાળ પડવાને કારણે પરિવાર તેમજ પશુઓને લઈને ગુજરાતથી રાજસ્થાન દદરેવા(ચૂરુ) નામના ગામમાં પશુપાલન અર્થે ગયેલા. બિકાનેરના મહારાજા પૃથ્વીરાજ રાઠોડ ઘોડા ઉપર સવારી કરીને પોતાના સાસરિયાં જે જૈસલમેરમાં હતા તે તરફ જઈ રહ્યા હતા.ત્યાં તેમણે દદરેવા નજીક જંગલમાં એક નદીના કિનારા ઉપર બે જંગલી ભેંસોને લડતી જોઈ. આઈ રાજબાઈ પાણી ભરવા નદી તરફ જઈ રહ્યા હતા તેમણે લડી રહેલી ભેંસોના સીંગડા પોતાના હાથેથી પકડીને તેમને અલગ કરી દીધી. પૃથ્વીરાજે જોયું કે જે ભેંસો પૂરી તાકાતથી લડી રહી હતી તે મૂર્તિવંત ઊભી રહી ગઈ અને આઈ રાજબાઈ પાણી ભરીને બંને ભેંસોની વચ્ચેથી નિકડીને ચાલ્યા ગયા અને ફરીથી ભેંસો પૂરી તાકાતથી લડવા લાગી.
પૃથ્વીરાજ રાઠોડે આઈ રાજબાઈને પ્રણામ કર્યા અને આઈ રાજબાઈને તેઓ દેવી સ્વરૂપ માનવા લાગ્યા. આઈ રાજબાઈ પૃથ્વીરાજને પોતાના પિતા પાસે લઈ ગયા અને તેમનો સત્કાર કર્યો. પૃથ્વીરાજે જ્યારે આશીર્વાદ માગ્યા ત્યારે આઈ રાજલબાઈએ કહ્યું કે જ્યારે પણ કોઈ સંકટનો અનુભવ કરો ત્યારે મને યાદ કરજો હું જરૂર આવીશ.
જ્યારે પૃથ્વીરાજ રાઠોડની પત્ની ચંપાદેને અકબરે નવરોજના અવસર ઉપર બોલાવ્યા ત્યારે પૃથ્વીરાજ રાઠોડને પોતાની માન-મર્યાદા ઉપર સંકટના વાદળો મંડરાતાં દેખાવા લાગ્યા.આથી તેમણે આઈ રાજબાઈનું સ્મરણ કરતાં પ્રાર્થના કરી કે નવરોજમાં મારી પત્નીના જવાથી મારુ કુળ કલંકિત થઈ જશે આથી મારી મદદ કરો.આઈ રાજબાઈ તરત સિંહણનું રૂપ લઈને બાદશાહ અકબરને ડરાવે છે અને મિનાબાજારમાં ભલા ઘરની સ્ત્રીઓને ન બોલાવવાની સૌગંધ લેવડાવે છે.
ઉપરોક્ત પ્રસંગ સાથે જોડાયેલી સૂક્ષ્મ બાબતોને પણ લખાવત સાહેબે વિવિધ તથ્યો પ્રમાણો સાથે પ્રગટ કરી છે.રાજસ્થાની શબ્દકોશ,વશભાસ્કર,વેલી કિસન રૂકમણી રી, રાવત સારસ્વત વાચા ચારણોના રાવલજીની વહી,દયાલદાસરી ખ્યાત વગેરેમાં નવરોજની જે ઘટના છે તે સંદર્ભો સાથે અંહી નિરૂપિત થયેલી જોવા મળે છે . વેલિ કિશન રુકમણી રી ના અનુવાદ ગ્રંથની ભૂમિકામાં ‘નૌરોજ’ મેળાનું વિવરણ પ્રાપ્ત થાય છે. જે આ પ્રમાણે છે.
એક કથા પ્રચલિત છે કે અકબર બાદશાહના રાજ્યમાં વર્ષમાં એકવાર રાજધાનીમાં ‘નૌરોજ’ નામનો બીભત્સ મેળો થયા કરતો હતો. સામ્રાજ્યની રાજનીતિક પરિસ્થિતિને જાણવા માટે આ મેળો સાધન માત્ર કહી શકાય. આ જ મેળામાં મોટા હિન્દુ ઘરાનાની મહિલાઓનો મેળો પણ થતો હતો. જેમાં બાદશાહ ગુપ્ત વેશમાં મેળામાં જતો હતો અને પોતાની રૂપ સૌંદર્યને જોવાની વાસનાને તૃપ્ત કરતો હતો. મહારાજ પૃથ્વીરાજની પત્ની અત્યંત સુંદર હતી બાદશાહે તેના પર કુદષ્ટિ કરેલી ત્યારબાદ પાપાચારનો એકાંતમાં પ્રસ્તાવ મળતા બાદશાહની જે દશા વીર ક્ષત્રિયાણીએ કરેલી તે બધા જાણે છે. બિકાનેરની ખ્યાતમા લખેલું છે કે તે સમયે રાણીના ધર્મને બચાવવા માટે રાજબાઈ નામની ચારણ કન્યા સહાયતા માટે આવેલી જે સ્વયં દૈવી શક્તિઓ ધરાવતા હતાં અને જેમણે મહારાજ પૃથ્વીરાજની સૌજન્યતા અને વીરતાથી પ્રસન્ન થઈને સંકટ સમયમાં સહાયતા કરવાનો વરદાન આપેલું હતું.૨
લખાવત સાહેબે આ કૃતિમાં જે કવિઓ અથવા વિદ્વાનોએ નવરોજ વિશે માહિતી આપી છે તેમનો ટૂંકમાં પરિચય પણ આપેલો છે. જેમ કે, દુલા ભાયા કાગ, દુરસાજી આઢા, મહારાણા અમરસિંહ, ગુલાબભાઈ, ઝાડા મહડુ, સરસીયા કરણીદાન કવિયા, શંકરદાન સામૌર આવા તો અનેક કવિઓની રચના તેમના પરિચય સાથે અહીં પ્રગટ થયેલી જોવા મળે છે. ગાગરમાં સાગરને સમાવવાનું કામ લખાવત સાહેબે કરેલું છે જે તેમની વિદ્વતાનો પરિચય આપે છે.
ગુજરાતી કૃતિઓની ભાષા ગુજરાતી રહેવા દઈને હિન્દી લિપિમાં અહીં રજૂ કરવામાં આવેલી છે જેમાં પ્રસિદ્ધ વિદ્વાન પિંગળશી પરબતભાઈ પાયક દ્વારા અકબરના નવરોજા વિશેની માહિતી ગુજરાતી ભાષામાં છે.૩
ચારણી સાહિત્ય અને લોકસાહિત્યના પ્રખર વિદ્વાન એવા ડૉ. અંબાદાન રોહડિયા ‘શબ્દાયન’ નામના તેમના પુસ્તકમાં નવરોજાની ઘટનાનું નિરૂપણ કરે છે તે પણ અહીં રજૂ થયેલું જોવા મળે છે.
નવરોજા વિશેની નાનામાં નાની બાબતોની લખાવત સાહેબે આ પુસ્તકમાં એવી રીતે ગુંથણી કરેલી છે કે વાચકને ક્રમાનુસાર માહિતી મળતી રહે છે. લખાવત સાહેબે વિભિન્ન વહીઓ, ખ્યાતો, દેશી અને વિદેશી ઇતિહાસકારોના પ્રમાણો મેળવીને ઘટના તરફની તેમની પ્રમાણિકતા ઉજાગર કરી છે. લખાવત સાહેબે પોતાના તરફથી કાંઈ કહેવા કરતા પ્રમાણો આપવામાં અધિક રુચિ બતાવી છે. આથી આ પુસ્તક ઇતિહાસના વિદ્યાર્થીઓ માટે પણ ઘણું ઉપયોગી બની રહે છે. લખાવત સાહેબને ફારસી, અંગ્રેજી, રાજસ્થાની, ગુજરાતી અને હિન્દી જે કોઈ ભાષામાંથી ગદ્ય હોય કે પદ્ય જે માહિતી મળી છે તે તેમણે તે જ સ્વરૂપે રજુ કરી છે. ડૉ. મંજુલા પારેખ કહે છે કે, વિષયવસ્તુને સત્યની કસોટી ઉપર ચકાસવા તથ્યોનું આ પ્રકારે ઐતિહાસિક પ્રમાણીકરણ સાહિત્યમાં અનુઠો પ્રયોગ છે.૪
આ પુસ્તકના આરંભમાં આપણને દસ્તાવેજી સાહિત્ય પ્રાપ્ત થાય છે તો અંતમાં અનેક કવિઓ અને વિદ્વાનોએ રચેલી કૃતિઓ પ્રાપ્ત થાય છે. ગુજરાતી ચારણી સાહિત્યની ઘણી રચનાઓ અહીં રજૂ થયેલી છે જેમાં કવિ માવદાનજી રત્નુની સિંહણી સરૂપે થતા દેખતા દિલ્લીપતિ દિલ ગયો ડરી અને રાજકોટના આપા ભાઈ (કવિ આપ) ની રચનાઓ અહીં આપવામાં આવેલી છે.
પત્ય મટાડી પીથલરી,
રખી લાલાંદે કેરી લાજ.
બંધ કી અકબર તણી,
બાય તે મીના બજાર.૫
ઓમકારસિંહ લખાવતની સાહિત્ય પ્રીતિ તેમજ શૂરવીરોના બલિદાન પ્રત્યેની ભાવના સૌ કોઈ જાણે છે તેમની પ્રસ્તુત કૃતિ એક ઐતિહાસિક દસ્તાવેજ સમાન છે કારણ કે જે પણ માહિતી રજૂ કરવામાં આવી છે તેમના પુરાવા પણ રજૂ કરવામાં આવેલા છે ચારણ હંમેશા સત્યનો પૂજારી રહ્યો છે. રાજા હોય કે અન્ય કોઈ, અન્યાય સામે તે હંમેશા લડતો રહ્યો છે. સાહિત્યની સરવાણી ચારણોમાં નિરંતર વહેતી આવી છે.લખાવત સાહેબે પ્રસ્તુત કૃતિમાં સાહિત્યની સાથે ઐતિહાસિક પ્રમાણો આપીને આ કૃતિનું મૂલ્ય અનેક ગણું વધારી આપ્યું છે. ઇતિહાસ અને સાહિત્ય બંનેના વાચકો માટે આ કૃતિ ખૂબ ઉપયોગી અને ખરા અર્થમાં એક ઐતિહાસિક દસ્તાવેજ બની રહે છે.
- સંદર્ભસૂચિ:
૧. ‘રાજલ- અકબર કા નવરોજ દીયો છુડાય’ – ઓંકારસિંહ લખાવત, પૃ.૧૨
૨. એજન – પૃ.૫૬
૩. એજન – પૃ.૧૦૮
૪. એજન – પૃ.૧૩૩
૫. એજન – પૃ.૩૩
ડૉ. પ્રવીણ પી. સાંજવા, મદદનીશ પ્રાધ્યાપક, ગુજરાતી, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, ઓખામંડળ, જિ. દેવભૂમિ દ્વારકા.
મો.નં. : 8758791415, ઇ-મેઈલ : sanjvapravin@gmail.com
પ્રયાસ An Extension… A Peer Reviewed Literary e magazine, ISSN: 2582-8681 VOLUME 4 ISSUE 6 CONTINUE ISSUE 19 NOV- DEC : 2023